Sunday 5 September 2021

વારતા શિબિર (૧૦) અમદાવાદ - જાગુ પટેલ

 

વારતા શિબિર અહેવાલ -૧૫ ઓગસ્ટ ૨૧-અમદાવાદ - જાગુ પટેલ











 

સ્ક્રેપ યાર્ડ…(નામ તો સુના હિ હોગા.)

કોરોનાને કારણે લગભગ એક વર્ષને પાંચ મહિને ફરીથી ઑફલાઈન વાર્તા શિબિર નિર્ધારિત થઈ હતી. માટે ફરીથી પ્રત્યક્ષ રૂબરૂ થવાનો વિચાર જ રોમાંચ જન્માવતો હતો.

હું આવવાની હતી ત્યારે મારા એક સંબંધી પૂછતા હતા કે "ક્યાં જવાનું અમદાવાદમાં" મે કહ્યુ "સ્ક્રેપ યાર્ડ" તો કહે સ્ક્રેપ યાર્ડમાં શીખવા જશો ! મે કહ્યુ "હા" સ્ક્રેપ થયેલા સ્વનું રિસાયકલ કરવા… 

સામે વાળા આગળ શેખી મારવા આવી હોશિયારી ક્યારેક હું મારી લઉં.

 

વડોદરાથી વાર્તા શિબિર માટે હું જરાક વહેલી અમદાવાદ પહોંચી ગઈ. પહેલા એક વાર આવી ગયેલી હોવાથી જગ્યા અજાણી નહતી માટે સીધે સીધું અંદર પ્રવેશી જ ગઈ. જ્યાં ધર્મેન્દ્ર ત્રિવેદી અને એમની સાથે આવેલા યુવક ધ્રુવ પહેલેથી રાહ જોઈને બેઠા હતા. ધ.ત્રી સાથે વાતો કરવાની તક ઝડપી હું એમની સાથે વાતોએ વળગી. તે દરમ્યાન સ્વાતિ, અર્ચિતા, ઝરણા, પૂજા, જિગીષા અને અર્ચિતા….બધા વારા ફરતી આવ્યા પણ હજી સૂત્રધાર નહતા આવ્યા. હું વાતોમાં હતી એટલે આવવાના ક્રમમાં કોઈનું નામ આઘુ પાછું લખાયું હોય તો ચલાવવું પડશે…,

જેટલા આવ્યા હતા તેટલા અંદર પ્રવેશ્યા. સ્ક્રેપ યાર્ડની પાછળની ખુલ્લી જગ્યામાં આજે નાટકનું રિહર્સલ હોવાથી બધાં રૂમમાં જ ગોઠવાયા. એકાદ બે સેલ્ફી લીધી હશે ત્યાંજ સૂત્રધાર અને એમની સાથે ઘુંઘરાળાવાળ વાળી સુનિતા પ્રવેશ્યા. 

રાજુને ઓલરેડી મોડું થયું હોવાથી સમય ન વેડફતા શીબીર ચાલુ કરવા રાજુએ સ્થાન ગ્રહણ કરી લીધું. અને એમની સામે ગોળાકારે અમે પણ ગોઠવાઈ ગયા. થોડીક મીનીટો બાદ અમૃત, ફરીદ, છાયા, ક્રિષ્ના, ફાલ્ગુની વારાફરતી આવ્યા અને ગોઠવાયા. 

શિબિરમાં જૂના અને નવા શિબીરાર્થી સાથે હોવાથી રાજુ બોલ્યા કે -

"દરવખતે આવું જ કંઇક થાય છે. જૂના, નવા ભેગા હોય એટલે હું જો એકડેકથી ચાલુ કરું તો જૂના શિબીરાર્થી માટે બધી વાતોનું પુનરાવર્તન થાય. અને જો જૂના લોકોને ધ્યાનમાં રાખું તો નવા લોકોને અન્યાય થાય માટે આ વખતે આપણે થોડું અલગ રીતે લઈએ. તો મારો તમને પહેલો પ્રશ્ન એ છે કે આ શિબિર પાસેથી તમારી શું અપેક્ષા છે? તે વારાફરથી જણાવો. ફક્ત નામથી તમારો પરિચય આપી દો. બીજા બાયોડેટાની કોઈ જ જરૂર નથી. શરૂઆત છાયાથી કરીએ.


છાયાએ તો સીધી વારેવા મેગેઝીનની જ વાત છેડી દીધી. એમને આનામી એક વ્યક્તિ જેમને આંઠ ડ્રાફ્ટ સુધી જરૂરી સુધારા વધારા કર્યા હતા અને છતાંય હજી સુધારા માટે એમની તત્પરતા હતી તો એવી લેખકની તત્પરતા અને એક સારી વાર્તા મળે એવી તેને અપેક્ષા હતી. એટલે રાજુએ મજાકમાં કહ્યું છાયા સીધા મુદ્દા ઉપર જ આવી ગયા. 

ત્યારબાદ ક્રમશઃ બધાએ આ શિબિર પાસે તેઓની શું અપેક્ષા છે તે જણાવી. તેમાં મુખ્યત્વે ----

~ વાર્તા વાચકને સ્પર્શે એમ કેવી રીતે લખવી.

~ વાર્તા લખતી વખતે તેના ભાવમાં ઓતપ્રોત થઈને લખાય તો છે. પણ પછી એવું લાગે છે કઈક ખૂટે છે. 

~ સારી સારી વાર્તાઓ ક્યાં વાંચવી અથવા આ લેખન પ્રક્રિયા મદદરૂપ થાય એવું વાંચન કયું કરવું.

