Wednesday 20 July 2016

વારતા શિબિર ૧૪ (મુંબઈ) અહેવાલ

વારતા શિબિર [૧૪] નેહા શાહના ઘરે, મુંબઈ – ૮ જુલાઈ '૧૬ અહેવાલ. / તુમુલ બુચ.

આનંદો! આનંદો! આનંદો! વાર્તા શિબિર ૧૪, જે પાર્લા સ્થિત નેહા શાહને ઘરે યોજાઈ હતી એનું સ્થાન ગીનેસ બુક ઓફ 'વાર્તા રે વાર્તા'માં એકથી વધુ કારણોસર દર્જ થવા જઈ રહ્યું છે. કેમ? એ વિશે પછી કહું. એની પહેલાં, તે ઘટનાપ્રચુર શુક્રવારે હું (કદાચ પહેલી વાર સમયસર) ઘટનાસ્થળે પહોચ્યો ત્યારે શિબિર હજુ શરુ નહોતી થઇ. આ વાતનો ફાયદો ઉઠાવી ત્યાં મોજુદ શખ્શો વાર્તાને કોરાણે મૂકી ફીલ્મો ચર્ચી રહ્યા હતા. ખાસ એ વાતના માનમાં એક કાલ્પનિક સંવાદ... ('અ વેડનસ ડે' ફિલ્મના નસીરુદ્દીનના ડાઈલોગના લહેકામાં વાંચવું)

सूत्रधार: अपने दस्तखत दीजिये-

मैं: कहानी की कार्यशाला नंबर १०, ११, १२ और १४ - फक्र है|

सूत्रधार: आपकी कहानी में कोकरोच आते हैं तो आप क्या करते हैं? आप उसको पालते नहीं मारते हैं! आज मैं अपनी कहानी साफ़ करना चाहता हूँ. मैं वो हूँ जो आज बस और ट्रेन में चढ़ने से डरता है, कहीं कहानी का कोई किरदार न मिल जाए. मैं वो हूँ जो काम पे जाता है तो उसकी बीवी को लगता है कहीं पार्क में जा के कहानी लिखने न बैठ जाए. मैं वो हूँ जो कभी लघुकथा में फसता है, कभी कहानी के क्लायमेक्स में. कहानी किसी की भी हो, बेवजह पढ़ता मैं ही हूँ. कलम तो देखी होगी न आपने? स्टेशनरी शॉप में से कोई एक कलम चुन लीजिये, मैं वो हूँ. I AM JUST A STORY TELLER WANTING TO WRITE HIS STORY.
***
છેલ્લા કેટલાક સમયથી 'અ વેડનસ ડે' એ યોજાતી શિબિર આ વખતે શુક્રવારે યોજાઈ. છેલ્લી ઘડીએ મળવાની જગ્યા બદલાઈ હોવા છતાં ૧૫ સભ્યો મોજુદ રહ્યાં. સુત્રધાર આ વખતે સૌથી પહેલા આવી ચુક્યા હતા (રેકોર્ડ ૧) અને જેમ જેમ સભ્યો આવતા જાય તેમ વાતોનો પ્રવાહ ફંટાઈ રહ્યો હતો. હું પહોચ્યો ત્યારે હજી કેટલાક સભ્યોના આવવાની રાહ જોવાઈ રહી હતી. મેં 'ન હન્યતે' પુસ્તક વિશે વાત કરી કે તે એક 'પ્રતિભાવ કથા' છે. તે પરથી રાજુએ કેટલીક પ્રતિભાવ ફિલ્મો વિશે વાત કરી. ઇટાલીયન ક્લાસિક 'બાઈસીકલ થીફ' એમાની સૌથી નોંધપાત્ર. નિમ્ન મધ્યમવર્ગીય પાત્રના સંઘર્ષ વિશેની આ કદાચ પહેલી ફિલ્મ હતી અને તેના બાદ આ થીમ ધરાવતી ફિલ્મોનો વિશ્વભરમાં જુવાળ આવ્યો. દુનિયાની કેટલીય ભાષાઓમાં તેના પરથી પ્રેરિત પણ સ્વતંત્ર કથાવસ્તુની ફિલ્મો બની. બોલીવુડમાં આવી 'દો બીઘા જમીન '. યામિનીએ ફિલ્લમના ટોપિકને બહાને રાજુને એક ખાસ ફિલ્મ સ્ક્રીનીંગ અને ફિલ્મ અપ્રિસિએશન માટેની બેઠક યોજવા કહ્યું -- જે વિશે આપણા ગ્રુપમાં કેટલાક વખત પહેલા વાત થઇ જ છે. (અને હું પણ આ અહેવાલને બહાને એ જ ફરમાઇશ કરું છું).

