Monday 6 May 2019

વારતા શિબિર -૯ (અમદાવાદ) - નરેન્દ્રસિંહ રાણા

અમદાવાદ - સ્ક્રેપયાર્ડ  વારેવા શિબિર - ૨૮ એપ્રિલ  ૨૦૧૯ અહેવાલ :  નરેન્દ્રસિંહ રાણા





રવિવારે શિબિર હોય એટલે સવારથી જ દોડાદોડી હોય. સ્ક્રેપયાર્ડ પર પહોંચ્યો ત્યારે થોડું મોડું થઈ ગયું હતું. જુના અનુભવોના કારણે બપોરનું જમીને જ ગયેલો. આખો દિવસ ભૂખ્યા રહેવું પોસાતું નથી. શિબિરમાં આ વખતે કાયમી ભોજનનું ધ્યાન રાખનાર સભ્યોમાંથી કોઈ આવશે નહિ એવું લાગતા મારે આ પગલું ભરવું પડ્યું હતું.





































































x

#શીર્ષક : નિયમો તોડવાની મજા.






હું સ્ક્રેપયાર્ડ પર પહોંચ્યો ત્યારે રાજુ અને પ્રીતેશ બહાર બેસીને ચાને ન્યાય આપી રહ્યા હતા. મને આ જોઈને વિચાર આવ્યો કે જો સુત્રધારને ભવિષ્યમાં ચા કે બીડી, બન્નેમાંથી એકની પસંદગી કરવાની આવે તો એ શેની પસંદગી કરે?

મેં બીજા સભ્યો કેમ નથી આવ્યા એમ પૂછ્યું તો સુત્રધારે ધ્યાન દોર્યું કે પોસ્ટમાં લખેલો સમય થવામાં થોડીવાર છે. એ પછી જેમણે આવવાની બાંહેધરી આપી છે એમને ફોન કરીશું.

અમે શિબિરના કાયમી રૂમમાં જઈને બેઠા. મેં સુનિલ આવી રહ્યા છે કે નહીં એ પૂછ્યું. સુત્રધારે જણાવ્યું કે સુનિલ બે મહિના સુધી વ્યસ્ત છે. એ પછી મેં આજનો કાર્યક્રમ પૂછ્યો તો સૂત્રધારે જણાવ્યું કે આજે આપણે ખાસ તો ‘તમેં શા માટે લખો છો?’ એ વિષય પર ચર્ચા કરવાના છીએ. એમણે એ ચર્ચાનું દસ્તાવેજીકરણ વારેવાના બ્લોગ માટે અગત્યનું છે તેમ પણ જણાવ્યું અને અહેવાલ લખવાની જવાબદારી મને સોંપી.

મને થોડું ટેંશન થયું. કોઈ ખેલાડીને એમ કહેવામાં આવે કે ‘આ મેચ અગત્યની છે તેમાં ધ્યાન રાખીને રમજે’ તો જે ખેલાડીની હાલત થાય એવી જ મારી થઈ.

અમે ફરી કોણ કોણ આવી રહ્યું છે એની તપાસ કરવામાં પડ્યા. સંકેત રસ્તામાં જ હતો. છાયાએ પંદર મિનિટનો વાયદો આપ્યો. નમિતાએ બે વાગ્યે આવવાનું જણાવ્યું. વ્રજેશે આવી શકવાની અસમર્થતા દર્શાવી. ફરીદનો સંપર્ક ન થઈ શક્યો.

પ્રીતેશને મેં સાથે લાવેલ પુસ્તક ‘વળગાડ’ આપ્યું. મેં તેને એ એકતાને પહોંચાડવાનું છે એમ કહ્યું. ફરી અમે ત્રણેય વાતે વળગ્યા. સુત્રધારે ફેસબુક દ્વારા ગ્રુપના નિષ્ક્રિય સભ્યોને આપમેળે કાઢવામાં આવી રહ્યા છે તેમ જણાવ્યું. આવા જ એક સભ્યને ફરી ઉમેરવાનું કામ પણ મને સોંપ્યું. હું ઉમેરુ એ પહેલાં જ કોઈએ એમને ઉમેરી દીધા હતા.

સૂત્રધારે સાહિત્ય ક્ષેત્રને સોશિયલ મીડિયાના કારણે થયેલા નુકસાન ગણાવ્યા. તેમણે જણાવ્યું કે પહેલાના સમયમાં લોકો લખતા અને મિત્રોને વંચાવતા. ત્યારે મોટેભાગે લખનારને સાચો અભિપ્રાય મળતો. કદાચ શરૂઆતમાં શરમેધરમે
સાંભળનાર કે વાંચનાર મિત્રો પણ કંટાળીને સાચો અભિપ્રાય આપી દેતા. હવે સોશિયલ મીડિયાના કારણે એક નવી જ જાતનો વાટકી વ્યવહાર ઉભો થયો છે. લોકો સારું લગાડવા કે સારું દેખાડવા ગુણવત્તાને ચકાસ્યા વગર જ લાઈકસ કે કૉમેન્ટસ આપે છે. જે લખનાર માટે નુકસાનકારક છે. લખનાર આ લાઈકસ કે કૉમેન્ટસને જ ગુણવત્તા ચકાસણીના માપદંડ ગણી લે છે. લોકો પણ આવી ખોટી વાહવાહી મેળવતા સાહિત્યને સારું માની લે છે.

