Sunday 1 March 2020

વારતા શિબિર - ૯ (અમદાવાદ) - પરાગ જ્ઞાની

વારતા રે વારતા
*******************
તારીખ : 23 ફેબ્રુઆરી 2020
સ્થળ : સ્ક્રેપયાર્ડ
શહેર : અમદાવાદ

                                          


કોઈ વ્યક્તિને તસ્વીરમાં જોવી અને સાક્ષાત જોવી એમાં ફરક છે. ફરક  પહેલાં ઉત્સુકતાનો અને જોયાં પછીના સંતોષનો. આવી ઉત્સુકતા મને નવી જગ્યાઓ વિષે પણ રહે છે. જાણે પહેલીવાર મળતી કોઈ વ્યક્તિ હોય એમ, નજર સામે સાક્ષાત થયું સ્ક્રેપયાર્ડ. એ કેવું હશે ને કેવું નહીં એની કલ્પના અમદાવાદ શિબિરના ફોટા જોઈ કરતો. છેવટે સૌ પહેલાં જ્યાં પ્રવેશ્યો ત્યાં એક જૂના બંગલા પાછળ બારી વગરનો એક ઓરડો હતો. અંદર એક લાંબા ટેબલ ફરતે છ આઠ ખુરશીઓ, અને પડખે એક પાટ જેવું પાથરેલુ. પુસ્તકોની નાનકડી અભરાઈ, વોશ રૂમ, એક ખૂણામાં પાણીનું માટલું ને ઉપર ઊંધું ગૂપચૂપ બેઠેલું સ્ટીલનું પવાલું. માટલું એવી જગ્યાએ મૂકાયું હતું કે સહેલાઈથી કોઈની નજરમાં પણ ન આવે. મને તો આ  માટલું અને પવાલું એક ખૂણામાં એકબીજા સાથે ગૂપચૂપ ઈશ્ક ફરમાવી રહ્યા હોય એવી ફીલ આવી. બહુ થોડામાં ખુશ રહેતું આ દિલ, એમના દર્શન માત્રથી પ્રફુલ્લિત થઇ ગયું. લંબચોરસ ટેબલ ખુરશીની બરાબર સામે બીજું બારણું અને ત્યાંથી સામે ખૂલ્લી જગ્યા હશે એવું અનુમાન કરી શકાય એવો નઝારો ખુરશી પર બેઠા બેઠા દેખાતો હતો.મને એ ખૂલ્લી જગ્યા પાસે ઝટ પહોંચવાની ઈચ્છા મનમાં સળવળ થયા કરતી હતી. હું પહોંચ્યો ત્યારે આ નાનકડા, પ્રમાણમાં ઓછાં પ્રકાશવાળા ઓરડામાં પહેલી નજરે દેખાઈ નેહા રાવલ. સાથે  એકતા દોશી, અને બીજા બે નવાં સ્ત્રી ચહેરા જયોતિ અને તન્વી ટંડેલ. એ ઉપરાંત નિલેશ મુરાણી, ધ.ત્રી. અને દાઢી અને લાંબા કેશધારી સુત્રધાર રાજુ પટેલ પણ આવી ગયેલાં.એકતા સૌને કચોરી ખવડાવવા શરુઆતથી જ બેતાબ લાગી. ચા કોફી મંગાવાઈ અને નેહાની વિશેષ ચર્ચાઓની બેતાબીને  “બધા આવે પછી આ વિષે વાત કરીએ?” એમ કરી રાજુએ  હાલ ચા કોફીને ન્યાય આપવા સૌનું મન કર્યું. છતાં ખાસ વિદ્યાર્થીઓની જીજ્ઞાશાને કોણ રોકી શક્યું છે? ખરાબ અનુવાદ વિષે એકતાએ અનાયાસ વાત કાઢી. “મેં અત્યાર સુધી જેટલા અનુવાદિત પુસ્તકો વાંચ્યાં  એમાં મને ખાસ મજા નથી આવી...શબ્દશ: અનુવાદ થાય છે ....જેમ કે ચાંદીના માણસોનો વોર્ડ ...” અને તરત મારા મનમાં એક પ્રિય અનુવાદિત પુસ્તક તરવા લાગ્યું. અને હું નામ બોલી ગયો પછી ફરી નિલેશે નામ પૂછ્યું. મેં કહ્યું,”ટોલ્સટોયની ત્રેવીસ વાર્તાઓ, અનુવાદ જિતેન્દ્ર દેસાઈ.” ધીમે ધીમે સભ્યો આવતાં ગયાં. પહેલાં જાગુ પટેલ અને પછી નિયતી કાપડિયા, હિમાંશુ અને ઝંખના આને ઝરણા આવી પહોંચ્યા. “હવે બહાર બેસીએ?” એવી રાજુની સુચનાને તરત અમલમાં મૂકાઈ.ગોળાકારમા મૂકવા ખુરશીઓ ખૂલ્લામાં ગોઠવાઈ.આ ખૂલ્લી જગ્યામાં પ્રવેશતા જ સ્ક્રેપયાર્ડ નામક આ અદભુત જગ્યાના વિશેષ સ્પંદનો અનુભવાયા.અહીં ઝાડ પર તોફાન મસ્તી કરતાં વાંદરાઓ, દોડાદોડ કરતી ખિસકોલીઓ અને ઊડાઊડ કરતાં પક્ષીઓ જોવાં, સાંભળવામાં શિબિર ચુકાઈ જવાનો ભય લાગ્યો પછી મનમાં થયું, કેવો નાજુક અને  ખૂબસૂરત ભય.
રાજુના ફેસબુક પર ‘અપના અડ્ડા’ના મિત્રો પહેલીવાર શિબિરમાં પધાર્યા. શિલ્પા અને દિપ્તી. તથા પાછળથી કિરણભાઈ અને એમના પત્ની પણ આવ્યાં.રૈના સુથાર અને હિરલ વ્યાસ, મિતાલી, ચેતન અને એમના પત્ની રીટા  જોડાયા. પાછળથી  વ્રજેશભાઈ આવ્યા. એ પછી સૌની પરિચય વિધિ શરુ થઇ. સૌને વાર્તા મિષે જાણવા ગમતી દસ ટૂંકી વાર્તાઓના શીર્ષક લખવા કહેવાયું. આ હજુ જસ્ટ શરુ થયું હતું અને શિબિરમાં ટ્રેડિશનલી ખૂબસૂરત એક ચોટલો ઓળેલી નવી નક્કોર સભ્ય ધરતીએ  સહેમા સહેમા એક્સપ્રેશન સાથે અચાનક પ્રવેશ કર્યો. અને રાજુને મોઢેથી પહેલાં “તમે કોણ?” અને પછી બીજું ‘તમે મને ગમ્યા' જેવા સહજ વાકયો બહાર નિકળી આવ્યા અને રિએકશનમા ‘ધરતી’ સહેજ ધ્રુજી પણ ખરી અને થોડી પળોમાં હતી એમ સ્વાભાવિક ફરી થઈ ગઈ. હવે વાતોનો  નોંધવા યોગ્ય ખરો દોર આરંભાશે એની તૈયારીમાં મેં ડાયરી પેન કાઢ્યા. રાજુએ સવાલ પૂછ્યો, કોણ કોણ અહેવાલ લખશે? જવાબમાં મારા સિવાય એકતાએ અને તન્વી એ પણ હાથ ઊંચો કર્યો.

