Tuesday 26 April 2016

વાર્તા શિબિર ૧૧ (મુંબઈ). [રાજુલ]


વાર્તાલેખન શિબિરની અગીયારમી બેઠકનો અહેવાલ.(મુંબઈ) મીના ત્રિવેદીના ઘરે. ૬ એપ્રિલ ૧૬. [રાજુલ]

[મારી પાસે હાલમાં જે મોબાઈલ છે એમાં કેમેરા ફોટો પાડતી વખતે એક સાથે ક્રમશઃ ત્રણ છબી પાડે છે અને તે મિક્સ કરી ફોટો ઉપસાવે છે... તસ્વીર ને ધારદાર બનાવવા. તમને થશે આ જ શિબિરનો અહેવાલ તુમુલે તો લખ્યો... વળી રાજુલનો અહેવાલ..? દોસ્તો... અહેવાલ ધારદાર બનાવવા આ બીજી તસ્વીર... --- રાજુ]

~~ શ્રી વાર્તાનારાયણ રામકથા ~~
અથશ્રી પ્રથમોધ્યાયઃ
રાજુલ ઉવાચઃ
છોટા પેકેટ, બડા ધમાકા! આ 'છોટા પેકેટ' એટલે કે રામ ધમાકો તો કરશે પણ એ ધમાકો કેટલો 'બડો' હશે ફક્ત એ જ જોવાની તાલાવેલી હતી અને એણે ખરેખર જબરદસ્ત ધમાકો કર્યો. બેઠક અત્યંત સફળ રહી. બેઠકને અંતે બધા જ સભ્યો ખુશખુશાલહતા. રામે છેલ્લે જે વાત કહી એ એના જ શબ્દોમાં સૌથી પહેલા ટાંકુ છું.

રામ ઉવાચઃ
મને થોડીક ચિંતા હતી. શું કહીશ? શું કરીશ? યુનીવર્સીટીમાં કાયમ લેક્ચર આપવા જતો હોઉં છું પણ આવી દુવિધા કદીય નથી થઈ. ત્યાં એક જ કલાકનો સમય આપવામાં આવે અને એ કલાકમાં મારે ફક્તમારી વાત કરવાનીહોય, મારી વાર્તાઓ વિષે બોલવાનું હોય. પણ અહિંયા તો સમય અવધિ વધુ હતી અને સામે રસિકગણ પણ જુદા હતાં. થોડીક અવઢવ હતી કે ક્યાંક લોચાલાપસી તો નહિ રંધાઈ જાય ને! પણ મને ખૂબ મજા આવી. તમે મનેમારી રીતે બોલવા સ્પેસ આપી. એક રાઈટરને એની સ્પેસ મળે પછીબીજું જોઈએ શું? તેમાંય તમારી ક્યુરિયોસીટી ગજબ હતી, બધું જાણવાની.. માણવાની. એટલે મારો ઉત્સાહ બેવડાયો." યેસ્સ રામ. અમને પણ ખૂબ મજા આવી.

રામની આ બેઠક માટેની તૈયારી સવારથી જ ચાલુ થઈ ગઈ હતી. એણે સવારનાં કલાકેક બેસીને નોટ્સ બનાવી હતી. રામ સાથે અહેમદાબાદથી એનો મિત્ર મીત પાંચાલ પણ આવ્યો હતો. મીતનું પણ વાંચન ખૂબ સરસ છે. રામજ્યારે નોટ્સ બનાવી રહ્યો હતો, અમુક વાર્તાઓ એણે પણ સુચવી. જેમાંથી અમુક રામે એડ કરી. અમુક એવી પણ વાર્તાઓ હતી કે મીતે સુચવી પણ રામે એ વાંચી નહોતી. એનું કહેવું હતું કે જે વાર્તા મેં વાંચી નથી એના વિશે હુંકેવી રીતે બોલી શકીશ? કેવી રીતે જ્સ્ટીફાય કરી શકીશ? અને એણે એ વાર્તાઓ લીસ્ટમાં ઉમેરી નહિ! આ બધું હું રસોડામાં કામ કરતાં કરતાં સાંભળી રહી હતી.


અગાઉ જ્યારે ફોન પર વાત થઈ હતી ત્યારે મેં રામને રમુજમાં જણાવ્યું હતું કે બેઠકના દિવસે ધોતિયું કે કુર્તો પાયજામો એવું કશુંક પહેરજે. તો જ્યારે તુ સુત્રધારના રોલમાં આવે તો થોડું વજન પડે અને માહોલ બને. નહિ તો લોકોને એમ થશે કેરાજુલ સાથે કોઈ 'સ્કુલ ગોઈન્ગ' છોકરો નવા શિબિરાર્થી થરીકે આવ્યો છે. એટલે ... અને એણે સલવાર કુર્તો ચડાવ્યો.

મુલુંડ, મીનાબેનના ઘરે અમે એટલે કે હું રાજુલ, રામ, અને રામનો મિત્ર મીત સહુ લગભગ સવા બેની આસપાસ પહોંચ્યા. પ્રિતી, યામિની, વર્ષા અને ભારતીબેન અમને બિલ્ડીંગની નીચે જ મળી ગયાં.
પરાગ જ્ઞાની હંમેશની જેમ બધાથી વહેલા, એક્ચ્યુલી એમ કહેવું જોઈએ કે સમયસર પહોંચી ગયા હતા. બધા મેમ્બર આવતા ગયા. રાજુની વાટ જોવાઈ રહી હતી. 'સમયસર આવજો' ના મારા મેસેજના જવાબના રીપ્લાયમાં એમનો મેસેજ આવી ગયો કેહતો કે આજે સુત્રધાર રામ છે એટલે હું આજે આરામથી, પહેલીવાર વગર ઉચાટે લેટ આવી શકીશ!


તેઓ આવ્યા એ પહેલા અમે રામ સાથે ઓળખાણવિધિ પતાવી લીધી. રાજુના આગમન સાથે ઓફીશીયલી બેઠક શરૂ થઈ. સમીરાને એ દિવસે રઈસી સવારી અને રઈસ સહપ્રાવસી મળ્યો. ગોરેગાંવથી મુલુંડ ડાયરેક્ટ રીક્ષામાં! સમીરા રાજુ સાથે આવી હતી. રોહિતભાઈ તો કાયમ ટ્રેનમાં જ લઈ આવે. હા હા હા..

રામે પોતાની વાર્તા 'એ તો છે જ એવા' ફેસબુક ફોરમમાં મુકી હતી, જે સૌ એ વાંચીને આવવાની હતી. એનાં ઉપર ચર્ચા સત્ર હતું. રામે શરૂઆત કરતાં કહ્યું કે પઝલનાં ખાલી ખાના ભરતા હોઈએ એમ ક્યારેય વાર્તા ન લખાય. ૧૦ ખાના ખાલી છે ને તમે ૧, ૨, ૩, ૪.. એમ ભરતા જાઓ! વાર્તા લખવી એટલી સહેલી પણ નથી હોતી અને પઝલ જેવી અટપટીપણ નથી હોતી. બીજી વાત એ કે વાર્તા ક્યારેય સારી કે નરસી નથી હોતી. વાર્તામાં થયેલી રજુઆત ને તમે સારી કે નરસીનાં વિશેષણો ચોક્કસ આપી શકો પણ વાર્તાને તો નહિ જ. સુપ્રસિદ્ધ વાર્તાકાર અને નવલકથાકાર બિંદુભટ્ટએ બે નવલકથાઓ લખી છે, એક વાર્તા સંગ્રહ આપ્યો છે.. એમની દરેક કૃતિમાં રજુઆત એકબીજાથી સાવ જુદી પડતી હોય. એમને માટે રજુઆત એ એક ચેલેન્જ છે અને તેઓ એ ચેલેન્જને સુપેરે પાર પાડતા હોય છે.

એક જ વાર્તા કેટલા બધા એંગલથી, નિયમથી કહેવાતી હોય. લખનાર જો એમ સમજે કે હું સ્માર્ટ છું અને વાચકને આસાનીથી બુદ્ધુ બનાવી શકીશ તો આ વાત સાવ બેબુનિયાદ અને ખોટી છે. લખતી વખતે લેખકનાં મનમાં જે ભાવહોય, જે દિશા હોય, જે ખૂણા હોય, દ્રષ્ટિ હોય વાચક એનાં કરતા અનેકગણા વધુ પરિમાણથી કૃતિને જોતો હોય છે, વિચારતો હોય છે, માણતો હોય છે.

વાર્તાની રચના કેવી હોય? એ જુદી જુદી કઈ કઈ રીતે લખાય એ વિષે રામે વિસ્તૃત વાત કરી.
કથક સ્વરુપ--
એટલે કે લેખક પોતે વક્તા બને અને વાત કહે. એટલે કે તમારી વાત. તમારી વાતમાં લોકોને શા માટે રસ પડે? તમારી શૈલી રસાળ હોય તો ચોક્કસ પડે. ધારોકે રાજુલ વાર્તા કહેતી હોય તો એ શું કહેવા માંગે છે એ વાતમાં લોકોને રસ પડશે, વાર્તામાં નહિ.
દા.ત. રાજુલ ઉઠી. એણે બ્રશ લીધું. (ત્રીજો પુરુષ)
આવું સપાટ કથન હશે તો વાચક પણ કદાચ એટલો જ સપાટ થઈને વાંચશે. પણ એમાં જો થોડીક કળા ઉમેરીએ તો કથન રૂપાળું લાગશે. રસ પડે એવું.

