Thursday, 4 April 2019

વાર્તા શિબિર - ૮ (અમદાવાદ)  નરેન્દ્રસિંહ રાણા


અમદાવાદ વારતા શિબિર-૮ : ૩૧ માર્ચ ૧૯, સ્ક્રેપયાર્ડ, પાલડી. 

~ હું, શિબિર અને રાજકોટના પેંડા ~

                                               


વારેવાની વાર્તા શિબિરોના અહેવાલોમાં વર્ષોથી પરંપરા રહી છે કે શિબિરમાં થતા નાસ્તાઓ વિશે વિસ્તૃત લખવું. હું પણ આ પરંપરાને આગળ ધપાવવાનો છું. આનેતમારે પાણી પહેલા પાળ બાંધીસમજી લેવું.

સવારમાં ઉઠ્યો ત્યારથી શિબિરમાં પહોંચ્યો ત્યાં સુધીનો ઘટનાક્રમ લખીશ તો સુત્રધાર મને ફરી શિબિરમાં થતા નાસ્તાઓ વિશે લખવાનો મોકો નહિ આપે માટે સીધો જ મૂળ વાત પર આવું.

સ્ક્રેપયાર્ડ પર પહોંચ્યો ત્યારે વાતાવરણ બદલાયેલું લાગ્યું. કાયમી શાંત લાગતું સ્ક્રેપયાર્ડ ભર્યુંભાદર્યું લાગ્યું. લોકોની આટલી મોટી સંખ્યા જોઈને થોડીવાર ગૂંચવાયો. દરવાજા પર બેઠેલા એક ભાઈએ મને ટીકીટ આપવાનો પ્રયાસ કરતા જાણે હું કોઈ પેરેલલ યુનિવર્સમાં પહોંચી ગયો હોય એમ લાગ્યું. મને એમ થયું કે કદાચ મારી જાણ બહાર સુત્રધારે નાટકનું આયોજન કર્યું હશે.

                                    


હું અંદર એક આંટો પણ મારી આવ્યો. નાના ભૂલકાઓ મમ્મીપપ્પાઓ સાથે, એક ભાઈ દ્વારા અંગ્રેજીમાં કહેવાઈ રહેલી વાર્તાઓ માણી રહ્યા હતા. હું ફરી મુખ્યદ્વાર પર પાછો આવ્યો. રાજુ વિશે પેલા ભાઈને પૂછ્યું. તેમણે રાજુ નાસ્તો કરવા ગયો છે અને શિબિરના સભ્યો બાળકો સાથે વાર્તાઓ માણી રહ્યા છે તેમ કહ્યું એટલે હાશકારો થયો. મારી પેરેલલ યુનિવર્સવાળી થિયરીનો છેદ ઉડી ગયો.

મેં અંદર જઈને એકતા અને નમિતાને ઓડિયન્સમાંથી શોધી કાઢ્યા. શ્રદ્ધા પણ ત્યાં જ હતા પણ મેં તેમને ન ઓળખ્યા. હું પણ બધા સાથે વાર્તા સાંભળવામાં જોડાયો.

બાળકો સાથે વાર્તા સાંભળવાની મજા પડી. વાર્તા કહેનાર વ્યક્તિ જે રીતે હાવભાવ સાથે વાર્તાઓ કહી રહ્યા હતા એ સાચે જ જોવાલાયક હતું. જો કે મારું ધ્યાન તો એ ભાઈની દરેક ક્રિયાઓ સાથે ઉપરનીચે થતી ફાંદ પર જ હતું.

ભૂલકાઓમાં એક ઢીંગલી જાણે એ બધી જ ક્રિયાઓથી અલિપ્ત હતી અને આરામથી બગીચામાં ફરતી હોય એમ ફરી રહી હતી. જ્યારે એક છોકરાને એના મમ્મી પરાણે વાર્તામાં રસ લેવડાવી રહ્યા હતા. છોકરાના ચહેરા પર અણગમો સ્પષ્ટ હતો. જો કે બધા જ ભૂલકાઓ અને મોટાભાગની મમ્મીઓ આખી પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા હતા. જ્યારે પપ્પાઓ ધીરગંભીર ચહેરાઓ સાથે આખી એક્ટિવિટીને નિહાળી રહ્યા હતાઆપણા ગ્રુપના સભ્યો પણ બાળકોની સાથે ભાગ લઈ રહ્યા હતા. બધામાં બાળકો હજુ જીવે છે એ જોઈને આનંદ થયો.

થોડીવાર પછી સુનિલ પણ અમારી સાથે જોડાયો. એ મારી પાસે આવીને બેઠો એટલે મેં આજના શેડ્યુલ વિશે પૂછ્યું. તેણે ફાઉન્ટેનહેડ નવલકથાનું પહેલું પ્રકરણ અને એકતાની નવલકથાભાણગઢ - એક અમર પ્રેતકથાપર થનાર ચર્ચા વિશે જણાવ્યું.

