Tuesday 13 October 2015

જુલાઈ ટાસ્ક વિશે યામિની, મીનાબેન અને રાજુલની કેફિયત..

જુલાઈ મહિનાનાં ટાસ્કનાં ઉત્તરો ફોરમમાં રજુ થઈ ગયા પછી (હજુ કયો ઉત્તર કોનો છે એ જાન કરવામાં આવી નહોતી એ પહેલા) રાજુલ અને યામિનીએ પોતપોતાની વાત પોસ્ટ દ્વારા ફોરમમાં મુકી.


યામિની:



વાર્તા રે વાર્તા ગ્રૂપમાં તો હું ઘણા સમયથી જોડાઈ હતી પણ ટાસ્ક આ જુલાઈમાં પહેલી વાર કર્યા. જેના લીધે મેં ટાસ્કનાં બધાં સભ્યોએ લખેલ ઉત્તરો અને એની પ્રતિક્રિયાઓ એકદમ ધ્યાનથી વાંચ્યા. આમ કરવાથી મને ઘણું શીખવા મળ્યું અને હું જે કંઈ શીખી કે મને જે કંઈ પણ લાગ્યું એની મેં નોંધ બનાવી. એ નોંધ આપ સૌની સાથે શેર કરું છું.
૧) આપવામાં આવેલ વિષયને બરાબર સમજવો બહુ જ જરૂરી છે. એ સાથે જ વિષયાંતર ના થાય એ પણ જોવું જોઈએ.
૨) ભાષાશુદ્ધિ પર ધ્યાન આપવું બહુ જરૂરી છે. 
૩) વિષયવસ્તુનું નાવીન્ય હોય અને એમાં ય જો અસામાન્ય વિષય હોય તો કૃતિને ચાર ચાંદ લાગી જાય.
૪) અનપેક્ષિત વળાંક કૃતિને ચોટદાર, ચમત્કૃતિસભર બનાવે છે.
૫) ટૂંકી વાર્તા સ્વરૂપમાં બિનજરૂરી માહિતી, ઉપદેશ અને સલાહથી દૂર રહી શકાય તો ઉત્તમ.
૬) સત્ય ઘટના પર આધારિત કૃતિમાં વિગતો તપાસી લેવી જોઈએ. તેમ જ એ ઘટનાના કોઈ જગજાહેર ના હોય એવા કોઈ અનપેક્ષિત એન્ગલને સ્પર્શી શકાય તો કૃતિ વધારે સારી બની શકે. 
૭) વાર્તાની લંબાઈ કેટલી હોવી જોઈએ? ના જરૂરતથી વધારે લાંબી કે ના વાચકને સંતોષ ના આપી શકે એટલી ટૂંકી.
૮) વાર્તા વાર્તા ના રહેતા ઘટના કથન, રિપોર્ટ કે માહિતીસભર લેખ ના બની જાય એનું ધ્યાન રાખવું જોઈએ.
૯) રૂપક, વર્ણન વાર્તાના આભૂષણ છે. એમાં ય જ્યારે શબ્દોને નવી જ પરિભાષા મળે તો એ અવિસ્મરણીય બની જાય. દા.ત. અંધારાંના ચોસલાં, ઉજાસ વાંચવો વિ.
૧૦) વાર્તા ક્યાંથી શરુ કરવી અને ક્યાં પૂરી કરવી એ એક કળા છે.
૧૧) સંઘર્ષ વાર્તાનું એક અવિભાજ્ય અંગ છે. 
૧૨) કથા બીજ એ વાર્તાનો આત્મા, સંવેદન એનું હૃદય, સંઘર્ષ એના શ્વાસોચ્છ્વાસ અને ચમત્કૃતિ વાર્તાનું ચાલક બળ છે.
૧૩) લેખકને પ્રતિક્રિયા આપવી બહુ જરૂરી છે. આપણે અહીં એટલા માટે જ ભેગાં થયા છીએ જેથી સાથે મળીને ટિપ્પણીઓ દ્વારા શીખી શકીએ. પછી ભલે ને એ અંગુલીનિર્દેશ હોય કે ચીરફાડ. આ બધું જ આપણને કંઈક શિખવાડશે અને એ જ આ ગ્રૂપનું ધ્યેય છે. કોઈ શક?
મારી આ નોટ્સ પર પણ પ્રતિક્રિયાઓ આવકાર્ય છે. અને મારી બધાં ગ્રૂપ મેમ્બર્સને વિનંતી કે આપ પણ આપને આ ટાસ્કમાંથી કંઈ શીખવા મળ્યું હોય, કંઈ એવું કહેવા જેવું લાગે, કે કંઈ અનુભવ્યું હોય તો જરૂરથી એમાં અહીં બીજાને પણ સહભાગી કરશો.
આભાર.
--------------------------------------------------------------------------------------------
રાજુલ:
ફોરમનાં સહયાત્રી મિત્રો..

