Friday 29 April 2022

રાજકોટ વારતા શિબિર – ૧૭ એપ્રિલ ૨૦૨૨ ~ ચંદ્રિકા સોલંકીનો અહેવાલ

(‘ભારવિપ્રેરિત વાર્તા શિબિરનો અહેવાલ.)
અંતે જે દિવસની રાહ જાન્યુઆરીથી હતી ,તે વાર્તા શિબિરનો દિવસ આવી પહોંચ્યો. હું આ શિબિરમાં જવા માટે ખૂબ જ ઉત્સુક હોવાથી શનિની રાતે જ અમે દ્વારકા થી વાંકાનેર બાર વાગ્યે ટ્રેનમાં આવી પહોંચ્યા હતા. રવિવારનો દિવસ અમારા માટે તો પાંચ વાગ્યે જ ઊગી ગયો હતો.અમે સવારે સાડા સાતે વાંકાનેરથી નીકળ્યા. સમયસર પહોંચવાની લ્હાયમાં હું વારંવાર ભૂદેવને ટકોર કરતી હતી," બાઈક થોડી સ્પીડમાં ચલાવજો હો". મારી ધારણા કરતાં દોઢ કલાક  વહેલા અમે શિબિરના સ્થળે ભાષા-સાહિત્ય ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર પહોંચી ગયા હતા. ત્યારે સ્વાભાવિક છે કે વાર્તા શિબિર નું સ્થળ ભાષા-સાહિત્ય ભવન બંધ હતું. દોઢ કલાક પસાર કરવા સૌ પ્રથમ તો મેં જ્યાં એમ.એ.ના બે વર્ષ અભ્યાસ કરેલો તે સમાજ શાસ્ત્ર ભવન પર અમે આંટો મારી આવ્યા. યુનિવર્સિટીના તમામ ભવન અને સમગ્ર પ્રાંગણમાં ઘણું પરિવર્તન આવેલુ જોયું .થોડી વાર અમે મોબાઇલ ઘુમડયો ત્યાં અશ્વિની બહેન અને જયેશ રાષ્ટ્રકૂટ શિબિરના સ્થળે ભાષાભવન પર આવી પહોંચતાં અમે પણ શિબિરના સ્થળે ગયા. સૌ શિબિરાર્થીઓ પણ ધીમે ધીમે આવી પહોંચ્યા. ભાઈ શ્રી સંજયભાઈ  અને અશ્વિની બહેને શિબિરાર્થીઓને પોતાનું નામ નંબર નોંધ કરી ચા-નાસ્તા માટે જવાની સુચના આપી. સૌ શિબિરાર્થીઓ ગરમાગરમ ચા નાસ્તો કરીને એકબીજા જાણીતા-અજાણ્યા મિત્રોને હળતા મળતા હોલમાં ગોઠવાયા.

 

   સૌને ઇન્તજાર હતી મુંબઈથી ખાસ આ શિબિર માટે પધારી રહેલા ,   'લંબી ઝુલ્ફે વાલે' લેખક રાજુ પટેલની. 

 

