Tuesday 22 March 2016

જોડણી વિષયક ~~ ૩

જોડણી વિષે થોડીક જાણકારી-- ફેસબુક ફોરમ 'ગઝલ તો હું લખું' પરથી સાભાર.



*કેટલાક એવા શબ્દો જોઈએ કે જેમાં અનુસ્વાર ન આવતો હોવા છતાં ઘણાં અનુસ્વાર કરવાની ભૂલ કરે છે
અશુદ્ધ ---------------------------------- શુદ્ધ
હોંશિયાર ( 'હો' પર અનુસ્વાર ) - હોશિયાર
મહેંક ( 'હે' પર અનુસ્વાર ) - મહેક
ઘંઉં ( 'ઘ' પર અનુસ્વાર ) - ઘઉં
નિંદ્રા ( 'નિ' પર અનુસ્વાર ) - નિદ્રા
મોંઢું ( 'મો' પર અનુસ્વાર ) - મોઢું

* ઘણીવાર એવું બને છે કે અનુનાસિક વ્યંજન અને અનુસ્વાર બંને સાથે હોય ત્યારે અનુસ્વાર રહી જાય છે. જેમ કે ,
- 'સંન્યાસી ' શબ્દમાં બંને છે, છતાં ઘણીવાર 'સન્યાસી' એમ થઇ જાય છે
- 'સાંનિધ્ય' શબ્દમાં પણ અનુસ્વાર અને 'ન' બંને છે, ત્યાં પણ 'સાનિધ્ય' એમ લખાઈ જતું હોય છે.

* કેટલાક શબ્દો એવા છે કે અનુસ્વાર સાથે અને અનુસ્વાર વગર પણ સાચા છે જેમ કે ,
કિંમત - અનુસ્વાર સાથે અને 'કીમત' - અનુસ્વાર વિના.
વાંચન - અનુસ્વાર સાથે અને 'વાચન' - અનુસ્વાર વિના
નહીં - અનુસ્વાર સાથે અને 'નહિ' - અનુસ્વાર વિના

એ જ રીતે..
દરેક વખતે અનુસ્વારનો ઉચ્ચાર એકસરખો થતો નથી, એમાં પણ વિવિધતા છે. સામાન્ય રીતે આપણે અનુસ્વારનો ઉચ્ચાર 'હલંત ન' જેવો કરીએ છે. જેમ કે , કંચન. અને એ મુજબ આપણે બાળકને બારાક્ષરી શીખવીએ છીએ ત્યારે કહીએ છીએ કે ,' ક'ને માથે મીંડું 'કં.'

પરંતુ, 'કંપાસ' જેવો શબ્દ આવશે ત્યારે ત્યાં આપણે 'હલંત મ' જેવો ઉચ્ચાર કરીએ છીએ અને ત્યારે બાળક પણ મૂંઝાશે તેમ જ નિયમનો ખ્યાલ ન હોવાથી આપણે પણ બાળકને સમજાવી શકતા નથી કે માથે મીંડું હોય તો 'કંચન'માં 'ન' અને 'કંપાસ'માં 'મ' કેમ થાય ?

આપણે જાણીએ છીએ કે વર્ણમાળાના 'ક'થી 'મ' સુધીના વ્યંજનોને પાંચ વર્ગોમાં વહેંચવામાં આવ્યા છે :
ક વર્ગ - ક , ખ , ગ, ઘ, ( ङ् )
ચ વર્ગ - ચ, છ, જ, ઝ , ( ञ् )
ટ વર્ગ - ટ, ઠ, ડ, ઢ, ( ણ )
ત વર્ગ - ત, થ, દ, ધ, ( ન )
પ વર્ગ - પ, ફ, બ, ભ, ( મ )
--આ પાંચેય વર્ગોમાં પાંચમો વર્ણ છે તે અનુનાસિક છે , જે મોટાભાગે અનુસ્વાર તરીકે વપરાય છે તેથી અનુસ્વાર પછી જે વર્ગનો વર્ણ હોય તે વર્ગના અનુનાસિક વર્ણ મુજબ અનુસ્વારનો ઉચ્ચાર યોગ્ય ગણાય.જેમ કે , કંઠ = કણ્ઠ , શાંત = શાન્ત , ચંપા = ચમ્પા ( 'ચંપા'માં અનુસ્વાર પછી 'પ'વર્ગનો વર્ણ આવે છે અને તેનો છેલ્લો વર્ણ 'મ' છે એટલે ત્યાં અનુસ્વારનો ઉચ્ચાર 'મ' થાય છે )

એટલે કે,
પ, ફ, બ, ભ - ની પહેલાં અનુસ્વાર આવે છે ત્યારે તેનો ઉચ્ચાર 'મ્' થાય છે.
જેમ કે,
અંબા, રંભા, આંબો, સંપત્તિ, ભૂકંપ

*ચાવીરૂપ શબ્દ પુલ્લિંગ હોય તો અનુસ્વાર ન આવે.
- જયેશભાઈ આવ્યા. અહીં ચાવીરૂપ શબ્દ 'જયેશભાઈ' છે જે પુલ્લિંગ છે એટલે 'આવ્યા' પર અનુસ્વાર નહિ આવે.
- ગેસના બાટલા મોંઘા થયા છે. અહી ચાવીરૂપ શબ્દ 'બાટલા' પુલ્લિંગ છે એટલે બહુવચનમાં હોવા છતાં 'બાટલા' અને તેના વિશેષણ 'મોંઘા' પર અનુસ્વાર નહિ આવે.

*ચાવીરૂપ શબ્દ સ્ત્રીલિંગ હોય તો -
- એકવચનમાં અનુસ્વાર નહિ આવે. જેમ કે, જ્યોતિ આવી. અહી ચાવીરૂપ શબ્દ જ્યોતિ' સ્ત્રીલિંગ છે એટલે 'આવી' પર અનુસ્વાર નહિ આવે. પરંતુ સ્ત્રીલિંગમાં બહુવચન કે માનાર્થે અનુસ્વાર અવશ્ય આવે. જેમ કે, 'જ્યોતિબહેન આવ્યાં.' અહી 'જ્યોતિબહેન' સ્ત્રીલિંગ શબ્દ અને માનાર્થે વપરાયો છે એટલે 'આવ્યાં' એમ થશે.

*શ્રી લલિત રાણા 'આતશ ભારતીય'નો પ્રથમ ગઝલસંગ્રહ ઈ.સ. ૧૯૯૧માં પ્રકાશિત થયો, જેનું નામ છે ' ખરાં છો તમે !' અને કૈલાસ પંડિતનો મરણોત્તર 'સમગ્ર કૈલાસ' ઈ.સ. ૧૯૯૫માં તૈયાર થયો , તેનું નામ ' ખરા છો તમે !' છે. બંને સંગ્રહોના નામ સરખાં લાગે છે પણ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે લલિત રાણાના સંગ્રહ 'ખરાં છો તમે !'માં 'ખરાં' પર અનુસ્વાર છે, કૈલાસ પંડિતના 'ખરા છો તમે !'માં 'ખરા' પર અનુસ્વાર નથી. એટલે સમજી શકાય છે કે લલિત રાણાનો સંગ્રહ નારીજાતિને સંબોધિત છે જયારે કૈલાસ પંડિતનો સંગ્રહ નરજાતિને સંબોધિત છે.

~~મગન 'મંગલપંથી

'ગઝલ તો હું લખું'ની લિન્ક સાથે આપી છે.

https://www.facebook.com/groups/gazaltohulakhu/permalink/1005105669580199/


No comments :

Post a Comment