જાન્યુઆરીમાં જ્યારે આ બેઠકો શરુ થઈ ત્યારથી લઈ આજ સુધીની ફોરમની-- ફોરમ સાથેની મારી-- સફર ખુબ જ સરસ અને રસપ્રદ રહી.
ટાસ્ક/બેઠકો/ચર્ચાઓ/દલીલો -- કેટલું બધું!!
ઉત્તરોત્તર ફોરમનો વિકાસ થતો ગયો.. અને સાથે સાથે સભ્યોનો..
અહિં સુત્રધારે કાન ખેંચી ખેંચીને કૃતિને (અન્ય સર્જકની/પોતાની) વાંચતા શીખવ્યું. કે સર્જન અને સર્જક માટે એક અત્યંત મહત્વનો ગાંઠે બાંધવા જેવો ગુણ છે. ત્યારબાદ " કમેંટતા ". આ કમેંટવુ એટલે ફક્ત વખાણ નહિંજ..બધાંજ પાસાઓની વિસ્તૃત છણાવટ. કશું ગમ્યું તો શા માટે ગમ્યું થી લઈને ના ગમ્યું તો શામાટે ના ગમ્યું..આને કારણે અમુક મિત્રો સાથે પંગા થયા, મિત્રોને કમેંટથી ખોટું/સાચું/માઠું લાગ્યું, અહિં સુધી કે એના વિશે સ્ટેટસ પણ અપડેટ થયાં! પણ એ જવા દઈએ. જુલાઈ માસનાં ટાસ્ક વિશે વાત કરીએ. જુલાઈ માસનાં ટાસ્ક વિશે જે તે 'સ્ટેશન'નાં જવાબની પોસ્ટ પર અને ત્યારબાદ આજે યામિનીએ આજે મુકેલી પોતાની નોંધમાં લગભગ ઘણખરી બાબતો આવરી લીધી છે. છતાં અમુક વાત મને પણ કહેવાનું મન થયું. તે શૅર કરું છું.
જે જવાબો આવ્યાં એમાં સ્ત્રીમિત્રોઓની સંખ્યા વધારે છે અને એથી કદાચ 'ઘરેલુ' (ડોમેસ્ટિક) વિષયો વધુ વાંચવા મળ્યા. ઘરેલુ, કે સ્ત્રીની સમસ્યાઓ, એની લાગણીશીલતા આ બધાં શાશ્વત વિષયો છે. એ ક્યારેય વાસી કે પછી જુના નહિં થાય. દરેક વાચકને પોતીકાં લાગશે, સ્પર્શશે. પણ..... જ્યારે આપણે આવી પારંપારિક કથાવસ્તુ લઈએ ત્યારે એને તાજગી આપવા થોડાંક એક્ષ્ટ્રા પ્રયત્નો કરવા પડે જેથી રજુઆતની એ નાવિન્યતાથી કૃતિ વાચકને ગમે. આ રજુઆતમાં તાજગી જોવા મળી મીરાં રોડ સ્ટેશનના ઉત્તરમાં. ટાસ્કમાં ગૃહિણીની ગાથા તથા વ્યથા છે પણ સ્યુસાઈડ નોટમાં "ગોળકેરીની રેસીપી, નદીમાં ધુબાકા મારી નહાવા પડજો, દીવાવાળો પડિયો કેવો ડોલે!, પોખરા / માનસરોવર જાતે તપાસવું છે કે કોનું પાણી વધારે નિર્મળ છે.." આ બધા અને આવા કલ્પનો વાક્યાંશો ખુબ મનનીય થયા છે.. જે એક સામાન્ય વિષયને તાજગી આપે છે. વાર્તામાં "એમણે પહેલાં દીવાલ પર ઘડિયાળમાં જોયું અને પછી ટેબલ પરના ચાના કપ સામે. મારા મોઢામાંથી માફી માંગતા સોરી નીકળી પડ્યું" જેવા વાક્યો કશું ના કહીને પણ ઘણુ કહી જાય છે. સર્જકે પાત્રનાં મુખમાં એક્કેય સંવાદ નથી મુક્યો, નાયિકાને 'એ' કશું જ કહેતાં નથી પણ તોય ઘણું બધું ઇંગિત થાય છે. પણ કાશ વાર્તામાં આગળ થોડાંક વધારે ભાવ/ઈમોશન્સ ઉમેર્યા હોત! આ સભ્યનાં જવાબમાંઆલેખન સુંદર હોવા છતાં વાત રસ નથી જન્માવતી કારણકે એ જાણેલી લાગે છે.
દાદર સ્ટેશન ના ટાસ્કનાં જવાબ- સ્યુસાઈડ નોટ સફળ - આ નોટ વાંચીને સામેવાળો મરવાનું પડતું મૂકીને ભાગી જ જાય! પણ આમાં સાહિત્ય તત્વ ક્યાં?? શા માટે ટાસ્ક આપવામાં આવેલો? શું આવો સાહિત્યિક દ્રષ્ટિએ સાવ શુષ્ક પત્ર આવકાર્ય હોવો જોઈએ? આજ સ્ટેશનની વાર્તા -- "ગુલાબ ના ફૂલ ને હાથ ફેરવતો ત્યારે એવો લાલ થઇ જતો જાણે અજાણતા કોઈક કુવારી છોકરીને સ્પર્શ ગયું હોઈ" જેવા મનોરમ્ય વાક્યથી શરુ થઈ.. પણ પછી નિરાશાજનક રહી. વાર્તા બની જ નહિં! પરાગે સાચું કહ્યું વાર્તા સમજાઈ નહિ. વિચારો છૂટાછવાયા ભેગા વઘાર્યા હોય એવું લાગ્યું.. અને હા-- જોડણી ભુલો અને વાક્યરચનાની કચાશ ખુબ ખટકી.
