Tuesday 29 September 2015

વાર્તા શિબિર ૬ (મુંબઈ)

"વારતા રે વારતા "  ફોરમની છઠ્ઠી બેઠકનો અહેવાલ..૨૨ સપ્ટેમ્બર ૨૦૧૫..પાર્લા..યામિની પટેલનાં ઘરે..

હું રાજુલ ભાનુશાલી, આ ફોરમની એક સભ્ય..ફેબ્રુઆરીથી શરુ થયેલી આ બેઠકોનાં અહેવાલ હું લખતી રહી છું. મેં આ કામ નિજાનંદ માટે ઉપાડ્યું હતું. મને ગમે છે અહેવાલ લખવો, અને  એ બહાને બેઠક મમળાવવી. નવસર્જન જેટલો જ આનંદ અને સંતોષ આ કામમાં મળે છે. અહેવાલ જ્યારે ફોરમમાં આવે અને મિત્રોની સરાહના મળે ત્યારે  ખુશી થાય એ નફામાં. અલબત્ત કોઈને પણ થાય જ, થવી જ જોઈએ. પણ આ વખતે નિજાનંદની સાથે  એક નવો ભાવ ભળ્યો. જવાબદારીનો.

બન્યું એવું કે જિજ્ઞાની દિકરીએ આ વખતે પર્યુષણ પર્વ નિમિત્તે અટ્ઠાઈ કરેલી. બેઠકનાં આગલાજ દિવસે એનાં પારણાં હતાં. અને તરત બીજા દિવસે આખો દિવસ દિકરીને એકલી મુકી બેઠકમાં આવવું જિજ્ઞા માટે શક્ય નહોતું. "એણે કહ્યું, કંઈ વાંધો નહિં મને ખબર છે મારું કશું મિસ નહિં થાય.તારા અહેવાલમાં બધું જ આવી જશે." હું હસી. ત્યાર બાદ આ વાત એણે વોટ્સ એપ ગ્રુપમાં મુકી ત્યારે પરાગએ પણ સેમ વાત કરી. અને આ બન્નેની વાત સાંભળી હું થોડીક (થોડીકજ હોં) ઈમોશનલ થઈ ગઈ. અને આમ નિજાનંદ માટે ઉપાડેલા કામ સાથે કંઈક જવાબદારી પણ જોડાયેલી છે એ  સમજાયું. મિત્રોની આભારી છું..

આ વખતે શિબિરની બેઠક વિલેપાર્લામાં યામિની પટેલના ઘરે હતી. તેઓ નવા ઘરમાં શિફ્ટ થઇ રહ્યા હતા અને ત્યાં  ફર્નિશિંગનું કામ ચાલુ હતું. એમાં એક ઓરડાનું કામ એમણે આ બેઠક માટે ઉતાવળે પૂરું કરાવ્યું. એક તબક્કે એવું લાગ્યું કે બેઠકનાં દિવસ સુધી કામ પૂરું નહિ થઇ શકે ત્યારે પાર્લામાં જ રહેતાં મિત્ર પ્રીતિ જરીવાળાએ પોતાના ઘરે બેઠક રાખવાનું આમંત્રણ આપ્યું. ત્યાં નક્કી પણ થયું
યજમાન યુગલ

 પરંતુ શિબિરના આગલાજ દિવસે રૂમ રેડી થઇ જતાં યામિનીએ ફરી પોતાના નવા ઘરમાં આવવાની શુભ શરૂઆત આ કાર્યથી થાય એવી ઈચ્છા વ્યક્ત કરી ત્યારે પ્રીતિએ ખુશી ખુશી રજામંદી આપી.(આવતી બેઠક એમના ઘરે થાય એવા આહ્વાન સાથે.)

આભાર યામિની અને પ્રીતિ.. 

બેઠકનાં  કેટલાક દિવસ અગાઉથી સુત્રધારે આ બેઠકમાં એક થી વધુ સરપ્રાઈઝ છે એવી હવા ઉભી કરી હતી..માટે બેઠકની શરુઆતથી સહુના મનમાં એ પણ એક ઉત્સુકતા હતી કે સરપ્રાઈઝ શું હશે.. સમૂહના અમુક મિત્રો ને પાછલી બેઠક દરમિયાન એક નવી જવાબદારી મળી હતી. એ જવાબદારી ઉઠાવનાર ટીમનો હું પણ હિસ્સો હતી. એ જવાબદારી અમે બેઠક ના બે દિવસ અગાઉ પૂરી કરી લીધી હતી.એ અંગેની જાહેરાત બાકીના સભ્યો  માટે એક સરપ્રાઈઝ હતું એ અમને ખ્યાલ હતો, તે સિવાય પણ એક સરપ્રાઈઝ છે એમ ખબર પડી પણ શું એ કોઈને ખબર નહોતી..!
૨ વાગ્યે શરુ થનારી બેઠક સુત્રધાર ના પોણા કલાક મોડા આવવાથી લગભગ ત્રણેક વાગે શરુ થઈ.  સુત્રધારનું આમ મોડું આવવું હવે એક નિયમ જેવું થતું જાય છે.. આનો ઉપાય શું..? એમને 'ચાય નહિ આપવી 'એવું  દર  વખતે આપણે નક્કી કરીએ,પણ  શિબિર પૂરી  થતાં થતાં એમને આપણા સૌ કરતાં એકાદ કપ વધુ જ મળી રહેતી હોય છે.. :p એટલે આ ઉપાય કામ આવતો નથી તેથી બીજો કોઈ ઉપાય કોઈને સુઝે  તો એ જણાવે..

-------------------------------------------------------------

હવે આવીયે  બેઠક પર ~~
શરુઆતમાંજ સુત્રધાર રાજુએ એક હથોડા જેવો સવાલ સહુ સભ્યો  સમક્ષ મુક્યો કે આ બેઠક આપણે કેવી રીતે ચાલુ રાખવી છે? હમણાં ચાલી રહી છે એમ હળ્યાં, મળ્યાં ખુબ બધી વાતો કરી, મસ્તી કરી એટલે કે એક પિકનીકની જેમ કે પછી એક યાત્રાની જેમ.એમણે સ્પષ્ટ કર્યું કે આનંદ તો બન્ને પ્રકારના પ્રવાસમાં આવી શકે.

 હાલ પર્યંત ચાલેલી શિબિર પ્રવૃત્તિ પિકનીક જેવી રહી છે..દરેક બેઠકનો સ્વતંત્ર આનંદ.એમણે પોતાનો મંતવ્ય જાહેર કરતાં કહ્યું  કે મને પહેલી રીતે  બેઠક ચલાવવામાં રસ નથી. બેઠક યાત્રા જેવી હોવી જોઈએ કે જેમાં એક ચોક્કસ આખરી ડેસ્ટીનેશન હોય, જ્યાં પ્રવાસ પૂરો થઈ જતો હોય! ધારોકે હું એક બસ લઈને ચાલું છું અને તમે બધાં એમાં સહપ્રવાસી છો..બધાની મંઝિલ એક ના હોય એ શક્ય છે પણ રસ્તો ચોક્કસપણે એક છે.તમે સુત્રધાર તરીકે મને ઓપ્શન આપો. તમે જાતે નક્કી કરો કે તમારે ક્યાં ઉતરવું છે. કોઈને ચોથી બેઠકમા લાગે કે મને બધું જ મળી ગયું છે તો એ ત્યાં ઉતરી જાય અને કોઈને પચ્ચીસમી બેઠક સુધી પ્રવાસ કરવો હોય તો એની પણ છૂટ. હું ઈચ્છું કે એક દિવસ તમે મને એમ કહો કે "તારી પાસે હવે મને આપવા લાયક કશું જ બચ્યું નથી.. જે હતું એ મેં બધું નીચોવી લીધું છે.. તે દિવસે હું ખુશ થઈશ..!"  પણ એ માટે હવે આ પ્રવાસ 'યાત્રા'નું સ્વરૂપ લે એવું આપણે વર્તીએ.. એવી રીતે આગળ વધીએ.. જેથી ક્યાંક પહોંચી શકાય..બીજા શબ્દોમાં કહીએ તો હવે પછી શિબિરની બેઠક સ્વતંત્ર મુલ્ય વાળી છૂટક સાહિત્યિક બેઠક જેવી ન રાખતાં એક ચોક્કસ પ્રક્રિયાનો હિસ્સો બનાવીશું જેનાં અંતર્ગત સ્ટેપ બાય સ્ટેપ યોજનાપૂર્વક આગળ વધીશું એમ નક્કી થયું. 
શિબિરની પ્રવૃત્તિ વિષેનો આટલો પાયાનો નિર્ણય છેક પાંચ બેઠક બાદ કેમ લેવાઈ રહ્યો છે?
અંગે સ્પષ્ટતા કરતાં સુત્રધારે જણાવ્યું કે શિબિરાર્થીઓના મન, મિજાજને સમજવા આ બેઠકો આવશ્યક હતી..આ પ્રકારના નિર્ણયો  આગોતરા નક્કી ન થઇ શકે.. જેમની જોડે શિબિર કરવી છે અને જેમના માટે શિબિર કરવી છે એમને શું ફાવે છે એ અને કેવી રીતે આગળ વધવું જોઈએ એ સમજવા શરુઆતી બેઠકો આમ સામાન્ય પ્રવાહમાંજ થાય એ જરૂરી હતું. અને બીજી રીતથી એટલે કે 'યાત્રા' સ્વરુપે બેઠકો આગળ વધારવા માટે સહુ સભ્યો સાતત્યતાપૂર્વક સહભાગી થાય એ જરૂરી છે.
શિબિરાર્થીઓને બેઠક વિષેનાં વિચારો જણાવવા કહેવામાં આવ્યું ત્યારે મીનાબેને કહ્યું કે હું ઘણું બધું લખી શકું એમ છું.

