Sunday 1 March 2020

વારતા શિબિર - ૯ (અમદાવાદ) - જાગુ પટેલ

વારતા શિબિર - ૯ (અમદાવાદ) - જાગુ પટેલ


વારેવા બ્લોગ પર અમદાવાદ સ્ક્રેપ યાર્ડમા થયેલી શિબિરની તસવીરો જોઈને સ્ક્રેપયાર્ડ બહારથી કેવું હશે એનું એક કલ્પના ચિત્ર બનાવેલું જે વાસ્તવિકતાથી તદ્દન ઊલટું હતું. જેના કારણે શોધતા શોધતા ત્યાંથી જ પસાર થઈને રેડ ક્રોસ બ્લડ બેન્કે પહોંચી પણ નહતું મળતું. ગુગલ કહેતું હતું કે અહીંજ ક્યાંક છે. છેવટે હાર માની લઇને રાજુને ફોન કર્યો. રાજુની આજ્ઞા હતી કે ત્યાંજ ઉભા રહો. અને અડધી મિનિટમાં જ તેઓ આવી પહોંચ્યા. ફેશન વ્યવસાયમાં હોવાને કારણે અજાણપણે જ આઉટફિટ નોંધાઇ જાય છે. ભરૂચ શિબિરની સરખામણીએ આજે રાજુ ખાસ્સા ટ્રેન્ડી લૂકમાં હતા.  આ મારી બીજી શિબિર હોવાથી થોડી રિલેક્સ હતી પણ અડધો અડધ સિનિયર સભ્યો હોવાને કારણે થોડો ડર હતો કે આ લોકો અમ નવા નિશાળીયાનું રેગીંગ તો નહીં કરેને. કારણકે એ લોકોની ગેંગમાં તેજાબી નેહા, ખૂંખાર પોલીસ ઇન્સ્પેક્ટર જેવા ધર્મેન્દ્ર ત્રિવેદી. જોડણીના અતિ આગ્રહી એકતા ટીચર. સ્ટુડિયસ નિયતિ, મસ્તીખોર અને બટક બોલા કવિ પરાગ, ચેતન, વ્રજેશ, ઝંખના વગેરે પણ અનુભવી (શ્રદ્ધાની જાણ નહતી) હતા. હું રાજુ પાછળ દોરવાઈ.. સ્ક્રેપયાર્ડ માં પ્રવેશતા જ એક મોટા ટેબલ ફરતે એ જ સિનિયર ગેંગ  એકતા, પરાગ , નીલેશ, નેહા, ધર્મેન્દ્ર ત્રિવેદી, જ્યોતિ, તન્વી બેઠા હતા. 'ડર કે આગે જીત હૈ" એવું મનને સમજાવી ગોગલ્સ કાઢવાનું ભૂલી ને અંદર પ્રવેશી ત્યાં જ પરાગ બોલ્યા " ચશ્મા તો કાઢો થોડી ઓળખાણ પડે".  ત્યારે થોડો સંકોચ અનુભવાયો અને હસી પડી. બધા સાથે હાથ મિલાવીને પ્રત્યક્ષ પ્રારંભિક પરિચય આપ્યો. જે બધા બેઠા હતા તેઓનું વાર્તા વિશ્વ સાથે એક મજબૂત જોડાણ હતું. મારા સ્થાન ગ્રહણ કરવાની સાથે જ ઉત્સાહી નિલેશે તેમનો પોતાના હાથે બનાવેલો ખજુર પાક આપ્યો અને અન્ય દ્વારા ચા ઓફર કરાઈ એટલે આપણે તો ખુશ પણ બીજી જ પળે એ ખુશી મૂંઝવણમાં ફેરવાઈ જ્યારે રાજુએ  કહ્યું કે બીજા આવે ત્યાં સુધી ગમતી દસ વાર્તાના નામ લખવાના છે. ગમતી દસ વાર્તા યાદ કરવાની કસરત ચાલુ હતી એ દરમ્યાન ચા ને પણ માણી. ઝરણા, ચેતન, રીટા, વ્રજેશ પણ આવી  પહોંચતા જગ્યા નાની લાગતા બહારની બાજુએ બધા પોતપોતાની ખુરશીઓ લઈને ગોઠવાઈ ગયા. 

