Tuesday 13 August 2019

વારતા શિબિર - ૧ (મુંબઈ) ~  સીઝન ૨

મુંબઈ વાર્તા રે વાર્તા શિબિર/ સીઝન-ટુ
તારીખ-૪-૮-૨૦૧૯બોરીવલી/મીનાક્ષીબેનના  નિવાસ્થાને-પરાગ જ્ઞાની.





મુંબઇને માણવાલાયક રાખવાનો યશ કોઈને આપવો હોય તો એ મુંબઈના વરસાદને આપવો પડે.જ્યારે વરસાદથી મુંબઈ જળબંબાકાર થઈ જાય અને વાહનવ્યવહાર ઠપ થઈ જાય પછી ધારેલી જગ્યાએ પહોંચવાની મથામણ એ પહેલીવારના  પ્રેમિકાના મિલન જેટલી* રોમાંચક  હોય છે. ત્રણ વાગ્યાની રવિવારની શિબિર રાખવી/ન રાખવી એનો નિર્ણય બપોરે બાર વાગ્યે વરસાદની સ્થિતિ જોઈ લેવાનું નક્કી થયું. આખરે રવિવારની વામકુક્ષિને મનમાં આણ્યા વગર બપોરે દોઢ વાગ્યે, એક હાથમા બકોર પટેલની યાદ આપતી લાંબી કાળી છત્રી અને ખભે થેલો ભેરવી પીજીજી યાહોમ કરી ઘર બહાર પડ્યા. વચ્ચે લોઅર પરેલ સ્ટેશને (કવિ નામધારી) ‘નીરજ’ ચઢશે અને સાથે ગામ ગપાટા મારતા કલાકે અમે બોરીવલી  પહોંચવાની ઈચ્છા કરી' હતી. પરેલ સ્ટેશન આવતાં જ માઈક પર એનાઉન્સમેન્ટ થયું, “કવિ  નીરજ/ આ ટ્રેન/ પકડી શકે એમ નથી../ એટલે લાગતા વળગતાઓએ/ તરત જોઈતો નિર્ણય લઈ લેવો..”વરસાદી મુબઈની રવિવાર બપોરની  ટ્રેન અનોખી હોય છે.વળી કલાકની મુસાફરી હોય તો વાંચવા અન્યથા કોઈ  ગમતો/ગમતી મિત્ર સાથે હોય તો બેમતલબ વાતો કરવા મજાનું સ્થળ છે. અને એટલે જ વાતોનો રસિયો આ જીવ હેઠે ઊતરી પડ્યો..(છત્રી સહિત હોં!) અને  પછી નીરજના આવ્યા પછી  પ્રવાસ ફરી શરૂ કર્યો.











મીનાક્ષીબેન મુંબઈ ગધ્યસભાના વરિષ્ઠ સભ્ય.પણ ’વાર્તા રે વાર્તા’માં પહેલીવાર જોવા મળ્યા.
એટલું જ નહીં એમના બિઝનેસ વૂમન દીકરીના સહકારે વી-આર-વીની આ શિબિર માટે યજમાન બનવા ઉત્સાહભેર રાજી થયાં હતાં. સમીરાએ ‘વીઆરવી' વિષે એમને અવગત કર્યા, આપ પિતૃપક્ષે એક સાહિત્યિક માહોલમાંથી આવો છો, પણ સાસરે એથી જુદું જ વાતાવરણ. ત્રીસ વર્ષ પછી સુયોગ થતાં ફરી લખવા કમ્મર કસી અને સતત દસ વર્ષ લખ્યું.   મીનાક્ષીબેનની આ ત્રીસ વર્ષના લેખન વગરના જીવનની વાતને સામે પક્ષે,  લગ્ન પહેલાં ટેકનિકલ ફિલ્ડમાં કામ કરતાં સમીરા, લગ્ન પછી  ક્રિએટિવ રાઈટીગ તરફ અચાનક વળ્યા. “કહો કે -લગ્ન મને ફળ્યા’.”એમ વાતને મૂકી એમણે શિબિરમા જરુરી  હાસ્યરસ વહેડાવ્યો. * એમની વાતનો સૂર પકડતા રાજુએ એની અસ્ખલિત વાતોનો ધોધ વહેડાવવો શરૂ કર્યો. “એકવાર લખવાનું શરૂ કરો પછી જેમ જેમ આપણી લેખન વિષેની સભાનતા વધતી જાય એમ લખવું વધું ને વધું અઘરું થતું જાય. સભાનતા વધે એમ લેબર વધે!” 