સુત્રધારે ફેસબુકના સી.ઈ.ઓ. ઝુકરબર્ગ દ્વારા લેવાયેલ યુઅલ નોઆ હરારીના ઈન્ટરવ્યુ વિશેની પોસ્ટ વાંચવા કહ્યું. સૂત્રધારના મતે તેમને ઝુકરબર્ગ વિશે એ એક વેપારી વ્યક્તિ છે એવી ધારણા હતી જે આ પોસ્ટ વાંચીને બદલાઈ. મેં જણાવ્યું કે મારા મતે ઝુકરબર્ગ વિચારોમાં માનનાર માણસ છે. તેને નવા વિચારો ગમે છે.

એ પછી થોડીવાર સુત્રધારના મોબાઈલમાં આવતી કેટલીક તકલીફો અને તેના કારણો વિશે ચર્ચા થઈ.

મેં કાયમની જેમ જ આ વખતના ટાસ્કના ઉતરો વિશે સુત્રધારનો અભિપ્રાય પૂછ્યો. તેમણે જણાવ્યું કે આ વખતના ઉત્તર વાંચીને એમને એમ લાગ્યું કે ગુણવત્તા સુધરી રહી છે. જો કે તેમણે સ્વીકાર્યું કે તેમણે બહુ ઉત્તર નથી વાંચ્યા. મેં અલગ અલગ ઉત્તરોની ચર્ચા કરી. ઉત્તરો વાંચવા મેં મારો મોબાઈલ પણ આપ્યો.

સુત્રધારને મેં જણાવ્યું કે આ વખતે ત્રણેક જેટલા નવા ટાસ્કકર્તા પણ જોડાયા છે. એમણે નવા ટાસ્કકર્તાઓના ઉત્તરોને પણ સારી શરૂઆત ગણી. એ સિવાય અમે છાયાના રંગો વિશેના લખાણની ચર્ચા પણ કરી. અમે બન્ને રંગોનું એ લખાણ જોરદાર છે એ વાત પર સહમત થયા.

એટલામાં સંકેત આવ્યો. તેણે ટેબલ પર પડેલી બાબુ સુથારની ‘વળગાડ’ જોઈને કહ્યું કે આ એણે પણ ખરીદ્યું છે. જો કે તેણે હજુ વાંચ્યું નથી. મેં પુસ્તકમાં શું છે એ વાત કરી.

સંકેતે શિશિર રામાવતના એક લેખની વાત કરી. આ લેખમાં પ્રેક્ષકોને કથામાં આગળ તેઓ શું જોવા માંગે છે એ વાતની પસંદગી કરવાની હોય તો કેવું રહે એ વિશેની વાત હતી. આવો પ્રયોગ નેટફ્લિક્સ કરી રહ્યું છે તેમ તેણે જણાવ્યું. સુત્રધારે લખાણમાં પણ આવો પ્રયોગ કરી શકાય તેમ જણાવ્યું. ‘તમે ફલાણી રીતે વાર્તા આગળ વધે તેમ ઈચ્છતા હો તો આ પાનાં નંબર પર જાઓ’ પ્રકારની સૂચના મૂકીને વાર્તા આગળ વધારી શકાય. તેમણે મડિયાએ કરેલા એક નાટ્યપ્રયોગની પણ વાત કહી જેમાં એક ખૂનકેસમાં દરેક વખતે પ્રેક્ષકોમાંથી પાંચ વ્યક્તિઓને જ્યૂરી બનાવવામાં આવતી. જે કારણે દરેક વખતે નાટકને અલગ અંત મળતો.

સુત્રધારે શિબિર શરૂ કરતાં પહેલાં છાયાની રાહ જોઈએ એમ કહ્યું. સંકેતે તેને કેવા પ્રકારનું વાંચન ગમે એ કહ્યું. એ હમણાં જેટલીવાર પુસ્તકોની ખરીદી કરે છે એટલીવાર બાળવાર્તાના પુસ્તક અચૂક ખરીદે છે એમ જણાવ્યું. સુત્રધારને એમાં કોઈ ખોટી વાત ન લાગી.

થોડીવારમાં છાયા પણ અમારી સાથે જોડાયા. તેઓ બે સાકરટેટી(આ સૌરાષ્ટ્રનો ભાષાપ્રયોગ છે. ગુજરાતમાં એને શું કહેવાય એ મને ખબર નથી) લાવેલા. મને બપોરના નાસ્તાનો પ્રશ્ન ઉકેલાયો હોય એમ લાગ્યું.

છાયાના આવતા જ સુત્રધારે જાહેર કર્યું કે સામાન્ય સંજોગોમાં તેઓ આટલા ઓછા સભ્યોની હાજરીમાં શિબિર લેવાના પક્ષમાં નથી પણ હવે કંઈ થઈ શકે તેમ નથી એટલે શિબિર લેવામાં આવશે. તેમણે જણાવ્યું કે જે લોકોને આ શિબિરની જરૂર છે એવા લોકો જ આજે હાજર નથી. તેમને જાણે ચાર શિક્ષકો એક વિદ્યાર્થીને ભણાવી રહ્યા હોય એમ લાગ્યું.

