Sunday 19 January 2020

વારતા શિબિર : ભરૂચ (૧) - હિમાંશુ ભારતીય


વારેવા : ૧૨મી જાન્યુઆરી ૨૦- ભરૂચ -પ્રથમ વારતા શિબિર : હિમાંશુ ભારતીય


અઘરું તો હતું જ!
મારા માટે તો ખરું જ!
પાંચેક જાતનાં થેપલા, ચારેક પ્રકારનાં ઢોકળા, ત્રણ જાતની પુરી, ચારેક જેવી સૂકી ભાજી,    લીલા મરીના અથાણાં સહિત  પાંચેક જાતના અથાણાં, ચારેક ચટણી, ત્રણેક પ્રકારની બિરિયાની, સાડા છ જાતના શાક (આ રહસ્ય જાણવા માટે શિબિરમાં ઉપસ્થિત રહેવું ફરજિયાત)  જોડે જોડે બે જાતની માવા ચિકી, મસાલા પૂરી, અડદિયા, પોંક, સેવ, કોરાં નાસ્તા, પાપડ, મરચાં, સ્ટ્રોબેરીની સાથે લટકામાં મુખવાસ અને છાશ સાથેનો હળવો નાસ્તો હળવાશથી કર્યા બાદ તુરંત જ  રાજુ હેન્ડસમ(કોઈ શક?) નું સેશન ચાલુ થવાનું હતું. તેમાં જાગતા રહેવું મને અઘરું લાગતું હતું. એનું  કારણ કોલેજકાળથી લઈ આજ સુધી પોસ્ટલંચ સેશનમાં, પહેલી પાટલીએ બેઠો હોઉં તો પણ એકાદી ઝપકી તો મારી જ લેવાની મારી અદભુત ક્ષમતા. કિન્તુ ઇતિહાસ રચાઈ ગયો! સૌથી આગળ બેઠેલો હોવા છતાં મને ઊંઘ તો ઠીક પણ બગાસું પણ ના આવ્યું. આના માટે રાજુની છટા જવાબદાર હતી કે તેમનો ડર?

સવારે નાસ્તો કરતા મેં મારી સહચશ્માધારિણીને કહ્યું કે, યાર શિબિરમાં નથી જવું. આ રાજુની બહુ બીક લાગે છે.

ગ્રુપમાં તો એ ખાલી શાબ્દિક ચાબખા જ મારે છે પણ રૂબરૂમાં તો ભૂલ કરવા પર સોટીએ અને સોટીએ ફટકારશે. તો એ પ્રેમથી તાડુકી કે આ વહેલા ઊઠીને જે મસાલા રોટી બનાવી છે એનું શું અથાણું કરવાનું? એટલે બંદા થઈ ગયા સીધા ટ્રેન ભેગા. એક વાત તો મારે તમને જણાવવી જ પડશે કે રાજુને મળ્યાની દસ જ મિનિટમાં એમના માટેનો મોટા ભાગનો ડર દૂર થઈ ગયો. ખરા મજાના માણસ છે! પહેલા જોયું તો એમના હાથમાં કોઈ લાકડી નહોતી. એટલે થોડી ધરપત થઈ કે લાકડી વડે તો નહિ જ મારે. અને કદાચ મારે તો  પણ પેનથી મારે  એટલે બહુ ચિંતા નહિ. 
દર્શનાનાં ઘરે એમના પતિ વિરલ દ્વારા બનાવેલી અદભુત ચાની સાથે ભરૂચના ભજીયા ખાઈ હું અને રાજુ શિબિરસ્થળે પહોંચ્યા. શિબિરનો સમય થઈ ગયો હતો અને મોટા ભાગના સભ્યો પણ હાજર હતા તેથી રાજુએ શિબિર શરૂ કરવાની ઘોષણા કરી. એટલે કોઈ શંખ બંખ ફૂંકીને નહિ પણ એમના સ્વમુખે જ બોલીને કરી.
આ શિબિરમાં હું બધાને પહેલી જ વાર મળી રહ્યો હતો. જાગુ, દીના અને દર્શના વારેવાના સભ્યો હતાં એટલે એમના નામ જ ખબર હતાં. જે સી વ્યાસ અને ડૉ વિનોદ ગૌર  સિવાયના બીજા સભ્યો કે જેઓ દર્શનાનાં મિત્રો હતાં તેમની  સાથે તો નામની પણ ઓળખાણ નહોતી. એક નાનકડા ઓળખાણચક્રની જરૂરિયાત મને લાગતી હતી. ત્યાં રાજુનું ફરમાન છૂટ્યું કે દરેક જણ પોતાનું નામ આપી ગમતી વાર્તા કેમ ગમે છે તે કહેશે. બસ એ જ એમનો પરિચય. દીના અને જાગુએ એમની ગમતી વાર્તામાં  ઉમાશંકર જોશી રચિત "મારી ચંપાનો વર"નું નામ લીધું. દીનાએ કદાચ વાર્તા બહુ સમય પહેલા વાંચી હતી એટલે સરખું યાદ ન હતું. જાગુને આ વાર્તા એટલે ગમી હતી કે એમાં લેખકે ગમે તે ઉંમરની સ્ત્રીને જિંદગી જીવવાનો, આનંદ મેળવવાનો હક છે તે વાત કહી હતી. જે તેમને સ્પર્શી ગઈ. દર્શના અને બીજાં ઘણાંને "પોસ્ટ ઑફિસ" વાર્તા ગમી હતી. એમાં પણ દર્શનાની ઈચ્છા મરિયમના દૃષ્ટિકોણથી વાર્તા લખવાની હતી. મે સ્વીકાર્યું કે મને બધી જ વાર્તા ગમે જ છે. વધારે ગમેલી વાર્તામાં "લોહીની સગાઈ" કોઈ વધારાના શબ્દ તરીકેની ચુસ્ત વાર્તા તરીકે અને હિમાંશી શેલતની "અંધારી ગલીમાં સફેદ ટપકાં".  એમાં રહેલ વિવિધ સ્તર અને રૂઢિઓ પરના ચાબખાં માટે ગમે છે તેવું જણાવ્યું.


