Friday 3 August 2018

વારતા શિબિર -  ૭ (અમદાવાદ) - સુનિલ.

અમદાવાદ વારતા શિબિર: ૨૯ જુલાઈ,૨૦૧૮- એક અહેવાલ.- સુનિલ.
---------------------


સૂત્રધારે વારેવા ગ્રુપમાં પોસ્ટ મૂકીને એવી જાહેરાત કરી હતી કે આગામી શિબિરમાં ટાસ્કકર્તાઓના ઉત્તર પર વિમર્શ થશે. એ પોસ્ટની બે અસરો થઈ.ઘણા મિત્રોએ આવવાનું નક્કી કર્યું અને ઘણા ટાસ્કકર્તાઓ ડર મિશ્રિત ઉત્તેજના અનુભવતાં ઓગણતીસ તારીખની રાહ જોઈ રહ્યા,અને એ દિવસ આવી પણ ગયો!છેક અંજારથી વારતા શિબિરમાં ભાગ લેવા માટે નીલ મુરાની પણ આવી પહોંચ્યા હતા.અમે જ્યારે સ્ક્રેપયાર્ડમાં પ્રવેશ્યા ત્યારે એક સન્નારી (લતા) અમારા પણ પહેલા ત્યાં આવી ચુક્યા હતા,એમને પૂછતાં જાણવા મળ્યું કે તેઓ પણ વારતા શિબિરમાં ભાગ લેવા પધાર્યા હતા.છાયા હજુ પહોંચ્યા ન હતા.સાડા અગિયારે સૂત્રધારે શિબિરનું સંચાલન સંભાળ્યું.સૂત્રધારના મુખેથી નીકળેલ પહેલું જે વાક્ય સૌએ ઝીલ્યું, તે  એ હતું કે, શું આ વખતના ટાસ્ક ઉત્તરોથી સૌને સંતોષ થયો છે?શું એમ લાગે છે કે ટાસ્ક ઉત્તરોની ક્વોલિટી ઘટી છે?


 જેના જવાબમાં શબ્દ ફેરે સૌ શિબિરાર્થીઓનો સુર સમાન હતો કે, હા, આ વખતે ઉત્તરોમાં ક્વોલિટી જોવા ન મળી.ટાસ્ક સ્વરૂપ જ એવું હતું કે બધાએ ઘણું સારું કરવાની કોશિશ કરી.કોઈકે ટાસ્કમાં ઉણા ઉતરવા બદલ  ઓછા સંવાદોવાળા ટાસ્કને જવાબદાર માન્યા તો કોઈકે ટોટલ સંવાદવાળા ટાસ્કને જવાબદાર ઠેરવ્યા. બધાના જવાબ શાંતિથી સાંભળી રહ્યાં બાદ સૂત્રધારે આ મુજબ કહ્યું.
"આ વખતના ટાસ્ક વિકલ્પો આપવાનો અને શિબિરાર્થીઓને સમૂહમાં વહેંચવાનો ધ્યેય એક જ હતો.આપ સહુને આપના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢવા!"
" અને જ્યારે કમ્ફર્ટ ઝોન તૂટે ત્યારે પરિણામો પ્રોત્સાહક જ હોય એ જરૂરી નથી.પરિણામો નબળા પણ આવી શકે"
"હું આ વખતના ટાસ્ક ઉત્તરોથી  થોડોક નિરાશ થયો છું."


