Tuesday 31 August 2021

વારતા શિબિર (૧૦) અમદાવાદ : ક્રિષ્ના આશર

 

વારતા શિબિર અહેવાલ : ૧૫ ઓગસ્ટ ૨૧: અમદાવાદ : ક્રિષ્ના આશર.




 

વાર્તા રે વાર્તા ગૃપમાં જોડાયાને માંડ બે ત્રણ મહિના થયા છે એટલે આ મારી પહેલી જ શિબિર અને ગૃપમાં પહેલી જ પોસ્ટ. 

 

સમય કરતાં અરધો કલાક મોડી પહોંચી ત્યારે #રાજુનો અગાધ, અસ્ખલિત વાણી  પ્રવાહ ચાલુ હતો, જેમાં તરત જ કનેક્ટ થઈ શકી. પછી તો સવાલ, જવાબ, માહિતી, મૂંઝવણ અને ઉકેલનો આ સિલસિલો  સાંજે 6.30 સુધી ચાલ્યો. વચ્ચે લંચ ટાઈમે ડબ્બા પાર્ટીની અધધધ મિજબાની કરી. 

 

પરિચય વિધિ ની સાથે જ રાજુએ પૂછ્યું, "શા માટે લખવું છે ?" જવાબ આપ્યો, "અંદરથી કશુંક સળવળે છે, ધક્કો મારીને શબ્દો કે ઘટના બહાર આવે છે ક્યારેક અનાયાસે. નિરાંતના સમયમાં કાગળ કલમ લઈને બેસું તો કશું નક્કર લખી શકાતું નથી, પણ અતિશય કામમાં હોઉં ત્યારે કૈંક ને કૈંક સ્ફૂરે છે, એટલે બસ એક ડાયરી અને પેન હાથવગા રાખું છું, અન્યથા બધું બાષ્પીભવન થઈ જાય છે."  રાજુએ ક્હ્યું , " ખૂબ સ્વાભાવિક છે આ બાબત, એમ જ રહેવા દો. આપણે કૉલમ રાઈટર નથી, કે જેણે અમુક સમયે અમુક લખાણ ફરજિયાત ઢસડવુ જ પડે." 

 

એક પ્રશ્ન હંમેશા સતાવતો, "હાઉ કેન વી થીંક આઉટ ઓફ બોક્સ?"   એ બાબત પણ ઉદાહરણ સાથે સમજાવવામાં આવી.  કોઈ નવપરિણીત ગૃહિણી ધનવાન સાસરિયાંની આર્થિક ભીંસ વિશે જાણે તો ક્યા પગલા ભરે..? મારું સરળ મન એક જ વિકલ્પ વિચારી શકતું હતું કે જેનાથી વાર્તા આદર્શ, સામાજિક અને બીબાઢાળ જ બને. #પોતાના_દાગીના_ગીરવે_મૂકવા_સોંપી_દે. પણ રાજુએ મગજ કસાવ્યુ કે ધારો કે દાગીના છે જ નહીં. હવે આ મૂંઝવણના અન્ય ઉકેલ નહીં કહે ત્યાં સુધી તમારી દીકરીને  કિડનેપ કરી હોય તો તમે  શું કરો ?...અને મેં ‘થીંક આઉટ ઓફ બોક્સ ' વિચાર્યું.. દિલ પર પથ્થર મૂકીને. "ગૃહિણી ચોરી કરે..! તફડંચી કરે.! શરીર વેંચે ! જુના પ્રેમી પાસે માંગે ! અરે.... આ જ હતું બોક્સની બહારનુ જગત. 

 

સ્ત્રી છું, સંવેદનાઓ ભારોભાર છે. અમુક ઘટનાઓ, બાબતો કે વિષયો પુરુષોને સ્પર્શે છે એના કરતાં અનેકગણા વધારે અમને, સ્ત્રીઓને સંવેદી જાય છે. પરંતુ  આ બાબતને જ્યારે શબ્દદેહ આપવાનો થાય ત્યારે કૈં કેટલાય સામાજિક, ધાર્મિક, કૌટુંબિક અને સાંસ્કૃતિક બાબતો ની જડતા સાંકળ બનીને હાથને બાંધી લે છે અને પછી કલમને ડાયરીમાં મૂકીને શેલ્ફમાં મૂકી દઈએ છીએ, સાથે સંવેદનાઓ પણ.  અહીં પણ એ જ સમજાવવામાં આવ્યું કે લેખકનો ધર્મ એ માત્ર અને માત્ર લખવું એ છે. કોઈ ધર્મ, રિવાજ કે સમાજની જડ સાંકળ એને બાંધી ન શકે...કારણકે સાચા લેખકનો કોઈ ધર્મ નથી.  હા, લેખક બનવાનું સ્વિકારો છો ત્યારે જ તમે ધર્મ નિરપેક્ષ કે ધર્મભ્રષ્ટ બની ચૂક્યા છો. માટે બસ લખો...જે સંવેદના હોય એ હિચકિચાહટ વગર લખો. અને મેં લેખક ધર્મ અંગીકાર કરી લીધો. 

