Sunday 15 January 2017

વાર્તા શિબિર ૧૭ (મુંબઈ) - અહેવાલ

૨૬ ડીસેમ્બર ૧૬ના રોજ બોરીવલી પશ્ચિમના વીર સાવરકર ઉદ્યાન ખાતે યોજાયેલી વાર્તા શિબિર ૧૭નો અહેવાલ (સીઝન ફિનાલે)

મધુ રાય જેમાં અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા તેવી આ શિબિરથી મારી માટે 'વારતા રે વાર્તા'નું એક વર્તુળ પૂરું થયું છે. કેમ કે મધુ રાય જ્યારે પહેલી વખત જાન્યુઆરી ૨૦૧૬માં આપણી નવમી શિબિરમાં આવ્યા હતા એ શિબિરનો અહેવાલ વાંચીને જ મને ખબર પડી હતી કે આવી કોઈક સાહિત્યિક પ્રવૃત્તિ મુંબઈમાં ચાલે છે અને હું એ વિષે અંધારામાં છું. બસ, એ અહેવાલથી જ હું આ જુથમાં જોડાવા લાલાયિત થયો અને રાજુલે મને વ્હોટ્સએપ ગ્રુપમાં ઉમેર્યો. ત્યારની ઘડી ને આજનો દિ'. વાર્તા પોતાના મોહપાશમાં મને વધુ ને વધુ જકડતી જ ચાલી... ગંગામાં કોણ જાણે કેટલા પાણી વહી ગયા... અને મારી વાર્તા વિશેની સમજમાં જમીન આસમાનનો ફરક આવ્યો છે.




લગભગ દર વખતે એકાદ કલાક, ઘણીવાર તો દોઢેક કલાક મોડેથી શરુ થતી શિબિર આ વખતે બારના નિયત સમયથી માત્ર અડધી કલાક મોડી શરુ થઇ. અને એ અડધી કલાકમાં પણ યામિનીની લઘુકથા 'સફેદ ટોળા' વાંચી અને તેના વિષે ચર્ચા કરીને સમયનો સદુપયોગ કરવામાં આવ્યો. સુત્રધારની એન્ટ્રી સાથે એમણે બે વિકલ્પ આપ્યા. એક તો અગાઉથી નક્કી કરેલા એજન્ડા મુજબ આગળ વધીએ


હા, આ વખતે પુન:નિશ્ચિત એજન્ડા હતા:

આ વખતની બેઠકનો એજન્ડા.
  • પાત્રની ઓળખપરેડ
  • વારતાના પ્રીમાઈસ હાલમાં શું છે..? શું હોઈ શકે..? શું હોવા જોઈએ.. 
  • સરપ્રાઈઝ ટાસ્ક 
  • સવાલગીરી
  • મધુભાઈની એન્ટ્રી, એમની બે અથવા ત્રણ વારતાનું પઠન અને એમની જોડે ચર્ચા.
કે પછી એક શિબિરના માળખાને લગતી મહત્વની ચર્ચા કરીએ. મહત્વની ચર્ચા વધુ મહત્વની હોઈ, સર્વસંમતીથી એ હાથ પર લેવાઈ.