અન્ય દ્વારા --
એટલેકે અન્ય દ્વારા કહેવાતું સ્વરૂપ.
દા.ત. મેં જોયું કે રાજુલ આવ્યા.. એ કશું બોલ્યા વિના સીધા કીચનમાં જતા રહ્યા.. લાગે છે કે કદાચ આજે એમના ઘરે કશુંક બન્યું હશે! (પ્રથમ પુરુષ)

સર્વજ્ઞ સ્વરૂપ--
એટલે કે ફર્સ્ટ પર્સન વાત કરી રહ્યો છે.
તાજેતરમાં ફેસબુક ફોરમમાં મુકવામાં આવેલી પૂજા તત્સત્ ની વાર્તા 'તાવ' આ સ્વરૂપનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એક બીજી સ્ત્રી ત્રણેય પાત્રો દ્વારા પ્રથમ પુરુષમાં કહેવાઈ છે.

વાર્તામાં આવતા સમય ખંડો વિષે--
વાર્તાને ભૂતકાળમાંથી વર્તમાનકાળ અને વર્તમાનકાળમાંથી ભૂતકાળમાં લઈ જવી એ બાબત બહુ સ્માર્ટનેસ માંગી લે એવી છે. મગજને કસરત કરાવે એવી. એવી રીતે કોઈ એક વાર્તામાં જ્યારે બે સમય ખંડો ની વાત આવતીહોય ત્યારે વચ્ચે એવો કોઈ મુદ્દો રાખવો, કે જેથી વાચકને સમજ પડે. નહિ તો એણે વાત અને વાર્તા સમજવા પોતાની અલગ ડીક્સનરી બનાવવી પડેશે! સમજો કે વાર્તાનાં ત્રીજા ફકરામાં તમારે કોઈ વિશિષ્ટ વાત કરવી છે તોસ્માર્ટ બનીને એનો અણસાર પહેલા જ આપી દેવો. વાચક સ્માર્ટ હશે તો એ બન્ને વાત કનેક્ટ કરશે જ.

આ માટે રામે પોતાની વાર્તા 'એ તો છે જ એવા'માં આવતા પ્રસંગનો દાખલો આપ્યો.
ભૂતકાળ-- 'એ તો છે જ એવા'ની નાયિકા એને જોવા મુરતિયો આવ્યો હોય છે ત્યારે પોતાનો રોષ ખાળવા બાથરૂમમાં જાય છે. બીજા જ દ્રશ્યમાં બાથરૂમનાં દરવાજા પર થાપ પડે છે. નાયિકા બહાર નીકળે છે ત્યારે સમય ખંડબદલાઈ ચૂક્યો હોય છે, વાર્તા ફરી વર્તમાન કાળમાં પ્રવેશી ચૂકી હોય છે. આ બાબતને વધુ વિસ્તૃત રીતે સમજવા, સમજાવવા રામે શ્રી સુરેશ જોષીની વાર્તા 'દ્વિરાગમન' અને 'જન્માષ્ટમી'ને યાદ કરી. જન્માષ્ટમીમાં એક ધનાઢ્ય પરિવારમાં ભવ્ય રીતે કૃષ્ણ જન્મ ઉજવાઈ રહ્યો છે જ્યારે બીજી તરફ એકગરીબનાં ઘરમાં નવજાત બાળકનો જન્મ સાવ વિષમ પરિસ્થિતી અને ટાંચા સાધનો વચ્ચે થાય છે. વાર્તામાં આ બંને ઘટના સમાંતર દર્શાવવામાં આવી છે. બન્ને જન્મોત્સવ પણ કેટલો ફેર! જ્યારે 'દ્વિરાગમન'માં એક દંપત્તિનું રસહીન, બીબાઢાળ દાંપત્ય અને બીજી તરફ આદર્શ લગ્નજીવનના ઉદાહરણ સમું રામ-સીતાનું દામ્પત્ય. આ બે ઘટનાઓ સમાંતર રીતે ચાલતી જોવા મળે છે.

તાજેતરમાં આવેલી નિતાંત સુંદર ફિલ્મ 'મસાન'. ફિલ્મમાં બે અલગસમય ખંડો પેરેલલ ચાલે છે અને જે રીતે વાર્તા બન્ને સમય ખંડો વચ્ચે સ્વીચ થાય છે, તથા છેવટે જ્યારે અંતમાં એકત્વ સધાય છે ત્યારે ઉપજતો ક્લાઈમેક્સ આપણને સ્તબ્ધ કરી દે છે.

વાર્તાને આઘાત પ્રત્યાઘાતનાં નિયમ બહુ લાગુ પડતા હોય છે. લેખક આઘાત આપે, અને વાચક પ્રત્યાઘાત! મન્ટોને વાંચવા કલેજું જોઈએ. મન્ટોએ વાચકોના પ્રત્યાઘાતની ચિંતા કરી જ નથી! એમણે ફક્ત અને ફક્ત આઘાત જઆપ્યા છે.

વાર્તાનાં વિષયને આધારે વાતાવરણની ગુંથણી--
ધારોકે તમારી વાર્તાનું વિષયવસ્તુ સ્કૂલે જતાં બાળકની આસપાસ ફરે છે. તો પ્રથમ મનમાં એનું વિશ્વ નક્કી કરો. પેન્સિલ, રબર, પેન, દફ્તર એ એનો અસબાબ. આ પ્રતિકો લઈને ગુંથણી કરી શકાય. ધારોકે વાર્તાનું વિષયવસ્તુ હાઊઝવાઈફ છે. તો એનું વિશ્વ રસોડું, ઘર એની આસપાસ હશે. હવે વાતાવરણ ક્રીયેટ કરો. ચા, તપેલી, દાળ-- આ બધાં રૂપકો વાપરી શકો છો. એ વણશો એટલે વિશ્વ ઉભું થઈ જ જાય. વાચકો બહુ જસ્માર્ટ હોય છે, તમે જરાક જેટલી ચૂક કરી ને એ અચૂક પકડી જ પાડશે. આપણને એમ કે વાચકને સમજાશે કે નહિ? એ ચોક્કસ સમજશે જ.

રામે કહ્યું કે નબળું સાહિત્ય ક્યારેય ન વાંચવુ! એક નબળી વાર્તા તમને દસ નબળી વાતો શીખવશે! એક સારી વાર્તા વાંચ્યા પછી બે પળ આંખ બંધ કરીને એને મમળાવજો. લખતી વખતે વાર્તાકારને જે નશાનો અનુભવ થયોહશે એ તમને ફીલ થયો? વિચારજો. એમ તો દરેક સર્જકની સબળી ને નબળી બન્ને પ્રકારની કૃતિ હોવાની. બધું જ કંઈ સારું નહિં જ હોય. પરંતુ ચોઈસ, આપણા હાથમાં છે.

વાર્તામાં આજકાલ વણાતા વિષયો વિષે રામે વાત કરી. રામે કહ્યું લખાતી ઘણખરી વાર્તાઓ કાં તો ધનાઢ્ય વર્ગને કેન્દ્રમાં લઈ લખાતી હોય છે અથવા ગરીબ વર્ગને. મધયમ વર્ગને કેન્દ્રમાં લઈને લખાતી વાર્તાઓ ખૂબ જ ઓછી છે. મધ્યમવર્ગીય વિષયોમાં પણ કેટલો ડ્રામા હોઈ શકે, રોમાન્સ હોઈ શકે, વાર્તાતત્વ હોઈ શકે. દા.ત. મહિનાના અંતમાં પચ્ચીસ, છવ્વીસ તારીખ આવતાં સુધીમાં મધ્યમવર્ગીય ઘરમાં જ્યારે પગાર પૂરો થઈ જાય ત્યારે લોટના ડબ્બામાં સંતાડેલી નોટોથી કામ ચાલતું હોય છે એ વાત ક્યારેય વાંચવામાં નથી આવી. ઘરમાં સાસુ, દેર જેઠાણીની હાજરી વચ્ચે પણ પતિપત્ની વચ્ચે આંખો આંખોમાં વાતો થતી હોય, કોઈ ન જુએ એમ સ્મિતની આપલે થતી હોય એમાં પણ રોમાન્સ હોઈ શકે. થાળીમાં પીરસેલી ખીચડીમાં નાયકની આનાકાની છતાં નાયિકા એકાદ ચમચી ઘી વધારે નાખી દે એ રોમાન્સ નથી તો શું છે?

