Sunday 8 January 2017

જોડણી (4) અને વ્યાકરણ વિષયક..

~~ નાનકડી પણ મજાની વાત ~~
* ઋ, રુ, અને 'ર'
* 'ઋ' એ સ્વર છે. ગુજરાતીમાં ઉચ્ચાર 'રુ' તરીકે જ થાય છે. 
પરંતુ, કેટલીકવાર 'ઋ', 'રુ' અને જોડાક્ષરમાં આવતા 'ર'થી સમજફેર થાય છે એટલે ક્યાં 'ઋ', 'રુ' અને 'ર' છે, એ અંગે થોડી કાળજી રાખવી જોઈએ.
* ઋણ , ઋષિ, ગૃહ , કૃપા, સ્મૃતિ , ધૃતરાષ્ટ્ર  - અહીં 'ઋ' છે.
* રુધિર , ક્રુદ્ધ  - અહીં 'રુ' છે.
* દ્રષ્ટા, ગ્રહ , પ્રકાશ - અહીં 'ર' છે.
* તદભવ, અંગ્રેજી કે ફારસી શબ્દોમાં 'ઋ' ન આવે.
જેમ કે, 
ગૃપ નહીં પણ 'ગ્રુપ' લખાય.
_______________________________________________

* 'જ' છૂટો લખાય.
જેમ કે,
- મારે એ જ સમયે બહાર જવાનું છે.
* 'પણ'ના અર્થમાં આવતા  'ય,યે' ભેગા લખાય.
જેમ કે,
- તમે ક્યારેય મને એ અંગે કશું કહ્યું નથી.
- ગમે તેટલા બરાડા પાડો, હું તસુયે ખસવાનો નથી.

___________________________________________________
'આઉ' , 'આલુ' , 'આળુ' આવતા હોય તેવાં ઉકારાન્ત વિશેષણમાં છેલ્લા અક્ષર પર અનુસ્વાર આવતો નથી. જેમ કે, 
માયાળુ 
દયાળુ 
કૃપાળુ
કમાઉ 
શિયાળુ
ઉનાળુ 
ટકાઉ 
ફળાઉ 
વ્યાજખાઉ
__________________________________________________________

* કેટલાક એવા શબ્દો જોઈએ કે જેમાં અનુસ્વાર ન આવતો હોવા છતાં ઘણાં અનુસ્વાર કરવાની ભૂલ કરે છે
અશુદ્ધ --------------------------- શુદ્ધ
હોંશિયાર ( 'હો' પર અનુસ્વાર )  -  હોશિયાર
મહેંક ( 'હે' પર અનુસ્વાર )  -  મહેક
ઘંઉં ( 'ઘ' પર અનુસ્વાર )  -  ઘઉં
નિંદ્રા ( 'નિ' પર અનુસ્વાર )  - નિદ્રા 
મોંઢું ( 'મો' પર અનુસ્વાર )  -  મોઢું
* ઘણીવાર એવું બને છે કે અનુનાસિક વ્યંજન અને અનુસ્વાર બંને સાથે હોય ત્યારે અનુસ્વાર રહી જાય છે. જેમ કે ,
- 'સંન્યાસી ' શબ્દમાં બંને છે, છતાં ઘણીવાર 'સન્યાસી' એમ થઇ જાય છે
- 'સાંનિધ્ય' શબ્દમાં પણ અનુસ્વાર અને 'ન' બંને છે, ત્યાં પણ 'સાનિધ્ય' એમ લખાઈ જતું હોય છે.
* કેટલાક શબ્દો એવા છે કે અનુસ્વાર સાથે અને અનુસ્વાર વગર પણ સાચા છે જેમ કે ,
કિંમત - અનુસ્વાર સાથે અને 'કીમત' - અનુસ્વાર વિના.
વાંચન - અનુસ્વાર સાથે અને 'વાચન' - અનુસ્વાર વિના
નહીં - અનુસ્વાર સાથે અને 'નહિ' - અનુસ્વાર વિના
________________________________________
* અલ્પપ્રાણ - મહાપ્રાણ
* અલ્પપ્રાણ - ઉચ્ચારણ કરતી વખતે પ્રમાણમાં ઓછી હવા બહાર આવે છે. જેમ કે, ક, ગ, જ, ત, પ, બ ...વગેરે
* મહાપ્રાણ - ઉચ્ચારણ કરતી વખતે પ્રમાણમાં હવાનો વઘુ જથ્થો બહાર આવે છે. જેમ કે,
ખ, ઘ, ઝ, થ, ફ, ભ ....વગેરે
* આ સમજનો ફાયદો જોડાક્ષર લખતી વખતે થાય છે. ગુજરાતીમાં પાસપાસેના એક અલ્પપ્રાણ અને એક મહાપ્રાણ જોડાઈને આવી શકતા નથી.
જેમ કે,
- 'પત્થર' નહિ પણ 'પથ્થર'
- ' ચિટ્ઠી' નહિ પણ' ચિઠ્ઠી'
- 'ચોક્ખું' નહિ પણ 'ચોખ્ખું'
 _____________________________________ 

