Wednesday 20 July 2016

અનુસ્વાર અષ્ટક ~~ સુંદરમ

અનુસ્વાર વિશે કવિ સુંદરમે લખેલ કાવ્ય ‘અનુસ્વાર અષ્ટક’. સમજૂતી – જુગલકિશોર વ્યાસ. સૌએ વાંચવા, અમલ કરવા અને સાચવી રાખવા જેવું...
હું બિંદુ સુંદર માત શારદને લલાટે ચંદ્ર શું,
મુજને સદા યોજો સમજથી, ચિત્ત બનશે ઈંદ્ર શું.
મુજ સ્થાન ક્યાં, મુજ શી ગતિ જાણી લિયો રસ પ્રેમથી,
તો સજ્જ બનશો જ્ઞાનથી, સૌંદર્યથી ને ક્ષેમથી.
તો પ્રથમ જાણો હું અને તુંમાં સદા મુજ વાસ છે,
આ જ્ઞાન વિણ હુ-હુ અને તુ-તુ તણો ઉપહાસ છે.

(હું, તું , શું , નું, કયું, રહ્યું, ગયું, થયું, પળ્યું, ટળ્યું વગેરેમાં અનુસ્વાર આવે જ. ઉકારાંત એકવચનનાં આ બધાં ક્રિયાપદોમાં અનુસ્વાર આવે જ.)
હું કરુ-વાંચુ-લખુ જો જો એમ લખશો લેશ તો,
મા શારદાના રમ્ય વદને લાગતી શી મેશ જો..

(લખુ કે કરુ એમ મીંડા વિનાનું લખવું તે ભૂલ ભરેલું છે. )

નરમાં કદી નહિ, નારીમાં ના એકવચને હું રહું,
હું કિંતુ નારી-બહુવચનમાં માનવંતુ પદ ગ્રહું.

(નરજાતિમાં ક્યારેય અનુસ્વાર ન આવે! નારીજાતિમાં એકવચનમાં તે ન આવે પરંતુ નારીજાતિના બહુવચનમાં તો અનુસ્વાર અચૂક આવે, આવે ને આવે !!) દા. ત. –

‘બા ગયાં’, ‘આવ્યાં બેન મોટાં’ એમ જો ન તમે લખો,
‘બા ગયા’, ’આવ્યા બેન મોટા’ શો પછી બનશે ડખો !.
ને નાન્યતરમાં તો ઘણી સેવકતણી છે હાજરી,
લો, મુજ વિનાના શબ્દની યાદી કરી જોજો જરી.

(નાન્યતર જાતિમાં બહુવચને અનુસ્વાર વિના ન જ ચાલે !! નાન્યતર નામના વિશેષણમાં પણ છેલ્લે ઉકારાન્ત હોય એટલે એકવચનમાં પણ અનુસ્વાર આવશે. (વિશેષણના બહુવચનમાં તો એ આવે જ આવે. દા.ત. પેલું ફૂલ. ધોળું ફૂલ, નાનું ફૂલ, કેવું-વહાલું ફૂલ વગેરેના બહુવચનોમાં: પેલાં-ધોળાં-નાનાં-કેવાં-વહાલાં ફૂલો ! )

સૌ મુજ વિશેષણ એકને બહુવચનમાં રાખો મને,
યાચું કૃપા આ ખાસ, મારો ભરખ ત્યાં ઝાઝો બને.

‘શું ફૂલ પેલું શોભતું’ ! જો આવું પ્રેમે ઉચ્ચરો,
‘શાં ફૂલ પેલાં શોભતાં’ ! બહુવચનમાં વાણી કરો.
મોજું નિહાળો એક નીરે, ત્યાં પછી મોજાં બને,
બમણાં અને તમણાં પછી અણગણ્યાં કોણ કહો ગણે ?
(મોજું નાન્યતરજાતિ એકવચનમાં અનુસ્વાર આવે ને એના બહુવચનમાં પણ આવે : જેમ કે, મોજાં, બમણાં, તમણાં-ત્રણઘણાં વગેરે.)

 ને બંધુ, પીતાં ‘નીર ઠંડું’ ના મને પણ પી જતા,
ને ’ઝાડ ઊંચાં’ પણ ચડો તો ના મને ગબડાવતા.
(નીર=પાણી નાન્યતર એટલે તથા ઝાડ પણ નાન્યતર એટલે અનુસ્વાર આવે. એના બહુવચને પણ સમજી લેવાનું જ. નાન્યતર જાતિનાં વિશેષણોમાં ઊંચાં ઝાડ / ઠંડાં પીણાં વ.)

બકરા અને બકરાં, ગધેડા ને ગધેડાં એક ના,
ગાડાં અને ગાંડા મહીં જે ભેદ, ભૂલો છેક ના.
(બકરા,ગધેડા અને ગાંડા( પુરુષો જ ફક્ત !) હોય તો એને ટપકાં ન લાગે કારણ કે ચાંદલો પુરુષોને ન હોય ! પણ ગાડું નાન્યતર એટલે એના બહુવચન ગાડાંને અનુસ્વાર લાગે !! આ બધા ગાંડા (પુરુષો) ને ગાડાં (વાહન)નો આટલો ફેર !)

ને જ્યાં ન મારો ખપ,મને ત્યાં લઈ જતા ન કૃપા કરી,
નરજાતિ સંગે મૂકતાં, પગ મૂકજો નિત્યે ડરી.
(નરજાતિવાળા બહુવચનમાં હોય તોય અનુસ્વાર-ચાંદલા વિનાના જ હોય. પણ જો એમાં સ્ત્રીઓ પણ સાથે હોય તો પુરુષો અને સ્ત્રીઓ બધાં જતાં હતાં એટલે સ્ત્રીઓ (નારીજાતિ) સાથે હોય તેથી ચાંદલો લાગી જાય !! )

કો મલ્લને એવું કહ્યું જો, ‘ક્યાં ગયાં’તાં આપજી?’
જોજો મળેના તરત મુક્કાનો મહા સરપાવજી.
(નરને માથે ચાંદલો કરવાની ભૂલ કોઈ પહેલવાનને, ક્યાં ગયાં હતાં ? એમ પૂછી જોજો ! મુક્કો મળી જશે !)

તો મિત્ર મારી નમ્ર અરજી આટલી મનમાં ધરો,
લખતાં અને વદતાં મને ના સ્વપ્નમાંયે વિસ્મરો.
હું રમ્ય ગુંજન ગુંજતું નિત જ્ઞાનના પુષ્પે ઠરું,
અજ્ઞાનમાં પણ ડંખું-કિંતુ એ કથા નહિ હું કરું. 8.
[ દોહરો ]
અનુસ્વારનું આ લખ્યું સુંદર અષ્ટક આમ,
પ્રેમ થકી પાકું ભણો, પામો સિદ્ધિ તમામ.
છાપે છાપે છાપજો, પુસ્તક પુસ્તક માંહ્ય,
કંઠ કંઠ કરજો, થશે શારદ માત સહાય.
પાકો આનો પાઠ જો કરવાને મન થાય,
સૂચન એક સમર્પું તો, કમર કસીલો, ભાઈ !
નકલ કરો અષ્ટક તણી એકચિત્ત થઈ ખાસ,
અનુસ્વાર એંશી લખ્યાં પૂરાં, તો બસ પાસ.
####################

No comments :

Post a Comment