છેલ્લા કેટલાક સમયથી શિબિરના સર્વે ભાગીદારોનો આ પ્રવૃત્તિમાંથી રસ ઘટવા લાગ્યો છે જેની પારાશીશી એટલે ટાસ્કનાં જોઈએ એટલા ઉત્તરો ન મળવા અને ફેસબુક પર મુકાયેલા ટાસ્ક પરની ટીપ્પણીમાં જોવા મળતી ઉદાસીનતા. આ વિષે દિવાળી ગેટ-ટુગેધરમાં, વ્હોટ્સએપ ગ્રુપ અને ફેસબુક ગ્રુપમાં પણ એક કરતા વધારે વખત ચર્ચા થઇ ચુકી છે. દસ ટાસ્કના ઉત્તરો મળે તો જ શિબિર કરવી એવો સુત્રધારનો આગ્રહ છે (જે જરાયે અસ્થાને નથી). અને એથી અડધી સંખ્યામાં પણ ઉત્તરો ન આવતા હોઈ શિબિર થતી નથી. ઉપરાંત કેટલાય એવા સભ્યો પણ છે જે મિસ્ટર ઇન્ડિયામાં ખુબ શ્રદ્ધા રાખે છે. જુના સભ્યોને શિબિરમાં થતી વાતોનું પુનરાવર્તન ક્યારેક કંટાળો આપી જાય છે તો સમયપાલનની શિસ્તનું સ્ખલન પણ કેટલાકને અકળાવી મુકે છે. આ બધી નાની - મોટી, સમી થઇ શકે અને ન થઇ શકે એવી બધી સમસ્યાઓનો અકસીર ઈલાજ સુત્રધાર લઇ આવ્યા છે. દિવાળી મેળાવડામાં હાજર હતા એ લોકો અને સત્તરમી શિબિરમાં હાજર સભ્યોના મત જાણ્યા બાદ સુત્રધારનો પ્રસ્તાવ છે કે આપણે બ્રેક લઈએ. રાયતું ફેલાઈ ગયું છે તેને પાછું વાસણમાં ભરવાની બદલે નવું દહીં અને નવું વાસણ લઈને નવું રાયતું બનાવીએ. તત્પુરતો વાર્તા શિબિરમાંથી, ટાસ્ક આપવા, ટાસ્ક કરવા અને પ્રતીક્રિયા આપવામાંથી અને વ્હોટ્સએપ ગ્રુપમાંથી બ્રેક લઈએ. ફરીથી બે મહીને કે છ મહીને, જ્યારે પણ આપણે ફરીથી તૈયાર હોઈએ ત્યારે, પહેલાનો બેગેજ લીધા વગર નવેસરથી નવી સીઝનની શરૂઆત કરીએ. નવી શિબિરમાં, આ વખતે શરુ કરી ત્યારે સાવ અંધારામાં તીર મારવાનું હતું એવું નહિ હોય. આ વખતે શું કરવું અને ખાસ તો શું ન કરવું તે વિષેની સ્પષ્ટતા લઈને શરુ કરી શકાશે. કેટલાક નિયમો અને બંધારણ પણ હશે જેમાં સૌથી અગત્યનો એ કે ટાસ્ક કરવા ફરજીયાત. જે વ્યક્તિ લગાતાર બે થી વધારે ટાસ્ક નહી કરે તેને શિબિરમાં આવવા નહિ મળે અને ગ્રુપમાં પણ રહી નહી શકાય. વિરામ લેવાનો નિર્ણય અઘરો તો લાગે પરંતુ એ સિવાય કોઈ વિકલ્પ ન હોઈ સહુ શિબિરાર્થીઓએ આ બાબતે સંમતી દર્શાવી. તત્પુરતી આ બેઠક છેલ્લી છે એ વાતનો ભાર સહુના મન પર એટલો હતો કે ઉદ્યાનનો પવન પણ પડી ગયો. ભાર થોડો હળવો કરવા અમે ચાય - સમોસા બ્રેક લીધો.