એ લખવા મને અહિં પ્રેરણા મળે છે.. સાથે સાથે ડાયરેક્શન પણ મળે છે, ફક્ત લખવાની વાત નથી.એટલે હું જોડાયેલી છું. આ છઠ્ઠી બેઠકમાં નેહા રાવલ છે......ક સુરતથી ભાગ લેવા આવી હતી.આ છે શિબિરની ઉપલબ્ધી. સુરતમાં વાર્તાલેખનની એક બેઠક સફળતાપૂર્વક થઈ ચૂકી છે.

નેહાએ ટાસ્ક પર આવનારી પ્રતિક્રિયાઓ વિષે પોતાનાં વિચાર મુક્યાં. એકબીજાનાં ટાસ્ક પર પ્રતિક્રિયાઓ આપવી એ આ પ્રવૃત્તિનો જ એક ભાગ છે. તમે એમ ઈચ્છો કે તમારા ટાસ્કપર બીજા  મિત્રો પ્રતિક્રિયે તો તમારે પણ એ બાબતમાં એ પ્રમાણે વર્તવું જ જોઇએ. અહિં નોંધવુ રહ્યું કે અમુક મિત્રો ટાસ્ક્માં ભાગ લે છે. ઉત્તરો મોક્લે છે. એમને પોતાનાં ઉત્તરો પર કમેંટસ જોઈએ છે પણ બીજા મિત્રોનાં ઉત્તરો પર કમેંટ્સ કરવી નથી.!

આ બાબતની ચર્ચાનો અંત રાજુએ એક ફેમસ ક્વોટ્થી કર્યો.. 
" જે લોકોએ જવાબ આપ્યા- ઉસકા ભલા.. અને જેમણે જવાબ ન આપ્યા - ઉસકાભી ભલા."
જંગલમાં પ્રાકૃતિક સ્વતંત્રતાથી વાંદરા રહેતા હોય એમને આપણે એક ઝટકામાં નાગરિક ન બનાવી શકીયે! અને આ રીતે સુત્રધારે પોતે પણ ટાસ્કના ઉત્તરો પર ટીપ્પણીના દુકાળ વિષે ખુલ્લા શબ્દોમાં પોતાની નારાજગી વ્યક્ત કરી..!
-----------------------------------------------------------------------------------------

લૈલા-હીર ટાસ્ક બાબત ~

લૈલા-હીર એક મુલાકાત સંવાદ’વાળા ટાસ્કમાં કોઈએ માયથોલોજીકલ બેકગ્રાઉન્ડ લીધું, કોઈએ ના લીધું. તો સાચું શું અને અપેક્ષિત શુ હતું  ? આવો એક પ્રશ્ન આવ્યો.

રાજુનો જવાબ ~

આમાં મેં નક્કી કરેલું કે મારે કશું ક્લીયર નથી કરવું. મેં બધી દિશાઓ ખુલ્લી રાખી હતી. માયથોલોજીકલ બેકગ્રાઉન્ડ લેવું છે-- લો. નથી લેવું-- ના લો.આપણે બોમ્બ નથી બનાવી રહ્યા કે જેમાં ધારદાર પરફેક્શન જોઈએ..મેં તમને એક ખીંટી આપી, એક દિશા આપી કે તમે કશુંક લખો. લાસ્ટ ટાસ્કમાં બીન્ની અને મીનાબેન એ ઉલ્લુ બનાવ્યાં! ધેટ ઈઝ ઓલ્સો ક્રીયેટીવીટી. ભલેને સાવ ખોટો રસ્તો લીધો, પણ આપણે એમનાં પર કોર્ટ કેસ કરી શકીએ કે તમે ખોટું કર્યું..કરીએ તોય હારી જઈએ. આપણને ગાર્ડનમાં શિસ્તબદ્ધ દેખાતાં,  કપાયેલા મહેંદીના છોડ નથી જોઈતા.. .મેં એક ગાઈડલાઈન આપી. એ આધારે  કામ કરો. એક લૈલા હોવી જોઈએ, એક હીર હોવી જોઈએ અને મુલાકાતમાં સંવાદ હોવો જોઇએ. બસ..પોતાની ક્રિયેટીવીટી વાપરો..ગમે તેવા ઉંચા કવિતાઈ કુદકા મારવાની છૂટ. 

હું તમને એક સ્ત્રીની ઓળખાણ કરાવું અને કહું આ મારી પત્ની છે. તમે માની લેશો. પણ સરકારી ઓફીસમાં એટલું જ પૂરતું નથી. એ લોકો તરત સત્તર સવાલ કરશે. મેરેજ સર્ટીફીકેટ માંગશે. આપણી 

અહિં સરકારી ઓફીસ નથી! યુ બ્રેક ધ બોક્સ એન્ડ ફ્લાય ઓવર!
સમીરા 

સમીરાએ એક મુદ્દો ઉપાડ્યો કે ટાસ્કનાં જવાબો પર આવનારી નેગેટીવ કમેંટ/ટીકા ડીમોટીવેશન કરે છે.

રાજુએ જવાબમાં કહ્યું કે શું કામ તમને કોઈ ડીમોટીવેટ ન કરે? તમને કોણે કહ્યું કે અહિં તમને ગુલાબનાં ફૂલ મળશે?

આ તો એવી વાત થઈ કે 'તુ ગાળ ભલે આપ,પણ ભઈલા થોડીક તો સારી આપ.'
ગાળ, ગાળ જ હોય ગંદી કે સારી એમાં એવું કશું જ ના હોય! હા, એકવાત થઈ શકે. કમેંટ જો કૃતિલક્ષી ન હોય તો એના પર ધ્યાન ન આપવું.
-----------------------------------------------------------------------------------------

ત્યાર બાદ જાહેરાત થઈ પ્રથમ સરપ્રાઈઝની. ~~

પ્રથમ સરપ્રાઈઝમાં સુત્રધારે શિબિરનાં સહુ સભ્યોને અત્યાર સુધી થયેલી બેઠકોના અહેવાલના પ્રિન્ટઆઉટની એક ફાઈલ આપવામાં આવશે એમ જાહેર કર્યું .આમ તો આ બધું લખાણ ફેસબુક ફોરમનાં ડોક્યુમેન્ટ વિભાગમાં છે જ પણ આપણે સહુ હજી નેટસાવી નથી થયાં.. કોમ્પ્યુટર પર વાંચવાની આદત આપણને નથી પડી. હાથવગું પ્રિન્ટેડ ફોર્મ હોય એ આપણને વધુ અનુકુળ રહે છે માટે આ ફાઈલ આપવું એમ નક્કી થયું છે એવું એમણે કહ્યું.. વાર્તાકળાને લગતા કેટલાક અગત્યના મુદ્દા ચર્ચાઈ ચુક્યા છે જે આ અહેવાલોમાં છે જ. આ ફાઈલ સહુને આપવાનો એક  ઉદ્દેશ એ કે જે કામ થઇ ગયું છે એ આપણા ધ્યાનમાં રહે, આપણે રીફર કરી શકીએ, કરતાં રહીએ. તે ઉપરાંત બીજો લાભ એ કે નવા જોડાતાં સભ્યો શિબિર સાથે અપડેટ રહી શકે, જે વાત થઇ ગઈ છે એના સંદર્ભ તેઓ જાણી/તપાસી શકે અને આગામી શિબિરોમાં એ મુદ્દાઓનું રીપીટેશન નિવારી શકાય.

સહુને આ સરપ્રાઈઝ ગમ્યું. મારા સહિતના અમુક સભ્યો આ સરપ્રાઈઝને લગતી કામગીરીમાં છેલ્લા કેટલાક સમયથી સંકળાયેલા હોવાથી અમારા માટે આ સરપ્રાઈઝ નહોતું!