એક પછી એક  સભ્યો દ્વારા દસ વાર્તાના નામ વાંચવા શરૂ થયા. એ દરમ્યાન જ વારાફરતી મિતાલી, દીપ્તિ, શિલ્પા, રેના, ઝંખના, હિમાંશુ, નિયતિ આવી ને જેમ જગ્યા મળે તેમ ગોઠવાયા. અને જ્યોતિ આવી જેને આવતા વારમાં જ દસ વાર્તાનું નામ લખવાનું/કહેવાનું કહેવામાં આવ્યું. તે એટલી ગભરાઈ ગઈ કે રડવાની તૈયારી હતી. રાજુ એ કહ્યું કે "ડરવાની જરૂર નથી હું તમારી પરીક્ષા લેવા નથી બેઠો.  કમજોર યાદ શક્તિને કારણે દસ વાર્તાના નામ કેમ લખવા!  મારા સહિત એક બે એ જે વાર્તા યાદ આવી  તેની સાથે ગમેલી મિત્રોની વાર્તા પણ લખી અને મિતાલીએ તો પોતાની લખેલી વાર્તાનું પણ નામ કહ્યું હતું. એટલે એ મુદ્દે રાજુએ સત્યદેવ દુબેની વાત ટાંકી ને ટપાર્યા કે જયારે તમે તમારા સર્જનના પ્રેમમાં પડી જાઓ ત્યારે તમે મરી જાઓ છો. વિકસતા રહો. એના માટે પુષ્કળ વાંચન કરો, ટાસ્ક કરો અને બીજો રસ્તો એ કે જીવો. જેમકે સવારે દૂધ લેવાથી માંડીને ઓફિસે જાવ, શાક લેવા જાવ છો ત્યારે કેટલી વ્યક્તિને મળો છો કેટલી સ્થિતિ માંથી પસાર થાવ છો એ બધાને ફક્ત જુઓ નહીં વાંચો. બે વ્યક્તિની વાતચીત એ જે કરી રહ્યા છે એ તો  સાંભળો જ છો પરંતુ એ લોકો જે વાત નથી કરી રહ્યા એ પણ સાંભળો. દરેકે દરેક વાત કે સ્થિતિ તમારી વાર્તાનું રો મટીરીયલ છે એમ જ સમજો. સાથે તમારું વાંચન પણ વીસ્તારો. અન્ય ભાષાની પણ વાર્તાઓ વાંચો. 