ત્યારબાદ ભૂજ, કચ્છથી ખાસ શિબિર માટે આવેલા (રેકોર્ડ ૨) જીગરે તેની એક ફાંકડી ગઝલ સંભળાવી; નેહાએ ફાંકડી ચા પીવડાવી અને જેમની રાહ જોવાઈ રહી હતી એ સભ્યો રાજુલ અને કુસુમ આવી પહોચ્યા. શિબિરની શરૂઆત મારી વાર્તા 'ભિખ્ખુણી'ના પઠનથી થઇ. બૌદ્ધ મઠમાં પાંગરતા લામાઓ વચ્ચેના આકર્ષણની આ કથા સૌને ગમી પરંતુ પાત્રાલેખન, શબ્દ પસંદગી અને લંબાઈના મુદ્દાઓ ધ્યાનમાં રાખીને મઠારવાની જરૂર જણાઈ.



 ભારતીબેન, સમીરા અને બિનીતાની આપણા દેશની પોલીસની જેમ લેઇટ એન્ટ્રી થઇ એટલે લાઈવ ટાસ્કની શરૂઆત થઇ. [એ પહેલાં મહિલા અને પુરુષ છ - છ એમ સમાન સંખ્યામાં હતાં; આવું પણ આપણી શિબિરમાં પહેલી વાર થયું એવું આપણા ઓફિશિઅલ ઇતિહાસકાર રાજુલે નોંધ્યું (રેકોર્ડ ૩)]. લાઈવ ટાસ્કમાં સહુએ એક પછી એક આવીને રાજુ જે સિચ્યુએશન આપે એ વિશે લખવાનું ભજવવાનું હતું.



કુસુમને કોઈ પણ એક ભાવને બે મિનીટ સુધી ભજવણી દ્વારા પ્રેક્ષકો સુધી પહોચાડવાનું ટાસ્ક મળ્યું. તેમણે એક એવી સ્ત્રીનો ઉલ્લાસ વ્યક્ત કર્યો કે જેને કોઈના શિશુને રમાડતાં રમાડતાં, પોતાનું બાળક આવ્યું ત્યારે જેવો માતૃત્વનો ભાવ આવ્યો હતો એવો જ ફરી પ્રગટે છે. મોટા ભાગના બધા જ એ જ્યાં પહોચાડવા માગતા હતાં, ત્યાં જ પહોચ્યા. નવા સભ્ય જીજ્ઞા જોશીને આ જ દ્રશ્ય બોલ્યા વગર ભજવવાનું હતું. શરૂમાં થોડો સંકોચ હોવા છતાં તેમનો પ્રયાસ ખુબ જ સારો હતો પરંતુ તેમાં ફક્ત માતૃત્વ વિશે ખબર પડતી હતી; માતૃત્વના પુન:પ્રાગટ્ય વિશે કંઈ નહોતું.

 રાજુલ અને સમીરા પતિ-પત્ની છે જેમની વચ્ચે કોઈ ક્ષુલ્લક બાબતે ઝઘડો થયો છે. તેમનો અભિનય અને સંવાદ એકદમ વાસ્તવિક હોવાથી સૌને ગમ્યા. રોહિતભાઈને ભાગે એવા પુરુષને ભજવવાનું આવ્યું કે જે બીઝનેસ ટ્રીપ પર ગર્લફ્રેન્ડને મળવાના ચક્કરમાં ફ્લાઈટ ચુકી જાય છે. તેઓ અભિનય મારફતે રોહિત શાહની બહાર નીકળીને પાત્રમાં પ્રવેશ્યા જ નહિ, જેને લીધે પરિસ્થિતિની ગંભીરતા સામે ન આવી. ઉપરાંત, તેઓ ફ્લાઈટ ચુકી ગયા છે પણ શા કારણે એ બહાર ન આવ્યું. તુમુલ અને જીગરને એવા બે દોસ્તો ભજવવાના હતા કે જેમને એક જ છોકરી ગમતી હોય પણ બે માંથી એકને પેલી છોકરી હા પાડે. એક દોસ્ત ખુબ ખુશ હોય કે તેને મનપસંદ છોકરીએ હા પાડી છે, અને બીજો દોસ્ત પોતાના દોસ્ત માટે ખુશ તો હોય પણ પોતાનું દિલ તૂટી ગયું હોય. તેમના એક્ટમાં ફક્ત છોકરીએ હા પાડી એટલો જ ભાગ આવ્યો; બીજા દોસ્તને પણ તે ગમતી હતી તે વિશે તો કંઈ આવ્યું જ નહિ. ઉપરાંત તુમુલના અભિનયમાં તેને ગર્લફ્રેન્ડે હા પાડી હોય તેનો ઉલ્લાસ દેખાતો જ નહોતો. કોઈએ તો કહ્યું કે બ્રેકઅપ થઇ ગયું હોય એવું લાગ્યું. એટલે આ જ ટાસ્ક ફરીથી પ્રીતિ અને યામિનીને આપવામાં આવ્યું. બંનેને એક જ છોકરો પસંદ છે અને એક ને જ હા પાડી છે. બંનેનો અભિનય અફલાતુન હતો. જેને છોકરા એ હા પાડી એવી છોકરીના રોલમાં યામિની અને જે રહી ગઈ એવી છોકરીના રોલમાં પ્રીતિ ખુબ જ વાસ્તવિક લાગ્યા.