ત્યાંજ અચાનક દરવાજો ખુલ્યો અને એક વડીલે રૂમમાં  પ્રવેશ કર્યો. ત્યાં હાજર સભ્યોમાંથી  કેટલાક એમને ઓળખતા હતાં અને મારા જેવા કેટલાક માટે એ સાવ અજાણ્યા હતાં. સુત્રધારે આગળ વધીને એમને આવકાર આપતા જણાવ્યું કે તેઓ કાંતિભાઈ પટેલ છે.
કાંતિભાઈ પટેલ

 ગુજરાતી સાહિત્યના જાણીતા વિવેચક. એમણે કહ્યું કે,"હું આપ સહુ ને હમેંશા  કહેતો રહ્યો છું કે મને માર્ગદર્શક કે શિક્ષકની ભૂમિકામાં ન જુઓ કેમકે હું એ કક્ષાનો જાણકાર નથી.. હું તમારો ગુરૂ ભલે ન હોઉં પણ મને જણાવતા આનંદ થાય છે કે આ મુરબ્બી શ્રી કાંતિભાઈ મારા સાહિત્ય ક્ષેત્રના ગુરુ છે.."

આ હતી સુત્રધાર તરફથી બીજી સરપ્રાઈઝ..!

સહુએ કાંતિભાઈને તાળીઓથી વધાવી લીધા. ત્યાર બાદ પોતાની સાહિત્યિક સમજમાં મુ.શ્રી. કાંતિભાઈનાં યોગદાન બદ્દલ સુત્રધારે ટૂંકમાં કહ્યું અને કાંતિભાઈ એ સહુનું અભિવાદન કર્યું. વાર્તા શિબિર માટે સહુ આટલી મોટી સંખ્યામાં ભેગા થયા છે એ વાતનો આનંદ પ્રગટ કરતાં એમણે કહ્યું કે હવે આપ પોતાની રીતે શિબિર આગળ વધારો..હું બેસીને જોઇશ..
-----------------------------------------------------------------------------------------

દરવખતે બેઠકમાં ફોરમનાં જ કોઈ એક મેમ્બરની વાર્તાનું પઠન અને તેનાં પર ચર્ચા કરવામાં આવે છે. આ વખતે સુરતથી આવેલી નેહા રાવલની વાર્તા 'આવું તે કંઈ હોતું હશે?' લેવામાં આવી હતી.(આ વળી નેહા માટે અલગ સરપ્રાઈઝ હતું. એને ખબર જ નહોતી કે આજે એની વાર્તાનું પઠન છે.રાજુએ જ્યારે મને વાર્તા મોકલી અને એની પ્રિન્ટઆઉટ લઈ આવવા કહ્યું ત્યારે કહ્યું હતું). કુસુમ વાર્તા વાંચશે એમ નક્કી થયું પણ એ વાંચવાની શરૂઆત કરે તે પહેલા અતિથિ લેખક શ્રી સંજય છેલનો પ્રવેશ થયો.. 
સંજય છેલ

ટાસ્કમાં આ વખતે એમની વારતા 'એક ડ્રાઈવરને એવી ટેવ' હતી. સહુ શિબિરાર્થીઓએ આ વાર્તાનાં ગુણદોષ પોતાની સમજ પ્રમાણે લખ્યાં હતાં જે ફેસબુક ફોરમમાં પોસ્ટ થયા છે. હવે સંજયભાઈ આ વાર્તા અંગે  વાત કરવા રૂબરૂ ઉપસ્થિત થયા હતાં.

તેઓ આ શિબિરની પ્રવૃત્તિથી ખાસ્સા પ્રભાવિત થયા હોય એવુ લાગ્યું.(એમને અહેવાલોની ફાઈલ આપવામાં આવી હતી). એમણે કહ્યું કે આજે જ્યારે ટી.વી સીરીયલોનાં જમાનામાં વાર્તાની ભૂખ મરી પરવારી છે ત્યારે ટૂંકી વાર્તાનાં આટલા બધા ચાહકો અહિં ભેગા થયા છે એ જાણીને ખુબ ખુશી થઈ.આજે ટી.વી જેવા માધ્યમોથી વાર્તા ઈઝીલી સસ્તા અને મસાલેદાર ફોર્મમાં મળે છે એવા સમયે તમે આ સ્વરૂપમાં રસ લો છો, વિચારો છો.. એ ખુબ સારી વાત છે. 

બીજી વાત એ કે આજે નવસવા ઉગતા લેખકોમાં ધીરજ નો અભાવ છે. એમણે કહ્યું કે બે-ચાર ટૂંકી વાર્તા લખી ન લખી કે નવલકથા લખવાનાં પ્લાન બનાવવા લાગે છે.વાર્તા વિષેની વિભાવના શાર્પ કરવા લાગે છે.

ફક્ત વાંચી, જોઈ સમજી ને જે સીખાય એટલું પુરતું નથી. પ્રેક્ટીકલ નોલેજ પણ લેવું જોઈએ. ફિલ્મ બનાવવી હોય તો ફક્ત એનો કોર્સ કરે કશું ન વળે .કોઈક એકાદ ડીરેક્ટરને આસીસ્ટ કરવું પડે, સીખવું પડે. ડોક્ટરે પણ ઈન્ટર્નશીપ કરવી પડતી હોય છે. કોઈ સર્જન સાથે કામ કરવું પડતું હોય છે.
આ બધી બાબતો જેટલીજ ગંભીરતાથી આ પ્રવૃત્તિ પણ થવી જોઈએ.


તમે કોઈ વાર્તા વાંચી. તમને એ ગમી, અથવા ન ગમી. વાત અહિં પૂરી થઈ જતી નથી પણ એક્ઝેટ્લી ત્યાંથી શરુ થાય છે. વાર્તા-પાત્ર વિષે વિચારો..આગળ શું થયું હશે?

પેલો પોસ્ટઓફીસવાળી વાર્તાનો બુઢ્ઢો-એનો ભલા પુનર્જન્મ થયો હશે? આ સવાલ તમને પજવવો જોઈએ. આટલી ને આવી સંવેદના આવવી જોઇએ. ડેપ્થ આવવી જોઇએ.

આ તબક્કે આ બેઠકમાં પધારેલ મુ. શ્રી કાંતિભાઈ પટેલે એક સરસ દાખલો આપ્યો. શ્રી ચં.ચી. મહેતા ધુરંધર કવિ શ્રી બળવંતરાય ઠાકોર પાસે પોતાની કવિતાઓ લઈને ગયાં. બળવંતભાઈ એ એમની બધી જ કવિતાઓ વાંચી અને પછી ફાડી નાખી.એ બીજીવાર ગયાં કવિતાઓ લઈને . આ વખતે બળવંતભાઈએ કવિતાઓ વાંચી,પણ કશું જ બોલ્યા નહિં. ચં.ચી. મહેતામાં કેટલી ધીરજ હશે..! આ એક શીખવા જેવી મહત્વની વાત.

આમ વાતો કરતાં વાત ફરી એમની વાર્તા પર આવી એટલે ફરી સંજયભાઇએ ચર્ચાનો દોર હાથમાં લીધો.

વાર્તા પર કઈ બોલવા અગાઉ એમણે દરેક સભ્યને એમના વાંચન અંગે પૂછ્યું. બધાએ પોતપોતાનાં વાંચન બાબત અને પ્રિય સાહિત્યકાર વિષે વાત કરી. યામિનીએ કહ્યું કે અંગ્રેજી સાહિત્ય એમણે ઘણું વાંચ્યું છે અને એમાં એમનાં પ્રિય ઓથર અગાથા ક્રિસ્ટી છે. 

યામિની પોતે ખુબ સરસ રહસ્યકથાઓ લખે છે.

અગાથા ક્રિસ્ટી વિષે કાંતિભાઈએ માહિતી આપતા કહ્યું કે અગાથા ક્રિસ્ટી ક્રાઈમ ફિક્શન માટે જાણીતા છે. અંગ્રેજી સાહિત્યમાં બાઈબલ પછી જો સૌથી વધુ કશું વંચાતું હોય તો એ અગાથા ક્રિસ્ટીની નવકથાઓ છે..! કહે છે કે એમણે ફક્ત નિજાનંદ માટે લખવાનું ચાલુ કર્યું હતું. એમના હસબન્ડ પુરાત્વવિદ હતાં અને દિવસો સુધી ઉત્ખનનનાં કામમાં રોકાયેલા રહેતાં. અગાથા હોટેલનાં રૂમમાં એકલા આખો દિવસ ખૂબ બોર થઈ જતાં. આ બોરિયત ટાળવા એમણે લખવાનું ચાલુ કર્યું. અને અત્યંત સફળ, સૌથી વધુ વંચાતા  નવલકથાકાર બન્યાં. એમની 'મર્ડર ઓફ એક્રોઈટર' એકવાર વાંચવા જેવી છે. 