રાજુ દ્વારા કેમ વાંચો છો અને શુ કામ લખવું છે ? એ પણ નવા સભ્યોને પૂછવામાં આવ્યું .એક બે જણ આવવાના બાકી હોવાથી રાજુએ પોતાની વાત ન કહેતા નેહા જેઓ તીર કામઠા સાથે સજ્જ હતા તેઓને તીર મારવા / તેમની વાત કહેવા માટે વચ્ચે થોડો સમય આપ્યો.  નેહાનું પહેલું તીર કે "વારેવાના પાંચ પાંચ વર્ષ પછી પણ આપણે એવી પચીસ વાર્તા નથી આપી શક્યા કે જેને છાપી શકાય. અને કેટલાક જુના સભ્યો પણ નિષ્ક્રિય થયા છે તો આપણી ક્યાં ભૂલ થાય છે? વિદ્યાર્થી સાતમા આઠમા ધોરણમાં આવે અને શિક્ષક એવું કહે કે હવે તમતમારી મેળે શીખી લો એવી સિનિયર સભ્યોની હાલત છે.  કે પછી એવું છે કે આપણી વાર્તા પસંદગી સમિતિના સ્ટાન્ડર્ડ વધુ હાઈ છે. જે સર નથી થઈ રહયા ? અન્યોની સરખામણીએ આપણે ઘણા બહેતર છોએ તો શું વધુ બહેતર બનવાના પ્રયત્નો ના કરવા જોઈએ?" ચર્ચાનું એક નિરાકરણ એવું વિચારાયું કે છેલ્લા ટાસ્ક પ્રમાણે વારેવા ના જુના નવા સભ્યો પાસે જ અત્યાર સુધીની વારેવામાં મુકાયેલી  પોતાની મનગમતી વાર્તા ના ત્રણ કે પાંચ  નામ મંગાવીએ જેથી પસંદગી સમિતિ પણ વિસ્તૃત થાય અને બહોળા વર્ગને અપીલ કરે એવી વાર્તાનું ચયન થાય. સાથે રાજુએ નેહાને આશ્વાસન આપ્યું કે હજી આના પર બોલવાની તમને તક મળશે. તમારા પાસે પણ કોઈ બહેતર સુઝાવ હોય તો જણાવો. નેહાનો એક સુઝાવ એવો હતો કે સિનિયર સભ્યો ટાસ્ક ડિઝાઇન કરે અને રાજુને યોગ્ય લાગે તો મંજુર કરે અને એમ કરીને જે રાજુનો સમય બચે તેને સિનિયર સભ્યો ને આપે.

બપોર બે વાગ્યાનો સમય થઈ ગયો હતો એટલે  ભોજનને ન્યાય આપવાનું નક્કી કરીને  પોતપોતાના ડબ્બા ખોલ્યા. કચોરી, ખાખરા, થેપલા, મોહનથાળ, ગાજરનો હલવો, વઘારેલો ભાત, મેથી પુરી, મૈંસુરપાક, સમોસા, ખમણ, ચૂરમાના લાડુ, હાંડવો, ખારી પુરી, દ્રાક્ષ જેવી ભાતભાતની વાનગીઓ હતી. પરંતુ તો યે ભરૂચની ડબ્બા પાર્ટીની સરખામણીએ તો  ઓછું જ હતું. હજુ ભોજન પત્યું જ હતું ને ચેતન-રીટા એમની એનિવર્સરી નિમિત્તે કેક લઈને આવ્યા.  પણ બધા ખૂબ ધરાયેલા હોવાથી એને થોડો સમય પછી ખાવાનું નક્કી કરી ફરીથી બહાર ગોઠવાયા.

 મારા સહિત બધા નવોદિતો ને પૂછાયેલા પ્રશ્ન  કેમ વાંચો છો અને શુ કામ લખવું છે ?  એના ભિન્ન ભિન્ન જ્વાબોના જવાબમાં રાજુની શીખ -

# હવેથી તમેં કેવળ મનોરંજન હેતુ વાંચો એ રોયાલિટી નહીં મળે. તમારે તમારી અંદરના વિવેચકને તરાશવા માટે વાંચવાનું છે. જ્યારે તમે વાંચો ત્યારે એનું એ રીતે વિવેચન કરો કે એ તમને રુચે છે કે નહીં જો રુચે છે તો કેમ રુચે છે ? અને નથી રુચતુ તો કેમ નથી રુચતુ એ કારણો જાણવાની કોશિશ કરો અને એવી રીતે જવાબદારી પૂર્વક વાંચો.

# સરસ વાર્તાકાર બનવાની ચાવી એ છે કે જે વાર્તા વાંચતા તમને મજા આવે છે એ તમે લખો.. જેમકે ભૂતની વાર્તા લખતી અને વાંચતી વખતે તમને તમારી સૌથી પ્રિય ભૂત વાર્તા જેવી મજા આવે છે ? તો એ મજાની વાર્તા છે. વાર્તાને મુલવવાનો દુનિયાનો સૌથી સસ્તો એકમ આ જ છે. કારણકે આપણે એક એવા વિશ્વમાં જીવીએ છીએ જ્યાં પક્ષપાત વિનાનો માણસ મળવો મુશ્કેલ છે. એવો કોઈ માણસ નથી કે જેના માટે તમે છાતી ઠોકીને કહી શકો કે આમને કહી દીધુ એટલે મારી વાર્તા સારી. આ આપણા માનવ સ્વભાવની નબળાઈ છે કે આપણાથી થોડા ચઢિયાતા ને આપણે આદર્શ બનાવીને માપદંડ બનાવી લઈએ છીએ. 