~ મારી દરેક વાર્તાના નાયક સ્ત્રી પાત્રોમાં હું વણાઈ જાઉં છું. જેને મારે છોડવું છે પણ નથી છોડી શકતી.

~ મારી વાર્તા બીજાને વધુ સરળ લાગે છે.

~ મારી વાર્તા બીજા એમ કહે છે કે ખૂબ લાંબી થઇ જાય છે.

~ મારી વિજ્ઞાનની ઇન્ફોર્મેશનને વાર્તામાં કેમની લાવવી.

~ રોમેન્ટિક લખવું નથી ગમતું. અથવા ફાવતું નથી. પણ અર્બન અને ગ્રામ્ય બન્ને બેકગ્રાઉન્ડ વાળી ટુંકી વાર્તા લખવાની ઈચ્છા છે.





"બધાની શિબિર પાસેથી જે અપેક્ષા એને સંતોષું એ પહેલા હું વાર્તા વિશે બે શબ્દ કહીશ." એમ કહેતાં ખુરશી ઉપર બિરાજમાન રાજુએ ઊભા થઈને ફરી બોલવાનું ચાલુ કર્યું.

કે "આપણે વાર્તા માટે શું કરી શકીએ ? જો તમે વાર્તા લખવા ઈચ્છતા હોવ અથવા વાર્તા લખતાં આવડતી હોય તો એને બહેતર કઈ રીતે બનાવવી. આ બે સિમ્પલ લાઈનની આ મગજમારી છે. અને એ સમજવાના પ્રયત્નો વારેવા ફેસબુક ગ્રુપમાં આપણે જુદી જુદી રીતે કરીએ છીએ. જે ગ્રુપ મેમ્બર હશે એને મોટાભાગની રીતો ખબર જ હશે. એ સિવાય આપણે અંગત રીતે મળીને શું વાત કરી શકીએ એ સમજવા આજે પ્રયત્ન કરીશું.

તો દીલ કઠણ કરીને સાંભળો, અહીં બેઠેલા અને વાર્તામાં રસ ધરાવતા તમામ માટે એક બેડ ન્યુઝ છે. એક અંધારા ઓરડામાં કાળો હાથી શોધવાનો હોય એવી સ્થિતિમાં આપણે બધા છીએ. આપણી પાસે એના માટે કોઈ સોર્સ, સંદર્ભ, માર્ગદર્શન કે સિસ્ટમ નથી. જેમ જાગુએ પૂછ્યું કે વાર્તાઓ ક્યાં વાંચવી તો હું કે ધર્મેન્દ્ર જેવા વધુ જાણકારી ધરાવતા માણસ કયો રેફરન્સ આપીશું !! જે નેટ ઉપર ઉપલબ્ધ છે તે જ. કેમકે સારી સારી વાર્તાની પુસ્તકો આઉટ ઓફ સ્ટોક છે. જેમણે છાપી છે એમને ય ફરી છાપવામાં રસ નથી. આપણા પ્રકાશકો પણ એટલા ઉત્સાહી નથી. આપણા પ્રકાશકો પુસ્તકો સાથે શું કરવા માંગે છે એ મને આજ સુધી સમજાયું નથી. જેમ મુંબઈના રીક્ષાવાળા ક્યાં જવા માંગે છે જે પણ મને આજ સુધી સમજાયું નથી. ક્યારેક દૂર અંતર હોય તો ના પાડે તો ક્યારેક નજીક અંતરમાં ના પાડે. કાર્ટૂનિસ્ટ આર.કે લક્ષ્મણે તેઓ વિશે એવું અદભુત કાર્ટુન બનાવ્યું હતું કે જેમાં કોઈ તેઓને એવું પૂછે કે ભાઈ તને ક્યાં જવું ગમશે ? કહેવાનો મતલબ એ છે કે જે વાર્તા લખવા/વાંચવા માંગતા હોય તેમને દરેક પગલે સંઘર્ષ છે. હિમાંશી શેલત, વીનેશ અંતાણીને ક્યાં વાંચવા! જ્યાં સોર્સ કે સરખી વાંચવાની વ્યવસ્થા પણ નથી. 

લાયબ્રેરીયનને પણ પુસ્તક હોય તો શોધી આપવામાં રસ નથી. લાયબ્રેરીઓ બંધ થઈ રહી છે. આવી અરાજકતામાં આપણે સારી સારી વાર્તા વાંચવાની છે અને લખવાની પણ છે. સાથે એનું મેગેઝિન કાઢવાનું ય પાગલપન કરી રહ્યા છે. પરંતુ એ સંઘર્ષ આપણે કરવો જ રહ્યો.

 


હવે સૌથી મહત્વની વાત કે આપણે વાર્તા શા માટે લખવી જોઈએ

એ સવાલનો જ્યાં સુધી નક્કર જવાબ નહીં શોધો ત્યાં સુધી તમે સારી વાર્તા નહીં લખી શકો.


જેમકે આપણે જ્યારે કોલેજના પહેલાં વર્ષમાં હોઈએ ત્યારે સિનિયર લોકોને રોમાન્સ કરતા જોઇને આપણને ય એવું થાય કે મારે ય પ્રેમ કરવો જોઈએ. ગમતું પાત્ર શોધી પ્રેમ કરીએ ય ખરા પણ એ સાચ્ચો પ્રેમ છે એ ના કહી શકાય. પણ એવું ત્યારે ન ખબર પડે. પરંતુ જ્યારે સાચ્ચો પ્રેમ થાય ત્યારે સમજાય કે એ તો આકર્ષણ માત્ર હતું. 

