Tuesday 1 August 2017

વાર્તા શિબિર [અધ્યાય ૨] - શિબિર ૧ (જુલાઈ ૨૦૧૭), દહીસર પૂર્વ

૩૦ જુલાઈ ૨૦૧૭ [અધ્યાય ૨], દહીસર. વારતા રે વારતા શિબિર પ્રથમ

મોજૂદ સભ્યો: રાજુ પટેલ (સુત્રધાર), કિશોર પટેલ, રાજુના મિત્ર અને હિન્દી પત્રકાર લોકમિત્ર ગૌતમ, રાજુલ ભાનુશાળી, સમીરા પત્રાવાલા, કુસુમ પટેલ, યામિની પટેલ, સંજય ગુંદલાવકર, પ્રફુલ શાહ, પરાગ ગ્યાની, નીરજ કંસારા, જયશ્રી રાજદેવ, તુમુલ બુચ.


લગભગ એક વર્ષના વેકેશન બાદ 'વારતા રે વારતા'ની સીઝન 2 ફરી શરુ થઈ રહી હતી તેનો ઉત્સાહ શિબિરના દસેક દિવસ અગાઉથી ટાસ્ક પર મળી રહેલા પ્રતિભાવોમાં જ કળાઈ શકતો હતો. શિબિર દહીસરમાં પૂર્વ-પશ્ચિમને જોડતા ફ્લાયઓવર નીચે બનાવેલી સરકારી મીટીંગ રૂમ / કેરમ રૂમ જેવી જગ્યામાં હતી. નેશનલ પાર્કમાં યોજવાના મૂળ પ્રયોજનને વરસાદ ખાતર બાજુએ મુકીને છેલ્લી ઘડીએ આ સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું. સ્થળનું બુકિંગ કિશોરભાઈના દીકરી-જમાઈએ તેમના સંપર્ક દ્વારા કરાવ્યું હતું.

શિબિરની શરૂઆત થઇ નીરજની વાર્તા 'પ્રતિબિંબ'ના પઠનથી. રસ્તાને અડીને આ જગ્યા હોવાથી ટ્રાફિકનો ઘોંઘાટ હતો છતાં નીરજના બુલંદ અવાજમાં એની વાર્તા બધા સુધી આસાનીથી પહોચી. વાર્તા એક એવા બાળકની છે જેના માતા પિતા બંને ઓફિસમાં કામ કરે છે અને તે ઘરમાં એકલતા અનુભવતો હોય છે. એક દિવસ તે પોતાના પ્રતિબિંબ સાથે દોસ્તી કરી લે છે અને તેની સાથે રમવા લાગે છે. અને પછી ...

વાર્તા સહુને બહુ ગમી. એમાં પણ તેની છેલ્લી લાઈન, બહુ જોરદાર પંચ ધરાવે છે. વાર્તા વિષે સહુએ ચર્ચા કરી જેમાં બે અલગ મત આવ્યા. એક એમ કે બાળકની માતાને જે અવાજ સંભળાય છે એ તેને પોતાના દીકરાની પીડા અનુભવાય છે. અને બીજો એમ કે તે અવાજ તેની પોતાની એકલતાની - જે તેના જેવા બીજા અનેક નાગરિકની (ગ્રામિકની નહિ, નાગરિક – નગરવાસીની) પણ એકલતા છે - વ્યથની છે. વાર્તા વિષે રાજુની છણાવટ એમ હતી કે, આ સારી વાર્તા હોવા છતાં સેકંડ હાફ સિન્ડ્રોમથી પીડિત છે. ઘણી બોલીવુડ ફિલ્મો પણ એનાથી પીડાય છે. આ વાર્તાનો જે અંત છે તે એક શોર્ટકટ છે. તમારી પાસે પાત્ર છે, તમે એને ઓળખી ચુક્યા છો. પણ પછી વાર્તાનો અંત કેમ લાવવો એની પર ધ્યાન આપવા જતાં પાત્રનો અવાજ કર્ણગોચર થતો જ નથી. નીરજની વાર્તામાં બાળકની સમસ્યાનું નિરાકરણ લાવવાની બદલે તેની માની સમસ્યાને સામે ધરીને વાર્તાનો સ્માર્ટ અંત આણ્યો છે. આ પ્રકારના એસ્કેપીઝમથી લેખકે બચવું રહ્યું. પોતાની સાથે તેમજ પાત્ર સાથે અત્યંત પ્રામાણિક રહેવું એ લેખકની સૌથી મોટી ફરજ છે. વાર્તાને પોતાના થકી જગતમાં અવતરવા દેવી એ સાંઢને નાથવા જેવું અઘરું છે. તમારા પાત્રનો અવાજ સાંભળો અને એ કહે તે તરફ વાર્તાને જવા દો. વાર્તામાં બને ત્યાં સુધી આપણે પોતે ક્યાંય ન આવવું. પાત્ર જો ક્યાંક અટકે ત્યાં ઠીક છે પણ એને પહેલા બોલવા તો દો. અંત લાવવાની લાલચથી બચવું. અગાઉ પણ જે ઉદાહરણ દ્વારા ચર્ચા થઇ ચુકી છે તેમ, મહાભારત વ્યાસ બોલ્યા હતા અને ગણપતિ તેમનો લહિયો હતા, તેમ વાર્તા વ્યાસ છે અને આપણે ગણપતિ થવાનું છે.

નવા અધ્યાયનો અભ્યાસક્રમ અને માળખું:

અત્યાર સુધીમાં રાજુલ અને કુસુમ સિવાયના સહુ સભ્યો આવી ચુક્યા હતા. નવા અધ્યાયનું સ્વરૂપ થોડું અલગ રાખવું એ માટે રાજુએ ઘણાં વખતથી તૈયારી કરી રાખી હતી.


