Friday 17 January 2020

વારતા શિબિર : ભરૂચ (૧) - જાગુ પટેલ



વારેવા : ૧૨મી જાન્યુઆરી ૨૦- ભરૂચ - પ્રથમ વારતા શિબિર: જાગુ પટેલ :
વડોદરાથી ભરૂચ કંઈક શીખવા માટે જવાનું હોય અને એજ દિવસે પાછું ફરવાનું હોય ત્યારે અંદરથી કંઈક શીખવાની પ્રબળ ઇચ્છા હોય તો જ ઠંડીમાં આટલી વ્યસ્તતા વચ્ચે પણ આળસ વગર સમય કાઢી શકાય. વરસથી સુનીલના અતિઆગ્રહ અને રાજુના આમંત્રણ છતાં હું અમદાવાદની એક પણ શિબિરમાં જઈ શકી નહતી.એક અકથ્ય રોમાંચ, આતુરતા અને મૂંઝવણ સાથે વડોદરાથી ભરૂચ જવા પ્રસ્થાન કર્યું.





હું અને જ્યોતિબેન (જેમને પણ હું પહેલીવાર જ મળી હતી) ટ્રેનમાં મુસાફરી કરીને ભરૂચ અને ત્યારબાદ રીક્ષામાં લગભગ ૧૧ વાગ્યે શિબિરસ્થળ ઉપર પહોંચ્યાં. શિબિરસ્થળ ત્રીજા માળે હતું. અને બીજા માળે દર્શનાનો કોચિંગ કલાસ. દર્શનાને મળવા ઉપર જવા પગથિયાં ચઢતા જ હતા કે નીચે જ રાજુ અને હિમાંશુને ઉભેલા જોયા. રાજુને જોતા જ હું તો અડધા દાદરા ચઢી ગયેલી પાછી ઉતરી ને હરખપદુડી થઈને લગભગ દોડતી રાજુ પાસે પહોંચી. વર્ચ્યુલી રાજુને દોઢ વર્ષથી ઓળખતી હતી પણ ભરૂચશિબિરમાં પહેલીવાર મળવાનું સૌભાગ્ય સાંપડ્યું. રાજુને ફ્રેશ થવા જવાનું હોવાથી અલપઝલપ મુલાકાત કરી. અમે ઉપર દર્શના પાસે પોહનચ્યા જેઓ અલોહા કોચિંગ કલાસ ચલાવે છે. એમના ઓફિસમાં પ્રીતિ અને વંદના અમારી પહેલા જ આવીને બેઠેલા હતા. શિબિરને કલાકની વાર હતી જેથી અમે દર્શનાને કહ્યું તમતમારે કલાસ પતાવો. અમે શિબિરના હોલમાં જઈને બેસીએ છીએ. પણ દર્શના શિબિર સ્થળ બતાવવા અમારી સાથે ત્રીજે માળે હોલ પર આવ્યા. હોલનું સફાઈ કામ થતું હતું. દર્શનાએ બાઈને શેતરંજી પાથરી આપવાની સૂચના આપીને નીચે ગયા. અમે ચાર બહેનોએ ઓળખવીધી કરી.