* ગીરી અને ગિરિ
* શબ્દને છેડે લાગતા 'ગીરી' પ્રત્યયમાં બંને ઈ દીર્ઘ હોય છે. 
જેમ કે, 
યાદગીરી, ગાંધીગીરી, દાદાગીરી, કામગીરી,દરમિયાનગીરી,
જ્યારે 
પર્વતના અર્થમાં આવતા 'ગિરિ' શબ્દમાં બંને ઇ હ્રસ્વ હોય છે.
જેમ કે, 
હિમગિરિ, નીલગિરિ,મલયગિરિ, ગિરિરાજ, ગિરિજા
* સંકલન - મગન 'મંગલપંથી'
_______________________________________________________
* ચાવીરૂપ શબ્દ પુલ્લિંગ હોય તો અનુસ્વાર ન આવે.
 - જયેશભાઈ આવ્યા.  અહીં ચાવીરૂપ શબ્દ 'જયેશભાઈ' છે જે પુલ્લિંગ છે એટલે 'આવ્યા' પર અનુસ્વાર નહિ આવે.
- ગેસના બાટલા મોંઘા થયા છે. અહી ચાવીરૂપ શબ્દ 'બાટલા' પુલ્લિંગ છે એટલે બહુવચનમાં હોવા છતાં 'બાટલા' અને તેના વિશેષણ 'મોંઘા' પર અનુસ્વાર નહિ આવે.
*ચાવીરૂપ શબ્દ સ્ત્રીલિંગ હોય તો -
- એકવચનમાં અનુસ્વાર નહિ આવે. જેમ કે, જ્યોતિ આવી. અહી ચાવીરૂપ શબ્દ જ્યોતિ' સ્ત્રીલિંગ છે એટલે 'આવી' પર અનુસ્વાર નહિ આવે. પરંતુ સ્ત્રીલિંગમાં  બહુવચન કે માનાર્થે અનુસ્વાર અવશ્ય આવે. જેમ કે, 'જ્યોતિબહેન આવ્યાં.' અહી 'જ્યોતિબહેન' સ્ત્રીલિંગ શબ્દ અને માનાર્થે વપરાયો છે એટલે 'આવ્યાં' એમ થશે.
* શ્રી લલિત રાણા 'આતશ ભારતીય'નો પ્રથમ ગઝલસંગ્રહ ઈ.સ. ૧૯૯૧માં પ્રકાશિત થયો, જેનું નામ છે ' ખરાં છો તમે !' અને કૈલાસ પંડિતનો મરણોત્તર 'સમગ્ર કૈલાસ' ઈ.સ. ૧૯૯૫માં તૈયાર થયો , તેનું નામ  ' ખરા છો તમે !' છે. બંને સંગ્રહોના નામ સરખાં લાગે છે પણ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે લલિત રાણાના સંગ્રહ 'ખરાં છો તમે !'માં
'ખરાં' પર અનુસ્વાર છે, કૈલાસ પંડિતના 'ખરા છો તમે !'માં 'ખરા' પર અનુસ્વાર નથી. એટલે સમજી શકાય છે કે લલિત રાણાનો સંગ્રહ નારીજાતિને સંબોધિત છે જયારે કૈલાસ પંડિતનો સંગ્રહ નરજાતિને સંબોધિત છે.
__________________________________________
* વિકારી- અવિકારી સંજ્ઞા અને અનુસ્વાર 
- ગુજરાતીમાં અંતે 'ઉ' વાળાં નામો અનુસ્વાર વગરનાં તેમજ અનુસ્વારવાળાં - એમ બંને પ્રકારનાં હોય છે.
જેમ કે, 
તાંબું - અંતે અનુસ્વારવાળો 'ઉ' છે.
લીંબુ - અંતે અનુસ્વાર વિનાનો 'ઉ' છે.
* 'તાંબું' એ વિકારી સંજ્ઞા છે, એને પ્રત્યય લગાડતાં 'તાંબાથી, તાંબાનું - એમ થઇ જાય છે, પણ 'લીંબુ' અવિકારી સંજ્ઞા છે. એને પ્રત્યય લગાડીએ ત્યારે 'લીંબુથી, લીંબુનું - એમ જ રહે છે. એટલે કે વિકારી 'ઉ' - કારાન્ત નામોમાં અનુસ્વાર હોય , પણ અવિકારી 'ઉ'કારાન્ત નામોમાં અનુસ્વાર ન હોય.
____________________________________________________________
* હા, ના, જી, કાં, કેમ, વગેરે કેવળપ્રયોગીઓ જો વાક્યની શરૂઆતમાં હોય તો તેની પછી અલ્પવિરામ આવે છે.
જેમ કે -
* હા, એ ગઝલ મારી છે.
* ના, હું નહીં આવી શકું.
* કેમ, તમે પણ થાપ ખાઇ ગયા ને ?
કેવળપ્રયોગી વાક્યમાં હોય કે ન હોય, એનાથી અર્થમાં ખાસ કંઇ ફેર પડતો નથી. ઉપરના વાક્યોમાંથી 'હા,ના,કેમ, '- આ શબ્દો હટાવી લેવામાં આવે તો પણ અર્થ બદલાતો નથી.
હવે આ વાક્ય જુઓ - 
 એને કેમ માર્યો ? ( કારણ જાણવું છે - એ અર્થમાં.)
એને માર્યો ? ( હા કે ના - એ અર્થમાં, અર્થ બદલાઇ જશે.)
એટલે કે અહીં 'કેમ' કેવળપ્રયોગી તરીકે નથી એટલે અલ્પવિરામ નહીં આવે
______________________________________________
 વાક્યમાં આવતો ' પણ'નો અર્થ સૂચવતો તથા અનિશ્ચિતતા દર્શાવતો શબ્દ 'ય' - આગળના શબ્દની સાથે જ લખાય છે.જેમ કે, 
- એમણેય કંઈક તો કહેવું જોઈએ.
- એ આવશે તો કેટલાય પ્રશ્નો પૂછશે.