આ વખતની અમદાવાદ શિબિરમાં હાજર રહેવાની યાદી બની એનો આંકડો ત્રીસને ઓળંગી ગયો હતો. પણ છેવટે અનિવાર્ય સંજોગોમાં પચ્ચીસ જણ હાજર રહ્યાં. કેટલાક સભ્યોએ હાજર રહેવા તૈયારી બતાવી અને ના આવી શક્યા, કોઈ આવ્યા પણ જાણે તરત પાછાં જવા માટે આવ્યા, ને કોઈ ન આવવાનું કહ્યાં છતાં પધારી આનંદાશ્વર્ય આપ્યું. મૂળે જીવનમાં બને છે એમ બધું જ  શિબિરમાં હાજરી બાબતે બન્યું.

મુંબઈથી રાજુલ ને દક્ષા આવવાની ઈચ્છા છતાં  અમદાવાદથી પાછા આવવાની ટિકિટ ન મળવાથી ના આવ્યા. છાયા ઈચ્છા છતાં અનિવાર્ય સંજોગો આવી પડવાથી ન આવી શકયા.. અનામિકા આવીને અકળ કારણોસર તરત ચાલ્યા ગયાં‌. જ્યારે શ્રદ્વાએ “નહીં આવું” કહ્યા પછી અચાનક આવી એમના નામને ટૂંકમાં  સાર્થક કર્યું.