અંતે સુત્રધારે શિબિર શરૂ થવાની જાહેરાત કરી. સૌથી પહેલા ટાસ્કસ ઉપકારક કે અપકારક એ વાત પર ચર્ચા થઈ. સુત્રધારે જણાવ્યું કે જ્યાં સુધી કોઈ ધક્કો ન લાગે ત્યાં સુધી આપણે કોઈ કામ કરતા નથી. એમના મતે આપવામાં આવતા ટાસ્ક એક પ્રકારનો ધક્કો જ છે જે લખવાની પ્રેરણા આપે છે. એક સભ્યે મુકેલી પોસ્ટના કારણે આ મુદ્દો શિબિરમાં સમાવવામાં આવ્યો હતો. સુત્રધારે એક સરખી વાર્તા આવવાની એ સભ્યની દલીલનો જવાબ આપતા કહ્યું કે જો એવું થતું હોય તો એક જ વિષય પર અલગ અલગ પ્રકારની વાર્તાઓ કેમ આવે છે?

મેં ટાસ્ક દ્વારા એક જ વાત પર અલગ અલગ લખનારના દ્રષ્ટિકોણ જાણવા મળે છે એમ કહીને સુર પુરાવ્યો. આ પ્રક્રિયા દ્વારા એક જ વિષયને અલગ અલગ દ્રષ્ટિએ જોવાની તાલીમ પણ સભ્યોને મળે છે એમ પણ મેં ઉમેર્યું.

છાયાના મતે આ પ્રશ્ન જ અસ્થાને હતો. તેઓ માત્ર ટાસ્કની વાર્તાઓ જ લખતા હોવાના કારણે એમને તો ટાસ્ક જરૂરી લાગ્યા. સંકેતનો પણ અભિપ્રાય એવો જ હતો કે જે પદ્ધતિના પરિણામો આપણને મળ્યા છે એ પદ્ધતિ શા માટે બદલવી?

સુત્રધારે જણાવ્યું કે જો તેઓ ‘મનમાં આવે એ વાર્તા લખો’ -પ્રકારના ટાસ્ક આપે તો ઉતરોનું સ્તર કથળશે. તેમના મતે આપેલા બંધારણમાં વાર્તા લખવાની થાય ત્યારે લખનાર નવું નવું વિચારે અને આ પ્રક્રિયાની આદત પણ કેળવાય.

આ ચર્ચામાં બધા એક જ પક્ષે હોવાના કારણે ચર્ચા લાંબી ન ચાલી. એ પોસ્ટ મુકનાર સભ્ય હાજર રહ્યા હોત તો ચોક્કસ પ્રતિપક્ષ જાણવા મળેત.

સૂત્રધારે એ પછી સભ્યો દ્વારા સ્પર્ધામાં મોકલવામાં આવતી ટાસ્કના ઉતરની વાર્તાઓને પ્રકાશિત ગણવી કે નહીં એ મુદ્દે ચર્ચા કરી.

સુત્રધારના મતે સંકેતની ઈનામ વિજેતા વાર્તાના મુદ્દે આપણે આપણો પક્ષ રાખ્યો છે. હવે નિર્ણય આયોજકો પર છે. સુત્રધારના મતે હાલ સારા નિર્ણાયકોનો પણ અભાવ છે. એમણે સ્પર્ધાઓ અને વારેવા ગ્રુપનો ઉદ્દેશ્ય અલગ નથી એવું પણ જણાવ્યું.

સૂત્રધારે એમ પણ કહ્યું કે ટાસ્કના ઉત્તર સ્વરૂપે આવતી વાર્તાઓનું સ્તર સ્પર્ધામાં મોકલી શકાય એટલું નથી હોતું. આ કારણે આપણે સ્પર્ધામાં મોકલીએ તો શું થશે એ પ્રકારની ચર્ચાઓ કરવાને બદલે એ સ્તર સુધરે એના પર ધ્યાન આપવું જોઈએ. આ દરમ્યાન આપણી શિક્ષણપદ્ધતિની ખામીઓથી લઈને આપણને ભણાવતા ઈતિહાસમાં છુપાવવામાં આવતી વાતો વિશે પણ ચર્ચા થઈ. આપણું શિક્ષણ જ એ પ્રકારનું છે કે સંશોધન કે વિષયમાં ઊંડા ઉતરવાની ટેવ આપણે કેળવી શકતા નથી એવા નિષ્કર્ષ પર સૌ આવ્યા. આ સિવાય ભવિષ્યમાં સંકેતને પડેલી મુશ્કેલી જેવા પ્રશ્નો થાય તો શું કરવું એ અંગે કેટલાક નિર્ણય પણ લેવાયા.

અમે આગળ વધીએ એ પહેલાં નમિતા અમારી સાથે જોડાયા. તેમણે બે વાગ્યે આવવાનું વચન પાળ્યું.

સુત્રધારે એ પછી ‘તમેં વાર્તા શા માટે લખો છો?’ એ વાત પર ચર્ચાની શરૂઆત કરી. શરૂઆતમાં જ મને જણાવી દીધું કે આ મુદ્દાનું દસ્તાવેજીકરણ અગત્યનું છે. મને ફરી નવા બેટ્સમેન જેવી લાગણીઓ થઈ.