મોટા ભાગના શિબિરાર્થીને વાર્તાઓ, એમાં રહેલ માનવીય સંબંધોની વાતને લઈને ગમે છે તેવું  તેમણે જણાવ્યું. અંહીં અમુક એવી પણ વ્યક્તિઓ હતી કે જેમને નવલકથા અને ટૂ઼ંકી વાર્તામાં તફાવત ખ્યાલ નહતો. એક બેનને તો વાંચવામાં પણ રસ ઓછો હતો. રાજુએ  એમને પ્રેમથી સમજાવ્યા કે  આ તમારું સ્તર છે અને આજની સચ્ચાઈ છે. આ તમારો વાર્તા સાથેનો સંબંધ છે. આ સંબંધ અને સચ્ચાઈ પકડીને જ તમે આગળ વધી શકશો. તેનાથી શરમાવાની જરૂર નથી.  જોકે રાજુએ માત્ર વાર્તા કેમ ગમે છે તે કહેવા કહ્યું હતું પરંતુ મોટા ભાગના લોકો વાર્તા સમજાવવા માટે  ઉત્સુક હતાં. 

પરિચય આપવાનો ગબ્બર ડોનનો વારો સૌથી છેલ્લે આવ્યો. ત્યારે  ખબર પડી કે ચા અને બીડી પીવા સિવાય,  છાપામાં કોલમ લખવા અને વારેવાના સભ્યોને શિસ્તમાં રહેવા ટપારવા સિવાય આ સાધુ માણસ ગુજરાતીહિન્દી નાટકોવેબ સિરીઝ અને એવું ઘણું બધું લખે છે. 

તેમણે કઈ વેબ સિરીઝ લખી તેનો જવાબ આપતા તેઓએ જણાવ્યું કે સવાલ એ ના હોવો જોઈએ કે મેં કઈ વેબ સિરીઝ લખી છે. સવાલ એ હોવો જોઈએ કે કઈ વેબ સિરીઝ જોવી જોઈએ. રાજુની સવાલ ડક કરવાની આ અદા મને શિખેબલ લાગી.


વાત કરતા કરતા રાજુ અચાનક  ઊભા થઈ ગયા અને બોલ્યા કે હું કંઈ જાદુના ખેલ નથી બતાવવાનોતમે ચોંકશો નહિ. પરંતુ એમણે જે બતાવ્યું એ જાદુના ખેલથી પણ વિશેષ હતું. એમને જોઇને એવું થતું હતું કે હમણાં એમની દાઢી પર હાથ ફેરવી ઓમભટ્ટ કે એવું કંઇ બોલશે અને ત્યાં વાર્તાનો ઢગલો થઈ જશે. એવું કશું થયું તો નહિ પરંતુ વાર્તા વિશેની ઢગલો સમજણ જરૂરથી મળી.  રાજુએ વાર્તાના બે ભાગ ફોર્મ અને કન્ટેન્ટની  વાત કરી.  તે સમજાવવા ઉદાહરણ આપતા કહ્યું કે ધારો કે આ શિબિરની જગ્યામાં બોમ્બબ્લાસ્ટ થાય અને બચી ગયેલ સભ્ય એના વિશે લખે તો બધાનું લખાણ અલગ અલગ આવે. બોમ્બબ્લાસ્ટની ઘટના એ કન્ટેન્ટ થયું અને તેના વિશે લખવાની બધાની સ્ટાઈલ એ ફોર્મ થયું. 

રાજુએ તો નહોતું કહ્યું પણ આ છોટે રાજાના નાનાં મગજમાં થયું કે શિબિરનો અહેવાલ જો દરેક જણ લખે તો પણ અલગ લખાઈ શકે.

