Friday 17 February 2017

કહેવત પાછળની વાર્તાઓ

કહેવત પાછળની વાર્તા (1):
કહેવત: "સિદ્દી ભાઈને સિદ્દકાં વહાલા."
સિદ્દી નામની પ્રજાતી જુનાગઢ પાસે ઝઘડીયા ને બીજી બે ચાર જગ્યાએ ગુજરાતમાં વસે છે. એમના બાળકોને સિદ્દકાં કહેવાય.
જુનાગઢના નવાબને એક સિદ્દી ગુલામ હતો એ બહુ બુદ્ધિશાળી હતો. એની પર ખુશ થઈને નવાબે એને પોતાનો વજીર બનાવ્યો.
એકવાર નવાબને પોતાના શાહજાદાને જોઈને વિચાર આવ્યો કે મારા રાજમાં મારા શાહજાદા જેટલું સુંદર બીજું કોઈ બાળક હશે? એમણે પોતાની રાણીને આ સવાલ કર્યો તો રાણીએ કહ્યું,"દરેક
મા-બાપને પોતાનું બાળક જ સુંદર ને વહાલું લાગે. પછી ભલે ને અસુંદર હોય." નવાબ એ વાત માનવા તૈયાર નહોતા.
એટલામાં વજીર ત્યાં આવ્યા એટલે નવાબે એમને આ પ્રશ્ન પૂછીને જુનાગઢ રાજના સૌથી સુંદર બાળકને શોધવાનું કહ્યું. વજીરે એ માટે એક મહિનાનો સમય માંગ્યો. બીજા દિવસે સિદ્દીએ ઢંઢેરો પીટાવી અલગ અલગ વિસ્તારના બાળકોને લઈ મા-બાપને એક જગ્યાએ ભેગા થવાનો આદેશ કરી વારા ફરતી જોવા માંડ્યા પણ એને કોઈ બાળક સુંદર લાગે જ નહીં. એમ કરતાં મહિનો પૂરો થવા આવ્યો. કાલે નવાબને શું જવાબ આપીશ એની ચિંતામાં એ માથે હાથ દઈને બેઠો હતો ત્યાં એની પત્નીએ પૂછ્યું કે, શું ચિંતા છે? એટલે સિદ્દીએ પત્નીને પોતાની સમસ્યા જણાવી. તેની પત્નીએ એમના નાના બાળકને સામો ઊભું કરીને કહ્યું,"આ તે કાંઈ સમસ્યા છે? આખા રાજ્યમાં આપણા બાળકથી સુંદર બાળક બીજું કોઈ નહીં હોય!"
સિદ્દીને ય પોતાના દીકરાને જોઈને વહાલ ઊભરાયું ને એમ થયું કે હું ય ખરો છું ને, સહુથી સુંદર બાળક તો મારા ઘરમાં જ હતું ને આખા ગામમાં ગોતતો ફરું છું!
બીજે દિવસે એણે નવાબ આગળ પોતાના દીકરાને સર્વ શ્રેષ્ઠ સુંદર બાળક તરીકે પ્રસ્તુત કર્યો. નવાબને જવાબમાં શાહજાદો જ સહુથી સુંદર બાળક છે એમ સાંભળવું હતું પણ સિદ્દીને પોતાનો પુત્ર જ સુંદર લાગ્યો એટલે એના પરથી કહેવત પડી કે "સિદ્દીભાઈને સિદ્દકાં વહાલાં". અર્થાત દરેક
મા-બાપને પોતાનું બાળક કાળું, ગોરું, સુંદર,અસુંદર જેવુ હોય તેવું પણ સર્વથી વધુ સુંદર લાગે છે.