સૌ પહેલાં સુત્રધારે નેહા રાવળને વારેવાની વાર્તાઓનું પુસ્તક કરવા વિષેની ચર્ચા ઉપાડવા મેદાન ધર્યું. ધુંઆધાર ફટકાબાજી માટે જાણીતા નેહા રાવલે પાંચ વર્ષમાં વીઆરવીનુ એકેય પુસ્તક કેમ નહીં? એ વિષય પર ચર્ચા ઉપાડી. પાંચ વર્ષમાં જે ટાસ્કમા વાર્તાઓ લખાઈ એમાંથી પોતાની ગમતી ત્રણ ત્રણ વાર્તાઓનું ચયન કરી સૌ રાજુને ઈમેલમાં મોકલે અને એમાંથી પચ્ચીસ વાર્તા સહેલાઈથી તારવી શકાય એવી એક રૂપરેખા નક્કી થઈ.પણ આ ચર્ચા દરમિયાન સુત્રધારે પુસ્તક કરવું મહત્વનું કે સારી વાર્તા લખવી, એ વાત પર પણ ફરી ફરી ભાર મૂક્યો.

આ ચર્ચાથી ઠીક સંતોષાયેલા નેહા રાવલ પાસેથી ચાર્જ ફરી સુત્રધારે પોતાના તાબામાં લીધો.

સૌ પહેલાં સૌની સાદી ઓળખ પરેડ અને પછી સભ્યોને વાર્તા સંદર્ભે જાણવા ઓળખવા રાજુએ સૌને ગમતી દસ વાર્તાની યાદી બનાવવા કહ્યું હતું. એક પછી એક સભ્યોએ, “વિષય યાદ છે, પણ શિર્ષક યાદ નથી આવતું.” એવી સામાન્ય મૂશ્કેલી છતાં ગમતી વાર્તાઓના નામ કહ્યા‌. એ પછી રાજુએ સૌને અને ખાસ તો દસ વાર્તાની યાદીમાં ખુદ પોતાની જ લખેલી  કે પોતાના મિત્રોની ગમતી વાર્તાનુ નામ ટપકાવ્યુ હતું એમને ખાસ ઉદ્દેશી ટિપ્પણી આપી. આપણી પાસે સમીરા કે રાજુલની વાર્તા તો છે જ. પણ જે વાર્તા આપણી પાસે નથી, બીજી ચાર ભાષાની વાર્તા આપણે કેમ વાંચતા  નથી? નવું વાંચો, બીજી ભાષામાં શું બને છે, લખાય છે,એ જાણવા કોશિષ કરો, અનુવાદ વાંચો. ભલે ખરાબ અનુવાદ પણ વાંચો. બહેતર લખાણ એ બહેતર જીવાયાની પ્રતીતિ કરાવે છે સત્યદેવ દૂબે હિન્દી નાટકોના  ખ્યાતનામ લેખક એ કહેતા કે તમને જો તમારી વાર્તા ગમે છે, તમે સંતુષ્ટ થઈ ગયા છો અને તો તમે મરી ગયા એમ સમજજો. તમે જેવું જીવશો એવું લખશો.કયારેય લખાણથી સંતુષ્ટ ન થવું એ બહેતર જીવાતા, લખાયાની સાબિતી છે. દ્રષ્ટિ વિશાળ કરો, વાંચન વિશાળ કરો.  નવા જોડાનાર સભ્યોને આપણો બ્લોગ વાંચવા ખાસ તાકિદ કરાઈ.છેલ્લા ટાસ્કની બધી વાર્તાઓ વાંચો. કેટલાય પ્રશ્ર્નો જે શિબિરમાં ફરી ફરી પૂછાય છે એના જવાબ બ્લોગ પર છે જ. વાચનનો કોઈ પર્યાય નથી . ઓછામાં ઓછી પચાસ વાર્તા વાંચો, (“શું કામ પચાસ વાર્તા?’ એની પોસ્ટ પણ આવશે.) ભલે ખરાબ વાર્તા હોય પણ વાંચો.
આટલા વાંચન પર ભાર મૂકાયા પછી વાંચન વિષે જ સરળ પણ સીધો પ્રશ્ર્ન દરેકને કરાયો. 

એક) તમે શું કામ વાંચો છો?
બે) તમે શું કામ લખો છો?

સરળ લાગતાં આ પ્રશ્ને સભ્યોના વાંચવા લખવાના અત્યાર સુધી માની લીધેલા પર્યાપ્ત કારણોના ફુરચા ઉડાવી દીધા. કોઈએ કારણમાં “વાંચવા કહ્યું એટલે” અથવા “કોઈને સતત વાંચતા જોઈ જોઈને વાંચતી/વાંચતો થયો.” એવા જવાબ સાથે,  “લખવાની રૂચી છે” અથવા “પતિ કહે છે તું સારું લખે છે એટલે  લખું અને છપાવવા મોકલી આપું..'  જેવા ખરેખરા, સાચુકલા જવાબો નવા સભ્યો જ્યોતિ અને તન્વી ટંડેલે સરળ બાનીમાં પેશ કર્યા. નવા સભ્યોની કોરી પાટી, ભોળપણ સાંભળવુ શરૂઆતમાં પ્રિય થઈ પડે છે. નિયતી કાપડીયા જેઓ લેખિકા તરીકે ઓનલાઈન પોર્ટલ પર ઘણું લખે છે. એમણે બંને સવાલનો એક જવાબ “મજા આવે છે માટે.” એમ સીધેસીધો આપ્યો. પહેલા અછાંદસ કવિતાઓથી શરૂઆત કરનારા નિયતીએ પછી લોકભોગ્ય  વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. જેમાં એ ખુદને સીધી રીતે પ્રદર્શિત કરી શકે છે અને વાચકને પણ વાર્તા શીરાની જેમ ગળે ઊતરી જાય છે.