આગળ "દિલ ચાહતા હૈ" નું ઉદાહરણ આપતા કહ્યું કે સાવ વાહિયાત મેલોડ્રામેટિક  થવા જઈ રહેલ એક સીનને  "ફ્રી કી કેક ખાને હમ કંહી ભી ચલે જાતે હૈ"વાળા ફેમસ ડાયલોગ થી એક કિક મળી અને આખો સીન બદલાઈ ગયો.  એ જ મુવીના બીજા એક સીનમાં આમીર હીરોઈનને બદલે વિલનને કહે છે કે "મૈં આ ગયા હૂં તુમ ડરના મત"  ત્યારે એક ચીલાચાલુ સિચ્યુએશનમાં આવા અણધાર્યા સંવાદથી જીવ આવી ગયો. એટલે પરિસ્થિતિ ગમે તેવી હોય તમે તેની રજૂઆત કેવી રીતે કરો છો તે મહત્વનું છે. લક્ષ્ય મુવીનું પેલું ગીત "ઇસ બાત કો તુમ ઘુમાં ફિરા કર કહતે, અચ્છે સે કહતે તો અચ્છા હોતા" યાદ કરાવી બાકીનું જાતે સમજી જવા કહ્યું.

ચિત્રાત્મક વર્ણનની વાત કરતા રાજુએ કહ્યું કે જેવું લખ્યું છે તેવું દેખાય એને ચિત્રાત્મક વર્ણન કહેવાય. ગાંધીજી પોતે સાહિત્યકાર નહોતા એટલે એ એવી ચીવટ  રાખતા કે સામેની વ્યક્તિને એમની વાત બરાબર સમજાય. તેથી તેમના લખાણમાં ચિત્રાત્મક વર્ણન વધુ દેખાય છે.

રાજુએ તેમની ગમતી પાકિસ્તાની અને તુર્કસ્તાનની  વેબ સિરીઝની વાત કરી અને કહ્યું કે તેઓ આ સિરીઝનાં પ્રેમમાં  પડી ગયા છે. ટર્કિશ સિરીઝ તો તેઓ રોજ જુવે છે અને આગલા દિવસે તેઓ ટ્રેનમાં હતા ત્યારે એનો એપિસોડ ના જોઈ શક્યા તો એમને સપનામાં એ સિરીઝ આવી. જેના એક દૃશ્યમાં એક કલાકાર બીજા પર ગુસ્સે થાય છે અને બીજો એને કશું કહેવાને બદલે મ્યુઝિક વગાડે છે. રાજુ કંટાળ્યા કે આ શું મગજના અઠ્ઠા કરે છે. એ મ્યુઝિક ફરી સંભળાયું ત્યારે એમને ખ્યાલ આવ્યો કે એ સંગીત અને  તેમના મોબાઈલના એલાર્મનો ટોન સરખો હતો. થોડીવાર પછી એમને ભાન થયું કે એલાર્મ વાગે છે અને તેમણે ઊઠવાનું છે. આ દ્રષ્ટાંત વડે તેમણે સમજાવ્યું કે  આપણું અજાગ્રત મન આપણું ઘણું ધ્યાન રાખે છે. આવા અણધાર્યા આંચકા માટે મગજને ધીમે ધીમે તૈયાર કરે છે. વારતા લેખનમાં આવતી વિગતો આ અજાગ્રત મનમાં ધરબાયેલી હોય છે જે બહાર આવે છે ..

બે વાગવા આવેલા અને આ બે કલાકમાં રાજુ
એ ચાની સામે પણ ના જોયું હોવાથી ચાએ જાતે જ રાજુ ને સાદ દેવો પડ્યો. તેમના ચા બીડી બ્રેકની સાથે જ પડ્યો ઇન્ટરવલ.
કંહિ જાના મત હમ અભી હાજીર હોતે હૈ લંચ બ્રેક કે બાદ.


****


આઇ એમ બેક. 
માનુનીઓનાં હાથનાં માલ મલિદા ખાઈને  કે પછી તેમની પ્રિય બીડીની સંગતમાં થોડો સમય વિતાવવાને કારણે, બ્રેક પછીના સેશનમાં રાજુ વધુ ખીલ્યા. વાર્તાની વાત આગળ વધારતા તેઓઉવાચ્યા કે કોઈ પણ વ્યક્તિનો  બે અલગ વ્યક્તિ દ્વારા ફોટોગ્રાફ પાડવામાં આવે તો લાઈટ અને કેમેરાની ગુણવત્તાને કારણે ફોટો અલગ લાગી શકે, પરંતુ  ફોટામાંની વ્યક્તિ તો એની એ જ રહે. ના એના કપડાં બદલાય કે ના એની જાતિ બદલાય. પરંતુ આ જ કામ ચિત્રકાર કરે તો એ કાળાની જગ્યાએ ગુલાબી કપડાં કરી દે,  સ્ત્રીનું પુરુષમાં રૂપાંતર કરે કે પછી રૂમની જગ્યાએ જંગલ બનાવે. કારણ કે એ માણસ છે અને જાતે વિચારી શકે છે. કેમેરો વિચારી શકતો નથી. આ જ ફરક છે કલા અને વિજ્ઞાન વચ્ચે. ગણિતમાં દસ વત્તા દસ વીસ થાય જ અથવા ના થાય. એમાં વીસ થઈ શકે ને કોઈ અવકાશ ન હોય. હોઇ શકવું એ કલાનું વાર્તાનું એક અગત્યનું અંગ છે. બીજુ વાર્તામાં જે  "હોય છે" તે લખવાનું છે. "આવું હોવું જોઈએ" તે નહિ.  