પીયુશભાઇને એક ખેર ખાં અભિનેતાનું પાત્ર મળ્યું, કે જેને નસીરુદ્દીન પોતે કહે છે કે આ મારા દર્જાનો કલાકાર છે, પરંતુ નવાસવા અભિનેતાઓ જેમને અભિનયનો ‘અ’ પણ નથી આવડતો તેઓ તેમની કદર નથી કરતા કારણકે તેઓ ક્યારેય મોટું નામ ન બનાવી શક્યા. તેમની ભજવણીમાં આ પાત્ર બહાર જ ન આવ્યું. તેઓ જે બતાવવા માંગતા હતા -- એક ખેર ખાં અભિનેતા તેના જીવનના નાટકના છેલ્લા પ્રયોગમાં પ્રેક્ષકોને પોતાને ન સ્વીકારવા બદલ મ્હેણાં મારે છે -- એ પણ મોટાભાગનાને ન સમજાયું. બિનીતાને કુસુમ વાળો જ ટાસ્ક મળ્યો -- કોઇપણ એક ભાવ અભિનયથી પ્રગટ કરો. તેમણે સામે ચાલીને માઈમ એટલે કે બોલ્યા વગર અભિનય કર્યો. તેમના લોંઠકા (આ શબ્દનો ખોટો વપરાશ હોય તો ધ્યાન દોરવા વિનંતી) અભિનયથી સૌ કોઈ અભિભૂત થયાં તેમ છતાં તેઓ શું બતાવવા માંગતા હતાં એ વિશે ચાર અલગ અલગ મંતવ્યો આવ્યા. તેઓ એક એવી વ્યક્તિના ભાવ દર્શાવી રહ્યા હતા જેને ભૂતકાળની ઘટનાઓ યાદ આવતા એવો જ ભય ફરીથી સતાવી રહ્યો છે. ચાર અર્થઘટનમાં આ પણ એક હતું.

ભારતીબેને ટાસ્ક સાંભળવા પહેલાં જ મારાથી નહી થાય એમ કહી દીધું. પણ રાજુ કન્વીન્સ કરવા બેઠા હોય ત્યારે કોની મજાલ છે કે ન માને. તેમને નેહાની સોસાયટીના સેક્રેટરીનો રોલ મળ્યો કે જેને વાર્તાશિબિર થાય એ પસંદ નથી. તેમના ડાયલોગ, મુદ્દાઓ અને એક્ટિંગ બહુ જ સરસ રહ્યા અને સહુએ એમને તાળીઓથી વધાવી લીધા. તેમના પછી વારો હતો નેહાનો, જેમણે સેક્રેટરીએ મુકેલા આક્ષેપોનો જવાબ આપવાનો હતો. તેમણે ભારતીબેને નાખેલા બાઉન્સર અને ગુગલીને બરોબર રમી જાણ્યા. છેલ્લે પરાગને એક ગુંડાનો રોલ મળ્યો કે જે અડધી રાતે પિક્ચર જોઇને નીકળેલા કપલને હેરાન કરે છે. તેમના એક્ટનો ગ્રાફ સાવ ઠંડાથી શરુ થઇ એવો તો ઊંચકાયો કે પ્રેક્ષકો (ખાસ તો જીગર અને હું) બઘવાઈ અને ગભરાઈ ગયા. તેમણે પોતાના પાત્રને એવો ગુંડો બતાવ્યો કે જે પોતાને પોલીસ તરીકે રજુ કરે છે. આ ઉમેરાને લીધે પાત્ર વધુ મઝેદાર બની ગયું.