પાત્રની ઓળખપરેડ





બ્રેક કે બાદ શિબિરના જે એજન્ડા નક્કી કરવામાં આવ્યા હતા એની ચર્ચાની શરૂઆત થઇ. પહેલો મુદ્દો હતો પાત્રોની ઓળખ પરેડ. આમ તો ‘ઓળખ પરેડ’ એ સાક્ષી કે ફરીયાદી શંકાસ્પદ ઇસમોમાંથી ગુનેગારની ઓળખ કરે એ માટે પોલીસ દ્વારા વપરાતો શબ્દ છે. આપણે લેખક તરીકે આપણા પાત્રોને બરોબર ઓળખવાનાં છે. સુત્રધાર કહે છે, સ્ટોરી ઈઝ નેવર પ્લોટ ઓરિએન્ટલ, ઈટ ઈઝ ઓલ્વેઝ કેરેક્ટર ઓરિએન્ટેડ - અર્થાત, વાર્તા કદી ઘટના વિષે નથી હોતી, તે હમેશા પાત્રો વિષે હોય છે. અહી તકલીફ એ છે કે, તમારા પાત્રો ક્યારેય સૈનિકની જેમ શિસ્તબદ્ધ નહિ વર્તે. તેઓ એમના પોતાના ટ્રેક પર જ ચાલશે. લેખક તરીકે આપણે એ માટે તૈયાર રહેવું પડે. એ સજ્જતા કેળવવા માટે જ ઓળખ પરેડ જરૂરી બની જાય છે. કહેવામાં સહેલું, કરવામાં અઘરું. કેવી રીતે ઓળખ પરેડ કરવી? એ માટે કોઈ ચોક્કસ ફોર્મ્યુલા નથી. એક ટ્રીક અજમાવી શકાય, મુખ્ય ઘટનાથી તદ્દન ઉંધી કલ્પના કરો. દાખલા તરીકે તમારા પાત્રોના લગન થવાના છે તો કલ્પના કરો કે એમના હમણાં જ ડિવોર્સ થયા છે. એ પરિસ્થિતિમાં એ લોકો કેવી રીતે વર્તે છે, શું વાત કરે છે એ પરથી પાત્ર સમજાશે. બીજું ઉદાહરણ, આજથી વાર્તા શરુ થાય છે તો ગઈકાલે રાત્રે તમારા પાત્રે જમવામાં શું ખાધેલું? એનાથી શું અસર થઇ? શું એ ભૂલમાં ખાધેલું કે બળવો કરવા ખાધેલું વગેરે સ્થિતિ કલ્પી જુઓ. એના પરથી એ આજે કેવું વર્તન કરશે એ સમજાશે. ઉદાહરણ ત્રણ, તમારા પાત્રને ઓફિસમાં ચક્કર આવ્યા. એ હોશમાં રાતે બે વાગે આવ્યો. રાતે ઘરે જતાં એને પોલીસે રસ્તામાં રોક્યો. પોલીસ સાથે તે કેમ પનારો પાડે છે એ જુઓ. પોલીસનું કેરેક્ટર (=પાત્ર નહિ કે ચરિત્ર) તો નક્કી જેવું જ છે એટલે એમાં ખાસ વિચારવાની જરૂર નહિ. તેના પોલીસ સાથેની વર્તણુક પરથી એ પાત્ર એના બાપ સાથે કેવી રીતે વાત કરશે એ લખી શકાશે. ઉદાહરણ ચાર, પાત્રની પત્નીએ જમવામાં અમુક વસ્તુ નથી બનાવી. તેના પત્ની સાથેના વર્તન પરથી એ હોટેલમાં વેઈટર જ્યારે કોઈ વસ્તુ નહિ આપે ત્યારે કેવું વર્તન કરશે એ લખી શકાશે. અને વાઈસે વર્સા. આ બધી કાલ્પનિક વાતો વાર્તામાં લેવાની જરૂર નથી. માત્ર નીજી હોમવર્ક માટે આ સઘળી કવાયત કરવી રહી. ખાસ તો શરૂઆતમાં એ જરૂરી. પછીથી એ આપોઆપ આવશે.