મેં સુનીલને બાળકોનો વાર્તા પ્રત્યેનો પ્રેમ આપણા કરતા વધુ છે એમ કહ્યું. મેં તેનું માબાપ અને બાળકોની પ્રતિક્રિયા વચ્ચેના અંતર વિશે પણ ધ્યાન દોર્યું. તેણે મને જણાવ્યું કે એક ઉંમર પછી આવી નિર્દોષતા ચાલી જાય, જે ગમે તેટલા પ્રયત્નો છતાં પાછી નથી આવતી. હું તેની સાથે સંમત થયો. મને જગજીતસિંગનીવો કાગઝ કી કસ્તી…’ ગઝલ યાદ આવી.

મેં અને સુનિલે અંતે એ સરસ કાર્યક્રમ છોડીને શિબિરના કાયમી ઓરડામાં બેસવાનું નક્કી કર્યું. અમે ત્યાં જઈને બેઠા પછી સુત્રધારને ફોન લગાવ્યો. સૂત્રધારે પાક્કા રાજકારણીની જેમ વીસ મિનિટનો વાયદો આપ્યો. અમે વારેવાના પુસ્તકની વાતોએ વળગ્યા. થોડીવારમાં બાળકોનો કાર્યક્રમ પૂરો થતાં અમારી સાથે એકતા, નમિતા અને શ્રદ્ધા પણ જોડાયા.

શ્રદ્ધાએ પોતાની ઓળખાણ આપી એ સાથે જ તેને જોઈને મનેસૌથી સુકલકડી સભ્યતરીકેનું મારું સ્થાન ભયમાં લાગ્યું. સભ્યો જેન્ડર બાયસડ થયા વગર જો મતદાન કરે તો મારા બદલે શ્રદ્ધા સૌથી સુકલકડી સભ્યનું ઈનામ જીતી જાય. જો કે સુત્રધાર આ બાબતમાં અમારા બન્ને કરતા આગળ છે.

બધા વાતે વળગ્યા. દરેક પોતાની વાર્તાઓ વિશે ચર્ચા કરી રહ્યા હતા. મારા જેવા સવારના તરસ્યા માણસને પાણી પીવરાવવાનું પુણ્ય ત્રણેય મહિલા મિત્રોને પ્રાપ્ત થયું. એકતા તો મારા માટે ઓરેન્જ જ્યુસ પણ લાવ્યા હતા. જેણે આગળ જતાં પેટને જરૂરી રાહત આપીશ્રદ્ધાએ
શીર્ષકમાં લખ્યું છે એ રાજકોટના પ્રખ્યાત પેંડા પીરસ્યા. આખી શિબિર દરમ્યાન એ પેંડાનું બોક્સ ફરતું રહ્યું. બધાએ મોજથી પેંડા ખાધા.

સુનિલે ફરીદની ફોન કર્યો તો જાણવા મળ્યું કે તેઓ અને છાયા નડિયાદ વટયા છે. તેમણે પણ સુત્રધારની જેમ જલ્દી પહોંચવાનો વાયદો આપ્યો.

અમે વાર્તાઓની અને કોણ ક્યાંથી છે એવી બધી ચર્ચાઓ કરતા રહ્યા. ફરી સુત્રધારને ફોન લગાડવામાં આવ્યો જેમણે આ વખતે પાંચ જ મિનિટનો વાયદો આપ્યો.

અંતે સુત્રધાર અને ધર્મેન્દ્ર ત્રિવેદી પ્રગટ થયા. ધર્મેન્દ્ર ત્રિવેદીને જોઈને કાયમ મને અમીતાભનોમૂછે હો તો નથ્થુંલાલ જૈસી હો…’ વાળો સંવાદ યાદ આવે છે.

સૂત્રધારે આવતાની સાથે જ ચા યાદ કરી અને નવા કપ કાઢ્યા. મહિલા સભ્યોએ મદદની ઓફર કરી તો સુત્રધારેજેન્ડર બાયસડથવાનો મુદ્દો આગળ કર્યો. એટલે બધા જ પુરુષ સભ્યો કપ ધોવા અને ચા પીરસવાની વિધિમાં લાગ્યા. મહિલા સભ્યોએ આટલા નાના કાર્ય માટે અમે લીધેલા સમય પર કટાક્ષ પણ કર્યો. મેંધીરે ધીરે શિબિરમાં ઘરવખરી આવતી જાય છે.’ તેમ જણાવ્યું.

અંતે ચા પીને સુત્રધારે શિબિર શરૂ કરવાની ઔપચારિક જાહેરાત કરી. છાયા અને ફરીદને ફોન લગાડવામાં આવ્યો. તેઓએ ફરી વાયદો આપ્યો.

મેં ઘડિયાળમાં સમય જોયો તો દોઢ વાગવા આવ્યા હતા. કાયમ સમયસર શરૂ થતી શિબિરના અંતે નિર્ધારિત કાર્યક્રમ અનુસાર કામો પૂરા નથી થતા. આજે બે કલાક મોડી શરૂ થયેલી શિબિરમાં નક્કી કરેલા કામો પૂરા થવા વિશે મને શંકા જાગી.