વાર્તામાં ઉપદેશ ના હોવો જોઈએ.  એ કામ કરવા  મોરારી બાપુ જેવા ઘણા ઉપદેશકો છે જ. બીજુ કળા કે વાર્તા શીખી જરૂર શકાય પણ તે શીખવી ના શકાય. એના માટે રાજુની સાથે અમારું યોગદાન બમણું હોવું જોઈએ. તો જ આ શિબિરનો અર્થ સરે. સારી બાળવાર્તા કોને કહેવી એ માટે એમણે કહ્યું કે દરેક ઉંમરના લોકોને ગમે તે જ સારી બાળવાર્તા. દા.ત. "ગુલીવર્સ ટ્રાવેલ્સ" જે બાળકોને તો ગમે જ છે પરંતુ મોટાઓને પણ એમાં રહેલા લેયર્સને લઈને ગમે છે.

વાર્તા વધુ મજબૂતાઈથી લખવા વધુ વાંચવા પર ભાર મૂક્યો. એમણે કહ્યું કે પચાસ અલગ લેખકને વાંચવા જોઈએ. જેથી પાંચ દસ પચીસ ભલે એક સરખું લખતાં હોય પરંતુ બાકીના તો અલગ જ લખતાં હશે અને તમને નવા આયામ મળશે.

આ સમજાવવા એ ઉદાહરણ પણ પાછું જોરદાર લાવ્યા.  એમણે કહ્યું કે "ધારો કે તમે એક બંધ ઓરડામાં છો એમાં પચાસ પુસ્તક અને પચાસ બંધ બારી છે. એક પુસ્તક વાંચો તો એક બારી ખૂલે છે. અને એક બારીમાંથી જોતા દસ દિશા જોવા મળે છે અને દરેક દિશામાં પાંચ પાંચ રસ્તા છે."  હવે કોઈ આવી રીતે સમજાવે તો કેવું શીરાની જેમ ઉતરી જાયનહિ?


વિષયની વાત નીકળતા  રાજુએ વ્યાખ્યાન આગળ ચલાવતા જણાવ્યું કે વિષય જૂના હોઇ શકે છે પણ એની રજૂઆત નવી હોવી જોઈએ. 

"અશોક પારસી હતો" માં જ્યોતીન્દ્ર દવે અશોકને પારસી સાબિત કરવા જબરું લઈ આવેલા. "મોજ બી કીધી ને મેં મજા ભી કીધી, પેટ ભરીને મેં તો તાડી બી પીધી ..." જેવું અશોક કેમ એના શિલાલેખમાં છપાવે તો કહે કે એ પારસી હતો માટે આવું છપાવે. "ગઝલમાં ગીતા" માં તો જ્યોતિન્દ્ર દવે એ ગઝલનો માહોલ ઊભોકરવા અર્જુન અને દુર્યોધન બાજુ બાજુમાં બેસી તબલા વગાડતા હતા એવું લઈ આવેલા. રાજુની લાક્ષણિક ઢબે કહેવાયેલી આ વાત સાંભળી જાગુ હસતાં હસતાં બેવડ વળી ગયાં અને થુપ્પીસ કહી રાજુને થોડી વાર ઊભા રાખ્યા.

રાજુએ વાર્તાના અંત માટે કહ્યું કે સારી વાર્તાને એક અંત નથી હોતો. હકીકતમાં સારી વાર્તા એવી રીતે પૂરી થાય છે કે ત્યાંથી એક નવી વાર્તા ચાલુ થાય. 

રાજુએ કોઈએ કંઈ કહેવું હોય પણ એને સાંભળનાર કોઈ ના મળે એવી વિચિત્ર ગરીબાઇની વાત પણ  કરી. કોઈ છોકરાને કોઈ છોકરી ગમી તો એ વાત કોની આગળ કરવીહવે સાંભળનાર અને સાચું કહેનાર મિત્રો નથી રહ્યા. આના સંદર્ભમાં રાજુએ એક બહુ જ સરસ અવતરણ ટાંક્યું હતું પણ હાલ મારી સ્મરણ શક્તિ જવાબ દઈ ગઈ છે. 