સૂત્રધારે ફરી છાયાને યાદ કર્યા કે એ  કેમ નથી પહોંચ્યા. એકતાએ કોલ કર્યો પણ નો આન્સર. સૂત્રધારે છાયા હેમખેમ હોય એવી ઉમેદ જાહેર કરી. આ દરમિયાન થોડા વધુ શિબિરાર્થીઓ આવી પહોંચ્યા.કિરણ, મેઘા,રવિ. એ સિવાય આજે પહેલીવાર જોડાયેલ શિબિરાર્થીઓમાં, ફરીદ તમગદ વાલા, ગજ્જર આનંદ હતા. ચાંદની, સંકેત, પાર્થ, નિલેશ, વ્રજેશ,સુનિલ,રાબેતા મુજબ હાજર હતા. કિરણ અને મેઘાએ એમના પરિચયમાં જણાવ્યું કે એકતાના લખાણમાં આવેલા અદ્ભૂત પરિવર્તનના મૂળ ક્યાં છે એ શોધતા અહીં આવી પહોંચ્યા હતા,મૂળે એ  બંને સન્નારીઓ કવિયત્રી હતાં. વેલ વિશર વુમન ક્લબના મેમ્બર્સ.જ્યાં તેઓ આપેલ શબ્દો પરથી લઘુકથા લખતા.એમની સાથે જ આવેલ એક પડછંદ વ્યક્તિને એમનો પરિચય આપવા કહ્યું ત્યારે એમણે એક નામ ઉચાર્યુ. રવિ વિરપરિયા. " અરે!!" લગભગ બધાના મોઢેથી આ જ શબ્દ નીકળી ગયો હતો.એના કારણમાં કદાચ એમનું "ક્રોસિંગ ગર્લ" પુસ્તક અને એમનું પ્રથમવાર શિબિરમાં આવવું તથા એક્દમથી ન ઓળખવું કારણભૂત હતું.આનંદ ગજ્જરે પોતાનો પરિચય આપતા જણાવ્યું કે તેઓ માતૃભારતી પર લખે છે અને શિબિરની પ્રવૃત્તિથી પ્રેરાઈને થઈને આજે ભાગ લેવા આવ્યા હતા.ફરીદે જણાવ્યું કે તેવો કેમેસ્ટ્રીના શિક્ષક છે અને વાચન એમનો શોખ છે હવે લેખનમાં પણ સક્રિય થવાથી વધુ જાણવાની-શીખવાની ઉસ્તુકતાથી શિબિરમાં આવ્યા હતા.લતાએ પણ એમના પરિચયમાં એમ જણાવ્યું કે એમને કવિતા લખાણમાં રસ છે અને તેઓ કવિતા પણ કરે છે.આ તબક્કે સૂત્રધારે એવી ટિપ્પણી કરી કે, હું ઈચ્છું છું કે એક કવિતા શિબિર પણ લેવાવી જોઈએ.



નિલેશ પોતે એન્જીનીયર છે એમ જણાવ્યું અને સરકારી નોકરી ધરાવે છે.લેખન છેલ્લા દોઢ વર્ષથી કરે છે એવો ટૂંકો પરિચય આપી રહ્યા.નરેન્દ્ર પોતે પેથોલોજી લેબોરેટરી ચલાવે છે જ્યારે વ્રજેશ બેન્કમાં જોબ કરે છે એમ તેઓએ જણાવ્યું.પાર્થ અને સંકેત પણ એમને ફોલો થયા. છેલ્લે મારો વારો હતો.મેં પણ 'જાણવાજોગ' પરિચય આપી દીધો.
વીસેક મિનિટ લાંબા ચાલેલ પરિચય વિધિમાં ઉડીને આંખે વળગે એવી વિશેષતા એ હતી કે આવેલા લગભગ સૌ આગંતુકો સર્જન ક્ષેત્રે તદ્દન નવા જ હતા.સિવાય કે વ્રજેશ. તેઓ વર્ષોથી લખે છે એવું એકવાર એમણે જણાવેલું,કદાચ ૧૯૯૦થી.