ઓળખ પરેડ ઈમાનદારીથી કરવાનું હજુ એક કારણ એ કે પાત્રો જીવંત બોમ્બ જેવા હોય છે. એ ક્યારે ફાટશે એ ખબર હોવી જોઈએ. જો એ સાત મીનીટમાં ફૂટવાનો છે તો એ હિસાબથી તમે મુકીને ભાગવાનો પ્લાન બનાવશો. અન્યથા તમે સ્યુસાઈડ બોમ્બર બની જશો. સુત્રધારે વાહન ચલાવતા શીખવાની પુસ્તિકામાં એક વાક્ય વાંચ્યું હતું કે, પાર્ક કરેલી ગાડીઓનું વિશેષ ધ્યાન રાખવું. એ ક્યારે ચાલુ થઈને આવશે ખબર નથી. એવી જ રીતે વાર્તામાં પણ પાર્ક થયેલા પાત્રથી ખાસ ચેતવું. દાખલા તરીકે, તમારું મુખ્ય પાત્ર ચોરી કરવા જાય છે. એ સમયે બીલ્ડીંગનો વોચમેન સુતો છે. હવે એ અચાનક ઉઠી ગયો (આવું થવું બિલકુલ શક્ય છે). એ તમારા હાથમાં નથી. હવે આ પરિસ્થિતિ સાથે ડીલ કરવું રહ્યું. નિલેશ રૂપાપરાનું કહેવું છે કે એની હાલ તાજી લખાયેલી નવલકથા છલનાયકમાં એક 'દલિત' શબ્દ ઉમેરાવાથી વિલન એન્ટી-હીરો બની ગયો. એ એક શબ્દ એની સાથે છ પ્રકરણ લઈને આવ્યો.

સમીરા: કોઈ પાત્ર વિચારમાં જ રહેતું હોય એની વાર્તા કઈ રીતે લખવી?
રાજુ: આ આઇસોલેટ થયેલો પ્રશ્ન લાગે છે. વાર્તા લખતી વખતે આ પ્રશ્ન નહિ આવે. ચંદ્રકાંત બક્ષીની 'તમે આવશો' આ પ્રકારની જ વાર્તા છે. એ વાંચો. ઈવા ડેવ (પ્રફુલ્લ દવેનું ઉપનામ)ની પણ આવી એક વાર્તા છે —ચોંટી.

વાર્તાના પ્રીમાઈસ (વિષય) શું હોઈ શકે?

હિન્દી ફિલ્મોના વિલન્સ પહેલાના સમયમાં જમીનદાર / લાલા હતા ત્યારથી લઈને અત્યારે એલિયન વિલન રૂપે આવવા લાગ્યા છે ત્યાં સુધી બદલાતા રહ્યા છે. આપણે મોટેભાગે ગુજરાતીમાં જે વાર્તાઓ લખી રહ્યાં તેના વિષયો પરંપરાગત જ રહ્યા છે. એ વિષયો સમૂળગા બદલવા શક્ય ન હોય તો ભલે ઘરની વાર્તા લખો પણ એનો એન્ગલ તો બદલો. મૂળ વાત કે અંદાઝ-એ-બયાં બેમાંથી એકમાં તો નવીનતા હોવી જ જોઈએ. અત્યાર સુધી ન થયું હોય એવું કશુંક લઇ આવવાનો પ્રયાસ રહેવો જોઈએ.

બીજું, અમુક વાર્તાઓ બહુ ઘટનાત્મક સ્તર પર જ ચાલતી હોય છે. ડીટેક્ટીવ વાર્તાના પ્લોટની જેમ આમ થયું, પછી આમ થયું, એટલે આમ થયું. ઘટનાને ઈમોશનલ / સાઇકોલોજીકલ સમજણ માટે વાપરો. દાખલા તરીકે, અર્ધસત્યમાં (ઇસી બહાને, ઓમ પૂરીને યાદ કરી લઈએ) સ્મિતા પાટીલનું પાત્ર ઓમ પુરીના પાત્રને મળવા જાય છે. તેના પાડોશમાં એક ડેડબોડી ની ઠાઠડી મુકાઈ છે હવે પાડોશીનું કે જે માણસ મરી ગયો એનું ફિલ્મમાં કોઈ મહત્વ નથી. એનો કોઈ ઉલ્લેખ પણ નથી આવતો કે ન તો અન્ય કોઈ જગ્યાએ પણ એ ઘટનાનું મહત્વ છે. પણ આ પ્રતિક નાયક અને નાયિકા વચ્ચેનો સંબંધ મરી રહ્યો છે એનું દ્યોતક છે.
દાખલા તરીકે તમે માઉન્ટ આબુ ફરવા જઈ રહ્યા છો. તે મંઝીલ પર પહોચવું જો તમારી માટે મહત્વનું હશે તો પ્રવાસનો આનંદ નહિ આવે. વાર્તામાં ઘટના સાધન છે સાધ્ય નહિ. જો ઘટનાને સાધ્ય બનાવશો તો તમે બહુ સસ્તામાં વેચાઈ રહ્યા છો. જે માલ બનશે એ બહુ ટૂંકા પન્નાનો બનશે.