(લગભગ આ સમયે ફુદીના, લીલી ચાય નાખેલી ખુશ્બૂદાર ચાય અને નાસ્તા પીરસાયા.. સૌજન્ય: મીતા દીક્ષિત.)

મુખ્ય બે વિષય સાથે રાજુએ તૈયાર થઈ આવેલા. રાજુએ -પ્રથમ  વિષય તરીકે, ‘મુબઈ શિબિર ક્યાં કરવી’ એ ફરી ફરી ચર્ચાતો પણ  અણઉકેલ્યો રહી ગયેલો પ્રશ્ન પહેલો હાથ ધર્યો.
વેસ્ટર્ન, સેન્ટ્રલ અને-સાઉથમાં ફેલાયેલા મુંબઈ માટે અંધેરી વચ્ચે વસેલું છે અને સેન્ટ્રલ વેસ્ટર્ન રેલ્વે અને મેટ્રો ટ્રેનથી પણ જોડાયેલું છે.અંધેરી-ભવન્સ આવી પ્રવૃત્તિ માટે મળી શકે. પણ સ્ટેશનથી એનું અંતર ઘણું હોવું એ મુદ્દે એનો છેદ ઊડી ગયો. “વાર્તા જેવી ક્રિએટીવ પ્રવૃત્તિ માટે પ્રાકૃતિક સ્થળો વધારે  અનૂકુળ ના આવે?..”રાજુના મોઢે સૌ મુંબઈ શિબિરાર્થીઓના સ્મરણમાં કાયમી સ્થિત પ્રિય સ્થળનો પરોક્ષ ઉલ્લેખ  થતાંવેંત એનો ઉત્સાહભેર હોંકારો મેં અને સમીરાએ આપ્યો.  જાણે કોઈ પ્રિયજનનુ નામ બોલતાં હોઈએ એમ એકસાથે “ નેશનલ પાર્ક..!” હર્ષભેર બોલી પડ્યા. વળી “ત્યાં ફોટા પણ સરસ પડે” એવું  સૌને મનગમતું કારણ ઉમેરી નેશનલ પાર્ક ની મહત્તા પર  સમીરાએ જોર મૂક્યું..એ પછી પેટા મુદ્દો ઓવરનાઈટ શિબિર વિષે હાથ  લેવાયો. આજસુધી તમામ શિબિર સવારથી સાંજ સુધીમાં આટોપી લેવાઇ. રજાના દિવસે શિબિરમાં ”મારે નાના સૈફને સાથે લાવવો પડે” એમ કહી સમીરાએ  રાજુને એમ બોલવા મજબૂર કર્યા કે, “એક/બે મહિનાના- કોઈ એક દિવસ, કોઈ બીજું પણ આપણી જવાબદારી લઈ જ શકે…આપણે જ્યારે કોઈ એક દિવસ નક્કી કરી, ઘણાં બધાં કલાકો  શિબિર શરૂ કરી ત્યારે એ અંધારામાં જ છોડેલું એ તીર હતું..અને એ ફળ્યું. ઓવર નાઈટ શિબિરથી આપણને, આપણી વાર્તાને કેટલો ફાયદો થાય એ આપણે અનુભવે લઈને જ  જાણી શકીએ. પરંતુ આપણે એક સિરિયસ પ્રવૃત્તિ હાથ ધરી બેઠાં છીએ. આપણે આપણા જડ વિચારો, આદતો  વિષેના  કમફર્ટર્ઝોનમાંથી હવે બહાર આવવું પડશે..અને વાર્તા વિષે વધારે સિરિયસલી કામ હાથ ધરવું પડશે.”