મેં એવા લોકોના ય બ્રેકઅપ થતા જોયા છે જે પ્રેમમાં જ ન પડ્યા હોય.

તો શું વાર્તા પ્રત્યે તમારો એવો તો પ્રેમ નથી ને!! કે ચાલો આટલા બધા ફેસબુક ઉપર વાર્તા લખે છે તો હું ય એક લખી કાઢું. જો એવું હોય તો ફરીથી વિચારજો. કેમકે જે લખી શકે એ રોમેન્ટિક હોય એ જરૂરી નથી, પણ તે લખવાના રોમાન્સમાં હોય એ જરૂરી. કારણકે આ એક એવી ભાવુકતા છે કે તમે કશું લખશો અને કોઈક એને વાંચશે અને તેને ગમશે આ ભાવના રાખવી એ જ રોમાન્સ છે. ભલે પછી તમે ખૂનની વાર્તા લખો. માટે ફરી ફરીને હું કહું છું. કે તમે તમારી જાતને વારંવાર પૂછો કે તમે વાર્તા શા માટે લખો છો અને તેનો ટકોરા બંધ જવાબ તમારી પાસે હોવો જરૂરી. એ એટલા માટે જરૂરી કે આ પ્રશ્ન તમને ડગલે ને પગલે પૂછવામાં આવશે. તમારા સંતાન સગા સંબંધી, બહેન, ભાઈ, મમ્મી કે પછી પાડોશી જે તમને લાઈન મારવા માંગે છે પણ તમે વાર્તા લખવા માટે વ્યસ્ત છો. હા, પૂછવાના પ્રકાર અલગ અલગ હોઈ શકે. અથવા એમને સમજણ જ નહીં પડે કેમકે વ્યવહારિકતામાં એ ફિટ નથી બેસતું. તમે જે પણ કરી રહ્યા છો એને તે પોતાની જરૂરિયાત સાથે સરખામણી કરશે. એટલે એને એવું થશે કે આ શું કામ વાર્તા લખે છે !! શું જરૂર છે. એ સહુની પાસે તમારે વાર્તા લખવાને બદલે શું કરવું જોઈએ એ અંગે કોન્ક્રીટ સૂચનો હશે. તમારી પાસે એ કોન્ક્રીટ સૂચનોને ટક્કર આપે એવું વાર્તા લખતા રહેવાનું નક્કર વલણ જોઇશે.


 

એક્ચ્યુલી આ વિષયમાં કંઈ પણ કરવું એના માટે સ્પષ્ટ હોવું જરૂરી. આજે તમે આટલા બધા લોકો જાહેર રજાને દિવસે અહીં આવ્યા કારણકે તમે તમારા મનમાં એના માટે એક સ્ટેન્ડ/વલણ લીધું કે ચાલો એક ચાન્સ લઈએ. કેમકે આ લગ્ન નથી. લગ્નમાં મજ્જા એ છે કે તમે ઢસરડો કરો કે કોઈ વલણ ના લો તો પણ એ લગ્નજીવન  ચાલી જતું હોય છે. તમે એવું વલણ લો કે મારે સંસાર સારી રીતે ચલાવવો છે અથવા તમે નિર્વિચાર થઈ એવું વિચારો કે આને જે કરવું હોય તે કરે છતાંય લગ્ન ચાલે છે. કેમકે એ એક સોશિયલ સ્ટ્રક્ચર છે. જો તમે લગ્ન નહિ નિભાવવા માંગતા હોય તો પંદર કે પચ્ચીસ વ્યક્તિઓ એને નિભાવવા માટે કામે લાગી જશે. આખું એક તંત્ર છે તમને સમજાવવા માટે કે આમાં તો આવું જ હોય પણ નિભાવવું પડે. પણ વાર્તાનું એવું નથી. તમને કોઈ એવું નહીં કહે કે ગમે તે થાય તો પણ વાર્તા તો લખવી જ પડશે. માટે બી વેરી ક્લીયર વાર્તા લખ્યા વગર નહીં ચાલે એવી સ્થિતિ હોય તો જ વાર્તા લખવી. 

 

જેમકે ફીણ અને પરપોટા બન્નેનો દેખાવ સરખો છે. પણ ફીણ પ્રવાહીને વલોવાઈને આવે છે જ્યારે પરપોટો હવા ભરાવાથી બને છે. એવી જ રીતે લોહી પાણી એક કરીને લખેલી વાર્તા અને દેખાદેખીમાં લખેલી વાર્તાનો દેખાવ સમાન લાગશે પણ એના એટીટયુડમાં ઘણો ફરક છે. તમારે વારેવા મેગેઝિન માટે કે તમે ગ્રુપમાં છો એટલા માટે વાર્તા નથી લખવાની પણ જો આ પ્રકારનું ગ્રુપ ન હોય છતાંય તમે વાર્તા લખી શકો તો જ લખો. ગ્રુપ તમને મદદ જરૂર કરી શકે છે. તમે જો વાર્તા લખવા માટે સીરીયસ ના હોવ ત્યાં સુધી એ ઊંડાણ આવવાનું નથી. 

 

વાર્તામાં કૈંક ખૂટે છે એમ લાગે 

ત્યારે વાર્તા હૃદયસ્પર્શી બનાવવા શું કરવું?

 

તમે જ્યારે વાર્તા વાંચો ત્યારે તેમાં શું ગમ્યું, શા માટે ગમ્યું, એને કેવી રીતે આ કર્યું/વિચાર્યું હશે એની નોંધ બનાવો. 