રાજુનું વાર્તા પુરાણ ચાલુ જ હતું ત્યાં એમનું ધ્યાન આંખ બંધ કરી તલ્લીન થઈ સાંભળતા કાળા કુર્તાવાળા બેન પર પડ્યું. તેથી રાજુને એવો વહેમ ગયો કે એ બેન (જેમનું નામ વૈશાલી હતું એ મને વોટસ એપ ગ્રુપમાં પછીથી ખબર પડી હતી) ને ઝોકું આવી ગયું છે. જેને વૈશાલીએ રદિયો આપ્યો.  પોતે જાગે છે તેની સાબિતી આપવા વૈશાલીએ વારંવાર માથું ધુણાવી સહમતી આપવાનું ચાલુ કર્યું. એમાં એ ફરી રાજુના હત્થે ચઢ્યા ( -કે હવે તમને ઝોકું નથી આવ્યું એ બતાવવા જરૂર ન હોય ત્યાં પણ હોંકારો પૂરો છો..) અને બધાને ફરી એકવાર રાજુની રમૂજવૃત્તિનો પરિચય મળ્યો.  

લાંબો સમય થઈ ગયો હોવાથી રાજુના ખિસ્સામાં કેદ બીડીને મુક્તિનો કસ લેવાની ઇચ્છા થઇ આવી. જેથી બીડી ધૂમ્રસેર બની હવામાં ભળી જઈ શકે તે માટે રાજુએ નાનકડો બીડી વિરામ લેવો પડ્યો.
લગભગ સાડા ચાર થવા આવેલા એટલે વિદેશી કે ભગિની ભાષાની વાર્તાના વાંચનનો સેશન રાજુ એ સ્કીપ કરવાનો નિર્ણય લીધો.

હવે વારો હતો દિવસના સૌથી અગત્યના સત્ર એટલે કે જીવંત ટાસ્કનું સત્ર. મને હતું કે રાજુ કોઈ વાર્તા લખવા આપશે. મે કઈ કઈ વાર્તા લખી શકાય એની કેટલીયે કલ્પનાઓ કરી રાખેલી. કશું  ના  જ લખી શકાય તો  શ્રદ્ધાની શિબિરને લગતી એક વાર્તાના નાયકની જેમ કેવા બહાના કાઢવા એ પણ વિચારી રાખેલું.

ત્યાં રાજુ એ  ફરમાવ્યું કે તમે જે પાત્રને સૌથી વધુ નફરત કરો છો તે પાત્ર લખવાનું કહ્યું. હાઇલા! અમારા જેવા સીધા સંસ્કારી માણસો કોઈને ધિક્કારી જ કઈ રીતે શકેઅને કરતાં પણ હોય તો બી એ જાહેરમાં સ્વીકારવાનુંઆ અઘરો માણસ આવું કશું અઘરું ના લાવે તો જ નવાઈ!
સીધી સાદી વૈચારિક પ્રક્રિયા પર આ સીધો જ પ્રહાર લાગ્યો. એમાંય મને કુમતિ સૂઝી કે મે ચાલુ વાહને ફોન પર વાત કરનાર અને રોડ પર થૂંકનારનું નામ લખ્યું. 

એક સન્નારી એ તેમની નફરતનું પાત્ર વર્કિંગ વુમન બોલતાં જ ત્યાં થોડી હાયવોય થઈ ગઈ. "હા! એના માટેના કારણ પણ છે જ ! જે હું હમણાં કહીશ!" એવું બોલતી વખતે એમનાં અવાજ, આંખો અને ચહેરામાં જે ગુસ્સો દેખાતો હતો એ જોઈ થયું કે જો કોઈ વર્કિંગ વુમન આમની સામે આવી જાય તો આ બેન એને ચોટલેથી પકડી સાતવાર ગોળ ફેરવી ત્રીજે માળેથી સીધા જ નીચે ઘા કરી દેશે. બાપ રે! પણ પછી થયું કે રાજુ આ ટાસ્ક દ્વારા બધાના અંતરમનના ઊંડાણમાં ધરબાયેલી લાગણી બહાર કાઢવા મથી રહ્યા છે.  એટલામાં તો રાજુએ ત્રણ ત્રણનું ગ્રુપ બનાવવા કહ્યું. ના જાણ્યું હિમાંશુએ આગળ શું થવાનું છે! ફરી રાજુ એ આદેશ આપ્યો કે દરેક ગૃપે અભિનય કરવાનો છે. સંપૂણૅ પ્રમાણિકતાથી જેને તમે ધિક્કારો છો એનો રોલ ભજવવાનો છે. એટલું જ નહિ એ પાત્રને ન્યાયોચિત પણ ઠેરવવાનો પ્રયાસ કરવાનો છે.
મેં પહેલા જ કહ્યું ને! નક્કી કંઈ અઘરું જ આવવાનું! એમાંય પાછો તૈયારીનો તો કોઈ સમય જ આપ્યો નહોતો. મારી સાથે રહેલ બંને  બેનોના આગ્રહથી અમારી ટોળકી પ્રદર્શન માટે સૌથી પહેલા આગળ આવી. એ બંનેમાંથી એક ડ્રગ ડીલર અને બીજા ભ્રષ્ટ રાજકારણી. હું ફોન પર વાત કરતા કરતા કાર ચલાવતો હતો અને પેલાં બંનેએક્યારે કરોડોના ડ્રગ્સનો સોદો કરી લીધો એનો મને અણસાર રહ્યો નહિ. વારાફરતી બધી ટીમ આવતી ગઈ અને પરફોમૅ કરતી ગઈ. સૌથી વધુ મજા જે સી વ્યાસ  અને ડો વિનોદની ટીમે કરાવી. ચોરનું સંતને કહેવું કે આપણે બંને સરખા છીએ  અને સંતનું કહેવું કે આપણામાં ફરક છે, તું પાછળથી પૈસા ચોરે છે, હું આગળથી પૈસા ચોરું છું, કે પછી સંતનું સ્ત્રીને કહેવું હું દિવસે સ્રીનું મોઢું નથી જોતો.  