# અહીં આપણે સફળ થવાની વાત નથી કરી રહ્યા કાબીલ થવાની વાત કરીએ છીએ. અહીં પહેલી વાર આવેલા લોકોને હું ફરી ફરીને કહું છું કે અહીંયા બહુ જ સીનસીયારીટીથી યોગ્યવાર્તા લેખન માટેની મગજમારી થાય છે. કોઈક મેગેઝીનમાં વાર્તા છપાઈ જવા, સફળ થવા માટે કે કમાઈ લેવા માટે નથી લખવાનું. આ બહુ નાના નાના લક્ષ છે. તમે ગેરમાર્ગે દોરવાઈ શકો છો. આ ખોટું છે એવું નથી પણ તે મૂળ ઉદ્દેશ ના હોવો જોઈએ. અહીંયા એવા ઘણા દાખલા છે જે હિંદી ફિલ્મોમાં સફળ લેખક છે પણ સાહિત્યમાં ખરાબ લેખક છે. હું નવા લોકોને ફરી કહીશ કે તમારે સમાજ સેવા, માહિતી આપવા કે પછી ઉપદેશ આપવા નથી લખવાનું. પણ એટલા માટે લખવાનું છે કે લખ્યા વગર ચાલે એવી સ્થિતિ ન હોય  તો જ લખવાનું છે. અને તો જ લખાણમાં દમ આવે. કોઈ xyz ને ગમે છે એટલે નથી લખવાનું. 

#પુષ્કળ વાંચો વાંચો ને વાંચો એનો કોઈ જ શોર્ટકટ નથી.

ચાલુ ચર્ચાએ જ ચેતન-રીટા જે કેક લાવ્યા હતા તે કેકનું વિતરણ એકતા, નીલેશ, ધ.ત્રી, અને ચેતને મળીને કર્યું. અને સાથે સોફ્ટડ્રિન્ક. બેકડ્રોપમાં વાંદરાઓની મસ્તી, પક્ષીઓનો કલબલાટ અને વચ્ચે વચ્ચે નેહાની સેલ્ફી લેવાની પ્રક્રિયા ચાલતી રહી. ત્યાર બાદ ચેતન રીટા જેઓની એનિવર્સરી હતી તે નિમિતે એમને સાથે બેસાડી તેઓ પહેલીવાર કેવી રીતે મળ્યા અને એ પહેલી મુલાકાત કેવી હતી એની પૃચ્છાના જવાબમાં એમનું રસપ્રદ વર્ણન સાંભળ્યું અને  બાદમાં એ બન્નેના માનમાં  ફટાણા ગવાયા. અને સાથે થોડી ધમાલ મસ્તી પણ કરી.

હવે વારો હતો લાઈવ ટાસ્કનો જેમાં રાજુએ  ચેતન-રીટાની જેમ એક યુગલની પહેલી મુલાકાત ભજવવાની કહી જે અંતે મેરેજમાં પરિણમે. બબ્બેની જોડ બનાવી બધાને બોલાવ્યા. પુરુષને રીટા અને સ્ત્રીને ચેતન બનવાનું હતું. કોઈ જ સ્ક્રીપ્ટ વગર અને સામે વાળો શુ બોલશે એની પણ આગોતરી જાણ વગર આ સંવાદ કરવાના હતા. મોટાભાગના લોકો પોતાને જ અથવા ચેતન-રીટાને રિપ્રેસન્ટ કરતા હતા. રાજુ વારંવાર કહી રહ્યા હતા કે જરૂરી નથી કે તમે તમારી જાતને કે ચેતન-રીટાને જ ભજવો. તમે દુનિયાની કોઈપણ વ્યક્તિ હોઈ શકો. બધામાં સારું કહી શકાય એવું પરફોર્મન્સ નેહા-એકતા અને ઝંખના-વ્રજેશનું હતું. અને આ કસરત એટલા માટે હતી કે આવી પરિસ્થિતિમાં જ  કેવી રીતે  પાત્રમાં અંદર ઉતરીને એના જેવું વિચારીને કંઈક જુદી રીતે બોલી શકાય છે. એ શીખવાનું હતું જે વાર્તા લખવામાં મદદરૂપ થઇ શકે. 