જવાબમાં સુત્રધાર રાજુ: 

કોઈ  કળા પ્રકાર એ સહેલો નથી. વાર્તાનુ સ્વરુપ છેતરામણુ  છે. વાર્તા જેવી ઠગનારી બીજી કળા નથી.  કોઈ વાર્તા શા માટે લોકોને ગમી એનું કારણ બે ત્રણ વર્ષ પછી સમજાય એવું બને. વાર્તાનું લોકભોગ્ય હોવું એ કળા નથી. ભણવાને અને વાર્તાને સંબંધ નથી. વાર્તાએ શાળામાં ભણવાનું શિક્ષણ નથી. એવું કહેવાય છે કે માણસ‌જન્મથી મૂર્ખ હોતો નથી એને શાળા મૂર્ખ બનાવે છે. એક સંવેદનશીલ હ્રદય વાર્તા સમજવા પૂરતું છે.પણ ફક્ત સારી ભાવના વડે સારી વાર્તા લખી શકાતી નથી.

એક નવા સભ્ય રૈનાએ સરસ જવાબ આપતાં કહ્યું,”લગ્ન પછી વાંચવાનું છૂટી ગયું. વીસ વર્ષ સુધી કશું ન વાંચ્યું. એ પછી છાપામાં આવતી વાર્તા વાંચતી એ  છાપાની વાર્તાઓના અણગમાએ લખતી કરી. એક જીવંત કેરેક્ટરને નજર સામે રાખી એક વાર્તા લખાઈ. સ્ત્રી સ્વાતંત્ર્ય પર લેખનથી આત્મવિશ્વાસ વધ્યો. અનિદ્વા ને ડિપ્રેશનના તબક્કામાંથી બહાર આવવામાં વાર્તા કામ આવી‌. લખતી થઈ પછી કદી ડિપ્રેશન સતાવી શક્યું નથી. રાજુ તરત બોલ્યા,“એટલે વાર્તા જાણે થેરપી!”

એ પછી બીજા સભ્ય ઝંખનાબેને પોતાના અનુભવમાંથી મહિલા દિન નિમિત્તે જાતિય પરિવર્તન પર લખેલી એમની વાર્તા અને એ પછી સ્ત્રીઆર્થમાં એમની બે ત્રણ વાર્તાઓ છપાઈ એની વાત કરી. લગ્નજીવનમાં ટીપાવાનો અનુભવ અહીં વારેવામાં કામ લાગ્યો. વાર્તાઓ અહીં પિટાઈ અને ટીપાઈ એ વારેવાનો અનુભવ લગ્નજીવનમાં  પણ કામ આવ્યો. જે શોખને લગ્ન પછી પટારામાં બંધ કરી દીધેલો પણ સદનસીબે ચાવી ફેંકી ન હતી તે પટારો ફરી ખોલ્યો અને લખવા માંડી.

રાજુ: સત્યઘટના લખવી એ વાર્તા નથી. લખવાનું કારણ સર્જનાત્મક હોવું જોઈએ. વાર્તામાં જે ઉમેરી શકાય એ ઉમેરો. જીવનમાં જે ઉમેરી નથી શકતાં એ વાર્તામાં ઉમેરો અને પહેલી દસ વાર્તા લખી ન કાઢીએ ત્યાં સુધી ખુદને લેખક માનવાની ભૂલ ન કરો. પહેલી બીજી વાર્તા આવી જાય. તમે પાંચ દસ વાર્તા લખશો પછી પહેલી વાર્તાની ખામી દેખાવી શરૂ થશે. દસ બાર વાર્તા ન લખો ત્યા સુધી ભ્રમમાં ન રહો. વાર્તા લખવા પર હથોટી આવે, વિશ્વાસ આવે એ માટે ઘણું બધું લખવું અને વાંચવું પડે. ઉપરથી ભગવાન આવીને તમારી વાર્તાને વખોડે અને તમે વિશ્ર્વાસથી કહી શકો, “યૂ સ્ટોપ! મને ખબર છે વાર્તા એટલે શું!” એટલો વિશ્ર્વાસ આવે એ  પહેલાં તમારી વાર્તા વિષે  બિનજરૂરી દલીલો ન કરો. પંદર જણે “તમે મને ગમો છો” એ કેવી રીતે કહ્યું એ જાણ્યા પછી એ યાદ રાખવાની જરૂર નથી રહેતી પણ એનાથી પ્રેમ કરવામાં અને લખવામાં મદદ મળે છે.