સૂત્રધારે આગળ વધતા જણાવ્યું કે આપણી વારતા શિબિરને આઠ આઠ મહિના થવા આવ્યા પણ જોઈએ એવો સુધારો હજુ નજરે પડતો નથી એવું દેખાય છે.તેમણે એટલે કે સૂત્રધારે જણાવ્યું કે "કદાચ હું સમજાવું છું એમાં આપને ખબર નથી પડતી અથવા કોઈ અન્ય કારણોસર મારાથી સમજાવવામાં કોઈ ચૂક થતી હોય એમ લાગે છે એટલે સમજાતું નથી કે શું?" "આ પ્રકારના નબળા રિજલ્ટની જવાબદારી મારે લેવી જ જોઈએ અને એ હું લઉં છું."સૂત્રધારે એક મહત્વનો મુદ્દો કહયો કે શું તમને ખબર છે આપણે ક્યાં પાછળ પડીએ છીએ?એના જવાબમાં નરેને કહ્યું કે "કદાચ વધુ અને યોગ્ય વાંચનનો અભાવ" કારણભૂત હોઈ શકે."કરેક્ટ" સૂત્રધારે અનુમોદન આપ્યું હતું.
સૂત્રધાર સૌ ટાસ્કકર્તા પાસે પોતપોતાના ટાસ્ક ઉત્તરોની પ્રિન્ટ આઉટ માગી રહ્યા પણ નરેન્દ્ર અને નિલેશ સિવાય સૌએ મોબાઈલ જ બતાવ્યો!દેખાઈ રહ્યું હતું કે સૂત્રધાર ઉપસ્થિત ટાસ્કકર્તાઓના આ વલણથી ખિન્ન હતા.એમણે જણાવ્યું કે પ્રિન્ટ આઉટ વાંચીને  વાર્તામાં કઈ જગ્યાએ શું ક્ષતિ થઈ ગઈ એ વધુ વિસ્તારપૂર્વક જાણી શકત.વાતાવરણ એકદમ ભારે થઈ ગયું હતું ત્યારે સૂત્રધારે આનંદ પાસે એમના ટાસ્કની પ્રિન્ટ આઉટ માગી."આનંદ તમે ભલે ટાસ્ક ઉત્તર નથી લખ્યો પણ તમારી વાર્તાની પ્રિન્ટ આઉટ તો આપો?" જવાબમાં આનંદ કહી રહ્યા કે "હું તો શિબિરમાં હજુ નવો જ છું!", એટલે સૂત્રધારે આગળ પૂછ્યું કે " એનો મતલબ એમ કે વારતા ના લખો તો પ્રિન્ટ આઉટ પણ ના લાવવાની?" જવાબમાં આનંદ ખમચાઈ ગયા અને ફરી દોહરાવ્યું કે પણ હું તો શિબિરમાં આજે જ આવ્યો! ક્ષણભરમાં  જાણે હાસ્યનો ગુબ્બારો ફૂટી રહયો હોય એમ સૌ ખડખડાટ હસી પડ્યા.વાતાવરણ એક્દમથી હળવું થઈ ગયું.મેં માર્ક કર્યું કે વાતાવરણને હળવું કરી નાખવામાં સૂત્રધાર સિદ્ધ હસ્ત છે.નિલેશની વારતા "જાદુઈ અરીસો"ની પ્રિન્ટ આઉટ પર નજર નાખ્યા બાદ સૂત્રધારે જણાવ્યું કે "વાર્તામાં ઘટનાઓની ભરમાર છે અને એટલે જ આ વારતા ઘટનાઓનો ઢગલો બનીને રહી જાય છે"નિલે જ્યારે જણાવ્યું કે એમણે અત્યાર સુધીમાં ચાલીસ વારતા લખી છે ત્યારે સૂત્રધારે એક ઉપયોગી સૂચન એ તબક્કે કર્યું કે, ઘટનાનો ઉપયોગ વાર્તામાં કશુંક કહેવા માટે હોવો જોઈએ ન કે એ ઘટનાની આસપાસ જ વારતા ફર્યા કરે.