બીજો મુદ્દો સિલેબસ વિષેનો લેવાયો. નવી સીઝન છતાં શરૂઆત પહેલાં ચેપ્ટરથી જ કરીશું. કારણ ક્રિયેટીવ ફિલ્ડમાં આ છુટી ગયું કે આ પતી ગયું એવું નથી હોતું.સૌ પ્રથમ ચર્ચા નેહા રાવલની વારેવા ફેસબુક જુથ પરની પોસ્ટ પ્રેરિત વિષય : “એક લેખક તરીકે આપણી વાર્તા શું  સરળ હોવી જોઇએ? વાર્તા લોકપ્રિય થાય એ ઉદ્દેશથી લખાવી જોઈએ? લેખકોએ એવી  સભાનતા સાથે લખવું જોઈએ અને એક વાચક તરીકે ન સમજાતી વાર્તા વિષે આપણું શું સ્ટેન્ડ હોવું જોઈએ?” એ લેવામાં આવ્યો.

  રાજુએ વાત શરૂ કરતાં કહ્યું,



“દરેક વાર્તાકાર પછી એ મધુરાય હોય કે ચંદ્રકાંત બક્ષી હોય, સૌની પોતપોતાની શૈલી હોવાની. શું સૌ વાચક સુધી એમની આ શૈલી/વાર્તા પહોંચે છે? કે પછી અમુક વર્ગ ને ખૂબ મજા પડે છે જ્યારે અમુક વર્ગને કશું સમજાતું નથી.આમાથી બે પ્રકારના પ્રશ્ર્નો ઊભાં થાય છે.જેમને એ લખાણ સમજાતું નથી એમણે પોતાને વધુ પ્રવૃત કરવાની જરૂર  છે? કે પછી સામા પક્ષે લેખકે દયા -માયા ભાવ રાખી વાચકને નજર સામે રાખી લખવું જોઈએ? “ સૌ શિબિરાર્થીઓમા આ પ્રશ્ર્ન ફેરવવામાં આવ્યો

• નીરજ કંસારા:
“ વાર્તા સમજાઈ કે ન સમજાઈ એ પ્રશ્ર લેખકનો નહીં, વાચકનો છે. લેખકે સરળ કે ગહન લેખન નહી, પણ સારું લખવું એ જ અપેક્ષિત છે. હું મારી વાર્તા બને એટલી સરળ લખવા કોશિષ કરીશ. પણ જો એમ કરતાં વાર્તાનું ઓરા અને સ્ટ્રકચર ડેમેજ થતું હોય તો હું એ ન બદલું. મને સમીરાની મુનશી વિજેતા વાર્તા પણ નથી સમજાઈ પણ એ માટે મારે સજ્જ થવું પડશે.જ્યાથી એ  વાર્તા ના સમજાઈ ત્યાં જઈને વાર્તા ફરી ફરી વાંચવી એ રીતે હું શીખતો રહું છું.”

અહીં મીનાક્ષીબહેને ઉમેરતા જણાવ્યું કે “લેખક પોતાનું મનોમંથન લખાણમાં ઉતારે અને એકવાર લેખકને એ વિષે  સંતુષ્ટિ થઈ પછી એ ના બદલી શકાય.” 

સમીરાએ
સુરત સ્થિત નેહા રાવલને યાદ કરતાં કહ્યું,”મને આ વિષે નેહાનો અપ્રોચ ગમે છે. તમને જો કોઈ લેખકની કૃતિ ના સમજાય તો તેમને જ ફોન જોડો અને લેખક શું કહેવા માંગે છે એ જાણો.આથી લેખકને પણ જાણ થાય કે કશું ક ના સમજાય એવું એની કૃતિમાં છે.પરંતુ હું હું પોતે એક લેખક તરીકે કહીશ કે-આય ડોન્ટ કેર! મેં શરુઆત માં મારી ના સમજાયેલી કૃતિ ને સરળ કરવા કોશિષ કરી પણ પછી એ  મને પોતાને જ ના ગમી.કોઈ કૃતિ મને ના સમજાય ત્યારે હું લેખક અથવા જાણકારને પૂછું પણ લેખક આવું શા માટે લખતાં હશે એવું નથી વિચારતી. મારી ‘ચંપાનો ગજરો ‘ કોઈને નથી સમજાઈ એનો મને અફસોસ છે જે મારા મતે મારી બેસ્ટ કૃતિ છે.’સુમી’ સફળ કૃતિ છે પણ એમાં કશું એવું છે જે વિષે હજું હું પણ ક્લિયર નથી. મધુરાયની કોઇ વાર્તા આખી ન સમજાય પણ ક્યાંક કશુંક સ્પર્શી જાય. એ પછી ઉત્સુકતા જાગે/કયૂરોસીટી..તમને એ ફરી સમજવા મજબૂર કરે. જ્યારે અમુક વાર્તાનું પોત એવું હોય છે કે એ તમને ક્યાંય ના અડે..”

