Wednesday 27 January 2016

વાર્તાશિબિર ૯ (મુંબઈ)

'વાર્તા રે વાર્તા' શિબિરની નવમી (મુંબઈ) બેઠકનો અહેવાલ. ૨૨મી જાન્યુઆરી, ૨૦૧૬. પાર્લા, યામિની પટેલનાં ઘરે.  

"એક તો અમાસ હતી અને  ઉપરથી ચન્દ્ર પણ કાળો ઉગ્યો!"..

કાયમ જોમથી થનગનતી, પોઝિટીવીટીથી છલોછલ, કૂ...લ વ્યક્તિ આવો 'ડાયલોગ' મારે ત્યારે સાલ્લું સખત લાગી આવે! (પરાગઃ અહિં સખત એટલે તમારાવાળો અમદાવાદી અર્થ નહિ હોં કે!)

હા.. તો હું શું કહી રહી હતી? .....સખત લાગી આવે. હું એકદમ અસ્વસ્થ થઈ ગઈ જ્યારે સુત્રધાર આ વાક્ય બોલ્યા.

સુત્રધાર રાજુએ બેઠકના બીજા દિવસે સાંજે ફોન કર્યો અને શિબિર કેવી રહી, તમારો અભિપ્રાય શું છે જેવા પ્રશ્નો પૂછ્યા. 'સારી રહી' એવા મારા જવાબના પ્રત્યુત્તરમાં એમણે  ઉપયુક્ત વાક્ય કહ્યું! તેઓ શિબિરથી ખાસ્સા નિરાશ થયા છે એવું એમની વાતો પરથી લાગ્યું. એમને લાગે છે કે મધુભાઈ જેવા દિગ્ગજ આપણે ત્યાં આવ્યા પણ આપણે એ મોકાનો પૂરેપૂરો લાભ લેવાનું ચૂકી ગયા છીએ!
તો, પ્રિય સુત્રધારજી.. એટલા પણ નિરાશ થવાની કોઈ જરૂર નથી. હા, એ વાત સાચી કે  જેવી આપણે ધારી હોય એવી અફલાતૂન શિબિર કદાચ ના રહી હોય, પણ એકંદરે સરસ રહી.. ખાસ કરીને ફર્સ્ટ હાફ.

૩ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ શરૂ થયેલી આ શિબિરોની શ્રુંખલાને હજુ હવે  આવતે મહિને એક વર્ષ માંડ પુરું થશે અને એની એક વર્ષની મોટ્ટી ઉપલબ્ધિ એ કે શ્રી મધુ રાય જેવા લેજન્ડરી સાહિત્યકારને આ પ્રવૃત્તિમાં રસ પડે. તેઓ શિબિરમાં આવવાનું આમંત્રણ સહર્ષ સ્વિકારે, પધારે અને એક આખો દિવસ આપણી સાથે પસાર કરે. ગ્રેટ!

શ્રી મધુ રાય
લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર 'વાર્તા રે વાર્તા' ફોરમની નવમી બેઠકમાં હાજર રહ્યા. સુત્રધાર શ્રી રાજુ પટેલ અને યજમાન શ્રી યામિની પટેલ મધુભાઈને એરપોર્ટ લેવા ગયા. યામિનીના ઘરે પહોંચ્યા પછી સૌ પ્રથમ ચા-નાસ્તાને ન્યાય આપવામાં આવ્યો. ત્યાં સુધી ફોરમના ઘણાંખરા સભ્યો પણ આવી ચૂક્યા હતાં. બધાં ગોઠવાયા. બેઠક નિયત સમય કરતાં લગભગ કલાક-સવા મોડી ચાલુ થઈ. એક તરફ આ બેઠકનાં વીડીયોકરણ માટે આવેલા સુત્રધારનાં મિત્ર શ્રી રાજીવ સહાયને કેમેરાની ગોઠવણીમાં કશીક  મુશ્કેલી થઈ રહી, અને એ વિડિયો કેમેરા ચાલુ કરવા મથી રહ્યાં હતાં તો બીજી તરફ ફોરમની કોર ટીમનાં સદસ્ય સમીરા પત્રાવાલા (જે બ્લ્યુ ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહ્યાં  હતાં) મધુભાઈનાં પરિચયવિધિની તૈયારી કરી રહ્યાં હતાં.. એમની ઓળખ કે પરિચય આપવો એ સૂરજને દિવો બતાવવા જેવો આયામ હતો તે છતાં બેઠકની વિધિવત શરૂઆતનાં એક ભાગ રૂપે આ ગુસ્તાખી કરવામાં આવી.

~~ સમીરાની નોંધ

મધુભાઈ એ ગુજરાતી વાર્તા પ્રસ્તુતિમાં એક અનોખાપણું દાખલ કર્યું. એ જેટલી આનંદની વાત છે એટલી કદાચ ખેદની વાત એ છે કે એવું કામ પછી આગળ થયું નથી.

મધુભાઈના વાર્તા સિવાયના લખાણ નાટ્યકારોને આકર્ષતા રહ્યા છે. જોકે 'કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો' મૂળે નાટક જ લખાયેલું. એ સિવાય એમની લઘુનવલ 'સભા' એમના લખાયેલા અને ભજવાયેલા  નાટક  કુમારની અગાશી પર આધારિત છે. એ જ પ્રમાણે ‘આપણે ક્લબમાં મળ્યાં હતાં’ નાટક પરથી  સાપબાજી નવલકથા. કદાચ 'કિમ્બલ રેવન્સવુડ' એક માત્ર એવી નવલકથા છે જે પ્રથમ નવલકથા તરીકે આકાર પામી અને પછી ગુજરાતી, અંગ્રેજી નાટક, પ્રસિદ્ધ ટીવી સીરીયલ 'મી. યોગી' અને હિન્દી ફિલ્મ 'વ્હોટ ઈઝ યોર રાશી'  બન્યાં.

પણ આ સિવાય મધુભાઈ ની મહત્વની ઓળખ એ છે કે એમને ગુજરાતી વારતા માટે એટલો સનેડો છે કે ગાંઠના ગોપીચંદન કરી છેલ્લા ચાર વર્ષ થી ‘મમતા’ નામનું વારતા માસિક છાપે છે છે જે નવોદિતોની જ વાર્તા ને મહત્વ આપે છે. એ સિવાય હાલ અમેરિકા સેટલ થયા છે પરંતુ જયારે પણ વરસમાં એક વાર ભારત આવે છે ત્યારે એ બે ત્રણ મહિનાના રોકાણમાં નવોદિત વાર્તાકારોને ઉત્તેજવા ઠેક ઠેકાણે વાર્તા શિબિરો યોજે છે. હાલ અમદાવાદમાં ત્રણ દિવસ ની વારતા શિબિર કરી, આજે અહીં શિબિર માટે જ આવ્યા છે અને પાછા જૂનાગઢમાં પણ શિબિર માટે જવાના છે.
માટે આખરે અમારા જેવા નવા નિશાળીયાઓ ને મળવા તેઓ આવ્યા એનો સહુ વતી ખુબ ખુબ આભાર માની હું અટકું છું.

~સમીરા પત્રાવાલા

~~


દેશની બહાર રહેતા એક અદભુત સર્જક જેમણે અમર નવલકથાઓ, નાટકો, વાર્તાઓ આપી છે. ચાર વર્ષ પહેલા એમણે નવોદિત વાર્તાકારોને એક મજબુત  પ્લેટફોર્મ મળી રહે એ માટે વાર્તા માસિક ચાલુ કર્યું જેનું નામ 'મમતા'. તે ઉપરાંત દર વર્ષે  જાન્યુઆરી મહિનામાં  એ દેશ આવે અને ગાંધીનગર, જુનાગઢમાં વાર્તા શિબિરો યોજે. નવોદિત લેખકોને એમનું અમુલ્ય માર્ગદર્શન આપે અને આટલી વ્યસ્તતા છતાં મુંબઈને કોક એક ખૂણે ચાલતી એક સામાન્ય શિબિરના સુત્રધારના આમંત્રણને માન આપીને છેક અહેમદાબાદથી મુંબઈ પધારે એ 'વાર્તા રે વાર્તા' પરિવાર માટે એટલે કે આપણા માટે અત્યંત ગૌરવની વાત છે. પરિવાર વતીથી સમીરાએ એમનો હ્રદયપૂર્વક આભાર માન્યો અને તાળીઓના ગડગડાટથી બાકીનાં સભ્યોએ મધુભાઈના આગમનને વધાવી લીધું.

ત્યાર બાદ હાજર દરેક શિબિરાર્થીએ પોતાનો પરિચય આપવો એવો પ્રસ્તાવ મધુભાઈ મુક્યો અને એ પણ તેઓ કહે એ પદ્ધતિથી. એ માટે એમણે  હેમંતકુમારના સ્વરમાં સંગીતબદ્ધ ફિલ્મ સટ્ટાબાઝારના લોકપ્રિય ગીત 'તુમ્હે યાદ હોગા કભી હમ મીલે થે..'ની ધ્રુવ પંક્તિ આપી.

સૌ સભ્યોએ પહેલા પોતાનું નામ જણાવવું અને સાથે 'તુમ્હે યાદ હોગા..' એ ધ્રુવ પંક્તિ પોતાની સ્ટાઈલમાં બોલવી કે ગાવી. સૌ  થોડાક મુંજવણમાં મુકાઈ ગયા. મધુભાઈએ સભ્યોની આંખોમાં આ વિષે ડોકાતો પ્રશ્ન કદાચ વાંચી લીધો એટલે એમણે પ્રોમિસ કર્યું કે આ વાતનો ખુલાસો  સમય આવે કરશે અને આ ઉપક્રમનું પ્રયોજન સમજાવશે. એ પ્રમાણે બધાએ પોતપોતાનો પરિચય આપ્યો. આનો ફાયદો એ થયો કે વાતાવરણ એકદમ હળવું થઈ ગયું. 