સૂત્રધારે સૌ પ્રથમ એકતાની નવલકથા પર ચર્ચા કરવાનું ઠરાવ્યું. કોણે વાંચી છે એ પૂછતાં સુનિલ, મેં અને નમિતાએ જ હાથ ઊંચો કર્યો. સૂત્રધારના મતે આ સંખ્યા ઓછી હતી તેમ છતાં ચર્ચા શરૂ થઈ. સૌ પ્રથમ નમિતાને પોતાનો અભિપ્રાય આપવાનું કહેવામાં આવ્યું. નમિતાએ વાત કહેવાની શરૂ કરી કે તરત જ નવા સભ્યોને કાયમ મળતુંબધા સામે જોઇને કહોમાત્ર સુત્રધાર સામે જોઇને નહિસૂચન મળ્યું અને મને મારી પહેલી શિબિર યાદ આવી ગઈ.
નમિતા
એ એનો અભિપ્રાય આપ્યો કે તરત જ સૂત્રધારે કાર્યક્રમ મોકૂફ રાખવાની જાહેરાત કરી. તેમણે જણાવ્યું કેધ ફાઉન્ટેનહેડનવલકથાના પહેલા પ્રકરણનો અનુવાદ પહેલા વાંચવાની જરૂર છે. જેની પ્રિન્ટઆઉટ હાજર હોવાથી આવનારા સભ્યોને પણ આપી શકાય. નમિતાને તેમનો એકતાની નવલકથા વિશેનો અભિપ્રાય ફરી લેવામાં આવશે એમ કહેવામાં આવ્યું.

ધ ફાઉન્ટેનહેડનવલકથાના પહેલા પ્રકરણનું વાંચન કરવાની જવાબદારી નમિતાએ ઉપાડી. બધા શાંતિથી સાંભળવા લાગ્યા. ધર્મેન્દ્ર ત્રિવેદીએ પોતાનો કેમેરા વડે બધાને લાક્ષણિક મુદ્રામાં ઝડપી લેવાનું પણ શરૂ કર્યું.

પ્રકરણ વંચાતું ગયું તેમ તેમ મેં મારા મનમાં જ અંગ્રેજી સંસ્કરણ સાથે સરખામણી કરવાની શરૂઆત કરી. અનુવાદ સરસ થયો હતો એ તો નક્કી !

જયારે વાંચન પૂરું થયું ત્યારે અમારા માંથી એક સભ્ય ઘટી ચુક્યો હતો. સુનીલને કોઈનો ફોન આવતા તે શિબિર છોડી ગયા હતા. જો કે ફરીદ અને છાયા આવી પહોંચતા બધાએ ડાઇનિંગ ટેબલ છોડીને મુખ્ય હોલની ખુરશીઓ પર સ્થાન લીધું. સુત્રધાર જમીન પર ગોઠવાતા બધા ધીરે ધીરે જમીન પર જ ગોઠવાયા. આમ પ્રથમ અનુવાદિત પ્રકરણ પર ચર્ચા શરૂ થઈ.

સૌ પહેલા નમિતાએ જણાવ્યું કે તેમને નવલકથાનો હીરો હાવર્ડ રોઆર્ક નિયમોમાં ન માનનાર અને ક્રાંતિકારી વિચારધારાવાળો લાગ્યો. તેમના મતે પહેલા પ્રકરણમાં લેખિકાએ હીરોને અલગ ચીલો પાડનાર તરીકે પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો. હીરો અને યુનિવર્સિટીના ડિન વચ્ચેની વાતચિત પરથી હીરોની બેફિકરાઈ પણ બહાર આવી. સુત્રધાર એમની વાત સાથે સમંત થયા પછીનમિતાનો દ્રષ્ટિકોણશું એ જણાવો એવી ટકોર પણ કરી. નમિતાએ ફરી એ જ વાત કહી.

એના પછી ફરીદનો વારો હતો પણ એ મોડો આવેલો એટલે મારો વારો આવ્યો.


મેં એમ જણાવ્યું કે પહેલા જ પ્રકરણમાં લેખિકાએ નાયક અને સમાજની જૂની વિચારધારાઓના રખેવાળો વચ્ચે સંઘર્ષ પ્રસ્થાપિત કર્યો. આવનારા પ્રકરણોમાં આ સંઘર્ષ જ મુખ્ય રહેવાનો છે એમ પણ દર્શાવ્યું. સૂત્રધારે મને એમ જણાવ્યું કે મેં નવલકથા પૂરી વાંચી છે એ કારણે હું આવા અનુમાન પર આવ્યો છું.

મારા પછી એકતાનો વારો હતો. એકતાએ પણ એમ જ જણાવ્યું કે નાયક રૂઢિગત માન્યતાઓમાં માનનાર નથી. નાયકને જુના બાંધકામો કે તેમના નિયમો પ્રમાણે ચાલવામાં રસ નથી. તે નવી પ્રણાલી પાડવામાં માને છે.