ધીરે ધીરે એક પછી એક આવતા ગયા. વૈશાલી, દિના, ઉન્નતિ, ડોક્ટર સાહેબ, વ્યાસ સાહેબ અને રાજુ અને હિમાંશુ પણ આવી ગયા. પુરુષો લઘુમતીમાં હતા. સૂત્રધાર રાજુએ સમય ન બગાડતા શિબિરની શરૂઆત કરવાનું કહ્યું. શિબિરનો પ્રથમ તબક્કો ચાલુ થયો. થોડી બેચેની સહ જિજ્ઞાસા અને હતી કે કેવી હશે શિબિર !! સાથે મનમાં ઉઠતાં સવાલ કે "શુ હું આ શિબિર માટે યોગ્ય છું ?"અને સૌથી વધુ બીક લાઈવ ટાસ્કની અને આપેલા હોમવર્કની હતી જેમાં મનગમતી કોઈપણ વાર્તામાં તમને શું ગમ્યું એ જણાવવાનું હતું. શરૂઆતી સરના સંબોધન પર રાજુએ એમની લાક્ષણિકતામાં રમૂજ સાથે કહ્યું કે "મને કોઈ સર, ભાઈ, કે લાંબા વાળને લીધે ભાભી કહેવાની જરૂર નથી, ફક્ત રાજુ પર્યાપ્ત છે". ત્યારબાદ મનગમતી વાર્તા વિશે બોલવાના શ્રીગણેશ દીનાએ કર્યા અને વાર્તા હતી "મારી ચંપાનો વર". મારાથી એકદમ "શીટ" બોલાઈ ગયું. દિના બોલતા અટકી ગયા. મને લાગ્યું કે મેં ખોટી રીતે પ્રતિક્રિયા આપી હતી એટલે કોઈને ગેરસમજ ન થાય માટે મેં ચોખવટ કરી કે હું પણ એજ વાર્તા વિશે બોલવાની હતી. પણ રાજુએ એવું કહીને ચિંતા દૂર કરી દીધી કે "એમાં શું!! પચીસે પચીસ જણા પણ આજ વાર્તા વિશે બોલી શકે છે. અને બધાનું જુદું પણ પડશે જ કારણકે તમે અલગ અલગ વ્યક્તિ છો એટલે તમારો દ્રષ્ટિકોણ પણ અલગ અલગ હોય. વાર્તામાં શુ ગમ્યું એ કહેવા કરતા મારા સહિત બધાથી વાર્તા પરિચય અપાઈ જતો હતો. રાજુને વારંવાર કહેવું પડતું કે પરિચય નહીં પણ શુ ગમ્યું ફક્ત એ જ કહો." પછી રાજુના એક વાક્યે ધરપત આપી કે "અહીં હું તમારી એક્ઝામ લેવા નથી બેઠો, બોલી શકો તો ઠીક અને નહીં બોલી શકો તો યે વાંધો નથી. મારે ફક્ત તમારો વાર્તા સાથેનો સંબંધ જાણવો છે".

આ તબક્કો પૂરો થતાં સુધી લગભગ બધા શિબિરાર્થી આવી ચુક્યા હતા.

========================


હવે બોલવાનો વારો રાજુનો હતો. અમે રાજુ તરફ મીટ માંડી. રાજુ એ બોલવાનું ચાલુ કર્યું..
આલબર્ટ આઇન્સ્ટાઇને કહ્યું છે કે ભણતર પૂરું કર્યા પછી પણ જે યાદ રહે તે જ સાચું ભણતર છે. આપણે શુ શીખવાનું છે અને કેવી રીતે શીખવાનું છે એની ચર્ચા કરીશું. અને એમાં તમારા બસ્સો ટકા યોગદાનની જરૂર છે શીખવાડવા માટે મારુ યોગદાન ઝીરો હોઈ શકે છે પણ શીખવા માટે તમારું યોગદાન 200 ટકા જરૂરી છે. હું માથું પટકીને પણ તમને શીખવી ના શકું પણ તમે માથું પટક્યા વગર શીખી શકો ખરા.