ગોરેગાંવ પ્લેટફોર્મ નંબર ૩ નો ઉત્તર – ટેબલકથા.. નિતાંત સુંદર વાર્તા. આઉટ ઓફ ધ બોક્ષ થીંકીંગ.. સર્જકને ઢગલોએક અભિનંદન. સાહિત્યતત્વ સાથે જ્યારે ચમત્કારિક કલ્પનાઓ ભળે તો એને વધુ રસયુક્ત બનાવે અને કદીક યાદગાર તો કદીક બેજોડ કૃતિ સર્જાય.સૌથી પહેલો ટાસ્ક જે પોસ્ટ થયેલો ચર્ચગેટ સ્ટેશનનો એની વાર્તા સાવ હટકે વિષય પર હતી. વાર્તામાં ઘણી જગ્યાએ કચાશ હોવા છતાં પણ ટેબલને સાવ અલગ રીતે કલ્પવામાં આવ્યો. આ વૈવિધ્યની સખત જરુર છે.
ખાર રોડ પ્લેટફોર્મ નંબર ૧ એ બે વાર્તા આપી. બન્ને માં હટકે વિષય લીધાં. પણ લાંચવાળી વાર્તાની સામે સ્કુલવાળી વાર્તા માવજતમાં થોડીક મોળી પડી!
સાન્તાક્રુઝ સ્ટેશનની વાર્તામાં જે આત્મકથાનાત્મક શૈલી લીધી છે એ મને ગમી. જો કે સુસંગતતા ક્યાંક ક્યાંક બટકે છે લખાણમાં. ક્યાંક લખાણ હાથમાંથી છટ્કી પણ જાય છે. છતાં પ્રયાસ સરસ છે.
એક વાર્તા ( કયા સ્ટેશનની છે એ યાદ નથી આવતું- મળ્યું પણ નહિં- શોધ્યું) જેમાં કાકીનાં ઘરેથી ટેબલ સામેવાળા પાડોશી બેનનાં ઘરે નાયિકા લઈઆવે છે.એ વાર્તા ધ્યાનાકર્ષક છે. વાર્તા તો સુપેરે લખાઈ જ છે સાથે સાથે એ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કે એક સામાન્ય કથાબીજ, વિચારને કેવી રીતે અસામાન્ય,બીજાઓથી અલગ પાડવો. દરેક વખતે તદ્દન નવો વિષય લાવવો શક્ય નથી હોતો. ઘણાખરાં પ્રતિકો/રુપકો/ઉપમાઓ/વિષયો વપરાઈ ચુક્યાં છે.પણ તે છતાં એમાંથી ચમત્કૃતિ ઉપજાવવી/સર્જવી એ કાબિલેદાદ છે.સાદા આલેખનમાં પણ સાહિત્ય હોઈ શકે એ વાત અહિં સાબિત થાય છે. એ આયામ સુધી પહોંચવા બદ્દ્લ અઢળક અભિનંદન.
(હવે મળ્યું વિરાર સ્ટેશનના જવાબ)
એલ્ફીસ્ટનરોડની વાર્તામાં "હજીયે એ ત્યાં જ ખૂણામાં બેઠું છે! એકલું,અટૂલું,ધીર,ગંભીર. એના પર જામી હતી વ્રૃદ્ધત્વ અને એકલતાની ધૂળ./.એના પર પ્રેમથી હાથ ફેરવ્યો.આ શું હાથ ભીનો કેમ!/ મારા એ ઘરનું ટેબલ હવે મારામાં ઘર કરી ગયું હતું." આ વાક્યપ્રયોગ લેખકની સાહિત્ય સમજ દર્શાવે છે. શબ્દો વચ્ચેનો અવકાશ ઘણો બોલકો છે! વર્ણનમાં સાદા આલેખનમાં પણ શું સાહિત્ય હોઈ શકે એ લેખક બરાબર સમજે છે. બસ આ જ સાહિત્યતત્વ હોય છે.! સ્યુસાઈડ નોટ સૌથી સરસ!
બધી કૃતિઓનો ઉલ્લેખ શક્ય નથી આ જે જે ધ્યાન આવ્યું એ લીધું. ઘણું છુટી ગયું છે. અહિં અમુક કૃતિઓમાં ઉડીને આંખે વળગતી જોડણી ભૂલો ખુબ ખટકી. જોડણી- વ્યાક્રણ એ લેખનનાં અત્યંત મહત્વનાં અંગો છે.એને નજરઅંદાજ ના જ કરી શકાય. કોક કોક રજુઆતો શરુમાં ખુબ રસપ્રદ રહી પણ વાર્તામાં નિષ્પન્ન થયેલો એ રસ કેળવાવો જોઇએ અને એનું યોગ્ય સમાધાન પણ થવો જોઇએ.
ટાસ્ક પર ઘણા સભ્યોએ સાતત્યતા જાળવી કમેંટ કરી. અમુક સભ્યોની કમેંટ પ્રત્યેની ઉદાસીનતા નોંધી! ઘણી કૃતિઓમાં લેખક કદાચ પોતે જ સ્પષ્ટ નથી કે એને શું લખવું છે કે એ શું લખે છે. એકાદ બે વાર પોતાની જ કૃતિ ના ભાવક બનો/મુલવો.
નવા નવા ભુલાયેલા શબ્દો જાણવાની મજ્જા પડી.
પણ મૂળે આ વાર્તાનું ગૃપ છે. આજે દરેક વાર્તાકાર નવો કે સ્થાપિત વાર્તાની નવી નવી વ્યાખ્યા કરે છે.પણ મૂળભૂત તત્વ જે સદીઓથી છે એ તો સમાન જ રહેવાનો.જેમ દરેક બેટ્સમેન પોતાની અલગ શૈલી બનાવે પણ ક્રિકેટની મૂળભૂત પ્રકૃતિ તો બે સદીઓથી એ જ છે!
અસ્તુ.