લાઈવ ટાસ્ક બાદ ફરી તક મળતા નેહાએ વકીલની અદાથી કહ્યું  કે "આપણી વારેવાની વાર્તાઓ  ક્રિએટીવીટીમાં ઘણી આગળ હોય છે પરંતુ સંવેદના ખૂટે છે. શુ આપણા ટાસ્ક ઘટના પ્રધાન હોય છે?". બીજું કે સિનિયર લોકોને જે શરુઆતમાં વાર્તા લખવાની મુશ્કેલી પડતી હતી એ દૂર થઈ. પણ હવે એક અલગ લેવલના પડકાર આવે છે જેનું સમાધાન અહીંથી નથી મળી રહ્યું અને  અને એટલે અમે અહીં સમય નથી આપી રહ્યા. આ વાતમાં સમીરા અને રાજુલ પણ મારી સાથે સહમત છે. અમે અલગ અલગ જગ્યાએ અટકી ગયા છે.  રાજુએ કહ્યું કે "આ વખતે આપેલા મોટાભાગના ટાસ્ક સંવેદના સભર વાર્તા લખી શકાય એવા હતા અને એવી વાર્તા લખાઈ પણ છે જ. જેમ કે કલગી કથા જે બાપ અને દીકરીની સંવેદના રજુ કરતી જ વાર્તા છે. પરંતુ હું સંવેદના સભર લખાય એવી સ્થિતિ આપી શકું. સંવેદના તો વાર્તાકારે જ ઉમેરવાની હોય. અને એની ખાનાપૂર્તિ કરવાનો પ્રયાસ પણ કર્યો જ છે. જેની જાણ તમે છેલ્લા બે ત્રણ ટાસ્કથી નિષ્ક્રિય હોવાને કારણે તમને નથી. હું એવા ટાસ્ક આપી શકું પરંતુ એમને હાથ પકડીને લખાવી તો ન જ શકું. રહી વાત તમારી સમસ્યાની તો હું તમને અંગત મદદ કરી શકું." પરંતુ નેહાને જોઈએ તેવો સંતોષ મળ્યો ન હતો માટે દલીલ ચાલુ જ હતી, જેથી રાજુએ પરાગને બોલાવી પૂછ્યું કે તમારું શુ કહેવું છે ? પરાગનો પણ જવાબ એ જ હતો કે એ વાત તો વાર્તાકાર પર નિર્ભર છે. છતાં રાજુએ ઘટતું કરવા તૈયારી બતાવી.