સાહિત્ય સંસદમાં જ્યારે મધુભાઈ આવેલા ત્યારે સુત્રધાર રાજુએ એમને અત્યાર સુધીની  બેઠકોના  અહેવાલની ફાઈલ આપી હતી. એમણે એ વિષે કશું કહેવા જેવું કે ઠપકારવા જેવું હોય તો તે જણાવવા વિનંતિ કરી. મધુભાઈએ કહ્યું કે તમારી બેઠકોના અહેવાલની ફાઈલ મેં જોઈ. તમારી પધ્ધતિ અને પ્રગતિ ફર્સ્ટક્લાસ છે. તમે સરસ રીતે આગળ જઈ રહ્યા છો એટલે એમાં કશું કહેવા જેવું નથી.

ત્યારબાદ એમણે વાત માંડી આપણી ગુજરાતી ભાષાની. એમણે કહ્યું કે લખાણમાં ગુજરાતી ભાષા એ પ્રાથમિક ઘટક છે અને એ પ્રત્યે આપણે બેફામ બેદરકાર છીએ. આપણે એ વિચાર કરવાની સખત જરૂર છે કે આવું કેમ થઈ રહ્યું છે? અને આ વાત બધાને જ લાગુ પડે છે, તમને/મને બધાને જ.
આ બાબતે ઠેર ઠેર નરી બેદરકારી અને લાપરવાહી જોવા મળે છે. હું કેટલીકવાર તો આ બાબત પર જાણીજોઈને કટાક્ષ પણ કરતો હોઉં છું.

ભાષામાં જોડણી એક અતિ મહત્વનું અંગ છે. જેને આજના સમયમાં લોકોએ વીંટો વાળીને ફેંકી દીધો છે. લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે કે ગુજરાતી આવડે ન આવડે અંગ્રેજી બરાબર આવડવું જોઈએ. અંગ્રેજી બોલશું ને જો કશીક ચૂક થઈ તો માફી માંગીને ફરી સુધારીને બોલીશું. પણ ગુજરાતી, એમાં કંઈ નહિ! આખો દિવસ અશુદ્ધ ભાષા ઢસડે રાખીએ તોય કશું નહિ!

મધુભાઈએ જણાવ્યું કે 'મમતા' માટે એમને રોજની ઘણી બધી વાર્તાઓ મળતી રહે છે. પરંતુ ઘણખરી વાર્તાઓમાં અસંખ્ય જોડણી-વ્યાકરણ   દોષો જોઈને ઘણું જ દુઃખ થાય છે. લોકો કૃતિઓ મોકલતાં પહેલા જોડણી તપાસી/ચકાસી લેવાની તસ્દી બિલકુલ લેતા નથી. એમ ને એમ મોકલી દેતાં હોય છે, અઢળક જોડણી દોષો સાથે! એમને એમ કે એમાં શું સંપાદક સુધારી લેશે. એ કામ સંપાદકનું છે. પણ સબૂર! આ સંપાદક પાસે એટલો સમય નથી. એક લીટીમાં દસ શબ્દ હોય ને એમાં ચાર ભૂલ હોય તો વિચારો કે કેટલી વાર લખાણ સુધારવું પડે. જોડણી બાબતની ચોક્કસાઈ એવી મહત્વની બાબત છે જેવી વસ્ત્ર પરિધાન. આપણને એ બરાબર ખબર છે કે કપડા પહેર્યા વગર બહાર ન જવાય, અને આપણે એ નિયમનો ચુસ્તતાથી પાલન કરતા હોઈએ છીએ. જોડણીની ચોક્કસાઈ પણ એટલી જ મહત્વની બાબત છે અને એ પણ એટલી જ ચુસ્તતાથી પાળવાની સખત જરુરત છે.

એમણે આ બાબતે ચિંતા વ્યકત કરી કે આટલી મહત્વની વસ્તુ માટે આપણે ત્યાં સભાનતા નથી. લખનારા  માને  કે 'મેં તો આમાં દિલ નીચોવી દીધું છે અને હવે દુનિયા તાળીઓથી વધાવી જ લેશે.' પણ એવું બિલકુલ નથી. જોડણી તપાસવામાં વધુ શ્રમ પડે એવું હોય તો  સામાન્ય રીતે સંપાદકો કૃતિ રદ્દ કરી દેતા હોય છે. એટલે આ વસ્તુનું મહત્વ સમજો. ભાષાશુદ્ધતા  પ્રત્યે સજાગ થાઓ.
ભાષા છે તો અનુભૂતિ છે. ભાષા જ એક માણસથી બીજા માણસ સુધીનું અંતર કાપે છે. એ અંતર દૂર કરવામાં નિમિત્ત બને છે.

ત્યાર બાદ મધુભાઈ એ  વિશે એક સવાલ એવો પૂછ્યો કે  ક્રિયા વિશેષણ એટલે શું? 
આ સવાલનો જવાબ કુસુમે દાખલા સહિત આપ્યો. 'રોવું' એ ક્રિયા આગળ 'ફૂટી ફૂટીને' વિશેષણ લગાવીએ તો બન્યું ક્રિયા વિશેષણ. મધુભાઈ એ કહ્યું કે એકદમ બરાબર. 

એમણે જણાવ્યું કે વાર્તા લખતી વખતે બને ત્યાં સુધી ક્રિયા વિશેષણનો ઉપયોગ ટાળવો. ધારોકે તમે વાર્તા લખતા હો અને એમાં કોઈ એક પાત્રને રૂદન કરતાં/ રડતાં બતાવવું હોય અને તમે એમ લખો કે 'પછી એ ફૂટી ફૂટી ને રડી પડી' તો તમે કશું જ નવું કરતા નથી. નવું કહેતા નથી. એવું ના કરવું. એની જગ્યા એ થોડુંક વર્ણન લાવો. પરિસ્થિતિનું,  મનોસ્થિતિનું અને ત્યાર બાદ લખો 'પછી એ રડી પડી'. ઘણું છે. વાચકોને વિચારવા દો કે એ કેવી રીતે રડી. એમને કલ્પના કરવાનો મોકો આપો. વર્ણનમાં દમ હશે તો વાચકના મનોમસ્તિષ્કમાં માનસિક ચિત્ર ચોક્કસ ઉભું થશે અને એ રીતે તમારા શબ્દો, તમારી વાર્તા એને વધુ સ્પર્શી શકશે.

મહાન અમેરીકન લેખક હેમિંગ્વે ગ્રેવિટીમાં માનતા. સુક્ષ્મ લખાણમાં માનતા. એમણે કોઈએ કહ્યું કે ફક્ત છ શબ્દોમાં વાર્તા લખો.

એમણે લખ્યુંઃ
'ફોર સેલ. બેબી શુઝ, નેવર વોર્ન.'

એમણે સમીરાને કહ્યું કે આ નાનકડી વાર્તા સમજાવો.

સમીરા એ કહ્યું કે આ વાર્તા વાંચીએ તો સૌ પ્રથમ શુઝ મૂકનારની મનસ્થિતિનો વિચાર આવે છે. બહુ શક્યતાઓ ધરબાયેલી છે વાર્તામાં. બાળકનું મૃત્યુ થઈ ચૂક્યું છે. હવે એ કેમ થયું હશે એ વિચારો આવે. શું ગર્ભપાત કરાવ્યું હશે? કે પછી મિસકેરેજ થયું હશે? ક્યાંક કોઈ એક્સીડેન્ટ તો નહિ થયું હોય ને? અપાર શક્યતાઓ છે વાર્તામાં! 

જો હેમિંગ્વે એ એવુ કશુંક કહ્યું હોત કે. 'આઈ વોન્ટ ટુ સેલ ધ શુઝ બીકોઝ માય બેબી ડાયડ' તો વાર્તા બની જ ના હોત. અહિંયા 'બેબી' વિશેષણ છે. પણ એ વાર્તાની ચાલક વસ્તુ છે. 

મધુભાઈએ કહ્યું કે 'મમતા' માટે ઢગલા વાર્તાઓ આવે છે. એમાં જોડણીની તો ઠીક બીજી પણ ઘણી ભાષાકીય ભૂલો અકળાવનારી હોય છે. લોકો ટાઈપીંગમાં કોમા એટલે કે અલ્પવિરામ આવ્યા પછી જગ્યા નથી છોડતા. એવું બધું ઘણું સુધારવું પડતું હોય છે. એવી જ રીતે પ્રશ્નાર્થ ચિન્હ '?' અને આશ્ચર્યચિન્હ '!' પછી તરત જગ્યા ન છોડો એને બદલે ચિન્હ પછી સ્પેસ આપો. દા.. 'તમે આવ્યા? આવો.'

