Thursday 5 November 2015

જોડણી વિષયક ~~ ૨


સંકલન: મગન મંગલપંથી

(૧)
અશુદ્ધ - ગઝલશિબિર સરસ રહી. શુદ્ધ - ગઝલશિબિર સરસ રહ્યો.
અશુદ્ધ - શિક્ષણનું સ્તર નીચું ગયું છે.
શુદ્ધ - શિક્ષણનો સ્તર નીચો ગયો છે.
અશુદ્ધ - અડધી કલાક થઇ પણ એ ન આવ્યા.
શુદ્ધ - અડધો કલાક થયો પણ એ ન આવ્યા.
નોંધ - શિબિર , સ્તર, કલાક જેવા શબ્દો નરજાતિના છે , તે નાન્યતર કે નારીજાતિમાં ન વપરાય.

(૨)
* બંને ચાલે.
- 'કિંમત' અને 'કીમત'
- 'વાંચન' અને 'વાચન'
- 'નહિ' અને 'નહીં '
- 'ખુરસી' અને 'ખુરશી'
- 'વિષે' અને 'વિશે'
- 'ડોશી' ને 'ડોસી'
- 'દશ' અને 'દસ'
- 'કારીગીરી' અને 'કારીગરી'
-' વિનંતી' અને 'વિનંતિ
- 'વસ્તી ' , 'વસતી' , અને 'વસતિ'
- 'રાત્રી' અને 'રાત્રિ'
- 'બક્ષિશ' અને 'બક્ષિસ'
- 'વર્ષ' અને 'વરસ'

 

 

 

(૩)
અંગ્રેજી શબ્દમાં 'X' આવે ત્યારે 'ક્ષ' નહિ પણ 'ક્સ'લખાય છે.
જેમ કે,
'બોક્ષ' નહિ પણ 'બોક્સ'
'ટેક્ષ' નહિ પણ 'ટેક્સ'
'ટેક્ષી' નહિ પણ 'ટેક્સી'
'ઝેરોક્ષ' નહિ પણ 'ઝેરોક્સ'
'મિક્ષર' નહિ પણ 'મિક્સર'
'ટેક્ષટાઈલ' નહિ પણ 'ટેક્સટાઈલ'
'ઈન્ડેક્ષ' નહિ પણ 'ઇન્ડેક્સ

 

(૪)
'યથાશક્તિ પ્રમાણે' નહિ પણ 'યથાશક્તિ.
'સહકુટુંબ સાથે' નહિ પણ 'સહકુટુંબ.'
'સજ્જન માણસ' નહિ પણ ' સજ્જન'
'એલીસબ્રીજ પુલ' નહિ પણ 'એલીસબ્રીજ.'
'સવિનય સહ' નહિ પણ 'સવિનય.'
'આમરણાંત' નહિ પણ 'આમરણ.'
'મધ્યકાલીન યુગ' નહિ પણ 'મધ્યકાળ અથવા મધ્યયુગ.'

 

(૫)
કેટલાક શબ્દોને આપણે ખોટી રીતે 'તા' પ્રત્યય લગાવીએ છીએ, જે વ્યાકરણની રીતે શુદ્ધ નથી.
- સગવડતા નહિ પણ સગવડ.
- અગવડતા નહિ પણ અગવડ.
- સામ્યતા નહિ પણ સામ્ય અથવા સમાનતા.
- વૈવિધ્યતા નહિ પણ વૈવિધ્ય અથવા વિવિધતા
- સાફલ્યતા નહિ પણ સાફલ્ય અથવા સફળતા.
- શૌર્યતા નહિ પણ શૌર્ય અથવા શૂરતા
- ઝીણવટતા નહિ પણ ઝીણવટ
- ધૈર્યતા નહિ પણ ધૈર્ય અથવા ધીરતા

 

 

 

(૬)
વાક્યમાં આવતો ભારદર્શક શબ્દ 'જ' આગળના કે પાછળના શબ્દથી અલગ લખાય.
જેમ કે ,
- આ જ માણસે મને મદદ કરી હતી .
- તે જ મને આવી અથડાયો હતો.
* અહી પ્રથમ વાક્યમાં 'આ'ની સાથે 'જ' લખીએ તો 'આજ = આજનો દિવસ ' એવો અર્થ થાય છે.
* બીજા નંબરના વાક્યમાં 'તે' અને 'જ' ભેગા લખવાથી 'તેજ= પ્રકાશ' એવો અર્થ થઇ જશે.
* ખાસ નોંધ - માત્ર 'તેમજ ' અને 'ભાગ્યેજ' શબ્દમાં જ 'જ' ભેગો લખાય છે.

 

(૭)
* ઓગષ્ટ નહિ પણ ઓગસ્ટ.
*પોષ્ટ નહિ પણ પોસ્ટ.
- અંગ્રેજીના ઘણા શબ્દોમાં 'st' હોય ત્યાં 'સ્ટ' ઉચ્ચાર થતો હોય છે.આવા શબ્દોમાં ' સ્ટ'ને બદલે 'ષ્ટ' લખવાની ભૂલ થતી જોવા મળે છે.