નરેન્દ્રની વાર્તાઓની પ્રિન્ટ આઉટ  પર નજર નાખ્યા બાદ ટિપ્પણી કરતા સૂત્રધારે જણાવ્યું કે રાપ્તિ સાગરના નામે પ્રસ્તુત થયેલ નરેનની વાર્તાઓમાં "થોર" વારતા સારી હતી પણ અમુક અંશે એ વારતા અસ્પષ્ટ હતી.વાર્તામાં જે ઇશારાઓ/ઈંગીતો હોવા જોઈએ/મુકવા જોઈએ એવું બન્યું નહીં અને વારતા  અમુક અંશે અસ્પષ્ટ બની રહી.વાર્તામાં ઈશારા હોત તો વારતા વાચતા ઉદભવતા પ્રશ્નોના જવાબ મળી રહેત અને એક સારી વારતા પ્રાપ્ત થતી.એ સુધારા હોવા ઘટે.

નિલેશની બાજુમાં જ ફરીદ બેઠા હતા એટલે એમનો નંબર આવ્યો.ફરીદના હિમસાગર એક્સપ્રેસના બેનર હેઠળ આવેલ ઉત્તરોએ સૌ ટાસ્કકર્તાઓને નામ જાહેર થયા ત્યારે આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા હતા.કારણ લે ફરીદ માટે એવી ધારણા હતી કે એમનું ગ્રામર કાચું છે અથવા જોડણી ભૂલો ખૂબ રહે છે.મને લાગે છે કે પ્રતિક્રિયાઓની તીવ્રતાનો આધાર હંમેશા આપણી ધારણાઓ આધારિત જ રહેતો હોય છે.જેવી ફરીદ માટેની ધારણા તૂટી એવી જ તીવ્ર પ્રતિક્રિયાઓ આપણે જોઈ અને વાંચી હતી.ફરી એકવાર સૂત્રધારે એમને પોતાના લખાણમાં આટલો બદલાવ લાવવા બદલ ખુબ અભિનંદન આપ્યા અને મંગળ ગ્રહ આધારિત એક વાર્તા મુદ્દે કહ્યું કે એ વાર્તામાં કલ્પના શક્તિ ખૂબ ઉપયોગમાં લેવાઇ છે.એના જવાબમાં ફરીદે  'સેવન વન્ડર્સ' નામે એક ફિલ્મનો હવાલો આપ્યો હતો.ફરીદ પછી સુનિલનો નંબર આવતો હતો.સૂત્રધારે એમની પાસે પણ એમની વાર્તાઓની પ્રિન્ટ આઉટ માગી.સુનિલે કશોક જવાબ આપ્યો.સૂત્રધારે આશ્ચર્ય વ્યક્ત કર્યું કારણ કે ટાસ્કકર્તાઓને ઉદ્દેશીને પ્રિન્ટ આઉટ લાવવાની પોસ્ટ એમણે જ કરી હતી અને એ જ નહતા લાવ્યા!ખેર! સૂત્રધારે આગળ વધતા જણાવ્યું કે એમની એક વાર્તા ઘણી સારી લખાઈ હતી.ફોર્થ ડાઈમેન્સન.એ વાચતા લાગ્યું જ નહીં કે આ કોઈ શિખાઉ વાર્તાકારે લખી છે.ફોર્થ ડાઈમેનશન પરની સૂત્રધારની ટિપ્પણી આગળ શું હતી એ યાદ નથી એટલે લખવાનું મુલતવુ છું.એક વધુ વારતા 'અભિનેત્રી' પર પણ એમણે ટિપ્પણી આપી કે ઘટનાઓ ઘણી બને છે વાર્તામાં પણ વારતા એવી હોવી જોઈએ કે વાચકોને વિચારતા કરે. આ વારતા સરળ રીતે ચાલે છે અને એમાં લેખક વારંવાર ડોકાય છે.સૂત્રધાર તરફથી સુનિલને પૂછવામાં આવ્યું કે શું તમને સમજાય છે કે હું શું કહેવા માગું છું? જવાબમાં સુનિલે કહ્યું કે હા,વારતા ગોઠવી ગોઠવીને ન લખવી જોઈએ.પ્રત્યુત્તરમાં સૂત્રધારે કહ્યું કે વારતા તો ગોઠવીને જ લખવાની હોય પણ લેખક વાર્તામાં દેખાઈ જવો ન જોઈએ.એક ઉદાહરણ આપતા એમણે જણાવ્યું કે જેમ આ જગતની રચના ઈશ્વરની  છે પણ તેને જોઈ શકતા નથી એમ વારતા એ લેખકનું સર્જન છે અને એ એવી રીતે લખાવી જોઈએ કે એમાં લેખક અદ્રશ્ય રહેવો જોઈએ.