સૌથી આખીરમાં સુત્રધારે નબળા પરફોર્મન્સનું સબળ ઉદાહરણ રજુ કર્યું.

આ આખી કવાયતથી આપણે શું શીખ્યા? એક તો એમ કે, વિચારવા અને ભજવવા માટે સાવ થોડો (બે થી ત્રણ) મીનીટનો સમય હતો. લખતી વખતે પણ આપણી સામે લગભગ હંમેશા શબ્દમર્યાદા હોય જ છે; સમયમર્યાદા પણ ખરી જ. ક્યારેક એમ થાય કે ટૂંકી વાર્તામાં શબ્દમર્યાદા હોય, આના કરતા નવલકથા કેટલી સારી. એમ નથી. નવલકથા પણ શબ્દમર્યાદાથી બંધાયેલી જ છે. તેમાં જે અને જેટલું કહેવાનું છે તેની માટે તેની શબ્દમર્યાદા ઓછી લાગે એવું બિલકુલ શક્ય છે. બીજું, ઘણાને એવા પાત્રો મળ્યા કે જે એમનાથી સાવ ઉંધા છે. લેખક સામે પણ ક્યારેક એવા પાત્ર આવી જતા હોય છે જે એમના જીવનથી બિલકુલ વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે. તાજું જ બ્રેકઅપ થયું હોય ત્યાં એક છોકરી સામે આવીને કહેશે મારી પ્રેમકહાણી લખો. આવી પરિસ્થિતિઓ માટે લેખકે તૈયાર રહેવું જોઈએ. ત્રીજું, બિનીતાના ટાસ્કમાં થયું એમ કેટલાક લોકો ત્યાં પહોચ્યા જ્યાં તેઓ લઇ જવા માગતા હતા પણ કેટલાક ન પહોચ્યા. લેખક વાર્તામાં જે કહેવા માગતો હોય એ જ બધા સુધી પહોચે એ જરૂરી છે. એમ ન થતું હોય તો એડીટીંગ અને રી-રાઈટ કરવું જોઈએ. ચોથું, કેટલાક સભ્યોએ વાસ્તવિક જીવનમાં શું થતું હોય છે એ જ ભજવવાની કોશિશ કરી. એની કોઈ જરૂર નથી. વાર્તામાં હીરો બધા પ્રતિકુળ સંજોગો સામે લડીને, અશક્ય સંજોગોમાં જીતે છે. પાંચમું અને સૌથી અગત્યનું, ભારતીબેન ના પાડતાં હતાં ત્યાંથી સર્વશ્રેષ્ઠ અભિનય કરી ગયાં. આ 'ના' જ સૌથી મોટી દુશ્મન છે. નકાર છોડીને એક વાર ઈમાનદારીથી પ્રયત્ન તો કરવો જ રહ્યો.

આ ઉપરાંત મારી સમજ મુજબ, જેમ કેટલાક અભિનેતાઓ (આમીર ખાન, ડેનિયલ ડે લ્યુઈસ વગેરે) મેથડ એક્ટિંગ કરતા હોય છે; એટલે કે પાત્રમાં ઘુસવા માટે અસલી જીંદગીમાં પણ તેમના જેવું વર્તે, બોલે, ચાલે, પહેરે, ખાય, પીવે, વજન વધારે / ઘટાડે વગેરે.; તેમ લેખકે પણ અમુક વખત જો પાત્ર ન સમજાતું હોય તો 'મેથડ રાઈટીંગ'નો આશરો લઇ શકાય.

બીજી વાત – અભિનય અને લેખનમાં ઝાઝો ફર્ક નથી. બંનેમાં પરકાયા પ્રવેશ કરવો રહ્યો. પાત્રને આત્મસાત કરવું રહ્યું. અમુક સ્થિતિ કે સંજોગમાં તે કેમ વર્તાશે તે કળવું અને દાખવવું રહ્યું..