અહીં પીજીજીએ એમના ઘરે વારંવાર વાર્તા પઠનના અનાયાસ બનતાં પ્રસંગોમાંથી એક પ્રસંગ યાદ કરતા કહ્યું કે, “ હું એક કૃતિ વાંચુ ત્યારે  બે શ્રોતા હોય, તો એક કૃતિ બંનેને અલગ અલગ સ્તરે પહોંચે છે. કોઈ મારા ઘરે આવી વાર્તાનું પુસ્તક માગે ત્યારે કોને કયું પુસ્તક અપાય, એ વિષે હું સભાન હોઉં છું. મતલબ સૌ પોતપોતાના સ્તર, સમજ મુજબ વાર્તાને પામે છે. એમાં લેખકે વાર્તામાં ફેરબદલ કરવાનો પ્રશ્ન જ નથી.”

અહીં બીજી વારની-ચા અને હવે મસાલાવાળી આવી!..અને સાથે સ્ટેજ અદાકારા મીના પુરાણીએ એન્ટ્રી કરી. આવતાં વેંત  ચર્ચામાં ઝુકાવતાં એમણે કહ્યું, “મને ’સુમી’ વાંચી ત્યારે થયું કે આ ગહન વિષય છે. મને સમજાતું નથી. ત્યાં મારી સમજમાં કશુંક ઓછું પડે છે, ફરી વાંચી. લેખકને પૂછું..? એમ એક પછી એક સ્તરે વાર્તાની નજીક જવાનો પ્રયત્ન કર્યા કર્યો.” અહીં સમીરાએ રાજુની એક વાર્તા ‘ચલતચિત્ર’ ને યાદ કરી. જે ઘણી અઘરી હતી. પણ જેવી મને સ્પર્શી મેં ફરી વાંચવા, સમજવાની કર્ટસી બતાવી..એ પછી એક નવું જ લેયર ઉઘડ્યુ..”

• મીનાક્ષીબહેને મમતામા એમની રિજેક્ટેડ કૃતિ વિષે મધુરાયની ટિપ્પણી ”આ વાર્તા તો મને રોજ ટીવી પર આવતી વાતો જેવી લાગે છે..” એના અનુસંધાનમાં કહ્યું કે લેખક પોતાના મનમાં જે ઊગે એ લખતો હોય છે, આપણે વિચાર કરીને જ લખીએ.આપણે વાચકને કે સંપાદકોને  સમજાવવા લખતાં નથી, આપણે લખવું છે માટે લખીએ છીએ.”

હવે સમય હતો રાજુના આખરી પ્રતિભાવનો કારણ કિશોરભાઈ
હજુ આવ્યા નહતા. ઓવર ટૂ રાજુ ધી ગાઈડ.