નવું માળખું કંઇક આ મુજબ રહેશે: કુલ પંદર ટોપિક છે જેમાં વાર્તાકળાને લગતા બધા જ મુદ્દાઓ આવી જાય છે. આ પંદર વિષયોને બાર ભાગમાં વહેંચીને એક વર્ષમાં આખો અભ્યાસક્રમ પૂરો કરવો. દર શિબિર પાંચથી છ કલાકની હોય જેમાં બેથી ત્રણ કલાકમાં તે વખતનો વિષય આવરી લેવાય અને બાકીના સમયમાં શિબિરના નિયમિત વિભાગો - જેમ કે સરપ્રાઈઝ ટાસ્ક, અતિથી સ્પીકર સાથે ગોષ્ઠી, પ્રશ્નોત્તરી વગેરે -- પર કામ ચાલે. ઉપરાંત, દર વખતે સભ્યોમાંથી જ એક વ્યક્તિ છેલ્લા એકાદ કલાકમાં, તેમને જે વિષય સાથે ઘરોબો હોય તેના પર વાત કરે. એનાથી ફાયદો એ કે, નવા સભ્યો (અને જુના પણ) તેમની પાસેથી શીખી શકે. તેમજ સુત્રધાર પણ કંઇક નવું મેળવી શકે. આ માટે સમીરા, યામિની અને તુમુલે હાથ ઉઠાવ્યો છે અને આવનારી શિબિરોમાં તેઓ કોઈ એક વિષય પર ચર્ચા કરશે. ગેરમોજૂદ સભ્યો રાજુલ, કુસુમ, મીનાબેન વગેરેને કે અન્ય સર્વે સભ્યો કે જેમને કોઈ એક ચોક્કસ વિષયની ફાવટ હોય તેમને પણ આ માટે નિમંત્રણ છે. આ સિવાય અતિ અગત્યની વાત કે શિબિરનું આ માળખું ત્યારે જ કામ કરશે જ્યારે નિયમિત રીતે ટાસ્ક લખવામાં આવશે. ટાસ્કના ઉત્તરો કાર્ડિયોગ્રામ જેવા છે. તમારું લખાણ કેટલે પહોચ્યું એ ટાસ્કના ઉત્તર પરથી જ ખબર પડે અને એટલે જ તે * બોલ્ડ-ઈટાલીક્સ-અન્ડરલાઈન સાથે * અનિવાર્ય છે.

પહેલી શિબિરમાં અભ્યાસક્રમનો પહેલો વિષય લઈએ એ પહેલા કેટલીક વાતો:

 

આપણી અત્યાર સુધીની વાર્તાઓ લગભગ એક જ સાઈકલમાં ચાલ્યા કરે છે. નવા, તાજગીભર્યા વિષયો ક્યાં છે? એ જ ઘર-પરિવાર-સાસુસસરા-માતાપિતાની વાર્તાઓ આવ્યા કરે છે. જેમ નિર્જળા એકાદશીમાં પાણી કે પાણી ધરાવતા પદાર્થો (દૂધ-જ્યુસ વગેરે) ન લેવા એવું ત્રણ મહિના સુધી ફેમીલીની એકપણ વાર્તા ન લખવી, સહુ કોઈ એવું વ્રત લો. એ જ રીતે આપણે કંઈ રોજરોજ પ્રેમમાં નથી પડતા, તો પછી આટલી બધી પ્રેમકથાઓ પણ શા માટે? ફેમીલી ઉપરાંત પ્રેમની વાર્તાઓ પણ ન લખવાનું ત્રણ મહિનાનું વ્રત લો. બીજા કેટલા બધા વિષયો મોજુદ છે, જેમ કે -- આપણી ભાષામાં કોઈ એક શહેરની કે આપણા દેશની કે કોમની કે આર્થીક સમસ્યાઓની વાર્તા છે જ નહિ. નવા વાર્તાકાર તરીકે એવું થઇ શકે કે, વાર્તા શરુ કરતી વખતે ખબર ન પડે કે એ ક્યાં સુધી જવાની છે. દાખલા તરીકે, સમીરાની 'સિગ્નલ વગરની જિંદગી'માં એવું હોઈ શકે કે લખવાનું શરુ કરતી વખતે સમીરાને એના પરિવેશનો વ્યાપ વૈશ્વિક સ્તરે પહોચી જશે એ ન પણ ખબર હોય. પરંતુ લખાયા પછી તો વાર્તા ક્યાં પહોચી છે એ તો ખબર પડે અને ત્યારે તેમાં નિર્દયીપણે કાપકૂપ કરવાની કે આખી વાર્તા ફાડી નાખવાનું જીગર રાખવું પડે.

સમીરા: આપણા દેશના ઇકોનોમિક્સ કે પોલીટીક્સ વિષે લખવા જતાં, એ વાર્તા નિમ્ન માધ્યમ વર્ગના દુખની ગાથા બનીને રહી જવાની અને ચીલાચાલુ નીપજવાની કેટલી બધી શક્યતા...

રાજુ: હા, પણ આપણે એવું કરવાની કે થવા દેવાની કોઈ જરૂર નથી. અલબત્ત, આપણે લખશું એ બોરિંગ નહિ જ બનવા દઈએ એટલી સમજ / સજ્જતા તો ધરાવીએ જ છીએ.