અત્યારે તમે જે સ્ટેજ ઉપર છો ત્યાં તમારી પાસે એ બાદશાહી નથી કે તમે એમ કહી શકો કે બસ ગમે છે કેમ ગમે છે એ નથી ખબર પડતી. તમારે એના માટે જવાબદાર રહેવું પડશે કે તમને એમાં શું ગમ્યું. અને જો એવું થશે તો જ તમે એને વાર્તામાં લાવી શકશો. જો એવું નહિ હોય તો ઊંડાણ નહિ આવે.

પણ એ એટલું સહેલું પણ નથી કે અચ્છા અહી કોમેડી છે તો આપણે એવું જ વાર્તામાં નાંખી દઈએ. આ આંગડીયા જેવું કામ નથી કે એક જગ્યાએ થી ઉઠાવીને બીજી જગ્યાએ પધરવાઈ દેવાય. એ વાતને એક ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થવું પડશે. એનું ગ્રામર સમજવું પડશે અને પછી એ ગ્રામરનો ઉપયોગ કરી એક નવું તમારું વર્ઝન બનાવવુ પડશે. અથવા જો ખૂબ મહેનત, પ્રેમ અને લગન હશે તો એ બની જ જશે.

 

જેમકે હું ને મારો ભાઈ એક પારસી હોટલમાં  ઈંડાની સ્વાદિષ્ટ ડીશ ખાવા જઈએ છે.અને જે રીતે એ સર્વ કરે એ જોઇને મે વિચાર્યું મનમાં નોંધ્યું કે આ દિશમાં  આવું આવું કર્યું હોવું જોઈએ. અને મે તેને પૂછ્યા વગર એવું કરીને આઇટમો  બનાવી જે સરસ બની. પણ આવા પ્રયોગ હું દાળમાં નથી કરતો અથવા નથી કરી શકતો કેમકે હું દાળને એટલો પ્રેમ નથી કરતો જેટલો ઈંડાને કરું છું. કહેવાનો મતલબ એ કે વાર્તા લખતા શીખવાડી ના શકાય પરંતુ વાર્તા કેમ લખવી એ શીખી જરૂર શકાય. પહેલા તમારી રસેન્દ્રિય ઓળખો-અને એના માટે વાર્તાને વાંચતા શીખવી પડશે. અને સાથે વાંચન પણ ખૂબ વધારવું પડશે.

એવામાં જાગુ પટેલ એટલે કે મે છાપાની વાર્તા વિશે પૂછતા રાજુ નો જવાબ એવો હતો કે મને લાગે છે કે તમે અહી મને અશ્લીલ પ્રશ્ન પૂછી રહ્યા છો કેમકે છાપાને અને વાર્તાને શું લેવા દેવા..! એ વાત ખોટી છે એમ નથી કહેતો પણ જુદી છે. લોકભોગ્ય લખાણનું માળખું અલગ છે માટે એની ચર્ચા આપણે અત્યારે અહીં કરવી યોગ્ય નથી.

પૂજાનો પ્રશ્ન એ હતો કે એ પોતાની વાર્તાના મુખ્ય પાત્રના પ્રેમમાં પડી જાય છે. અને વાર્તા દ્વારા એક પ્રશ્ન પૂછવા માંગે છે.

"મેલે બાબુને ખાના નહિ ખાયા તો મેભી નહીં ખાઉંગી ...આવી બાલિશ વાતો પણ પ્રેમ હોઈ શકે છે."જો એ થોડીક વાહિયાત નથી તો એ પ્રેમની વાત નથી" આ વાત મરીઝ સાહેબ કહી ગયા છે. પણ મુદ્દો એ છે કે એ વાત જે તે સમયે  સાચ્ચે જ સીરીયસ હોઈ શકે અથવા લાગી શકે. પરંતુ પાંચેક વર્ષ પછી  સમજાય કે એવું હોતું નથી પણ છતાંય ફરી પ્રેમમાં તો પડી જ શકાય છે. તો મેલે બાબુને ખાના ખાયા -એ ઓપ્રેટિવ ફેક્ટર નથી હોતું. તમારો વાર્તા સાથેનો પ્રેમ અત્યારે મેલે  બાબુને ખાના ખાયા એ સ્તરનો છે. એટલીસ્ટ એવું મને લાગે છે. 

આપણું વાર્તા લખવું એ શું કામ અઘરું છે એના જવાબમાં તમારી સમસ્યા સમાંયેલી છે. એ એટલા માટે અઘરું છે કે "એમાં તમને બધી ખબર છે અને તમને કશી જ ખબર નથી એ સ્થિતિ ઉપર સમતોલ રહેવાનું છે”

ઉદાહરણ રૂપે ધારોકે તમે એક વાર્તા લખો છો એનો વિષય છે કે ગજાનને એના બાપ હરિશંકરનું ખૂન કર્યું. ગજાનન હરીશંકરનું ખૂન કેવી રીતે કરશે કે પોલીસને એનો ખ્યાલ નહિ આવે, એ તમને લેખક તરીકે ખબર છે પરંતુ તમારી વાર્તાના બીજા પાત્રો છે એમને નથી ખબર, નહી તો એ પોલીસને કહી દેશે. એટલે એકી સમયે તમારે એટલા બાહોશ પણ રહેવાનું છે કે પોલીસને ખબર ના પડે એ રીતે ખૂન કરવાનું છે. અને સેમ ટાઈમ તમારે પેલી માસૂમિયત પણ જાળવવાની છે કે હાઇલા આ શું થઈ ગયું! હવે આ તો નબાપો થઈ ગયો એનું શું થશે !? એટલે તમારે ગજાનનનાં પ્રેમમાં પણ પડવું પડશે અને બીજા પાત્રોના પ્રેમમાં પણ પડવું પડશે. પણ અત્યારે તમારો પ્રેમ બહુ એકતરફી છે. બાબુને ખાના ખાયા -ત્યાં સુધી જ છે. તમારે તમારી વાર્તાના પ્રેમમાં પડવું પડશે. એકતરફી પ્રેમ હંમેશા સમસ્યા સર્જતો હોય છે. તમને જે સમસ્યા ઉઠે છે એ એટલા માટે કે આપણું વિશ્વ બહુ સીમિત છે એને વિસ્તારવું પડશે. એ એવી રીતે કે તમે ભલે અત્યારે વાર્તા ના લખતા હોય. પણ તમે લેખક છો એ સતત યાદ રાખવું. તમે ગમે ત્યાં જતાં હોય ત્યારેય માહિતી ભેગી કરતાં રહેવું.