'ભારવિ'ના ના મુખ્ય સુત્રધાર શ્રી સંજયભાઈ ઉપાધ્યાયે જાહેરાત કરી કે થોડીવારમાં રાજુ પટેલ આવી રહ્યા છે, ત્યાં સુધીમાં સૌ શિબિરાર્થીઓ પોતાનો ટૂંકો પરિચય આપી દે. સૌ સાહિત્ય રસિકો, વાર્તા રસિક ભાવકો, વાંચકો અને આ શિબિરમાં ઉપસ્થિત અમુક વિદ્યાર્થીઓએ પોતાનો પરિચય આપ્યો. થોડીવારમાં "વારેવા" વાર્તા માસિક ચલાવતા લેખક  અને વાર્તાકાર રાજુ પટેલ પોતાની લંબી ઝુલ્ફે હવામાં લહેરાવતા આવી પહોંચ્યા. કોઈ જ વધુ પિષ્ટપીંજણ કે સ્વાગત જેવી ઔપચારિકતામાં પડ્યા વિના રાજુ પટેલે પોતાની આગવી શૈલીમાં સીધા જ વાર્તા વિષય પર આવ્યા.  સારી વાર્તા કેવી રીતે લખવી, વાર્તા માં કયા કયા  તત્વો હોવા જોઈએ, સારી વાર્તા  કેવી રીતે બનેતેમજ વારતામાં કલ્પના તત્વ હોવું જોઈએ કે સત્યના આધાર પર વાર્તા લખાયેલી હોવી જોઇએ વગેરે મુદ્દાઓની છણાવટ પોતાની આગવી અને રસાળ જીવનશૈલીમાં રાજુ પટેલે કરી. તમામ શિબિરાર્થીઓને પણ રાજુ પટેલ એ ચર્ચામાં સામેલ કરી સૌને પોતાનો મત રજૂ કરવાની પણ તક આપી. શિબિરાર્થીઓ પોતે વચ્ચે પોતાનો કોઈ પ્રશ્ન કે વિચાર હોય તો તે પણ રજુ કરે એના પર ભાર આપી સૌને અભિવ્યક્તિ ની છૂટ આપી વચ્ચે બોલવાની તક  પણ રાજુ પટેલ આપી. વાર્તા લેખનના જરૂરી મુદ્દાઓની ચર્ચા દરમિયાન જયેશ રાષ્ટ્રકુટ પોતાનો વિરોધી મત વ્યક્ત કરી થોડી વારમાં   ‌શિબિર છોડી બહાર ગયા .રાજુ પટેલે આ તક ઝડપીડી લઈ તેના પરથી જ વાર્તા કેવી રીતે લખાય તેની ચર્ચા કરી. કોઈ શિબિરાર્થી અધવચ્ચે શિબિર છોડીને બહાર જતા રહે છે તો શા માટે એ બહાર ગયા તેની કલ્પના કરી એ વિષય પરથી વાર્તા લખી શકાય તેની ભૂમિકા ઊભી કરી અને તે અંગે ચર્ચા કરી વાર્તા ક્યાંથી ઉત્પન્ન થાય વાર્તા સત્યઘટના પરથી જ લખાવી જોઈએ કે કેમ વગેરેની ચર્ચા કરતા કરતા રાજુ પટેલ આવેલા શિબિરાર્થીઓ માંથી કોઈ રાજકોટનું સ્થાનિક હોય તો તેમને  રાજકોટ માટે પાંચ છ વાક્ય બોલવાનું કહ્યું. શિબિરાર્થીઓ માંથી રાજકોટમાં રહેતા ચારેક શિબિરાર્થીઓ ઉભા થયા અને તેઓએ પોતાની રીતે રાજકોટ વિશે પાંચ છ વાક્યો કહ્યાં. ત્યાર બાદ ભોજનનો સમય થઈ જતા સંજયભાઈ ઉપાધ્યા એ ભોજન માટે વિરામ ની જાહેરાત કરી, એ દરમિયાન રાજુ પટેલ પોતે જે ટાસક વાર્તા લખવા આપેલો તે અંગે ૧૦ થી ૧૫ મિનિટમાં વાર્તા લખવાનું સૌને ભારપૂર્વક જણાવ્યું.  કોઈ શિબિરાર્થી, શિબિર અધવચ્ચે છોડીને બહાર જાય છે તો તેની પાછળના કારણની કલ્પના કરી એક રસપ્રદ વાર્તા લખવી. અને તે અંગેની  જુદી જુદી કલ્પનાઓ પણ રાજુ પટેલ સૌની સામે દોહરાવી. સ્વાદિષ્ટ ભોજન લઈને સૌ દઉ શિબિરાર્થીઓ હોલમાં પરત  ગોઠવાયા. ભોજન વિરામ પહેલા આવેલા અન્ય બે   મહેમાનો  'વારેવા' વાર્તા  ગ્રુપના છાયા ઉપાધ્યાય તેમજ વાર્તાકાર લેખક શ્રી નિલેશ રૂપાપરાનો પરિચય અપાયો.તેમજ મોડેથી પણ સૌ માટે મીઠાઈ લઈને પધારેલા નિલેશ મૂરાણી એ સૌને મોં મીઠું કરાવ્યું. નર્મદ સાહિત્ય સભા આયોજીત કેતન મુનશી વાર્તા સ્પર્ધા માં તેમની વાર્તા તૃતીય ક્રમે વિજેતા બનતા એ ખુશીમાં શિબિરાર્થીઓને નિલેશ મૂરાણી એ પોતાના તરફથી પેંડા ખવડાવી પોતાનો આનંદ અને રાજીપો વ્યક્ત કર્યો.સૌએ નિલેશ મૂરાણી અભિનંદન આપ્યા.