અને જ્યારે અલગ કે નવું લખો એમ કહેવામાં આવે ત્યારે બીજા ગ્રહની જ વાત કરવી એવું કઈ જરૂરી નથી. માત્ર તમારી વાર્તાનું વિશ્વ (શાબ્દિક અર્થમાં નહિ) થોડું અલગ કરો એ એક રસ્તો છે જ. પણ એ એકમાત્ર રસ્તો નથી. ટી.વી. પર આવતી હિન્દીમાં ડબ કરેલી સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાંથી ઘણું શીખવા મળે તેમ છે. ફિલ્મો તરીકે એ સારી નથી પણ બોલીવુડ કરતા તો સારી તેમજ હોલીવુડ કરતા પોતીકી લાગે તેવી હોય છે. તેમનું ઓડીયન્સ ઘણે અંશે ગ્રામીણ છે અને એટલે ઘણી ફિલ્મો ગ્રામ્ય પરિવેશમાં કે નાના શહેરોમાં આકાર લેતી હોય છે. પરંતુ તેઓ ફિલ્મોમાં તત્કાલીન સમાજ કે રાજકારણ લેતાં ખચકાતા નથી. તેમના હીરો, સામાન્ય માણસ હોવા છતાં ચૂંટણી લડે છે. દાખલા તરીકે એક ફિલ્મમાં, એક અતિશય પ્રામાણિક અને નિષ્ઠાવાન સરકારી કર્મચારી છે જે અમુક પુલ બનાવવાનો પ્રોજેક્ટ પાસ નથી થવા દઈ રહ્યો. એનું નાક દબાવવા રાજકારણી વિલન તેની પત્નીનો અકસ્માત કરાવે છે જેથી તેનું તત્કાલીન ઓપરેશન કરાવવું પડે. વિલનનો શહેરની બધી હોસ્પિટલ પર કબજો છે, જેનો ઉપયોગ તે પેલા ઓફિસર પાસે સહી કરાવવા માટે કરે છે. હવે, એ ઓફિસરનો દીકરો ફિલ્મનો હીરો છે અને તેનાથી સહન નથી થતું કે તેની મા ની આવી હાલત કરીને કોઈ તેના બાપને તેમના આદર્શ પરથી ડગાવે. એટલે તે રાજકારણીની જ ગાડી લઈને પોતાના બાપનું જ અપહરણ કરે છે - જેથી એક તેનો બાપ સહી ન કરી શકે અને બે સીસી.ટીવી.માં ઝડપાયેલી રાજકારણીની ગાડીને લીધે તેના પર જ આરોપ આવે. આમ થવાથી ના છૂટકે પેલા રાજકારણીએ જાતે હોસ્પિટલ જઈ ને પોતે અટકાવેલું ઓપરેશન પૂરું કરાવવું પડે...