“ લેખકો દગાબાજ હોય છે.ગુજરાતી સાહિત્ય માં એક સમયે પારંપરિક ગ્રામ્ય પરિવેશ અને સામાજિક નિસબત સાથે સારી વાર્તાઓ લખાઈ. ઉદાહરણ-મારી ચંપાનો વર, બિંદુની દાબડી, લતા શું બોલે? , વાત્રકને કાંઠે..આ વાર્તાઓ કલાની બધી શરતો પૂરી કરે છે, પરિવેશ સામાજિક અને સરસ કલાવિધાન.દરેક વાર્તાના કેરેકટર અજાણ્યા નથી, જાણીતી સ્થિતિ છે પણ અલગ મુદ્દે લખાઈ છે. એ પછી સુરેશ જોષી એ તદ્દન નવા ફલક, વિદેશી વાર્તાઓના પ્રભાવમાં વાર્તા ને જુદી રીતે જોવાની, મૂલવવાની, વિવેચનની દ્રષ્ટિ ખોલી આપી.અહી આધુનિક વાર્તાઓનો પ્રવેશ થયો.અને સાથે મોટી ગડબડ પણ થઈ (આ ‘ગડબડ’ શબ્દ રાજુ બોલે ત્યારે ખરેખર ગડબડ ફીલ થાય!) અહીં જે લેખકો (વાર્તા સહિત) લપસી પડ્યા એ વિષે મનન થવું જોઈએ એ ન થયું.અચાનક વાર્તાઓ મોર્ડન આર્ટ જેવી થઈ ગઈ.તમે એક કોરા સફેદ બોર્ડ પર એક કાળી લીટી દોરો અને બુધ્ધિ દોડાવો તો એક  અર્થ તો નીકળે જ, મતલબ વાર્તા ગમે તેવી લખેલી હોય એક અર્થ તો નીકળે જ.આ થઈ લેખકોની દગાબાજી, બ્લન્ડર.લેખકો ખિસ્સાકાતરુ ન હતાં પણ અસાવધપણે આચરેલું આ બ્લન્ડર હતું. વાચકને વાર્તા સમજાય નહીં છતાં સંપાદકો છાપે. લેખકોને થયું કે ન સમજાય એવું લખાણ લખાવું જોઈએ અને સંપાદકોને લાગ્યું જો હું આ નહીં છાપું તો હું સમજ્યો નથી એ સમજાઈ જશે.આમ વાર્તા એ ઓળખ ગૂમાવી અને આવું દરેક ભાષામાં થયું.ન સમજાય એવું લખવાનું આકર્ષણ થાય ત્યારે વાચક ગેરવલ્લે જાય છે.વાચક તરીકે આપણામાં, આ વાર્તાકાર ઉલ્લૂ બનાવે છે એ ક્લેરીટી આવવી જોઈએ. ‌વાચક તરીકે સમજાઈ જવું જોઈએ કે -નો,નોટ ધીસ.વાચક પણ વાર્તા ન સમજાવા છતાં સમજાઈ એવો દેખાવ કરતો હોય છે. છતાં આપણે વાચક તરીકે હંમેશા આપણો જ દોષ કાઢવાનો નથી.