જેમકે એક વાર શાહરૂખે કહ્યું હતું કે હું અભિનય બાળકો અને વાંદરા પાસે શીખ્યો. આ વાત વિચિત્ર લાગશે પણ છે અદભુત. જેમ એક બાળક જે કંઈ પણ કરે છે એ કોઈને બતાવવા નથી કરતો..એવું જ વાંદરાનું છે એટલે એમાં સહજતા નેચરલી આવે છે.

તો અભિનયમાં પણ જેટલી સહજતા હશે તેટલો જ એ બિલીવેબલ લાગશે.

એક લેખક તરીકે આપણે દુનિયાને એક સમજણ અને ઊંડાણ પૂર્વક નિહાળીએ તો સમજાશે કે વાહિયાત લાગતી વાતો પણ વાહિયાત નથી હોતી.

અને સાથે વાંચન વધારવું જેમકે તમે જાપાનની દસ વાર્તાઓ વાંચો તો ત્યાંની એક મુલાકાત લીધા બરોબર હશે. એટલું જ નહિ કલ્ચરલ ભેદ પણ જાણવા મળશે. હું મારું અનુભવ વિશ્વ વધારવા અલગ અલગ દેશની સિરિયલ જોઉં છું."

આ દરમ્યાનમાં શિલ્પા દેસાઈની એન્ટ્રી થઈ જેઓ સરસ મજાની સુખડી લઈને આવ્યા હતા. અને સાથે ચા પણ આવી ગઈ હતી. 

રાજુએ શિલ્પા વિશે એવું કહ્યું કે મોટાભાગના લોકો ફેસબુક ઉપર હોય એના કરતાં વાસ્તવમાં ઓછા સુંદર દેખાય છે પણ તમારું ઉલટું છે. અને શિલ્પાની ખુશી છલકાઈ ગઈ. અને સાથે એમની ભલામણ પણ હતી કે આ વાત અહેવાલમાં છૂટવી ન જોઈએ.એટેન્શન શિલ્પા- વિગત અહીં મુકાઈ છે...

અર્ચિતા પંડ્યાનો સવાલ બીજા કહે કે છે અથવા સલાહ આપે છે એ માની માનીને ગૂંચવાડા ઊભા થાય છે.

રાજુ ઉવાચ કે " આખું વિશ્વ તમને ગૂંચવવા જ બેઠું છે. તમારે માત્ર પુરુષોની ગંદી નજરથી જ તમારી જાતને નથી બચાવવાની પણ તમારે તમારી જાતને કોઈના વખાણ, ટીકા કે પછી સલાહથી પણ સંભાળવાની છે. કોનું કહેલું સાંભળવું એ સલાહ આપનાર કોણ છે ? એની સાહત્યિક સમજ કેટલી છે એ જાણવું પણ જરૂરી. અને એના માટે જ આ ગ્રુપ છે. પણ સૌથી પહેલા વાંચન વધારો એટલું વાંચો એટલું વાંચો કે હાહાકાર મચી જાય કે બસ કર કેટલું વાંચીશ. હવે તો લખ. એવી સ્થિતિ આવે ત્યારે લખો."

સ્વાતિનો સવાલ મને કાયમ બીજા દ્વારા એવું કહેવાય છે કે તમે સરળ લખો છો તો થોડી સારી રીતે લખો. પછી એક બે ત્રણ ડ્રાફ્ટ પછી કંટાળો આવે છે. 

"આ બીજા છે કોણ?" રાજુએ જરાક અકળાઈને પૂછ્યું. "ખેર તમે જે એક, બે, ત્રણ વાર ડ્રાફ્ટ કરીને પછી જે કંટાળો છો એનો મતલબ એ છે કે તમે વાર્તા વાચક તરીકે નથી વાંચતા." ત્યાં પૂજાએ ટાપસી પૂરી કે અંત ખબર હોય છે એટલે કંટાળો આવે છે. એના જવાબમાં રાજુએ કહ્યું કે "જો હું ડાયરેક્ટર હોઉ ને ફિલ્મ બનાવીને એમ કહીને એડિટિંગમાં ના જાઉં કે અરે યાર એન્ડ તો મને ખબર છે, તો હું ઓડિયન્સની રીતે વિચારું છું એમ થયું. મારે ફિલ્મ બનાવવા માટે ડાયરેક્ટર બનવું પડશે નહીં કે ઓડિયન્સ. જેમકે તમને કઈ આઇટમ ભાવે ? "પાણીપુરી" "પાણીપુરી ખાતા સમય કેટલો થાય પચ્ચીસ સેકંડ અને એને બનાવતા એક કલાક થાય. તો શું ત્રિરાશી માંડશો ? યુ કાન્ટ સે કે કંટાળો આવે છે. જો એમ હોય તો પછી ડોલ્ફિન માછલી સાથે જ રમવા જાઓ. વાર્તામાં ના પડો.