આમાં વાર્તા તરીકે એવું કઈ ઓહોહો નથી પરંતુ આ રીતની સિચ્યુએશન ગુજરાતી વાર્તામાં નથી આવતી. આપણા પ્રશ્નો વિષે આપણે વાત નથી કરતા. ચીલાચાલુ નિમ્ન માધ્યમ વર્ગની જિંદગી સાથેની રોજીંદી જંગનો આશરો લીધા સિવાય પણ સાંપ્રત વાત કરી શકાય છે. ગુજરાતી વાર્તામાં હીરો તેના વિસ્તારની સમસ્યાને લઈને મ્યુનીસીપલ કોર્પોરેટર સામે કેમ ઉભો ન રહી શકે? આપણી ભાષામાં અત્યારની વાત લખનારા લોકો ક્યાં છે? અને જો છે તેમને વાંચવા ક્યાં? તેની માટે કોઈ પ્લેટફોર્મ પણ નથી. એટલે જ આપણે ભગીની ભાષાઓ પાસે જવું રહ્યું. હિન્દી - મરાઠીમાં આજની તારીખે આજની વાત લખનારા લોકો છે. જ્યારે આપણી વાર્તાઓમાં સમય કે સ્થળ ક્યાંય દેખાતા જ નથી. માન્યું કે કાલાતીત હોવું એ સારા સાહિત્યનું એક લક્ષણ છે પરંતુ માત્ર સ્થળ-કાળના ઉલ્લેખનો છેદ ઉડાવીને એ સિદ્ધ થઇ જાય એવું નથી. દરઅસલ, વાર્તા વાંચીને તે ૨૦૧૭ના મુંબઈની વાર્તા છે એ જો ન ખબર પડે તો એ તેની મર્યાદા છે. ઉદાહરણ-પુનરાવર્તન-દોષ વહોરી લઈને પણ, દુષ્યંત કુમારને યાદ કરવા રહ્યા. "મૈ જિસે ઓઢતા બિછાતા હું વહી ગઝલ આપકો સુનાતા હું". અહી, એક પ્રતિદલીલ ઉઠે છે કે, આપણે જે જીવીએ છે એ લખવું અને અલગ પરિવેશ લાવવા એ બંને સાથે કેવી રીતે શક્ય બને? ઉપરાંત જે જોયું - અનુભવ્યું જ ન હોય એ વિષે કેવી રીતે લખી શકાય? સુત્રધાર એક હોલીવુડ ફિલ્મનો દ્રષ્ટાંત આપે છે કે, એક નવો અભિનેતા અને બીજો અનુભવી અભિનેતા એક સીન શૂટ કરી રહ્યા હતા જેમાં હાંફતા હાંફતા એન્ટ્રી લેવાની હતી. નવા કલાકારે અડધો માઈલ દુરથી ભાગીને સીનમાં એન્ટ્રી લીધી જેની પર જુના કલાકારે કહ્યું કે કેમ તેને એક્ટિંગ નથી ફાવતી? મેથડ એક્ટિંગ અને કેઝ્યુઅલ એક્ટિંગ બંને રીત છે જ અને બંને પોતપોતાનું સ્થાન ધરાવે છે. કાફ્કા કોઈ દિવસ ચીન ગયો ન હોવા છતાં 'ધ વોલ' નામની ચીની દીવાલ પર નવલકથા લખી ચુક્યો છે. એટલે મુદ્દો એ નથી કે પરિવેશની દ્રષ્ટીએ અજાણ્યા પ્રદેશમાં જવું કે જાણીતામાં રહેવું. મુદ્દો એ છે કે અત્યાર સુધી લખ્યું હોય એનાથી અલગ લખવાની સતત કોશિશ કરતા રહેવી. અને નવો પરિવેશ તેનો એક રસ્તો હોઈ શકે. કોશિશ કરતા કરતા જ કંઇક એવું મળી આવે કે જે અણખેડાયેલું હોય અને આપણે એ રાજ્ય પર કબજો જમાવી શકીએ. મુદ્દો એ છે કે કમ્ફર્ટ ઝોનથી બહાર આવવું. મુદ્દો એ છે કે પ્રેડીક્ટેબલ બનતા બચવું. ટાસ્કના ઉત્તરોમાં સમીરા, નેહા, પરાગ, તુમુલ વગેરેના નામની ચાડી તેમના લખાણ ખાઈ રહ્યા હતા, જે લેખક માટે ખતરનાક છે. જેમ ફેમીલી કે પ્રેમકથાના એક જ વર્તુળમાં વારંવાર ચક્કર માર્યા કરવાથી કોઈ ફાયદો નથી તે જ રીતે અલગ લખવા ખાતર ચિત્રવિચિત્ર પરિવેશમાં ડોકિયું કર્યા કરવું અને પાત્ર સાથે કનેક્ટ જ ન થવાય એવું બને, તે પણ એટલું જ ફિઝૂલ. અંગ્રેજી કહેવત, "ડાન્સ એસ ઇફ નો વન ઈઝ વોચીંગ યુ" (નાચવું એમ જાણે કોઈ તમને જોવાવાળું છે જ નહિ), વાર્તાલેખન માટે પણ લાગુ પડે છે. તમારા વાચકને શું ભાવશે કે પચશે એ વિચારીને લખવું (સાહિત્યિક-સામાજિક) સ્વાસ્થ્ય માટે નુકસાનકર્તા છે. એમ કરવા માટે ગુજરાતી છાપાં છે જ. તેમાં આવતી છૂટક કે કોલમની વાર્તાઓ કદીયે ન વાંચવી. કારણકે આપણે વાચક નહિ પણ લેખક છીએ. સમીરાની 'સિગ્નલ વગરની જિંદગી' મને ન સમજાઈ એમ કહીને એને પડતી મુકવી એવી સાહ્યબી આપણી પાસે નથી. હા, વાંચીને ન ગમી એ અલગ વાત. પણ તેનુંય કારણ હોવું ઘટે. સૂત્રધારનો વાર્તાલેખન-વાંચન વિશ્વમાં પ્રવેશ જ વાર્તા ન કેમ સમજાય એ ચેલેન્જ ઉકેલવા સાથે થયો હતો. મધુ રાયની 'ધારો કે..' વાર્તા જેમાં ત્રણ મિત્રોની વાત છે. એક જન્મ્યો જ નથી, બીજો ગર્ભમાં જ મૃત્યુ પામ્યો અને ત્રીજો જન્મીને પૃત્યુ પામ્યો - અહીંથી વાર્તા શરુ થાય છે અને પાંચ પાના સુધી ચાલે છે. ગુજરાતીમાં જ લખી હોય તો ન કેમ સમજાય, એ ચુનોતીને લઈને સુત્રધાર વાર્તાઓ વાંચતા રહ્યા અને સમજણ વધતી રહી.

અહી સમીરાની વાર્તા વિષે ચર્ચા કરવાનું કહી સુત્રધાર ચાય સમોસા બ્રેક જાહેર કરે છે. બ્રેક દરમિયાન સમીરા, થોડા મોડા આવેલા રાજુલ-કુસુમને અભ્યાસક્રમ બાબતે સમજાવે છે. સમોસા સૌજન્ય : પરાગ જ્ઞાની, અને થેપલા પુરવણી : યામિની પટેલ. ચા વાળો પરાગ ગ્યાનીના શબ્દોમાં આ શિબિરનો "સાઈડ એક્ટર" હતો (તેમનો સંપૂર્ણ મીની અહેવાલ અંતમાં મુક્યો છે).