વાર્તા કેમ લખવી ?
કારણ તમે લખી શકો છો એટલે લખવી. કોઈ પણ પ્રકારનું સર્જન સર્જકના બાળક જેવું હોય છે. એવી જ રીતે વાર્તા એ વાર્તાકારનું બાળક હોય છે એટલે શરુઆતમાં એ પોતેજ પોતાના સર્જનના પ્રેમમાં હોય છે. અને જ્યારે આસપાસના લોકોને એ કૃતિ સંભળાવે ત્યારે લગભગ બધા એના વખાણ જ કરતા હોય છે. મારો એવું કહેવાનો લગીરે મતલબ નથી કે એ લોકો ખોટા છે. પણ તેઓનો વાર્તા સાથેનો સંબંધ કેવો છે એ મહત્વનું છે. જેમકે હું મારી કામવાળી બાઈને મારી વાર્તા સંભળાવું તો તે વખાણ જ કરશે. અને આવા ખોટા વખાણ તમને ગેરમાર્ગે દોરે છે.
અત્યારે આપણે એક વિચિત્ર પ્રકારની ગરીબીમાંથી પસાર થઈ રહ્યા છે તેવામાં ૬ થી ૭ કલાક વાર્તા શીખવાને આપવા એ અગત્યની વાત છે. બીજી વાત કે તમે કોઈ પણ કામ કરી રહ્યા છો એમાં સ્પષ્ટતા હોવી જરૂરી. ઉદાહરણરૂપે તમે બીકોમ કરી રહ્યા છો તો કેમ કરો છો ? તમારે કરવું છે એટલે? કે મમ્મી પપ્પા ઈચ્છે છે એટલે કરો છો ? એનો જવાબ શોધો. ફક્ત વાર્તાનું સર્જન જ નહીં પણ જીવનમાં તમે કોઈ પણ કામ કરી રહ્યા હોય તો એમાં સ્પષ્ટતા હોવી ખુબજ જરૂરી. અત્યારે ગુજરાતી કે અન્ય કોઈ પણ સાહિત્ય એક ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. સ્થાપિત અને પ્રખ્યાત લેખકો ઉત્સાહવર્ધક પ્રયાસ એટલે નથી કરી રહ્યા કે ક્યાંક તેઓ વૃદ્ધ છે અને ક્યાંક એમને આવા બધાની જરૂર જણાતી નથી. એટલે આ કામ હું કરી રહ્યો છું. બીજું કે "ભોગતા વીણ કલા શૂન્ય છે". ગમે એટલો સારો કલાકાર હોય પણ એની સાક્ષી કે કદર કરવા વાળું કોઈ જ ન હોય તો એ બધું એના માટે નકામું છે. સોશીયલ મીડિયાના આક્રમણે સાહિત્ય જગતને ઘણું નુકશાન પહોંચાડ્યું છે. બધાને કંઈક કહેવું તો છે પણ કોઈ સાંભળવા વાળું નથી.જેમકે એક વ્યક્તિના જીવનમાં કંઈક ઘટિત થયું સારું કે ખરાબ એને શેર કરવું છે પણ એને કોઈ સાંભળનાર નથી. અથવા સાંભળવા વાળા છે તો ન્યાયાધીશ બનીને સાંભળે છે. તો તમારે અભિવ્યકત થવું છે તો ક્યાં થશો !! લખો.
વારેવા જેવા ગ્રુપ તમને આ મોકળાશ આપે છે. અહીં તમારી અભિવ્યક્તિ જેવી તમારી લખેલી વાર્તાઓ બીજા દ્વારા વંચાય છે. વિવેચનાત્મક ટિપ્પણી ઓ થાય છે. એટલે તમને સમજાય છે કે મારી વાર્તામાં શુ સારું હતું ને શુ મારે સુધારવાની જરૂર હતી. લખતા પહેલા અઢળક વાંચો.

