Monday 21 September 2015

વાર્તા સર્જન અંગે થોડુક ~~ શ્રી મહેશ યાજ્ઞિક.

વાર્તા સર્જન અંગે થોડુક -- લોકપ્રિય નવલકથાકાર શ્રી મહેશ યાજ્ઞિક્નાં વિચારો..


વાચકને આપણી વાતમાં જકડી રાખવા માટેની અમુક સરળ ટેકનીક છે. ધારો કે આપણે કોઈ ‘નગીન’ નામના પાત્રની વાર્તા લખી રહ્યા છીએ. તો એ નગીન કોણ છે ? કેટલાં વર્ષનો છે ? એનો દેખાવ કેવો છે ? એની આર્થિક સ્થિતિ કેવી છે ? આ બધી માહિતી વાચકને શરૂઆતથી જ મળી જાય તો એ નગીનને સારી રીતે ઓળખશે અને એથી એને નગીનની વાતમાં રસ પડશે. અત્યંત ટૂંકમાં છતાં નગીનનું આખું પાત્ર કઈ રીતે ઉપસાવશો ? 

જુઓ, ઉદાહરણ…
“બસસ્ટોપ પર ઊભેલા નગીને ચંપલની તૂટેલી પટ્ટી સંધાવવા માટે નજર ફેરવી પણ આજે મોચી દેખાયો નહીં. પાંત્રીસ વર્ષની ઉંમરે અર્ધા ધોળા થઈ ગયેલા વાળને એણે હાથની આંગળીઓથી વ્યવસ્થિત કર્યા. આજે મોડો ઉઠ્યો એટલે શાક-ભાખરી બનાવવાનો સમય નહોતો રહ્યો. ના છૂટકે ઑફિસની કેન્ટિનમાં જમવું પડશે….” 


આ એક ફકરો વાંચીને વાચકને જોઈતી તમામ માહિતી મળી જશે. પાંત્રીસ વર્ષનો નગીન વાંઢો છે. કોઈ ઑફિસમાં નોકરી કરે છે અને પોતાના દેખાવ માટે એ જરાય સભાન નથી. તૂટેલા ચંપલ પહેરીને પણ ઑફિસે જવાની એનામાં નૈતિક હિંમત છે. બીજા અપટુડેટ કર્મચારીઓ એના વિશે શું કહેશે એની એને પરવા નથી… વાચકના અજ્ઞાત મગજને આટલો સંદેશો મળી જાય એ પછી વાર્તાકાર તરીકે તમારું કામ સરળ બનશે. નગીન આગળ જે કંઈ કરશે એ બધામાં એને વાચકની સહાનુભૂતિ મળશે. સીધા સાદા વર્ણનને બદલે બે પાત્રના સંવાદ દ્વારા પણ વાર્તાના નાયકનો પરિચય પરોક્ષ રીતે વાચકને આપી શકાય. ટેલિફોન કે મોબાઈલ દ્વારા વાતચીત થતી હોય એના આધારે પણ વાચકની નજર સમક્ષ કથાનાયકનું ચિત્ર ઉપસાવી શકાય. આવી અનેક ટેકનીક શક્ય છે. તમારી વાર્તાના પાત્રનો પરોક્ષ રીતે કે પ્રત્યક્ષ રીતે પરિચય આપી દીધા પછી રહસ્ય અને રોમાંચ દ્વારા વાચકને જકડી રાખવાનું કામ વિશેષ આવડત માગી લે છે. રહસ્ય એટલે ખૂન. હત્યા કે ધાડ નહીં પણ નાની નાની વાતમાં પણ વાચકના મનમાં હવે શું થશે ? એ ઉત્તેજના-જિજ્ઞાસા જન્માવી શકો તો સફળતા તમારી મુઠ્ઠીમાં છે.

ઉદાહરણ તરીકે આપણા નગીનની જ વાત આગળ વધારીએ…. 

“બસસ્ટોપ પર બસ આવે. નગીન બસમાં ઘૂસે. લગભગ આખી બસ ભરેલી છે. સત્યાવીસેક વર્ષની એક રૂપાળી યુવતીની બાજુની સીટ ખાલી છે. નગીન ત્યાં પહોંચે છે… પછી ?” પછીની વાર્તા તમારે આવી જ રીતે આગળ વધારતા રહેવાની છે. જો નગીનની જગ્યાએ તમારી જાતને ગોઠવીને આગળ વિચારશો તો લખવાની વધુ મજા આવશે. પરકાયા પ્રવેશની કળા લેખકને આવડવી જોઈએ. કંટકટર ટિકિટ માટે નગીન પાસે આવે. નગીન ખિસ્સામાં હાથ નાખે અને પાકીટ ભૂલી ગયો હોય એવું પણ વિચારી શકાય. આ દશા સર્જાય એ પછી તમારે નગીન મટીને પેલી યુવતી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડે. આ પ્રસંગે એ યુવતી શું કરે ? આ બેવકૂફ મારી જોડે ક્યાં બેઠો ? એવું વિચારીને ઉપહાસથી નગીન સામે જુએ કે પછી પર્સ કાઢીને નગીનની ટિકિટ લેવાની સહાનુભૂતિ દાખવે ? એ શું કરશે એ તમારે નક્કી કરવાનું છે. ટૂંકમાં, વાર્તાના વાચકને સાથે રાખવા માટે તમારી વાર્તામાં કંઈક એવું તત્વ હોવું જોઈએ કે જેને લીધે એને આગળ વાંચવાની ઈચ્છા થાય.

મિત્રો, આંકડાશાસ્ત્ર સાથે બી.કોમમાં ગુજરાત યુનિવર્સિટીમાં નંબર મેળવેલો અને કવિતા લખવાથી શરૂઆત કરેલી. પછી નામ અને દામ માટે વાર્તા અને નવલકથા તરફ વળી ગયો. નાનપણથી જ વાચનનો ભયાનક શોખ અને નિરીક્ષણ (ઑબ્ઝર્વેશન)ની આદતને લીધે વાર્તા-નવલકથા લખવામાં સરળતા રહે છે. કોઈ વિદ્વાન કે ભાષાશાસ્ત્રીની મારી હેસિયત નથી. તમને બધાને આ જે સલાહ-સૂચન આપ્યા એ મારી અંગત સમજણને આધારે આપેલા છે. હમેશાં વાચકને નજર સમક્ષ રાખીને લખવાની મારી આદત છે એટલે મારા અનુભવના આધારે પેટછૂટી વાત કહી.
~~ મહેશ યાજ્ઞિક.                                

5 comments :