હવે સહેજ વિષયાંતર.. વાર્તા કેવી રીતે વાંચવી અથવા  વાર્તા ક્યારે ન સમજાય. આપણે સૌ વસ્તુઓને અને માણસને સુધ્ધાં ટૂકડાઓમાં જોવા, મુલવવા ટેવાયેલા છીએ. આ માણસ જોક બહુ કરે છે, એ વિનોદી છે.  ફલાણાના કપડાંમાં ઠેકાણા નથી હોતા, એનામાં ડ્રેસિંગ સેન્સ જ નથી વગેરે વગેરે. માણસને સમજવા માંગતા હોઈએ તો એને સમગ્રતયા કેવો છે એ જોવો પડે.કોઈ એક  પ્રસંગ કે પ્રતિભાવ, કે ઘટનાને આધારે સ્ટેટમેન્ટ ના કરી શકાય. આપણે વાર્તાને મૂલવતા પણ એ જ ગડબડ કરી બેસીએ છીએ.વાર્તાને કેવી રીતે જોવી જોઇએ? આપણને સપાટી પરથી જોવા ટેવાયા છે.  વાર્તાની ગલીકૂચીઓમા અટવાઓ નહીં. એને શરૂથી અંત સુધી વાંચો. સારી ગલી, , ખરાબ ગલી, જે હોય એને ઓબ્જેક્ટીવ્લી શરૂથી અંત સુધી એકવાર વાંચી જાઓ. પછી બધું જ સારું/ખરાબ જે  પણ હોય, એકવાર બધું જ મગજમાંથી કાઢી નાંખો, બધું બાજુએ મૂકી પછી એક વાક્યમાં આખીયે  વાર્તાની  એક લાઈનમા સમરી બનાવો, એક ચિત્ર બનાવો મનમાં. બધુ જ ભૂલી જાવ.. એના વર્ણન, એના સંવાદો, બનાવ, પ્રિમાઈસ, પાત્રો, ડોસો, દરિયો,હોડી, માણસ..એમના ભાવ, ગુસ્સો, દયા બધું તોડી તોડી, વાર્તાનું એક હાડપિંજર બનાવો અને જુઓ છેલ્લે હાથમાં શું આવે છે? આ હાડપિંજરને આખીયે વાર્તા કેવી રીતે કોમ્પ્લિમેન્ટ કરે છે?  આપણે ધારોકે ‘તાશ્કંદ ફાઈલ’ ફિલ્મ જોઈએ.  એમાં કેટલાક દ્રશ્યો સારા હોય, ડાયલોગ, ગીત, બેકગ્રાઉન્ડ સંગીત ખૂબ ગમી જાય.. પણ ફિલ્મ પૂરી થાય પછી આપણે શું કરીએ છીએ? શાંતિથી બેસી વિચારીએ છીએ. અચ્છા..! (આ ‘અચ્છાઆઆઆ’  બોલતો રાજુ પણ નોટ કરવા લાયક.) આમાં આમ થયું, આપણને જે જે ગમેલું એનો મૂળ વાર્તા સાથે તાલમેલ બેસાડીએ છીએ. અને એ બધું અનકોન્શયસ્લી કરીએ છીએ, એ કોઈ સ્કુલમાં ભણાવાતુ નથી. હવે થાય કે પેલી કોમેડી શા માટે? પેલા કેરેક્ટરનો પેલો ડાયલોગ શા માટે? એમ મૂલવતાં જઈએ, કંટાળો આવ્યો વચ્ચે? તો યાદ એ પણ યાદ રાખો. કે પછી  લેખકે મજા કરાવી તો યાદ રાખીએ છીએ.અને એ બધાને એક પછી એક વન લાઈન સમરી સાથેનું/હાડપીજર સાથે એનુ અનુસંધાન જોડવા કોશિષ કરીએ..એમ કરતાં ૯૯% વાર્તા સમજાઈ જતી હોય છે.લેખકો ક્રિયેટીવ હોય છે અને સાથે દગાબાજ પણ હોય છે. પણ સ્કેલેટોન બનાવીએ ત્યાં લેખક ખુલ્લો પડી જાય છે.જ્યાં  સુધી વાર્તા પૂરી નથી થઈ એ સ્ટેજ પર છે અને આપણે ઓડિયન્સ. .છેલ્લી લાઈન આવી ગઈ,  વાર્તા હવે પૂરી થઈ ગઈ.નાવ વી  કેન ગો થ્રૂ-ઈટ અગેન.જાદુગર કોઈ જાદુ કરે તો તમારે એની હાથસફાઈ યાદ રાખવી પડે, ધ્યાન રાખવી પડે. પણ વાર્તા વિષે એવું નથી.તમે ફરી વાંચી શકો છો, પકડી શકો છો લેખકની ચાલાકી.એક ઓવર-ઓલ પીકચર પકડો.વાચકને ગૂમરાહ કરવામાં લેખકની જીત છે.પણ ત્યાં તમે હાર્યા. એને તમને હરાવવામાં રસ છે. પહેલાં વાર્તા સમજી લો પછી ભલે હારો.આહા! કેવો સરસ પ્લોટ! એ પછી ભલે કહો, પણ પહેલાં વાર્તા તો સમજો!






આ પછી વિષયાંતર સાહિત્ય અને એના ફિલ્માંકન તરફ વળી ગયું. ધ્રુવ ભટ્ટે ‘તત્વમસિ’ લખી અને એ પરથી ' રેવા’ નામની(હવે તો નેશનલ એવોર્ડ વીનર!) ફિલ્મ બની. જ્યારે કોઈ કૃતિ ઉપરથી ફિલ્મ બને ત્યારે વધારેમાં વધારે કૃતિની પંદર ટકા વાત પકડી શકે છે. લેખનમા ફક્ત પાંચ સંવાદથી એક આખુ ચિત્ર ઊભું કરી શકાય છે, જ્યારે ફિલ્મમાં હાવભાવ, કપડાં અને બીજું ઘણું આવે છે. જોનારનુ ધ્યાન ઘણી બધી વસ્તુમાં વહેંચાઈ જાય છે.  ફિલ્મમાં બધું દેખાય, સાહિત્યમાં  નહીં. શા માટે સાહિત્ય ક્રુતિ પરની ફિલ્મો બહુધા અસંતુષ્ટિ આપે છે ? કેમ કે બન્ને માધ્યમ જુદા છે અને બન્ને માધ્યમમાં ઘણું સામી પણ છે- આ સામ્ય ને કારણે દિગ્દર્શક સિનેમા માધ્યમ માટે આવશ્યક બાબતોનું રૂપાંતરણ ન કરવાની ભૂલ કરે છે અને ક્રુતિ વાચનાર ફિલ્મ જુએ ત્યારે ‘જેમનું તેમ ‘ પરદા પર જોવા છંતા સંતોષ નથી અનુભવી શકતો – ન એ અસંતોષ થયાનું કારણ સમજી શકે છે. મુદ્દે રજૂઆતના સિનેમાકરણમાં ત્રુટિ હોય છે.