કહેવત પાછળની વાર્તા (2)
કહેવત: "ભેંસ ભાગોળે, છાશ છાગોળે ને ઘરમાં ધમાધમ."
એક વખત એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા.
ભગો અને જગો.
બન્યું એવું કે બાજુના ગામના પટેલ ભેંસ વેચવા માટે ફરતા ફરતા ગામની ભાગોળે આવ્યા.
અને આ વાત ફરતી ફરતી ભગા અને જગા પાસે આવી.
ભગો કે, "જગા, આપણી પાસે ભેંસ નથી. લેવી છે?"
જગો કે, "હોઉ, લઇએ. ને પછી એ ય ને એનાં દૂધ દોશું."
ભગો કે, "ને પછી એ ય ને એનાં દૂધ પીશું."
જગો કે, "એ ય તે પેટ ભરી ને પીશું."
ભગો કે, "ને તો ય પાછા વધશે."
જગો કે, "ને વધશે તો એના દઇ કરશું."
ભગો કે, "ને પછી એ ય ને એ દઇ ખાશું."
જગો કે, "એ ય તે પેટ ભરી ને ખાશું."
ભગો કે, "ને તો ય પાછા વધશે."
જગો કે, "ને વધશે તો એની છાશ કરશું."
ભગો કે, "એ ય તે પેટ ભરી ને પીશું."
જગો કે, "ને તો ય પાછી વધશે."
ભગો કે, "વધે જ નઈ ને..! હું બધી પી જઇશ"
જગો કે, "પણ તો ય જો વધી...."
ભગો કે, "ના કીધું ને..! વધશે નઈ..! હું બધી પી જઇશ."
જગો કે, "દૂધ પીધાં, દઈ ખાધાં, ને તો ય બધી છાશ પી જઇશ?"
ભગો કે, "હોઉ."
જગો કે, "શરમ કર, શરમ કર. તું તો માણસ છે કે પાડો?"
તે એમ કરતાં બે ય ઝગડ્યા.
ને ઝગડ્યા તે કેવા ઝગડ્યા?
ધમાધમ ઝગડ્યા.
તે આ જોઈ ને ગામનું કોઈ ડાહ્યું માણસ બોલ્યું,
"ભેંસ ભાગોળે, છાશ છાગોળે ને ઘરમાં ધમાધમ."
:D ;)


કહેવત પાછળની વાર્તા (3)
કહેવત: "કુંભાર કરતા ગધેડા ડાહ્યાં."
એક રાજા રસાલા સાથે ફરવા નીકળ્યો તેણે જોશીને પૂછ્યું આફત આવવાની સંભાવના ખરી? તેણે કહ્યું નામદાર સુખેથી પધારો. ટીપણું ખોલીને ગણતરી કરીને કહું છું "નિર્વિઘ્ને પરત અવાશે."
રાજા રવાના થતા હતા ત્યારે એક કુંભારે રાજાને અરજ કરી. "નામદાર જશો નહિ ભયંકર વરસાદ આવશે હેરાન થઈ જશો."
રાજા કહે,"જોશીની સલાહ લીધી છે. કંઈ નહિ થાય."
રસાલો જંગલમાં પ્રવેશે તે પહેલા ધોધમાર વરસાદ તૂટી પડ્યો. મહામહેનતે બધા પાછા ફરી શક્યા.
બીજા દિવસે રાજાએ દરબાર ભરીને હુકમ કર્યો,
"જોશીનું સ્થાન કુંભારને આપવામાં આવે છે."
કુંભાર મુંજાયો રાજાને વિનંતિ કરી,"હું તો
અજ્ઞાની છું." રાજાએ કહ્યું તે સચોટ આગાહી કરી છે મારે હવે બીજા પુરાવાની જરૂર નથી.
કુંભાર બોલ્યો "નામદાર, અમારા ગધેડા ખડતાલવા મંડે, ભુકવા મંડે, આકાશ સામે જુએ, બાંધ્યા હોય ત્યાંથી છુટવા જોર કરે ત્યારે અમે જાણી જઈએ કે 'વરસાદ થશે'. આપ નીકળ્યા ત્યારે મારા ગધેડા આવું કરતા હતા તેથી આમ કહેલું."
રાજાએ કહ્યું,"રાજના જોશી તરીકે કુંભારને બરતરફ કરી ગધેડાની નિમણુંક કરવામાં આવે છે."
ત્યારથી કહેવત પડી "કુંભાર કરતા ગધેડા ડાહ્યા!"