ટાસ્કની વાર્તા 'સુમન રમત રમતી હતી'ના લેખક જેમના ઓળખ પરથી હજી સુધી પરદો ઉઠ્યો નહોતો, તેમને આવવાને થોડી વાર હતી. ત્યાં સુધી સુત્રધારે બધાને એક પ્રશ્ન પૂછ્યો -- તમે છેલ્લા એક મહિનામાં વાંચેલી વાર્તા કઈ, કે જે કોઈ ઓળખીતાએ લખી છે એટલે નહિ પણ વાર્તાનાં લગાવ માટે વાંચી છે. અને એ શેની વિશે છે એ પણ એક લાઈનમાં જણાવો. ચાર કે પાંચ સભ્યો સિવાય કોઈએ આવું 'ઈતર વાંચન' નહોતું કર્યું. જ્યારે આપણે સહુ અહિયાં વાર્તા લખવાના અને આ કલામાં નિપુણ થવાના આશયથી ભેગા થઈએ છીએ તો, આ સવાલનો જવાબ આ પથ પરની પ્રગતિનો માપદંડ બની રહે છે. આ સવાલનો જવાબ અને આપણા ધ્યેયને બાજુમાં રાખીને જોઈએ. વાંચનનો અભાવ ન હોવો જોઈએ એ એક વાત. અને જે પણ વાંચીએ એ ગમ્યું કે ન ગમ્યું તેના સ્પષ્ટ કારણો સાથે આપણને ખબર પણ હોવું જોઈએ. આવતી શિબિરમાં જો આ પ્રશ્ન પાછો પુછાય, તો એનો વધુ સારો ઉત્તર આપવાની સ્થિતિમાં આપણે હોવા જોઈએ.



રાજુએ ઘણાં સમય પહેલા વીનેશ અંતાણીની કોલમમાં વાંચેલી એક ચાઇનીઝ વાર્તાના રીવ્યુ વિશે વાત કરી. એક પતિ પત્ની છે. પત્નીને તેની ઓફિસનો એક માણસ પસંદ કરે છે. પત્નીને તે જરાય નથી ગમતો. તે એની જોડે વાત કરવાની કોશિશ કરે તો પણ તેને ત્રાસ લાગે છે. ઉપરથી તેનો પતિ પણ તેની પર વગર કારણે શંકા કરે છે. આ દ્વિપક્ષી હુમલાથી તે હમેશા વ્યગ્ર રહેતી હોય છે. એક દિવસ પત્નીને ઓફિસમાં મોડું થઇ જાય છે. પેલો કલીગ પણ તેની માટે રોકાય છે અને સાથે બસસ્ટોપ સુધી આવવાનું કહે છે. પેલીને બહુ મન તો નથી પણ તે ના નથી પાડતી. હવે, થાય છે એવું કે બસ સ્ટોપ સુધી પહોચતા તેને લાગવા માંડે છે કે આ કંઈ એવો પણ ખરાબ, એવો પણ બોરિંગ માણસ નથી જેવો હું તેને ધરતી હતી. બસ આવતી નથી અને પેલો એની પછીના બસ સ્ટોપ સુધી સાથે ચાલવાનો પ્રસ્તાવ મુકે છે. તે રાજીખુશી હા પાડે છે. ધીમે ધીમે તેમની વચ્ચે સંવાદિતા સર્જાય છે . હવે, પેલીની મનોસ્થિતિ બદલાઈ છે. તેને પતિની શંકાની પરવા નથી. અફેર છે અમ સમજે તો છે...!! આઈ ડોન્ટ કેર- વાર્તાનો જાદુ એ છે કે હવે, તેનો બદલાયેલો અભિગમ જોઇને પતિની પણ શંકા કરવાની ટેવ દુર થઇ જાય છે. તેને લાગે છે કે, જે માણસને અફેર હોય તે આટલું સુલઝેલું અને શાંત રહી જ ન શકે. એટલે કોઈ વાત છે જ નહી. વાર્તામાં ખાસ નોંધ લેવા જેવી બાબત એ છે કે આપણે જે ધારતા હોઈએ સત્ય એથી ઊંધું જ હોય એવું પણ બને છે. જીવનમાં પણ અને લેખક તરીકે પણ. આપણે પાત્રો માટે કંઇક ધાર્યું હોય અને તેમના ચાલકબળ કઈ બીજા જ નીકળે. બીજું, વાર્તાના આરોહ અવરોહ બહુ જ સુંદર છે.