ટોપિક એક : વાર્તા - મૂળ, થળ અને પાંદડાં

બ્રેક પછી અભ્યાસક્રમનો પહેલો વિષય શરુ કરવામાં આવ્યો: સત્તરમી સદી સુધી મોટાભાગનું સાહિત્ય અથવા ધર્મ આધારિત હતું અથવા નીતિ આધારિત હતું. ધર્મ આધારિત એટલે કે ધાર્મિક ગ્રંથો. એમાંથી લેખક તરીકે આપણે મહાભારત વાંચવું રહ્યું, અને એ જ અર્થમાં આ નસીહત આપવામાં આવી રહી છે કે જે અર્થમાં વિશ્વસાહિત્ય વાંચવાનું કહેવામાં આવતું હોય છે. કેમ કે એમાં આવતી ઉપકથાઓમાં આદર્શ કથા કે વાર્તાના બધા તત્વો મોજુદ છે. દાખલા તરીકે યક્ષપ્રશ્ન વાળી કથા. પ્રશ્નના જવાબ પર પાત્ર જીવશે કે નહિ એ નક્કી થાય એમાં ડ્રામા, ટ્રેજેડી, કોમેડી બધું જ છે. અને આજની તારીખે યક્ષપ્રશ્ન મહાવરાની જેમ વપરાય છે એટલી એ કથાઓની મહત્તા છે. એક સ્ત્રી સામાજિક સ્વીકૃતિ સાથે એક કરતા વધારે પુરુષો સાથે શારીરિક સંબંધ રાખી શકે એ તેના સમયથી કેટલી આગળની વાત છે કે હજુ આજેય આપણે ત્યાં નથી પહોચી શક્યા. ઉપરાંત ગે-લેસ્બિયન-ટ્રાન્સજેન્ડર વગેરેની વાતો અને તેમના સંબંધોની વાતો પણ તેમાં આવે છે. મહાભારત પછી ગ્રીક માઈથોલોજી પણ વાંચવી રહી. માનવ સંબંધના અને માનવ શરીરના મુદ્દાઓના અલગ જ વિસ્તારમાં તેમણે ખેડાણ કર્યું છે. ઈડિપસ અને ઇલેક્ટ્રા કોમ્પ્લેક્સ જેવી બાબતો તેમણે સમાવી છે. સત્તરમી સદી સુધી આપણે ત્યાં મૌખિક સાહિત્યની પરંપરા હતી. પ્રેમાનંદ જેવા માણભટ્ટ કૃષ્ણ-સુદામાની અને અન્ય ધાર્મિક / પૌરાણિક કથાઓ ગાતા-સંભળાવતા. પછી પ્રિન્ટીંગ પ્રેસનો આવિષ્કાર થયો અને એ સાથે બીજા પચાસ સાહીઠ વર્ષોમાં છાપેલા સાહિત્યનો વ્યાપ વધતો ચાલ્યો. જેને પ્રતાપે ઘણાં છાપાં-મેગેઝીનો આવ્યા અને પોતાની સાથે સારું અને ખરાબ બંને પરિબળો લઇ આવ્યાં. સારી બાબતમાં એક એ કે તેમને થોકબંધ માલ જોઈતો હતો અને સમાચારો છાપ્યા પછી પણ તેમને સામગ્રી જોઈતી હતી તે માટે ફિક્શનનો આશરો લીધો. માણભટ્ટ પ્રકારના કોઈને કહ્યું હશે કે અમને તમારી મહાભારતની વાર્તા આપો પણ આમારી મર્યાદા છે એટલે આટલા જ શબ્દોમાં અમને એ જોઇશે. અને અહી જ ટૂંકી વાર્તા પ્રકારનો જન્મ થયો. એ લખવાવાળામાં અમુક લેખક હતા અને અમુક નહોતા નહોતા પણ યોગ્ય વળતર અને ખ્યાતી હોય તો બીનલેખક પણ લખી નાખતા હોય છે. જેમ લખતા ગયા તેમ લોકોને એ ફોરમેટ સમજવા લાગ્યું. શરૂઆત અને અંત રોચક બનાવવું, મધ્યમાં બધો માલ ભરવો વગેરે. એવામાં એડગર એલન પો એ આધુનિક કવિતાનું મૂળભૂત માળખું કે વ્યાકરણ તૈયાર કર્યું અને તે એટલું સરસ હતું કે ટૂંકી વાર્તા માટે પણ બંધબેસતું આવ્યું. પછીથી તેમણે ટૂંકી વાર્તા માટે પણ આવું મૂળભૂત માળખું અને વ્યાકરણ તૈયાર કર્યું. તેના શિષ્યો એ અનુસરવા લાગ્યા અને સારું લખવા લાગ્યા એ દોર ઓ'હેન્રી સુધી ચાલ્યો. બ્રિટનથી શરુ થયેલ આ પ્રકાર અમેરિકા, રશિયા અને આખા વિશ્વના અનેક દેશોમાં પ્રચલિત થયો. એક ટ્રીવીયા - ચેખોવ ડોકટર હતો અને તે વધારાની આવક માટે વાર્તાઓ લખતો.



યામિની: તો શું એ જમાનામાં ઓ'હેન્રી - ચેખોવ વગેરે માત્ર પ્રોફેશનલી / પૈસાર્થે જ લખતા અને તેમને કળા સાથે કોઈ નિસ્બત નહોતી?

રાજુ: કળા અને અર્થનું સહજીવન કેમ ન હોઈ શકે? ઓ'હેન્રી - ચેખોવની વાર્તાઓ પ્રોફેશનલી જ લખાઈ હોવા છતાં એમાં કળાના તત્વો ખૂટે છે એમ કોઈ ન કહી શકે. પૈસા માટે લખાયેલી વાર્તામાં કલાત્મકતા ન હોય કે કળા ખાતર લખાયેલી વાર્તા દુર્બોધ જ હોય એવું જરૂરી નથી.

સંજય: જેમ એડગર એલન પો એ અંગ્રેજીમાં વાર્તાનું વ્યાકરણ ઘડ્યું તેમ ગુજરાતીમાં કે અન્ય ભારતીય ભાષાઓમાં કોણે કર્યું છે?

રાજુ: કોઈએ નથી કર્યું. અને કેમ એ એક પ્રશ્ન છે. જો ગુજરાતીમાં એવું કઈ શોધવું હોય તો બધા વિવેચનો વાંચી જવા અને એમાં જે-તે વાર્તા બહુ ખરાબ છે એના કારણોમાંથી સારી વાર્તામાં શું હોય અને શું ન હોય એ પકડાશે.

યામિની (અગાઉની વાતનું પુન:અનુસંધાન બાંધતા): આઇરની એ છે કે, છાપાંના જે માધ્યમથી ટૂંકી વાર્તા નિષ્પન્ન થઇ એ જ છાપાંમાં આજે આવતી વાર્તાઓ ...?