આવા નાનકડા વિષયાંતર બાદ વાર્તા પઠન માટે જેમને ઈચ્છા હોય એમને સમય ફાળવાયો. મીનાક્ષીબેને ગદ્ય સભામાં લખાયેલી નાગકન્યા વાંચી સંભળાવી. “જેટલુ લખાયું છે એ સરસ લખાયું છે”એવો રાજુએ પ્રતિભાવ આપ્યો..

સમીરાની સુમી વિષે મીના પુરાણીએ પોતાની મુંઝવણ કહી એનો સમીરાએ સવિસ્તાર જવાબ આપ્યો. નિરજ કંસારા એક તાજી વાર્તા લખી આવ્યો હતો. એનું પઠન થયું. ખૂબ જ જુદા વિષયની વાર્તા માટે  સૌના ઘણા બધા સુઝાવ મેળવી શક્યો. વાર્તામાં સરસ વિષય વેડફાયાનો સુર ટીપ્પણીઓમા સામાન્ય  રહ્યો. આવનારા સમયમાં આ વાર્તા જરૂરી ફેરફારો સાથે વાંચવાનો લ્હાવો  મળશે એમાં બે મત નથી.અહી ભાષા વિષે મીનાક્ષીબેને નાની પણ ધ્યાનાકર્ષક ટીપ્પણી કરી. વાર્તામાં ‘ખમીસ ગયો' નહીં પણ ગયું હોવો જોઇએ. એમ ‘કબાટ ઉઘડ્યો' એક જગ્યાએ લખાયું હતું,  જે ઉઘડ્યુ હોવું જોઈએ.. અંગ્રેજી ભાષાના પણ રોજબરોજની વાતચીતમાં વણાઈ ગયેલા શબ્દોના જાતિ વ્યાકરણ દોષ તરફ ઈશારો કર્યો.રાજુએ એક જ લેયરમા પૂરી થઈ જતી  આ વાર્તા સાથે ગુલિવર્સ ટ્રાવેલ્સને યાદ કરી. બાળવાર્તા હોવા છતાં એ મોટેરાંઓને પણ અપીલ કરે છે.કારણ  બાળવાર્તા હોવાં છતાં એમાં પોલિટિકલ લેયર્સ પણ જોઈ શકાય છે.શ્રેષ્ઠ બાળવાર્તા એ છે જે મોટેરાં ઓને પણ સમજાય.

સમીરા
સતત અદભુત વાર્તાઓ લખી રહ્યાં છે એ વાત એણે એની કેટલીયે લખાયા વગર પડી રહેલી  વાર્તાઓમાંથી ફક્ત બે વાર્તાઓ અહીં વાંચીને ફરી પૂરવાર કર્યું.. બેમાંથી એક ફેન્ટસી અને બીજી મન્ટો યાદ આવી જાય એવી અદભુત વાર્તારસવાળી વાર્તા પઠનથી આપ્યો. રાજુએ બંને વાર્તા સરાહી અને સુઝાવ સાથે શીર્ષક માટે નામ પણ સૂચવ્યા. આ વખતે જ ‘વીઆરવી’ના અણમોલ રતન જેવા કિશોરભાઈએ મોડી મોડી પણ એન્ટ્રી કરી. એમને સમીરાની વાર્તા ફરી ટૂંકમાં સંભળાવવામા આવી. આ તરોતાજા વાર્તાએ એમને ઘડીકમાં શિબિરાર્થી કરી દીધા.એટલુ જ નહીં આ પ્રકારના થીમ પર એમણે એમના બાપુજીની નિખાલસ/ સ્પષ્ટ વાત કરવાની ખાસિયતનો મજેદાર કિસ્સો કહ્યો. નાની વયે કિશોરભાઈ અસ્પતાલમા દાખલ કરાયા હતા. પાસે જ એક ખાટલે કોઈ જવાન છોકરાને જોવા ટોળા આવતાં. પણ શું બિમારી છે એ કોઈ બોલે નહીં.આખરે કિશોરભાઈ એ એમના બાપુજીને જ પૂછ્યું અને એમણે સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપતા કહ્યું, “એ છોકરાને છાતીએ સ્તન અસામાન્ય રીતે વધી રહ્યા છે.”