કહેવત પાછળની વાર્તા (4)
કહેવત : "પાપનો ઘડો ભરાઈ જવો કે ફૂટવો."
                   


કહેવત પાછળની વાર્તા (5)
કહેવત: "કોથળામાંથી બિલાડું કાઢવું."
એક વાણિયો જંગલમાંથી પસાર થતો હતો. રસ્તામાં તેને લૂંટારા મળ્યા. વાણિયા એટલે શાણી પ્રજા. તેણે લૂંટારાઓ પાસે એક દરખાસ્ત મૂકી : એમ કરીએ, હું તમને લોકોને આ રકમ ઉછીની આપું છું. એટલે તમે મને લૂંટ્યો નહીં ગણાય.
લૂંટારાઓને થયું આ તો આપણા હિતની વાત છે. એ જમાનામાં ઉછીનાં નાણાંની આપ-લે માટે કરાતા લખાણ વખતે વચ્ચે સાક્ષી હાજર રાખવામાં આવતો. જંગલમાં આવો કોઈ સાક્ષી મળે નહીં. આમ બધી રીતે વાત લૂંટારાઓના ફાયદામાં હતી.
લૂંટારાઓએ તો સાચાં નામઠામ લખાવ્યા. સાક્ષીમાં વાણિયાએ નજીકમાં ફરતો કાળો રાની (જંગલી) બિલાડો ગણાવીને તેને પકડીને પોતાના કોથળામાં પૂર્યો. થોડા સમય બાદ રકમ પાછી આપવાની વાત આવી એટલે લૂંટારાઓને કાજીનું તેડું આવ્યું. લૂંટારાઓ તો બેફિકર હતા. લૂંટ કરી નહોતી. બિલાડું સાક્ષીમાં કાંઈ બોલી શકે નહિ. આમ ઉછીનાં નાણાં લીધાની વાત સાબિત થાય તેમ નહોતું. વાણિયાએ નાણાં ઉછીનાં લીધાનું લખાણ રજૂ કર્યું અને સાક્ષીમાં તેની પાસેના કોથળામાંથી બિલાડું કાઢ્યું.
અસલ જંગલી બિલાડો તો તેણે ક્યારનો છોડી દીધેલો. આ તો પાલતુ સફેદ બિલાડી હતી.
તેને કોથળામાંથી બહાર કાઢતાંની સાથે લૂંટારાઓ બોલ્યા : ખોટું, આ તો સફેદ બિલાડી છે. પેલો તો કાળો બિલાડો હતો. આમ નાણાં લીધાની આડકતરી કબૂલાત થઈ ગઈ. વાણિયાને વ્યાજ સાથે રકમ પરત આપવી પડી અને આમ આ કહેવત પડી.