લોકો સૌથી મોટા અપરાધી પ્રત્યયનાં છે. પ્રત્યય એટલે.. નો, ની, નું, ના વગેરે. કદી પણ શબ્દ અને પ્રત્યય વચ્ચે જગ્યા છોડવી જોઈએ નહિ. પ્રત્યય સાથે જ લખાય. એવી રીતે હિન્દી ભાષામાં લખાતું હોય છે. આપણામાં એ દોષ ગણાય. હિન્દીમાંય વળી પાછું સર્વનામમાં ન આવે, ફક્ત નામમાં આવે. આ હટાકર અને સટાકર લખવું એ રીતી હિન્દીભાષીઓનાં અલગ અલગ પંથને આભારી છે. પ્રયાગવાળા 'કહીએ' લખે તો કાશી વાળા 'કહીયે'. ખેર, એ લોકોની વાત એ લોકો જાણે. આપણી પાસે કોઈ બીજો પંથ નથી, એક જ છે. એટલે આપણે એક જ નિયમ ધ્યાનમાં રાખવાનો છે.

એમણે શિબિરાર્થીઓને સલાહ આપી કે દરેકે નાનોકોષ વસાવી લેવો. રતિલાલ નાયક સંપાદક છે અને કિમત છે ૧૨૦ રૂ. એમાં બધું ખુબ સરસ રીતે અને સવિસ્તાર આપવામાં આવ્યું છે.
ત્યાર બાદ ભાષા વિષયક ચર્ચાને એમણે આગળ વધારતાં કહ્યું કે નાની નાની એવી બીજી પણ બાબતો છે જેના વિશે સજાગતા જરૂરી છે. જેમ કે શરૂમાં રૂ દીર્ઘ આવે, જરૂરમાં પણ રૂ દીર્ઘ આવે. બીજું  સામાન્ય રીતે લખતી વખતે લોકો '.....' આ ટપકાંનો બેફામ ઉપયોગ કરતા હોય છે. જ્યારે કે એની કોઈજ જરૂર નથી હોતી. 

ક્યારેક લખાણમાં લાંબો ફકરો ટાંકતા હોઈએ અને થોડુંક નોંધીને આગળનું બીજું ટાંકવું હોય ફક્ત ત્યારેજ આ ટપકાં '......' વપરાય. આ બધી ભૂલો નિવારો. સચેત રહો. એમણે આ તબક્કે હળવી મજાક કરતાં કહ્યું કે જ્યારે મમતામાં કશું મોકલાવીએ ત્યારે સંપાદકો પર કૃપા કરીએ. અને સભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું.

બીજી મહત્વની વાત એમણે અંગ્રેજી શબ્દોનાં વપરાશ અંગે કરી. લોકો વાતે વાતે અંગ્રેજી ઠોકતા હોય છે. દા.ત. "હું એવું ફીલ કરું છું.."આવી રીતે ક્રિયાપદ વાપરે ત્યારે ખૂબ  ગુસ્સો આવે. લોકોમાં એવું મિસકન્સેપ્શન છે કે અંગ્રેજી વાપરીશ તો જ્ઞાની ગણાઇશ! ગુજરાતી ખુબ સમૃદ્ધ ભાષા છે. ગુજરાતી ભાષાએ બીજી બાષાના શબ્દોને પણ પોતિકા બનાવ્યા છે. દા. ત. મહેસુસ શબ્દ. આ શબ્દ મૂળે
હિન્દિ-ઉર્દૂ શબ્દ છે. પણ ગુજરાતી ભાષામાં એનો વપરાશ છૂટથી થાય છે. હવે એ ગુજરાતીનો પોતિકો બની ગયો છે. એટલે સુધી કે શબ્દકોષમાં પણ એનો સમાવેશ થયો છે. અંગ્રેજી શબ્દો બને એટલા ટાળો. ક્યારેક  સ્ટેશન, ટ્રેન જેવા શબ્દો નાછુટકે ક્યાંક વાપરવા પડે તો એ જુદી વસ્તુ છે.
જ્યાંથી વિમાન એટલે કે પ્લેન પકડવાનું હોય એ સ્થળને આપણે એરપોર્ટ કહીએ છીએ. એનું ગુજરાતીકરણ થાય ' વિમાન પદતલ પ્રાધીકરણ'. એ મને ગમે છે પણ સામાન્ય બોલચાલમાં એ વાપરવું વ્યાજબી નથી, ફાવે પણ નહિ!

ભાષામાં બહારથી શબ્દો ઉમેરાય એનો વાંધો નહિ પણ દંભથી ના આવે એનું ધ્યાન રાખવું રહ્યું.
આ તબક્કે મીનાબેન એ કહ્યું કે એરપોર્ટ જેવા અંગ્રેજી શબ્દો આપણી આદત બની ગયા છે અને આપને એનું ગુજરાતી જાણવાનો પ્રયત્ન સુદ્ધાં કરતા નથી હોતાં. એવા શબ્દોનો જો થોડોક વધુ વપરાશ થાય તો લોકોને આ પર્યાય વિષે જાણવા મળે. સાથે સાથે સ્ત્રોત પણ મળી આવે એ પણ સારી વાત છે. એટલે બની શકે તો આપણે આવા શબ્દો આપણા લખાણમાં વાપરવા જોઈએ.

ટુંકમાં લખતી વખતે વ્યાકરણ અને જોડણી પ્રત્યે વધુ સભાન રહેવું. બહાર જવું હોય ને તૈયાર થતાં હોઈએ ત્યારે કપડાની પસંદગીમાં આપણે પંદર વીસ મિનીટ પસાર કરતા હોઈએ તો પછી લખતી વખતે કેમ નહિ?

આ એવું છે કે કેટલાક ઘરોમાં દિકરો કે દિકરી વાલી સાથે વર્તનમાં સન્માન જાળવતાં હોય તો કેટલાક ઘરોમાં તોછડાઈપૂર્વક વર્તતા હોય. તમારે કેવા દિકરા-દિકરી થવું છે એ તમારા હાથમાં છે.

ભાષા વિષયક આ  ચર્ચા અત્યંત લાભદાયક રહી. ત્યાર બાદ સમય થયો વાર્તાપઠનનો. મધુભાઇએ આપેલ વિષય 'વોલપેપર' પર 'વાર્તા રે વાર્તા' પરિવારના સભ્યો વાર્તા લખીને લાવ્યા હતા. સૌ પ્રથમ નંબર લાગ્યો હિતેશનો. પોતાની વાર્તા  બેગમાંથી કાઢતાં પહેલા હિતેશે મધુભાઈની આગોતરી માફી માંગતા જણાવ્યું કે મને ભાષા માટે માફ કરશો. હું અંગ્રેજી મીડીયમમાં ભણ્યો છું એટલે મારા લખાણમાં ઘણી વ્યાકરણ તથા જોડણી ભૂલો થતી હોય છે. પણ હું સીખી રહ્યો છું. સુત્રધાર રાજુ એ પણ એની વાતમાં ટાપશી પુરાવતાં કહ્યું કે આ પરિવારમાં જોડાયા પછી જ હિતેશ ગુજરાતીમાં લખતો થયો છે. મધુભાઈ એ ડોકું હલાવ્યું. અને કહ્યું તમે જે રસ્તે આવ્યા એ સાચું જ હોય એ જરૂરી નથી. અને તમે એને ઢાલ તરીકે પણ ના વાપરી શકો. જે પણ લખો, ઠંડા કલેજે લખો. તો જ લખી શકાશે. લખનારનાં જુદા જુદા કમ્ફર્ટ ઝોન હોય. કોઈ એક મોટા લેખક કહેતાં કે જબ મૈં બડે ગુસ્સેમેં હોતા હું તબ લીખતા હું. એ જે હોય તે. તમને જે ભાવે, ઢોકળા કે ઈડલી. લખો. એકમાત્ર શરત એ કે અંતે તૃપ્તિ થવી જોઇએ.

હિતેશે હસીને બેગમાં પોતાની વાર્તા શોધી. આખી બેગ ફંફોસી. પણ પ્રિન્ટ આઉટ મળ્યા નહિ. કદાચ એ ઘરે જ ભૂલી આવ્યો છે એવું જણાતા પિયુષભાઈને પોતાની વાર્તા વાંચવા કહેવામાં આવ્યું. પિયુષભાઈએ પોતાની વાર્તા વાંચી. વાર્તા પૂરી થયા પછી દરેક હાજર સભ્યોનાં અભિપ્રાય લેવામાં આવ્યા. દરેક સભ્ય એ પોતે જે અનુભવ્યું, જે લાગ્યું એ કહ્યું. પછી છેલ્લે મધુભાઈએ પોતાનો અભિપ્રાય આપ્યો. એમણે કહ્યું કે વાર્તા કેવી રીતે ન લખવી એનું ઉદાહરણ આપવા આ વાર્તા મૂકી શકાય. વાર્તા કેવી ન હોવી જોઇએ એનું આ ઉદાહરણ છે. અને સાથે સાથે એમણે ચેતવણી પણ આપી કે મારી પાસેથી આવા સ્પષ્ટ અભિપ્રાય જ મળવાનાં. આવું જ ક્રૂર વિવેચન થશે. આ વાર્તાને એમણે પહેલેથી છેલ્લે સુધી નાપાસ કહી અને ઘણી સુક્ષ્મ બાબતો તરફ ધ્યાન દોર્યું. 