દિપ્તી કાપડિયા જેઓ પહેલી વાર શિબિરમાં પધાર્યા હતાં એમણે લખવા વિષે હજુ જાણે બાળમંદિરમાં જ છું અને એફબી પર રાજુની ‘લાઈક’ મતલબ કંઈક સારું લખાયું એમ એમનો સંતોષ ખૂલ્લો કરી નિખાલસતાથી બતાવ્યો. 

ત્યાર પછી રૈનાએ એક નવો જ સવાલ ,”એક જ વાર્તાના એકથી વધું જુદા જુદા પ્રતિભાવ કન્ફયુઝ કરે છે” જેના જવાબમાં 
રાજુએ, “એ બધું જ થશે અને ઘણીબધી વાર થશે‌” એમ કહી સહજતાથી સ્વિકારવાની સમજ આપી‌. ત્યારબાદ ફરી એક નવાં સભ્ય ,ઝરણાએ “હું આત્મસંતોષ માટે, લોકો સુધી મારી લાગણી પહોંચાડવા લખું છું.” જેના પ્રતિભાવમાં રાજુએ ”તો આપ ડાયરી લખો." તમારી લાગણી તમારો પતિ કે પ્રેમીએ સમજવી જોઈએ. મુંબઈ કે ભુજમાં તમને શું થયું એ રાજકોટના માણસને શાને ખબર હોવી જોઈએ? જ્યાં સુધી આપણે શા માટે લખીએ છીએ એની ક્લેરિટિ નહીં આવે આપણા લખાણમાં પણ ક્લેરિટિ નહીં આવે.પહેલા સ્પષ્ટ થાવ કે તમે સ્પષ્ટ નથી.એકવાર લખશો પછી ખબર પડશે કે જે કારણથી હું લખું છું એ પૂરું થયું છે કે નહીં. નવોદિત લેખકોની એવી પરિસ્થિતિ છે કે આ જગતમાં કાલે જ આંખો ખોલી છે અને આજે અચંબિત થઈ લખવા માંડ્યા છે.

એફબી પર ‘અપના અડ્ડા’માં  જુદાં જુદાં વિષયો પર હિંમતભેર અસ્ખલિત લખતાં, કમેન્ટ કરતાં જાગુ પટેલે કેફિયતમા "નાનપણની એકલતામાં પુસ્તકોને મિત્ર બનાવ્યા.  કોલેજ કાળમાં પ્રેમમાં પડ્યા પછી (કવિતાને બદલે) વાર્તા લખવા માંડી. પણ લગ્ન પછી બધું ભૂલાયું. અને કલ્પના હતી કે હવે નહીં લખી શકું. પણ હવે બારમું ભણતી દીકરી માને લખવા, ગાવા પ્રોત્સાહન આપે છે‌.” આ વેળાએ કિરણભાઈએ “તમે કલ્પનામાં તો કેવી રીતે જાણી શકો કે તમે લખી/ગાઈ નથી શકતાં. લખવું ગાવું ,એ કેથાર્સિસ છે!” કહી શિબિરમાં નવો રસ પૂર્યો‌.

ત્યારબાદ ઘણી સારી વાર્તાઓ ટાસ્કમા આપનાર સિનિયર મેમ્બર વ્રજેશભાઈએ ટૂંકમાં બંને પ્રશ્ર્નોનો એક જવાબ “હું મારાથી છૂટવા, એક એસ્કેપના ભાગ રૂપે લખું વાંચુ છું” એમ આપ્યો.

ઉત્સાહી સભ્ય હિમાંશુએ કોલેજના મેગેઝિનમાં લખતા. ચિત્રો દોરતા અને નીચે નોંધ લખતા. પણ નોંધ એટલી લાંબી લખાવા માંડી કે લેખન જ અપનાવી લીધુ. ચાર પાંચ વાર્તા લખી છે અને હજુ શીખી રહ્યા છે.

નિલેશ મુરાણીની વાર્તા હાલ જ મમતા મેગેઝિનમાં છપાઈ છે.
પણ લખવા તરફના વિચિત્ર કેફિયતમાં એમણે સ્ટેજ ફિયરને એનું મુખ્ય કારણ ગણાવ્યું .