યામિનીનાં મમ્મીએ પવનકુમાર જૈનની વાર્તાઓ વિશે વાત કરી.

ત્યાર બાદ સંજયભાઈ શિબિરાર્થીઓએ એમની વાર્તા પર આપેલી પ્રતિક્રિયાના અનુસંધાનમાં કહ્યું કે ટાસ્ક કરનાર ઘણાખરા લોકો મારી વાર્તાકાર તરીકેની ભાવના સુધી પહોંચી શક્યા નથી. વાર્તા માત્ર ડ્રાઈવર અને હાઈ ક્લાસ છોકરીની નથી.

વાર્તા એક પોઈન્ટથી અનુભવવાનું શરુ કર્યા પછી છેક સામેનાં વિરુધ્ધ  પોઈન્ટ પર અટકે. આ યાત્રા પુરી થવી જોઈએ.

સંજયભાઈએ આ વિધાન સમજવા માટે એક દાખલો  આપ્યો.

ધારોકે એક વાર્તામાં એક કપલને એનાં પાડોશી પોતાનો પાંચેક વરસ નાનો દિકરો સંભાળવાનું સોંપીને બહાર ગયા. બાળકની સંભાળ લેવાની હતી. હવે બન્યું એવું કે કોઈ કારણસર દંપતિ ઘરની બહાર આવ્યાં અને અચાનક બારણું બંધ થઈ ગયું. બાળક એકલું અંદર, ચાવી પણ નહોતી. સાંજ થઈ ગઈ હતી. ઘરમાં ઘોર અંધારું પસરવા લાગ્યું. દંપતિ ડર્યું. બાળક સખત રડતું હશે, ડરી ગયું હશે, એને કંઈ થઈ તો નહિં જાયને? શા માટે એને રાખવાની ના ન પાડી દીધી જેવા અનેક વિચારો, દુવિધાઓ એમનાં મનમાં ઘેરાવા લાગ્યાં. આમને આમ બે-ત્રણ કલાક પસાર થઈ ગયાં. અંતે જેમતેમ બારણું ખોલ્યું અને અંદર શું જુએ છે કે બાળક તો અંધારામાં પણ ખડખડાટ હસતું હતું, પોતાનામાં મગ્ન રમતું હતું. એણે ઘરમાં બધું જ અસ્તવ્યસ્ત કરી નાખેલુ! દંપતિને બાળક સહિસલામત જોઈ હાશકારો થાય છે.

~~ વાર્તા પૂરી.

આ થયો એક સાવ સામાન્ય વાર્તાનો સામાન્ય અંત.પણ આપણે જરા જુદી રીતે વિચારીએ. દરવાજો ખુલ્યા પછી બાળકને સહિસલામત જોઈ નાયિકાને હાશકારો થાય છે પણ એનાં મનમાં પ્રશ્ન ઉઠે છે અને એ નાયકને કહે છે કે આપણને  હમણાં બાળક નથી જોઈતું, આપણે બાળક માટે હજુ તૈયાર જ નથી..!અને...એ જ ઘડી બાળક ખીલ ખીલ હસી પડે છે અને દંપતિને લાગે છે કે જાણે એ એમની ફુવડતા પર હસી રહ્યું છે..!

~~ અને વાર્તા પૂરી.

આ અંત વાર્તાને બીજા લેવલ પર લઈ જાય છે.

વાર્તામાં ડીટેઈલિંગ પુરતું હોવું જોઈએ. ના ઓછું ન વધુ. વધુ પડતા ડીટેઈલિંગથી વાચકોને બોર ન કરવા.. બસ.. પણ વાર્તા માત્ર એક ઘટના હોય એ પુરતું નથી જ. તમે કયું તત્વ લો છો વાર્તાનાં મુખ્ય પોત તરીકે એ ચકાસો. વાર્તા ઘટના પ્રધાન હોય કે પાત્ર પ્રધાન એમાં જીવ પૂરો. બક્ષી, ચેખોવ કે પ્રેમચંદ એવું કરી શકતા. એમની વાર્તા એકવાર વાંચો તો ભુલી ન શકો.

કોઈ પણ વાર્તા/ઘટના/ફિલ્મમાં ક્લાઈમેક્ષ હોવો જ જોઈએ. જીવનનો ક્લાઈમેક્ષ મૃત્યુ છે.. કવિતા કે ગઝલનો શેર..કોઈ પણ કળા હોય એમાંથી નીપજતો રસ જ્યારે અમુક ઉચ્ચ સ્તર સુધી જાય ત્યારે એક જગ્યાએ એવી આવે છે કે એ ફૂટે છે, ફાટે છે. એ કેથારસીસ કહેવાય. કોમેડી હોય તો હાસ્યનો બ્લાસ્ટ થાય..કરુણ રસ હોય તો હીરો મરી જાય..એ એનું કેથારસીસ.એનું વિરેચન થવું ખૂબ જરુરી છે.આપણે કોઈક વખત ખુ્બ આનંદ કે ખુબ દુઃખમાં રડી પડીએ. અતિ દુઃખ કે સુખ આંસુ દ્વારા વ્યક્ત થાય એ કેથારસીસ થાય.

આંદોલનો ચાલતાં હોય.. જનતાનો ગુસ્સો ફાટ ફાટ થતો હોય....અને એ ગાડીઓ, બસો બાળી નાખે. ભલેને એમાં ગાડીઓનો વાંક નથી.પણ એ લોકગુસ્સાનો ભોગ બને એ કેથારસીસ.

કેથારસીસ-વિરેચનથી કલાકૃતિ અસરદાર બને.

તમારે કથા કહેવી છે.. હવે પાત્રો સાથે રમતાં રમતાં આગળ વધવું છે કે પછી ઉગતા સૂર્ય વિષે ફકરા નાં ફકરા લખવા છે એ તમે નક્કી કરો.તમારે કઈ ગલીમાં જવું છે એ તમારી પોતાની ચોઈસ છે અને હોવી પણ જોઈએ.

અહિં દાદુ એટલે કે યુ.કે. સ્થિત મુરબ્બી મિત્ર શ્રી ગુણવંત વૈધ બેઠકમાં સ્કાઈપથી કનેક્ટ થયાં અને થોડાઘણાં અવરોધ ડિસ્ટરબન્સ વચ્ચે પણ લગભગ કલાકેક બેઠક માણી.
છાયા ના ટેબ્લેટમાં ગુણવંત ભાઈ....


આ અંગે ગુણવંત ભાઈ નો અનુભવ એમના શબ્દોમાં~~

આજે વાર્તા શિબિરમાં અપ્રત્યક્ષ છતાં અમુક અંશે પ્રત્યક્ષ હોવાનો અનુભવ થયો. અવાજ ત્રુટક ત્રુટક આવતો હોવા ઉપરાંત પિક્ચર પણ ધૂંધળા હતા. છતાં મહદ અંશે કલાકેક શિબિરમાં ભાગ લેવાનો મને હરખ છે. બની શકે કે આ રીતે કોન્ફરન્સમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો એ વાત જ સ્વયમ મોબાઈલને જ અરુચિકર અને એની ક્ષમતા કે સ્વભાવ વિરુદ્ધ ઓવર ટાઇમ કરવા જેવું કામ લાગ્યું 

હોય ! 


સંજયભાઈની પીઠ થાબડવી જ રહી. ભલા, આટલી ચર્ચાને એરણે પોતાની રચનાને ચડાવીને પણ આમ ઠરેલ રીતે રૂબરૂમાં શાંત ચિત્તે સામનો કરવાની છાતી કેટલા વાર્તાકારોની હશે?  યામિનીબહેનનું નેરેશન ફાંકડું રહ્યું. રાજુની મહેનત માટે તો મારા વતી પણ કોઈ એની પીઠ જરૂર થાબડશો જ. ભાગ લેનાર સહુ શિબીરાર્થી તો કરોડરજ્જુસમ છે. એમને તો ધન્યવાદ જ છે.