ભોજન પછીની બેઠકમાં રાજુ પટેલ શિબિરનો દોર આગળ વધાર્યો. અને ભોજન સમય પહેલા લખવા આપેલી વાર્તા અંગે પૃચ્છા કરી. મોટાભાગે કોઈનાથી પંદર-વીસ મિનિટમાં વાર્તા લખાઈ ન હતી. આમ છતાં રાજુ પટેલ ૧૦ મીનીટનો વધુ સમય આપ્યો પરંતુ મોટાભાગના શિબિરાર્થીઓ ૧૦ મિનિટની અંદર વાર્તા લખીને પૂરી કરી શકયા ન  હતા. આથી વાર્તા લેખનનો દોર આગળ વધારતા રાજુ પટેલે જણાવ્યું કે વાર્તા લખવી તો કેવી લખવી જોઈએ વાર્તામાં કયા કયા તત્વો હોવા જોઈએ કે જેથી સારી વાર્તા બને.  આ ઉપરાંત વાર્તા લખવા કરતા વાર્તા ન લખવી જોઇએ એ અંગે પણ  વાર્તા લખનારે વિચારવું રહ્યું વગેરે મુદ્દાઓની ચર્ચા કરી ત્યાર બાદ મુંબઇથી પધારેલા નિલેશ રૂપાપરા ની વાર્તા  "ચમનો"ની ચર્ચા થઈ. "ચમનો" વાર્તાનું ખૂબ સરસ પઠન સંધ્યા ભટ્ટે કર્યું. ચમનો વાર્તાના સબળા નબળા પાસા પર ચર્ચા થઈ."ચમનો"વાર્તા ના લેખક નિલેશ રુપાપરાએ પણ પોતાની વાર્તા અંગે રજૂઆત કરી.  બેન છાયા ઉપાધ્યાયે વાર્તાલેખન અંગેના પોતાના મંતવ્યો રજૂ કર્યા. તેમજ "વારેવા"વાર્તા મેગેઝીન  વિશે થોડી માહિતી આપી. વાર્તા લેખન ની કળા તેના મુખ્ય પાસા વાર્તામાં કલ્પના કે સત્ય હોવા જોઈએ કે નહીં સત્ય ને આધારે વાર્તા લખાય છે કે કલ્પના તત્વ વગેરે જેવા શિબિરાર્થીઓ ના પ્રશ્નોની રાજુ પટેલે પોતાની આગવી શૈલીમાં જવાબો આપી વાર્તાના દોર ને આગળ વધારતા સૌ શિબિરાર્થી ને પોતે જે વ્યક્તિને ધિક્કાર કરતા  કરતા હોય તેની તરફેણમાં ચાર પાંચ વાકયો બોલવા કહ્યું. એકાદ-બે અપવાદ સિવાય કોઈ જ શિબિરાર્થી પોતે જેને ધિક્કારતા હોય તેની તરફેણમાં બોલી ના શક્યા અથવા તરફેણમાં બોલવાની સ્પષ્ટ ના પણ કહી. વાર્તા લેખન ની આ શિબિરમાં વાર્તા અંગેની માહિતી, જરૂરી મુદ્દાઓ, વગેરે રાજુ પટેલ એક જગ્યાએ બેસીને નહીં પરંતુ સૌ શિબિરાર્થીઓ ની વચ્ચે રહીને, દરેકની નજીક જઈને, હાલતા ચાલતા બધું સમજાવીને શિબિરમાં જીવંત વાતાવરણ ખડું કર્યું. વળી દરેક શિબિરાર્થીને વાર્તા લેખન અંગેના પોતાના મંતવ્યો અને વિચારો વગેરે રજુ કરવાની છૂટ આપીને આ વાર્તા શિબિરને રાજુ પટેલે ભારેખમ ન બનાવતા એકદમ હળવી ને રસપ્રદ બનાવી. તેમજ દર મહિને પણ વાર્તા શિબિર માટે છેક મુંબઇથી રાજકોટ પોતે આવશે તેની પણ રાજુ પટેલ એ તૈયારી બતાવી ધીમે ધીમે ના અંત તરફ આવતા સવારે આપેલી વાર્તા પૂરી  લખીને વાર્તા ગ્રુપમાં મુકવાનું  તેમજ આ વાર્તા શિબિરના અહેવાલ લેખન નું કામ કોઈ કરશે તેનું સૂચન કર્યું.

