Wednesday 15 January 2020

વારતા શિબિર : ભરૂચ (૧) - ડો વિનોદ ગૌર


વારેવા : ૧૨મી જાન્યુઆરી ૨૦- ભરૂચ - પ્રથમ વારતા શિબિર: ડો વિનોદ ગૌર :



પ્રસ્તાવિત કાર્યક્રમની રૂપરેખા :
૧) શિબિરાર્થીઓ દ્વારા સ્વપરિચય : કોઈ વાંચેલ વાર્તામાંથી ગમતી વાતરૂપે.
૨) સેશન૧ : વાર્તા એટલે શું, વાર્તા લખવું એટલે શું ,વાર્તા શા માટે લખવી ?
૩)  સેશન ૨ : કોઈ એક વિદેશી અથવા ભગિની ભાષાની વાર્તાનું વાંચન અને ગુણ દોષ સમજવાનો
પ્રયત્ન.
૪)  સેશન ૩ : એક સરપ્રાઈઝ લાઈવ  ટાસ્ક
૫)  સેશન ૪ : વાર્તા લેખનને લગતી અડચણો કે સર્જનાત્મક મૂંઝવણો અંગે પૃચ્છા અંગેની પ્રશ્નોત્તરી
૬)   સેશન ૫: શિબિરનું સમાપન  
અહેવાલ :