ત્યારબાદ ઉમેશભાઈ ભટ્ટ
જે સુરતથી આવેલા એમનો વારો આવ્યો. ઉમેશભાઇ પ્રસ્તાવનામાં બે ચાર વાક્યો બોલ્યાં ત્યાં તો મધુભાઈ એ એમને અધવચ્ચે અટકાવ્યાં અને ભારપૂર્વક કહ્યું કે કોઈએ પ્રસ્તાવના બાંધવી, આપવી નહિ. તમે ક્યાંક છપાવા મોકલશો ત્યારે પ્રસ્તાવના આપી શકશો? નહિ ને?  તમારી વાર્તાને જ બોલવા દો. પછી ઉમેશભાઈ એ પઠન શરૂ કર્યું. એકાદ ફકરામાં જ સહુને લાગ્યું કે આ વાર્તા નથી પણ નિબંધ છે. અમે મિત્રોએ પણ આપસમાં આ જ વાત કરી. બે ફકરા પુરા થતાં સુધીમાં મધુભાઈ એ એમને અટકાવ્યાં અને જણાવ્યું કે આ નિબંધ છે વાર્તા છે જ નહિ.  લખાણમાં ફક્ત વર્ણન છે, ઘટના છે જ નહિ. વાર્તામાં મુખ્ય વસ્તુ તે એનું ઘટનાતત્વ. સુત્રધારે પણ ટાપશી પુરાવી કે ઉમેશભાઈની સમજવામાં કંઈ ભૂલ થઈ   લાગે  છે અને તેથી  તેઓ નિબંધ લખીને લાવ્યા.

ત્યારબાદ યજમાન શ્રી યામિની પટેલે
પોતાની વાર્તા વાંચી એ એક મર્ડર મીસ્ટ્રી હતી. યામિનીનું પઠન ખૂબ સરસ રહેતું હોય છે. આ વખતે પણ એણે હાવભાવ, સ્વરમાં ચઢાવ ઉતાર વગેરે પર પુરતું ધ્યાન આપીને વાર્તા વાંચી. મિત્રોએ અભિપ્રાય આપ્યા. હિતેશે યામિનીની વાર્તાનું જબરું વિશ્લેષણ કર્યું. એક એક શબ્દ, પોઇન્ટ, ક્લુ ફંફોસ્યો. જેમાં સભ્યોને તો ઠીક એને પોતાને પણ બહુ જ મજા પડી. (એ એના ચહેરા પરથી દેખાઈ આવતું હતું). આ વખતે મધુભાઈ એ કહ્યું કે ફક્ત એક પોઇન્ટ પરથી બીજા પોઇન્ટ પર સીધું  જવું  એ વાર્તા નથી. આ લખાણમાં તમારું કંઈ વિશેષ નથી. વાર્તાનો સૌથી પહેલો મુદ્રાલેખ એ કે પહેલા વાંચેલુ હોય એવું ન લખો. પહેલા તમે પોતે લખ્યું હોય એવું પણ ન લખો.આ એક પોલીસ રીપોર્ટ હતો- ડાયલોગ ફોર્મમાં. એવું લાગ્યું જાણે તમે તમારી મર્ડર મિસ્ટ્રી વિશેની બધી જ નોલેજ એકત્ર કરીને મૂકી દીધી છે. આમ વાર્તા ન બને.

સુત્રધારે આ તબક્કે સભ્યોનો બચાવ કર્યો કે હજુ તેઓ વાર્તા લખતાં સીખી રહ્યા છે. ૨૦૦-૨૫૦ શબ્દો પણ મુશ્કેલીથી લખતાં હોય છે અને આ તો ૫૦૦-૭૦૦ શબ્દની વાર્તા હતી અને તે ઉપરાંત સમય મર્યાદા પણ ઓછી હતી. 

મધુભાઈ એ આ વાતનો પ્રત્યુત્તર આપતાં કહ્યું કે ક્ષતિઓના અનેક કારણ હોઈ શકે. બાળક રડતું હતું, ઘાર બળતું હતું જેવા કારણો સાથે મને કોઈ મતલબ નથી!

મીનાબેન ત્રિવેદીની વાર્તા માટે પણ મધુભાઈએ કહ્યું કે આમાં પણ ઘટના લોપ થયો છે અને ફક્ત મનસ્થિતિનું વર્ણન હોય એવું લાગ્યું. મેં એટલે કે રાજુલે અભિપ્રાય આપેલો કે વાર્તામાં સંવાદો નહિવત છે એ ખટકે છે. સંવાદો વાર્તાને જિવંત બનાવતા હોય છે એટલે સંવાદો આવવા જ જોઇએ. મધુભાઈ આ વાતમાં સહમતી દર્શાવતા કહ્યું કે સંવાદો વાર્તાને ગ્રાહ્ય બનાવે છે. તે ઉપરાં એમનું કહેવું હતું કે વાર્તામાં ઘણી બધી ઉપમાઓ આવે છે જે વાર્તા માણવામાં આડી આવે છે. વાર્તાને નીચી પાડે છે. આપણે વાર્તા લખી રહ્યા છીએ, વાયલીન નથી વગાડી રહ્યા એ યાદ રાખવું.

મરાઠીભાષી છાયાએ પણ વોલપેપર વિષય પર વાર્તા લખી હતી. એણે વાંચી. પ્રીતિએ એના પ્રતિભાવમાં કહ્યું કે મધ્યવર્તી વિચાર સરસ હતો. કોઈ ખોટી પંચાત નહોતી. મધુભાઈ એ વચ્ચે જ કહ્યું કે વાર્તા સારી હતી પણ વચ્ચે જે 'ઉદાસ ચહેરા' જેવા શબ્દ પ્રયોગો આવ્યાં એમની જરૂર નહોતી. એ રાઝ ખોલી નાખતા હતાં. કુસુમને વાર્તા સ્મુધ લાગી. એણે કહ્યું કે એકસરખો પ્રવાહ જળવાયો છે. હિતેશે એક સરસ વાત કરી કે વોલપેપરનો ઇન્ટ્રો આવ્યો ત્યાં જ વાર્તા થંભાવી દેવી જોઈતી હતી. વધુ ચોટ આવત. અને તે ઉપરાંત, 'ઉસને સોચા - અબ મૈં ક્યા કરું?' જેવા વાક્યો અવોઈડ કરવા. એ એક જ વાત છે. 

પછી પ્રીતિએ પોતાની વાર્તા વાંચી. એમની વાર્તા આત્મકથાનાત્મક સ્વરૂપમાં હતી. કોઈકે પ્રશ્ન પુછ્યો કે શુ એ ચાલે તો મધુભાઈએ કહ્યું કે બિલકુલ ચાલે.પ્રથમ પુરુષ એક વચનમાં વાર્તા ચોક્કસ હોઈ શકે. આત્મકથા સ્વરૂપ ખૂબ વાસ્ટ છે. એનું એવું છે કે દરિયામાં બહુ પાણી હોય પણ મારી કેપેસીટી એક કે બે જ ગ્લાસની છે તો હું એટલું જ પી શકીશ. યામિનીએ કહ્યું કે ટુંકી વાર્તા એક જ ઘટના કે સંવેદનામાં રાચતી હોવી જોઇએ પણ અહિ ઘણી બધી ઘટનાઓ લેવામાં આવી છે.વાર્તા સરસ છે પણ એકસાથે ઘણુ બધું ઘટી રહ્યું હતું. સારું- ખરાબ. મને હું હિલ્લોળા લેતી હોઉં એવું લાગ્યું. કુસુમને વોલપેપરનું ચિત્રણ ગમ્યું, પણ સ્ટોરી એલીમેન્ટનો અભાવ લાગ્યો. 

બધાની કમેન્ટ આવી ગયા પછી મધુભાઈએ ફરી સુકાન સંભાળ્યું  એમણે વાર્તામાંના આત્મકથાનાત્મક સ્વરૂપ વિષે વધુ માહિતી આપતાં કહ્યું કે આત્મકથા શબ્દ આ વાર્તા માટે સાચું પૂછો તો ખોટો છે. વોલપેપરનું એમણે પર્સોનીફીકેશન કર્યું છે. એ પાત્ર બને છે. એના મુખે વાર્તા કહેવાય છે. પહેલો પુરુષ એકવચન છે. ફોર્મેટ સાચો છે પણ અહિ વાર્તા બનતી નથી. વોલપેપર શું શું સહન કરી શકે? ભાષામાં ચઢાવ ઉતાર ખુબ છે! એક જ અણસારની ભાષા હોવી જોઇએ. શું તમે 'ત્રાડ' શબ્દ લખશો તો એનાં મોટા અક્ષર કરશો? એવી જ રીતે બબ્બે !! કે પછી ?? કરવાનો શો અર્થ? એ ના કરવું. વાર્તામાં લેખકે બને એટલા ઓછા દેખાવું. જેમ મન્ટો કહેતા કે,'કહાનીકી પહેલી લાઇન મૈં લીખતા હું બાકીકી કહાની વોહ પહેલી લાઇન લીખતી હૈ.' લેખિકાઓ માટે પણ કોઈ જુદો નિયમ નથી. એ નિયમ ફોલો કરવો.

સમીરાનો વારો.
ણે ડેસ્કટોપનું વોલપેપર લીધેલું. 'આઉટ ઓફ બોડી કંડીશન' જેવો અદભુત વિષય લીધેલો. વાર્તામાં અમુક કલ્પનો, ઉપમાઓ સરસ આવી હતી પણ વિષય સુચારુ રીતે અવતરી શક્યો નહિ. કોઈએ કહ્યું કે વાર્તા અટપટી છે. કોઈ એ ભારેખમ કહી. હિતેશે કહ્યું કે હું હજુ બાલ મંદિરમાં છુ અને વાર્તા ડોક્ટરેટ લેવલની છે, મને સમજાઈ નહિ! મધુભાઈએ જણાવ્યું કે ડેસ્કટોપનું વોલપેપર લીધું એ સરસ, મધ્યમવર્ગીય પરિવારની રોનાધોના વાત નથી એ પણ ઘણુ સારું છે. જો કંઈ સારું નથી તો એ છે ભાષા! વધારે પડતાં વિશેષણોથી ધ્યાન ચૂકી જવાય છે. ૫૦૦ શબ્દની મર્યાદા છે તો યેન કેન પ્રકારેણ એ પૂરા જ કરવા એવું થોડી છે! ભાષા ફક્ત માધ્યમ છે આપણા લખાણનું. એ અત્યંત આડંબરિત હોવી જ જોઈએ એવો કોઈ નિયમ નથી. કે પછી અત્યંત આડંબરિત ભાષા હોય તો જ લખાણ સારું ગણાય એવો પણ કોઈ નિયમ નથી.