આ વાર્તા શિબિરના અંત તરફ જતાં જયેશ રાષ્ટ્રકૂટે  આ વાર્તા શિબિરમાં આવેલા એક શિબિરાર્થી ગોહિલ નિલેશ દ્વારા શિબિરાર્થી માટે લાવેલા મધ વિશે   સૌને માહિતગાર કર્યા.કર ગોહિલ નિલેશ મધની ખેતી કરતા હોય તમામ પ્રકારના જુદા જુદા મત એમની પાસેથી મળી રહેશે એ મધ મીઠી વાત કરતાં અને એમના દ્વારા અપાયેલા મધનો સ્વાદ ચાખી વાર્તા શિબિરનું મધૂર સમાપન થયું.

####

 

  આ વાર્તા શિબિરના સફળ આયોજન માટે મુખ્ય સૂત્રધારો ભાઈ શ્રી સંજયભાઈ ઉપાધ્યાય, અશ્વિની બહેન, જયેશ રાષ્ટ્રકુટે જહેમત ઉઠાવી , બંને સમય ચા-નાસ્તો અને સ્વાદિષ્ટ ભોજન તેમજ વાર્તાકાર લેખક રાજુ પટેલ ને સૌ માટે ઉપસ્થિત કરાવ્યા છે અભિનંદન અને રાજીપાની વાત સૌ માટે છે.

આમ તો આ શિબિરમાં સવ પોતીકા જ હતા અને પોતીકા નો આભાર માનવાનો હોય નહીં રાજુ પટેલ તો બિલકુલ આવી કોઈ જ ઔપચારિક તા માનતા ન હતા. તેમ છતાં આ વાર્તા શિબિર માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનનો સરસ હોલ ઉપલબ્ધ કરાવવા માટે ડૉ. મનોજ જોશીનો આભાર માન્યો. શિબિરમાં ચા નાસ્તો અને  ભોજન અને ચાર વાગ્યે ઠંડી મીઠી મન અને હૃદયને તૃપ્ત કરે એવી છાશ આપનાર દાતાનો પણ આભાર વ્યક્ત કર્યો.શિબિરના  મુખ્ય સૂત્રધાર ભાઈ શ્રી સંજયભાઈ, અશ્વિન  બહેન , જયેશ રાષ્ટ્રકૂટ એ સૌ માટે શિબિરાર્થીઓએ આનંદ રાજીપાની લાગણી વ્યક્ત કરી આનંદથી છુટા પડ્યા.

####


 

1 comment :