કહેવત પાછળની વાર્તા (6)
કહેવત: "વગર વિચાર્યું જે કરે, પાછળથી પસ્તાય."
ઘણાં વર્ષો પહેલાંની આ વાત છે. ઉજ્જૈન નગરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો. એ સ્વભાવનો ઉતાવળીયો હતો અને નાની નાની વાતમાં ગુસ્સો કરવાની અને ધમાલ મચાવવાની એને ટેવ હતી. એની પત્ની એને ઘણી વખત સમજાવે પણ તેના સ્વભાવમાં ફરક પડતો ન હતો.
એક વખત તેની પત્ની નદી પર પાણી ભરવા ગઈ. તે જતાં જતાં તેના પતિને કહેતી ગઈ કે આપણું બાળક પારણાંમાં સૂતું છે તેનું તમે ધ્યાન રાખજો અને હું ન આવું ત્યાં સુધી તમે દૂર ખસતા નહિ.
બન્યું એવું કે જેવી બ્રાહ્મણી ગઈ કે તરત બ્રાહ્મણને તેના એક યજમાનનું તેડું આવ્યું. યજમાનને ઘરે કોઈ સારો પ્રસંગ હતો અને તે નિમિત્તે તેણે બધા બ્રાહ્મણોને સીધું-સામાન અને દાન-દક્ષિણા લેવા બોલાવ્યાં હતાં. બ્રાહ્મણને થયું કે જો હું જવામાં મોડું કરીશ તો મારા દાન-દક્ષિણા પણ અન્ય બ્રાહ્મણો લઈ જશે અને મને કંઈ નહિ મળે. આજુબાજુ જોયું તો તેણે પોતાનો પાળેલો નોળિયો દેખાયો.
બ્રાહ્મણના ઘરની આજુબાજુ ઘણી વખત સાપ નીકળતા હતા અને સાપના ઉપદ્રવથી બચવા માટે બ્રાહ્મણ-બ્રાહ્મણીએ નોળિયો પાળ્યો હતો. બ્રાહ્મણે નોળિયાને બાળકની બાજુમાં બેસવાનું અને તેનું બરાબર ધ્યાન રાખવાનું કહ્યું અને તે યજમાનના ઘરે ગયો.
બ્રાહ્મણના ગયા પછી નોળિયાએ એક મોટા કાળા સાપને બાળક તરફ આવતા જોયો. નોળિયા તો સાપના જન્મજાત દુશ્મન એટલે એ સાપના ટૂકડેટૂકડાં કરી ખાઈ ગયો. ત્યાં તેણે બ્રાહ્મણને આવતાં જોયો એટલે તે દોડીને તેના પગમાં આટોળવા લાગ્યો.
બ્રાહ્મણે જોયું તો નોળિયાનું મોઢું લોહીવાળું હતું. તેને થયું કે નકી આ નોળિયો મારા બાળકને મારીને ખાઈ ગયો લાગે છે. ગુસ્સે ભરાઈને તેણે પોતાની લાકડી વીંઝી નોળિયાને ત્યાં ને ત્યાં મારી નાખ્યો અને ઝટઝટ અંદર જઈને જુએ તો બાળક પારણાંમાં ઘસઘસાટ ઊંઘી રહ્યું હતું અને પારણાની આસપાસ મરેલા સાપના ટુકડાં વેરણછેરણ પડ્યાં હતાં.
આ જોઈને એને ખ્યાલ આવ્યો કે તેના વફાદાર પાળેલા નોળિયાએ તો તેના બાળકને મોતનાં મોંમાંથી ઉગાર્યો હતો અને પોતે તે ભલાં પ્રાણીની કોઈ કદર કરવાના બદલે વગર વિચાર્યે તેને જ મારી નાખ્યો હતો.
બ્રાહ્મણી પાણી ભરીને પાછી આવી તો તેને પણ પોતાના પાળેલા નોળિયાને મરેલો જોઈ ખૂબજ દુઃખ થયું. પછી તેણે બ્રાહ્મણ પાસેથી વચન લીધું કે હવે પછી તે ખોટી ઉતાવળ કરી વગર વિચાર્યું કામ કદી નહિ કરે.