સેશન   ૦ : પ્રસ્તાવિત રૂપરેખા પ્રમાણે શિબિર ની શરૂઆત શિબિરાર્થી મિત્રોએ પોતાની ઓળખાણ આપીને થઈ. પોતે
વાંચેલ ગુજરાતી અને  હિન્દીની વાર્તા માં ગમતી  વાત થકી બધાયે પોત પોતાનો પરિચય આપવાનો પ્રયાસ કર્યો. અમુક પરિચયમાં એવું લાગ્યું કે શિબિરાર્થી વાર્તાને જ વિસ્તાર થી સમજાવી રહ્યા છે. હેતુ  એ હતો કે લેખક તરીકે જો તમારે એક વાર્તા ને ૧ લીટી માં વર્ણવાની હોય તો કઈ રીતે વર્ણવો.ખેર બધાનો પ્રયાસ  ખુબ જ સરસ રહ્યો.રાજુ ભાઈ ( જો કે રાજુભાઈ ને  સંબોધન  માં ભાઈ કે બહેન કોઈ પણ વિશેષણ સામે વાંધો હતો ) તેમણે પોતાનો પરિચય , તેમની કાર્યપદ્ધત્તી , કાર્યક્ષેત્ર અને પ્રવૃત્તિઓ સાથે પોતાની શૈલીમાં આપ્યો.   
સેશન ૧  : કળાના વિવિધ  પ્રકારો વિષે વાત થઇ. શિબિર વાર્તાની હતી એટલે : વાર્તા એટલે શું  , વાર્તા શા માટે , વાર્તા કઈ રીતે અને શા માટે લખવી । આ બાબત રાજુભાઈ (હવે થી રાજુ ) એ ખુબજ વિસ્તારપૂર્વક અને ઝીણવટથી સમજાવ્યું. આશા છે  કે  શિબિરાર્થીઓ આ વિશે સ્પષ્ટ થયા હોય અને  આને ગંભીરતાથી લઇ  વાર્તા લખશે.
સેશન ૨ : સમયના અભાવ ને કારણે કોઈ વાર્તાનું વાંચન કે  તેના વિષેની ચર્ચા ના થઇ શકી.
સેશન    : આ સેશન ખુબજ મનોરંજક રહ્યું - રાજુની સૂચના પ્રમાણે એવા એક પાત્ર જેને ખુબજ ધિક્કારતા હો તેનું નામ પોત પોતાની ડાયરીમાં લખવાનું હતું ..કોઈ ને પણ કલ્પના નહોતી કે આગળ શું થવાનું છે. પછી રાજુએ ત્રણ ત્રણની " ટોળકી" બનાવીને દરેક શિબિરાર્થીએ તેઓ જે પાત્ર ને ધિક્કારતા હોય તેના અનુસાર ૨ થી ૩ મિનિટ સુધી તેજ પાત્ર ને બધા સાથીઓ સામે અભિનીત કરી દેખાડવાનો  હતો. બધાને ખુબજ મઝા પડી. 
હેતુ એ હતો કે લેખક તરીકે તમારા દ્વારા નિરૂપિત પાત્રો ને તમે ઓળખતાં શીખો, લેખક કોઈ પાત્રને ધિક્કારી ના શકે , તે બધાજ  તેના સંતાનો હોય  છે.
સેશન ૪  : અંતિમ સેશનમાં લેખક મિત્રો ને મૂંઝવતા પ્રશ્નો , જેવા કે લેખકની ધારણા પ્રમાણે નહિ  વર્તતા પાત્રો અથવા તો શરૂઆતમાં  આજ્ઞાકારી હોવાનો ડોળ કરતા અને અમુક  પ્રકરણ  પછી મનસ્વી રીતે વર્તતા પાત્રો , લેખકના મનો મસ્તિષ્કમાં ઘર કરીને તેમની સાથે રમતા પાત્રો, વાર્તાના સંદર્ભમાં આવતી અન્ય ભાષાનો ઉપયોગ જેમનો તેમ કરી શકાય કે નહિ અને આવા ઘણા પ્રશ્નોનું નિરાકરણ રાજુએ ખુબ જ સરળ અને મારા જેવા નવા નિશાળિયાને પણ સમજાય તેવા દાખલા આપીને કર્યું.
સેશન ૫  : શિબિરનું સમાપન એવી નોંધ સાથે થયું  કે, આ ગ્રુપ જે ભરૂચ વાર્તા શિબિર માટે બનાવવામાં  આવ્યું હતું તેને ચાલુ રાખવું અને બધા લેખક મિત્રોએ સમયે સમયે મળતા રહેવું , જેથી કરીને વાર્તા લખવાનો જોમ અને જુસ્સો જળવાય રહે. 
તારણ  : દર્શના વ્યાસના પ્રયાસોથી આયોજાયેલ આ વારતા શિબિરમાં લગભગ ૨૦ થી ૨૨ શિબિરાર્થીઓની ઉપસ્થિતિ રહી. વડોદરા, અમદાવાદ  અને સુરતથી પણ શીખવાની ઈચ્છા ધરાવતા મિત્રો પહોંચી ગયા હતા. સંજોગોને આધીન કેટલાક મિત્રો આવી ના શક્યા.
સહુ લેખક મિત્રો અને લેખિકા મિત્રાણીયો (હા હા હા હા હા !!!!!!!!!!!!!) કઈ ને કઈ જમવાનું ભાથું સાથે લઇને આવ્યા અને સાહિત્યનું ભાથું લઇ ને ગયા
ખાસ નોંધ :  વચ્ચે વચ્ચે ચાહનો દોર પણ ચાલ્યો.
જમવા માં જાણે શ્રીનાથજી ની હવેલી ના છપ્પન ભોગ -પૂરી ,બટેટા ના શાક , વિવિધ પ્રકારના થેપલા ,રોટલી ,મુઠીયા , ઢોકળા, ઇદડા , કચુંબર ,પોંન્ક , સેવ , જાત જાતની ચટણી ,પાપડ , અથાણાં ,સાથે છાસ , સુખડી ,ચીક્કી ,માવા ચીકી , સ્ત્રાબેરી અને ઘણું બધું જેમના નામ પણ યાદ નથી રહ્યા.
અંતે આ લખનારની એક ગુજરાતી ગઝલ સાંભળીને સહુ વિદાય થયા.
વિરહની વેદના ની યાતના ને, વાચા નથી મળતી ; નથી એક ટીપું આંસુ આંખ માં, ને છલકાય છે પાંપણ... 
########  ######################### ##################################

2 comments :