આ તબક્કે એમણે બધાં જ સભ્યોને શબ્દકોષ વસાવવાની સલાહ આપી. જોડણી, ખોટી શું છે, સાચી શું છે એ ચકાસતા રહેવાની સલાહ આપી. તે ઉપરાંત આપણે સામન્ય રીતે જે શબ્દો ખોટાં લખતાં હોઈએ કારણ આપણા માનસમાં તે એ જ રીતે આલેખાયેલા હોય એ ચકાસવાની સલાહ આપી.
નાનો કોષ -રતિલાલ નાયક સંપાદિત એ પણ વસાવવા જેવો છે. એમાં જોડણીની સાથે સાથે સમાનાર્થી શબ્દો, વિરોધાર્થી શબ્દો પણ આપેલાં છે. શબ્દોનો ઈતિહાસ જણાવાયો છે. આપણી ભાષામાં શું શું છે એ બધું આ બન્ને કોષ વસાવવાથી જાણી શકાય.

એમણે એક ઉદાહરણ આપ્યું. ધારોકે લખતી વખતે આપણે 'રમેશ' નામનાં પાત્રએ  બોમ્બ કે તલવાર વીંજી હોય એ નાનકડી બાબત પર ચાર લીટી લખી નાખીએ અને પોરસાઈએ કે શું વર્ણનાત્મક લખ્યું છે!
રમીલા નામના પાત્રનાં મુખમાં સંવાદ આવ્યો કે  'અરે! તુ શું વાત કરે છે?' અને પછી એના પર પણ ચાર લીટી લખીએ. અહિં શબ્દોની મર્યાદા વધારવા ઠાંસી ઠાંસીને શબ્દો/જગ્યા ભરીએ અને ભાષાને સમુળગી ભૂલી જઈએ!  પહેલા એ જુઓ કે એ મુદ્દાને શું ખરેખર બહેલાવવાની જરુર છે? અને જરુર હોય કે ના હોય, તમે એને બહેલાવ્યો પણ એ માટે વપરાતી ભાષા અને એના ફ્લેવર પર ચોક્કસ ધ્યાન આપો. આજકાલ મોટેભાગે એવું વનતું હોય છે કે બતાવ્યું હોય નડિયાદનું અને એના મુખમાં જે સંવાદ મૂક્યા હોય એની ભાષા હોય ઝાંઝિબારની! અરે ભાઈ, નડિયાદ અને ઝાંઝીબારની  ભાષામાં ફરક હોવાનો કે નહિં? આપણે એ ફરક પર ધ્યાન જ નથી આપતા!

અહિં પઠનમાં બ્રેક આવ્યો. મધુભાઈએ શરૂઆતમાં પરિચય વખતે સટ્ટાબાઝારનાં ગીતના મુડાને  પરિચયવિધિ સાથે કેમ જોડ્યો હતો એનો ખુલાસો કર્યો. એમણે કહ્યું કે તમે બધાં જ તમારા નામ સાથે વિવિધ ભાવમાં, એકબીજાથી સાવ અલગ એ પંક્તિ બોલ્યા. વાર્તાલેખનનું પણ એવું જ છે. કન્ટેન્ટ બધાં પાસે એક જ હતું કે હોય પરંતુ તમારી અભિવ્યક્તિ તમને બીજાથી જુદા પાડે છે. 

કુસુમે
આ તકનો લાભ ઉપાડી ને નાટ્યલેખનને લગતા બે'ક પ્રશ્નો પૂછ્યા. એણે પૂછ્યું કે નાટક લખવું અને વાર્તા લખવી આ બે માં શું ફરક છે? મધુભાઈ એ જવાબ આપ્યો બન્ને વસ્તુ સરખી છે. લખાઈ ગયા પછી જ શું જુદું છે ખબર પડે પણ સર્જન પ્રક્રિયા સરખી. બન્નેમાં કથા હોય, સંઘર્ષ હોય. તો જ રસ જળવાઈ રહે. પાત્ર હોય અને ચરિત્ર પણ હોય. આ પાત્ર અને ચરિત્ર વચ્ચેનો અર્થ સમજાવતાં એમણે કહ્યું કે પાત્ર એટલે બીબું. ધારોકે એક પાત્ર ભાલો લઈને ઉભું છે. જ્યાં સુધી એ ફક્ત ઉભું હશે ત્યાં સુધી એ પાત્ર જ ગણાશે. પણ જે ઘડી એ પોતાનાં હાથમાંના ભાલા વડે પ્રહાર કરશે, પછી ભલે એ પોતા પર હોય કે સામેવાળા પર એનું રૂપાંતર ચરિત્રમાં થઈ જશે.

આ મોકો મેં એટલે કે રાજુલે પણ જડપી લીધો અને બે'ક સવાલ પૂછી જ નાખ્યા.

સવાલ ૧) વાર્તા લખતી વખતે પાત્રોના પરિવેષનાં હિસાબે આપણે સંવાદો લખતાં હોઈએ. એટલે કે નાયક કે નાયિકાનો ગ્રામ્ય પરિવેષ હોય તો એમના મુખમાં સંવાદ પણ એ જ રીતના મૂકીએ.તો શું એ ફ્લેવર આખી વાર્તામાં લેવો જોઇએ કે પછી એ એટલા સંવાદ પૂર્તું જ સિમિત રાખીએ તો ચાલે.

સવાલ ૨) ધારોકે મારી વાર્તાની નાયિકાનું નામ લક્ષ્મી છે. અને વાર્તામાં બીજું પાત્ર એને 'લખમી' કહીને સંબોધિત કરે છે. તો  આખી વાર્તામાં લખમી સંજ્ઞા લઈ શકાય કે પછી લક્ષ્મી લેવું?

મધુભાઇ એ આ પ્રશ્નો વિષે ખૂબ સરળ સમજ આપી. એમણે કહ્યું કે કંઈજ સનાતન નથી. ટૂલ છે બધું. વાર્તામાં જો કોઈ અતિ મહત્વની વસ્તુ  છે તો એ છે વાર્તાતત્વ. વાર્તામાં નરેટર હોય, પાત્ર હોય એમાં જાણે એવું છે કે અમુક તમુક પાત્ર આવે ત્યારે ભાષા બદલતી હોય છે. એનો કશો છોછ નથી. 

મહારાષ્ટ્રિયન પાત્ર આવે ત્યારે આપણે એનાં મુખમાં એ ફ્લેવરનો સંવાદ મુકતા જ હોઈએ. આ બધું નરેટરનાં પોતાના અભિપ્રાય પર નિર્ભર કરે છે. દરેક લેખક પોતાની સમજ અને મતિ અનુસાર નિર્ણયો લેતો હોય છે. નરેટર અને પાત્ર આ બન્નેની ભાષા એક પણ હોઈ શકે અને જુદી જુદી પણ.એનાં કોઈ જડ નિયમ નથી. અને હા.. મારા આ મંતવ્ય પણ ગીતાનાં વાક્ય નથી! એને અંતિમ ન સમજવું!
પછી એમણે ઉમેર્યું કે વાર્તામાંનું કોઈ એક પાત્ર બીજા પાત્રને 'એ...જાડિયા' સંબોધન કરે છે. પણ જ્યારે ફરી એ પાત્રનો ઉલ્લેખ આવે ત્યારે નરેટર જાડિયા એ આમ કર્યું, જાડિયાએ તેમ કર્યું એવી રીતે ન કહી શકે. અને એ સાથેજ સહુ હસી પડ્યા અને વાતાવરણ સાવ હળવું થઈ ગયું.

ત્યાર બાદ એમણે બધાને પેપરમાં એક લીટી દોરવા કહ્યું. બધાએ દોરી. પછી એમણે સવાલ કર્યો કે કેટલાએ સીધી લીટી દોરી? કેટલાએ વાંકી કે ઉભી ? કે કેટલાએ સર્પાકાર દોરી? હિતેશે કહ્યું કે એણે હવામાં આંગળીથી કાલ્પનિક લીટી દોરી! બધાં હસી પડ્યાં.  મધુભાઇએ કહ્યું કે આપણે સહજપણે, સામાન્ય રીતે કરતા હોઈએ એવું ના કરીએ અને કંઈક અલગ કરીએ એને કહેવાય ક્રીયેટીવીટી!
કુસુમે પોતાની તત્કાલ લખેલી પાંચ વાક્યની વોલપેપર વાર્તાનું પઠન કર્યું. મધુભાઈએ કહ્યું કે વાર્તામાં વોલપેપર અહિં થી ત્યાં લઈ જવાયું એનો સીધેસીધો  વૃત્તાંત છે. નિબંધ જેવો. કોઈ ક્રીયેટીવીટી આવતી નથી. 