એ પછી છાયાનો વારો હતો. છાયાના મત પ્રમાણે લેખિકા વાચકને જાણે ગળેથી પકડી લે છે એમ લાગે. હાવર્ડ રોઆર્ક એવો નાયક છે જે ચાલે તો પણ લોકોને તેની સાથે તકલીફ છે. નાયકને જોકે દુનિયાની કોઈ પડી નથી. નાયક નગ્નઅવસ્થામાં પણ રસ્તા પર ચાલી શકે એટલો મુક્ત છે. તેના માટે દુનિયાના માણસોથી ભરેલા રસ્તાઓ પણ ખાલી છે. તેને ખબર છે કે તેને શું કરવાનું છે. તે જે કરવા માંગે છે એ વાત માટે એ કટ્ટીબદ્ધ છે. છાયાએ એમ પણ જણાવ્યું કે તેમને જ્યારે એમ લાગે કે હવે કાંઈ સારું વાંચવું છે ત્યારે તેઓધ ફાઉન્ટેનહેડના આ અને બીજા પ્રકરણો વારંવાર વાંચે છે.

એ પછી શ્રદ્ધાનો વારો હતો. શ્રદ્ધાને પ્રકરણમાં વર્ણનો વધુ લાગ્યા. તેમણે જણાવ્યું કે નાયકને લેખિકા અલગ વ્યક્તિત્વ ધરાવતો દર્શાવવામાં સફળ રહ્યા છે. નાયકની દ્રષ્ટીએ કુદરતને દર્શાવીને લેખિકા તેના મનનો ચિતાર રજૂ કરે છે. તેમના મતે પહેલા જ પ્રકરણમાં માત્ર આર્કિટેક્ટચર જ નહીં કોઈ પણ ક્ષેત્રમાં રૂઢિગત પ્રણાલીઓના વર્ચસ્વની વાત કરી છે. સૂત્રધારે તેમને બોધપાઠ ન શોધવા કહ્યું.

સૌથી છેલ્લો વારો ધર્મેન્દ્ર ત્રિવેદીનો હતો. સૂત્રધારે તેમને પ્રકરણમાં રસ પડ્યો કે નહીં એમ પહેલા પૂછ્યું કારણકે તેઓ ફોટા પાડવામાં અને સુનિલ સાથે થોડો સમય વ્યસ્ત હતા.

મારા આશ્ચર્ય વચ્ચે ધર્મેન્દ્ર ત્રિવેદીએ અલગ જ વાત કહી. તેમના મતે નાયક અલગ વિચારધારા કે અલગ રસ્તો લેવા નથી માંગતો પણ પોતાના રસ્તે ચાલવા માંગે છે. તેને કોઈ ચળવળ ચાલુ નથી કરવી પરંતુ માત્ર પોતાના રસ્તે ચાલવું છે. તેને જે ગમે છે એ કરવું છે. સુત્રધાર સહિત બધા જ સભ્યો આ વાત સાથે સંમત થયા.
છેલ્લે સુત્રધારનો ખુદનો બોલવાનો વારો આવ્યો. તેમણે જણાવ્યું કે આ પ્રકરણને ત્રણ ભાગમાં વહેંચી શકાય. પહેલો ભાગ હાવર્ડ રોઆર્ક કોણ છે એ દર્શાવે છે. આ ભાગમાં રોઆર્કને એક કુદરતી વાતાવરણમાં દર્શાવ્યો છે. તેની દ્રષ્ટિએ આસપાસના વાતાવરણનું વર્ણન કરીને લેખિકા આપણને તેના અંતરમનમાં ખેંચી જાય છે. તે સવારે બનેલી કોઈ ઘટનાના કારણે મુક્તિની ભાવના અનુભવી રહ્યો છે. તે આ કારણે જ ટેકરી પર નગ્નઅવસ્થામાં પહેલીવાર ઉભો છે અને નીચે પાણીમાં જંપલાવવાની તૈયારીમાં છે. એકતાએ સુત્રધારનું ધ્યાન દોર્યું કે નાયક પહેલીવાર એવું નહોતો કરી રહ્યો. આ પહેલા પણ તે આવું કરી ચુક્યો હતો.

સૂત્રધારે આ પ્રકરણના બીજા ભાગ તરીકે નાયકની તેના સહાધ્યાયીની માતા, કે જેના ઘરમાં તે ભાડે રહે છે, સાથેની વાતચીત દર્શાવી છે. આ ભાગમાં નાયકની માનસિકતા વિશે લેખિકા ઘણું કહી જાય છે. નાયકને જ્યારે ખબર પડે છે કે ડિનનો ફોન આવ્યો હતો ત્યારે તે એ વાતને ખાસ મહત્વ નથી આપતો. આ વાત દર્શાવે છે કે તેને દુનિયાની પડી નથી. સૂત્રધારના મતે આ વાચકો માટે હુક જેવું કામ કરે છે. વાચકના મનમાં એવો વિચાર આવે કેકેવો માણસ છે? ડિન તેને મળવા માંગે છે અને આને કંઈ પડી નથી.’

સૂત્રધારના મતે ત્રીજા ભાગમાં ડિન અને નાયક વચ્ચેનો સંવાદ છે. આ સંવાદના કારણે બે અલગ અલગ રસ્તાઓ અને વિચારધરાઓ વિશે કહેવાયું છે. ડિનને શરૂઆતમાં એમ લાગે છે કે નાયક તેંમની મજાક ઉડાવી રહ્યો છે પણ વાતચીતના અંતે જ્યારે ડિનને સમજાય છે કે નાયક તેમની મજાક નથી ઉડાવી રહ્યો પણ તેના મતે તો ડિનના અભિપ્રાયનું કોઈ મહત્વ જ નથી. આ કારણે ડિન તેને કોલેજમાં પાછો લેવાનો નિર્ણય ફેરવે છે. આ લેખિકાનો માસ્ટરસ્ટ્રોક છે. આમ સામાન્ય વાચકમાં પણ આગળ શું થશે વાળી જિજ્ઞાસા જાગે છે.