 આ વાત ચાલી રહી હતી ત્યાં સુધીમાં, આપણા ગેસ્ટ આવી ચુક્યા હતા. ચા-નાસ્તો કરીને શિબિરનો દોર તેમણે સંભાળ્યો. તેમનો પરિચય:

કિશોર પટેલ, જેમને આપણે 'સુમન રમત રમતી હતી'ના લેખક તરીકે વધુ સારી રીતે ઓળખીએ છીએ. તેઓ બેંકમાં વર્ષોની નોકરી કર્યા બાદ હવે રીટાયર્ડ છે. તેમનો એક ટૂંકી વાર્તાનો સંગ્રહ ૨૦૦૯માં પ્રકાશિત થયો છે. મીડ-ડે અને જન્મભૂમિમાં અનુક્રમે પાંચ અને દસ હપ્તાની ડઝનેક લઘુનવલ આવી ચુકી છે. 'સુમન...' એક વખત આકાશવાણી પરથી અને ત્યારબાદ બે વાર મીડ-ડેમાં પ્રકાશિત થઇ છે. તેઓ પોતે લખેલી વાર્તાઓને છપાવવામાં બહુ ઉતાવળ કરવામાં માનતા નથી. એનું વારંવાર એડીટીંગ કરે, તેમાંથી બધો જ મેદ કાઢી નાખે અને જ્યારે એકપણ બિનજરૂરી શબ્દ બચ્યો નથી એમ ખાતરી થાય પછી જ બહાર પાડે છે. 'સુમન...' પણ મૂળ સ્વરૂપે ખુબ લાંબી હતી. તેમને શિબિરમાં આવવું ઓવ્ક્વર્ડ લાગી રહ્યું હતું કારણકે, તમે એક વાર લેખકને અક્ષરદેહે ઓળખી ચુક્યા હો તો તેમની એક છબી બંધાઈ ગઈ હોય. પછી સાચે મળે ત્યારે એ છબી સાથે મેળ ખાતો હોય એવું જરૂરી નથી. પોતાનો પરિચય આપવામાં સૌથી મોટો બોમ્બ તેમણે ફોડ્યો કે તેઓ રાજુના સગા મોટા ભાઈ છે! 'વાર્તા રે વાર્તા'ની શરૂઆતથી જ તેઓ આ ગ્રુપની પ્રવૃત્તિઓને ખુબ નજીકથી જોતા આવ્યા છે. રાજુનું તેમને શિબિરમાં બોલાવાવનું મન હતું, છતાં તેણે કહ્યું હતું કે જો શિબિર એક વર્ષ પૂરું કરશે તો તમને બોલાવીશ. અને આપણા સૌના હરખની વાત, શિબિર એક નહિ દોઢ વર્ષ પુરા કરી ચુકી છે.

 કિશોર પટેલે શરૂઆત જ ત્યાંથી કરી કે વાર્તા લેખન શીખવી ન શકાય. હા, જેવું 'સુમન...'નું ટાસ્ક કર્યું તે રીતે તેનો અભ્યાસ કરી શકાય. તેના સારા, નબળા પાસાં ગોતવા એ શીખવાની પ્રક્રિયાનો બહુ મહત્વનો હિસ્સો છે. એ માટે 'વાર્તા રે વાર્તા'ને અભિનંદન. આવું જ એક TVSB (ટૂંકી વાર્તાના સર્જકોની બેઠક) નામે ગ્રુપ થોડા વર્ષો પહેલા ચાલતું હતું, જેમાં તેઓ જતા અને એનાથી ખુબ લાભ થયો. "શું સાચે જ સુમન રમત રમતી હતી કે નહિ"ના ઉત્તરમાં તેમણે ઓશોને ટાંક્યા, "કહાની એક સુંદર ઘટના હૈ. વો આપકો ઇતના હી દે સકતી હૈ જીતના આપ લે સકતે હો. જબ આપ તૈયાર હોંગે તબ વો આપકો ઔર દેગી, ઔર દેગી, ઔર દેગી...". કોઈએ સુર પુરાવતા કહ્યું કે, "હવે અમે સુમનને કદાચ તમારા કરતા પણ વધારે ઓળખીએ છીએ". તેમણે બીજો મુદ્દો વાંચનના મહત્વ વિશેનો મુક્યો -- કે જે આ પહેલા આવેલા બધા જ ગેસ્ટ કહી ચુક્યા છે અને સુત્રધાર પણ અનેક વાર કહેતા જ હોય છે. આ માટે તેમણે કાંતિ મડિયા - સુરેશ દલાલ આયોજિત નાટ્ય શિબિરમાં સિતાંશુ જે બોલ્યા હતા એ ટાંક્યું, "તમારે એક સારું નાટક લખવા પહેલા સો નાટકો વાચ્યા હોવા જોઈએ". તેમણે એક વાત એવી કહી જે આજ પહેલા કદાચ કોઈએ નહોતી કહી અથવા આટલી સારી રીતે નહોતી કહી. વાંચવાની જેમ લખવાનું પણ વ્યસન / ઓબ્સેશન હોવું જોઈએ. તારક મહેતા દરરોજ નિયત સમયે, એક જ જગ્યાએ બેસીને ઓછામાં ઓછા દસ ફૂલસ્કેપ લખતા. પછી ભલે એમાંના અમુક કે બધેબધા પણ ફાડીને ફેંકી દે. યામીનીએ વર્ષા અડલજાનું ઉદાહરણ આપ્યું. તેઓ જે દિવસે અમુક પાનાં ન લખે ત્યાં સુધી ખાતાં નથી. જો લખી ન શકાય તો ખાવાપીવાનો હક્ક નથી એવું તેઓ માને છે. લખવું એ તપ હોવું જોઈએ. તપ એટલે શું? છ મહિના સુધી રોજ અમુક સમયે ઉઠો અને તમારી પથારી જાતે વાળીને મૂકી દો. કઈ પણ થાય આ ક્રમ તૂટવો ન જોઈએ. આ નિયમિતતા એટલે જ તપ. શબાના આઝમીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, નાટકના અભિનેતાઓ પાગલ હોય છે. એકના એક દ્રશ્યો ફરી ફરીને ભજવ્યા જ કરે. લખવામાં પણ આવું જ પાગલપન જરૂરી છે.