 

 

 

(૮)
* વર્ડ - આમ લખાય
પણ
વર્ડ્ઝ - આમ લખાય.
* વર્ક - આમ લખાય
પણ
વર્ક્સ - આમ લખાય.
- એટલે કે , જોડાક્ષરમાં રેફ્નું ચિહ્ન અડધા અક્ષર પર નહિ પણ આખા અક્ષર પર મૂકવામાં આવે છે.

 

 

 

(૯)
સ્ત્ર અને સ્ર...
* હલંત સ + ર = સ્ર
'સહસ્ત્ર' નહિ પણ 'સહસ્ર લખાય.
'સ્ત્રાવ' નહિ પણ 'સ્રાવ' લખાય.
'સ્ત્રોત' નહિ પણ 'સ્રોત' લખાય.
'સ્ત્રગ્ધરા' નહિ પણ 'સ્રગ્ધરા' લખાય.
* હલંત સ + હલંત ત + ર = સ્ત્ર
સ્ત્રી , મિસ્ત્રી , શાસ્ત્રી , વસ્ત્ર, શાસ્ત્ર , અસ્ત્ર વગેરેમાં 'સ્ત્ર' આવે.

 

 

 

(૧૦)
* ચોમાસું - ચોમાસુ
જોડણીની રીતે 'ચોમાસું' અને 'ચોમાસુ' એ બંને સાચાં છે, પણ બંનેના અર્થમાં ફેર છે.
* ચોમાસું - સંજ્ઞા છે અને તેનો અર્થ 'વરસાદની મોસમ' થાય છે.તેના પર અનુસ્વાર છે.
*ચોમાસુ - વિશેષણ છે તેનો અર્થ 'ચોમાસાને - વરસાદની મોસમને લગતું' એવો થાય છે.તેના પર અનુસ્વાર નથી.
જેમ કે,
આ વર્ષે ચોમાંસું સારું હશે તો ચોમાસુ પાક સરસ થશે.

 

 

 

(૧૧)
પહેલાં- પહેલા...
* પહેલાં - તેનો અર્થ 'અગાઉ' ,'પૂર્વે' થાય છે, જે સમય દર્શાવે છે.
* પહેલા - વિશેષણ છે.તે ક્રમ, દરજ્જો દર્શાવે છે.
જેમ કે ,
- પહેલાં તકલીફ ઘણી પડી, હવે શાંતિ છે.
- એ હંમેશા પહેલા નંબરે આવે છે.

 

 

 

(૧૨)
બા આવ્યાં - અનુસ્વાર આવશે.
બા આવી - અનુસ્વાર નહિ આવે.
બાપા આવ્યા - અનુસ્વાર નહિ આવે.
મોટાભાઈ આવ્યા - અનુસ્વાર નહિ આવે.
 બહેન આવ્યાં - અનુસ્વાર આવશે.
- સ્ત્રીલિંગમાં માનાર્થે શબ્દ વપરાય ત્યારે અનુસ્વાર આવશે.પુલ્લિંગમાં અનુસ્વાર ન લાગે.

 

 

 

(૧૩)
જોઇએ છે - જોઈએ છે....
( પહેલા શબ્દમાં વચ્ચે હ્રસ્વ 'ઇ' છે. બીજા શબ્દમાં વચ્ચે દીર્ઘ'ઈ'છે.
- જ્યારે કોઈ વસ્તુની જરૂરીયાત હોય ત્યારે 'જોઇએ છે' એવો પ્રયોગ થાય છે
- જ્યારે જોવાની ક્રિયા ચાલુ હોય ત્યારે પ્રથમ પુરુષ બહુવચનમાં ' જોઈએ છે' એવો પ્રયોગ થાય છે.
ઉદાહરણ -
- મારે એક સારું પુસ્તક જોઇએ છે.
- અમે એ જ ફિલ્મ જોઈએ છીએ.

'ગઝલ તો હું લખું' ગૃપમાંથી.. સાભાર..

 

3 comments :

  1. ઓહ આ જ હતું


    આ મ એ જ ગૃપ માં થી વાંચેલું.
    એકદમ સરસ માહિતી.

    ReplyDelete
  2. વાર્તા રે વાર્તા ગ્રુપ મારી જીંદગી નું અમુલ્ય સંભારણું છે મારા કમનસીબે અે ગ્રુપ મારા થી નોખુ પડી ગયુ તે માટે મને અનહદ દુ:ખ થયુ છે આ દુ:ખ હું જીંદગીભર નહિં ભુલી શકુ, એક વાર્તાકાર નું બાળવયે મરણ થયુ છે એવા મારા હ્રદયના ભાવ છે.

    ReplyDelete
  3. ખુબ જ સરસ માહિતી!

    ReplyDelete