કહેવત પાછળની વાર્તા (7)
કહેવત: "નવ્વાણુંના ફેરમાં પડે એ આખી જિંદગી ઊંધુ ઘાલીને ઘાણીના બળદની જેમ મંડ્યો જ રહે."
એક વાણીયો ને એક ધોબી બે પડોશી હતા. વાણિયો ગણી ગણીને રૂપિયા વાપરે, ને બચત કરવાના ચક્કરમાં સહેજ પણ આડો અવળો ખર્ચો થાય તો પત્ની-બાળકો જોડે કકળાટ કરી મૂકે.
જ્યારે ધોબી રોજનું જે કમાય તે વાપરીને આનંદ કરે, કાલની ચિંતા કાલ કરશું, એટલે ધોબીને ઘેર રૂપિયા નહીં તો ય આનંદ આનંદ અને વાણિયાને ઘેર રૂપિયા ખરા પણ શાંતિ કે આનંદ ના હોય.
વાણિયણને ધોબણની ઈર્ષા આવી. એણે વાણિયાને કહ્યું કે,"આ ધોબી તમારા કરતાં કેટલું ઓછું કમાય છે. તો ય એ લોકો કેટલા આનંદથી રહે છે, ને આપણે?"
વાણિયાએ કહ્યું કે, "ધોબી હજી નવ્વાણુંના ફેરમાં નથી પડ્યોને એટલે, નવ્વાણુના ફેરમાં પડશે ને તો એના ઘેર પણ આપણી જેવું થઈ જશે."
વાણિયણે પૂછ્યું,"નવ્વાણુનો ફેર એટલે શું?"
વાણિયાએ કહ્યું,"પ્રેક્ટિકલ બતાવીશ, રાહ જો."
એક રાતે વાણિયાએ એક રૂમાલમાં ૯૯ રૂપિયા બાંધ્યા ને પોટલી વાળીને ધોબીના આંગણામાં સરકાવી દીધી.
સવારે ધોબીએ પોટલી જોઈ, એને ખોલીને રૂપિયા ગણ્યા ને નવ્વાણું રૂપિયા છે એ જોઈને એને થયું કે, એક રૂપિયો હોય તો સો રૂપિયા પૂરા થાય. તે દિવસે જે કમાયો એ પૂરા વાપર્યા નહીં, તાણીતૂસીને એક રૂપિયો બચાવ્યો. પછી એને થયું કે, શું કરું તો વધારે રૂપિયા બચાવી શકું?
એટલે રોજે રોજ ઘરખર્ચમાં કાપ મૂકવા માંડ્યો, પત્ની-બાળકોના ખર્ચ પર કાપ મૂકવા માંડ્યો. એના ઘરની શાંતિ ને આનંદ ચાલ્યા ગયા.
હવે એના ઘેર પણ વાણિયાની જેમ કકળાટ ચાલ્યો. વાણિયણને નવાઈ લાગી એણે પૂછ્યું કે, "આ ધોબીને શું થયું?"
વાણિયાએ કહ્યું,"એ ય મારી જેમ નવ્વાણુંના ફેરમાં પડ્યો છે." પછી વાણિયાએ ધોબીને બોલાવી પૂછ્યું, "કેટલા રૂપિયા ભેગા કર્યા બે મહિનામાં?"
ધોબીએ કહ્યું કે,"૩૦૦ રૂપિયા, પણ તમને કેવી રીતે ખબર પડી કે હું રૂપિયા ભેગા કરું છું?"
વાણિયાએ કહ્યું,"તને નવ્વાણું રૂપિયાની પોટલી મળેલીને એ મેં તારા વાડામાં નાખી હતી લાવ મારા નવ્વાણુ પાછા."
ધોબીએ વાણિયાને ૯૯ રૂપિયા પાછા આપી દીધા.પણ પછી એ ય વાણિયાની જેમ રૂપિયા ભેગા કરવાના ચક્કરમાં પડ્યો ને, જીવન જીવવાનો આનંદ અને એની શાંતિ એણે ગુમાવ્યા.
મિત્રો... આવી રીતે માણસ રૂપિયા કમાવવાના ચક્કરમાં પડી, રૂપિયા ભેગા કરવા ભાગંભાગ કરતો હોય એને કહેવાય નવ્વાણુના ફેરમાં પડવું.