ત્યારબાદ ધરતીએ, ”સારો વિવેચક લેખક નથી બની શકતો.” એમ કહી રાજુને બોલતા કરી દીધાં. ”એવા ઘણા મિથ છે. જેમ કે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે. પણ એ વાક્ય ખોટું છે. આવુ ઘણું બધું કહેવાતુ હોય  છે.”સાથે સાથે ઉમેર્યું,“હવે જવાબદારી પૂર્વક વાંચો. જે વાંચો છે એ રુચતું નથી, તો એના કારણો જાણો.તમને જે વાંચવામાં મજા આવે છે એ લખો. કાબિલ બનવા કોશિષ કરો સફળ થવા નહીં. (ફિલ્મ ‘થ્રી ઈડિયટ') મેગેઝિનમાં છપાવું એ માપદંડ નથી. ખુદ માટે નાના  લક્ષ ન રાખો. સફળ ફિલ્મ લેખકો પણ ખરાબ સાહિત્યકાર હોય છે. સમાજસેવા કરવા  કે માહિતી આપવા વાર્તા નથી લખવાની. અથવા છેવટે કોઈ લખે છે માટે ન લખો. 

જોગાનુજોગ આજે જ ચેતનની લગ્ન વર્ષગાંઠ હતી.અને એ કારણે એ હાજર ન રહે સ્વાભાવિક હતું. પણ સૌના ઉત્સાહને માન આપી ચેતન સજોડે હાજર રહ્યો. એટલું જ નહીં એક સરપ્રાઈઝ રૂપે એની લગ્ન જયંતિની હિમાંશુ પત્ની હેમાન્ગિનીએ એ  મજાના બબ્બે ફટાણાં લખી મોકલ્યા. સૌએ ઉત્સાહભેર ચેતન રીટાને ગાઈ સંભળાવ્યું. લ્યો આપ પણ ગણગણો.




પહેલું.
‘સાચું બોલો મારા રીટાબેન શા માટે રીસાણા રે
કળિયું ટોળું માથે પડ્યું એ માટે રીસાણા રે
સાચું બોલો મારા રીટાબેન શા માટે રીસાણા રે
 ગાંડું ટોળું  માથે પડ્યું એ માટે રીસાણા રે
સાચું બોલો મારા રીટાબેન શા માટે રીસાણા રે
કળિયું ટોળું માથે પડ્યું એ માટે રીસાણા રે 

બીજું:-
પીઠી પીઠી ચોળી'તી રે અમારા ચેતનભાઇને,
પૈણ્યા પછી ભાભી રોજ લગાડે ચૂનો રે અમારા ચેતનભાઇને.
સાફો સાફો બાંધ્યો'તો અમારા ચેતનભાઇને,
લાગ મળે ટોપીઓ ભાભી પહેરાવે   રે અમારા ચેતનભાઇને.
માંડવે જમાડ્યો'તો મીઠો કંસાર... રે અમારા ચેતનભાઇને,
હવે તો ના ગળાય કે ના થૂંકાય એવી ચ્યુઇંગમ ચોટી ....
રે અમારા ચેતનભાઇને
વરમાળા વરમાળા શોભતી'તી...
રે ચેતનભાઇના ગળે.
આજ  તો ઝૂલે ગાળિયો ...
રે અમારા ચેતનભાઇને કાંઠલે.
વ્હાલથી નાક એમનું ખેંચ્યુ'તુ સાસુમાએ,
પત્ની રોજ આમળે કાન...
રે અમારા ચેતનભાઇનો
-Hemangini Arya.