સુત્રધારની બાજુમાં જ હું બેઠો હોવાથી મને જ સૌપ્રથમ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ‘તમેં શા માટે લખો છો?’ મેં જણાવ્યું કે મારી આસપાસના વિશ્વમાં મને જોવા મળતી વાતોને બીજા લોકો સુધી મારા દ્રષ્ટિકોણથી પહોંચાડવા લખું છું. સૂત્રધારે તરત જ ‘તમારે જ કેમ પહોંચાડવું છે? તમે જ કહો એવી જીદ શા માટે?’ જેવા પ્રશ્નોના બાઉન્સર ફેંક્યા. હું રક્ષણાત્મક સ્થિતિમાં આવી ગયો. મેં જવાબ આપ્યો કે કદાચ મારો એવો મોહ છે. સૂત્રધારે મારે આગળ બીજું કંઈ કહેવું છે? - એવું પૂછ્યું. મેં ના પાડી એટલે તેઓ મારા પછી પ્રીતેશ તરફ આગળ વધ્યા.

પ્રીતેશે એમ જણાવ્યું કે તેને પહેલા કવિતાઓ લખવી ગમતી. એ કવિતાઓ વાંચીને ઘણાએ કવિતાઓ સારી છે એવા અભિપ્રાય આપ્યા. આ કારણે તેને પ્રોત્સાહન મળ્યું. એ પછી વાર્તાઓ વાંચતા ‘આવું મારે પણ લખવું જોઈએ’ એવી મનમાં ઈચ્છા થઈ એટલે લખવાની શરૂઆત કરી એમ જણાવ્યું.

એ પછી છાયાનો વારો આવ્યો. તેમણે કેવીરીતે વાર્તાઓ લખવાની શરૂઆત કરી એ જણાવ્યું. તેમને નાનપણથી જ ભાષાની રમતો ગમતી. તેમને ચબરાકિયા કહી શકાય એ પ્રકારનું વાંચન ગમતું. ભાષાકીય કારીગિરી તેમને આજે પણ આકર્ષે છે એવો સ્વિકાર પણ કર્યો.

ગુજરાતી સાહિત્યમાં ભાષાકીય કારીગીરી પર ધ્યાન નથી દેવાતું એવી ફરિયાદ પણ એમણે કરી. એ માટે તેમણે સુત્રધાર ની મમતામાં જીતેલી વાર્તાનું ઉદાહરણ આપ્યું. માત્ર એક જ વાચકે એ વાર્તામાં સૂત્રધારે કરેલી કારીગીરીની નોંધ લીધી હતી એમ તેમણે જણાવ્યું.

એ પછી એમણે પોતાની સર્જનપ્રક્રિયા વિશે વાત કરી. કેવીરીતે દીપિકાના ડિપ્રેશન અંગેના એક ઈન્ટરવ્યુએ તેમની એક વાર્તાને જન્મ આપ્યો. મેં એ વાર્તા વાંચી ત્યારે મને દીપિકા જ યાદ આવેલી એવું મેં જણાવ્યું.

છાયાના મતે તેઓ પોતાની દરેક વાર્તામાં ક્યાંકને ક્યાંક અપ્રગટ રીતે છે. દરેક વાર્તામાં તેમનો અંશ હાજર છે. સૂત્રધારે પૂછ્યું કે તમે વાર્તામાં જાત ઉમેરી શકો એ માટે લખો છો? છાયાએ જણાવ્યું કે ના એવું નથી. એમને જાતનું નિરીક્ષણ કરીને એમને દેખાયેલી વાતો વાર્તામાં ઉમેરવી ગમે છે. તેમણે ઉમેર્યું કે હાલ વાર્તાલેખન એમના માટે એક શુદ્ધ સ્વાર્થી પ્રક્રિયા છે. તેઓ હાલ માત્ર પોતાના સ્વાર્થ માટે લખે છે. સ્વાર્થ એ કે વાર્તા દ્વારા તે જાતનું પૃથકરણ કરે છે. તેમની દરેક વાર્તાઓ એક જાતનો ‘સ્વપૃથકરણ અહેવાલ’(સેલ્ફ એનાલીસીસ રિપોર્ટ) છે.

મારા માટે આ એક ‘યુરેકા’ ક્ષણ હતી. કેવો અદભૂત વિચાર ! તમારી જાતનું એનાલીસીસ કરીને વાર્તામાં પ્રગટ કરો.

સુત્રધારે આ વાત સમજાવવા પ્રયત્ન પણ કર્યો. એમણે એમ પણ જણાવ્યું કે આ વાતથી કદાચ છાયાને ‘કિક’ મળે છે એટલે તેઓ લખે છે.

એ પછી નમિતાનો વારો આવ્યો. તેમણે જણાવ્યું કે એમની લખવાની શરૂઆત એક પ્રખ્યાત કવિને ઈમ્પ્રેસ કરવાના આશયથી થઈ. જે આગળ જતાં હાલ સામાજિક નિસબત સુધી પહોંચી છે. હાલ તેઓ પોતાની આસપાસના પાત્રોની પરિસ્થિતિ બીજા લોકો સુધી પહોંચે એ માટે લખે છે. તેમની બધી વાર્તાઓ સ્ત્રીકેન્દ્રી હોય છે એમ પણ તેમણે કહ્યું. તેમણે એક માનસિક રીતે વિકલાંગ વ્યક્તિનું ઉદાહરણ પણ આપ્યું. કેવીરીતે એ વ્યક્તિને જોઈને તેમને વાર્તા લખવાનું મન થયું એ વાત કરી.