હવે વારો હતો પ્રશ્નોત્તરીનો જેમાં નેહા દ્વારા પૂછયેલ પ્રશ્ન જેમાં એકતા પણ સહમત હતા કે છાયાના લેવલે કેવી રીતે પહોંચાય !. રાજુ નો જવાબ- છાયા છાયા છે. અને એકતા એકતા છે. છાયા જેવું છાયા જ લખી શકે. એકતાએ સાથે એ પણ પૂછ્યું કે " ટેકનિકલી પરફેક્ટ કે સારી વાર્તા કેવી રીતે મળી શકે ?" રાજુ એ એકતાને થોડો પોઝ લઈને કહ્યું કે "સવાલ થોડો વિચિત્ર છે પણ હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ કે તમે જે વિષય લો તે અને એનું પ્રેઝન્ટેશન  રસપ્રદ હોવુ જરૂરી અને સવાલ તમારો છે માટે હું  વ્યક્તિગત રીતે તમને એવું કહીશ કે તમારી વાર્તામાં નાટ્યત્વ ખૂટે છે. કોઈ પણ વાર્તાને રસપ્રદ બનાવવી હોય તો એને ત્રણ રીતે બનાવી શકાય હ્યુમર, નાટય અને પાત્ર અને પાત્રનો અનેક્સપેક્ટેડ વ્યવહાર. જેમ કે એક એડ છે એમાં એક કાર ડ્રાઈવર પાછળ બેઠેલા માલિક પાસે બે દિવસની છુટ્ટી માંગે છે. છુટ્ટી ક્યોં ચાહિયે ના જવાબમાં ડ્રાઈવર  જણાવે છે કે "સર શાદી હૈ" . માલિક પૂછે છે કે "કોન હૈ વો લડકી"? ત્યારે તે જવાબ આપે છે "સર આપકી હી બેટી હૈ" અને ત્યાર પછીનો માલિકનો જવાબ હજી રસપ્રદ કે "ગુડ ચોઈસ" આગળ શું થયું એ વાત જુદો મુદ્દો છે પણ દીકરીના બાપ સામે મેરેજ પ્રપોઝલની વાતની રજુઆત કેટલી જુદી રીતે થઈ છે એ જોવાનું છે. એવું કરવા માટે પહેલા આવેલા ત્રણ વિચારોને ફગાવી દો અને ચોથો વિચાર શુ હોઈ શકે એ વિચારો.
જ્યોતિનો પ્રશ્ન અભિધા, વ્યનજના, લક્ષણા  અને તેનો વાર્તા સાથે શુ સંબંધ ? એના માટે રાજુનો જવાબ એ હતો કે પહેલા જે બ્લોગમાં અવૈલેબલ છે એને વાંચો.

હિરલનો પ્રશ્ન " કે વિષય નવો હોય તો એના માટેની જાણકારી કેવી રીતે મેળવવાની ? " રાજુનો જવાબ " એના માટે જીવવું પડે ઉદાહરણ તરીકે 'ગે મેરેજ' જો તમારો વિષય છે તો એના માટે જેટલી વાર્તા લખાઈ છે એ વાંચો. અને તમારી આસપાસ ના લોકોમાં કોઈ ગે હોય તો એને ઓળખો. ધારો કે તમને ખબર પડે ફલાણી વ્યક્તિ ગે છે તો તમે એને જઈને સીધુ ના પૂછી શકો કે હે તમે ગે છો ? It will never work. એના માટે  તમારે એ વ્યક્તિને તોડવી પડે છે અને વાત કઢાવવી પડશે. શરદ બાબુએ અને મંટો એ આ જ કર્યું છે. વૈશ્યાઓએ ક્યારેય મંટોનો વિરોધ નથી કર્યો. તેઓને હંમેશા મંટો પોતીકા જ લાગ્યા છે. 

નીલેશ મુરણી એ પોતાનો વ્યક્તિગત સવાલ પૂછ્યો કે એકતાની જેમ મને પણ કશું કહો. ત્યારે રાજુએ કહ્યુ કે "તમારી વાર્તામાં મોનોટોની છે. અને લાઘવ નથી. અને તેના માટે મારે તમને વિચિત્ર પરિસ્થિતીમાં મુકવા પડશે. એના માટે તમારા માટે અલગ ટાસ્ક ઘડીશ."

વચમાં રૈના વરસાદી ઝાપટાની જેમ પોતાના સ્ટીલના ડબ્બાની પૂછપરછ માટે આવ્યા. રાજુ એ પૂછ્યું કે  નુકશાન ભરપાઈ થાય એવું છે ? આની જવાબદારી સંસ્થા ઉઠાવે એમ ઇચ્છો છો ? રૈનાએ કહ્યું "બિલકુલ નહીં પણ ડબ્બો મહત્વનો હતો."