ચેતને સૌને પેટ ભરી કેકની ઉજાણી કરાવી.પણ  એટલાથી સંતોષાય તો રાજુ શાના? એમણે કપલને  એમની પ્રથમ મુલાકાતની રસપ્રદ કેફિયત સંભળાવવા વચ્ચોવચ આમંત્ર્યા. મેટ્રિમોનિયલ સાઈટ પર એકબીજાના સંપર્કમાં આવેલા ચેતન રીટાએ કોઈ કોફી શોપને બદલે રીટાના આગ્રહથી બસસ્ટેન્ડ સામેના ફુટપાથ પર મળવાનું ઠરાવ્યું. એકબીજાની જુદીજુદી આદતો ખાવા, પીવા, આસ્તિક/નાસ્તિક હોવાં  વિષે  જુદાં જુદાં વિચારો છતાં એકબીજાને સ્પેસ આપી શકવાના શક્યતાઓ જોયાં પછી છેવટે પોઝિટિવ વાઇબ્સ સાથે કાયમ ભેગાં મળવા છૂટા પડ્યા. એમની ખટમીઠી વાતો પછી રાજુએ લાઈવ ટાસ્ક ઘડી કાઢ્યો. એક પછી એક સભ્યોને જોડું બનાવી પુરુષ સભ્યને સ્ત્રી અને સ્ત્રી સભ્યોને પુરુ ષનો કિરદાર પકડાવ્યો. હવે બે અજાણ્યા સ્ત્રી પુરુષ આ  જ વિષયે બીજી શું શું સંભવિત વાતો કરી શકે એ સંવાદ રૂપે ભજવવા આમંત્રણ આપ્યું. પુરુષ સંખ્યા ઓછી હોવાથી બે  સ્ત્રી સભ્યોએ એક પુરુષ તો એક સ્ત્રી બની  ભજવણી કરી. પણ ધ્યાનાકર્ષક ભજવણી નેહા અને એકતાની જોડીએ કરી બતાવી. એ જોડીનો શબ્દશ: નીચેનો સંવાદ વાંચી તમે પણ આનંદો.
નેહા: તું પર્સ લાવી છો?
એકતા: ના! મને તો ક્યારેય પર્સ લેવાની આદત જ નથી.
ને: પણ મારા બાઇકમાં પેટ્રોલ નથી ...
એ:: તો વોલેટ ન લવાય?
ને: તને મળવા આવવાની ઉતાવળમાં ભૂલી ગયો અને પેટ્રોલ ખલી થઈ ગયું છે.
એકતા: એ તો હું એક્ટિવા ઉપર મૂકી જઈશ..
ને: તો આઈ જાઉં તારા એક્ટિવા ઉપર?
એકતા: એય!...થોડે દૂર ...પહેલા વાત કરીને નક્કી કરવા દો.
ને: મારો સ્વભાવ બહુ ભૂલકણો છે....
એ: તો ક્યાંય બહાર જશું તો વોલેટ ભૂલી જશો ને... મને તો પર્સ રાખવાની આદત નથી..
ને: તો તમે યાદ નહીં કરાવો?
એ: (હસીને)હા! એ તો છે.
ને: તો આઈ જાઉં એક્ટિવા પર?
એ: ચાલો!
😅

રાજુ: આપણે શીઘ્ર વાર્તાના માણસો નથી પણ કેમ મેં સ્ત્રી સભ્યોને ચેતનનો રોલ ભજવવા કહ્યું? જેથી સૌ જાતમાંથી બહાર નીકળી જોતાં શીખો.તમે દારૂના ડિલર પણ હોઈ શકો.આ સંસારના કોઈ પણ પાત્ર બનવાની તમને છૂટ હતી.  પણ આપણે કલ્પના કરવામાં પણ કંજુસાઈ કરીએ છીએ, ખેર.

(આ લાઈવ ટાસ્કમા બીજો નંબર ચોક્કસ વ્રજેશ અને રીનાબેનની જોડીને મળે.)

જ્યાં સુધી તમારા ખુદમાં કોન્ફિડન્સ નહીં હોય તમારા પાત્રોમાં, લખાણમાં પણ નહીં આવે.કોઈપણ સ્થિતિ તમારી સમજ મુજબ છે, ગંભીર કે રમૂજી! “મને તમારું ખૂન કરવાનું મન થાય છે!” આ વાકયના પ્રતિભાવમાં સામાન્ય પ્રતિભાવથી જુદો હળવો પ્રતિભાવ:”આર યૂ સિરિયસ?” પણ હોઈ શકે. બે માણસોના સંવાદ કાન માંડી સાંભળો. જે બોલાય છે અને જે નથી બોલાયું એ પણ સાંભળો. એમ વિચારો, એમ જીવો જાણે  કે આ દુનિયા ઈશ્વરે તમને લેખક બનાવવા જ ઘડી કાઢી છે!

છેલ્લા ટાસ્કના વિજેતા સમીરા પત્રાવાલા, ભારતીબેન ગોહિલ અને છાયા ઉપાધ્યાયની ગેરહાજરી ને કારણે  માનપત્ર એમની અવેજીમાં બીજા મિત્રોએ સ્વિકાર્યા.

ફરી બાકી સવાલોનો તોપમારો નેહાએ શરુ કર્યો. જૂના સભ્યોના ઈનએક્ટિવ થવાના કારણોનો પ્રશ્ર મૂકાયો. એની ચર્ચા એહવાલમાં કમેન્ટ રૂપે કરાશે એવી હૈયાધારણ અપાઈ‌‌. પણ એ પછી એક ખૂબ જ ઝીણું અવલોકન  નેહાએ મૂક્યું. આપણાં ટાસ્કમા ટેકનિકલી આઉટ ઓફ બોક્સ લખાણોને જગ્યા મળી રહે છે. પણ સંવેદનાપૂર્ણ વાર્તાઓનો અભાવ ખૂંચે છે. આ વાતે રાજુનો પ્રતિભાવ:  “હુ એટલી વિચિત્ર પરિસ્થિતિ લખવા આપું છુ કે જેમાં તમે કોઈ પણ દિશામાં જઈ શકો.”  છતાં આ બાબતને ટાસ્ક આપતા ખાસ ધ્યાનમાં રખાશે એવી ખાત્રી સુત્રધારે આપી.