આમ યુ.કેનાં ગુણવંત ભાઈથી માંડીને સાઉથ મુંબઈના પરાગ જ્ઞાની સાથે વાર્તા વિષે વાત કરતાં કરતાં પોતાની વાત પૂરી કરતાં સંજયભાઈ કહ્યુંકે આ પ્રકારની બેઠકમાં વિવેચન ને બદલે રસદર્શન પર ભાર આપવું જોઈએ અને એ સુત્રધાર તરીકે રાજુની જવાબદારી છે. એમનું કહેવું હતું કે નવોદિતો માટે આ બહુ હેવી ડોઝ જેવો ટાસ્ક હતો. કાંતિભાઈએ આ બાબતે કહ્યું કે વિવેચનની આદતથી કદાચ એવું પણ બને કે નવોદિત લેખકોની મૌલિક વાર્તાઓ લખવાની સહજતા ઓછી થઈ જાય. તેઓ પોતાની જ વાર્તાને અત્યંત કડક નજરથી જોતાં થઈ જાય. તે સિવાય એમણે કહ્યુંકે  સર્જક અને વિવેચક આ બેવડી ભુમિકા ભજવવી મુશ્કિલ છે. આ પ્રક્રિયામાં સર્જક પર વિવેચક હાવી થઈ જાય છે અને એનું સર્જક તરીકેનું ઈનોસન્સ ભાંગી જાય છે. એનું લખવાનું જ સમુળગું બંધ થઈ જાય છે. 

પણ આ વાત સાથે સુત્રધાર તેમજ સંજયભાઈ બન્ને એ પોતાની અસહમતી દર્શાવી. સુત્રધારે કહ્યું કે વિવેચક ન લખી શકે તો એનાં ચોક્કસ કારણો હશે..

મીનાબેનએ પ્રશ્ન પૂછ્યો,'કે આ 'વિવેચન'નો ટાસ્ક આપવાનો હેતુ શું હતો?'

તો રાજુએ જવાબ આપ્યો કે આપણે આપણી કૃતિને એક લેવલ પર લઈ જવા માટે આલોકનાત્મક હોવું જોઈએ.કોઈ કૃતિ પર મોહી પડવું જોઇએ નહીં કે એનાથી અંજાઈ જવું ન જોઇએ. ભૂલો તો ગાંધીજી પણ કરી શકે..! ભારતીબેને આ વાત ઉપાડી લીધી અને કહ્યું કે બીજાની વાર્તા વાંચવાથી, અવલોકવાથી વાર્તાવિષયક સમજ વધુ ત્વરાથી અને તીવ્રતાથી વીકસે છે.વાર્તા એકંદરે કેવી લાગી, વાર્તા 'વાર્તા' જ છેકે પછી નહિં?, અંત છે કે નહિં?પાત્રાલેખન બરાબર થયું છે કે નહિં.. આ વિષ્લેશણ મારી વાર્તામાં હું ન કરી શકું. અને આ ટાસ્કમાંથી આ જ શીખવાનું છે.
 ---------------------------------------------------------------------------------------------
દરમિયાન ચા-નાશ્તાનો બ્રેક થયો.

બ્રેકમાં રાજુએ પોતાનાં ગુરુ સાથે ટેરેસ પર એક ખુણામાં અલગ બેઠક જમાવી અને બીજી તરફ અંદર બીના, યામિની પ્રિતી વગેરેએ સંજયભાઈ સાથે નાશ્તો કર્યો.(સાંભળ્યું છે કે એમણે સંજયભાઇને એટલા સવાલો પૂછ્યા કે એમને ખાવાનો સમય જ ન મળ્યો..!)

બ્રેક પછી સહુ પાછા પોતપોતાની જગ્યા પર ગોઠવાયા. (રાજુ માટે ફરી એક્સ્ટ્રા ચાય આવી- આખો જગ ભરીને..).
-----------------------------------------------------------------------------------------------------
આગળ આપણે જોયું કે વાર્તાના ગુણદોષ જોવાના એટલે કે વિવેચનવાળા ટાસ્ક વિષે વિસ્તૃત ચર્ચા થઈ અને પછી બ્રેક લેવાયો. બ્રેક પછી વાતનો અનુસંધાન સાધતાં રાજુ ફરી વાત ઉખેડી. 

સંજયભાઈનું મંતવ્ય હતું કે  ઉગતા લેખકો ને રસગ્રાહી વાંચનની સમજ આપવી જોઈએ, નહિ કે ગુણદોષ સકારણ આપો જેવો ટાસ્ક. કેમ કે દોષ ખોળવાની વૃત્તિને ઉત્તેજન આપવું એમાં ભયસ્થાન રહેલું છે કે પછી લેખક તર્કજાળમાં ફસાઈને,અટવાઈ ને એની નિર્દોષતા,સહજતા ખોઈ બેસે એની પૂરેપૂરી શક્યતા રહેલી છે. આમ બોલતા સંજયભાઈએ કાંતિભાઈ ને સંબોધતા કહ્યું કે “આ અંગે કાંતિભાઈ શું કહે છે તે જાણવું રસપ્રદ રહેશે કેમ કે એ સારા વાર્તાકાર પણ છે અને ઉત્તમ વિવેચક પણ છે. એમણે કાંતિભાઈને સવાલ પૂછ્યો કે “વિવેચન પ્રક્રિયાની આપના વાર્તાલેખનની પ્રવૃત્તિ પર કંઈ અસર પડી છે? ..? અને પડી છે તો કેવી..?“

કાંતિભાઈ એ પ્રત્યુત્તરમાં સંજયભાઈના ભય સાથે સહમત થતાં કહ્યું કે,”મારી વિવેચન કરવાની પ્રવૃત્તિથી ચોક્કસ પણે મારા વાર્તાલેખનને હાની પહોંચી છે, વધુ પડતી સભાનતા કશુંક  લખતાં રોકી દે છે..!”


'વારતાના ગુણદોષ સકારણ લખો' ટાસ્ક ટાસ્ક આપવા પર સંજયભાઈ અને કાંતિભાઈની ગંભીર પ્રતિક્રિયાઓ મળી. સુત્રધારે પોતાની જવાબદારી સ્વિકારી અને કહ્યું કે,'મારી ફરજ છે કે આવી ટાસ્ક મેં કેમ આપી  અને બન્ને મંતવ્યો પર મારી ભૂમિકા શું છે તે હું સ્પષ્ટ કરું "..

સૌ પ્રથમ  એમણે સંજયભાઈની વાત પર કહ્યુંકે વાર્તાનું માત્ર રસદર્શન થાય અને ગુણદોષની ચર્ચા કરવી જોઈએ વાત સાથે તેઓ સહમત નથી..એમણે કહ્યું કે "હું દ્રઢતાથી માનું છું કે દરેક સર્જક માં એક આલોચક હોય છે અને અને દરેક આલોચકમાં એક સર્જક. જો સર્જક આલોચનાત્મક દ્રષ્ટિકોણ નહી કેળવે તો તેની કૃતિમાં કચાશ રહી જશે અને માટે  દ્રષ્ટિ તેણે કેળવવી રહી.તેજ પ્રમાણે આલોચકમાં જો સર્જનના ગુણ નહિ હોય તો તે તેની આલોચનાને ન્યાય નહી આપી શકે.સર્જન અને આલોચન એક બીજાના વિરોધી નથી...પુરક છે."

તબક્કે સંજયભાઈ દરમિયાનગીરી કરી અને પૂછ્યું "માન્યું કે આલોચના જરૂરી છે,પણ તેનું પ્રમાણ ભાન..?”

સુત્રધારે કહ્યું "હા..તેનું પ્રમાણભાન જળવાવું જોઈએ, પણ પ્રમાણભાન યોગ્ય રીતે જાળવ્યા વગર ચાલી શકે એવું કોઈ પણ કામ નથી.. તો સામાન્ય શરત છે કે કોઈ પણ બાબતમાં પ્રમાણભાન ની કાળજી લેવી રહી.."

અને ત્યાર બાદ કાંતિભાઈની વાતનાં સંદર્ભે બોલતાં સુત્રધારે કહ્યું કે કાંતિભાઈએ વાતમાં સહમતી દર્શાવી કે વિવેચનની પ્રવૃત્તિથી એમના વાર્તાલેખન પર અવળી અસર પડી છે..પણ હું કાંતિભાઈની વાત સાથે સંપૂર્ણપણે અસહમત છું. હું આક્ષેપ કરું છું કે વાર્તા જો કાંતિભાઈએ લખી હોય તો તેનું કારણ વિવેચન પ્રવૃત્તિ નહી બલકે આળસ છે..!

આવા અણધાર્યા આક્ષેપ સામે કાંતિભાઈએ માત્ર સ્મિત કર્યું.. વાત સાથે સહમત હતા કે પછી વિવાદ વધારવા નહોતા ઈચ્છતા સમજાયું.

અહીં પીયુષભાઈએ કહ્યું કે સર્જનાત્મકતા પાણી જેવી હોય છે. એને તમારે વાળવું પડે. સર્જન ચાલુ રહે. વાર્તા નહિં તો નિબંધ, નિબંધ નહિં તો નાટક. મુ.શ્રી કાંતિભાઈનું વાર્તાઓ લખવાનું છુટી ગયું તો નાટક લખવાનું ચાલું થયું.

સુત્રધારે આગળ ઉમેર્યું કે "માત્ર કાંતિભાઈ  નહી બલકે સંજય પર પણ હું એજ આરોપ મુકીશ કે આળસને કારણે વાર્તા લખવાનું તેનું પણ ઓછું થયું છે.."