કિશોરભાઈ એક નાટક લખી રહ્યા હતા ત્યારે તેના પાત્રો એમના પર એવા હાવી થઇ ગયા હતા કે, કોઈપણ ભોગે તેમને એ લખી જ નાખવું પડે એમ હતું. ઘરમાં દીકરી નાની હતી એટલે અને બેંકમાં કામના ભારને લીધે તેઓ લખી નહોતા શકતા. એટલે તેઓ ઘરેથી બેંક જવા નીકળતા અને ગોરેગાવના છોટા કાશ્મીર બગીચામાં જઈને લખતા. આવું લગભગ અઠવાડિયા સુધી ચાલ્યું હતું અને ત્યાં સુધીમાં ત્યાના વોચમેન તેમણે ઓળખી ગયા હતા. ભારતીબેને પૂછ્યું, પાત્રો આમ હાવી થઇ જાય તો રોજીંદા જીવનમાં તકલીફ ન પડે? કિશોરભાઈએ કહ્યું કે, કોઈપણ કલાકાર માટે એ બેલેન્સ શીખવું અગત્યનું છે. રમણલાલ દેસાઈએ એક પુસ્તક બે મુલાકાતીઓની વચ્ચેથી પાંચ-દસ-પંદર મિનીટ ચોરીને લખ્યું છે. (ગાંધીજીએ સત્યના પ્રયોગો પણ આમ જ પૂરું કર્યું હોવાનું કહેવાય છે). શ્રીરામ લાગુ એક દિવસમાં ત્રણ નાટકો કરતા જેમાં સાવ જુદા જ રોલ હોય -- દારૂડિયો, પોલીસ અને ખૂની. જ્યારે જે રોલ કરતા હોય એમાં તો તેઓ પુરેપુરા હોય જ સાથે, સાથી કલાકારોના સંવાદો અને ઓડીયન્સના પ્રતિભાવ તરફ પણ તેઓ સજાગ હોય. (પ્રતિક ગાંધીએ પણ હમણાં એક દિવસમાં એક જ નાટકના ગુજરાતી-હિન્દી-અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પ્રયોગો કર્યા). દુન્યવી કાર્યોથી ભાગવાનું નથી પણ તેની સાથે સાથે જ લેખનકાર્ય કરતા રહેવાનું છે.