બધાને ચાના બ્રેકની જરૂર હતી એટલે નક્કી કર્યું કે ચા સાથે લંચનો બ્રેક જ લઈ લઈએ. એટલે રાજુએ પૂછ્યું કે "પણ લંચ લાવ્યું છે કોણ ?" બધા એકી અવાજે બોલ્યા "બધા જ લાવ્યા છે." બધાએ પોતપોતાના ટિફિન ખોલ્યા.. ખૂબ બધી વાનગીઓથી ટેબલ ખીચોખીચ ભરાઈ ગયું. ગુલાબ જામુન, રસગુલ્લા, કેડબરી પેંડા, કોપરા પાક, સુખડી, મોતિચૂરના લાડુ, હલવો, બિસ્કીટ, કેળા સફરજન, ઢોકળા, દાબેલી, પુલાવ, સેન્ડવીચ, ફરાળી ચેવડો, થેપ્લા, પાતરા., ખાંડવી, પૂરીઆ બધી વાનગીની સાથે ચટપટી, મીઠી, તીખી તેમની બહેનપણી જેવી ચટણીઓ...અને એમાં ચાંદીના વરખ વાળી બ્યુટિકવીનની જેમ ઇતરાતી કાજૂ કતરી, સાથે નશીલી ચાનો ય સાથ.

પેટ તો ભરાઈ જ જાય પણ સાથે મન પણ તૃપ્ત થઈ જાય એટલી વાનગીઓ...ખૂબ માણી માણીને ખાધું.

લંચની લહેજત વાળી પોસ્ટ હિમાંશુએ ખૂબ સરસ રીતે લખી છે.




લંચ માટે સ્થગિત થયેલું સેશન ફરીથી ચાલુ થયું. બધા ફરી ભેગા થઇ ગોઠવાઈ ગયા...

 

ફાલ્ગુનીનો સવાલ કે વાર્તાનું માળખું કયું આદર્શ હોઈ શકે ?

"તમે તમારી બહેનપણી સાથે વાત કરો કે તમારો બોયફ્રેન્ડ અથવા પતિ કેવો છે અથવા બીજી કંઇક વાત કરો ત્યારે એના માટે તમે અંત શું હશે શરૂઆત શું હશે એ પહેલેથી નકકી કરો છો? જો ના તો એટલીજ સહજતાથી વાર્તા લખવાની છે. એનું કોઈ અલગ ફોર્મેટ નથી હોતું. બસ એટલી સ્પષ્ટતા હોવી જોઈએ કે મારે વાર્તામાં શું કહેવું છે. પછી તમને વાર્તા જ કહેશે કે મને આવી રીતે લખ. મારા બાળકને કશુંક સંગીતમાં શીખવું છે તો હું એને વાંસળી, તબલા કે પછી સંતુર શું શીખવાડું? હું એને તે જ શીખવાડીશ જેના તરફ એનો ઝુકાવ હશે. નહીં કે મને વાંસળી ગમે છે એટલે હું એને વાંસળી શીખવાડું."

ફરિદનો સવાલ : મારી પાસે સાયન્સને લગતી ઇન્ફર્મેશન હોય એને વાર્તામાં કન્વર્ટ કેવી રીતે કરવી.

"કોઈપણ વાર્તામાં મહત્વની બે વિગત હોય. એક નિશ્ચિત માહિતી એને બીજી સંવેદના. તમે વિજ્ઞાન ઉપર વાર્તા લખો કે પછી બાપ વગરની દીકરીના પાડોશીએ લગ્ન કેવી રીતે કર્યા. વિષય કોઈ પણ હોય એમાં આ બે વિગત ચોક્કસ પણે હોવી જોઈએ. દાખલા તરીકે પાડોશીએ લગ્ન કર્યા તો એની ઉંમર શું હતી. એનો પરિવાર હતો કે નહીં. એ ગામમાં દુકાળ પડ્યો હતો કે નહિ. એ નોકરી કરતો હતો કે ધંધો આ બધી નિશ્ચિત માહિતી છે. એ માણસ શું આ છોકરી માટે શું અનુભવતો હતો. એની આર્થિક સમસ્યા શું હતી. સામાજિક અસર, નૈતિક ફરજ શું હતી આ બધી વાતોને લઈને એનો મનોવ્યાપાર શું હતો આ સંવેદના થઈ. આપણે માહિતીને હંમેશા પૂરક તરીકે લેવાની છે. ભલેને ઢગલો માહિતી હોય પરંતુ સંવેદનાને ઉભારવા જેટલી ખપ પડે એટલીજ માહિતી લેવાની છે. "

ફરીદનો પ્રતિ સવાલ કે હું સાચી માહિતી લખવા જાઉં તો વાર્તા લાંબી થઈ જાય છે.

"તમે ખોટી જગ્યાએ મહેનત કરી રહ્યા છો. માહિતીની વિગતો આપવી જરૂરી નથી અને એ સાચ્ચી હોય એ પણ જરૂરી નથી એ એટલા માટે કે તમે વાર્તા લખી રહ્યા છો. એટલે વાચક એને કાલ્પનિક જ સમજશે. પણ તે માહિતી એવી રીતે લખવાની છે કે બિલીવેબલ લાગે."