રાજુ: એનું કારણ છે. રાધર પેટર્ન છે. ટેલીવિઝનના શરૂઆતના દિવસોમાં એટલી સુંદર સીરીયલ આવતી પણ આજે કોઈને સાહિત્યિક સંદર્ભો માટે ટી.વી. જોવાની સલાહ નહિ જ આપવામાં આવે. છાપાની વાર્તાઓનું પણ એવું જ થયું છે. ઉપરાંત પહેલા છાપા એ એકમાત્ર મીડિયા હતું. આજે વાર્તાએ ટી.વી., ફિલ્મ, ઈન્ટરનેટ જેવા અનેક માધ્યમો સામે કોમ્પીટીશનમાં ઉભા રહેવાનું છે.

જયશ્રી: હું સિત્તેરના દાયકાના ઉત્તરાર્ધમાં જાહેર લાઈબ્રેરીમાં કામ કરતી ત્યારે દિવસમાં બસ્સો બસ્સો લોકો પુસ્તક બદલાવવા આવતા. અમને તેમને સંભાળવા અઘરા પડતા. અને આજે ...?

બીજો એક આપણી દરિદ્રતાનો મુદ્દો એ કે આપણે અન્ય ભાષાઓની અનુવાદિત વાર્તાઓ વાંચીએ છીએ પણ ગુજરાતીનો અન્ય ભાષામાં અનુવાદ કરે એવા એકેડેમિક ઝોક ધરાવતા લોકોની કમી છે આપણી પાસે.

આજની વાર્તાઓ અને વાચકો વિષેની નિરાશા ઉત્પન્ન કરનારી ચર્ચા બાદ પહેલો ટોપિક સમાપન તરફ વધે છે. સુત્રધાર કહે છે, ખેર આ છે ટૂંકી વાર્તાની લાંબી ઉત્ક્રાંતિના ટૂંકા ઈતિહાસનો કરુણ વર્તમાન. અને કોઈ ઉધ્ધારક આવીને આ પરિસ્થિતિ બદલવાનો નથી. આપણે જ્યારે સમજીએ છીએ તો આપણે એ બદલવા પણ પ્રયત્નો કરવા પડશે. અને એ માત્ર આ બાર-પંદર લોકો મળીને બાર શિબિર કરશે એનાથી નહિ થાય. બારમી શિબિર પછી શું? લેખક તરીકે તમારી દિશા કઈ? આજે એવો જમાનો આવ્યો છે કે આપણી શાદીમાં આપણે જ આપણો ઢોલ પીટવાનો છે, આપણી મહેંદી મુકવાની છે, આપણે જ નાચીને દુલ્હાને આંગણે પહોચી જવાનું છે. માત્ર મમતા પર નિર્ભર રહીને કઈ વળવાનું નથી. એ પણ રાજુ મોકલાવે ત્યારે મોકલશું એ નહિ પાલવે. આપણને ખબર છે કે નવનીત કે પરબ જલ્દીથી નવોદિતોની વાર્તા નથી સ્વીકારતા પણ આ ગ્રુપના છ સભ્યો છ મેગેઝીનમાં મોકલશે તો વરસને અંતે દરેકમાં અને દરેકની કમસે કામ એક તો છપાઈ જ ગઈ હશે. છ વાર્તાઓ લાખો કે બાર લખો અને છ કે બાર અલગ અલગ મેગેઝીનમાં મોકલાવતા રહો. હિન્દી અનુવાદ કરો અને હિન્દી મેગેઝીનમાં પણ મોકલો. જો તમારું નામ એકાધિક જગ્યાએ દેખાશે તો જ વાચકો અને સંસ્થાપકોની નજરમાં આવશો. સામેથી તમારી ડીમાંડ આવવી જોઈએ એવી પરિસ્થિતિ નિર્માણ કરવાની છે. મેગેઝીન ઉપરાંત આપણા બ્લોગ માટે પણ બધા એક એક વાર્તા લખો. આ જ સાચો રસ્તો છે એમ વાત નથી. પરંતુ અત્યારે આ રસ્તો દેખાય છે. અન્ય રસ્તાઓ પર વિચારણા ચાલુ છે.

સર્વે સભ્યોને કઈ રીતે પબ્લીશ થવું એ વિષેના આઈડિયા આવતી શિબિરમાં લઈને આવવા અનુરોધ છે.


અંતે કિશોરભાઈ એક અગત્યનો, વિચારણીય મુદ્દો મુકે છે. સાહિત્ય સંસદ સાન્તાક્રુઝમાં એક બેન પોતાનું પુસ્તક સહુ કોઈને બતાવતા હતા અને જેને પસંદ પડે તેને ભેટ આપી રહ્યા હતા. રાજુએ એ પુસ્તક માટે પૈસા ઓફર કર્યા જેનો પેલા બેને ઇનકાર કર્યો. પરંતુ રાજુએ જો એ પૈસા ન લે તો પુસ્તક નહિ લે એમ કરીને તેમને પૈસા આપ્યા જ. આ વાત કરવાનું કારણ એ કે, આપણે આપણું પુસ્તક ચેરીટીમાં ક્યારેય આપવું નહિ એ એક લેખક તરીકે ગાંઠ બાંધવાની વાત છે. તેને લીધે લોકોને માટે એનું મુલ્ય ઘટી જાય છે. ભવિષ્યમાં જો અને જ્યારે જેમનું પણ પુસ્તક થાય તેમણે આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. તમારા સાસુ-સસરા-દેરાણી-જેઠાણી-મિત્રો વગેરે જેને પણ પુસ્તક આપો તેમની પાસેથી પુસ્તકની કિંમત લઇ લેવી.