સંજયભાઈએ પણ વાત પર કોઈ પ્રતિક્રિયા આપી. પછી મુદ્દાનું સમાપન કરતાં સુત્રધારે કહ્યું કે આપણી સમક્ષ ત્રણ અભિપ્રાય છે કોઈ એક અભિપ્રાય સાચો છે એમ હું સોઈ ઝાટકી ને નથી કહી રહ્યો.. આપ સહુ આપની વિવેકબુદ્ધિને અનુસરી ને નક્કી કરજો કે કઈ વાત ને કેટલું મહત્વ આપવું..

------------------------------------------------------------------------------------------------------
પછી અહેવાલના પ્રિન્ટઆઉટની ફાઈલ ની વહેંચણી થઈ.


આ બેઠકમાં મુરબ્બી શ્રી કાંતિભાઈનાં જ્ઞાનનો લાભ મળ્યો એ સૌથી મોટી વાત.
કાંતિભાઈએ કહ્યું કે- જેવું આવડે એવું લખો, પણ લખો. લખવું જરુરી છે.
બાલીશ વાર્તાઓ લખતાં લખતાં આગળ વધીએ. શરુઆતમાં જો તમારું જ લખેલું તમને ન ગમે તો ફાડી નાખો તો પણ ચાલે. આ બેઠકોનાં પરિણામ સ્વરૂપે વર્ષે બે વર્ષે એક વાર્તા સંગ્રહ અચૂક આવવો જોઈએ.

અહિં ચર્ચાઓ થાય, ઉગ્ર પણ થાય. આવકાર્ય.. એવું ના હોવું જોઈએ કે ટીકાઓ ટાળતા થાઓ. અસ્વિકારતા થાઓ. આપણે આપણી રીતે વિચારવું.એવું ક્યારેય ના હોય ,ના થઈ શકે કે આની વાર્તા ના થઈ શકે,આમાંથી વાર્તા ન બની શકે.બસ, આવડત કેળવવાની જરુર છે.

'હેમિંગ્વે રાઈટિંગ વિશે શું માને છે?' -- ગુજરાતી ભાષનાં દરેક લેખકે, લેખક થવા માંગતી વ્યક્તિએ આ પુસ્તક ચોક્કસ વાંચવું જ જોઈએ. આ પુસ્તકમાં હેમિંગ્વે લખે છે કે મારી વાર્તા/નવલકથાનાં પાત્રો મારી આસપાસ જીવતાં પાત્રો છે. હું આંગળી ચીંધીને કહી શકું કે આ અમુકતમુક પાત્ર છે. આપણી આસપાસનું જગત જ આપણને વાર્તા આપે છે.
ત્યારબાદ 'વાર્તા રે વાર્તા'ફોરમનાં બ્લોગનું નેટાર્પણ મુ.શ્રી.કાંતિભાઈ પટેલનાં હસ્તે થયું. આ ઓર એક સરપ્રાઈઝ હતું..કાંતિભાઈ માટે પણ..એમને હાથે આમ બ્લોગ ખુલ્લો મુકાશે એનો એમને ખ્યાલ નહોતો.. 
કાંતિભાઈના હાથે બ્લોગનું નેટાર્પણ

સૌએ તાળીઓથી આ ખુશીનાં પ્રસંગને વધાવ્યો. અહેવાલના અંતે બ્લોગની લિન્ક આપવામાં આવી છે. કાંતિભાઈએ ફોરમને ખુબ ખુબ શુભેચ્છા આપી અને કહ્યું કે વાર્તાકળાની આ પ્રવૃત્તિ કરતાં રહો. શીખતાં શીખતાં એક સ્ટેજ એવો આવશે કે તમે 'સેફલી ડ્રાઈવ' કરતા થઈ જશો..ફોર્મ્યુલા વન રેસમાં ભાગ લેવા લાયક પણ થઈ જશો.. બાકી લર્નિંગ પ્રોસેસ તો ચાલતું રહેવાનું..આજીવન..! અને એમણે એક સુખદ વાત એ પણ કહી કે જ્યારે પણ આ ફોરમનાં લેખકો વાર્તાલેખનમાં સજ્જ થઈ જાય અને એમની વાર્તાઓનું પુસ્તક બહાર પાડવું હોય તો મને એ પુસ્તકનું સંપાદન કાર્ય તથા બીજી જવાબદારીઓ સંભાળવામાં ખુબ ખુશી થશે..એટલું જ નહીં આ શિબિરના વાર્તાસંગ્રહ માટે પ્રકાશક પણ હું લઇ આવીશ...!!

શ્રી કાંતિભાઈને એમનાં આ દિલ ખુશ કરી દેનારા પ્રસ્તાવ બદ્દલ ફોરમ અત્યંત આભારી છે અને આગોતરા આભાર પાઠવે છે.

ત્યાર બાદ કુસુમે નેહાની વાર્તાનું ખુબ સુંદર પઠન કર્યું. 
કુસુમ


અવાજનો થ્રો, સંવાદોમાં અને વર્ણનોમાં આવતા ભાવ  પલટા વખતે કુસુમનાં સ્વરમાં આવતો આરોહ અવરોહ કાબિલેદાદ હતો. કાંતિભાઈએ પણ પઠનનાં મનભરીને વખાણ કર્યાં.

નેહાની વાર્તા વિષે વાત કરીએતો મિશ્ર પ્રતિભાવ મળ્યાં. સંજયભાઈ એ કહ્યું કે મને એમ લાગ્યું જાણે પરિક્ષાથી પહેલાજ પેપર ફૂટી ગયું! શરુઆતમાં જે કવિતા આવી એનો જ સાર જાણે વાર્તામાં હતો એટલે વાર્તામાં નાવિન્યનો કોણ આવ્યો જ નહિં એવું લાગ્યું. એમણે કહ્યું કે શરુઆતમાં જે કાવ્ય આવ્યું એનાથી કશુંક વિપરિત આવ્યું હોત તો રસ જળવાઈ રહેત. આ તો વિચાર વિસ્તાર જેવું થઈ ગયું. કવિતા સાંભળીને જ મને ઓડકાર આવી ગયો. એટલે એ જ ભાવમાં ફરી રાચવું જચ્યું નહિં. કાંતિભાઈ એ પોતાનો મુદ્દો રાખતાં કહ્યું કે કવિતા વાંચીને, કવિતા સાથે વાર્તા લખી તો કાં તો લાસ્ટમાં કેરેક્ટર ક્લીયર થાય ત્યાં સુધી રસ જળવાઈ રહેવો જોઈએ એનાં બદલીમાં વાર્તા શરુ થઈ ને ઈંતેઝારી ખતમ થઈ ગઈ. કાં તો કવિતા આટલી સપાટ ન લીધી હોત અથવા તદ્દન જુદો કોણ ઉપસાવ્યો હોત તો મજા પડત. આતો કવિતાજ વાર્તામાં કન્વર્ટ થઈ એવું છે.

બાકીનાં સભ્યો એ પણ પોતપોતાનાં અભિપ્રાય આપ્યાં.
છાયા થોરાત 

બેઠકમાં મરાઠીભાષી છાયા થોરાતની સતત ત્રીજી અને ઉર્દુભાષી મુનિરા સુરતીની બીજીવારની હાજરીથી સહુ પ્રસન્ન હતાં. આ પણ બેઠકની સફળતાનો એક અંશ ગણી શકાય કે નહિં?ચોક્કસ ગણી શકાય. આ વખતે પીયુષભાઈ અને ભારતીબેન પંડ્યા તથા વર્ષા તન્ના આ ત્રણ નવા સભ્યો જોડાયા..ભારતીબેનની બેઠક વિષેની રાય તો જાણી પીયુષભાઈ પણ કામગીરીથી પણ કાફી ખુશ અને સંતુષ્ટ જણાયા.એમણે કહ્યું કે અહિં આવવાથી વાર્તા સમજવાની શક્તિ વધી છે. હવે વાર્તા સાથે વધુ સારી રીતે ઇન્ડલ્જ થવાશે.
મુનીરા સુરતી

ડૉ. ભારતીબેન પંડ્યા સુપ્રસિદ્ધ વ્યાક્રણાચાર્ય શ્રી કે.બી વ્યાસનાં પુત્રી છે.વ્યાસસાહેબની ઓળખ બીજી રીતે આપીએ તો  ધુરંધર સાહિત્યકાર ધીરુબેન પટેલ, લોકલાડીલા કવિશ્રી હરિન્દ્ર દવે અને સુરેશ દલાલ સરનાં તેઓશ્રી ગુરૂ. વ્યાસસાહેબનું ગુજરાતી ભાષાવિજ્ઞાનમાં અમૂલ્ય યોગદાન છે.મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં એમની માસ્ટરી હતી.એનો એમણે ઇતિહાસ પણ લખેલો.