ત્યારબાદ તેમણે તેમની ચાર લઘુકથાઓ વાંચી, જે બધાને ખુબ જ ગમી પરંતુ સાવ અલગ વિષય વસ્તુ ધરાવતી ચાર કથાઓ એકસાથે પચાવીને તેના વિશે ચર્ચા કરવી ફાવતી નહોતી, એટલે તેમાંથી એક વાર્તા ફરી વાંચી. બીજી વારના વાંચનમાં તેના પાત્રો અને તેમના ચાલકબળ વધુ સ્પષ્ટ થયા. તેનું શીર્ષક 'આનંદની અભિવ્યક્તિ' વાર્તા શું છે એ કહી દે છે એવું કેટલાક સભ્યોને લાગ્યું અને લેખક પણ એમાં સહમત થયા. શીર્ષક શું હોવું જોઈએ તેની લાં...બી ચર્ચા ચાલી. પછી લેખકે લઘુકથા અને ટૂંકી વાર્તા વચ્ચે શું તફાવત છે એ વિશે થોડી વાત કરી. લઘુકથા, જેને અંગ્રેજીમાં માઈક્રોફિક્શન કહે છે તે ઓછા શબ્દોમાં લખવાની હોઈ સ્વાભાવિક રીતે અઘરી છે. જેમ કવિતાનું છે એવું. અબ્રાહમ લીન્કન કહેતા કે, બે કલાક બોલવું તેમની માટે સહેલું છે પણ દસ મિનીટ બોલવું અઘરું. લઘુકથામાં પાત્રાલેખન માટે ખુબ મર્યાદિત સ્થાન છે. તેમની લઘુકથામાં તેમણે માત્ર 'રીટાયર્ડ કલેકટર' એટલાથી પાત્રનો સ્વભાવ, ઉમર અને આર્થીક/સામાજિક સ્થિતિ દર્શાવી છે. સુત્રધાર કહે છે શબ્દસંખ્યા એ માપદંડ ન હોઈ શકે. લાંબા સમયથી બિન-ઉત્તર રહી ગયેલો પ્રશ્ન લાઘુકથાની વ્યાખ્યા શું, જેની ગ્રુપમાં પણ ચર્ચા થઇ ચુકી છે અને આજની બેઠકના એજન્ડામાં પણ હતો, તે સામે આવી ગયો. સુત્રધાર કહે છે, દોઢ પાનાની લઘુકથા પણ હોઈ શકે અને દોઢ પાનાની ટૂંકી વાર્તા પણ હોઈ શકે. તે જ રીતે ૪૫ પાનાની ટૂંકી વાર્તા પણ હોઈ શકે અને ૪૦ પાનાની લઘુનવલ પણ હોઈ શકે. શબ્દસંખ્યા નહી પણ વાર્તાની સામગ્રી તેને લઘુકથા, ટૂંકીવાર્તા કે લઘુનવલ બનાવે છે. આ એક અલગ ચર્ચા માગી લે એવો મુદ્દો છે અને એ વિશે તેઓ યોગ્ય ઉદાહરણ સાથે આવનારી શિબિરમાં વાત કરશે.



અહી શિબિર પૂરી થાય છે. સમીરા ઈદ નિમિત્તે શિર-કોરમા બનાવી લાવ્યા છે. સહુ વીનેશ અંતાણીના વાર્તા વિશ્વ જેવો સમૃદ્ધ શિર-કોરમા ખાય છે. (મારા જેવા) કેટલાક બે-ત્રણ વાટકા ભરીને ખાય છે. હું કોઈકને બોલતા સાંભળું છું કે, જે મૂળ કામ માટે તેઓ શિબિરમાં આવ્યા હતા તે થઇ ગયું. પુસ્તકોની આપ લે થાય છે અને અમે છુટા પડીએ છીએ.

#####################

5 comments :

  1. ઘણો સરસ અહેવાલ. શિબિરના ફર્સ્ટ હાફમાં હું હાજર નહોતો એટલે એ વિષે તો કંઈ કહી ના શકું પણ બીજા હાફના અહેવાલ વિષે મારો અભિપ્રાય છે કે શિબિરમાં થયેલી વાતો ઘણી સારી રીતે કવર થઇ છે. તુમુલભાઈ, આભાર અને અભિનંદન.

    ReplyDelete
  2. તુમુલ સરસ અહેવાલ.અભિનંદન.જે શિબિરમાં હાજર ન રહી શક્યા હોય એને માટે ખૂબ ઉપયોગી અને હાજર રહેલાઓનું સરસ રીવિઝન થઈ જાય એવો પ્રશંસનીય અહેવાલ.આભાર સાથે અભિનંદન.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. તુમુલ, આહેવાલ વાંચતી વખતે તમારા શબ્દો અમારી આંખો ફક્ત વાંચે જ નહિ, સાંભળે પણ છે એવું અનુભવાય છે.અને તમે પણ લખતા હશો ત્યારે ફરી એક વાર શિબિર નો અનુભવ તાજો થતો હશે...lucky guy..:)

    ReplyDelete
  5. નેશનલ પાર્કનો તાજી હવા જેવો અહેવાલ !
    कोअ ताझा हवा चली हैं अभी !������

    ReplyDelete