ટૂંકીવાર્તા કેવી હોવી જોઈએ ? ----
"
વિષય ચવાયેલા હોઈ પણ એનો રજુઆતમાં જુદા પણું એ જ તમારી કૃતિને સ્પેશિયલ બનાવે છે. જેમકે પ્રેમ વિષય પર અઢળક લખાયું છે પણ એની રજૂઆતના સ્તર અલગ અલગ હોઈ શકે." એ વાત રાજુ એ દિલ ચાહતા હે ના બે દ્રશ્ય દ્વારા સમજાવી. દ્રશ્ય 1. જેમાં પ્રીતિ ઝિન્ટા પોતાની તરફ આવી રહેલા ડરામણા વ્યક્તિથી એક ડર અને મૂંઝવણ સાથે સ્ટેશને બાંકડા પર બેઠી હોય છે. અને હીરો એને એ વ્યક્તિથી બચાવવા આવે છે. પરંપરાગત રીત એવી હોય કે હીરો આવીને પેલાને ઝાપટ મારે અથવા કંઈક ગુસ્સામાં બોલે. પણ અહીં હીરો આવીને પેલા ડરામણા વ્યક્તિને ભેટી પડે છે અને કહે છે "તુમ ઠીક હો ? ડરના નહીં મેં હું ના" પેલો એકદમ હેબતાઈને ભાગી જાય છે કારણકે આવું એને ક્લપ્યુ જ ન હતું. દ્રશ્ય 2. જેમાં મોટી ઉંમરની ડિમ્પલ પોતાના જન્મદિવસે પોતાની દીકરીને લઈને દુઃખી હોય છે અને તે અક્ષય ખન્નાનો પ્રેમ હોય છે. એટલે એને ચિઅર અપ કરવા અક્ષય ના બીજા બે દોસ્ત આવીને કહે છે કે "હમ કેક ખાને કહીભી જા શકતે હૈ". અસલમાં એ ડિમ્પલને ખુશ કરવા આવ્યા હોય છે. આમ ચવાયેલા વિષયને પણ ઘરેડથી અલગ રજુઆત કરીને સુંદર રચના બનાવી શકાય. એ વાત બીજા એક બે ઉદાહરણ પણ આપીને ચર્ચા કરી.
===========================
ત્યારબાદ યથાશક્તિ ગુપ્ત આર્થિક યોગદાનની વાત કરી. અને સાથે રાજુએ આત્મશ્લાઘા વગરનો પોતાનો પરિચય આપ્યો. અને વાતવાતમાં પોતાને ગમતી પાકિસ્તાની સિરીઝ "હમસફર" અને તુર્કીસ્તાની વેબ સિરીઝનો ઉલ્લેખ કર્યો.

==========================
ઉપરોક્ત ચર્ચામાં બપોરના બે વાગ્યા સુધી ચાલી. બધાને ભૂખ પણ લાગી હતી એટલે પેટને ન્યાય આપવા બ્રેક લીધો. અને અમારી બહુ ચર્ચિત ડબ્બા પાર્ટી શરૂ થઈ. રાજુ એમની બીડીને ન્યાય આપીને અમારી સાથે જોડાયા. બધા વીસ વીસ જણ નું જમવાનું લઈને આવ્યા હતા. ખૂબ બધી વાનગીઓ અને એટલી બધી હતી કે બધાના જમ્યા બાદ પણ ખૂબ વધ્યું હતું. બાકીના દસ જણ ખાઈ શકે એટલું. બાકી બધી ડબ્બા પાર્ટીની વાતો થઈ ગઈ છે. ... એટલે અહીં એ ચર્ચા ટૂંકાવું છું. (શ્રદ્ધાએ વધુ લખવાની ના કહી હતી😄)
==
=========================

લંચ પછી આગળ રાજુએ ફરી પોતાની વાતનો દોર સાધ્યો. અને કેટલાક મુદ્દા ટાંક્યા.
કોઈ પણ લેખકની પહેલી જ કૃતિ બેસ્ટ હોય એવું ના બને. એ એક પ્રક્રિયા છે. જે ધીરે ધીરે તમને ઘડે છે. તમે પાંચસો વાર્તા વાંચો એટલે તમારી અંદર તમારો પોતાનો એક વિવેચક તૈયાર થાય છે જે તમારી પોતાની લખેલી વાર્તાને પણ તટસ્થ રીતે મૂલવી શકે છે.
*
બીજું કે વાર્તાનો અંત કયારેય આવતો નથી. એટલે એને એક ખુબસુરત મોડ આપવો.