આ પછી કિશોર પટેલે તેમની વાર્તા 'સુમન રમત રમતી હતી?'નું રીવીઝન માટે પઠન કર્યું કેમ કે, કોઈ એક સભ્યએ એ વાર્તાને સુમનના એન્ગલથી લખી હતી. વાર્તાનું નામ 'રમત નહોતી રમવી પણ...' જેનું પઠન સ્ટેજ કલાકાર મીના પુરાણીએ કર્યું. આ દરમિયાન કિશોરભીની પુત્રી પીનાકી પણ આવી ગઈ હતી. વાર્તા સહુને ખુબ ગમી. જો મૂળ વાર્તા ન ખબર હોય તો પણ, પોતાના પગ પર સ્વતંત્રપણે ઉભી રહી શકે એવી આ વાર્તા. તેમાં લેખક મૂળ વાર્તાના દરેક મોડ પર સુમનના પગલે બખૂબી ચાલ્યા છે. ઉપરાંત પોતાની મૌલિક સર્જનાત્મકતાનો પણ સંયમપૂર્વક પરચો આપ્યો છે. સ્વાભાવિક છે પ્રથમ પુરુષની જગ્યાએ પ્રથમ સ્ત્રીમાં વાર્તા કહેવાઈ હોઈ તેનો ગ્રાફ અલગ છે. પરંતુ તે વાર્તાની ખામી નહિ પણ લેખકની સજ્જતા દાખવે છે. સહુ સભ્યોએ લેખક કોણ છે એ ગોતવાનું હતું. અમુક લોકો નેહા રાવલ પર દાવ લગાવી રહ્યા હતા જ્યારે અન્યો કિશોર પટેલ પોતે જ છે એમ ગણતરી માંડી રહ્યા હતા. અંતે સુત્રધારે પેપર બતાવતા ખભર પડી કે એ નેહા જ છે. કુસુમે નેહાને ફોન જોડ્યો અને સહુએ તેમને અભિનંદન આપ્યા ને છુટા પડ્યા.



દર વખતની જેમ આ વખતે પણ એક બીનગુજરાતી રસિક શિબિરમાં શરૂઆતથી છેલ્લે સુધી ઉપસ્થિત રહ્યા. હિન્દી ભાષાના પ્રિન્ટ મીડિયાના પત્રકાર લોકમિત્ર ગૌતમ "આવી શિબિરમાં થાય છે શું..?" ની ઉત્સુકતાથી આવ્યા હતાં અને ખુશ થઇ ગયા. શિબિર વીત્યે એમનો મત હતો કે “હાલ મોટાભાગનું કોમ્યુનીકેશન ડીજીટલ થઇ રહ્યું છે તે સ્થિતિમાં સાહિત્ય ને સર્કિટમાં રાખવાના કે રચવાના આવા [ શિબિર જેવા ] પ્રયાસોનું અદકેરું મુલ્ય છે".

[ તુમુલ બુચ ]

નોંધ: ટાસ્ક એકના ઉત્તરો વાંચવા હોય તેમની માટે આ રહી લીંક -- 

૧] સમય સાથે સમજૂતિ = પ્રફુલ્લ આર શાહ, જડ–ચેતન [ હરકિશન મહેતા ] ની તુલસી.
૨] હશે નામ એનું વિસ્મય = વ્રજેશ દવે, મીરાં યાજ્ઞિકની ડાયરી [ બિંદુ ભટ્ટ ] ની મીરાં.
૩] પ્રીતિ જરીવાલા = ઉત્તર પોસ્ટ ન થઇ શક્યા કારણકે એમણે ઉત્તર પીડીએફ ફોર્મમાં મોકલેલા જે ફેસબુક સ્વીકારતું નથી. અને પ્રીતિ શહેરમાં ન હોવાથી એમની પાસેથી સ્વીકૃત આવૃત્તિ મેળવી ન શકાઈ.
૪] એક અનામ સંબંધ = શ્રદ્ધા ભટ્ટ, ગુજરાતનો નાથ [ ક.મા મુનશી ] ના કાક.
૫] જીંદગી એટલે = ચેતન ગજ્જર -જનમટીપ [ ઈશ્વર પેટલીકર ] ની ચંદા.
૬] દરિયાખેડુ = સંજય ગુંદલાવકર, ભદ્રંભદ્ર, [ રમણ ભાઈ નીલકંઠ ] ના ભદ્રંભદ્ર.
૭] સ્વ ની શોધ = નેહા શાહ, માનવીની ભવાઈ [ પન્નાલાલ પટેલ ]ની રાજુ.
૮] સિગ્નલ વગરની જિંદગી = સમીરા પાત્રાવાલા, કલ્પતરુ [ મધુ રાય ]ના કિરણ કામદાર.
૯] ચલ કહીં દૂર નીકલ જાએ =પરાગ જ્ઞાની, પ્રિયજન [ વીનેશ અંતાણી ]ના દિવાકર.
૧૦] લટકેલો માણસ = નીરજ કંસારા,સમયદ્વીપ [ ભગવતી કુમાર શર્મા ]ના નીલકંઠ.
૧૧] ઓછાયા = મીના ત્રિવેદી, ફેરો [ રાધેશ્યામ શર્મા ] ના નાયક.
૧૨] ચંદન ટી કોર્નર = કિશોર પટેલ,વેળા વેળાની છાંયડી [ચુનીલાલ મડિયા]ના કિલા કાંગસીવાળા.
૧૩] વિચારવું એ મગજનો કર્મસિદ્ધ અધિકાર છે = રાજુલ ભાનુશાળી, બત્રીસ પુતળીની વેદના [ ઈલા અરબ મહેતા]ની પુતળી.
૧૪] સપનાં અને સંસ્કારો = તુમુલ બુચ, ફોકટલાલનો વરઘોડો [ આબિદ સુરતી ]ના ફોકટલાલ.
૧૫] ઉંગતા લેખકને પત્ર= નેહા રાવળ, અમે બધાં [ જ્યોતીન્દ્ર દવે – ધનસુખલાલ મહેતા ]ના “હું”.