ભારતી પંડ્યા 
 એમનાં પ્રકાશિત પુસ્તકોની યાદી ઘણી લાંબી છે. વસંત વિલાસ, ફાગુકાવ્ય, નિર્વાણવાસંતકી વગેરે.. ડૉ. ભારતીબેન પંડ્યા એમનાં તેજસ્વી પુત્રી. શ્રી ઈશ્વરલાલ દવેના  હાથ નીચે એમેણે પૃથ્વીચંદ્ર ચરિત્ર - ગુજરાતી સાહિત્યની ગદ્ય કૃતિ પર થીસીસ લખી છે. વર્ષો સુધી SNDT કોલેજમાં પ્રોફેસર હતાં.


અને પીયુષભાઈ છેલ્લા કેટલાક સમયથી વાર્તાઓ લખે છે. એમની વારતાઓ ગુજરાત મિત્ર થી માંડી ને નવનીત સમર્પણ જેવા સામયિક માં પ્રકાશિત થઇ ચુકી છે.

લેખિની ગૃપમાંથી ભારતીબેનની સાથે વર્ષા તન્ના પણ પહેલીવાર બેઠકમાં આવ્યા હતાં. વર્ષા ગૃહિણી છે. ઘર સંભાળવાની સાથે સાથે શબ્દોને પણ સલુકાઈપૂર્વક સંભાળે છે.
વર્ષા તન્ના 

 તેમનાં બે પુસ્તક પ્રકાશિત થયાં છે. એક કવિતાસંગ્રહ -'આવ જિંદગી'.. અને એક નિબંધ સંગ્રહ- 'મૌન મલ્કે, શબ્દો છલ્કે'.. અખંડઆનંદ અને દિવ્ય ભાસ્કરનાં તેઓ રેગ્યુલર લેખિકા છે.વર્ષા પાસેથી નિબંધલેખનની કળા વિષે જાણવું ગમશે અને  એમને શિબિર ગમી કે નહિં,કામગીરી કેવી લાગી એ જાણવું પણ ગમશે. શિબિર વધુ સુરેખ થઈ શકે એવા સૂચનો પણ આવકાર્ય.  

આ શિબિરમાં મારા મોમ એટલે કે પાર્વતી ભાનુશાલી પણ આવેલાં. સૌપ્રથમ બેઠક જે ફેબ્રુઆરીમાં મારા ઘરે થઈ હતી તેમાં પણ એમની હાજરી હતી. એમને આ શિબિરો ગમે છે. ટાસ્ક વગેરે તો નથી કરતાં પણ ફેસબુક પર બધું જ વાંચે, ક્યારેક કમેંટ પણ કરે. અમારી વચ્ચે ઘણીવાર ટાસ્ક વિષયક વાતો થતી હોય.

મુનિરાએ પોતાનાં અનુભવ શેર કર્યાં કે કઈ રીતે તેઓ પોતાની વાર્તાઓમાં પાત્રાલેખન માટે,વર્ણનો માટે પોતાની આસપાસ બનતાં બનાવો,રોજે રોજ સંપર્કમાં આવતા લોકોનું નિરીક્ષણ કરીને લેખનમાં લાવે છે. તેમને ત્યાં આવતાં ધોબી, મોચી, જુમ્માના દિવસે આવતો ફકીર આ બધાં એમની વાર્તાનાં પાત્રો બને છે. ફકીર કેવી રીતે ચાલે છે,કેવી રીતે બોલે છે..ધોબીની કપડાંની ગઠરી ઉઠાવવાની સ્ટાઈલ, સાઈકલ ચલાવવાની સ્ટાઈલ આ બધું એ નીરીક્ષણ કરતાં રહે છે અને જમા કરતાં રહે છે. આ એક્સરસાઈઝથી નિરીક્ષણ શક્તિ દિવસે દિવસે વિકસતી જાય અને લેખનમાં નિખાર આવતો જાય.

નવા સભ્યો જેમણે સંજયભાઈની 'એક ડ્રાઈવરને એવી ટેવ' નહોતી વાંચી એમના માટે યામિનીએ વાર્તાનું અત્યંત સુંદર સીનોપ્સીસ નેરેશન  કર્યું.

બેઠક પૂરી થવામાં હતી. છેલ્લી છેલ્લી વાતો દરમિયાન સંજયભાઈએ એક સરસ આઈડીયા આપ્યો. એમણે કહ્યું કે આપણે એક બોક્સ  રાખવો અને થોડીક કાગળની કાપલીઓ કાપીને તૈયાર કરી રાખવી. જ્યારે કોઈ નવો વિચાર સુજે, કોઈ સરસ વાક્ય અવતરે ચબરખી પર લખીને બોક્ષમાં નાખી દો. આ રીતે વિચાર સરી નહિં જાય. મોબાઈલમાં પણ આજ રીતે સેવ કરી શકાય. ગુલઝાર રોજ ૫૦૦ શબ્દો લખતાં. કમ્પલ્સરી.આને કહેવાય રિયાઝ. અને રિયાઝ કરવો ખુબ જરુરી છે.વાર્તાકાર હરિષ નાગ્રેચાનું ઉદાહરણ આપતાં એમણે કહ્યુંકે હરિષભાઈ એક નોટબુક રાખતાં.જે કોઈ નવો વિચાર કે મુદ્દો સુજે એક પાના પર લખીને પછી એ આખું પાનું કોરું છોડી દેતાં. બીજા પાને બીજો મુદ્દો, અને પછી એનો વિસ્તાર કરતાં. 


આ વાત મને એક શિબિરર્થી અને નવોદિત લેખક  તરીકે ખુબ ઇન્ટરેસ્ટીંગ લાગી. મારી સાથે આવું ઘણીવાર બનતું હોય છે. કશુંક નવું સ્ફૂરે, કામમાં હોઉં ત્યારે એમ થાય પછી નોંધી લઈશ.. પણ એ 'પછી' એ યાદ કરવા ધારો તો યાદ ન આવે.. સરી ગયું હોય..! હું આ આઈડીયા ચોક્કસ અજમાવીશ.  
રાજુએ કાંતિભાઈ અને સંજયભાઈનો આભાર માનતાં કહ્યું કે એમણે નહોતું ધાર્યું કે તેઓ બેઠકમાં આટલો બધો સમય આપશે.આટલું બધું બોલશે.માર્ગદર્શન આપશે. પોતાનાં વ્યુ શેર કરશે. રાજુએ હસતાં હસતાં પોતાની સ્ટાઈલમાં જરાય ફરિયાદનો સૂર ઉમેર્યા વગર એ પણ કહી દીધું કે આ બધા કાર્ય/ચર્ચા દરમિયાન એમનાં ઘણાં કામ રહી ગયાં એ વાત પર એમને જરાય ફરિયાદ નથી!

મીનાબેનએ સુત્રધાર ને ગઈ બેઠકમાં સોંપાયેલા સુસાઈડ નોટ લખવાના ટાસ્ક ની યાદ અપાવી. જે સુત્રધાર લાવ્યા નહોતાં..! એમણે જલ્દી જ સબમીટ કરવાની બાહેંધારી આપી છે.

સંજયભાઈએ જતાં જતાં એક સરસ સુઝાવ આપ્યો કે બેઠકમાં એક કાર્ય એવું પણ હોવું જોઈએ કે રાજુ પોતાને ખુબ ગમેલી કોઈ એક વાર્તાનું રસદર્શન કરાવે.પછી એના પર ચર્ચા થાય.તમે મંદિરમાં આવો અને આરતી ના કરો એ કેમ ચાલે? આ બધી એક્સરસાઈઝ પછી તમે જે મેળવો એ તમારો પ્રસાદ.. આ વાત સાથે સુત્રધાર સહિત બધાં જ સહમત થયાં.

છેલ્લે  યાદગીરી સ્વરૂપે ગૃપ ફોટો લેવાયો અને સૌ બેઠકનો સ્વાદ મમળાવતાં મમળાવતાં છૂટ્ટા પડ્યા.

અમે પણ નીચે ઉતર્યાં.. લગભગ બધાંજ નીકળી ગયા એ પછી પણ અમારી બેઠક ચાલતી રહી. હું, યામિની, પ્રિતી, નેહા રાજુ, કુસુમ અને મારાં મોમ ગેટ પર લગભગ અડધો પોણો કલાક વાતો કરતાં ઉભા રહ્યા.. છૂટ્ટા પડવાનું મન તો નહોતું થતું પણ આખરે ક-મને છૂટ્ટા પડ્વું પડ્યું.

અસ્તુ.