છાયાએ તેના મિત્રવર્તુળમાં આ નવલકથા કેટલી લોકપ્રિય છે તેની વાત કરી. મેં આ નવલકથામાં નાયક રોઆર્કનું પાત્ર કેવીરીતે છેક સુધી આવું જ વર્તન કરતું રહે છે તેમ જણાવ્યું.

અંતે સૂત્રધારેતમેં નવલકથાના પ્રેમમાં છો એટલે આ ચર્ચા લાંબી ચાલશેતેમ કહીને ચર્ચા સમાપ્તિની જાહેરાત કરી.

એ પછી સુત્રધારે બીજા એક પુસ્તકમહેકનામાના પહેલા પ્રકરણનું વાંચન કરવાનું છે તેમ જણાવ્યું. મેં આ નવલકથા વિશે સાંભળેલું પણ નહોતું. છાયાએ વાંચેલી હતી. એ સિવાય લગભગ બધા આ નવલકથા વિશે જાણકારી નહોતા ધરાવતા.

સુત્રધાર જેમ જેમ વાંચતા ગયા તેમ તેમ મને અંદાજ આવવા લાગ્યો કે આ પુસ્તકની પસંદગી શા માટે કરી છે. પ્રકરણની ભાષા એકદમ રમતિયાળ હતી. બધાએ ખૂબ જ રસપૂર્વક સમગ્ર પ્રકરણ સાંભળ્યું.

સુત્રધારે ફરી બધાના મંતવ્યો લેવાની પ્રક્રિયા શરૂ કરી. ફરી નમિતાથી શરૂઆત થઈ. તેણે જણાવ્યું કે લખનારની ભાષા તેમને ગમી. પહેલા પુરુષ એકવચનમાં લખાયેલી હોવા છતાં પાત્ર જાણે વાચક સાથે વાત કરતું હોય તેમ લાગ્યું.

ફરીદના મતે રમૂજપ્રેરક રજુઆત હતી. પ્રશ્નો પૂછવાની પદ્ધતિ પણ રમૂજ પ્રેરક. નાયિકા મહેકના પાત્રને પોતાની વાત કહીને પ્રસ્થાપિત કર્યું. બનાવો દ્વારા મહેકના વિયોગનું રહસ્ય ઉભું કરવામાં પણ લેખકને સફળતા મળી. જેના કારણે નવલકથા આગળ વાંચવાની પ્રેરણા મળે છે. સરળ અને સહજ ભાષા દ્વારા લખાણ રજૂ કર્યું.

મેં જણાવ્યું કે સંવાદો દ્વારા જકડી રાખવાનો સફળ પ્રયત્ન કર્યો. બધું જ પહેલા પ્રકરણમાં કહી દીધું તેમ છતાં વાંચકોનો રસભંગ ન થયો. પ્રકરણના અંતે આગળ શું થશે તેની ઈંતેજારી રહે છે.

એકતાએ જણાવ્યું કે જે પાત્ર વાત લખી રહ્યું છે તેના વિશે બહુ માહિતી નથી મળતી. સુત્રધારે જણાવ્યું કે ના મળે છે. મેં પાત્ર દ્વારા કહેવામાં આવેલી કલચરલ શૉકની વાત દ્વારા તેના વિશે માહિતી મળે છે એમ જણાવ્યું.

છાયાએ કહ્યું કે જ્યારે પહેલીવાર આ નવલકથા વાંચી ત્યારે નહોતી ગમી પણ એમના કોલેજમાં ભણતા એક કઝીનને બહુ ગમી. એ પુસ્તકની નાયિકામહેકના પ્રેમમાં પડી ગયો છે. તેમના મતે વાત કહેવાની પદ્ધતિ એકદમ નવીન છે જે વાંચકોને જકડી રાખે છે. વળી લેખક દરેક વખતે વાંચકને આંચકા માટે તૈયાર કરે છે અને તેમ છતાં વાચકને આંચકો આપે ત્યારે આશ્ચર્ય થાય છે. તેમના મતે આ કારણે જ નવલકથા સફળ થઈ છે.

શ્રદ્ધાએ જણાવ્યું કે તેમને મહેકનું પાત્રાલેખન સશક્ત લાગ્યું. નવલકથાનો અંત પહેલા જ કહી દીધો હોવા છતાં જકડી રાખતું લખાણ. મહેકના પાત્રને સમાંતર જ નાયકનું પાત્ર પણ ઉભું કર્યું.

ધર્મેન્દ્ર ત્રિવેદીએ અલગ વાત કહી. તેમણે લેખકે બધી જ વખતે પાણી પહેલા પાળ બાંધી હોવાની વાત કહી. ખીચડી ભાષા વાપરી તો એ માટે નાયક અલગ અલગ વાતાવરણમાં ઉછરેલો હોવાનું દર્શાવ્યું. પાત્રએ પોતે લેખક નથી એમ કહીને વાચકની અપેક્ષાઓનો જ છેદ ઉડાવી દીધો.