સૂત્રધારે સૌ તરફ જોતા પૂછ્યું કે શું તમને હું એક ટીપ/મંત્ર આપું?જવાબમાં સૌએ ડોકું હલાવીને હા કહ્યું.સૂત્રધારે ટીપ આપતા કહ્યું કે, "તમારી વારતા એવી ક્યારેય ન હોવી જોઈએ કે ફક્ત ચાર લાઈનમાં કહેવાય જાય!"ચાર લાઈનમાં કહેવાય જાય એ વારતા પાછળ ચાલીસ લાઇન લખવાનો અર્થ શો!વારતા એવી હોવી જોઈએ કે વિચારતા કરે યા વિચારવા માટે નક્કર મુદ્દો છોડી જાય." 'લાગણીના વાવેતર' વારતા પર સુત્રધારની ટિપ્પણી એવી હતી કે વાર્તામાં જો લાગણીવિહીનતાની અસર અન્ય જીવ અને પ્રકૃતિ પર પડતી પણ બતાવી હોત તો વારતા વધુ નિખરી ઉઠત.'હરામખોર' વારતા જે બે યુવતીઓના સજાતીય સંબંધો પર આધારિત હતી એ મુદ્દે સૂત્રધારની ટિપ્પણી એવી રહી કે પિતાના પાત્રનું કઠોર હોવું કન્વીનસિંગ નથી થતું. સુનિલની ટોટલ છ વાર્તાઓ હતી એટલે આગળની વારતાઓ બાબતે સુનિલને પૂછતાં એમણે જણાવ્યું કે એક મિનિટ હું ટાઇટલ જોઈ લઉં,મને ટાઇટલ યાદ નથી રહ્યાં!એ પર સૂત્રધારે કહ્યું કે જો તમને તમારી વારતાઓ યાદ નથી રહી તો વાંચક કેવી રીતે યાદ રાખી શકશે?બાકીની વારતાઓ પર યોગ્ય સૂચનો મેળવ્યા બાદ સુનિલની બાજુમાં સ્થાન ગ્રહણ કરી રહેલ વ્રજેશનો વારો આવ્યો.ટેન જમ્મુ એક્સપ્રેસ નામે પ્રસ્તુત થયેલ એમનો ટાસ્ક ઉત્તર "૨૩ ઓક્ટોબર' પર વિમર્શ થયો.વ્રજેશ પૂછી રહ્યા હતા કે આખરે વાર્તામાં શું નથી સમજાતું એ કહો.હાજર શિબિરાર્થીમાંથી કેટલાકે જણાવ્યું કે એકટર મલ્હાર ઉદ્ઘાટન કરવા આવવાનો હતો એના બદલે અન્યએ ઉદ્ઘાટન કરી નાખ્યું એ કન્વીન્સ નથી થતું વાર્તાને અંતે.વ્રજેશનું કહેવું હતું કે વારતાનો મર્મ જ એ છે.વ્રજેશ કહી રહ્યા હતા કે છેલ્લે જે ઝાકળના ટીપાં દર્શવવામાં આવ્યા છે એ હતા સુખના આંસુ.સૂત્રધારે આ તબક્કે ટિપ્પણી આપી કે વારતાનો સુર અને વિષય યોગ્ય હોવા છતાં એના નિરૂપણમાં ક્ષતિ રહી ગઈ છે જે લેખકે અમુક ઈંગીતો મૂકીને વાચકના મનમાં ઉદ્દભવતી અસ્પષ્ટતા વિખેરી નાખવી રહી. વ્રજેશનો આગ્રહ હતો કે એમની વારતામાં ચોક્કસપણે શું ક્ષતિ છે એ વાચનારાઓએ જણાવવું જોઈએ - આ સવાલ સામે મળતા જવાબથી એ સંતુષ્ટ નહોતા થતાં, એક તબક્કે સુત્રધારે કહ્યું કે વાચકો તમારી એ અપેક્ષા કે જે પણ વારતામાં દોષ છે એ સ્પષ્ટ રીતે વાંચનારે જણાવવો જોઈએ એ છે તો આદર્શ અપેક્ષા પણ આદર્શ અપેક્ષા ક્યારે અને ક્યાં સંતોષાઈ છે ? શું આપણી શાળાઓમાં આદર્શ શિક્ષણ અપાય છે ? શું આપણા શિક્ષકો આદર્શ શિક્ષકો છે ? વાંચનારાઓ પણ વારતા  કલાને સમજવાની મથામણ કરનારા વિદ્યાર્થીઓ છે એમની પાસે તમે વધુ સ્પષ્ટ ટીકાની અપેક્ષા ન રાખી શકો. વ્રજેશે કહ્યું એ માન્યું પણ તો મારે આ વારતામાં સુધાર કરવો હોય તો કેમનો કરવો ? કેમ કે મારી રીતે આ વારતામાં કોઈ ખોટ નથી - સુત્રધારે કહ્યું - અને આપણે જોઈ શકીએ છીએ કે વારતા સમગ્રપણે વાચકો સુધી પહોંચી નથી ! વ્રજેશે કહ્યું ‘ તો આ ફરક શું રહી ગયો એ કેમ સમજાય ?’ સુત્રધારે સુઝાવ આપ્યો ‘ આ વારતા હાલ બાજુમાં મૂકી દો, અમુક સમય વીત્યા બાદ તમે એની તરફ તટસ્થતાથી જોઈ શકશો. ત્યારે એમાં જો દોષ હશે તો કળાશે.’ વ્રજેશને પણ આ સૂચન ઉચિત લાગ્યું.