~~ રાજુલ ભાનુશાલી (વાર્તા રે વાર્તા ટીમ)



12 comments :

  1. રાજુલ તારા અહેવાલ પર ફિદા. હાજર ના રહી શકનાર માટે એક આશીર્વાદ. કાબિલેદાદ. સલામ.

    ReplyDelete
  2. Mast mast ahevaal
    Badha j point ne barikai thi lakhya chhe. Saru lakhva mate rojindi ghatna o ne observe karvani adat ne kelvavi pade ... vicharo aave etle teni nodh rakhvani adat
    ... jeni olkhan na hoy teni olkhan pan etli Saras rite aapi chhe k evu j lage k aapne to jaanie chhiye. Khub n Saras Ahevaal Rajulji

    ReplyDelete
  3. રાજુલ તારો આ અહેવાલ વાંચીને બેઠકમાં જે પામેલા તે રીવાઇઝ થઈ ગયું. શિબિરની એક ક્ષણ પણ તારા અહેવાલમાંથી છટકી શકી નથી.

    ReplyDelete
  4. આ અહેવાલ વાંચીને ખરેખર માનવામાં નથી આવતું કે માત્ર ૬ કલાક માં આટલું બધું બન્યું? શિબિર માં હાજર રહેવા છતાં કેટલીક બાબતો પર ત્યારે ધ્યાન ના અપાયું હોય, એ અહેવાલ વાંચી ને ધ્યાન પર આવે છે. રાજુલ, અભિનંદન અને અભાર....અમારું વિસરાયેલું ફરી યાદ કરાવી આપવા બદલ...:)

    ReplyDelete
  5. 'અદ્‍ભુત અહેવાલ.. અહેવાલ હોવા છતાં ભાર વગરનો.. રસાળ શૈલી.. જીવંત..શબ્દ-ચિત્ર.. અભિનંદન અહેવાલ સર્જક રાજુલ.

    ReplyDelete
  6. સુંદર અહેવાલ જાણે જીવંત પ્રસારણ ...અભાર રાજુલ બેઠકમાં ફરી લટાર મરાવી........

    ReplyDelete
  7. શિબિર વિષે અક્ષરસહ લખવું, ને સાથોસાથ માણવું અને શીખવું..,રાજુલ આ બધું જ અને પાછું આટલી ચોકસાઈ-પૂર્વક કેમનું કરતા હશે? નખશિખ સરાહનીય અહેવાલ.વાહ વાહ અને વાહ!

    ReplyDelete
  8. પરાગ,
    કાં ગમતું કામ કરો... કાં કામને ગમતું કરો... એ સૌથી પહેલી મૂળભૂત શરત સારા પરિણામ મેળવવા માટેની.. અહિ બંને વાત લાગુ પડે છે.. હું જે કામ કરું એને ગમતું કરી લેવાની મને આદત છે.. અને છોગામાં અહિયાં તો ગમતું કામ છે.. એટલે થઇ રહે..

    નેહાએ fb પર કૈક આવોજ સવાલ પૂછ્યો હતો... ત્યાં મેં આ જવાબમાં આ વાત કરી..

    આભાર સહુ મિત્રોનો.. :) :)

    ReplyDelete
  9. saras- sameera

    ReplyDelete
  10. સૌ પ્રથમ, રાજુલ તમારો અહેવાલ ખુબ જ ગમ્યો. ઘણું જાણવા મળ્યુ, થોડી મુંજવણ હતી તે સુત્રધાર ના માર્ગદર્શન થી દુર થઇ. એકંદરે અંધારામાં હવાતિયા મારવા કરતા, માર્ગદર્શન રૂપી રોશની ના સહારે આગળ વધવું હિતાવહ લાગ્યું અને આ અહેવાલ શિબિર નો, સુત્રધાર ના સૂચનો, મિત્રો ની ક્રિયા-પ્રતિક્રિયા, આ બધું પ્રત્યેક્ષ નહિ તો પરોક્ષ રીતે ચોક્કસ માર્ગદર્શન પૂરું પાડે છે.
    ટાસ્ક વિશે ની ચર્ચા વાચી, મુ. શ્રી કાંતિભાઈ પટેલે, સંજયભાઈ અને સુત્રધાર ના મંતવ્યો જાણ્યા. મારો અભિપ્રય એક ટુકી વાર્તા થકી દર્શાવવા પ્રયત્ન કરું છુ.
    કાર્લોસ નામ ના એક મહાન ચિત્રકાર હતા. તેમની ચિત્રકળા અદભૂત હતી, તેમના દ્વારા બનાવેલ પ્રતિકૃતિ આબેહુ અને જીવંત લાગતી. પ્રકૃતિક સૌંદર્ય પ્રત્યે તેમને ખુબ લગાવ. આખી જીંદગી ના અનુભવ નો નીચોડ કાઢી, દિવસ-રાતના અથાગ મહેનત ના અંતે તેમને પ્રકૃતિક સૌંદર્ય ને કંદોરતી એક છબી બનાવી. ચિત્ર ખુબ જ સરસ બન્યું હતું, લાજવાબ હતું. તેમને આ ચિત્ર પર લોકો નો પ્રતિભાવ જાણવાનો વિચાર સુઝ્યો. તેમને પોતાની આ કલાકૃતિ નગર ની વચ્ચોવચ ચોરાહા પર મુકાવ્યું અને નગરજનો ને તેના પર પ્રતિક્રિયા દર્શાવવા આગ્રહ કર્યો. તેમને કલાકૃતિ માં જ્યાં કોઈ ભૂલ અથવા ખામી દર્શાતી હોઈ ત્યાં નિશાન કરવા ભલામણ કરી. બીજા દિવસે લોકો ના પ્રતિભાવ જાણવા માટે તેઓ પોતાની કલાકૃતિ નિહાળવા ત્યાં જઈ ચઢ્યા તો છબી જોઈ તેમના આશ્ચર્ય નો પાર ના હતો. આખી છબી નિશાનીઓથી ભરેલી હતી, કોઈને ઝાડ માં દોષ દેખાયો તો કોઈ ને પાણી માં, કોઈને સૂર્ય ની કિરણો માં દોષ દેખાયો તો કોઈને ઉડતા પક્ષીઓ ની છબી માં. તેઓ લોકોના પ્રતિભાવ થી ખુબ જ નિરાશ થઈ ગયા, શું આ છબી એટલી ખરાબ છે? આમાં કઈ જ સારું નથી? તેમનો આત્મવિશ્વાસ ડગી ચુક્યો હતો. તેવામાં તેમના જૂના મિત્રનું તેમને મળવા આવવાનું થયું. કાર્લોસ ની અવદશા થી ચિંતિત તેમને આખી ઘટના ની ભાળ મેળવી. પોતાના મિત્રને આ મનોવ્યથા માંથી ઉગારવા તેમને એક ઉપાય સુઝ્યો. તેમને કાર્લોસ ને એકદમ આબેહુ બીજું ચિત્ર બનાવવા રાજી કર્યા. કાર્લોસે ફરી એકવાર એવુ જ અદભુત ચિત્ર બનાવ્યું, તેમના મિત્ર એ ફરી થી આ કલાકૃતિ નગર ની વચ્ચોવચ એજ ચોરાહા પર મુકાવ્યું અને નગરજનો ને તેના પર પ્રતિક્રિયા દર્શાવવા આગ્રહ કર્યો, સાથે સાથે કહ્યું કે જ્યાં ખામી અથવા ભૂલ દેખાઈ ત્યાં સુધારો કરવો. ચિત્ર પાસેજ તેમને બધી સામગ્રી પણ મુકાવડાવી જેમ કે પીછી રંગ વગેરે વગેરે.
    બે દિવસ, ચાર દિવસ, અઠવાડિયું પખવાડિયું વીતી ગયું પરંતુ કોઈ જ સુધારો કોઈ દર્શાવી ના શક્યું. ફરીથી કાર્લોસ આશ્ચર્ય ચકિત થઇ ગયો, તે લોકો ના વર્તનને સમજી ના શક્યો.
    કાર્લોસ જેવી જ મનોદશા ઘણી વખત મારી થતી હોય છે કદાચ આપના સમુદાય માં બીજા પણ આવું જ કંઈક અનુભવ કરતા હશે. મારો કહેવાનો તાત્પર્ય, સંજયભાઈ ની ઢબે કહું તો, આલોચના જરૂરી છે, પણ તેનું પ્રમાણ ભાન હોવું એનાથી પણ વધુ જરૂરી અને મહત્વ નું છે.

    ReplyDelete
  11. wahh rajul awsome.lagyu j nathi k m bethak miss kari hoy.ek ek vat ane ek ek shabd ne pakdi pakdi ne rakhela evu lage che.koi shabd k vat rahi gay hoy evu nat lagtu.fakat etlu lagyu k nasta ane maja ni palo manva na mali...

    ReplyDelete