એમણે ફ્રેન્ચ નવલકથાકાર માર્શલ પૃસ્તનું ઉદાહરણ આપ્યું. પૃસ્ત એમની નવલકથાઓમાં એક પાત્ર ડાબે પડખે સુતું હોય, અને જમણું પડખું ફેરવે એના વર્ણનનાં સાંઈઠ પાના લખતાં. અહિ એ કહેવાનો મતલબ નથી કે એવું ન કરાય. આ કોઈ ભૌતિક વસ્તુ નથી કે શીખવાડી શકાય. સાચું પૂછો તો શીખી શકાય એવી વસ્તુ જ નથી. આ આત્મસાત કરવાની વસ્તુ છે. વિકસિત કરવાની વસ્તુ છે ચાલતાં ચલતાં, બોલતાં બોલતાં, લખતાં લખતાં..

મેં તમને 'તુમ્હેં યાદ હોગા' ધ્રુવ પંક્તિ આપી. એ સીધી રીતે કહેવાનો કોઈ અર્થ નથી. કંઈક ક્રીયેટીવ ત્યારે જ આવશે જ્યારે આપણે આપણામાંથી એક ડગલું બહાર જશું. સીતાએ લક્ષમણરેખા્ની બહાર એક ડગલું મૂક્યું ત્યારે જ રામાયણ અવતરીને? 

આપણે જે નથી કરી શકતા એ પાત્રો પાસે કરાવતાં હોઈએ છે. પણ એવું શા માટે? સીતા, સીતા છે અને પ્રિયંકા, પ્રિયંકા. એમને જે તેઓ છે એ જ બની રહેવા દો. વાર્તાની કોઈ વ્યાખ્યા નથી.

એક દાખલો એમણે અશોક સેનનો આપ્યો. અશોક સેન મોટા વકીલ હતાં. એમની કોઈ કેસ બાબતે એમનાં ઘરે સલાહ લેવા જાઓ તો નોકર કહે 'સાહેબ દાઢી કરે છે.' પણ એ તમને અંદર જતાં રોકે નહિ અને વકીલસાહેબ પણ દાઢી કરતાં કરતાં વાત સાંભળે, સલાહ આપે.

ટુ ડિફાઈન ઈઝ ટુ લિમિટ. જેવી કોઈ વસ્તુની વ્યાખ્યા બાંધી એ વસ્તુ બંધિયાર થઈ જશે. તમે અગાઉ લખેલી વ્યાખ્યા તોડો. પ્રતિક્રમો. તમારી હરિફાઈ તમારી સાથે જ છે. તમે તમારથી આગળ ગયા કે નહિ? પોતાને જ પાછળ છોડી આગળ વધશો એ પ્રગતિ ગણાશે. મહાન સાહિત્યકાર શ્રી પન્નાલાલ પટેલ અભણ હતાં. એમને ભાષા, જોડણી,  વ્યાકરણ વગેરેનું કશું ભાન કે જ્ઞાન નહોતું. એ બીજા પાસે લખવતા. અને આ જ રીતે એમણે અમર સાહિત્ય આપ્યું.

અહિ હરીફરીને વાત પરત નાટક પર આવીને ઉભી રહી. મધુભાઈ એ કહ્યું કે લેખક લખવા બેસે ત્યારે એના હાથમાં કલમ હોય કે સ્ક્રીન અને કીબોર્ડ હોય. એ લખવાનું ચલુ કરે. પ્રથમ દ્રશ્ય લખાય. પ્રથમ પાત્ર પ્રવેશ લખાય... લખતો જાય... લખાતું જાય..વાત પૂરી થાય. ત્યાં સુધી એ કૃતિ લેખકની ગણાય. ત્યાર બાદ દિગ્દર્શકનાં હાથમાં આવે. દિગ્દર્શક માટે એ કૃતિ રૉ મટિરિયલ સમાન છે. એ એમાં પોતાની કળા ઉમેરે. જ્યાં સુધી છેલ્લું રિહર્સલ થાય, ગ્રાન્ડ રિહર્સલ થાય એ કૃતિ દિગ્દર્શકની. પણ જેવી તખ્તા પર પહોંચે એ કૃતિ એક્ટર્સની થઈ જાય. પ્રથમ અંક શરૂ થાય ત્યાંથી છેલ્લો અંક પૂરો થાય ત્યાં સુધી એ કૃતિ અભિનેતાની. પણ જેવો છેલ્લો અંક પૂરો થાય એ કૃતિ ઓડિયન્સની બની જાય છે. દરેક પ્રેક્ષક એ કૃતિને પોતાનાં મનમાં સાથે પોતાને ઘરે લઈ જાય. ત્યારબાદ જ્યારે કોઈ સવાશેર સૂંઠ ખાધેલો માણસ ફરી એ કૃતિને હાથમાં લે. ફરી લખે. એમાં પોતાપણું ઉમેરે, નવસર્જન થાય..

ઈલેક્ટ્રીસીટીના તારમાંથી વહે એ નાટક.લેખક એનો વાહક છે.ત્યાર બાદ એક્ટર..પ્રેક્ષક.. એમાંથી ફરી કોઈ વીજળી લઈને નવું સર્જન કરે. અગત્યનું છે એકત્વ. આપણે રીસીવર છીએ, ટ્રાન્સમીટર છીએ. આંધળો જેમ હાથીને સમજવાનો પ્રયત્ન કરે એમ આપણે વાર્તાને સમજવાનો પ્રયત્ન કરવાનો છે.
સત્ય બદલાતું રહે.. પણ તત્વ એક જ છે.!

સવા વાગવા આવ્યો હતો. જમવાનો સમય થઈ ગયો હતો. લન્ચ બ્રેક પડ્યો.


લન્ચ લીધા પછી બરાબર બે વાગે સૌ ફરી પોતપોતાની જગ્યા પર ગોઠવાયા. સવારનું સત્ર ફક્ત 'વાર્તા રે વાર્તા' પરિવારનાં સભ્યો માટે અલાયદું રખાયું હતું. પણ ૨ થી ૫ નું સત્ર સર્વે સાહિત્યરસિકો માટે ખુલ્લું રાખવામાં આવેલું . એટલે મહેમાન સાહિત્યરસિકો આવવા શરૂ થઈ ગયાં હતાં. હિતેશે લન્ચ બ્રેકમાં પોતાની વાર્તાની પ્રિન્ટાઉટ લઈ લીધેલી.
શરૂઆત એનાથી થઈ. પોતાની વાર્તાનું હિતેશે સરસ પઠન કર્યું.

રાજુએ પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે વાર્તા ટ્રીકી છે. અંતમાં ચતુરાઈપૂર્વક વીંટો વાળી દીધો છે!
મધુભાઈએ કહ્યું કે વાર્તામાં અંગ્રેજીની છાંટ છે. અહિં મુખિયા વિકારી છે- અવિકારી નથી.અંગ્રેજીમાં આપણે કહેવું હોય તો કહીએ મુખિયા વેન્ટ.પણ મિસકન્શેપ્શન ગુજરાતીમાં છે. અહિં મુખિયો ગયો કે મુખિયા ગયો જેવા ક્રિયાપદોથી આપણે અલગ અલગ ભાવનિરૂપણ કરી શકીએ. ઉપરાંત ગુજરાતીમાં આજકાલ જે 'તેઓએ કહ્યું' 'તેઓએ પાણી પીધું' આવા વાક્ય પ્રયોગોમાં 'તેઓએ' શબ્દ પ્રયોગ વાપરવામાં આવે છે 

એ સાવ ખોટું છે. આ ન લખી શકાય. 'તેમણે' સાચો શબ્દ પ્રયોગ છે.

મધુભાઈએ એ વાતે વાર્તાને વધાવી કે કશુંક અલગ લાવ્યા. અલગ વિચાર્યું. ત્રુટીઓ હોવા છતાં. નહિતો આજે લખાતી મોટાભાગની વાર્તાઓ સારાપણાથી પીડાતી હોય છે.  બીજી વાત એમણે એ કરી કે વાર્તાલેખનમાં સંવાદો બે શબ્દ-એક લીટી- કે છેવટે બે લીટીથી વધુનાં ન હોવા જોઈએ. સંવાદે સંવાદે વાર્તા આગળ વધવી જોઈએ. હું જ્યારે વાર્તા લખું ત્યારે પહેલી લીટી વાર્તા માંડે. બીજી આગળ વધારે. પહેલી...બીજી...ત્રીજી લીટી વચ્ચે મને જ ખબર ન હોય કે આગળ શું થશે. તો વાચકને પણ એ કુતુહલ રહેવાનું કે આગળ શું થશે!

ત્યારબાદ પરિવારની પાર્લામાં જ રહેતી સભ્ય નેહા જિનેશ શાહે


પોતાની વાર્તા વાંચી. મધુભાઈએ પ્રતિભાવ આપતાં કહ્યું કે આ કથાવસ્તુ એકલાખ વાર સાંભળી છે. એટલે મજા આવી નહિ. કોઈએ કહ્યું કે વાર્તાનો જો થોડો વિસ્તાર થાય તો કદચ વધુ ઉઘડે. તો મધુભાઈએ કહ્યું કે આગળ વધારશે તો ય વધુ બારી નહિ ખૂલે.

પ્રફુલ્લભાઈની વાર્તા અંગે મધુભાઈએ કહ્યું કે અહિ વોલપેપર ચાલક બળ તરીકે નથી આવ્યું. તમે એમાં નથી ડોકાતાં, પણ બીજી પાંચ વાર્તાઓના ભૂત ડોકાય છે જે અગાઉ તમે વાંચી હશે. એમણે કહ્યું કે ભાંગની પકોડી લઈને બેસો ત્યારે વાર્તા  લખાય.