સાથે છાયા એ ઉમેર્યું કે "મને ટેનેટનું ઉદાહરણ યાદ આવ્યું કે નોલાનની આગળની મૂવી છે જેમાં સાયન્સ છે એ ખૂબ એપ્રિશીએટ થઈ જ્યારે ટેનેટમાં એ સાયન્સ શીખવાડવા ગયો તેમાં લોકોએ માછલાં ધોયા. એટલે તમારે એ મૂવી યાદ રાખવી."

રાજુએ ફરી કહ્યું કે "માહિતી હંમેશા સહાયક ભૂમિકામાં રાખવાની અને સંવેદના તમારો હીરો છે. દાખલા તરીકે ઓપરેશન ટેબલ ઉપર એક દર્દીનું કેવી રીતે મોત થયું એ વાર્તાનો વિષય હોય તો ડોક્ટરની ઉંમર શું હતી એ વાત મહત્વની નથી. પણ જ્યારે તમે એવું લખો કે ચાલીસ વર્ષની જીંદગીમાં આવો કેસ પહેલી વાર આવ્યો. ત્યારે એ પાત્ર સ્પષ્ટ કરવા તમે એ વાત કહી રહ્યા છે કે આટલા વર્ષનો ડોકટર કેવી રીતે આ ભૂલ કરી શકે. ડોકટરની ઉંમર અલગ અલગ હોઈ શકે પણ તેર વર્ષનો ડોકટર ના હોઈ શકે. એવી રીતે માહિતી તાર્કિક રીતે યોગ્ય હોવી જોઈએ સાચી જ હોય એ જરૂરી નથી."

દરમિયાન મુંબઈથી રાજુ સાથે આવેલી એમની મિત્ર સુનીતાએ સહુ માટે ચાની વ્યવસ્થા કરી...ફરી ચાનો બ્રેક પડતા બધાએ ગોષ્ઠિ સાથે ચાને ફરી પણ માણી.

અમૃતનો સવાલ કે મારાથી વાર્તા લાંબી લખાઈ જાય છે પણ એને ટુંકી કરવાની લાલચમાં આખી બદલાઈ જાય છે.

રાજુનો જવાબ કે "તમારે શું કામ ટુંકી કરવી છે ? વાર્તાની લંબાઈ વિશે તમને કોણ કહે છે કે આને ટુંકી કરો? જેમ તમે તમારા કપડાં જાતે પહેરો છે એમ તમે એની લંબાઈ પણ જાતે નક્કી કરો. બીજા કોણ છે જે તમને એવું કહે છે?" 

"સ્પર્ધા માટે મોકલવાની થાય ત્યારે."

એક વાત યાદ રાખો સ્પર્ધા માટે તમારે વાર્તા નથી લખવાની. એ બધા ટાર્ગેટ પછી. પહેલા તમે વાર્તા લખતા શીખો. જેમ ઉમાશંકર જોશીએ નાટક, કવિતા, વાર્તા લખ્યા હતા. તો એમણે કઈ રીતે નક્કી કર્યું હશે કયો વિષય હું વારતામાં કહું ને કયો વિષય વિશે હું કવિતા લખું ! 

 

રાઈટીંગ એ એક એપ્લાઇડ આર્ટ છે. એક્ચ્યુલી હું તો પતંગ ઉડાડતો હતો પણ મારે વાર્તા લખવી પડી એવું તમે ના કહી શકો. દરેક રજૂઆતનું એક ગ્રામર હોય છે. કારણકે એ એપ્લાઇડ આર્ટ છે એટલે એને સમજીને એનાલીસિસ કરીને તેને તમારે આત્મસાત કરવું પડશે.

પીટર બ્રુક નામના એક નાટ્યકાર હતા જેમણે ફ્રાન્સના એક કેફેમાં બે માણસોને મહાભારત વિશે વાત કરતાં સાંભળ્યા. એને રસપ્રદ લાગતાં એમણે મહાભારતનું પોતાની ભાષામાં ટ્રાન્સલેશન વાંચ્યું. પણ વાંચ્યા બાદ એને એમ લાગ્યું કે અહીં કહેવા કંઇક માંગે છે અને ભાષાંતર બાદ સમજાય છે કઈક જુદું. જો આને સારી રીતે માણવું/ સમજવું હશે તો મારે તેની મૂળ ભાષામાં જ આ  કૃતિ વાંચવી પડશે. અને એ મહાભારત  સરસ રીતે સમજાય એ માટે સંસ્કૃત શીખ્યા. આમ આપણે મહેનત કરવા તત્પરતા બતાવવી પડશે.

 

છાયાએ ટાપસી પૂરી કે "રામાયણ અને મહાભારત એટલા સુંદર રીતે રચેલા મહાકાવ્યો છે કે લોકો તેને અસલી માનવા લાગ્યા છે."

 

વ્રજેશે એક પોઇન્ટ એવો સૂચવ્યો કે "મારું એવું સૂચન છે કે આપણે વાર્તાઓ કેમ વાંચવી એના ઉપર એક શિબિર કરવી જોઈએ."

ધ.ત્રી બોલ્યા કે "આના વિશે મે એક અનુપમ ભટ્ટનું એક પુસ્તક સજેસ્ટ કર્યું હતું. જે ખરેખર ખૂબ સરસ પુસ્તક છે અને વાર્તામાં રસ ધરાવતા લોકોએ તેને વસાવવા જેવું છે." રાજુનો સુઝાવ એવો હતો કે તમારા બન્નેના સુઝાવ ભેગા કરીને આપણે એવું કરીએ કે એક શિબિર જ એવી કરીએ કે તે અનુપમ ભટ્ટ જ લે. પણ ધ.ત્રીનું કહેવું હતું કે "એમની તબિયત એટલી સારી નથી રહેતી. એટલે શિબિર નહિ લઈ શકે. પણ છતાંય હું એમને પૂછીશ જો એ આવતા હોય તો મને વાંધો નથી. પણ એમનું પુસ્તક વાંચવા જેવું ખરું. અહીં એ વેચાય એનો ફોર્સ નથી પણ એ સરસ પુસ્તક છે એટલે હું ભલામણ કરી રહ્યો છું. એ પુસ્તકને ફરીથી શેર કરી દઈશ.”