વાર્તા પઠન અને ચર્ચા સત્ર વિથ મધુ રાય




આ પછીનો મુદ્દો હતો લાઈવ ટાસ્ક પરંતુ એ માટેનો સમય નહોતો કેમ કે આજના મોંઘેરા મહેમાન મધુ રાયના સત્રનો સમય થઇ ચુક્યો હતો. હું એમને લઈને આવ્યો અને હાય - હેલ્લો, ભેટવું, હલ્લા ગુલ્લા બધું થઇ ગયા પછી અમે એમની વાર્તાઓના પઠનની ઈચ્છા પ્રગટ કરી જ્યારે એમને ‘વારતા રે વારતા’ના સભ્યોની વાર્તા સાંભળવામાં રસ હતો. એટલે ના તેરી ના મેરીની સમજુતીએ બંનેની એક એક વાર્તા વાંચવી એમ નક્કી કરાયું. મધુ ભાઇની 'ઉસને ઐસા ક્યોં કહા'નું પઠન કરવાનું નક્કી થયું. આ વાર્તા બે દિવસ અગાઉ સાહિત્ય સંસદમાં પણ વંચાઈ ચુકી હતી અને તેને રાજુએ અદભુત ગુણ્યા સો કહ્યું હતું. વાર્તાનું પઠન પરાગે ભાવવાહી અવાજમાં કર્યું અને સાથે બધાએ વાર્તાની કોપી પણ હાથમાં રાખી જેથી કઈ ચુકી ન જવાય. વાર્તામાં શું છે એ હું નહિ લખું. એ જાણવા માટે તમારે પોતે જ વાર્તા વાંચવી રહી. મધુ ભાઈના મતે આ એમની આઉટ ઓફ ધ બોક્સ વાર્તા નથી. એમનો પ્રયાસ હમેશા કંઇક નોખું કરવાનો રહ્યો છે અને આ વાર્તા એક ટૂંકી વાર્તાના ચોકઠામાં બરોબર બંધ બેસે છે. જો કે રાજુના મતે, એક ટૂંકી વાર્તામાં હોવા જોઈએ એ બધા જ ગુણ આમાં જોવા મળે છે અને એટલે જ એ આટલી સારી છે. વાર્તા વિષે ખાસ્સી અડધી કલાક સુધી ચર્ચા ચાલી અને એમાં થોડી વાર અગાઉ શિબિરની બેઠકમાં ચર્ચાઈ ગયેલા બધા જ મુદ્દાઓનું અનુસંધાન જોવા મળ્યું. જો કે આ અનાયાસ જ બન્યું. મધુ રાયની (કે અન્ય કોઈ સર્જકની) સારી વાર્તામાં પણ એ જ મુદ્દાઓ મળી આવવાના. ચર્ચાને અંતે વાર્તાના એક પાત્ર 'સુરુ'ના પોઈન્ટ ઓફ વ્યુથી આ જ વાર્તા ફરી લખવાની ચેલેન્જ યામિની અને તુમુલે ઉપાડી છે અને સત્તાવાર રીતે આ આગામી ટાસ્ક પણ નક્કી થઇ છે.