હાસ્યની છોળો ઉડાડનાર સંવાદ હતા. જો કે મોટાભાગના પરફોર્મન્સમાં સંઘર્ષની જગ્યાએ સહકારી મંડળી ચલાવવા વાળો ભાવ વધુ હતો એવું રાજુનું માનવું હતું. સંઘર્ષ વગર વાર્તા સંભવ જ નથી એવું પણ તેમણે જણાવ્યું. 

રાજુએ આ ટાસ્કનું તાત્પર્ય સમજાવતા કહ્યું કે  વાર્તાકાર તરીકે તમે કોઈને પણ ધિક્કારી ના શકો. વાર્તાકાર રાગ દ્વેષથી પર હોવો ઘટે. જૂની શિબિરનો સંદર્ભ આપતા રાજુએ કહ્યું કે પોર્ન મુવી મેકરને ધિક્કારનાર એક છોકરી એના પાત્રમાં એટલી ઓતપ્રોત થઈ ગઈ હતી કે તેના ગ્રુપમાં રહેલ સાધુની સેવિકા બનેલ છોકરીને કહ્યું હતું કે તું મારી સાથે આવી જા. અહીયાં પણ તારે એ જ કામ કરવાનું છે જે તું ત્યાં કરે છેઅને અહીં તેના પૈસા પણ મળશે. રાજુએ માણસ થવાની વાત પર ભાર મૂક્યો અને કહ્યું કે સારા અથવા ખરાબ એ પછીની વાત છે પહેલા તો માણસ થવું એ મહત્વનું છે. કેવી સરસ વાત!
છેલ્લે આવ્યો પ્રશ્નોત્તરીનો વારો.

ખાલી ચણો વાગે ઘણોના ન્યાયે મારા જ પ્રશ્નો વધુ હતા. મારો પહેલો પ્રશ્ન હતો કે વાર્તા કયા પુરુષમાં લખવી? જેના જવાબમાં રાજુએ કહ્યું કે વાર્તા લખવી કે શીખવું એ સતત અવિરતપણે ચાલતી પ્રક્રિયા છે. જેમ જેમ લખતાં જશો એમ વાર્તા પોતે જ એનું નેરેશન કહેતી જશે અને કહેશે કે મને આવી રીતે લખ. મારો બીજો પ્રશ્ન હતો કે વાર્તામાં લેખક ડોકાઈ જાય છે કે લેખક વર્તાય છે એટલે શું? તો જવાબ મળ્યો કે "એણે ડરતા ડરતા હેન પેકડ હસ્બંડની જેમ પત્ની આગળ વાત કરી" માં આ વાત લેખક કહી રહ્યો હોય તેવું લાગે. એટલે સીધેસીધું કહેવાને બદલે આ વાત આડકતરી રીતે વાર્તામાં આવી જવી જોઈએ. લેખકને જ્યારે એમ લાગે કે આ વાત વાંચકને નહિ સમજાય ત્યારે તે વાંચકને સમજાવવા બેસે ત્યારે લેખક ડોકાઈ જાય છે.

જાગુના સવાલ વાર્તામાં મેદ એટલે "શું" ના પ્રત્યુત્તરમાં રાજુએ જણાવ્યું કે એવો દરેક વધારાનો શબ્દ, ઘટનાવાકય, પાત્ર કે જેને કાઢી નાખવાથી વાર્તામાં કોઈ ફેર ના પડે તો એને વાર્તાનો મેદ કહેવાય. એના માટે ઉદાહરણ પણ સરસ વાપર્યું. હીરો હીરોઈનને પ્રપોઝ કરવા જતો હોય અને ત્યાં ચાવાળો છોકરો આવે અને હીરો હીરોઈનને આઇ લવ યુ ના કહી શકે તો ચાવાળાનું આવવું વાર્તાને ઉપકારક છે. પરંતુ ચાવાળો છોકરો આવે છતાં હીરો હીરોઈનને પ્રપોઝ કરે જ તો ચાવાળાના આવવાની ઘટના વધારાની છે. ટૂંકમાં જો બંદૂક ટિંગાડેલી બતાવો તો એ ફોડવી જ પડે.

