Friday 27 August 2021

વારતા શિબિર (૧૦) અમદાવાદ – પૂજા કલ્પના ત્રિવેદી રાવલ

 



 ૧૫ ઓગસ્ટ ૨૧ - અમદાવાદ  – પૂજા કલ્પના ત્રિવેદી રાવલ   

કસરતબાજ લેખકોની ધર્મભ્રષ્ટ કરાવનાર શિબિર.


તમે કોઈ તપસ્યા કરી છે? તપસ્યામાં એકાગ્ર ચિત્તે ધ્યાન ધરવું પડે. 

 

આ પંદર ઓગસ્ટે અમદાવાદમાં સ્ક્રેપયાર્ડ ખાતે એક અનોખી સ્વતંત્રતા મળી. ધર્મ અને માનસિકતામાંથી આઝાદ થયાની આ પળ કેમે કરીને ભૂલાય તેવી ન હતી. ચાલો, માંડીને આસ્વાદ કરીએ. 

 

એક તપસ્વી મુંબઈ જેવી મહાનગરીથી કલમ અને જ્ઞાનની ઝોળી સાથે અમદાવાદનાં આંગણે ઉતર્યા. સવારે લગભગ અગિયાર વાગ્યાથી ધ.ત્રી. , તારાબહેન, અર્ચિતાબેન , જિગિષાબેન , સ્વાતિ બેન , ફાલ્ગુની બહેન , જાગુબહેન , ક્રિષ્ના, અમૃતભાઈ, ફરીદભાઈ અને વ્રજેશ ભાઈ સાથે નવાં આગંતુક ધ્રુવ પ્રજાપતિ વગર કોઈ ઓળખાણે વાત કરી રહ્યા હતાં અને હું પણ પહોંચી. ફરાળનો મેસેજ વાંચી ફ્રુટ લઈ પહોંચેલી મેં મોડા આવવાના રંજ સાથે મુકાયેલાં કદમ રાજુને ન જોતાં ઉત્સાહમાં આવી ગયા. 

 

અમૃતભાઈ અને હિમાંશુભાઈ પણ થોડા સમયમાં આ અભિયાનમાં જોડાઈ ગયા. 

 

શિબિર એ પણ વાર્તા ની... થોડું અટપટું હતું. એક પરિવાર કે જે ક્યારેય રૂબરૂ મળ્યો જ નથી તે એક વાર્તા શિબિરમાં અમુક નવાં ચહેરા સાથે મળી રહ્યો હતો. ઘણાં ઘણાં પ્રશ્નો અને ઘણી અવઢવ હતી મનમાં. 'શું થશે? શું રાજુ ખરેખર કડક માસ્તર હશે? કંઈ શીખવા તો મળશે ને? મારે તો શ્રાવણ મહિનો છે. આજે દિમાગનો ઉપવાસ ના થાય તો સારું. અરે હું તો આમાંથી ચારેક જણાને જાણું છું. છાયાબેન આને જાગુબેનને ફોટામાં જોયેલાં છે. હમમમ... ચાલો કંઈક કરી લઈશું. ' નાં વિચાર સાથે જગ્યા પર ગોઠવાઈ ગયા પછી રાજુની એન્ટ્રી થઈ એ સમયે પળભર બધું ભૂલાઈ ગયું. જાણે શૂન્યતા વ્યાપી ગઈ.એકબીજાને ઓળખવાની વાતમાં જ રાજુએ પહેલો ચોગ્ગો માર્યો. અહીં બેઠેલ દરેકની એક જ ઓળખ છે કે તેઓ લખે છે. કહીને એક આત્મીયતાનો બંધ બનાવી રાજુ અને છાયાએ વારેવા મેગેઝિન વિશે વાત કરી. આપણાં પોતાનાં મેગેઝિન માટે વાત થતી હોય ત્યારે ઉત્સાહ કેવો હોય એ કહેવાની શું મારે જરૂર છે

 

આ પછી વાર્તા માટેનાં અલગ-અલગ સાધન સરંજામ વિશે સવાલો નીકળતા ગયાં. 

 

વચ્ચે એક શબ્દ 'બીજાની વાતની શિબિર' પણ ઉદ્ભવ્યો. 'બીજા કહે છે ' પુરાણ લંચ બ્રેક સુધી ચાલ્યું. પછી પેટપૂજા અને જીભને દક્ષિણા અપાયાં. 

 

ફરી એકવાર પ્રશ્નોત્તરી અને નવાં આયામો ચાલ્યા. વિદેશી ડિરેકટર, વિદેશી લેખક , ગાળ અને અપશબ્દોનો ઉપયોગ, વિદેશી કથાઓ, વિદેશી નાટકો અને અવર્ણનીય ઉદાહરણોએ મગજ પર એક એવી અદ્ભુત ઉર્જાનું સ્તર ચડાવ્યું કે જેની કોઈ મિસાલ નથી. 