ચર્ચા દરમિયાન સમીરાએ મધુ રાયની નવલકથા 'કામિની' વિષે કોઈક પ્રશ્ન કર્યો જેમાં 'હાર્મોનીકા'નો ઉલ્લેખ કર્યો. મધુ ભાઈએ હાર્મોનીકા પર પ્રકાશ ફેંકતા જણાવ્યું કે એ એક અલગ કથનપ્રકાર છે જે ગદ્ય અને પદ્ય બંનેના મિશ્રણ જેવો કહી શકાય. આ પ્રકાર તેમણે જ વિકસાવ્યો અને તે પ્રકારમાં લખાયેલી રચનાઓનો એક અલાયદો સંગ્રહ પણ બહાર પડ્યો છે.



ત્યારબાદ સમીરાએ તેની અપ્રકાશિત વાર્તા 'એ હું નથી'નું પઠન કર્યું. આ વાર્તા માત્ર સાંભળીને સમજવામાં મોટાભાગના લોકોને તકલીફ થઇ. મધુ ભાઈ એક ઉત્તમ લેખક જ નહિ પણ વિચક્ષણ શ્રોતા પણ છે. તેમને એક જ વારમાં પુરેપુરી સમજાઈ અને તેનું સરસ વિશ્લેષણ કરી આપ્યું. જેના પર કામ કરીને સમીરા વાર્તાને મઠારશે.
અંતે મમતાનો માઈક્રોફિક્શન અંક આવવાનો હોઈ એ વિષે અછડતી ચર્ચા થઇ (હવે કદાચ વાર્તાને લગતી એકેય પ્રવૃત્તિ માઈક્રોફિક્શનની ચર્ચા વગર સમાપ્ત નથી થવા પામતી). રાજુએ તેમની બે માઈક્રોફિક્શન સંભળાવી જેમાંથી એક મધુ રાયને ગમી અને બીજી જરાય ન ગમી. પછી આપણા શિરસ્તા મુજબ સેલ્ફી લીધી. પરાગ પોતાને ઘરે જવા નીકળ્યા અને અમે સહુએ મધુ ભાઈના ઘરે અડ્ડો જમાવ્યો.


પરદેશી પાંદડું બની ગયેલા મધુભાઈના મુંબઈના ફ્લેટમાં ચુલાના સ્થાને માઈક્રોવેવ છે જેમાં તેઓ આરામથી ખીચડી રાંધી લે છે.. અમે એમાં ચા રાંધી અને ચા પીતાં પીતાં જેટલાં અનૌપચારિક ગપ્પા મારી શકાય તે માર્યા...







##########

સુત્રધારની નોંધ :

ફિર કબ મિલોગે ...?

૨૦૧૪નો ડીસેમ્બર મહિનો, ઝરુખો વાળા મિત્ર સંજય-પ્રતિભાના વારતા સ્પર્ધાના નિર્ણાયક બનાવના પ્રસ્તાવને ના પાડવાના અનેક કારણ હતાં પણ ન પાડી શક્યો. જ્યારે જાણ્યું કે ૨૫ જેટલી વારતાઓ આવી છે ત્યારે ૨૫ વારતાકાર અહીં આપણી આસપાસ વસે છે એમને મળવાનો મોકો કેમ ચૂકાય ..? અને કામના અત્યંત દબાણ વચ્ચે પણ એ પ્રસ્તાવ સ્વીકાર્યો.