નિયતીનો પ્રશ્ન " વારેવા વાર્તામાં વાર્તા ટીપાયા પછી એમાં સુધારો કરીને  ફરીથી મૂકી શકાય." રાજુએ સમજાવ્યું કે "એવું ના થાય કેમકે એટલી બધી વાર વાંચવા માટે તમે કોઈને પરવશ ના કરી શકો. અને બુદ્ધિની પણ એક મર્યાદા હોય છે. પહેલા જે રસપૂર્વક વંચાયું હોય એ ફરીથી ન પણ વંચાય". 

હવે વારો હતો ટાસ્કમાં જીતેલાઓને પુરસ્કૃત કરવાનો. પરંતુ એક પણ ટાસ્ક વિજેતા શિબિરમાં આવ્યા ન હોવાથી નવોદિતો ને એમના બદલે આપીને સર્ટિફિકેટ સેરેમની કરી મને પણ રાજુએ સર્ટિફિકેટ આપવા ઉભી કરી ત્યારે સેલેબ્રીટીની ફીલિંગ આવી હતી.


છેલ્લે જેના માટે વીસ કલાક ફાળવ્યા હતા એ સિરિયલની ચર્ચા. સીરિયલમાં શુ ગમ્યું કે શું ખાસ હતું. એના જવાબ-
- એકતાનું એવું કહેવું હતું કે કંઈ ખાસ નહોતું. સિમ્પલ સિરિયલ હતી. એના કરતાં આપણી હસરતે સિરિયલ સરસ હતી.
- કોઈને સ્ત્રી પીડિત લાગી તો કોઈને દાનીશનો પ્રેમ અદભુત, કોઈને રૂમી ગમ્યો. તો કોઈને મહેવીશનો પ્રેમી. કોઈને એનું થીમ સોન્ગ. તો કોઈને એનો અંત બરોબર ન લાગ્યો.
રાજુએ જણાવ્યું કે "નૈતિકતાની દ્રષ્ટિએ સિરિયલ કેવી હતી કે કેવી હોવી જોઈતી હતી એની ચર્ચા નથી કરી રહ્યા પણ સૌથી અગત્યની વાત જે જવાબ કોઈએ નથી આપ્યો. અને બધા ચુકી ગયા છે તે એના સંવાદ હતા. એક સિમ્પલ વિષય વાળી સીરીયલ ને સંવાદથી કેવી રીતે આટલી સુંદર અને સફળ બનાવી શકાય એનો ઉત્તમ નમૂનો આ સિરિયલ છે. ઉદાહરણરૂપે નાયકને પિતાની શીખ હંમેશા  યાદ આવ્યાં કરતી હોય છે કે આ જનતાનો પૈસો છે. જે જનતાના કામમાં વાપરવો જોઈએ. અને જ્યારે પત્નીના શોખ પૂર્તિ માટે નાયક લાંચ લે છે. અને પત્ની પૂછે છે કે આ પૈસા કયાંથી આવ્યા ત્યારે નાયકનો જવાબ " અબ્બા કી કબર પર લાત મારકર આયા". 
ત્યારબાદ  વધેલા લોકોએ રાજુની ગુરુ દક્ષિણા આપી અને ફોટોસેશન કર્યું અને સૌ પોતપોતાના ઘરે જવા પ્રસ્થાન કર્યું. 









6 comments :

  1. ખૂબ સુંદર વર્ણન.. વાંચતી વખતે વાંચનારની હાજરી ત્યાં જ હોય તેવું લાગ્યા કરે એવો અહેવાલ..

    ReplyDelete
  2. વાહ! તમારી યાદશક્તિને સલામ. સુંદર અહેવાલ

    ReplyDelete
  3. Jagu really u truly deserve to be first person to initiate this task khub khub khub sunder ehvaal keep it up wo derfyl no words to describe your work

    ReplyDelete
  4. ક્યાં બાત હે જાગુ.
    બહોત ખૂબ

    ReplyDelete