પ્રશ્નોત્તરી અને જવાબો રસપ્રદ અને ઉપયોગી હતાં કેટલાક સવાલોની ઝાંખી. 

 

*"મારી વાર્તા બહુ સરળ હોય છે તો વાર્તા કેવી લખવી?"*

 

રાજુનો જવાબ: 

 

કોણે આપને કહ્યું કે વાર્તા સરળ છે? શું એ કોઈ સફળ અને બધું જ જાણનારા લોકો છે? જો ના... તો ફક્ત વાંચન વધારો... ત્યાં સુધી વાંચો કે તમારો માંહ્યલો પોકારે કે 'અલ્યા કેટલું વાંચીશ? હવે તો કંઈક લખો.." અહા! કેટલી ગહન વાત

 

 

*"એક વખત વાર્તા લખાઈ ગયાં પછી બીજી વખત વાંચીએ તો ગમતી નથી.. કેમ?"* 

 


રાજુનો જવાબ:

 

આવું ન થાય તો પ્રોબ્લેમ કહેવાય.. હજુ તમે પેલાં અફેક્શનવાળા (મેલે બાબુને થાના થાયા) વાળા વાર્તાનાં પ્રેમમાં છો... જ્યારે ખરેખર મેચ્યોર પ્રેમનું આ પહેલું પગથિયું છે. થોડી કસરત કરો વાર્તા વાંચો અને વિચારો કે એમાં તમને શું ગમ્યું? જો વાર્તા ગમી તો કેમ ગમી અને ન ગમી તો કેમ ન ગમી? (શું વાત છે?)

 

*"એક પછી બીજો , બીજા પછી ત્રીજો..‌ પણ જ્યારે છેલ્લો ડ્રાફ્ટ થાય ત્યારે વાર્તા કંઈક અલગ જ હોય છે. આવું કેમ?"*

 

રાજુનો જવાબ: 

એટલે તમને પ્રોબ્લેમ ડ્રાફ્ટ કરવાનો છે? અને તમને એ છેલ્લા ડ્રાફ્ટ ની વાર્તા ગમે છે કે નહીં? જો ના તો હજુ ડ્રાફ્ટ ની જરૂર છે. અને જો હા તો પ્રોબ્લેમ શું છે

 

*"સંવેદનાનું વાર્તામાં શું મહત્વ?"* 

 

રાજુનો જવાબ:

 

સંવેદના એ વાર્તામાં મેઈન લીડમાં હોવી જોઈએ. અને કથાનક સેકન્ડ લીડમાં. જો વાર્તામાંથી સંવેદના ખોવાઈ જશે તો કશું નહીં બચે. કારણકે જેમ જો તમે કોઈ એક્સિડન્ટ જુઓ અને માણસનું સ્થળ પર મૃત્યુ થાય તો તમને દુઃખ કેમ થાય? કારણકે તમે તમારી પોતાની જાતને એ પરિસ્થિતિ સાથે સાંકળો છો. બસ એ જ રીતે જો કોઈ તમારી વાર્તાની સંવેદનાથી જોડાય તો એ વાર્તા સારી લખાઈ છે. ( અમુક સમયે નાની વાત સમજવાની ન હોય અનુભવવાની હોય. આ જવાબમાં પણ કંઈક આવું જ થયું.) 

 

*"વાર્તામાં અંત આઉટ ઓફ બોક્સ કેવી રીતે આપવો? કારણ કે અમુક નિર્ણય તો હું મારાં વ્યક્તિત્વ પ્રમાણે જ લઉં તો લેખક છતો થઈ જાય.. આને પાછો એ ડર પણ રહે કે જે મને ઓળખે છે એ શું વિચારશે?"*

 

રાજુનો જવાબ: 

તમે જે દિવસથી વાર્તા લખવાની શરૂઆત કરી એ જ દિવસથી તમે ધર્મભ્રષ્ટ થયાં. એ ક્યારેય જરૂરી નથી કે વાર્તાનાં પાત્રો તમે લો એવો જ નિર્ણય લે. તો એક લિસ્ટ બનાવો કે તમે ક્યાં ક્યાં ઓપ્શન વિચારો. જેમકે ધારો કે એક પતિની નોકરી છૂટી જાય છે. પત્ની એને મદદ કરવા ચાહે છે. અને સરળતાથી ફરી પગભર થવા માંગે છે તો તમે શું વિચારો? એ ઓપ્શન્સને ભૂલી જાવ.. એ સિવાય? એ સિવાય શું થઈ શકે? બેંક લૂંટ? કે કંઈક બીજું? બસ આ જ આઉટ ઓફ બોક્સ અંત... (કેટલી સરળતાથી સમજાવ્યું?)