બીજી તરફ મીનાક્ષીબેન સમીરાની વાર્તા વડે ભૂતકાળમાં સરી પડ્યાં.યુવાન વયે/વર્ષો પહેલાં સાહિત્યના મિત્રોની મંડળીમાં બનેલો નાનકડો કિસ્સો યાદ આવી ગયો.એમના શબ્દોમાં, ” મિત્રો જોડે સાહિત્ય ની ખૂબ બધી વાતો થતી. એમાં એક પુરુષ મિત્રે વાતવાતમાં મારા ખભે હાથ મૂકીને વાત કરી! પત્યું! હું એવી શરમાઈ કે એક અઠવાડિયા સુધી કોલેજ ના આવી કે એમની સામું જોયું નહીં. આજે આ વિચારતા  હસવું આવે છે.”

આ પછી યજમાને તરત કિશોરભાઈને ચા પીરસી પણ એ પહેલાં એક ફરી આનંદ આવે એવો નાનકડો સંવાદ થયો. મીનાક્ષીબેને સ્વાભાવિક પૂછ્યું, “ચા માં સાકર કેટલી?”

કિશોરભાઈ એ આજકાલ ફક્ત હવામાન ખાતામાં જ વપરાતા શબ્દ, “સરેરાશ કરતાં ઓછી.” એમ કહી, સૌને શબ્દ કૌતુકનો લાભ આપ્યો.(હાસ્ય રસ ઈશારાનું શ્રેય –નિરજ કંસારાને.)

છેવટે નવા ટાસ્કની ખટમીઠી પીપર રાજુએ સૌને વહેંચી. યજમાનનો ગદગદ ભાવે  સાથે આભાર વ્યક્ત કરી સૌ કલમ રસિયા છૂટા પડ્યા.

છેલ્લે દોસ્તો, નવું અજબ ગજબ ટાસ્ક/રાજુના શબ્દોમાં..




કોઈ એક બિન સાહિત્યિક વ્યક્તિને પૂછો કે : ધારોકે હું તમારા માટે એક વારતા લખું તો એ કયા વિષય પર હોય ? તમને ગમતો વિષય કહો. હું તે વિષય પર વારતા લખીશ. લખ્યા બાદ જે તે વ્યક્તિને એ વારતા કેવી લાગી એ પણ જાણવું. ટાસ્કના ઉત્તરમાં એ વારતાનો વિષય શું કહેવાયેલ, વારતા અને લખાવનારની પ્રતિક્રિયા -આ ત્રણે બાબત હોવી જોઈએ.

અહીં બિન સાહિત્યિક એટલે જેનો આ કળા સાથે સીધો સંબંધ ન હોય. જે કોરી પાટી જેવી વ્યક્તિ હોય. નિયમિત વાચક હોય એની અમુક સમજ હોય જ વારતા કલા બાબત. પણ જેને વારતા સાથે પનારો નથી પડ્યો એની શું ઉમેદ હોઈ શકે વારતા પાસે ?

આ ટાસ્કના મૂળ ગાંધીજીના આ વાક્યમાં છે : કોશિયો સમજે એ કવિતા.

કોશિયો એટલે ખેડૂત.

ઓકે. છેવાડાના માણસ સુધી સાહિત્ય પહોંચવું જોઈએ એમ. આ વિધાન સાથે હું બિન શરતી સહમત નથી જ. પણ એક જુદો કોણ જોઈએ. છેવાડેના માણસની સાહિત્ય પાસે અપેક્ષા હોય તો શું હોય ? કેવી હોય ? 

આ ટાસ્ક એ અપેક્ષા સમજવાનો ઉપક્રમ.

~~ પરાગ જ્ઞાની (વારતા રે વારતા ટીમ તરફથી)





2 comments :

  1. વિગતવાર અહેવાલ.સરસ. આ ભાઈને નોકરીમાં કાયમ કરો. કાયમ જ હોય તો પગાર વધારી દો. વધારે જ હોય તો રૂપિયાને બદલે ડોલરમાં આપો!

    ReplyDelete
  2. (koik technical kshati ne karane gujarati script type nathi thai rahi haal e badal kshama yachna ...)

    Thanks PGG. Umdaa aheval.

    ReplyDelete