પાકિસ્તાની સિરિયલ 'મેરે પાસ તુમ હો' --

સિરિયલ બનાવવી એ બિઝનેસ છે. ચવાઈ ગયેલા વિષય પર અફલાતૂન સંવાદથી કામ ચલાવી શકાય. અજય દેવગનની પહેલી ફિલ્મ માટે આમિર ખાનનો પ્રતિભાવ હતો,“બકવાસ વિષય પર આટલું સરસ કામ!” વાર્તા વસ્તુ હંમેશા નવી નથી હોતી. ટ્રિટમેન્ટ તાજી જરુરી હોય છે. ધૂમકેતુ ને પન્નાલાલ પટેલ બંને મૈલોડ્રામેટિક વાર્તા લખતા પણ પન્નાલાલ ક્યાં ચઢી ગયા? આંતરમન દર્શાવવાની હથોટીમાં.

‘મેરે પાસ’ના સંવાદમાં પત્નીના દબાણને વશ થઈ, બાપના આદર્શોને બાજુએ મૂકી, લાંચ લઈ પત્ની માટે મોંઘો નેકલેસ ખરીદી લાવનારો પુરુષ સંવાદ બોલે છે,“આજ મૈં અબ્બા કી કબર કો લાત મારા આયા!”
“મૈ તુમ્હારી તસવીર દેખતા હૂં ઔર સોચતા હૂં, મેરે પાસ તુમ હો!” આવા અદભૂત સંવાદોની પકડને કારણે છેલ્લો એપિસોડ પબ્લિક આઠસો રૂપિયાની ટિકિટ ખરીદી થિયેટરમાં જોવા જાય છે. અન્યથા વાર્તા નાનકડી છે, લગ્નજીવનમા ‘વો’ અને પત્નીની ભૌતિક એષણાઓનો લગ્નજીવનમા સંઘર્ષ.

ત્યારબાદ વાર્તા લખવામાં સતાવતા પ્રશ્ર્નો માટે સૌને સમય અપાયો.  એકતાએ ટેકનિકલી હું વધુ સારું કેવી રીતે લખી શકું એવો સરસ પ્રશ્ર્ન કર્યો. ‌જવાબમા રાજુએ હ્યુમર, નાટ્યાત્મકતા, કેરેક્ટર્સનો ન ધારેલો વ્યવહાર ગણાવ્યા્. ઉદાહરણમાં એક ડ્રાયવર શેઠનો સંવાદ કહ્યો.
ડ્રાયવર: મુજે છૂટ્ટી ચાહીએ.
માલિક: ક્યોં?
ડ્રા: મેરી શાદી હૈ!
મા: શાદી? કિસસે?
ડ્રા :આપકી બેટી સે!
મા: ગૂડ ચોઈસ!

બીજો  પ્રશ્ર્ન ધરતી તરફથી આવ્યો. અભિધા, વ્યંજના , લક્ષણા કોને કહેવાય? આ પ્રશ્ર્નનો જવાબ આપણા બ્લોગ પર મેળવી શકાશે એમ કહી છેલ્લો સવાલ લીધો.

હિરલ વ્યાસ નવા સભ્ય હોવા છતાં સરસ પ્રશ્ર્ન કર્યો. ”કોઈપણ વિષયમાં કેવી રીતે ઉતરવું?” આના સુત્રધારે બે રસ્તા બતાવ્યા. એક વિચાર કરી વિષયમાં ઉતરવું અથવા એ વિષય જીવનારાઓને મળવું એમના જીવનને જાણવું. મન્ટોએ બીજી રીત અપનાવી હતી.
છેલ્લે નિલેશે એની વાર્તામા શું ખૂટે છે એવા અંગત પ્રશ્ર્નનો જવાબ આપતા રાજુએ કહ્યું “સંવાદ વધારો, તમારી વાર્તામાં મોનોટોની આવી જાય છે.આટલુ કહી રાજુએ શિબિર સમાપનની ઘોષણા કરી.

~ પરાગ જ્ઞાની


                                                                         












1 comment :

  1. હીટ છે બોસ! તુસી છા ગયે

    ReplyDelete