વાર્તા લખતી વખતે 'જે હોય' એ કહેવાનું છે, નહીં કે 'જે હોવું જોઈએ'. હોવું જોઈએ એટલે આદર્શ, સંસ્કાર, નીતિ જે આપણને આપણા વડીલો ધર્મગુરુઓ પાસેથી મળેલા છે. - જેમકે પિતાએ બાળકને મારવું ના જોઈએ. પતિ પત્નીએ એકબીજાને માન આપવું જોઈએ. વાર્તાનું સૌથી મોટું દુષણ એ છે કે તેમાંથી ઉપદેશ ડોકાય. ઉપદેશ જ સાંભળવો હોય તો મોરારીબાપુ પાસે જ ન જાય કે તમારી વાર્તા વાંચે!!

એ સમજાવ્યું તમારા દરેકે દરેક પાત્રોને સારી રીતે ઓળખો, જાણો અને સમજો. બીજા નાના મોટા ઘણા પાસા વિશે ચર્ચા ચાલી. રાજુ સમજાવતા હતા ત્યારે આટલી સરસ ડબ્બા પાર્ટી પછી વૈશાળીને એક ઝોકું આવી ગયું હતું. ત્યારે રાજુ એ જ પોતાની રમુજી સ્ટાઇલ માં બોલ્યા કે હું કેટલું ખરાબ બોલતો હોઇશ કે મારી એકદમ ફ્રન્ટમાં બેઠેલી વ્યક્તિને પણ ઝોકું આવી શકે!!

=============================
હવે ચાનો સમય થઈ ગયો હતો. સમય ઓછો પડવાને કારણે વાર્તા વાંચવાના ટાસ્કને મુલતવી રાખ્યો. અને એક બે બહેનો જવું પડે એવું જ હોવાનું કારણ બતાવી અમને ગુડબાય કર્યું.
=============================

લાઈવ ટાસ્ક –

ચાની ચુસ્કી સાથે રાજુએ લાઈવ ટાસ્ક માટે એવી વ્યક્તિને ધારવાનું કહ્યું કે જેને તમે સૌથી વધારે ધિક્કારતા હોય. બધાએ પોતે ધિક્કારતા હોય પાત્ર કહ્યા. હું જેને સૌથી વધારે ધિક્કારુ પાત્ર એવા પુખ્ત અથવા વડીલો જે સજ્જન હોવાનો ડોળ કરી વ્હાલની આડમાં બાળકો સાથે દુષકર્મ કરતા હોય. અને  મિનિટનો પણ સમય આપ્યા વગર ત્રણ ત્રણની ટોળી બનાવી રાજુ અમને પાત્ર પ્લે કરવાનું કહ્યું. અચાનક પહેલી વાર એકટીંગ કરવાનું આવ્યું તો થોડો ડર લાગ્યો કે કેવી રીતે કરીશ પણ રાજુ જેવા સૂત્રધાર હોય એટલે પહેલી હાશ હોય. અમારી ટોળીમાં મારાં ઉપરાંત એક વેન ડ્રાઈવર, ને એક ભ્રષ્ટ રાજકારણી હતા. કોણ શુ બોલશે એની પણ સ્ક્રીપ્ટ હતી. પાત્રમાં ઘુસી જે આવડે એનું અનુસંધાન બીજા સાથે સાધવાનું હતું. સૌ પ્રથમ વેન ડ્રાઈવર બોલ્યો : " બાળકો તો ગાંડા કરીદે છે કેટલું તોફાન, મસ્તી, નાકે દમ લાવીદે છે". હું બહારથી સજ્જન અંદરથી દુર્જન બોલી : "અરે બાળકો તો કેટલા વ્હાલા હોય મને તો એમને વ્હાલ કરવાનું બહુ ગમે." વેન ડ્રાઈવર : "એમતો ભૂલકાંઓ મસ્ત મજાના હોય. પણ તોફાન કરે ત્યારે આકરા લાગે". હું : અલ્યા ક્યારેક રમાડવા દઈશ? એટલામાં ભ્રષ્ટ રાજકારણી આવે છે. તે બોલી : "તે તમને એટલા બાળક કેમ ગમે છે ?" હું : "અરે બાળકો ગમવાનું તે કોઈ કારણ હોય મને તો ખૂબ ગમે કહીને આંખ મારી (રાજકારણી મારા ઈરાદા સમજી ગયો) તે બોલ્યો : અરે રમાડવાજ હોય તો અનાથાશ્રમના બાળકો છે. આવજો હું લઇ જઈશ. એટલામાં વેન ડ્રાઈવર અમારા બન્નેની લુચ્ચાઈ પારખીને રાજકારણીને ઉદ્દેશીને બોલ્યો : "સાહેબ અમારે પણ બહુ પંગા છે પોલીસોના કાંઈક કરોને, હું તમારી મદદ કરું તમે મારી". હું : "આવો એક દિવસ મારા ઘરે મહેફિલ જમાવીએ". રાજકારણી : "જરૂર આવીશ...”