નેહા રાવલ (સુરત) આ વખતે આવી નહોતી પણ એણે પોતાની વાર્તા મોકલાવી દીધેલી. એનું પઠન કુસુમે કર્યું. નેહાની વાર્તામાંનાં કેટલાક વાક્યાંશો ખૂબ મનનીય હતાં. જેમકે બે પાત્રો વચ્ચેનો એક સંવાદ
"તમે શું કરો છો?"  "હું જીવું છું."

નેહાની વાર્તા પણ મધુભાઇને ખાસ ગમી નહિ. એમણે કડક શબ્દોમાં ઝાટકણી કાઢી. તેવી જ રીતે પરાગ જ્ઞાની પણ બેઠકમાં હાજર રહી શકેલા નહિ. એમની મોકલેલી વાર્તાનું પઠન યામિનીએ કર્યું. પરાગની વાર્તા પણ ખાસ રસ જન્માવી શકી નહિ. મધુભાઈએ કહ્યું કે આના વિશે કશું જ કહી શકાય એમ નથી. એવું મટીરીયલ જ મળતું નથી. રાજુ એ કહ્યું કે વાર્તામાં ફક્ત કલ્પના વિલાસ છે.

ત્યાર બાદ વારો પડ્યો સુત્રધાર રાજુનો. એમણે આ બેઠકો શરૂ થઈ ત્યાર બાદ પહેલી જ વાર પોતાની કોઈ વાર્તા શેર કરી. હા.. તેઓ વોલપેપર વિષય પર વાર્તા લખી આવ્યા હતા. એમણે પોતાની વાર્તાનું પઠન કર્યું અને સૌ સ્તબ્ધ થઈ ગયા. નિતાંત સુંદર વાર્તા. દરેક સભ્યને મારી જેમ ઘડીભર તો ચોક્કસ ઈર્ષા થઈ આવી હશે કે પોતાને આવું કશું કેમ ના સુજ્યું! હું કેમ આવું લખી શકતી/શકતો નથી!

મધુભાઈ પણ વાર્તાથી ખાસા પ્રભાવિત થયા. એમણે કહ્યું કે અનિચ્છા છતાં મારે વાર્તા વખાણવી પડશે. એમણે વાર્તા વિષે સમજાવતાં કહ્યું કે લેખનમાં ત્રણ વસ્તુઓ હોય. 
૧) અભિધા. ૨) લક્ષણા. ૩) વ્યંજના.

૧) અભિધા એટલે એ શબ્દનો મૂળ અર્થ, વાચ્યાર્થ. અહિ એ એટલે વોલપેપર.

૨) લક્ષણા એટલે ધારણા, અટકળ. જેમાં ઘણુંખરું અધ્યાહાર હોય. એક મુખ્યાર્થના બાધમાંથી બીજો સંબંધી અર્થ લેવાય તે. જેમકે, ગામ બી ગયું. એટલે ગામ નહિ, પણ ગામમાં રહેનારા લોકો બી ગયા. શું શું હોય, કે શું શું હશે એ સ્પષ્ટ કહેવાયું ન હોય.

૩)  વ્યંજના એટલે મર્મ, કટાક્ષ. વ્યંગ્યાર્થનો બોધ કરવાની શબ્દની શક્તિ કે વ્યંગ્ય શબ્દાર્થની વૃત્તિ. તે અંજનથી અભિધા અને લક્ષણાથી નહિ જણાતા અર્થને સ્પષ્ટ બતાવી આપે છે.

રાજુએ વ્યંજનાથી કામ લીધું છે. વાર્તામાં આવતા  'તારું મોઢું વોલપેપરની જેમ હેંગ કેમ થઈ ગયુ?' જેવા વાક્યાંશ એટલે વ્યંજના. 

આમ 'વાર્તા રે વાર્તા' પરિવારનાં સભ્યોની વાર્તાઓ પૂરી થઈ. બપોરનાં સત્રમાં લેખિનીની
ઘણી બહેનો આવી હતી. એમણે પણ પોતાની વાર્તાઓનું પઠન કર્યું. પણ એમાંથી એક્કેય વાર્તા નોંધનીય કે ધ્યાનાકર્ષક નહોતી. 

વાર્તાપઠન સત્ર પતી ગયા પછી મધુભાઇનું એક એકાંકી જે ચાલીસ વર્ષો પહેલા લખાયેલું એનું પઠન થયું. એકાંકી દ્વિપાત્રી હતું. એમાંના પાત્રો રાજુ અને ઉમેશભાઈ એ ભજવ્યાં.
નિતાંત સુંદર એકાંકી. લાઘવનો શ્રેષ્ઠ નમૂનો. એકાંકીની શરૂઆતમાં  આપણને સાવ ભોળો લાગતો માણસ જમાનાનો ખાધેલ હોય એવો હોંશિયાર સાબિત થયો. આ  થયું પાત્રનું ચરિત્રમાં રૂપાંતર. રાજુ અને ઉમેશભાઈને એકાંકીને સુંદર રીતે રજુ કરવા બદ્દલ અઢળક અભિનંદન.

વાર્તાનું નાટકમાં રૂપાંતર કરવા એમાં નરેશન ઓછું કરવા સાથે સાથે સંવાદ વધારવા જોઈએ. નાટકમાં જે કંઈ વર્ણન હોય એ દેહભાષા કે આંગિક અભિનયથી આવે. 

વાર્તારસિકોમાંથી એક પ્રશ્ન આવ્યો કે વાર્તામાં બેંગ્લોર શહેરનો ઉલ્લેખ આવતો હોય તો  એનું આબેહુબ વર્ણન કરવું કેટલું જરૂરી છે? મધુભાઈએ કહ્યું કે બિલકુલ જરૂરી નથી. તમે વાર્તામાં બેંગ્લોરનું વર્ણન કરો કે ઇસ્તંબુલનું.. શું ફરક પડે છે?

પાંચ વાગવા અવ્યા હતાં બીજું સત્ર પણ સમાપ્ત થવા આવ્યું હતું. પાછળથી આવનારા વાર્તારસિકો માટે એમણે અંગ્રેજી શબ્દોનો બનો એટલો ઉપયોગ ટાળો વાળી વાત મધુભાઈ દોહરાવી. એમણે સમજાવ્યું કે અંગ્રેજી શબ્દોના ગુજરાતી પર્યાય શોધવામાં ઘણી માનસિક કસરત થાય છે અને મને એ અંગત રીતે ગમે છે.

છેલ્લે સુરતથી નેહા રાવલે
આવકારાનો જે પત્ર મોકલાવ્યો હતો એ મેં એટલે કે રાજુલે વાંચી સંભળાવ્યો.


~~ 

સૌથી પહેલા તો મધુ રાય જી ને...આવો...આવો..આવો...
ગેરહાજર રહી સૂરતથી હું આજની આ શિબિરમાં આપનું સ્વાગત કરું છું.

આજની આ શિબિરમાં હું સદેહે ભલે હાજર નથી પણ શબ્દદેહે હાજરી પુરાવી રહી છું. તમારા સૌની ઉપસ્થિતિમાં આ શિબિર જે  છેલ્લા લગભગ એક વર્ષથી ચાલી રહી છે એ  વિષે કંઈક કહેવા માંગું છું. બે દિવસ અને ત્રણ દિવસ ની શિબિરોના અનુભવ લીધા બાદ એવું પ્રતીત થાય છે કે દરેકની શીખવા અને શીખવાડવાની રીત ભલે અલગ હોય પરંતુ માત્ર માહિતીઓ અને વિચારોના આદાન પ્રદાનથી વાર્તા લેખનમાં નક્કર આગળ નથી વધાતું. એ સાથે ખુબ બધું વાંચન, અને લખવું જ જરૂરી છે! એ ભલે બે દિવસીય શિબિર હોય કે દરમહિને ચાલતી આ શિબિર! કોઈ પણ શિબિરના કોઈ પણ નવા ટાસ્કમાં  જો આગલા અનુભવો ન ઉમેરાતા હોય તો એ ટાસ્ક કરવાનો અર્થ નથી. એ રીતે જોતા મુંબઈ વાર્તા શિબિર જે રીતે ચાલી રહી છે, દર મહીને એક બેઠક.....એક ટાસ્ક... એની ચર્ચા અને પ્રતિક્રિયાઓ એ દરેક બેઠક બાદ વાર્તા લેખનમાં કંઈક  સુધારો અનુભવાય છે. પહેલા ટાસ્કની લખેલી વાર્તા અને સાતમી શિબિરની વાર્તાઓના લેખનમાં આંખે ઉડીને વળગે એવો ફેરફાર મેં અનુભવ્યો છે. કદાચ આ મારો અંગત અનુભવ પણ હોઈ શકે. મારી સમજણ પ્રમાણે આની પાછળ માત્ર શિબિરની બેઠક અને એની ચર્ચાઓ જ નહિ પણ એ દર બેઠક અને ટાસ્ક વચ્ચે  જે સમયગાળો છે, એ સમય દરમ્યાન શિબિરાર્થીઓના વિચારો, અનુભવો અને અવલોકનોમાં વાર્તા લેખનની દ્રષ્ટીએ જે ફેરફાર આવે છે તે મહત્વપૂર્ણ છે. એ સમય દરમ્યાન આગલી ચર્ચાઓ અને વાર્તા લેખન માં આવેલી મુશ્કેલીઓમાંથી કઈ રીતે સુપેરે એક સુંદર વાર્તા બહાર અવી શકે તે શીખી શકાય છે. આ અનુભવોનું ભાથું સુત્રધાર સાથેની પારદર્શિતા ને કારણે એટલું તો સમૃદ્ધ થઇ જ શક્યું છે કે પોતાની લખેલી વાર્તા પર પ્રતિક્રિયા આપી શકીએ છીએ અને એ પણ એક અગત્યનું પાસું છે. આપ આટલા બધા હાજર છો, સૌ ને  કંઈક કહેવું હશે તો વધારે સમય ન લેતા અહીંજ અટકું છું.