વ્રજેશ પછી ચાંદનીની વાર્તા 'કોરા કાગળ' પર ચર્ચા થઈ.સૂત્રધારે જણાવ્યું કે ઘટનાઓ જોડી દેવાથી વારતા બનતી નથી.સૂત્રધારે એમના અનોખા અંદાજમાં આ વાર્તા વિશે ચપટી વગાડતાં આમ..આમ ..આમ અને છેલ્લે કોરા કાગળ(તાળી પાડીને) સમજાવ્યું ત્યારે ફરી એકવાર હાસ્યનું વૃંદાવન ખીલી ગયું.નિલેશે કોરા કાગળમાં આવતી ગાળ પર પ્રશ્ન કર્યો અને જાણવા ચાહ્યું કે શું વારતામાં ગાળ આવી શકે?નિલેશના કહેવા મુજબ એમણે ફક્ત વિષ્ણુ મર્ચન્ટ કરીને ચેતન ગજ્જરની વાર્તામાં જ એક જ વખત ગાળ વાંચી છે જ્યારે આ વારતામાં સતત ગાળ આવે છે.સૂત્રધારે જણાવ્યું કે ગાળ એ એક અભિગમ કે વ્યક્તિત્વનો હિસ્સો હોઈ શકે.આદત હોય શકે.પાત્રની આદત જ એવું બોલવાની હોય તો ગાળ આવે એનો વાંધો ન હોવો જોઈએ.પણ પ્રસ્તુત વારતામાં મહત્વનો મુદ્દો ગાળ  નથી બલ્કે ટાસ્કકર્તા નિશાન ચુકી ગયા છે તે છે. ટાસ્કમાં જ્યારે લુપ્ત થયેલ લાયબ્રેરી અપાઈ હતી ત્યારે એ પાછળનો ઉદ્દેશ હતો કે સાહિત્ય વાંચન પ્રત્યે થઇ રહેલી અવગણના વિષે કશુંક લખાય. કોરા કાગળ કૃતિમાં નાયક વકીલ છે અને એક અગોચર અનુભવથી એને કાયદાકીય સલાહ આપતી કિતાબ મળે છે જે એના એક જટિલ કેસમાં સહાયકારક સિદ્ધ થાય છે. એક રીતે આ પુસ્તક તાંત્રિક [ ટેક્નિકલ] કક્ષાનું કહી શકાય. સ્કિલ જોબ જેવા ક્ષેત્રનું - આ વિષય કાયદાને બદલે પ્લમ્બિંગ કે સુથારી કામનું પણ હોઈ શકે. મુદ્દે આ ટાસ્ક નિમત્તે સાહિત્યની થઇ રહેલી ઉપેક્ષાની વાત આવવી જોઈતી હતી એ ચૂકાઈ ગઈ.
હવે એકતાનો નમ્બર આવી ગયો હતો.'એક રવિવાર' નામની વારતામાં ચિઠ્ઠીના સમયને લઈને મુંઝવણ ઉદ્દભવી હતી.સૂત્રધારે એકતાને બે સૂચન કર્યા એક તો સ્કુટરનું વર્ણન જરૂરી ન હોય તો હટાવવું અને કથનને મદદ કરે એ  વિગત ઉમેરવી તથા ચિઠ્ઠીના સમય વિશે કોઈ ઈશારો મુકવો.
સૌના ચહેરા પર મેં એક નજર નાખી લીધી હતી અને અનુભવ્યું કે સૌ સૂત્રધારના શબ્દોમાં અને ચર્ચામાં એટલે પરોવાઈ ગયા હતા કે ત્રણ વાગી ગયા હતા છતાંય કોઈનું ધ્યાન લંચ બ્રેક તરફ ન હતું.સૂત્રધારે લંચ બ્રેક જાહેર કર્યો અને સૌનું ધ્યાન ભંગ થયું.
ચાંદની અને એકતા દ્વારા લવાયેલ સ્વાદિષ્ટ પુલાવ અને દાળવડા સૌએ પેટ ભરીને આરોગ્યા.દરમિયાનમાં મેં છાયાએ એમના ઉત્તર વિશે મને જણાવેલ પ્રશ્ન રાજુને સોંપ્યો. નાસ્તો પત્યા પછી ચાનો પણ લુફત ઉઠાવ્યો.
ત્રીસેક મિનિટના બ્રેક બાદ ફરી શિબિર ચર્ચા જીવંત થઈ.
સૂત્રધારે એક સવાલ પૂછ્યો. શું તમને મારા વિશે ક્યારેય કશું જાણવાની ઈચ્છા થઈ છે ખરી?જેમ કે, હું તમને વારતા કળા વિશે સમજાવું છું પરંતુ મેં કેટલી વાર્તાઓ લખી અથવા મેં વારતા લખી છે કે નહીં ?દરેકના વિવિધ જવાબ હતા અને આ એક ચોંકાવનારો પ્રશ્ન હતો જેના માટે અમે કોઈ તૈયાર ન હતા.નવા શિબિરાર્થી મેઘાએ જણાવ્યું કે એકતા સૂત્રધારની ખૂબ તારીફ કરતા હતા અને એમના લખાણમાં આવેલ સુધારાને માટે તેઓ સૂત્રધારને ક્રેડિટ આપતા હતા.એ સિવાય નિલેશ,નરેન,ફરીદએ પણ કશુંક કહ્યું. એકતાએ કહ્યું કે પ્રથમ શિબિરમાં જ આશિષ કક્કડે  આપેલ પરિચયમાં આ વાત જણાવવામાં આવી હતી કે સૂત્રધાર એક પત્રકાર છે ફિલ્મ કલાકારોના ઇન્ટરવ્યૂ પણ કરે છે અને સાહિત્ય ક્ષેત્રે એમનું ઘણું યોગદાન છે.