હવે રામની વાર્તા 'એ તો છે જ એવા' પર વાત આવીને અટકી. બધાએ રામની વાર્તા વાંચી હતી. બધા પાસે ઢગલો એક વાતો કહેવા માટે હતી. વાર્તા પર, વાર્તા સંદર્ભે ગરમાગરમ ચર્ચા થઈ, દલીલો થઈ, પ્રતિ દલીલો થઈ. યામિનીએ પોઈન્ટ્સ લખીને આણ્યા હતા. પ્રીતિએ નવનીતમાં છપાયેલી વાર્તા આણી હતી અને તેમાં માર્કિંગ કર્યા હતા. એમણે અમુક અત્યંત ગમેલી પંક્તિઓ શેર કરી. ભારતીબેન તો 'નાયિકાને શાવર લેવા' મોકલી જ કેમ એ બાબત પર અડી ગયા. એમનું કહેવુ હતું કે જ્યારે ઘરમાં મહેમાન બેઠા હોય, ખાસ કરીને એ મહેમાન જ્યારે નાયિકાને 'જોવા' આવ્યા છે ત્યારે કોઈ આમ નહાવા જતું ન રહે. મીનાબેન ત્રિવેદીએ પણ એમની વાતમાં સૂર પુરાવ્યો.એમને પણ એ અયોગ્ય લાગ્યું હતું. બેઠકમાં હાજર લગભગ બધા જ સભ્યોએ એમને પોતપોતાની રીતે, પોતપોતાની સમજ થી સમજાવવાનો પ્રયત્ન કર્યો. વાત ખૂબ લંબાઈ. સુત્રધારે અને રામે પણ આ બાબત એક્સપ્લેઈન કરી.મેં એટલે કે રાજુલે કહ્યું કે એ નહાવા માટે નહિં પણ પોતાનો ગુસ્સો, ઉચાટ અને ફ્ર્સ્ટેશન છુપાવવા બાથરૂમમાં ઘુસી ગઈ. આખરે એ મુદ્દો અન્સોલ્વડ રહ્યો. ભારતીબેન ને ગળે કોઈ દલીલ ઉતરી નહિ અને એને ત્યાંજ મૂકીને આગળવધવુ પડ્યું. પ્રીતિએ રામના એક જગ્યાએ વાપરેલા 'કદાચ' શબ્દ વિશે ખુલાસો માંગ્યો. વાક્ય હતું.. "આ ઘરમાં પરણીને આવી એ વાતને કદાચ આવતાં મહિને બે વર્ષ પુરા થશે". પ્રીતિએ કહ્યું કે આ 'કદાચ' આ શબ્દ અહિ કેમ વાપર્યો એસમજાયું નહિ. વરસ બે વરસ પહેલા પરણીને આવેલ, ભણેલી ગણેલી છોકરીને સમય તારીખ યાદ ન હોય એ કેવી રીતે બની શકે? તે ઉપરાંત સગાઈ, લગ્નને આશરે કેટલો સમય થયો એ પોઈન્ટ પણ ઉઠ્યો. ગણત્રીઓ થઈ. એવુંતારણ નીકળ્યું કે અહિં બે સમયખંડો વચ્ચેની ગણત્રીમાં ભૂલ થઈ છે. સુત્રધારે વાત વચ્ચેથી સાંધી લેતાં કહ્યું કે આ એવી બાબત છે કે આપણે કોઈને ફોન કરીએ, સામે વાળો ફોન ન ઉપાડે. આપણે ફરી ફરી રીંગ વગાડીએ. ત્યારબાદ જ્યારે એની સાથે વાત થાય ત્યારે ફરિયાદ કરતાં કહીયે કે મેં તને 'બસ્સો-અઢીસો' ફોન કર્યા પણ તે એક્કે રીસીવ ન કર્યો! ત્યારે આપણે કંઈ ખરેખર બસ્સો અઢીસો વખત રિંગ નથી વગાડી હોતી પણ આ ફક્ત વાત કહેવાનીએક સ્ટાઈલ ઢબ છે. મીનાબેને વાંધો ઉપાડ્યો તો એમનાં વાંધાના જવાબમાં રાજુએ પૂછ્યું કે શું તમને લાગે છે કે આ સાંપ્રત વાત છે? તો હા, છે. મીનાબેને કહ્યું કે નથી. રાજુએ કહ્યું કે તમને અમુક બાબતમાં એવું લાગે કે આમં 'આવું' છે એટલે છે જએવું ન હોય. વસ્તુઓ જુદી પણ હોઈ શકે. એમણે રામ તરફ આંગળી ચીંધી અને કહ્યું કે રામ ન હોત તો આવું ન હોત. પણ અહિ મહત્વની વાત એ છે કે રામ છે. વાર્તામાં જે કંઈ પણ બનતું હોય છે, બને છે એના સાક્ષી હોય જ છે.એ તમારે વાર્તામાંથી જ શોધવાના હોય છે. અહિં વાર્તાનું વેલિડેશન થઈ રહ્યું છે. ધીઝ આર જક્સ્ટાપોઝિશન ઓફ સ્ટોરી. આ કંઈ એવું નથી કે પેપર ફૂટી ગયું છે એટલે હવે બધાને પરીક્ષામાં કયા કયા સવાલો આવવાના છે એની ખબર છે! ભારતીબેને કહ્યું કે વાર્તા રામે અમારા સુધી પહોંચાડી એટલે હવે એ અમારી થઈ ગઈ. સર્જક સાથે જ્યારે સંવાદ સધાય ત્યારે આ બધી બાબતો થવી નોર્મલ છે. સવાલો તો ઉઠવાના અને આપણે એ માટે જ ભેગા થયા છીએ.


આ તબક્કે પરાગે પોતાની વાત મૂકી કે સમાજમાં ગોરી વ્યક્તિની મહત્તા છે એ છોડીને વાર્તાને બીજે છેડે લઈ જવી એના કરતાં ગોરાકાળાનો ભેદ ભુલાવી માત્ર રૂપાળા રૂપાળા વચ્ચે તફાવત વ્યક્ત કરવો હતો. રામે જવાબ આપ્યો કે વાર્તાકાર ક્યારેય ઉશ્કેરાય નહિ. કોઈ મેસેજ માટે વાર્તા લખવી એ વાર્તાકારની જવાબદારી નથી. લેખક પોતાના મનથી જ વાર્તા લખે. એમાં મેસેજ હોય અને ન પણ હોય. પાત્ર શું ફીલ કરે છે એ જાણવુ અને જણાવવું મહત્વનું. યામિનીએ એક પ્રશ્ન પૂછ્યો. એણે કહ્યું કે સ્ટેજનો એક શિરસ્તો છે કે જો દ્રશ્યમાં ઉપર ગન લટકતી હોય તો એ ફૂટવી જ જોઇએ. આ વાર્તામાં સસરાનું પાત્ર છે. એમનો વાર્તામાં ખાસ કોઈ રોલ નથી તો પછી તમે એ પાત્ર શા માટે વાર્તામાં મુક્યું? રામ હજુ કંઈ જવાબ આપે એ પહેલા ભારતીબેન બોલી પડ્યા કે વાતાવરણ ક્રીયેટ કરવા સસરાનું પાત્ર નાખ્યું છે. સામાન્ય રીતે એક ઘરમાં હોય એવું. રામે પોતાની વાત ક્લીયર કરતાં કહ્યું કે દરેક મા પોતાના દિકરાની બાબતમાં પઝેસીવ હોય છે. પિતા હયાત ન હોય તો એ વધુ પઝેસીવ હોવાની પણ પિતા હોય તોય એવું બને જ. આ વાર્તામાં સાસુ, સસરા હયાત છે તો એ પણ દિકરા વહુની અદેખાઈ કરે છે. એ પુત્રપ્રેમમાં આસક્ત મા બનીને વહુ-દિકરો સાથે સમય પસાર ન કરી શકે એમાટે બહાના બનાવે છે. એવો મોટો કોઈ પોઇન્ટ નથી કે નથી એવું મોટું દુઃખ જેટલું નાયિકાને દેખાય છે. વાર્તામાં દરેકપાત્ર પોતાને જસ્ટીફાય કરે છે. સુરતવાળી 'નેહા'એ 'મેહા' વિષે પોતાના પ્રશ્નો 'મોકલાવ્યા' હતાં જે રાજુએ એના વતી રામને પૂછ્યા. અથવા એમ કહો કે વાંચ્યા એમ કહીને કે આપણી શિબિરમાં કરસ્પોન્ડંસ વિદ્યાર્થીનું પણ સ્વાગત છે!
નેહાકા પહેલા સવાલ.
મેહાને તેના રંગથી તકલીફ છે કે લોકોની ટકોરથી?
રામે જવાબ આપ્યો કે આ માણસસહજ સ્વભાવ છે કે એકની એક વાત કે ટકોર એને વારંવાર કરવામાં આવે તો એ પોતે પણ એ વાત ને સત્ય માનવા લાગે છે. મેહા પોતે કાળી હતી તે વાતની એને બહુ તકલીફ નથી પણ લોકોની વારંવારની ટકોરથી તેને લઘુતાગ્રંથી બંધાઈ ગઈ છે જે એને માનસિક રીતે પીડે છે.
દુસરા સવાલ. .
વાર્તામાં આવતા રસોડાના દ્રશ્યો અને વસ્તુઓના આટલા બધા વર્ણનની જરૂર છે?
રામે કહ્યું કે આ પ્રશ્નનો જવાબ પહેલા જ આવી ગયો છે. અહિ એક વિશ્વ રચવાની વાત છે. એ વિશ્વ જેમાં રાત દિવસ મેહા રહે છે. રાચે છે. આવા વર્ણનોથી જ વાચકની આંખો સામે એ વિશ્વ તાદ્દશ થશે. તે
ઉપરાંત વાર્તાને આગળવધારવામાં પણ આવા વર્ણનો મહત્વનો ભાગ ભજવે છે.
તીસરા સવાલ.
શું મેહાને બે વર્ષ સુધી પતિના સ્વભાવની શેજે ખબર નહોતી પડી જે છેક અંતમાં પડે છે?
રામે કહ્યું કે મેહાને ચિંતન જ્યારે જોવા આવ્યો ત્યારથી જ એને એના સ્વભાવની સુપેરે ઓળખ મળી ચૂકી હતી પરંતુ એ સ્વીકારતા એને વાર લાગે છે. અત્યાર સુધી અવહેલના, ટોણા સહેતી રહેલી નાયિકા એ વાત સહેલાઈથીપચાવી શકતી નથી કે એની સાથે કોઈ સામાન્ય, પ્રેમભર્યું વર્તન પણ કરી શકે. એનાં રંગની ઉપરવટ જઈને! અવગણીને! નજરાંદાજ કરીને કે પછી એ જેવી છે એવી સહજ સ્વિકાર કરીને! તેમજ અગાઉ કહ્યું તેમ, ગ્રંથીઓથી પીડાતા માણસને ઘણી વખત દુઃખ ન હોય તોય જાતે ઉભા કરવાની આદત હોય છે. મેહા પણ એ જ રીતે વર્તે છે. જે સહજ છે.
ચૌથા સવાલ.
હંમેશા સ્ત્રીને જ કેમ સહન કરવાનું અને ચલાવી લેવાનું?
મારી વાર્તાઓ પૂર્ણપણે ફેમિનિસ્ટ નથી. જો એમ હોત તો ચિંતન આખી રાત મેહાનું માથું ખોળામાં લઈને બેઠો ન રહેત. રામે ઉત્તર આપ્યો.