- અમારું પર્ફોર્મન્સ પત્યું. બધાએ તાળીઓ પાડી ઉત્સાહ વધાર્યો. બધાની તિકડી સરસ જામી હતી. બધાએ ધાર્યા કરતાં ઘણું સારું નાટક ભજવ્યું. સૌથી સરસ ડો. વિનોદ ગૌર, જે. સી. વ્યાસ અને બીજા એક બહેનનું હતું. તેઓની ટોળીમાં એક ચોર, એક સંત, અને એક રાજકારણી હતા. સૌથી વધારે હસવું સંતના સંવાદમાં આવ્યું જેમાં તેઓ મહિલા રાજકારણીને કહે છે કે હું દિવસે સ્ત્રીઓનુ મોઢું નથી જોતો. લાઈવ ટાસ્કમાં ખૂબ મજા આવી. અને પછી રાજુએ સમજાવ્યું કે તેઓએ એવું કરવાનું કેમ કહ્યું. એમણે સમજાવ્યું કે વાર્તામાં ઘર્ષણ હોવું જરૂરી અને તમારા દરેક વાર્તાના પાત્ર સાથે તમારો સમભાવ હોવો જરૂરી. અસલ જિંદગીની વાત અલગ છે પણ તમારી વાર્તાના પાત્રો નાયક હોય કે દુષ્ટ પાત્ર તમારે એને પ્રેમ કરવાનો છે તો જે પાત્રને તમે પાત્રને ન્યાય આપી શકશો.

=============================

સૌથી છેલ્લો તબક્કો પ્રશ્નોત્તરીનો હતો. જેમાં પણ સરસ સવાલ કરાયા.
દર્શનાનો સવાલ - મારા પાત્રો મારી અંદર જીવે છે ઘણા સમય સુધી એમની અસર રહે છે.
રાજુનો જવાબ એ તો સારી વાત કહેવાય. ઉદાહરણરૂપે કહ્યું અત્યારે તમે તો મને એવું પૂછી રહ્યા છો કે હું મારા પતિને આટલો પ્રેમ કરું છું તે બરોબર કહેવાય !!

ઝરણાનો સવાલ હું જેમ જેમ વાર્તા લખું એમ પાત્રો વધતા જાય છે.
રાજુનો જવાબ એક કપલ બેઠું છે. એક ચા વાળો આવીને ચા આપે છે. અહીં ચા વાળા પાત્રને બતાવવું બિનજરૂરી છે. જ્યાં સુધી એનાથી પાત્રોને કોઈ ફેર નથી પડતો. હા પાત્રોની વાતમાં પણ જો ચા વાળો હોય અને એને ટાંકીને નાયક કે નાયિકા કઇ કહેવા માંગતા હોય તો જ એ પાત્ર જરૂરી બને.

વાર્તા લખતી વખતે મનગમતા લેખકની અસર આવી જાય છે.
રાજુનો જવાબ એટલું વાંચો કે ધીરે ધીરે તમારી અંદરનો જે વિવેચક છે એ જ તમને કહેશે કે આ અસર આવી રહી છે.
મારો જાગુનો સવાલ વાર્તામાં મેદ હોય એટલે શું ?