આ વાત સાથે છાયાએ પોતાના એક અનુભવ વિશે વાત કરીને માનસિક રીતે વિકલાંગ લોકોની સ્પર્શભૂખ વિશે જણાવ્યું.

એ પછી સંકેતનો વારો આવ્યો. તેમણે જણાવ્યું કે નાનપણથી જ તેમને કાલ્પનિક દુનિયામાં જીવવું ગમતું હતું. વાંચન વધતા તેમને પણ આવી દુનિયાઓ બનાવવાની ઈચ્છાઓ થવા લાગી. આ કારણે એમનું લખવાનું શરૂ થયું. તેમણે હાલ પણ તેમના વાંચનમાં ફેન્ટસી નોવેલોનું પ્રભુત્વ રહે છે તેમ જણાવ્યું. તેમણે ઉમેર્યું કે કાલ્પનિક પાત્રોનું જીવન જીવવાનું હજુ પણ ગમે છે.

સૂત્રધારે સંકેતનું વાર્તાઓ દ્વારા કાલ્પનિક અને વાસ્તવિક જગતને જોડી શકવાની તેમની ખૂબી તરફ ધ્યાન દોર્યું. સુત્રધારના મતે શરૂઆત કાલ્પનિક જગતમાં જીવવા માટે લખવાથી થઈ હશે જે આગળ જતાં બન્ને જગતને જોડી શકવા સુધી પહોંચી. આ એકજાતનું અપગ્રેડેશન છે. સુત્રધારના મતે આવું અપગ્રેડેશન કોઈ પણ લખનાર માટે જરૂરી છે.

સૂત્રધારે પોતે કેમ લખે છે એ પણ જણાવ્યું. એમના મતે વધુ વાંચન પછી એમને એવું લાગ્યું કે આ બધું તો વાંચી નાખ્યું હવે નવું શું? આ ‘નવું શું?’ પ્રશ્ન જ એમને લેખન તરફ દોરી ગયો. સુત્રધારને જાતને ગમે એવું કશું નવું લખવું ગમે છે. સુત્રધારે આ સાથે જ ફરી એકવાર વાંચનના મહત્વને લેખન સાથે જોડયું. વાંચન વિશાળ હશે તો શું લખાઈ ગયું છે એ ખ્યાલ આવશે અને આપોઆપ નવું કરવાની ઈચ્છા પણ થશે. જે લોકોનું લેખન પ્રભાવી નથી હોતું તેમનું વાંચન મોટેભાગે ઓછું હોય છે.

સુત્રધારે અંતે જણાવ્યું કે આ કવાયત કરવાનું કારણ એ હતું કે જો તમે લખવાના ઉદ્દેશ વિશે સ્પષ્ટ નહિ હો તો તમારા લખાણમાં ઊંડાણ નહિ આવે. તમારું લખાણ અસરકારક નહીં બને. તેમણે નમિતાનું ઉદાહરણ આપીને કહ્યું કે જેવી રીતે નમિતા ક્રશમાંથી અપગ્રેડ થઈને સામાજિક નિસબત સુધી પહોંચી. એમ દરેક લેખકે પોતાનો લખવા માટેનો ઉદ્દેશ્ય અપગ્રેડ કરતા રહેવું જોઈએ.

છાયાએ આ સાથે પાત્રના મનમાં ઊંડા ઉતરવા પર પણ ભાર મુક્યો. તેમણે ટાસ્કમાં લખાતી ગે-લેસ્બિયન થીમ પર લખાતી વાર્તાઓનું જ ઉદાહરણ આપ્યું. તેમણે જણાવ્યું કે લેખકો ગે-લેસ્બિયન થીમ પર લખતી વખતે કેવી રીતે મીડિયામાં આવતી વાતોને જ સાચી માનીને આવા પાત્રોનું હાસ્યાસ્પદ ચિત્રણ કરે છે. તેમણે પોતે આ વાતનો દરવખતે કૉમેન્ટમાં ઉલ્લેખ કરે છે એમ પણ જણાવ્યું. મેં તેમની વાતને સમર્થન આપ્યું. તેમના મતે ગે-લેસ્બિયન થિમની વાર્તાઓને એક નાના બાળકની જેમ પ્રેમથી હેન્ડલ કરવી જોઈએ. તેમણે ‘મેઇડ ઈન હેવન ’ વેબસિરિઝનું ઉદાહરણ આપીને કહ્યું કે એ વેબસિરીઝમાં બહુ સરસ રીતે આ વિષય પર કામ થયું છે.

મેં આ વખતના ઉત્તરોમાં આવેલી ગે-લેસ્બિયન થિમની વાર્તા વિશે બધાને જણાવ્યું. કેવી રીતે એ વાર્તામાં રહેલી ત્રુટીઓ વિશે લખનાર સાથે ચર્ચા કરી હતી એ પણ જણાવ્યું. છાયાએ એ વાર્તામાં લેખક લેસ્બિયન પાત્રના મન સુધી નથી પહોંચી શક્યા એવી દલીલ કરી.