મને લાગે છે કે સૂત્રધારને હમેશા એવું લાગ્યું છે કે  આ સુનિલ શિબિરમાં ચૂપચાપ બેસી રહે છે તો એને હું(સૂત્રધાર) જે બોલું છું એ સમજાતું તો હશે કે નહીં?- બસ, આવો જ સવાલ લઈને એમની નજર સુનિલ તરફ ફેંકાઈ કે આ વિષયમાં શુ કહેવું છે બરખુરદાર!
સુનિલને લાગ્યું કે હવે તો નહીં ચાલે બોલવું જ પડશે એટલે એમણે આ મુજબ કહેલું. " પ્રથમ બે શિબિર સુધી એ ઉસ્તુકતા રહેલી કે સૂત્રધારે પણ કશુંક લખ્યું છે કે નહીં! પરંતુ વારતા કળાના વિવિધ પરિમાણો પર એમનું અગાધ જ્ઞાન અને ઊંડાઈ જોઈને પછી એ ઉસ્તુકતા ધીમે ધીમે ઓગળી ગઈ!"
ખેર, સુત્રધારના પ્રશ્ન : હું વારતા  લખું છું એ નહિ એવું તમને કયારેય થયું છે કે નહિ અને નથી થયું તો કેમ નહીં ? એનો સ્પષ્ટ અને સંતોષકારક ઉત્તર કોઈ પણ પાસેથી ન જ મળ્યો. છેલ્લે આશ્વાશન  આપતા હોય એમ સુત્રધારે કહ્યું ‘ હશે , મુંબઈ શિબિરમાં પણ એક તબક્કે મેં આ પ્ર્શ્ન કરેલો જેનો સંતોષકારક ઉત્તર નહોતો મળ્યો !’
સાડા ચાર થઈ ચૂક્યા હતા. સૂત્રધારે અમને ત્રણ વિકલ્પો આપ્યા.
૧.લાઈવ ટાસ્ક ૨.પ્રશ્નોતરી ૩.રાજુ પટેલની વાર્તાનું પઠન
સૌ શિબિરાર્થીઓએ ત્રીજો વિકલ્પ પસંદ કર્યો.સૂત્રધારે કહ્યું કે હું મેગેઝીન  લેતો આવું એ દરમિયાન આપ સૌ વાર્તા શિર્ષક પર મનન કરો : ધડપૂર્વક.
સૂત્રધાર દ્વારા પઠન શરૂ થયું અને પાર્થથી તબક્કાવાર આગળ વધતા રવિએ આવીને પુરી થઈ.વાર્તાની થીમ એવી હતી કે એક વ્યક્તિનો ચહેરો ગાયબ થઈ જાય છે.
સૂત્રધાર દ્વારા પૂછવામાં આવ્યું કે તમને બધાને વારતા કેવી લાગી અને કેમ?કોઈએ કહયુ કે અંત ન સમજાયો.તો નિલેશે માઈનોરિટી કોમ્પેલેક્સની વાત કરી, સંકેતે પણ એવો જ, એ પ્રકારનો મત દર્શાવ્યો.બાકી સહુએ પોતપોતાની રીતે વારતા  વિષે મંતવ્ય આપ્યાં.
એટલામાં જ મેઘા વચ્ચે બોલી ઉઠ્યા કે સૂત્રધારને વિનંતી કે વાર્તાના અંત વિશે કશુક કહે.એમને થોડું વહેલું ઘરે રવાના થવું પડશે પણ આ વાર્તાનો અંત વિષયક જાણીને જ.
સૂત્રધારે અંત વિશે અને સમગ્ર વારતા વિશે છણાવટ કરી.સૌ શિબિરાર્થીઓએ સૂત્રધારને એવી વિનંતી કરી કે આપે વાર્તાઓ લખવી જોઈએ ખૂબ ખૂબ લખવી જોઈએ.પ્રત્યુત્તરમાં એમણે જણાવ્યું કે શિબિર અને સઁલગ્ન મુદ્દે તેઓનો સમય ખૂબ ખર્ચાઈ જાય છે જેનો કોઈ અફસોસ નથી પણ જો થોડોક ભાર અહીં ઉપસ્થિત ટાસ્કકર્તાઓમાંથી પણ ઉપાડે તો થોડી રાહત રહે. ટાસ્ક પોસ્ટ કરવા મુદ્દે એમણે એમ કહ્યું કે ત્યાં જ સૂત્રધારનો સમય વધુ ખર્ચાય છે.આ મુદ્દે થોડાક ક્રાંતિકારી પગલાં લેવાયાં છે જે ટૂંક સમયમાં સૂત્રધાર પોસ્ટ કરીને જાણ કરશે ગ્રુપમાં.
