Tuesday 22 March 2016

ટેબલ ~~ રાજુલ ભાનુશાલી



ફોરમનાં સભ્ય રાજુલની ટાસ્ક દરમિયાન લખાયેલી વાર્તા 'ટેબલ' કચ્છથી પ્રકાશિત થતાં સમાચારપત્ર ‘કચ્છમિત્ર’માં તારીખ ૧૭-૧૧-૨૦૧૫, મંગળવારની’જેડલ’ પૂર્તિમાં પ્રકાશિત થઈ.

~~ ‘ટેબલ’ ~~




નિત્યક્રમથી પરવારીને અભયે મેઈનડોર ખોલી જાળીમાં અટકાવેલા છાપાં ઉપાડ્યાં અને આવીને પોતાનાં ટેબલ પર બેઠો. આ એનો રોજિંદો ક્રમ. બે સમાચાર પત્ર, એક અડધિયું અને એકાદ બે સામાયિક પણ ખરાં જ. ‘કચ્છમિત્ર’ એનું પ્રિય છાપું. અભયને કચ્છમિત્ર છાપું ઓછું અને સુખદુઃખની વાતો કરનાર મિત્ર જેવો વધુ લાગતો. એમાંનો અક્ષરેઅક્ષર એ ફેંદી વળતો. છાપાં હાથમાં આવ્યાં નથી કે એમની સંગાથે લગભગ કલાક દોઢ તો સાચો! અને સવારનાં કશું વાંચવાનું રહી તો નથી ગયું ને એ જોવા સાંજે ઓફિસેથી આવીને પાછો એ પોતાનાં ટેબલ પર ગોઠવાઈ જતો.

અનિતા- અભયની પત્ની આખ્ખી સવાર છાપાં સાથે પસાર કરવાની એની આ ટેવથી ખાસ્સી ચીડાય. આજે પણ એ ચા નો કપ લઈને અંદર આવી. અભયે છાપામાંથી ડોકું બહાર કાઢીને એક હુંફાળું સ્મિત આપ્યું અને અનિતાના હાથમાંથી કપ લેવા માટે હાથ લંબાવ્યો. અનિતાએ કપ હાથમાં આપવાને બદલે ત્યાંજ ઉભાંઉભાં લગભગ પછાડવાની હદે ટેબલ પર મુક્યો. એકાદ બે ટીપા ચા ટેબલ પર છલકાઈ. ચાનાં કપથી રોજ રચાતાં નવા નવા કુંડાળામાં એકનો વધારો થયો. અભય મલક્યો. એણે હાથ લંબાવીને કપ લઈ લીધો અને ગરમાગરમ ફુદીનાવાળી ચા નો ઘૂંટડો ભર્યો.

“વાહ.. આ તારા હાથની ગરમાગરમ ચા અને છાપાં ના હોય તો મા..રી સ…વાર સૂ…ની..” હજુ વાક્ય પૂરું થાય એ પહેલા જ અનિતા પગ પછાડતી ચાલી ગઈ.

ઠેકઠેકાણેથી ઉખડી ગયેલો સનમાઈકા, બોલપેન અને સ્કેચપેનથી કરાયેલાં લીટોડાનાં અમીટ નિશાન, જાતજાતની ખાવાપીવાની ચીજોના ડાઘાં અને હા વર્તુળની અણીથી ટેબલનાં બન્ને ખૂણામાં કોતરેલું એનું અને મોટીબેનનું નામ!

ટેબલનો આ તરફનો ખૂણો જ્યાં એનું નામ કોતરેલું એ ભાગ એનો અને જ્યાં ‘મોટીબેન’ કોતરેલું એ ભાગ મોટીબેનનો.

આ બધો ટેબલનો અસબાબ અને હા…અભયનો પણ ખરો.

ચાનો કપ પૂરો કરી ફરી એણે છાપામાં ડોકું ખોસી દીધું.

થોડીવારે ફરી અનિતા રૂમમાં આવી. એણે ચાનો ખાલી કપ ઉપાડ્યો. “બહાર ડાઈનિંગ ટેબલ પર ચા પીવા બેસતાં હો તો?” એણે છણકો કર્યો.

મુંબઈ જેવા ‘મેગાસીટી’ માંથી પરણીને કચ્છનાં ‘મીનીસીટી’ જેવાં એક નાનકડાં શહેર ગાંધીધામમાં આવેલી અનિતાને અભયની ઘણી બધી આદતો અને વસ્તુઓ સામે ફરિયાદ હતી. પણ એકંદરે એનો સ્વભાવ પ્રેમાળ. અભય પણ એટલે જ એની આવી નાની નાની ટોકટોક પ્રત્યે આંખ આડા કાન કરતો. આજે પણ એણે એ જ કર્યું. અનિતા સામે જોઈ એ હસ્યો.

“ત્રણ વર્ષ થયાં મને આ ઘરમાં, તમને કહી કહીને થાકી ગઈ પણ તમને ક્યાં કોઈ ફેર પડે છે! આ તમારાં ખખડધજ્જ ટેબલે લગભગ અડધો ઓરડો રોકી રાખ્યો છે. ગઈકાલે મેં ભંગારવાળાને કહી દીધું છે, એ આજે આવીને લઈ જશે.” અનિતાએ છણકો કર્યો.

અને..

અભયનાં આખા શરીરમાં ધ્રુજારી વ્યાપી ગઈ. એને છાતીનાં પાટિયાં બેસી જતાં લાગ્યાં.

૨૬મી જાન્યુઆરી ૨૦૦૧, પ્રજાસત્તાક દિવસની કાળમુખી સવારે કચ્છમાં આવેલા એ વિનાશક ભુંકપની
બિહામણી ક્ષણો ફરી આંખો સામે આવી ગઈ.

ધરતી જાણે છાજિયાં લેતી હોય એમ દસે દિશાઓમાં ડોકું હલાવી હલાવી ધૂણતી હતી. એને છાતી કૂટવામાં જાણે હાથ અને સાથ આપવા માંગતા હોય એમ આખ્ખું છજું અને દરવાજા તરફનો ભાગ ધસી પડ્યાં. બા એ ઘડીનાય વિલંબ વિના એને અને મોટીબેનને ટેબલ નીચે હડસેલ્યાં .. એ સાથેજ છત તૂટી પડી..

અને..

અભયને લાગ્યું જાણે ફરી એ દિવસે ઉડેલી ધૂળનાં ગોટેગોટા એની શ્વાસનળીમાં પેસી ગયાં છે..

~~ રાજુલ ભાનુશાલી

                                                       



No comments :

Post a Comment