રાજુ નો જવાબ ફરી એ જ કે જે વાતોથી વાર્તામાં કંઈજ ફેરના પડતો હોય અને ઉપયોગ પણ ના હોય એ વાતો વાર્તાનો મેદ કહેવાય.
આ પ્રશ્નોત્તરીનો દૌર ચાલતો હતો એ દરમ્યાન ગુપ્ત આર્થિક યોગદાનની શરૂઆત મેં જ કરી. અને પછી બધાએ વારાફરતી કર્યું.
આવા બીજા બે ચાર સવાલ થયા. અને રાજુએ સંતોષકારક જવાબ પણ આપ્યા.
============================

શિબિરનું સમાપન ગ્રુપ ફોટોસ અને ગ્રુપ સેલ્ફી દ્વારા થયું. એકબીજાને વિદાય આપી. મને અને જ્યોતિબહેનને વ્યાસ સાહેબે પોતાની કારમાં સ્ટેશન સુધી લિફ્ટ આપી.

નોંધ : પહેલી શિબિર હતી. કાર્યપણાલી પણ અજાણી જ હતી. અહેવાલ મારે લખવાનો નહોતો. એટલે યાદશક્તિ પર ભરોસો રાખીને કોઈ મુદ્દા ટાંક્યા જ ન હતા. માટે કંઈક છૂટી ગયું હોય તો ભરૂચ શિબિરાર્થી અને રાજુની આગોતરા માફી માંગુ છું. ડૉક્ટરસાહેબ અહેવાલ આપવાના હતા છતાંય મેં શિબિરના બીજે જ દિવસે રાજુ ને પૂછ્યું કે હું પણ લખી શકું મારો અનુભવ ? અને રાજુએ લીલી ઝંડી આપી દીધી. છેલ્લે રાજુની સૌથી ગમેલી વાત કે રૂટિનના જે પેટર્ન હોય એને ક્યારેક ક્યારે તોડવી. ઘણી મજા આવશે. સાદું ઉદાહરણ કે રોજ બસમાં જતા હોય તો ક્યારેક રીક્ષામાં જવું.


વડોદરાની શિબિર વહેલી તકે થાય એવી ઈચ્છા છે.

શિબિરમાં ઉપસ્થિત મિત્રો :
1.
ડો. વિનોદ ગૌર (લહિયો) - ભરૂચ
2.
પ્રીતિ શાહ -અંકલેશ્ર્વર
3.
દર્શના વ્યાસ 'દર્શ' - ભરૂચ
4.
વંદના વાણી - બારડોલી
5.
દિના રાઈચુરા - સુરત
6.
વૈશાલી ગોહિલ - ભરૂચ
7.
જાગુ પટેલ - વડોદરા
8.
જ્યોતિ આશિષ વસાવડા- વડોદરા
9.
ઉન્નતિ જોશી "મીઠી" - ભરૂચ
10.
કિરણ જોગીદાસ 'રોશન' - ભરૂચ
11.
ચૈતાલી પંડ્યા - ઉકાઈ
12.
ઝરણા રાજા - ભરૂચ
13.
જે.સી. વ્યાસ - ભરૂચ
14.
હિમાંશુ પરીખ – અમદાવાદ

( આટલા નામ મને યાદ છે ..)

##########################################



4 comments :

  1. સરસ અને મુદ્દાસર

    ReplyDelete
  2. સરસ અહેવાલ જાગુ 😊😊👍

    ReplyDelete
  3. મુદ્દાસર અહેવાલ.....

    ReplyDelete
  4. અહેવાલ વાંચીને મારી ત્યાં પ્રત્યક્ષ હાજરી હોય એવું લાગ્યું. ખૂબ સરસ મુદાસર અહેવાલ

    ReplyDelete