સૂત્રધારે ઉમેર્યું કે લખનાર પાત્ર ઉપસાવી નથી શક્યા કારણ કે લખનાર એ જીવન જીવ્યા નથી. લખવા માટે પહેલા જીવવું અને અનુભવવું જરૂરી છે. મને આ વાક્ય બહુ ગમ્યું. ભલે તમારું પાત્ર કાલ્પનિક હોય. એ શું અનુભવે છે કે કેવું જીવે છે એ લેખકે વિચારવું જ રહ્યું. તો જ તેના લખાણ દ્વારા પાત્ર ઉપસે.

એ પછી ગે-લેસ્બિયનના સામાજિક સ્વીકાર અંગે ચર્ચા ચાલી. મેં જણાવ્યું કે શહેરીવિસ્તાર કરતા ગ્રામ્યવિસ્તારમાં આવા લોકોને સહેલાઈથી સ્વીકૃતિ મળે છે. બધા આ બાબતે સહમત થયા. બધાએ જીવનમાં જોયેલા આવા પ્રસંગો કહ્યા.

મારુ ધ્યાન આ ચર્ચા દરમ્યાન સતત ચાના ભરેલા કપની બાજુમાં પડેલી ખાલી કપની એસ્ટ્રે પર હતું. મને એવું લાગતું હતું કે કદાચ ચર્ચામાં ડૂબેલા સુત્રધાર ભૂલથી ચાના ભરેલા કપમાં બીડી ઓલવી નાખશે.

આ સમગ્ર ચર્ચા દરમ્યાન સભ્યોએ સાથે લાવેલ કોલ્ડડ્રિન્ક્સ પણ ફરતા રહ્યા. છાયા એ સાકરટેટી કાપી અને બધાએ તેને ન્યાય આપ્યો.

એ પછી એક કટારલેખક વિશે ગોસિપ ચાલી. સુત્રધારે અંતે ધ્યાન દોર્યું કે આપણે રસ્તા પરથી ઉતરી રહ્યા છીએ.

એ પછી સુત્રધારે લાઈવ ટાસ્ક કરવા વિશે વાત કહી. મેં સુત્રધારનું ધ્યાન દોર્યું કે હજુ આપણે અવાર્તાઓના મહત્તમ સાધારણ અવયવ વિશે ચર્ચા કરવાની બાકી છે.

સુત્રધારે કહ્યું કે આપણે આ ચર્ચા ઉદ્દેશ્યવાળી વાત સાથે કરી ચુક્યા છીએ. છાયાએ આગ્રહ કર્યો કે તેમ છતાં આપણે એ વિશે ફરી વાત કરવી જોઈએ.

છાયાએ તેમની એક મમતામાં છપાયેલી વાર્તા વિશે વાત કરી. વાર્તા વખણાયી હતી પણ એ સાથે જ ‘આ વાર્તા નથી’ એ પ્રકારની કોમેન્ટ પણ મળી હતી. છાયાનો પ્રશ્ન એ હતો કે વાર્તા ગમી હોય છતાં વાર્તા નથી એમ કેમ કહેવાયું?

સુત્રધારે જણાવ્યું કે આમ તો વાર્તા અંગે કોઈ સ્થાપિત નિયમો નથી. વાંચીને કોઈ ભાવ મનમાં જન્માવે એને વાર્તા ગણવી જોઈએ. વાર્તાને આરંભ-મધ્ય-અંત હોય એ પણ જરૂરી નથી. વારેવામાં આપણે નિયમો આપીએ છીએ કારણકે સભ્યો નિયમો જાણશે તો જ  એને કેવી રીતે તોડવા એ શીખશે. આથી વાર્તાના બંધારણને વળગી જ રહેવું એ હંમેશા જરૂરી નથી હોતું.

સૂત્રધારે છાયાની વાર્તા વિશે કહ્યું કે એમની વાર્તા એ વિવેચકના મનમાં એક ભાવ જન્માવી ગઈ છે. એમને વાર્તા ગમી છે પણ કેમકે એ લોકપ્રિય બંધારણને અનુસરતી નથી એટલે એ વિવેચકે વાર્તા નથી એ પ્રકારનું વિધાન પણ લખ્યું.

છાયાએ એમ પણ પૂછ્યું કે તો મમતા જેવા મેગેઝીનમાં આવી પ્રયોગાત્મક વાર્તાઓ કેમ વધુ નથી આવતી? સુત્રધારે જણાવ્યું કે મમતા આવતીકાલના વાર્તાકારોનું મેગેઝીન છે માટે તેમાં મોટેભાગે નવા લેખકોની વાર્તાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. છાયાએ આ વાતથી અજાણ હોવાનું સ્વીકાર્યું.

મેં ટાસ્કમાં આવેલા એક ઉત્તર અને એના સુધારામાં પડેલી તકલીફ વિશે વાત કરી. ઉત્તર લખનારના જીવનની કરુણ સત્યઘટના હતી એટલે મને એમાં નાટકીય તત્વ વધુ છે એ પ્રકારનું કહેતા ખચકાટ થયો હતો.

સુત્રધારે જણાવ્યું કે સત્યઘટના હોવાના કારણે એ વાર્તા નથી બની જતી. લખનારે એ ઘટના સાથે જોડાયેલા પાત્રમાં ઊંડું ઉતરવું પડે. ઊંડા ઉતર્યા વગર એના પરિમાણો પ્રાપ્ત ન થાય. ઊંડા ન ઉતરીએ તો માત્ર સપાટી પરનું વર્ણન આવે. એવું બને એટલે વાંચનાર વાર્તા સાથે ન જોડાય. સત્યઘટના એ ક્યારેય સારી વાર્તાની ગેરેન્ટી નથી હોતી. એ ઘટનાનું અર્થઘટન જ એને સારી વાર્તા બનાવે.

