Tuesday 26 April 2022

રાજકોટ વારતા શિબિર – ૧૭ એપ્રિલ ૨૨ ~ ડૉ.અશ્વિની જોષી

 











રાજકોટ નામના રંગીલા શહેરમાં, એક વાર્તા શિબિરનું આયોજન કરવામાં આવેલ. બપોરે તો સહુ સુઈ જાય એવું મહેણું, કોઈને સાહિત્યમાં રસ નથી અથવા કવિતાઓ સિવાય રસ નથી એવું મહેણું  એક ઝાટકે શિબિરની સફળતાથી ભાંગી જાય એવો લોકોનો પ્રતિભાવ રહેલો.

સવારના 10 વાગ્યાથી પ્રત્યાશીઓ અલગ અલગ જગ્યાએથી આવવા લાગ્યા અને ધીમે ધીમે સંખ્યા વધવા લાગી. કચ્છ, વાંકાનેર, એમ અલગ શહેરના માણસોએ પણ નજીક જ છે તો લાભ લઈએ એમ વિચારીને ખરેખર લાભ લીધો જ. નહિતર એમને અમદાવાદ સુધી જવું પડતું.

આ શિબિર રાજકોટમાં નવનિર્મિત ભારવિ (ભાષા રચના વિચારમંચ -જે વિશેષ તો  નવોદિતોને માર્ગદર્શન મળે અને એમના પ્રશ્નોના હલ મળી રહે એ માટે જ રચાઈ છે) દ્વારા કરવામાં આવ્યું હતું... ભારવિ મંચનો આ પ્રથમ ઉપક્રમ હતો.

વાર્તા રે વાર્તા ( વારેવા) વૃંદના રાજુ પટેલે  શિબિરમાં વાર્તા વિશે વિસ્તૃત ચર્ચાઓ કરી. સીધી વાર્તાના બંધારણ કે આ નિયમ કે તે નિયમ એવા જડ કન્ટેન્ટને ન વળગી રહેતા તેઓએ પહેલા સહુના વિચાર વાંચ્યા, સહુની  કલ્પના ખીલવવાની કવાયત કરી અને વિશેષ તો લખવા માટે પહેલા અઢળક વાંચો એ સમજાવ્યું..સાહિત્યનો જે પ્રકાર લખવો છે એમાં સ્પષ્ટ થાઓ અને પછી એ જ પ્રકારના કમ સે કમ 50 પુસ્તક વાંચો એનું  ગંભીરતા પૂર્વક  સૂચન કર્યું. રાજુએ પ્રસંગ અને ઘટના આધારિત વાર્તા માટે ગૃહકાર્ય પણ આપ્યું અને વિશેષ તો કોઈ પણ વાર્તા લખાય પછી થોડોક સમય એને આપીને ફરીવાર પોતે જ વાંચવાની ખાસ ભલામણ કરી. અને ઉમેર્યું કે એને  પાકવા દેજો.. બીજી વાર વાંચ્યા પછી આપણને તો આપણી વાર્તા ગમવી જ જોઈએ.

શિબિરના આયોજન માટે  પ્રથમવારમાં જ અધ્યક્ષ શ્રી મનોજભાઈ જોષી એ સંમતિ આપીને ગુજરાતી ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનો હૉલ ભારવિ ઉપયોગ કરે તો ભાષા સાહિત્યનું જ કામ હોવાથી સારું રહે એ રીતે આપી દીધેલ. તેઓએ ભાવપૂર્વક કહ્યું કે તેમણે પોતે ભણતા ત્યારથી આમા શબ્દો અને સુર વાવ્યા છે! યુનિવર્સીટીમાં જ કાર્યરત જીવાણી સાહેબ અને અશ્વિની બેનએ બાકીની વ્યવસ્થાઓ સંભાળી હતી.

ભારવિના અન્ય સદસ્ય જયેશભાઇ, ભાર્ગવી બેન, શ્રદ્ધાબેન, પ્રો. સનતભાઈ  સહુએ  સ્વયંભૂ જવાબદારીઓ સ્વીકારીને શિબિરને સફળ બનાવી હતી.

શિબિરમાં મુંબઈથી આવેલ રાજુ પટેલ સિવાય અન્ય માર્ગદર્શકો પણ જોડાયા હતા..જેમાં નિલેશભાઈ રૂપાપરા અને  વારેવા મેગેઝીનના તંત્રી છાયાબેને પોતાની આગવી ઢબે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ઇમરાન દલ, નિલેશ મુરાણી જેવા સુંદર પણ ઓછી વાર્તાઓ લખતા સભ્યો પણ આ શિબિરમાં જોડાયા હતા.

આવી એક  શિબિર રાજકોટમાં  થવી જોઈએ એ વિચારબીજ જેમનું હતું એ  'ભારવિ'ના જ  સંજયભાઈ ઉપાધ્યાય એ આ સમગ્ર પ્રવૃત્તિનું સફળ આયોજન કરેલું. જેનો સીધો લાભ લગભગ 40 જેટલા વાર્તાકારોને મળ્યો છે.

ભારવિ ભવિષ્યમાં પણ શુદ્ધ સાહિત્યને લગતા પ્રકલ્પો કરવા કટિબદ્ધ છે તો રાજકોટને એનો બહોળો લાભ મળશે એની પ્રતીતિ આ વાર્તા શિબિરે કરાવી દીધી.

######






1 comment :