ત્યારબાદ રામે એને ગમેલી કેટલીક વારતાઓ ની વિશિષ્ટતાની વાત કરી. બેઠકનાં દિવસે સવારનાં મારી (એટલે કે રાજુલની) વાર્તા 'ઓળખ'ની અમે વાત કરી હતી જેમાં બાય સેક્સ્યુઅલ વ્યક્તિનું પાત્ર છે. એકાદ મિત્રએ વાર્તાનાં કથાનક પર પ્રશ્નો ઉપાડ્યા, કોઈને કથાનક સમજાયું નહિ, નબળું લાગ્યું.પાછળથી એ વાર્તા મેં એક સ્પર્ધામાં મોકલી. ત્યાં એને આશ્વાસન ઈનામ મળ્યું. એ વાત ટાંકતા રામે ગુજરાતી વાર્તામાં સેક્સ્યુઆલીટી સંદર્ભે વાત કરી. એણે કહ્યું કે ગુજરાતીમાં એવી વાર્તાઓ ભાગ્યે જ જોવા મળે છે જેમાં આ વિષય આવરી લેવાયો હોય. જ્યારે તમે અમુક વાતો સીધે સીધી શબ્દોમાં ન કહી શકતા હો ત્યારે પ્રતિકોનો ઉપયોગ કરો. મારી મેં 'પોપડી' વાર્તામાં હિંચકો, પીઠ જેવા રૂપકોનો ઉપયોગ કર્યો છે. એમાં સ્ત્રી જેની કામેચ્છા સાવ ઓછીહોય અથવા વધુ પડતી તીવ્ર હોય તો શું એવી વાત હતી. કથાવસ્તુ એટલી સ્ફોટક હતી કે એનાં કારણે મારા માથા પર ઘણા માછલા ધોવાયા હતાં! છતાં આવા વિષયો ખેડાતા રહે છે અને વંચાતા પણ રહે છે.

વર્ષા તન્નાએ 'તને સાચવે પારવતી' વાર્તાનું ઉદાહરણ આપ્યું.આ વાર્તામાં એક મંદબુદ્ધિ છોકરીની વાત છે જે શરીરથી તો મોટી થઇ ગઈ છે પણ દિમાગથી નહિ. એ નાહવા ધોવા જેવું સામાન્ય કામ પણ પોતે નથી કરી શકતી. એક દિવસ એના પિતા જ્યારે એને નવડાવતા હોય છે તે વખતે અચાનક એમના હાથ પકડીને એ પોતાની છાતી પર મૂકી દે છે. મેં એટલે કે રાજુલે પણ ર.પા.ની આવી જ એક વાર્તા યાદ કરી. રમેશ પારેખની એ વાર્તામાં પણ એક મંદબુદ્ધિ છોકરીની જાતીય આવેગો વિષેની વાત છે. એ છોકરી શરીરથી તો મોટી થઈ ગઈ, પણ મગજથી નહિ. વ્યક્તિ સામન્ય હોય કે મંદબુદ્ધિ શરીધર્મ એ જ રહેવાનો!

રામે કહ્યું કે લેખક વાચકોથી ડરતા હોય છે એટલે બધી વાતો નથી કહી શકતા. કોઈ વાર કૃતિ ને જો વાચક તરફથી 'વાહિયાત છે, ફાડી નાખો' જેવી તીવ્ર કમેંટ પણ મળે. પણ તેથી નિરાશ, હતાશ થવાની જરૂર નથી. બાળક જન્મે ત્યારે જો એ નબળું હોય તો એને કાચની પેટીમાં ય રાખવું પડે. આ એટલી જ સહજ વાત છે.
ત્યાર બાદ રામે વાર્તામાં આવતા મુદદ્દાઓ વિષે વાત કરી. એણે 'તને સાચવે પારવતી' વાર્તાનો જ સંદર્ભ લઈને કહ્યું કે કહ્યું કે મુદ્દાઓ સામેથી જ આવતા હોય છે. રામે કહ્યું કે વાર્તાકાર આ વાર્તામાં ખૂબ સ્માર્ટનેસ વાપરીને ઈમોશન્સથી રમ્યા છે. એક મુદ્દામાંથી બીજા મુદ્દામાં કેમ પ્રવેશ કરવો એ વાતનો આ વાર્તામાં ઉત્કૃષ્ટ નમૂનો છે. વાર્તામાં ૧૬/૧૭ વર્ષની મંદબુદ્ધિ દિકરીને તબક્કે માતા પિતા મજબૂરીવશ મેન્ટલ હોસ્પિટલમાં મૂકી આવવા રવાના થાય છે. જો એ છોકરી સ્વસ્થ હોત તો કદાચ આ ઉમરે માતાપિતા એને પરણાવવાનું વિચારતા હોત અને એના માટે મુરતિયો ગોતતાં હોત. હોસ્પિટલમાં દાખલ કરવાનો ફોર્મ ભરતી વખતે માતા-પિતાને એવું ફીલ થાય છે જાણે એદિકરીના લગ્નની કંકોત્રી ન લખતાં હોય! હોસ્પિટલમાં દિકરીને મૂકીને પાછા ફરતી વખતે જણે સાસરે મૂકીને વિદાય લેતા હોય એ પ્રસંગ કલ્પે છે! આમ એક પછી એક મુદ્દા એકમેકમાં વાર્તાકરે સરસ ગુંથ્યા છે.

તમે જ્યારે વાર્તા લખતા હો, કોઈ પાત્રની વાત કહેતા હો અને તમને લાગે કે મુદ્દો ચુંથાઈ ગયો, વીંખાઈ ગયો છે ત્યારે ભાગેડુ ન બનવું. એ ઘડીએ પાત્રને સવાલ પૂછો. તને આવું કેમ થાય છે? તુ શું ઈચ્છે છે? એ પાત્ર જવાબઆપશે. એને પૂછો કે હું તને હેલ્પ કરી શકું? એ ક્યાંકને ક્યાંક ચોક્કસ રીએક્ટ કરશે. જો એને ચોળી ને ચીકણું કરશો તો વાર્તાનાં પાંચ ફાંટા પડી જશે અને વાર્તા વાર્તા ન રહેતાં સી.આઈ.ડી એપીસોડ બની જશે. એ સ્થિતિથી બચો.ઈન્ટરનલ કેમેરા વાપરો. એ માટે એમણે દાખલો આપ્યો. ધારોકે રાજુ પટેલને તમે ચા નો કપ આપ્યો. આ સાવ સામન્ય ઘટના છે જે નરી આંખે દેખાઈ, તમે જોઈ. હવે વાર્તાકારે આ જ સામાન્ય ઘટનાને ઈન્ટરનલ કેમેરાથી જોવું.અને જ્યારે તમે એવું કરશો ત્યારે એ જ સામાન્ય ઘટના તમને સાવ જુદી દેખાશે. તમે રાજુ પટેલને ચા નો કપ આપ્યો. કપ લેતી વખતે એમની આખોમાં શા ભાવ આવ્યા, એમની કીકીઓ કેવી રીતે ફરી, ત્યારે એ કેવી રીતે બેઠાહતાં, એમના પગ કઈ સ્થિતિમાં હતા.. એનું નિરિક્ષણ કરો. કેરેક્ટરની અંદર પણ ઈન્ટરનલ કેમેરો ફેરવો, એના આંગીકમમાં વાર્તા દેખાશે. તમારા કેરેક્ટરને ઓળખો. એને કશું કહો નહિ, પણ પૂછો.