કહેવત પાછળની વાર્તા (8)
કહેવત: "ઘૈડા ન હોય તો ગાડા પાછા વળે."
સામાન્ય રીતે એમ બોલાય છે કે ‘ઘૈડા ગાડા પાછા વાળે’ પણ સાચી કહેવત એમ છે કે ‘ઘૈડા ન હોય તો ગાડા પાછા વળે’.
આ કહેવત પાછળની કથા એવી છે કે એક વરરાજાના બાપે નક્કી કર્યું કે આપણે જાનમાં કોઈ ઘરડા માણસને લઈ જવો નથી. આથી બધા ઘરડા સગાઓએ અંદરોઅંદર નક્કી કર્યું કે આપણે છાનામાના સંતાઈને જાનમાં જવું.
હવે બન્યું એમ કે જાન નીકળ્યા પછી સામેથી કન્યાના બાપે અચાનક એક શરત મૂકી કે અમારા ગામનું તળાવ ઘીથી ભરી દો, પછી જ અમે કન્યા આપીશું. વરરાજાના બાપ તો મુંઝાઈ ગયા. શું કરવું તેની સૂઝ નહોતી પડતી. બધાની સલાહ લીધી પણ કોઈને સમજણ ન પડતી કે શું કરવું? આમતો જાનના ગાડા પાછા વાળવા પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ.
ત્યાં અચાનક પેલા સંતાઈને આવેલા અનુભવી ઘરડાઓ બહાર નીકળ્યા અને બોલ્યા અમારી પાસે એક ઉપાય છે. એટલે વરના બાપાએ આ ઘરડાઓને કન્યાપક્ષ સાથે વાત કરવા મોકલ્યા. એમણે જઈને એટલું જ કહ્યું કે તમે પહેલા તળાવ ખાલી કરી દો પછી અમે એને ઘીથી ભરી દઈએ. આ ચતુર જવાબ સાંભળીને કન્યાના બાપે જાન વધાવી લીધી.
ત્યારથી કહેવાય છે કે ‘જો ઘરડા [અનુભવી] ન હોય તો જાનના ગાડા પાછા વળત.’

કહેવત પાછળની કથા (9)
કહેવત: "પોથી માંહેના રીંગણા."
"ગોરાણી, શું કરો છો ?"
"ગોર, શિરામણની તૈયારી કરૂ છું."
"બહુ સારું, આ જરાક વશરામ પટેલની વાડીએથી કુણા માખણ જેવા તાજા કાંટાળા દેશી રીંગણા લાવ્યો છું. આજ તો શિરામણમાં ભરેલા રીંગણાનું શાક, બાજરાનો રોટલો, દહીંનું ઘોળવું, લસણની ચટણી ને ઘી-ગોળ ખાવાની ઈચ્છા છે ગોરાણી."
"પણ... ગોર તમે તો કથામાં રીંગણાને ગરમ અને વાયડા કહી રાક્ષસી આહાર હોવાનું કહો છો! અને પાછા રીંગણાનું શાક કરવાનું કહો ઈ કંઈ સમજાતું નથી!"
"ગોરાણી, ઈ તો બધી પોથીની વાતો લોકોને કહેવા માટે હોય પોથી પઢનારને લાગુ ન પડે એટલી વાત તમને ક્યારે સમજાશે?"
"પણ........!"
"ગોરાણી, પણ-બણ છોડો અને લસણ-મરચાં સાથે ગરમ મસાલો ભરી રાઈ-મેથીનો વધાર કરી છાસના છમકા સાથે તજ અને તમાલપત્રથી થોડા વધારે તેલમાં રીંગણા વઘારો એટલે મજા આવી જાય!"
નાના એવા ગામડામાં રહેતા કથાકાર મનસુખ ગોર કથાઓ દ્વારા પોતાનું ગુજરાન ચલાવતા હતા. ધર્મની વાતો સાથે આહાર, વિહાર અને વ્યવહારનો ઉપદેશ આપતાકથા દરમિયાન લસણ-ડુંગળીને તામસી અને રીંગણાને ગરમ અને વાયડા ગણાવી તેનાથી દૂર રહેવાનું લોકોને સમજાવતા હતા. પરંતુ મનસુખ ગોરને રીંગણા બહુ ભાવતા અને પોથીની વાતો કથાકારને લાગુ પડે નહીં તેવું ઘરમાં કહેતા! એટલે લોકોમાં એક નવી કહેવત શરૂ થઈ
‘પોથી માંહેના રીંગણા’.

                                                                                     

5 comments :

  1. khub saras post. aavi mahiti sabhar post hamesha anandit kare chhe. thanks rajul. :)

    ReplyDelete
  2. Very nice stories please keep on adding.We can save our culture.

    ReplyDelete
  3. ખુબ સરસ

    ReplyDelete