બીજો એક પ્રશ્ન એવો હતો કે વાર્તામાં પાત્રો ધાર્યા કરતાં વધી જાય છે અથવા વાર્તા નિયંત્રણ બહાર ચાલી જાય છે ત્યારે રાજુએ જે જવાબ આપ્યો એ નોંધનીય છે. કોઈ પણ ઘરમાં નવી નવેલી વહુ આવે ત્યારે ઘરના બધા જ સભ્યોની તેના માટેની અપેક્ષા ખૂબ જ વધારે હોય છે. સામે પક્ષે વહુની પણ કંઇક આશા અને અપેક્ષા હોય છે. પરંતુ કોઈ વહુને તો પૂછતું જ નથી કે એને શું જોઈએ છે. બસ આ જ વસ્તુ વાર્તા સાથે પણ થાય છે. આપણે વાર્તાને આપણા નિયંત્રણમાં કરવા માંગીએ છીએ પણ વાર્તાને તો પૂછતા જ નથી કે એને શું જોઈએ છે. વાર્તા અને પાત્રોને આપણે આપણા સંતાનની જેમ સમજવા પડે. તો જ એની જોડેથી ધાર્યું કામ લઈ શકાય. 

પ્લોટ ન સૂઝવા અંગેના બીજા એક પ્રશ્નના જવાબમાં રાજુએ કહ્યું હતું કે તમે રોટલી બનાવવાનું ચાલુ કરો ત્યારે શરૂઆતના સમયમાં રોટલીનો આકાર આવતો જ નથી. પણ જેમ જેમ વર્ષો વીતે છે તેમ એમાં તમારી મહારત આવતી જાય છે. વાર્તાનું પણ એવું જ છે. જેમ લખાતી જશે એમ પ્લોટ સૂઝતા જશે. 

વળી કોઈકે એવું પણ પૂછ્યું કે હું વાર્તા વાંચું ત્યારે એના પાત્રો સતત મારા મનનાં રમે છે અને મને સતત તેના વિચાર આવે છે. તો રાજુએ શાંતિથી કહ્યું કે આવું થાય એ ખોટું નથી. આ વાત તમે તમારા પતિને પ્રેમ કરો છોકરો છો તો કેટલો કરો છો ના જવાબ જેવી છે. એનું કંઈ માપ ના જ હોઇ શકે. પ્રયોગ અંગે સવાલ કરતાં રાજુ એ કહ્યું કે વારેવા એક પ્રયોગશાળા જ છે. ત્યાં પ્રયોગ નહિ કરો તો બીજે ક્યાં કરશો?

પોણા છ થયાં હતા અને બધા સભ્યો ઊભા થઈ ગયા હતા એટલે રાજુએ સભા સમાપ્તિની ઘોષણા કરી. ફરી શંખ વગર જ. ફોટા ફોટી રમી બધા છૂટા પડ્યા.

દર્શનાના ઘરેથી રાજુનો સામાન લઈ અમે સ્ટેશન પહોંચ્યા. ત્યાં અંકુર અને મયુરિકા તેમના બચ્ચાંને લઈને રાજુને મળવા માટે ખાસ આવ્યા હતા. તેમની સાથેની મુલાકાત પણ ઘણી રસપ્રદ રહી.
જો કે એક વાતનો અફસોસ રહેશે કે બેતાલીસ વર્ષનો ઢાંઢો થયો તોય લાજો લાડી જેવો શર્મિલો જ રહ્યો અને હાજર રહેલાં સભ્યોના નામ બાબત શિબિર પછી પણ કોરો ધાકોર જ રહ્યો. કદાચ પુરુષ સભ્ય વધારે હોત તો પણ આ જ પરિણામ હોત. મારે મારો સ્વભાવ સુધારવો જ રહ્યો.