________________________________________
પહેલાં- પહેલા...
* પહેલાં - તેનો અર્થ 'અગાઉ' ,'પૂર્વે' થાય છે, જે સમય દર્શાવે છે.
* પહેલા - વિશેષણ છે.તે ક્રમ, દરજ્જો દર્શાવે છે.
જેમ કે ,
- પહેલાં તકલીફ ઘણી પડી, હવે શાંતિ છે.
- એ હંમેશાં પહેલા નંબરે આવે છે
એક નાનકડી પણ મજાની વાત.
* કેટલીકવાર ખોટી રીતે 'તા' પ્રત્યય લગાડીને શબ્દો બનાવવામાં આવે છે.
જેમ કે , 
* અશુદ્ધ  -  શુદ્ધ 
અગવડતા - અગવડ 
ધૈર્યતા  -    ધૈર્ય, ધીરતા 
લાઘવતા - લાઘવ 
શૌર્યતા - શૌર્ય, શૂરતા 
સગવડતા - સગવડ 
સામ્યતા - સામ્ય, સમાનતા 
વૈવિધ્યતા - વૈવિધ્ય, વિવિધતા 
સાફલ્યતા - સાફલ્ય, સફળતા

~~ સંકલન - મગન 'મંગલપંથી'

No comments :

Post a Comment