રાજુએ આ તબક્કે વાતનો અનુસંધાન સાધતા ખલિલ જીબ્રાનને યાદ કર્યા. જીબ્રાન સંતાન માટે કહેતા કે - એ તમારે કારણે નથી, તમારા થકી છે... તે જ પ્રમાણે આપણે આપણી વાર્તાના કેરેક્ટર સાથે એવી રીતે વર્તવુ જોઈએ જેવી રીતે આપણા નાના બાળક સાથે વર્તીએ. એ કેરેક્ટર તમારે કારણે નથી, તમારા થકી છે. તમારા કારણે છે એવો ડોમીનેટિંગ ભાવ ન રાખવો, એ તમારા થકી છે એવો ભાવ રહેશે તો સમભાવ આવશે.
રામે વિનેશ અંતાણીની 'સ્ત્રી નામે વિશાખા'નો સંદર્ભ લીધો. એ વાર્તામાં 'નહિ કહેવાયેલી' વાત પણ સુપેરે કહેવાઈ છે. જાત પર વિશ્વાસ રાખો. તમે તમારામાં બેસ્ટ છો જ. તમારા મનમાં શું છે એ લખો. ત્યારે નહિ કહેવાયેલી વાર્તાપણ સુંદર થશે.

'બે સ્ત્રી અને એક ફાનસ'ની વાત કરતા એણે કહ્યું કે ગુજરાતી વાર્તાઓમાં આ વાર્તા માઈલ સ્ટોન છે. આખી વાર્તામાં જે રીતે સન્નાટો બોલે છે એ અદભુત છે. બેસ્ટ સન્નાટો છે. એને સન્નાટાનો મહારાજા કહી શકાય. કશું જ ન કહીને,કોઈ જ સંવાદ કે સેતુ વગર વાર્તાકાર વાર્તાને સફળતાપૂર્વક આગળ વધારે છે. એમણે અહિં વિવિધ પ્રતિકો યોજ્યા નથી, તેઓ કેરેક્ટરની અંદર ડુબકી મારતા નથી. સામાન્ય ક્રિયાઓ દ્વારા તેઓ વાર્તા આગળ ધપાવે છે. સંવાદ વગરની વાર્તાનો આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

'એક સત્તાવીસ વરસની છોકરી' આ વાર્તામાં વિનેશ અંતાણીએ વાતાવરણ અદભુત ઉપસાવ્યું છે. નળમાંથી ટપકતા પાણીના ટીપાનો 'ટપ ટપ' અવાજ વાર્તાને આગળ લઈ જાય છે. લેખક કેટલી બધી ઝીણી ઝીણી વાતો ઉકેલે છે અને નોંધે છે, પછી એ બાબતોને, વાતોને પોતાના સર્જનમાં ઉતારે છે એ વાત મેં (રાજુલે) કહી. મેં કહ્યું કે એકલા રહેતા નાયકનાં ઘરે એક છોકરીની અવજવર છે. છોકરીનો હાથ ઘર પર, ઘરવખરી પર ફરતો રહે છે. બધી વસ્તુઓ સલુકાઈપૂર્વક રાખેલી છે. ત્યાં સુધી કે વાસણો મુકવાની ફલ્લી નીચે છાપા પણ ખૂબ સફાઈપૂર્વક બીછાવેલા છે. ઘરમાં નજર ફેરવવાથી માત્રથી સ્ત્રીનો સ્પર્શ ચોખ્ખો દેખાઈ આવે છે. જ્યારે નાયકની પત્ની બીજે દિવસે આવવાની હોય છે એ છોકરી બધું અસ્તવ્યસ્ત કરી નાખે છે. દ્રષ્ટિની આ ઝીણવટ દરેક સર્જકે કેળવવી રહી.

આ જ સર્જકની 'છીપર' નામની વાર્તામાં બે છોકરીની વાત છે. બન્નેને એક જ પુરુષ ગમતો હોય છે. એક છોકરીનો પિતા અપંગ છે એમને લકવો છે. એ ન બોલી શકે છે, ન ઉઠી શકે છે. બીજી છોકરીનો પિતા પેલા પુરુષનાં ઘરે માંગુ નાખવા જવાનો છે એવી આ છોકરીને ખબર પડે છે. એ ખુબ ગુસ્સે થાય છે, કે કાશ મારો બાપ સાજો નરવો હોત તો મારું માંગુ પેલા પુરુષના ઘરે પહેલા જાત. પછી હતાશ થઈ જાય છે કારણ એ જાણે છે કે આવું કોઈ કાળે શક્ય બનવાનું નથી. એ ઘરે પહોંચે છે. ચા બનાવે છે. બાપની બાજુમાં બેસીને રકાબીમાં ચા કાઢી એને પીવડાવે છે. એનાં હોઠ કશુંક કહેવા ફફડે છે પણ કહી શકતા નથી. એને ખબર છે કે હું કશું કહેવાની નથી. કહી શકવાની અને કશુંથવાનું નથી. એકલા બાપ-દિકરીની ભરચક પાત્રતા, એકલતા આ વાર્તામાં સુંદર રીતે આલેખાઈ છે. એકલતા ઘુંટવી એ પણ એક કળા છે. ક્રિયા-પ્રક્રિયા દ્વારા વાર્તા કેવી રીતે કહેવાય એનો ઉત્તમ નમૂનો.

રામ જે રીતે વાર્તાનાં દરેક પાસા, સ્વરૂપની ની છણાવટ વિવિધ સર્જકોની વાર્તાઓના દાખલા આપીને કરી રહ્યો હતો એ ખૂબ રસપ્રદ આયામ બની રહ્યો હતો. ગુજરાતી સાહિત્યનાં મુર્ધન્ય વાર્તાકાર પન્નાલાલ પટેલની વાર્તા 'મા'માં ભેંસનું બચ્ચું મરી જાય છે. નાયિકા અત્યંત દુઃખી થાય છે. વાચકો એમ વિચારતા થાય કે ઘરના સભ્ય જેવા ઢોરના બચ્ચાનું મરણ થયું એ વાત નાયિકાને પીડે છે. પરંતુ લેખક વાર્તાને એક નવા આયામ પર લઈ જાય છે. વાર્તાને અંતે વાચકને નાયિકાનાં દુઃખનું ખરું કારણ સમજાય છે. બચ્ચું તો મરી ગયું હવે ભેંસનું દુધ સુકાઈ જશે એ વિચારે નાયિકા રડે છે. ભેંસનું બચ્ચું મરી ગયું એના દુઃખ કરતાં એને એ વાતનું દુઃખ વધુ કોરી ખાય છે કે ભેંસના આંચળ હવે સુકાઈ જશે તો હું મારા બચ્ચાને શું પીવડાવીશ?

કીરીટ દુધાતની વાર્તા 'લીલ'માં લીલ પરણાવવાની વાત છે. અહિ કથક ખૂબ સ્માર્ટ છે. એમનું ભાષાકથન કાબિલેદાદ છે. એક વ્યક્તિ જે હાજર નથી એને આખી વાત કહેવાય છે.

દા.ત.
કથક જ્યારે રાજુલની વાત કહેશે ત્યારે એ કહેશે..
'રાજુલ આમ કરે.'
રાજુલ જ્યારે પોતાની વાત કહેશે ત્યારે એમ કહેશે કે
'મેં આમ કર્યું.'
હવે તમે જ્યારે આ જ વાત વર્ણવશો ત્યારે એમ કહેશો
'રાજુલે આમ કર્યું.'
વાર્તાકાર કિરીટ દુધાતની વાર્તા 'બાયું'માં આખી વાર્તા છેલ્લી બે લાઈનમાં છે. સ્ત્રીનો નહિ કહેવાયેલો બળાપો, ગુંગણામણ બેસ્ટ રીતે આવ્યા છે. પાત્ર કશું જ બોલે નહિ પણ વાર્તા જ બધું કહ્યા કરે.
આ તબક્કે પુરુષ વાર્તાકારો દ્વારા લખાયેલી સ્ત્રીકેન્દ્રી વાર્તાઓની વાત નીકળી. પુરુષ હોવા છતાં સ્ત્રી ની વાત, સ્ત્રી કેન્દ્રિત, સ્ત્રીની આસપાસ ફરતી વાર્તા આલેખવી એ મોટો પડકાર છે. કઈ રીતે સ્ત્રીનાં મનોજગતમાં સર્જક પ્રવેશકરતાં હશે? કઈ રીતે મનોભાવનું વિશ્લેષણ કરતા હશે? કઈ રીતે સ્ત્રીની માનસિકતા, માનસિક નબળાઈઓ, સબળાઈઓ સમજતા હશે?