અંતે સુત્રધારે પોતાનું મંતવ્ય રજૂ કર્યું. તેમણે આ બે અલગ અલગ નવલકથા પસંદ કરવા પાછળનું કારણ જણાવ્યું. તેમના મતે એક ક્લાસિક નવલકથા છે જ્યારે બીજી હજારો વખત કહેવાયેલી વાત કહેતી નવલકથા છે. એક જીવનની ફિલોસોફી જેવી ભારેખમ વાત કરે છે જ્યારે બીજી એક સરળ પ્રેમકથા છે. બન્ને અલગ હોવા છતાં વાચકોને પકડી રાખે છે. કારણ? કારણ છે બન્નેની પ્રસ્તુતિ.

મહેકનામામાં લેખક આપણને પહેલેથી જ પોતાની સાથે જોડે છે. એક મિત્ર વાત કરતો હોય તેમ વાત કરે છે. પહેલા જ આગળ શું થશે એ પણ જણાવી દે છે પણ રજુઆત એટલી સબળ રીતે કરી છે કે વાચકનો રસ જળવાઈ રહે છે.

ધ ફાઉન્ટેનહેડક્લાસિક છે. એ વખતના સમય કરતાં ઘણી આગળ છે. અત્યારે પણ પ્રસ્તુત લાગે એટલી અસરકારક છે. તેમાં લેખિકાએ નાયક હાવર્ડ રૉઆર્ક સાથે આપણને પણ સંઘર્ષમાં સામેલ કર્યા છે. જેના કારણે સાતસો પાનાંની આ નોવેલ પણ કંટાળો નથી આપતી.

સુત્રધારના આ વાક્યોથી અમે બધા અભિભૂત થયા. ફરીવાર પ્રસ્તુતિને સબળ કરવાના વિચારો પણ આવ્યા.

સુત્રધારે સુનીલને
પણ યાદ કર્યો. એ ક્યાં છે એવી પૂછપરછ પણ કરી. આ દરમ્યાન પેંડાનું બોક્સ ફરતું રહ્યું અને પેંડા ખવાતા રહ્યા.


મને સૂત્રધારે બુટમાં ચાનો કપ મૂકીને બનાવેલી હંગામી એસ્ટ્રે પણ ગમી. સુત્રધાર વાર્તાઓ સાથે નવા સાધનો પણ શોધવા સક્ષમ લાગ્યા.

આગળનો કાર્યક્રમ એકતાની નોવેલ ભાણગઢ - એક અમર પ્રેતકથા અંગેની ચર્ચાનો હતો. સુનિલ નહિ આવે એવું લાગતા સુત્રધારે અંતે ચર્ચા શરૂ કરી.

નમિતાએ સવારે નવલકથા અંગે આપેલો પોતાનો મત ફરી રજૂ કર્યો. તેમને નવલકથા ગમી. ‘શોર્ટ એન્ડ સ્વીટઆ તેમના શબ્દો હતા. દોઢેક કલાકના ફ્રી પિરિયડ દરમ્યાન તેમણે વાંચી નાખી હતી. તેમને નવલકથા જકડી રાખે એવી લાગી. જો કે શરૂઆતમાં આવતા પાત્રોના વર્ણનો ન ગમ્યાં.

ફરીદને શરૂઆતના વર્ણનો લાંબા લાગ્યા પણ જેમ જેમ આગળ વાંચતા ગયા તેમ તેમ વર્ણનો જરૂરી લાગ્યા. અંતમાં એકતાએ બધું ઝડપી પતાવ્યું હોય એમ લાગ્યું. તેમના મતે એકતાએ હજુ થોડું લંબાવવું જોઈતું હતું.

મેં અંત ગમ્યો એવું કહ્યું. હું પણ નવલકથામાં દર્શાવેલ શહેરમાં ઉંછર્યો હોવાના કારણે શરૂઆતમાં વધુ સારી રીતે કનેક્ટ થયો એમ જણાવ્યું. અંતમાં ફાઈટસીનસ અસરકારક ન લાગ્યા. મેં એકતાએ ક્યારેય ફાઈટ કરી ન હોવાના કારણે વર્ણનોમાં ઉણપ રહી ગઈ એમ કહ્યું. સુત્રધારે સારા ફાઈટમાસ્ટરની મદદ લેવી જોઈતી હતી એમ પણ કહ્યું. એ સિવાય મેં જુના ડ્રાફ્ટ સાથે સરખામણી પણ કરી. સુત્રધારે મને અટકાવ્યો કે અહીંયા કોઈએ જૂનો ડ્રાફ્ટ વાંચ્યો નથી એ કારણે માત્ર આ ડ્રાફ્ટની જ વાત કરો. મને નવલકથાના સર્જન દરમ્યાન સંકળાયેલો હોવાના કારણે થોડો બાયસડ અભિપ્રાય આપી રહ્યો હોય એમ લાગ્યું.