આ ‘વારતા રે વારતા’ની શિબિર પ્રવૃત્તિને આ પ્રસ્તાવ જોડે ગર્ભ-નાળ જેવો સંબંધ છે.. માટે ફરી આ વાત. એ વારતા સ્પર્ધાના નિર્ણયની જાહેરાત પ્રસંગે મેં ૧૦ મીનીટના આપેલા વક્તવ્યને કારણે [ કદાચ ] ઉપસ્થિત સ્પર્ધકોમાંથી રાજુલ, સમીરા, કુસુમ અને બીનીને લાગ્યું કે “આ માણસ પાસે વારતા લેખન અંગે માર્ગદર્શન મળી શકે .. ” અને આ પ્રવૃત્તિના બીજ રોપાયા ફેબ્રુઆરી ૧૬માં રાજુલના ઘરે યોજાયેલી પ્રથમ બેઠક થી ...

આજે આ બેઠક શ્રેણીના ૧૭ મણકા થઇ ચુક્યા છે.

એક અલ્પવિરામનો સમય આવ્યો એમ લાગે છે.

વિહંગાવલોકન અને મનનની વેળા છે આ

હમને ક્યા ખોયા હમને ક્યા પાયા..? આ અંગે કઠોર ટીપ્પણીઓનું સદૈવ સ્વાગત છે.

વ્યક્તિગત રીતે મને આ પ્રવૃત્તિની ઉપલબ્ધિઓ રીતસરની ‘દેખાઈ’ રહી છે. પણ વરને વરની મા વખાણે એ વખાણનું મુલ્ય કેટલું..!?

વ્યક્તિગત રીતે મને આ પ્રવૃત્તિની કચાશ અને ક્ષતિઓ પણ દેખાઈ રહી છે – એ સમજવા અને એનો ઉપાય ખોજવા વિરામ જરૂરી છે.

બીજું શિબિર પ્રવૃત્તિના સાતત્યને કારણે મારા વારતા કળાના અભ્યાસ પર પણ અસર પડી છે. ભગિનીભાષાની વારતાઓ અને વિશ્વ સાહિત્યની વારતાના બદલાતાં પ્રવાહ અંગે હું હોવો જોઈએ એટલો માહિતગાર નથી રહી શક્યો. એ માટે પણ વિરામ જરૂરી છે.

ત્રીજું, આ પ્રવૃત્તિ માત્ર વિચાર વિસ્તાર ન રહેતાં કશુક નક્કર રૂપ લે એ અપેક્ષિત છે. ‘મમતા’ એ આપણા સભ્યોને મંચ આપ્યું જ છે અને આપશે પણ એ પુરતું નથી. અન્ય વિકલ્પ શું હોઈ શકે અને એ વિષે શું કરવું રહ્યું તે સમજવા / ખોજવા પણ અવકાશ આવશ્યક છે.

ચોથું, આ પ્રવૃત્તિમાં આપણે કેટલા ક્રિયાશીલ રહ્યાં, કેટલા રહી શક્યા હોત અને કેટલા રહેવું રહ્યું એ સમજવા / વિચારવા જૂથના સક્રિય સભ્યોને પણ તક મળે એ ઉચિત છે.

આમ વિચારતા હાલ શિબિર પ્રવૃત્તિમાં એક વિરામ લઈએ એમ છેલ્લી બેઠકમાં નક્કી થયું હતું જેની હાલ આ અહેવાલ સાથે જાહેરાત કરીએ છીએ.

આ જાહેરાતને પગલે જૂથનું વ્હોટસ અપ ગ્રુપ બરખાસ્ત થશે. ફેસબુક ગ્રુપ યથાવત રહેશે. વિરામ બાદ પુન: નવું વ્હોટસ અપ ગ્રુપ રચાશે અને તે ગ્રુપમાં માત્ર સક્રિય રસિક મિત્રો જોડાશે.

આભાર .. મિલતે હૈ બ્રેક કે બાદ.

ફિર કબ મિલોગે...? – જબ તુમ કહોગે... !!

- રાજુ

########

2 comments :

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. VRV now taking action its good..
    *Stricly follow rules* aa bahu j gamyu.sakriya member j group ma in .
    Nice .v.nice..


    Task compalsary right decision?

    ReplyDelete