મીના ત્રિવેદી:


जुलाइ महिनाना ग्रुहकार्य अंगे थोडुंक: 
बधा परांने सौ प्रथम अभिनंदन! कोइ विशिष्ट फ्रेममां लखवानुं ( जे काळा घोळा जेवुं स्पष्ट न होय) थोडुंक अघरुं छे, अने माटे ज अभिनंदन .
सुसाइड नोट जेनाथी आत्महत्या करवा सुँघानी निराशाजनक मानसिकतामां गळाडूब होय तेने बहार निकळवा प्रेरित करें एवी साहित्य कृतिनी अपेक्षा १५ नोंधमांथी एक पण पूरी करती होय एवुं न जणायुं. सूत्रधारने विनंति के एमना ध्यानमां एवुं कोइ लखाण होय तो शेर करे , जेथी एक नविन दिशा खुली शके.
टेबलने केंद्रमां राखी कृतिओमां पारम्परिक परिवेश होवा छतां भावोन्मेषनुं निरूपण जणायुं जे लखनारनी सूक्ष्म दृष्टि अने शब्द संपन्नता दर्शावे छे.
गुजराती भाषानां वैभव तरफ़ नज़र करवा माटे आ प्रक्रिया लाभदायक छे चोक्क्स.
आ रीते लखाणने मूलववानो आ काचो कुँवारों प्रयास..



No comments :

Post a Comment