છાયાએ સૌથી મોટું આશ્ચર્ય આપ્યું. તેમણે કહ્યું કે તેમના મતે નવલકથા જે હેતુ માટે લખાઈ છે એ હેતુ ચોક્ક્સ સિદ્ધ કરે છે. તેમના મતે જે વાચકોને ધ્યાનમાં રાખીને આ નવલકથા લખાઈ છે તે વાચકો માટે તો આ પૈસાવસુલ અનુભવ કહી શકાય. તેંમણે નમિતાનું જ ઉદાહરણ આપ્યું. નમિતાએ ફ્રી પિરિયડમાં નવલકથા વાંચી અને નીચે ન મૂકી શક્યા એનો મતલબ એમ કહેવાય કે નવલકથા સારી છે. તેમણે પોતાના ઘરમાં જ રહેલા બે ઓછું વાંચતા સભ્યોને આ નવલકથા પ્રયોગરૂપે વાંચવા આપી અને એ બન્નેને ગમી. જો કે છાયાએ પણ અંતમાં ઉતાવળ કરી એમ જણાવ્યું.


સુત્રધારે છાયાને જણાવ્યું કે તેમની ટિપ્પણીમાં કેટલાકબિભત્સશબ્દો આવ્યા છે. જેના અંગે તેઓ ચર્ચાના અંતે જવાબ આપશે. મને પૉપકોર્નની તાત્કાલિક જરૂર જણાઈ.

શ્રદ્ધા અને ધર્મેન્દ્ર ત્રિવેદીએ નવલકથા વાંચી નહોતી એટલે સુત્રધારે પોતાનો મત આપ્યો.

સુત્રધાર અનુસાર એકતાની નવલકથા કોઈ સારી નવલકથાનો પહેલો ડ્રાફ્ટ છે જેમાં સુધારાનો ઘણો અવકાશ રહેલો છે. તેમના મતે નવલકથામાં કામ થઈ શકે તેટલો ઘણોસામાનછે જેનો ઉપયોગ નથી થયો. પાત્રોને વિકસાવવામાં સમય આપ્યો પણ એ પાત્રો આગળ વાર્તામાં કામ નથી આવ્યા. પાત્રો વિશે વાત કરવાની રીત પણ જૂની પુરાણી છે. તેમના મતે પાત્રોના કારણે બનેલી ઘટનાઓને અલગ પરિમાણ મળવું જોઈતું હતું જે નથી મળ્યું. જેમકે વાર્તામાં એક કાસાનોવા પ્રકારનું પાત્ર છે. સૂત્રધારને આશા હતી કે આ પાત્ર કોઈને તો પ્રેમમાં પાડશે જ. કોઈ નહિ મળે તો એકાદ ડાકણને પ્રેમમાં પાડશે પણ પાત્રએ કંઈ જ ન કર્યું.

એ સિવાય સુત્રધારે ઉમેર્યું કે વાર્તા કહેતી વખતેશો, ડોન્ટ ટેલવાળો અભિગમ રાખવો જોઈએ. આ સાથે જ શિબિરમાં મને સૌથી ગમેલું વાકય સુત્રધારે ઉચ્ચારયું.

જેવી રીતે સૃષ્ટિમાં ભગવાનની હાજરી છે, તેવી જ રીતે વાર્તામાં લેખકની હાજરી હોવી જોઈએ.’

સૂત્રધારે છાયાનાબીભત્સ શબ્દોવિશે પણ ચર્ચા કરી. તેમના મતે લેખક જ્યારે વાચકોને શું ગમશે એ ધારીને લખવાની શરૂઆત કરે છે ત્યારે તેના પતનનો આરંભ થાય છે.

છાયાએ વિરોધ કર્યો કે એકતાના મગજમાં હશે જ કે આ નવલકથા સામાન્ય વાચકો માટે લખાઈ રહી છે કે જે ટૂંકું વાંચવા ટેવાયેલા છે. સૂત્રધારે જવાબ આપ્યો કે આંકડાઓમાં શા માટે પડવું? ટૂંકું કે લાબું, માસ કે કલાસ એવું સર્જકે વિચારવું ન જોઈએ.

સુત્રધારે એ પણ કહ્યું કે એકતાને કદાચ આ પુસ્તકની સફળતાના કારણે કેટેગરાઈઝ કરવામાં પણ આવે. પ્રકાશકો કદાચ એકતા પાસેભાણગઢની તર્જ પરસિંહગઢના સિંહનવલકથા પણ માંગે. આ એક મોટું ભયસ્થાન છે. કોઈ પણ લેખકે આવા ભયસ્થાનોથી બચવું રહ્યું.

એકતાએ પોતે કેવીરીતે આ નવલકથા લખી એ વિશે જણાવ્યું. કેવી રીતે એક ટૂંકીવાર્તા વાચકોના સારા પ્રતિભાવોના કારણે નવલકથા બની એ વાત કહી. તેમણે પુસ્તક સફળ થશે એવી આશા નહોતી રાખી. પુસ્તકના રિવ્યુઝ વિશે પણ વાત કરી.