લાઈવ ટાસ્ક આ વખતે મુલતવી રાખવામાં આવ્યો હતો અને પાંચ અને વીસ થઈ ચૂકી હતી.વરસાદી વાદળોના કારણે  અંધારું ઘેરાવાનું પણ શરૂ થઈ ચૂક્યું હતું. હવે પ્રશ્નોત્તરીનો દોર ચાલુ થયો હતો.નવા શિબિરાર્થી રવિ વિરપરિયાએ સાહિત્ય વિષયક અનેક સવાલ ઉઠાવ્યા.એક  મહત્વની વાત રવિએ પૂછી હતી તે એ કે નવોદિતે કોની પાસે માર્ગદર્શનની અપેક્ષા રાખવી ? એમની નવલકથા ‘ ક્રોસિંગ ગર્લ’ના પ્રકાશન વખતે થયેલા વિવિધ અનુભવના હવાલે એમણે એમને આ અંગે પડેલી મૂંઝવણ વિષે કહ્યું હતું. સુત્રધારે કહ્યું કે નવોદિતોનાં માર્ગદર્શન માટે કોઈ ચોટડુક વ્યવસ્થા નથી. જે સ્થાપિત સાહિત્યકારો છે એમને નવોદિતોનાં માર્ગદર્શન માટે કાં રસ નથી કાં સમય નથી કાં એમને એ જરૂરી નથી લાગતું. આ કામ સાહિત્ય અકાદમીના ક્ષેત્રમાં આવે છે અને એમના માટે બહુ સહેલું છે પણ આંતરિક રાજકારણમાં તેઓ વ્યસ્ત છે અને આ કરવા જેવું કામ કોઈ કરી નથી રહ્યું ન તો એ બાબત કશું વિચારે છે. આ સ્થિતિમાં આપણે - એટલે કે જેમને માર્ગદર્શનની જરૂર છે તેવા સહુ નવોદિતોએ - એક બીજાને મળી યથાશક્તિ મદદ કરવી રહી જેમ કે આ વારતા રે વારતા જુથ કરે છે. વીઆરવી બ્લોગ પર જવું અને જૂના તમામ અહેવાલ વાંચવા જેથી અમુક  પ્રાથમિક સવાલોનો જવાબ મળી રહેશે.અહીં રવિની નિખાલસતા નોંધવી રહી તેઓ એક નવલકથાના લેખક હોવાના ભાર સાથેના વ્યક્તિ ન લાગ્યા બલ્કે એક રસિક શિબિરાર્થી વધુ ભાસ્યા.
આટલા સમયમાં એકતા અને સૂત્રધારને છાયાએ ખુબ સમય અગાઉ મોકલેલ વ્હોટ્સ એપ સંદેશ મળી ગયા કે તેઓ અન્ય શિબિરમાં જનાર હોવાથી આજની શિબિરમાં નહીં આવી શકે... ચર્ચા ચાલતી હતી એ દરમિયાન શ્વેત વસ્ત્રોમાં સજ્જ એક વડીલ આવી પહોંચ્યા. ઓહઃ તો આ હતી સરપ્રાઈઝ! એમના વિશે સૂત્રધાર હમણાં જણાવશે અને પરિચય આપશે એમ વિચાર્યું.વડીલ પણ વચ્ચે વચ્ચે કશુંક ગંભીર બોલી દેતા  હતા એટલે એ સાહિત્યના જાણકાર લાગ્યા.
પણ  થોડીવાર પછી આજની શિબિર ખતમ થયાનું સુત્રધારે એલાન કર્યું અને એ સાથે જ નવા આવેલા શિબિરાર્થીને એમનો અનુભવ કેવો રહ્યો એ પૂછ્યું.નવા શિબિરાર્થીઓએ શું કહ્યું એ લખતો નથી પણ ફરી એકવાર તેઓ સૌ પોતાનો અનુભવ અહીં જણાવશે તો સંસ્થા આભારી રહેશે.બીજી વિનંતી, શક્ય છે કે શિબિરમાં થયેલ પ્રત્યેક ચર્ચા / મુદ્દા / પાસાને આ નોંધમાં ન્યાય ન આપી શકાયો હોય તેથી  અન્ય ઉપસ્થિત રહેલ મિત્રોને વિનંતી કે ખૂટતી કડી ટિપ્પણીમાં કે સ્વતંત્ર પોસ્ટ દ્વારા ઉમેરે.
ફરી એકવાર  ચા પાર્ટીની મિજબાની અમે સૌએ માણી.

નવા મિત્રોને મળવાની ખુશી, અઢળક જ્ઞાન, વારતા કળાના નવા આયામોને વીંધીને  સૌ પોતાના ઘર તરફ પ્રયાણ કરી રહ્યા.
ઘરે પહોંચ્યા પછી બસ એક જ અફસોસ રહી ગયો.
પેલા વડીલ કોણ હતા એ સરપ્રાઈઝ 'સરપ્રાઈઝ'  જ રહી ગયું!!


#####

2 comments :

  1. Shibir ni saruaat thi ant sudhi ni suxm thi ati suxm vaato ekdum raspradd....������

    ReplyDelete
  2. ખુબ માહિતીસભર અને રસપ્રદ અહેવાલ.હા, ગેરહાજર સભ્યો ની વાર્તા વિષે ચર્ચા જ ન થઇ કે પછી એ ચર્ચા અહેવાલમાં ન આવી? એ જાણવું ગમશે. નોંધપાત્ર વાત: આઠ મહિના થયા અને હજુ જોઈએ તેવો સુધારો નથી -- અ ખબર પડવી એ જ દર્શાવે છે કે દિશા સાચી જ છે. સફરમાં જ મઝા છે. બઢતે રહો.

    ReplyDelete