સમીરાએ પ્રશ્ન પૂછ્યો કે તારી બધી જ વાર્તાઓ સ્ત્રીને કેન્દ્રમાં રાખીને જ કેમ હોય છે? કઈ બાબત તને સ્ત્રીકેન્દ્રી વાર્તાઓ લખવા પ્રેરે છે? મીનાબેન ત્રિવેદીએ વાત વચ્ચે કાપતાં કહ્યું કે તેઓને લખતી વખતે આ સ્ત્રીનું જેન્ડર નડે છે. એમણે કહ્યું કે હું જ્યારે જ્યારે પુરુષનું પાત્ર લખવા બેસું- બ્લેન્ક થઈ જઉં છું! આવું શા માટે થાય છે? શું કામ થવું જોઈએ? શું કામ નથવું જોઈએ? એ મને સમજ પડતી નથી! રામે પોતાની વાત માંડી. એણે કહ્યું કે મારા વાર્તા સંગ્રહ 'મહોતું'માં સાત વાર્તાઓ ગ્રામ્ય પરિવેષની છે. બાકી અર્બન. હું સતત ઓબ્ઝર્વ કરતો રહું છું. ધારોકે હું સમીરાના ઘરે ગયો, બેલ વગાડી. સમીરા દરવાજો ખોલે ત્યારના એમના ચહેરા પરના ભાવ વાંચવા, સમજવાની કોશિષ કરું. રાજુલ ચા મુકવા ગયા ત્યારે અમનાં ચહેરા પર કેવા ભાવ હતાં? કુસુમ કશુંક બુકમાં ટપકાવી રહ્યા હતાં ત્યારે એમના ચહેરા પર શું આલેખાયેલું હતું? ગામ હોય કે શહેર, મન તો સ્ત્રીનું જ હોવાનું ને? કશું બદલાય, તો તે ફક્ત વાતાવરણ. એણે કહ્યું કે એને પણ પુરુષ પાત્ર વિશે લખવામાં મુશ્કેલી પડે છે. આ પ્રોબ્લમ જેન્ડરનો નથી. કેમકે વાર્તાકારનું કોઈ જેન્ડર નથી હોતું. હું મારી બાની ખૂબ નજીક છું. નાનો હતો, ગામ રહેતો ત્યારે એની સાથે ખૂબ વાતો કરતો. અમે સાથે બેસીને ટીવી સિરિયલો જોતાં. એવી જ રીતે હું મારા કાકીઓ, મામીઓ, ભાભીઓ સાથે પણ ખૂબ વાતો કરતો. બધાં એક જ ફળિયામાં સાવ બાજુબાજુમાં રહેતાં. ગ્રામ્ય વાતાવરણમાં મોટો થયો છું અને મારી વાર્તાના પાત્રો મેં સાચે જ નજીકથી નિહાળ્યા છે. એટલે આ આલેખવું મારા માટે સહજ છે. મને પણ કોઈકે કહ્યું કે આવી સરસ સ્ત્રીકેન્દ્રી વાર્તાઓ લખે છે તેક્યારેક મરદમુછાળા પર પણ લખ. હજી સુધી હું એ નથી લખી શક્યો. પણ પ્રોસેસ ચાલુ છે. મને આ પ્રોસેસ ખૂબ ઈન્ટરેસ્ટિન્ગ લાગી રહ્યો છે. કોક દિવસ લખીશ. ધારાધોરણ તોડીને લખીશ.

વાર્તાકાર હોવું એ કુદરતની બક્ષિસ છે.કેટલી બધી અનુભૂતિઓ, સંવેદનશીલતા મળે કે જે સામાન્ય માણસોને નથી મળતી. આ જેન્ડરવાળી વાતને સ્પષ્ટ કરવા રામે હિમાંશી શેલતની વાર્તા 'એ લોકો'નું ઉદાહરણ આપ્યું. 'એ લોકો' વાર્તા ત્રીજી પ્રજાતિના લોકોને કેન્દ્રમાં રાખીને લખાઈ છે જે ન સ્ત્રી છે ન પુરુષ! આ એક આખો પ્રોસેસ છે. ઓબ્ઝરવેશનનો. તમારે શરાબી વિશે લખવું હોય તો જરૂરી નથી કે તમે શરાબ પીતા હો તો જ સારું લખી શકાય. નીરીક્ષણ પાકું હશે તો તમે કોઈ પણ વિષય પર લખી શકશો.

સુત્રધાર અહી વચ્ચે વચ્ચે ટપકી પડ્યા. એમણે કહ્યુંકે જો તમારે ચીનની દિવાલ વિશે લખવું હોય તો તમારે ફરજિયાત ચીન જવું જરૂરી નથી. તમે ચીન ક્યારેય ન ગયા હોવ તો પણ એના વિષે લખી જ શકશો. કાફ્કાની એક વાર્તા'ધ વોલ'માં એમણે ચીનની દિવાલની વાત આલેખી છે પણ તેઓ ક્યારેય ચીન નહોતા ગયા. એમણે લોકપ્રિય નવલકથાકાર અશ્વિની ભટ્ટની વાત કહી. અશ્વિની ભટ્ટે પોતાની નવલકથા 'ઓથાર'માં ભેડાઘાટ નામના સ્થળનું જે વર્ણન કર્યું છે તે અદભુત છે. ત્યાં એમણે નાયક અને નાયિકા વચ્ચેનાં પ્રેમાલાપનાં સીન લખ્યા છે.એ વર્ણનો માટે તેઓ સ્કુટર લઈને આખો દિવસ એ જગ્યા અને આસપાસના પરિસરમાં ફર્યા છે, અવલોકન કર્યું છે. આને રીસર્ચ કહેવાય. આ બે એક્સટ્રીમ બિન્દુઓ જેવી વાત છે. આ રસ્તે પણ જઈ શકાય અને માત્ર કલ્પનાશક્તિના આધારે પણ લખી શકાય. બેન્ક રોબરી વેશે લખવું હોય તો રોબરીનો અનુભવ લેવાની જરૂર નથી. બેન્કની પુરી સીસ્ટમ સમજી લઈએ તો એ માહિતીનો ઉપયોગ કરી લખી શકાશે. અહિ પણ પેલું 'રીસર્ચ' ફેક્ટર કામ લાગશે. જો તમે એ ચોક્કસ સ્થળે જવા અક્ષમ હો, કે પછી એની પાછળ આપવા પડતો સમય કે ખર્ચો તમને પોસાતો ન હોય તો અને એ માટે ગૂગલનો સહારો પણ લઈ શકાય. પેલી કહેવત છે ને કે 'મન હોય તો માળવે જવાય' પણ માળવે જવા માત્ર મન હોય તો ન ચાલે ગાડીભાડું પણ હોવું જોઈએ. ટુંકમાં રીસર્ચ ઇઝ વેરી ઈમ્પોર્ટન્ટ પણ એ શક્ય ન હોય તો પણ લખી તો શકાય જ.


મીનાબેને ફરી પોતાની મુંજવણ રજુ કરી કે જો વાસ્તવિકતા સાથે સંબંધ ન હોય તો મારી કલમ અટકી પડે છે. ત્યાં કોઈકે ટાપસી પૂરાવી કે મર્ડર કર્યું ન હોય, મર્ડર થતાં પણ જોયું ન હોય તો મર્ડર મિસ્ટ્રી ન લખી શકાય એવુ નથી.

કુસુમે આ તબક્કે પોતાની વાત કહી. એમણે કહ્યું કે જ્યારે તેઓ અછાંદસ લખતા હોય ત્યારે સ્ત્રીના ભાવમાં લખાય. પરંતુ જ્યારે તેઓ ગઝલ કે વાર્તા લખે ઓટોમેટીક પુરુષભાવ આવી જાય. એમણે કહ્યું કે કદાચ હું પુરુષનાં વિચાર,વાણી વર્તન વધુ સારી રીતે સમજી શકું છું કદાચ એટલે.

રામે કહ્યું કે આપણે આપણાં ઇન્ટરેસ્ટનો એરીયા નક્કી કરી લેવો. ખૂબ રીડીંગ કરવું. રીડીંગ પાવરફૂલ હશે તો શબ્દો સાથેની રમત ઈઝી થઈ જશે. રીડીંગ ન હો તો આપણે ક્યાંકને ક્યાંક ચોક્ક્સ કાચા પડીશું. રાજુએ વચ્ચે સૂર પુરાવ્યો કે આપણે બધા રામની જેમજ વર્તીએ છીએ. ક્યાંક ને ક્યાંક આપણે ચુનાવ કરીએ છીએ કે આપણને શું જોઈએ છે? શું ગમે છે? જિજ્ઞાએ કહ્યું કે હું વાર્તાલેખનની બેઠકોમાં ભલે આવું છું. મને ગમે પણ છે. છતાં મારી પ્રાથમિકતા ગઝલ છે. યામિનીએ કહ્યું કે આપણે સૌને અમુક એરીયા વધુ કમ્ફર્ટેબલ લાગતો હોય, અમુક ન લાગતો હોય એવું બની શકે.

રાજુ ફરી વચ્ચે ઝંપલાવતાં કહ્યું કે સુરેશ જોષીના શબ્દોમાં કહીએ તો જે દિવસે તમને એમ લાગે કે મને બધું જ આવડી ગયું છે, સર્જક તરીકે તમારો મૃત્યુ ઘંટ વાગી ગયો છે એમ સમજવું. તમે જ્યારે કોઈ એક પ્રકારમાં કમ્ફર્ટેબલથઇ થશો અને ફરી ફરી જો એ જ આલેખ્યા કરશો તો એ તમારી સર્જન પ્રક્રિયાને અવરોધી નાખશે. મૌલિકતાને નુકસાન કરશે. માટે કમ્ફર્ટ ઝોન ત્યજો!