 

#ખૂબ_વાંચો. એમ પણ કહેવામાં આવ્યું કે, " એટલું વાંચો કે અંદરથી ધક્કો લાગે કે કેટલું વાંચીશ, હવે તો લખ." હા... બાળપણથી ખૂ...બ વાંચું છું પણ એ શોખ માટે, આનંદ માટે અને જાણે બીજા જ જગતમાં વિહરવા માટે. કેવી રીતે લખાય એ જાણવા માટે વાર્તાને કેવી રીતે વંચાય, પૃથ્થકરણ કરાય અને આત્મસાત કરીને કૈંક શીખી શકાય એ બાબત શિબિરમાં જ જાણવા મળી. એ માટે ધર્મેન્દ્રભાઈ ત્રિવેદીએ પુસ્તક પણ સૂચવ્યું છે, અનુપમ ભટ્ટ લિખિત "વાર્તા વાંચવાનું શાસ્ત્ર".  આભાર ધર્મેન્દ્ર ભાઈ. 


 

#વાર્તામાં_સંવેદના_તત્વનું_હોવું...કેટલુંક મહત્વનું..? ખૂબ સરસ રીતે સમજાઈ ગયું જ્યારે રાજુએ સાહિર લુધિયાનવીનો પ્રતિષ્ઠિત શેર કહ્યો કે

"કૌન રોતા હૈ કીસી ગૈર કી ખાતિર એ દોસ્ત,

સબ કો અપની હી કીસી બાત પે રોના આયા."

હાઆપણી પોતાની સંવેદનાઓ પાત્રમાં ભળે ત્યારે જ વાર્તામાં સંવેદના તત્વ ભળે છે, જે ખૂબ જ સ્વાભાવિક પણ છે. 

 

પોતાની જ વાર્તા દર વખતે વાંચવાથી અલગ લાગે, સુધારાની જરુર લાગે કે અંત સુધી માં ઘણા ફેરફાર થઈ જાય એવું બને ત્યારે..આનો પણ સોલ્લિડ ઉત્તર કે પહેલી જ વાર લખીને તમારા જ લખાણ ના પ્રેમમાં નથી પડી જવાનું (નવા પ્રેમી ની માફક !) પણ  એને મઠારીને , વિચારીને પરિપક્વ ફેરફાર કરવા જરુરી છે. અંત સુધી પહોંચતા ઘણું બદલાઈ જતું હોય તો એ વાર્તાનું વહેણ છે...વહેવા દો... અને ફાઈનલ ડ્રાફ્ટ ચકાસો. એ યોગ્ય લાગે તો બધું બરાબર. 

 

સમાપન પહેલા #રાજુએ ટાસ્ક આપ્યો કે બે વ્યક્તિના નામ લખો. એક કે જેના પ્રત્યે આદરભાવ છે. બીજું જેના પ્રત્યે ધિક્કાર છે. અમે લખ્યું. કારણ પણ કડકડાટ મોઢે. પણ ટાસ્ક કોને કહે...એ પણ ધૂરંધરનો...! કહે કે હવે આદરણીય વ્યક્તિ વિશે ચાર વાક્ય નકારાત્મક અને ધિક્કારપાત્ર વિશે ચાર હકારાત્મક લખો. મગજ ચડ્યું ચકરાવે...સીધું બોક્સની બહાર ! આ રીતે તો કદી વિચાર્યું જ નહોતું. સમજાઈ ગયું #બોસ...કે  થીંક આઉટ ઓફ બોક્સ કેવી રીતે વિચારી શકાય. 

 

#આભાર શબ્દ બહુ વામણો લાગશે. 

#સલામ છે રાજુ તમને...

શિબિર, ચર્ચા, ઉકેલ, મૈત્રીભાવ અને સહકાર બદલ.

 



નવા મિત્રોનો ખજાનો :- 

પૂજા, જાગુ, છાયા, હિમાંશુ, ફરીદ.

 

ફરી શિબિરની ઈંતેજારી સાથે....

 

****

 

4 comments :

  1. સરસ વિગતવાર અહેવાલ.

    ReplyDelete
  2. સરસ. લગભગ બધી વિગતો આવરી લીધી.

    ReplyDelete
  3. ક્રિષ્ના ટુંકાણમાં પણ ઘણું બધું આવરી લીધું. સરસ અહેવાલ.

    ReplyDelete
  4. આ જ મજા છે દરેકેદરેક શિબિરાર્થીના અહેવાલ વાંચવા લખવામાં.. દરેક જણ જુદાં જુદાં ખૂણેથી શિબિર જુએ છે અને એ બધાનો લાભ અહેવાલ વાંચનારને થાય. 👍👍👍

    ReplyDelete