એ પછી સુત્રધારે વારેવાના પુસ્તક વિશે જાણકારી આપી. તેમણે શિબિરાર્થીઓને જણાવ્યું કે વારેવા પુસ્તકનું કાર્ય સારી વાર્તાઓની ઓછી સંખ્યાના કારણે હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે. મેં મોનીટર સિસ્ટમ વિશે સુત્રધારનો અભિપ્રાય જાણવા પ્રયત્ન કર્યો પણ તેઓ કુશળ રાજકારણીની જેમ જવાબ ટાળી ગયા.

આ પછી થોડી ગોસિપ ચાલી. ફેસબુક પર લખાયેલા એક પ્રખ્યાત રીવ્યુ અને તેની અસરો વિશે વાત થઈ. અમિતાભની ખરાબ સ્ક્રીનપ્લે સેન્સ અને રાજેશખન્ના વિશે વાત થઈ.સુત્રધારે અંતે મજાક મસ્તી પર ચડી ગયેલા સભ્યોને યાદ દેવડાવ્યું કે હજુ એક કાર્યક્રમ બાકી છે. તેમણે પેનડ્રાઈવ કાઢીને બધાને કહ્યું કે આપણે એક ફિલ્મ જોવાના છીએ અને એ ફિલ્મના આધારે લેખન વિશે એક મહત્વપૂર્ણ વાત શીખવાના છીએ. તેમણે પ્રોજેક્ટર અને પડદાની વ્યવસ્થા પણ કરી રાખેલ હતી.

નમિતાએ વહેલા રજા લીધી. બાકી બચેલા સભ્યો પ્રોજેકટર ગોઠવવામાં જોડાયા. મહિલા સભ્યો બાળકોના શિક્ષણ વિશે ચર્ચા કરવામાં પરોવાયા. પ્રોજેકટર સેટ કરવામાં ખાસ્સો સમય ગયો. પાવર કેબલ ન મળતા સભ્યો અને સ્ટાફના ત્રણ માણસો ગૂંચવાયાં. અંતે આશરે ત્રીસેક મિનિટની મહેનત પછી ફિલ્મ શરૂ થઈ.

સ્ટાફના સભ્યો પણ ફિલ્મ જોવામાં અમારી સાથે જોડાયા. ફિલ્મ હતીનોટિંગ હિલ’. ફિલ્મ પહેલા પણ જોયેલી હતી પણ સુત્રધારે કહ્યું કે લેખકની દ્રષ્ટિએ ફરીથી જોવી જ રહી.

ફિલ્મ અંગ્રેજી ભાષાની રોમેન્ટિક કોમેડી છે. સુત્રધાર અને સભ્યો ફિલ્મ જોતા ઘણું હસ્યાં. પ્રોજેકટર સેટ કરવામાં મદદ કરનાર સ્ટાફના સભ્યોએ પણ રસપૂર્વક ફિલ્મ જોઈ. એક ભાઈને તો અંગ્રેજી સમજમાં નહોતી આવતી તો પણ બાજુવાળાના સહયોગથી આખી ફિલ્મ જોઈ. એક શિબિરાર્થી ઊંઘતા પણ ઝડપાયા.

ફિલ્મ પૂરી થઈ ત્યાં સુધીમાં શ્રદ્ધા અને ધર્મેન્દ્ર ત્રિવેદી વિદાય લઈ ચુક્યા હતા જ્યારે પ્રીતેશ અને સુનિલ જોડાઈ ચુક્યા હતા.

સુત્રધારે ફિલ્મ દેખાડવાનું કારણ અને તેના પરથી શીખવા જેવી વાત કહી. તેમણે જણાવ્યું કે ફિલ્મની વાર્તા એકદમ ચીલાચાલુ છે. એક સેલિબ્રિટીના પ્રેમમાં પડતા સામાન્ય માણસની એકથી વધુ વખત કહેવાઈ ગયેલી કથા છે. તેમ છતાં ફિલ્મ પ્રેક્ષકોને નિરાશ નથી કરતી કારણકે ફિલ્મમાં સંવાદો અને પાત્રાલેખન પર જોરદાર કામ થયું છે. નાયક અને નાયિકા સિવાયના પાત્રો પણ પ્રેક્ષકોને સ્પર્શી જાય તેવા બનાવવામાં આવ્યા છે. આમ વિષય કરતા તેની પ્રસ્તુતિ વધુ મહત્વની હોય છે. તમે શું કહો છો એ કરતા કેવીરીતે કહો છો એ વધુ મહત્વનું છે.

મને આખી શિબિરની થીમ પણ આ જ લાગી.

અંતે સુત્રધારે શિબિર સમાપ્તિની ઘોષણા કરી. સૌ વાતો કરતા છૂટા પડ્યા. મને પ્રીતેશ બસસ્ટેન્ડ પર મૂકી ગયો. મેં શિબિરના દિવસે દાળવડા ખાવાની પરંપરા નિભાવી. અંતે રાત્રે સાડા અગિયારે એક પ્રાઈવેટ ગાડીમાંડેસપસીટોઅનેમાયાભાઈ આહીરનું વિચિત્ર પ્લેલિસ્ટ સાંભળતો ઘરે પહોંચ્યો.


(સમાપ્ત)

આગળ વાંચો »