પાછી ફરતી ફરતી વાત પહોંચી 'વાર્તામાં શૃંગાર રસ' વિષય પર. મીત એ કહ્યું કે પન્નલાલ પટેલની વાર્તા 'મારી ચંપાનો વર' ગુજરાતી વાર્તામાં શૃંગાર રસ ધરાવતી વાર્તાનું ઉત્તમ ઉદાહરણ છે. તે ઉપરાંત સુંદરમની 'નાગરિકા'પણ શૃંગાર રસવાળી વાર્તા છે. રામે વાતનો દોર પોતાના હાથમાં લઈ લેતાં કહ્યું કે એ વાર્તામાં નાયિકાનાં લગ્નનાં દિવસની વાત છે. એ પતિના શયનકક્ષ તરફ જતી હોય છે ત્યાં જ નાની નણંદ રાડારાડ કરી મુકે છે કે મારે ભાભીની સાથે સુવું છે. સાસુ અવઢવમાં મુકાય છે, સમજાવવા છતાં દિકરી માનતી જ નથી. નવી વહુ નણંદબાને શયન ખંડમાં સાથે લઈ જાય છે. પતિ પણ સાવ સહજતાથી રીએક્ટ કરે છે અને આંગણામાં ખાટલા પર જતો રહે છે.એ બાળકી પલંગ પર ઘસઘસાટ ઉંઘી જાય છે. પતિ બહાર આંગણામાં ખાટલો નાખીને સૂતો હોય છે. પાછલી રાતે નાયિકા બહાર આવે છે. એ બહાર તારા ભરેલા આકાશ નીચે પતિને ઉંઘતો જુએ છે. પ્રેમાળ નજરે પતિના ચહેરાને જોઈ રહે છે. પતિ પણ બંધ આંખે જાગતો જ પડ્યો હોય છે. એ પણ નવોઢા પત્નીને જુએ છે. બંને વચ્ચે આંખો આંખોમાં વાતચીત થાય છે. આ દરમિયાન સાસુ ઉંઘતી દીકરીને ખંડમાંથી તેડી જાય છે એ ય બન્ને ને ખબર પડતી નથી. અહિંયા નથી કોઈ એવો ભાષા વિલાસ કે નથી પ્રેમાલાપના પ્રસંગો.નાયક અને નાયિકા એકબીજાને સ્પર્શ સુદ્ધાં કરતા નથી છતાં વાર્તા શૃંગારિક થઈ છે. વર્ણનોનો આ વાર્તાને મનનીય બનવમાં મોટો ફાળો છે.

મેં એટલે કે રાજુલે આ તબક્કે સવાલ કર્યો કે રામની વાર્તા ક્યારેક વધુ પડતા વર્ણનને લીધે બોરિંગ થઇ જતી હોય એવું નથી લાગતું? રામે કહ્યું કે મહદ અંશે એવું બનતું હોય છે કે વર્ણનો બોરિંગ બની જતા હોય છે. અહિં વાર્તાકારનો લોભ ડોકાતો હોય છે. એને એમ લાગતું હોય છે કે હું સર્વજ્ઞાની છું. મેં મારી વાત કહી. હવે વાચક અભિભૂત થઈ જશે. કહેશે આવો સિંહાસન પર બેસો, પણ સબૂર.. આવું કોઈ નહિં કહે. ક્યારેય મારે બધું જ એકસાથે કહી દેવું છે એવી ભાવના ન રાખો. બહુ જ ઓછા વાર્તાકાર હોય છે જે સંયમ રાખી શકે છે. તમારે થોડા બેરહેમ બનવું પડશે. કાતર લઈને બેરહેમીથી વાર્તાનો મેદ કાપી નાખો. વર્ણનથી કલ્ચરનો સીન ઉભો કરવા કરતાં પ્રતિકોથી કરો. ઘરેણા, કપડાથી પાત્રની માનસિકતા બતાવો. એમણે હિમાંશી શેલતની લેખન પદ્ધતિ વિશે વાત કરતાં કહ્યું કે તેઓ એક્માત્ર એવા વાર્તાકાર છે કે જેઓ એક શબ્દ પણ વધારાનો નથી લખતાં. પહેલા આખેઆખી વાર્તાનું પોત એમનાં મનમાં આવે છે અને પછી એક બેઠકે તેઓ આખીને આખી લખી નાખે છે.

રામે બીજી પણ ઘણી બધી વાર્તાઓ વિશે વાત કરી.
બિંદુ ભટ્ટની આંતરસેબો. સમય બદલાય, પરિસ્થિતિઓ બદલાય પણ સ્ત્રીઓને ભાગે ભોગવવાનું બધું એનું એ જ છે એ વાત લેખકે વાર્તામાં વણી લીધી છે. આમાં ત્રણ સ્ત્રીઓની વાત છે. એક સ્ત્રી જે મૃત્યુ પામી છે, એનો પટારોબીજી સ્ત્રી ખોલે છે. બન્ને વચ્ચેનો સંબંધ, સાસુ વહુનો. એ પટારામાંથી મૃતકનાં વસ્ત્રો નીકળે છે જે કદાચ અત્યંત દયનીય જીવન જીવીને મૃત્યુ પામી છે. બીજી સ્ત્રી જે જીવે છે, જે પટારો ખોલનાર સ્ત્રીની વદસાસુ છે, એક વસ્ત્રહાથમાં લે છે (જે મૃતકની ચોળી છે)અને પેલી પટારો ખોલનારી સ્ત્રીને ઉદ્દેશીને કહે છે આ તને કામ આવશે. બસ થોડો આંતરસેબો લેવો પડશે. લેખકે આંતરસેબાના પ્રતિક દ્વારા બહુ સુચક વાત ન કહીને પણ કહી દીધી છે કે હવે આ સ્ત્રીના ભાગે પણ એ જ બધું ભોગવવાનું લખાયેલું છે જે પેલી મૃતક સ્ત્રીએ ભોગવેલું.
બિંદુબેનની જ બીજી બે વાર્તાઓ 'બાંધણી' અને 'ચાંદલો' નો ઉલ્લેખ રામે કર્યો અને એ શોધીને વાંચવાની ભલામણ કરી. બિંદુબેનની વાર્તા 'તરભાણું' કથનની રીત કેવી હોવી જોઈએ એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે એવું રામે કહ્યું.આખી વાર્તા સંવાદ વાર્તા છે. ઘટનાઓ પણ સંવાદોમાં જ ઘટતી રહે છે.

રામે પાકિસ્તાની ફિલ્મ 'બોલ' જોવાની ભલામણ કરી. એ ફિલ્મમાંથી વાર્તાલેખન વિશે ઘણું બધું સમજી શકાય એમ છે. બિંદુબેનની જ 'મંગળસુત્ર' વાર્તા ઉત્તર પ્રદેશનાં કલ્ચર પર આધારિત છે. લેખકને એ કલ્ચર વિશે જાજી ખબર નહોતી. એમણે સ્માર્ટનેસ વાપરી અને આખી વાર્તા કેરેક્ટરને કેન્દ્રમાં રાખીને આખી વાર્તા કહેવડાવી. આમ એ ત્યાંનું કલ્ચર લાવ્યા. રીસર્ચ પૂરતું ન હોય ત્યારે ક્યારેક બહારનો કેમેરો પણ વાપરવો પડે!

સરોજ પાઠક.
એક અત્યંત સજ્જ સર્જક. એમની 'ન કૌંસ અંદર ન બહાર' વાર્તા પણ કથન શૈલીના અભ્યાસ માટે વાંચવા જેવી છે. કથક એટલે કે વાર્તાકાર કેટલો અદભુત હોઈ શકે એની આખી વાત છે. જાત સાથેના સંવાદ સાથે આખી વાર્તા આગળ વધે છે.
'સારિકા પંજરસ્થા' સરોજબેનની આ વાર્તા એકવાર વાંચીને ન સમજાય. એ એક એબ્સર્ડ પેઈન્ટીંગ જેવી વાર્તા છે. આખી વાર્તામાં એક જ પાત્ર. ફક્ત એક સ્ત્રી. જે વાર્તાની નાયિકા છે. નાયિકા એકલીએકલી બોલ બોલ કરતી રહે છે, બબડાટ કરતી રહે છે. બીજું કોઈ જ કેરેક્ટર નહિ! વાર્તા નાયિકાના આ બબડાટ દ્વારા જ આકાર પામે છે અને વિરામ પામે છે.
'ચકિત, વ્યથિત અને ભયભીત' . જ્યારે બાળક વાર્તા કહે ત્યારે વિસ્મયતા ફ્રીમાં મળી જાય. એમનો કેમેરો વધુ પાવરફૂલ હોય છે. એમની નિર્દોશતાનો તમે ઉપયોગ કરી શકો. લેખકે અહિ એમજ કર્યું છે.
'મારો અસબાબ' વાર્તા વાંચો તો સમજાય કે એક્ચ્યુલી વાર્તા લખવા માટે મોટામોટા વિષયોની જરૂર હોતી નથી. સાવ સામાન્ય વિષયને રજુઆત દ્વારા કેવી રીતે સુંદર બનાવી શકય એનું ઉદાહરણ.

હિમાંશી શેલતની અકબંધ, સમજ અને હુકુમનો એક્કો વાર્તા ખાસ વાંચવાની ભલામણ રામે કરી. સ્ત્રીઓની આદતો, જીણા કલ્પનો એમણે પકડ્યા છે.

પૂજા તત્સત્ ની વાર્તા 'તાવ' અને રાખીની ફિલ્મ 'પેરોમા'. આ બંને કૃતિઓમાં વિષય એક જ છે. પરંતુ કથન અલગ. 'નેત્રાનો ફ્રોક' વાર્તાનો આર્ટિસ્ટીક એન્ડ સમજવા જેવો. શ્રી ઉષા ઉપાધ્યાયની વાર્તા 'હવે સ્નાન કરી લો' પણ શોધીને વાંચવી એવુ રામે કહ્યું.