પરાગ ગ્યાનીની નોંધ:

કાલની શિબિરનો સપોર્ટીંગ એકટર ચા-વાળો હતો. આટલી સરસ ચા અડધો પોણો ડઝન વાર પીવાથી બેકડગ્રાઉન્ડમાં મેટ્રોના ખોદકામ અને ટ્રાફિકના અવાજો સહ્ય થયાં.
કહેવાનું જે મારાથી રહી ગયું તે એટલું જ કે કાલનું રાજુનું કાળું શર્ટ મસ્ત-મજેનું હતું.
જ્યાં બેઠક થઇ ત્યાં બાળા સાહેબ ઠાકરેની છબિ સતત સૌને જોઇ રહી હતી, એમનું હૃદય તો કલાકારનું જ ને ? જોકે ખાસ તો રાજુએ સાઉથની પોલિટીકલ વિષયની ફિલ્મની વાત કરી ત્યારે એમના કાન સરવાં થઈ ગયા હતાં. . 😂😂
ગુરુ દરેક શિષ્યને એની ઔકાત મુજબ સલાહ આપે એ મુજબ રાજુએ સૌને વાર્તામાં ફેમિલી સિવાયના વિષયોનું ખેડાણ કરવા સૂચન કર્યું જ્યારે તુમુલને હવે ફેમિલી વિષય પર જ લખવા કહી હસતાં હસતાં પૂછ્યું, "કેમ ડિકરાં ! તું તારા ફેમિલીને નથી ચાહતો ? " 😂😂😂
નિરજે એની લખેલ પ્રતીબિંબ વાર્તાનું રસાળ અને ખાસ તો એના બૂલંદ અવાજે પઠન કર્યું. આ નીરજ કંસારા ચોક્કસ માઇક ગળી ગયો હશે- પણ આજના અવાજો વચ્ચે એ લેખે લાગ્યું.
આવનારી બાર શિબિરમાં વાર્તાને લગતાં બાર વિષય પર શાસ્ત્રીય અભ્યાસક્રમ રાજુએ સૂચવ્યો તે સૌએ સંમતિ આપી વધાવ્યો. વાર્તાનું મૂળ, પાંદડા અને થડથી લીલી શરૂઆત કરવામાં આવી. નેહા રાવલે શિબિરમાં ગેરહાજર રહી હાજર રહેવાનો ઈલમ બતાવ્યો. કિશોર પટેલની વાર્તા 'સુમન રમત રમતી હતી ?' નો એમણે સુમનના પરિપેક્ષ્યમાં વાર્તા શિબિરને લખી મોકલી જેનું મીના 'પુરાણી' (=પુરાણ વાચનાર)એ સરસ પઠન કર્યું. વાર્તા જાણે કિશોર પટેલે જ લખી હોય તેવો અંદેશો એની કાબેલ કલમનો પુરાવો બની ગઈ ! હવે બાકી ધોધમાર વરસાદ તુમુલ બુચ તરફથી.



5 comments :

  1. તુમુલ, સરસ અહેવાલ. જોબ ડન વેરી વેલ. કશું જ છૂટ્યું નથી! આભાર અને અભિનંદન!

    ReplyDelete
  2. Wah. Tumul jalso padi gayo. Jaane aakhe aakhu ghatti vakhate j utari lidhu hoy em. Sorry ahi mara gujarati font natak kare che. Khabar nahi kem.

    ReplyDelete
  3. વાહ...ખૂબ સરસ.અલગ વિષયનું ખેડાણ કરવું એ વાત ગમી ખરા પણ સાથે સાથે એ ય વિચાર આવ્યો કે અઘરું પણ ખરું. છતાં પ્રયત્ન કરી જ શકાય. અહેવાલ એકદમ સરસ. શબ્દદેહે આખી શિબિર માણી.

    ReplyDelete
  4. આહેવાલ હમેશની માફક સરસ.નવા સૂચનો ગમ્યા. આ અહેવાલ માટે પણ એક સુચન- આ સમગ્ર આહેવાલને શું આપણે એટલો ટૂંકો અને મુદ્દાની માહિતીથી ભરપુર ન કરી શકીએ કે જેઓ આ વાર્તા શિબિરના સભ્ય નથી, અને તેઓ પણ વાંચે તો એક વાર્તા રસિક તરીકે આમાં એકરૂપ થઇ શકે? વાર્તા વિષે, એની લેખનની મથામણમાંથી પસાર થતું કોઈ પણ, જે ધારોકે આ ગ્રુપ નું સભ્ય નથી, એમને ટૂંકમાં થોડી માહિતી પણ મળે અને નવું પણ જાણવા મળે? આ કહેવાનો મતલબ એ જરાય નથી કે અહેવાલ હજુ ટૂંકો કરવો. પણ ગ્રુપ સિવાયની કોઈ ત્રાહિત વ્યક્તિ કદાચ આ લંબાણ સાથે અનુસંધાન ન સાધી શકે, તો ટૂંકું વાંચન કદાચ એમને આકર્ષે.

    ReplyDelete
  5. ખૂબ સરસ તુમુલ..

    આભાર..આનંદ..

    જય હો..

    ReplyDelete