સુત્રધારે એ પછી બીભત્સ રસ અંગેની વાત ઉપાડી. એમણે સભ્યોને સવાલ પૂછ્યો કે બીભત્સ રસ એટલે શું અને એ શા માટે નવરસમાં સમાવેશ પામેં છે? મેં જણાવ્યું કે કોઈ સડી રહેલા મડદાનું વર્ણન બીભત્સ રસ કહી શકાય. બીજા પણ ઉદાહરણો આવ્યા.

સૂત્રધારે આગળ પૂછ્યું કે એ નવરસમાં શા માટે છે? છાયાએ જણાવ્યું કે આપણી આસપાસ બીભત્સ દ્રશ્યો જોવાય છે એટલે એનું અસ્તિત્વ હોવાના કારણે એ નવરસમાં સમાવેશ પામ્યો છે. સુત્રધાર સહમત થયા.

સૂત્રધારે એ પછી બીભત્સ રસ પર કામ કરનાર નરસિંહ મહેતા અને કાલિદાસના ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે કેવી રીતે આપણા કવીઓ/લેખકો શૃંગારરસમાં એટલા ઊંડા ઉતર્યા કે અંતે બીભત્સરસ સુધી પહોંચ્યા. તેમણે સમજાવ્યું કે સામાજિક નિયમોની સીમા ઓળંગીએ એ પછી જે પ્રાપ્ત થાય એ બીભત્સ રસ છે. કોઈ રતીક્રીડાનું વર્ણન નિયમો ઓળંગી જાય તો એ બીભત્સ રસ સુધી પહોંચી શકે. કોઈ પણ બંધારણને કોઈ ભાવ અતિક્રમે ત્યારે રસ નિષ્પન્ન થાય છે. દાખલ તરીકે રમૂજ કેવીરીતે નિર્માય છે ? પાત્રો કે પરિસ્થિતિ અપેક્ષિત ઢાંચા સિવાયનું વર્તે તો હાસ્ય નીપજે છે. આ ઢાંચો તૂટવો એ સંચાલક તત્વ છે.  બીભત્સ રસના બે ફાંટા સુત્રધારે સ્પષ્ટ કર્યા : રોચક અને જુગુપ્સા પ્રેરક - શૃંગાર રસના વર્ણનમાં જ્યારે આલેખન નૈતિક ઢાંચાને હલબલાવે છે ત્યારે બીભત્સ રસ નીપજે છે જે પ્રતિબંધિત વિસ્તાર હોવાને કારણે આકર્ષક કે રોચક લાગે છે અને જ્યારે કોઈ પણ રસમાં આલેખન સૌન્દર્યદ્રષ્ટિનો ભંગ કરી વર્ણન કરે છે ત્યારે એમાંનો ‘અસૌન્દર્યબોધ’ ભોક્તાને અસ્વસ્થ કરે છે ( શબમાં પડતા કીડાનું વર્ણન - ઉદાહરણ તરીકે ) આ અસ્વસ્થતા જુગુપ્સામાંથી ઉપજે છે

આ વાત સમજાવવા તેમણે જિમ કેરીની ફિલ્મ ‘એસ વેંચૂરા - ધ પેટ ડીટેકટિવ’માં આવતા અમુક દ્રશ્યોનું ઉદાહરણ આપ્યું. એ ફિલ્મમાં નાયકને નિયમો તોડવામાં મજા આવતી હોય છે એ વિશે વાત કરી. એ પછી તેમણે મને શિબરમાં સૌથી વધુ ગમેલું વાકય ‘નિયમો તોડવાની એક મજા હોય છે’ કહ્યું.

જ્યારે સામાજિક નિયમો તૂટે છે ત્યારે એક અલગ પ્રકારનો છૂપો આનંદ વાચક અનુભવે છે. છાયાએ એ પહેલાં કહેલા એક પ્રસંગમાં પણ એવું બનેલું. જેમાં લોકોએ કામોત્તેજક વાતો સાંભળીને આનંદ મેળવ્યો હતો. સંકેતે પણ જણાવ્યું કે મીડિયા અને ફિલ્મો બનાવવાવાળાને પણ આ વાત ખબર છે જેથી આવું આપણને વધુ પીરસવામાં આવે છે. મેં ‘ફોરબિડન થિંગ્સ ’ શબ્દપ્રયોગ કહ્યો. સુત્રધારે એવી ઘણી વાતો જણાવી જે સામાજિક રીતે અસ્વીકાર્ય હોય પણ લોકોને આકર્ષિત કરતી હોય.