 

આ સિવાય કરાયેલી કસરતમાં પણ આની ઝલક જોવા મળી.




 



હજુ 'અરે, યે તો કુછ નહીં, હમારે યહાં તો...' વાળો બોમન ઈરાનીનો ડાયલોગ યથાર્થ રૂપે ફળે એમ સલીમ, અકબર, પરેશ રાવલ , નાના પાટેકર, નસરૂદ્દીન શાહ અને બચ્ચનજી નાં ઉદાહરણ હજુ મગજમાં શબ્દશઃ વ્યાપ્યા છે. 

 

અને પછી વારો હતો સાહિર લુધ્યાન્વીજીનો

 

'

कौन रोता है किसी और की ख़ातिर दोस्त

सब को अपनी ही किसी बात पे रोना आया '

 

આહાહા... શું વાત હતી.. મારા મોંમાંથી તો નીકળતા રહી ગયું કે 

 

"એક તો યે લફ્ઝ બેમિસાલ હૈ,

ઉપરસે ઈસે કહેનેવાલા ભી કમાલ હૈ"

 

બસ અને પછી વાત આવી અનોખી ચર્ચા ની...






 

મનોવ્યાપાર, સંઘર્ષ , સંવેદના, આઉટ ઓફ ધ બોક્સ જેવાં વિષયોની ચર્ચા કરવાની...

 

 

રાજુ અને એમના શિબિરાર્થીઓએ ત્યાં રિહર્સલ કરાઈ રહેલાં નાટકનાં મિત્રોને એટલાં અભિભૂત કર્યાં કે તારીખ ૨૮-૨૯ ના નાટક જોવાં આવવાનું આમંત્રણ પણ લઈ આવ્યા. 

 

આ પછી રાજુએ એક સરસ વાક્ય દ્વારા દરેક શિબિરાર્થીનુ શિબિરમાં જોડાવાનું ધન્ય કરી દીધું. 

 

"જો વાર્તા લખવી હોય તો ધર્મભ્રષ્ટ થવું પડે.. પરકાયા પ્રવેશ તો ઠીક છે પણ બાળકની જેમ માસૂમિયત અને વાંદરાની જેમ નટખટતા કેળવવી પડે.. " 

 

અને અમે સૌ ધર્મભ્રષ્ટ થવાની કસમ સાથે ‌અંત તરફ આગળ વધ્યા. એક લાઈવ ટાસ્કનો મોકો પણ લીધો અને અમારી વાર્તાની સફર અમે એક જોશ સાથે શરૂ કરી..

 

કારણકે.

 

 









"ભલેને નથી આવડતાં છંદોબદ્ધ કાવ્યો,

નથી વાર્તામાં અત્યાર સુધી ભલેવાર આવ્યો...

 

પણ અંત એક નવી શરુઆત જ્યાં લાવ્યો,

એવી આ પહેલાં પિરિયડનો ઘંટ સમય સાથે ગાજ્યો... "















 

#######

9 comments :

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. લગભગ બધા મુદ્દા આવરી લેવામાં આવ્યા છે. અહેવાલ ગમ્યો. 😊👍

    ReplyDelete
  3. આ અહેવાલમાં એ દિવસની થોડીક ઝલક મળે છે. કેટલીક વાત અધ્યાહાર રાખી છે. દા. ત. લાઇવ ટાસ્ક શું હતો?

    ReplyDelete
  4. અહેવાલ આટલા દિવસે છતાં તાજો આવ્યો ! અહેવાલ લખવાની તાજગીને સલામ.

    ReplyDelete
  5. વાહ. અહેવાલ વાંચવાની પણ શિબિર ભર્યા જેટલી જ મઝા આવી.

    ReplyDelete
  6. સ-રસ અહેવાલ. લાઈવ ટાસ્ક શું હતો, એના પ્રતિભાવ વગેરે જણાવ્યું હોત તો વધુ મજા આવત.

    ReplyDelete
  7. એનાં માટે શિબિર ભરવી પડે... પણ એક ટ્વિસ્ટ કેવું હોઈ શકે એનો... પાત્રોનો વિરોધાભાસ પોતાના જ વર્તનમાં કેવી રીતે આણવો તે...

    ReplyDelete
  8. અહેવાલ સરસ છે. લાઇવ ટાસ્ક વિશે લખવાની જરૂર છે.

    ReplyDelete