નવનીત જાનીની વાર્તા 'વછોઈ'માં કેમેરા વર્ક કાબિલેદાદ થયો છે. ડીટેઈલિન્ગ, એલીમેન્ટસનો ઉપયોગ અદભૂત છે. એ વાર્તા પણ ચોક્કસ વાંચવી.

શક્તિસિંહ પરમાર નવા વિષયવસ્તુ લાવવામાં માને છે. એમની વાર્તા 'પીઠી' સુખની વાત લઈને આવે છે. શું વાર્તા ફક્ત દુઃખની જ હોય? શક્તિસિંહ આ બાબતને ખોટી પાડે છે. તેઓ પોતાની વાર્તામાં સુખથી છલોછલ વાત લઈ આવ્યા છે. સુખના ઓડકારનીય વાતો રસપ્રદ હોઈ જ શકે!

સાડા છ વાગી ગયા હતા. પ્રિતીને જલ્દી નીકળવું હતું. આમેય સાત એટલે બેઠક સમાપ્તિનો ઓફીશીયલ ટાઈમ છે. વાતો ઘડીભરમાટે વિખેરાઈ, પણ ખૂટી નહિ. પ્રિતી, વર્ષા, યામિની, ભારતીબેન રવાના થયા. અનુસંધાન ફરીસધાયો. પણ બીજી રીતે. રાજુલ, રાજુ, મીનાબેન, પરાગ, તુમુલ, કુસુમ, રામ અને મીત આ નામનાં વાર્તા રસિયા લોકો સાડા આઠ સુધી વાર્તા શ્વસતાં રહ્યા. મીનાબેનનાં ગરમાગરમ બટાટાપૌંઆ સાથે ગરમાગરમ ચા અનેવાર્તાના ઘૂંટડા લેવાતા રહ્યાં. છે...સાડાઆઠ સુધી..!

રાજુએ નક્કી કર્યું કે તે દિવસે ડબ્બામાં જેટલા પૈસા જમા થયા હતાં એ રામને આપવા. મીનાબેન પાસેથી કવર લઈ એમણે એ પૈસા કવરમાં નાખીને રામને આપવા ધાર્યા. પરંતુ રામે એ કવર ધરાર ન લીધો! બધાં એ અલગઅલગ રીતે એને સમજાવવા, પટાવવાનો પ્રયત્ન કર્યો. પણ રામ ટસ નો મસ ન થયો. છેવટે રાજુએ કહ્યું કે બધાં આટલું કહે છે અને તુ તારું જ ધાર્યું કરીને બધાની લાગણીઓ દુભવી રહ્યો છે ત્યારે એણે કવર ખોલી ને બધાનું માન રાખવા એમાંથી શુકનનાં પચાસ રૂપિયા લીધ. અને પૂછ્યું, 'બસ?' હવે કોઈ કશું બોલી શકે એમ નહોતું!

બધા મીનાબેનના ઘરેથી રવાના થયા ત્યારે સાડાઆઠ વાગી ગયા હતા. પણ રામકથા પૂરી થઈ નહોતી!
સ્ટેશન તરફ જતાં રીક્ષામાં રામે મને પૂછ્યું, "શું મેં કવર ન લઈને કશું ખોટું કર્યું? મેં એને કહ્યું," તને શું લાગે છે? તારુ મન શું કહે છે? તે કવર ન લીધું એ વાતનો તને અફસોસ કે ગીલ્ટ છે? તને એવું લાગે છે કે મેં કશું ખોટું કર્યું?" એણે કહ્યું,"બિલ્કુલ નહિ!" મેં કહ્યું."તો બસ. તે બરબર જ કર્યું છે."

અમે ઘરે પહોંચ્યા. મારા પતિદેવ પણ એ જાણવા તલપાપડ હતા કે બેઠક કેવી રહી, એમને ખાત્રી હતી કે અફલાતૂન જ રહી હશે તે છતાં! મેં એમને સુપર્બ બેઠક વિશે અને રામના કવર ન લેવાની વાત કરી. ત્યારે રામે કહ્યું," હું રાજુલબેન ના ઘરે છું, મને લાગે છે કે જાણે હું મારા જ ઘરે આવ્યો છું. એટલે કે આ બેઠક મારા ઘરની જ બેઠક છે. સમીરા કેટલા એક્સાઈટેડ હતાં બેઠકને લઈને. સમીરા પણ મારા પોતાનાં જ છે. યુનિવર્સીટીમાં લેક્ચર આપવા જતો હોઉં છું ત્યારે મળતું કવર લેતા મને કોઈ અવઢવ નથી થતી. અહિં હું પોતાની જ વ્યક્તિઓ પાસેથી પૈસા કેવી રીતે લઈ શકું?"

પતિદેવે મારી સામે સુચક દ્રષ્ટિથી જોયું, (છેલ્લે જ્યારે રામ આવેલો ત્યારે એમણે મને કહેલું કે જોજે આ છોકરો બહુ આગળ જવાનો જાણે કે એ વાતની યાદ અપાવી) હું મલ્કી. જમતી વખતે રામે વાર્તા લેખનની એક નવી વ્યાખ્યા આપી. જે શેર કરું છું એના જ શબ્દોમાં.

"વાર્તા લેખન -- આ દાદરા ઉતરવા જેવું છે. કોઈ ધમધમ કરતું ઉતરે. કોઈ ઝડપથી ઉતરે. કોઈ બબ્બે દાદરા સાથે કુદાવતા ઉતરે. કોઈ ખૂબ હળવે હળવે ઉતરે, પણ બેફિકરાઈથી. કોઈ કઠેડો પકડીને અત્યંત સાચવીને ઉતરે.બધાની પોતિકી રીત. જે રીત થી ઉતરો, નીચે ચોક્કસ પહોંચી જશો."

આ હતો રામકથાનો સારાંશ.
અસ્તુ.
ઈતીશ્રી વાર્તાખન્ડે રામકથા અંતર્ગત પ્રથમોધ્યાય સમાપ્તઃ
~~ રાજુલ ભાનુશાલી (વારતા રે વારતા ટીમ)

તા. ક.
૧) મિત્રો,રામની આ ટેલેન્ટ્નો રાઝ કહું. તમને જાણ હશે કે આપણા સૌનાં પ્રિય એવા શ્રી રમેશ પારેખ પાસે એક 'સોનલ' હતી. એમનાં સર્જન વિષે વાત કરવા માટે પણ આપણી લાયકાત કદાચ ઓછી પડે. કવિ શ્રી મુકેશ જોષીનાં ધર્મપત્નીનું નામ પણ સોનલ છે. એમનાં નિતાંત સુંદર ગીતોથી પણ આપણે સુપેરે પરિચિત છીએ. હવે કામની વાત. મિત્રો, રામ મોરી પાસે પણ એક સોનલ છે. હા.. એની વાગ્દત્તાનું નામ સોનલ છે. હવે આગળ કશું કહેવાની જરૂર ખરી?
૨) આ વખતની બેઠકમાં શરૂઆતમાં જ સર્વાનુંમતે 'સ્પીકર' તરીકે આપણા ઓરીજીનલ સુત્રધાર શ્રી રાજુ પટેલને નીમવામાં આવ્યાં હતા. અને એમણે એમનું કામ વ્યવસ્થિત રીતે કર્યું નહિ એવો મારો મત છે. એ તદ્દન ભુલી જ ગયાહતા કે હું આજે સ્પીકરની ભુમિકામાં છું!
૩) સુત્રધારે બેઠકથી પહેલા થો...ડીક અવઢવ હતી. ક્યાંક કશીક ગડબડ થાય અને બેઠક ધાર્યા પ્રમાણે આગળ ન વધે તો શુ? એમણે એ માટે એક બેક અપ પ્લાન તૈયાર રાખ્યો હતો. પણ આખી બેઠક રામનાં સંચાલનમાં સફળતાપૂર્વક પાર પડી અને એમને બેક અપ પ્લાન વાપરવાની જરૂર જ ના પડી.
૪) રામે સજેસ્ટ કરેલી વાર્તાઓનું આખું લિસ્ટ વિગતવાર બ્લોગ પર મુકવામાં આવ્યું છે. લેખકના નામ સાથે. જેની નોંધ લેવા વિનંતિ.
#####################

4 comments :

  1. મસ્ત.બધું ફરી રીવાઇઝ થઈ ગયું.વાર્તાલેખન માટે અત્યંત ઉપયોગી માહિતી.

    ReplyDelete
  2. મસ્ત.બધું ફરી રીવાઇઝ થઈ ગયું.વાર્તાલેખન માટે અત્યંત ઉપયોગી માહિતી.

    ReplyDelete
  3. રાજુલ પાસેથી ઘણી વાર રામવિષે સાંભલ્યું હતું. પ્રથમ મુલાકાતમાં લાગ્યું કે રાજુલ સાચું જ કહેતી હતા. સૌમ્ય છતાં પોતાના અધિકાર ક્ષેત્રની સરસ સમજણ ,અને ઉત્તમ સંવાદકળાએ અભિભૂત અમેસાંભળી રહ્યા રામકથન.

    ReplyDelete
  4. વાર્તા રે વાર્તાનો ખુબ આભાર રામ જેવા દોસ્ત મેળવી આપવા બદલ ☺

    ReplyDelete