એ પછી જિમ કેરીની ફિલ્મો વિશે ચર્ચા થઈ. એ પરથી ‘સ્ટુપિડ ’ ફિલ્મ વિશે વાત નીકળી. ફિલ્મમાં બધા જ પાત્રોને મૂર્ખ દર્શાવ્યા હોવા છતાં ફિલ્મ કેવી રીતે પ્રેક્ષકોને હસાવવામાં સફળ રહી છે તેની વાત થઈ. સૂત્રધારે ફિલ્મના દ્રશ્યો પોતાની લાક્ષણિક શૈલીમાં વર્ણવીને બધાને હસાવ્યા. અંતે એવી જ એક ફિલ્મ ‘ગોડ મસ્ટ બી ક્રેઝી’ વિશે પણ વાત થઈ. એ પછી વેબસિરિઝ, ટૂંકી ફિલ્મો વગેરે જેવા અનેક માધ્યમો દ્વારા કહેવાતી વાર્તાઓ વિશે વાત ચાલી. સૂત્રધારે અને સભ્યોએ સ્વીકાર્યું કે સમયના અભાવે ઘણું સારું માણવાનું રહી જાય છે.

સુત્રધારે જણાવ્યું જે લાઈવ ટાસ્ક માટે સમય ઓછો છે એટલે આપણે પ્રશ્નોતરી કરીએ. પ્રીતેશે સુત્રધારને પૂછ્યું કે તેમને કયા લેખકોને વાંચવા ગમે? સુત્રધારે આ સિવાય કોઈ વાર્તાકળા અંગેના સવાલ હોય તો પૂછો એમ જણાવ્યું. અંતે પ્રીતેશના આગ્રહને વશ થઈને સરોજ પાઠક, પન્નાલાલ અને બીજા નામો પોતાના પ્રિય વારતાકાર તરીકે  સુત્રધારે આપ્યા. સુત્રધારે પન્નાલાલની શૈલી વિશે પણ વાત કરી. કેવીરીતે પન્નાલાલ પાત્રોના મનોભાવોમાં ઊંડા ઉતરે એ વાત કહી. મેં પણ પન્નાલાલની પાત્રના મનોભાવો દ્વારા તેના મનમાં ચાલતા દ્વંદ્વને દર્શાવવાની હથોટી વિશે વાત કરી.

સુત્રધારને અચાનક યાદ આવ્યું કે આ વખતે શિબિરમાં આપણે હજુ એક પણ ફોટા પાડયા નથી. એ પછી નાનકડું ફોટોસેશન થયું.

એ પછી મારે ‘એવેન્જર્સ-એન્ડગેમ’ જોવા જવાનું હોવાથી મેં સુત્રધારની રજા માંગી. સુત્રધારે આમયે સમય બહુ બચ્યો ન હોવાથી શિબિર પૂર્ણાહુતીની જાહેરાત કરી. બધા પછી કાયમી પરંપરા અનુસાર ચા પીવા ચાલ્યા. સુત્રધારે ભવિષ્યમાં ઓછી સંખ્યા સાથે શિબિર ન કરવી પડે એ માટે અમુક સભ્યસંખ્યા થાય તો જ શિબિર ગોઠવવી એવું સૂચન કર્યું. મેં આ વખતે ઘણા સભ્યો છેલ્લી ઘડીએ ખસી ગયા એટલે સભ્યો ઓછા થયા એમ દલીલ કરી.

એ પછી રસ્તામાં હું અને છાયા ‘લવ ઈન ટાઈમ ઓફ કોલેરા’ વિશે વાતે વળગ્યા. અંતે સમય ન હોવાના કારણે હું અને પ્રીતેશ નીકળી ગયા.

(સમાપ્ત)

4 comments :

  1. વારેવના વાલીડાઓ અહીં કરો ટીપ્પણી...

    ReplyDelete
  2. વાર્તા કળા વિશે સારી એવી વાતો થઈ એવું લાગે છે. સરસ, વિગતવાર અહેવાલ.

    ReplyDelete
  3. મુદ્દાસર ઊંડાણપૂર્વક અહેવાલ.
    અહેવાલમાં છદ્મતા ખાટકી. ટાસ્ક પરનો મુદ્દો મેં જ ઉઠાવેલ. તો મારા નામનો ઉલ્લેખ બેધડક કેમ ના થયો?
    /આ ચર્ચામાં બધા એક જ પક્ષે હોવાના કારણે ચર્ચા લાંબી ન ચાલી. એ પોસ્ટ મુકનાર સભ્ય હાજર રહ્યા હોત તો ચોક્કસ પ્રતિપક્ષ જાણવા મળેત. આ વાક્ય છદ્મતા પ્રકટ કરે છે.
    મેં ઊઠવેલો મુદ્દો યોગ્ય રીતે રજૂ નથી થયો, નથી તે પર યોગ્ય ચર્ચા થઈ. એ જ માનસીકતા સાથે વાત કરવા ખાતર કરી છે . આ સ્થિતિ ઘાતક છે.

    ReplyDelete
  4. શ્રદ્ધા ભટ્ટ7 May 2019 at 00:32

    શિબિર અને એની વાતો!�� આ વખતે ખરેખર છેલ્લી ઘડીએ ખસવુ પડ્યું. શનિવારે રાતે 11 વાગે. દીકરી એ જીદ કરી કે ન જા. ટીકીટ કેન્સલ કરાવી. પણ પણ અહેવાલ વાંચીને મજા પડી. જોકે અમુક છૂપા મુદ્દાઓ માણવા રહી ગયા એનો અફસોસ. નરેન, અહેવાલ લેખનમાં હથોટી આવતી જાય છે. અમ જેવા ઘેર-હાજર સભ્યોના આશીર્વાદ મળશે તમને.����

    ReplyDelete