આખા લેખમાં ક્યાંય પણ ડબ્બા પાર્ટી, કે એમાં અમે કેવી મજાથી કેવી કેવી, કેટલી કેટલી વસ્તુઓ ગોળ કુંડળે બેસી ખાધી હતી એનો ક્યાંય ઉલ્લેખ નથી કર્યો.  ધ્યાનથી સાંભળજો એટલે કે વાંચજો મિત્રો! એ હકીકત છે કે મેં ક્યાંય પણ એવું પણ નથી લખ્યું કે લવલીવાળો મુખવાસ ખરેખર લવલી હતો, કે પછી બિરિયાનીને મીઠી સોડમથી જ નાક તરબતર થઈ જતું હતું કે પછી કઈ વસ્તુ પહેલા ખાવી અને કઈ પછી ખાવીની મીઠી મૂંઝવણ થતી હતી, કે પછી અલગ અલગ થેપલા, ઢોકળા, અથાણાં અને ચટણી જેટલી વાર ખાઈએ એટલી વાર વધુ ખાવાનું મન થતું હતું,. કે પછી દિલથી બનાવીને લવાયેલી તમામે તમામ વાનગીઓમાં અમૃતથી પણ અદકો સ્વાદ હતો. -આમાંનો એક અક્ષર પણ મેં મારા લેખમાં નથી લખ્યો તેની નોંધ લેવી ઘટે. તેથી કોઈ શ્રદ્ધા ડગમગે નહિ એ જોવું રહ્યું.

તા. ક. :  શિબિરના શરૂઆતમાં મેં વિડિયો લીધા હતાં પણ રાજુને કેમેરાની આંખે જોવા કરતા મારા ચર્મચક્ષુથી નીરખવાનું મને વધુ યોગ્ય લાગ્યું એટલે પછી મેં ફોન બાજુમાં મૂક્યો. લખવાની આળસને કારણે મેં કોઈ મુદ્દા ટપકવ્યા નહોતા. વર્ષોની મારી સાથી મારી સ્મૃતિના સહારે આ લેખ લખ્યો છે. અસ્તુ.


આડવાત: મારી અને રાજુની ટ્રેન રાત્રે હતી એટલે મને થોડા વધુ કલાક રાજુ સાથે રહેવાની તક મળી. એમાં રાજુ  જોડેથી એક સરસ વાત શીખવા મળી. રાજુની વળતા  મુસાફરીમાં ત્રણ વેઇટિંગથી ટિકિટ કન્ફર્મ ના થઈ. છેક મુંબઈ સુધી જનરલ ડબ્બામાં જવાનું હતું. સૌ પ્રથમ રાજુ ફોકસ થઈ ગયા અને એમણે નક્કી કરી લીધું કે એમની પ્રાથમિકતા સમયસર રેલવે સ્ટેશન પહોંચવાની છે. સ્ટેશન પર પહોંચી  ટ્રેનના ઘણા વિકલ્પમાંથી   એક વિકલ્પ પસંદ કર્યો અને બાકીના એલીમીનેટ કર્યા.  છેવટે એક ટ્રેનમાં અડધે સુધી ઊભા ઊભા અને પછી બેસીને મુંબઈ પહોંચ્યા. મેનેજમેન્ટના પાઠનો સુંદર વ્યવહારિક અમલ. વાર્તામાં પણ ફોકસ થઈ એક પ્લોટ પર વાર્તા ચાલુ કરી વધારાના વિચારોને  બાજુ પર મૂકી કામ કરતા જઈએ તો સરસ પરિણામ મળે.
############


4 comments :

  1. સરસ માહિતીસભર અહેવાલ -જાહ્નવી અંતાણી

    ReplyDelete
  2. પરફેક્ટ,સરસ, રાજુનું લેક્ચર ટેપ કર્યું હતું કે શું? બાય ધ વે, પ્લોટ વાળો સવાલ મારો હતો. ☺️☺️

    ReplyDelete
  3. સુરેખ.પ્રવાહી.... સરસ અહેવાલ 😊💛👍👍

    ReplyDelete
  4. જેવી રાજુની રમૂજવૃત્તિ છે. એવો જ રમૂજી પણ રસાળ શૈલીમાં લખાયેલો અહેવાલ. તાજગીપૂર્ણ શૈલી.
    અમુક શબ્દસંયોજન અને વાક્યરચના તો ભારે મજાનાં.
    જેમ કે,
    બીડી વિરામ,
    સહચશ્માંધારિણી!
    ના જાણ્યું હિમાંશુએ આગળ શું થવાનું છે!
    ફોટા ફોટી રમી બધાં છૂટાં પડ્યાં.
    આ અહેવાલમાં વાર્તાલેખન બાબતે જે ચર્ચા થઈ તેની વિગતો સરસ રીતે ઉજાગર થઈ.
    લાઇવ ટાસ્કવાળો પેરા વાંચીને સૌપ્રથમ અમદાવાદ શિબિર અટેન્ડ કરેલી એ યાદ આવી ગઈ. એ વખતે ટાસ્ક માટે બનાવેલ ગૃપમાં આપણે બે હતાં છાયા. યાદ છે? સાહુ અને વહુનું પાત્ર નિભાવેલું. મને એ દિવસ આખો યાદ આવી ગયો. ચાલો, એ અહેવાલની લટાર મારી આવું.
    રાજુએ કહ્યું એમ જ લખવા માટે (સારું) વાંચવું ખૂબ જ જરૂરી છે. એના પર જ હાલ કામ થઈ રહ્યું છે. રાજુ જેન્ટલમેન..

    ReplyDelete