Tuesday 13 October 2015

તૃપ્તિ ~~ રાજુલ ભાનુશાલી

મુંબઈથી દર મહિને પ્રકાશિત થતા સામાયિક શબ્દસેતુનાં સપ્ટેમ્બરનાં અંકમાં આવેલી રાજુલની લઘુકથા ‘તૃપ્તિ’…
                                                       


                                                           ~~ તૃપ્તિ ~~
અડધી રાત સુધી પથારીમાં પડખા ઘસ્યાં પછી પણ રામજીને ઊંઘ આવતી નહોતી.
અંધારું ફંફોસતો એ માટલા પાસે આવ્યો, કળશ્યો ભર્યો અને ગટક ગટક કરતો ગળા નીચે ઉતારી ગયો.
‘કાં આજે ઊંઘ નથ આવતી? રોજ તો હુતા ભેગી હવાર પડે તમારી!’, લખમીએ ઊંઘરેટાં અવાજે પૂછ્યું.
“હા, શેઠને ન્યાં આજે બવ ખવાઈ જ્યું, શેઠાણી થાળી ભરીને આઈટેમું આપી જ્યાં’તાં તે તરસ જતી જ નથ,” એ બોલ્યો.

લખમીએ પતિના મુખ પર એક વહાલભરી નજર નાખી અને પડખું ફરીને સુઈ ગઈ.
એ પડખું ફરી ગઈ એટલે રામજીએ હળવેકથી સ્ટવની પાસે રાખેલા વાડકા પરથી છીબલું હટાવીને આંખો ખેંચીખેંચી જોવા પ્રયત્ન કર્યો કે ક્યાંક બુંદીની લાડુડીઓ પર કીડીઓ તો નથી ચઢી ગઈને?
ક્યાંથી ચઢે, લખમીએ નીચે
પાણી ભરેલી અડારી રાખી મૂકી હતી.!
એણે રાહતનો શ્વાસ લીધો.
આઠ દિવસના કામે આવવા જવાનાં બસભાડા માટેનાં અલગ રાખેલા પૈસામાંથી બુંદી ખરીદી હતી અને લખમીને કહ્યું હતું કે શેઠના ઘરે જમવા બેઠો ત્યારે લાલિયા માટે ગપચપ ખિસ્સામાં સરકાવી લીધેલી!
પણ શેઠને ત્યાં તો આખો દિવસ ઢસરડા કરાવ્યા પછી પાણી નોય વિવેક કર્યા વગર રજા આપી દેવામાં આવી હતી.
“સવારના જયારે એ દીકરાને ખુબ ભાવતી બુંદીનો વાડકો ધરશે ત્યારે એની આંખો કેવી ચમકી ઉઠશે” એ કલ્પના કરતો એ બેફીકર ઊંઘી રહેલા દીકરા પાસે આવ્યો..
એના માથે સ્નેહથી હાથ ફેરવ્યો… સંતોષનો લાંબો ઓડકાર ખાધો અને પાછો પોતાની જગ્યાએ આવી શાંતિથી સુઈ ગયો.
~~ રાજુલ ભાનુશાલી 


No comments :

Post a Comment