મધુરાયજી નો ખુબ ખુબ આભાર.

સુત્રધાર ને એમના સ્વપ્નો માટે ખુબ ખુબ શુભેચ્છાઓ.
નેહા રાવલ.

તા.૨૨-૧-૨૦૧૬
~~


આભાર  નેહા.

છેલ્લે છુટ્ટા પડતાં પહેલા મધુભાઈએ એક સોનેરી વાત કહી જે દરેક શબ્દપ્રેમીએ ગાંઠે બાંધી રાખવા જેવી છે. એમણે કહ્યું કે લખવાનો મહાવરો કેળવો. હમણા તમને લખવાથી પહેલા ઘણું વિચારવું પડતું હશે. પરંતુ હાથોટી આવ્યા પછી એની જરૂર હોતી નથી. 

શબ્દ એટલે માત્ર બોલાયેલો શબ્દ એટલું જ નહિ. પરંતુ શબ્દ એટલે નોઈઝ, એની અંદર રહેલા ઘોંઘાટની વાત એટલે વાર્તા. 

અને આ ઐતિહાસિક શિબિર આમ પૂરી થઈ.

હવે ફરી શરૂથી શરૂ કરીએ. સુત્રધાર સાથે બીજા દિવસે જ્યારે દૂરભાષયંત્ર (ફોન)માં વાત થઈ ત્યારે મને લાગ્યું કે એ બેઠકથી થોડા નિરાશ છે. અને એટલે જ એમણે પેલો ફિલ્મી ડાયલોગ માર્યો. 

"એક તો અમાસ હતી અને ઉપરથી ચન્દ્ર પણ કાળો ઉગ્યો!"

હા, ધારેલી એ રૂપરેખા જળવાઈ નહિ. પ્રશ્નોત્તરીનું આખું સત્ર કોરાણે રહી ગયું. (જો કે મેં અને કુસુમે અમારા ભાગનાં સવાલો સમય ચોરીને પૂછી જ લીધા.) કદાચ વાર્તાપઠન થોડું લંબાઈ ગયું અને એટલે  શિબિર થોડીક બોરિંગ પણ થઈ ગઈ. ફોરમનાં એક પણ સભ્યની વાર્તા એવી ના રહી કે જેને સારા માર્કસ આપી શકાય, કે ફુલ્લી પાસ કહી શકય ( સિવાય કે સુત્રધાર).પાંચમી કે છઠ્ઠી વાર્તા પછી તો ભલભલા ધીરજવંત પણ કંટાળી જાય ત્યાં મધુભાઈ એ દરેકે દરેક સભ્યની તેમજ અન્ય વાર્તારસિકોની વાર્તાઓ ધીરજપૂર્વક સાંભળી અને દરેક પર અભિપ્રાય લીધા અને દીધાં એ બદ્દલ ફોરમ એમનો હ્રદયપૂર્વક આભાર માને છે. રાજુની પોતાની વાર્તા સિવાય એકપણ નોંધપાત્ર વાર્તા ના મળી એમાં ક્યાં ચૂક થઈ ગઈ એ વિષે સુત્રધાર સાથે વાતચીત થઈ. એમણે મારો મત પૂછ્યો. મારું (એટલે કે રાજુલ) માનવું છે કે છેલ્લી લગભગ ચારેક બેઠકોથી આપણી ગતિ અને પ્રગતિ થંભી ગઈ છે. આપણે એક તસુભર પણ આગળ વધ્યા નથી! ફેબ્રુઆરી ૨૦૧૫માં બેઠકો શરૂ થયા બાદ મેહુલ પડિયા, જિજ્ઞા શાહ અને મીનાબેન ત્રિવેદી જેવા મિત્રો જેમણે કદીજ વાર્તા લખી નહોતી એ વાર્તા લખતાં થયા. મેહુલ અને મીનાબેન પાસેથી અમુક ઉત્કૃષ્ટ લઘુકથાઓ મળી. હિતેશ શ્રોફ જેવા નવા જોડાયેલા સભ્ય જે અંગ્રેજી માધ્યમમાં ભણ્યા છે એ ગુજરતીમાં લખતા થયા. છતાં ક્યાંક, કશુંક આપણે ચૂકી ગયા છીએ. કશુંક ચોક્કસ ખૂટે છે. એ શોધીને એના પર કામ કરવું રહ્યું. રાજુ પણ મારી આ વાત સાથે સહમત થયાં. અને નવું, કશુંક વધું સારું વિચારવા માટે કટિબદ્ધ થયા. આ બાબતે સભ્યોને પણ પોતાનાં મંતવ્યો શેર કરવા ઈજન.

મને બરાબર યાદ છે એ બીજી બેઠક જે બોરિવલી રહેતા ફોરમનાં સભ્ય બીનીતા પુરોહિતનાં ઘરે યોજાઈ હતી. સુત્રધાર રાજુએ હાજર સૌ મિત્રોને એક સવાલ કરેલો કે તમને શું લાગે છે? આ બેઠકો રેગ્યુલર કરવી જોઈએ કે નહિ? તમને રસ પડ્યો કે નહિ? ત્યારે એમણે મને કહેલુ કે, 'રાજુલ, આપ ઓલરેડી ક્યાંક પહોંચેલા છો. હું નથી જાણતો કે આ બેઠક આપને કશું આપી શકશે કે નહિ. પણ આપની પાસેથી આ બેઠકને કશુંક જરૂર મળી રહેશે.'

સુત્રધારજી,
હું નથી જાણતી કે હું આ ફોરમને કશુંક આપી શકી છું કે નહિ. પરંતુ આ ફોરમ પાસેથી મેં કશુંક મેળવ્યું જરૂર. ખૂબ સરસ મિત્રો અને એમનો અઢળક સ્નેહ. અહિંયા સુધીનો આ પ્રવાસ ખૂબ જ રસપ્રદ રહ્યો. પણ હવે થોડો બોરિંગ થઈ રહ્યો છે. રસ/કસ જળવાઈ રહે એ માટે ઠોસ પગલાં લેવા વિનંતિ.

અસ્તુ.

તા.ક. મધુભાઈ અને સુત્રધારની શિબિર પછીના બીજા દિવસે વાત થઈ.

મધુભાઈએ સંદેશો મોકલાવ્યો છે કે એમને શિબિરમાં હાજર રહેવું ખૂબજ ગમ્યું. આપણા સૌની સાથે સમય વીતાવવાની, વાર્તા વિષયક વાતો કરવાની, વિચારો વહેંચવાનીની એમણે મજા પડી.

એક ખુશખબરઃ
શિબિરનાં દિવસે વોલપેપર વિષય પર વંચાયેલી કૃતિઓમાંથી મધુભાઈને ગમેલી અમુક કૃતિઓ તેઓ 'મમતા'માં છાપવા માંગે છે અને સુત્રધારને એ કૃતિઓ મોકલવા કહ્યું છે.

ગ્રેટ. 

શ્રી મધુભાઈને 'વાર્તા રે વાર્તા' પરિવાર તરફથી મારા સાદર વંદન.
__/\__


આખા દિવસની શિબિર નો નીચોડ એટલે આ ફોટો!






~~ રાજુલ ભાનુશાલી (વાર્તા રે વાર્તા ટીમ)

                                           

5 comments :

  1. રાજુલનો અહેવાલ વાંચતા હનુમાનજી સાંભર્યા! એ આખી શિબિર ઊંચકી લઇ આવે.જેને જે(ઔષધિ)ખપની લાગે તે ગટગટાવે.��

    ReplyDelete
  2. સુંદર અહેવાલ માટે ફરીએકવાર અભિનંદન... રાજુલ. શિબિર ને તમે શુંઆપીશકો.....એનો જવાબ આપ આવા સુંદર આહેવાલ લખીને આપીજ રહ્યાછો. દુરરહીને આશિબિરમાંથી શીખનાર દરેક સભ્ય કઈ પણ ચુકી ન જાય એની કાળજી રાખી , આપ જે રીતે શિબિરની દરેકપળને આહેવાલમાં સમાવોછો , એમાટે દુરથી શીખનારા સહુવતી આભાર. આ શિબિરની અભૂતપૂર્વ, ઐતિહાસિક ઘટના ......સુત્રધારનું સમયસરનું આગમન..... આહેવાલમાં કઈ રીતેચુકાઈ ગઈ..? :)

    ReplyDelete
  3. ખૂબ ખૂબ આભાર આ વિગતવાર અહેવાલ માટે. આગામી શિબિરથી હું જોડાવા ઈચ્છું છું. શક્ય છે?

    ReplyDelete
    Replies
    1. જી ચોક્કસ.. મુંબઈ અને સુરતમાં નિયમિત શિબિરો થઇ રહી છે અને અમદાવાદમાં જલ્દી જ શરુ થવાની વકી છે.

      Delete
    2. આપને અમારા whats app group માં add કરું છું.. ત્યાં જ તારીખ-સ્થળ વગેરે નક્કી થશે.

      Delete