ધ્રુવ પ્રજાપતિનું વાંચન ઉપર ફોકસ હતું. એટલે કોઈ પ્રશ્ન નહતો.

 

હિમાંશુનું કહેવું એવું હતું કે હું પહેલો ડ્રાફ્ટ લખું તો વાર્તા આખી અલગ હોય પણ જેટલી વાર લખું એટલી વાર કંઇક અલગ થાય છે. એવા મારે પચ્ચીસ ત્રીસ ડ્રાફ્ટ પડ્યા છે.

આના ઉપરથી રાજુને વિખ્યાત નાટ્યકાર સત્યદેવ  દૂબેની એક વાત યાદ આવી જે  એવું કહેતા કે અમરીશ પૂરી એક એવા અભિનેતા છે જાણે એક નાજુક નમણી કન્યા હોય. આ સાંભળી તમને થોડું વિચિત્ર લાગે પણ કહેવાનો અર્થ એ કે નાજુક નમણી કન્યાની જેમ એ ડાયરેક્ટરને એટલા સરન્ડર થઈ જતાં.- આવું કહી શકનાર સ્તરના દૂબેએ એમ કહેલું કે હું જે આજે નાટક ભજવું એ જો હું છ મહિના પછી એમ ને એમ ભજવું તો એનો અર્થ એ થયો કે મારે રિટાયર્ડ થવાનો સમય આવી ગયો. કેમ કે છ મહિના પછી પણ મને કંઈ સુધારવા જેવું ન લાગ્યું હોય તો એનો મતલબ કે એક ડાયરેક્ટર તરીકે મારો કોઈ વિકાસ જ નથી થયો. આ વાતને જરાક જુદી રીતે લઈએ તો વાર્તાના એકથી વધારે ડ્રાફ્ટ થાય તો ખોટું નથી જ.

 

છાયાએ એમાં ઉમેર્યું કે "કોઈપણ સારા નામી વાર્તાકાર એમના પુસ્તક દસ વર્ષે છપાવશે તો થોડું ઘણું એડિટ કર્યું છે તેમ પ્રસ્તાવનામાં લખશે. એકી વખતે પરફેક્ટ વાર્તા લખવી એ અશક્ય છે."

 

રાજુ : માણસ બે પ્રકારના હોય એકને ખબર હોય છે કે મારે શું લખવું એમાં એ ક્લીઅર હોય પણ મારા જેવા લોકોનો  એક ભાવ એ પણ હોય છે કે લખું ત્યારે ખબર પડે કે મારે આમ કહેવું/લખવું હતું.. એકથી વધારે ડ્રાફ્ટ થવા એ સહજ અને સારી વાત છે પણ એમાં નિરાશા વાદ આવે અને એનો કંટાળો આવે તો એના ઉપર કામ કરવા જેવું છે. કંટાળી જવાના બે કારણો છે. એક તમને એવું લાગે છે કે આ બરોબર નથી હું નબળો છું. અને બીજું કારણ કે છોડને યાર કેટલું કરવાનું. જો આવું હોય તો આગળ વધી જજો.

આપણે લખીએ છીએ ત્યારે એ લખતા લખતા વિકસતા હોઈએ છીએ. અને સમજતા હોઈએ છીએ. અને એમાં નિરાશ થયા વગર કામ કરતું રહેવું જોઈએ અને જો એવું ન થતું હોય તો સમજી લેવું જોઈએ કે તમે લેખક બનવા સર્જાયેલા નથી. કારણકે જો ધીરજ નહિ હોય તો માત્ર લેખન નહિ પણ કોઈપણ કલાનું કામ ન કરી શકો. ક્રાફટ તમે શીખી શકો અને વગર ભૂલે કરી શકો પણ લેખન વગર ભૂલે કરવું એ સંભવ જ નથી. લેખનનો સંબંધ યંત્ર સાથે નથી પણ સંવેદન સાથે છે. અને આજ સુધી એવું કોઈ સંવેદન બન્યું જ નથી જેમાં ભૂલ ન હોય. ભૂલને કારણે તો એ સંવેદન છે. પછી એ સામાજીક દૃષ્ટિએ, વ્યક્તિગત દૃષ્ટિએ, સત્યની દૃષ્ટિએ કે નૈતિકતાની દૃષ્ટિએ એના પાસા અલગ અલગ હોઈ શકે. એટલે પ્યોર સંવેદન અથવા ભૂલ રહિત સંવેદન શક્ય જ નથી. સંવેદનશીલ વ્યક્તિની જે કંઇપણ એક્ટીવીટી છે તે સંવેદનાસ્પદ છે, એમાં દેખાતી ભૂલ એ ભૂલ નહી પણ એ એની ડિઝાઇન છે. આપણે જ્યારે ભૂલ શબ્દ વાપરીએ છે તો ગેરસમજ થાય છે આવા આપણા મોટાભાગના શબ્દો આપણા શબ્દકોષની મર્યાદા છે. કેમકે શબ્દ એક આકાર નક્કી કરે છે અને ભાવને કોઈ આકાર નથી. આપણે જેવો એને શબ્દ આપીએ છીએ તો એને એક આકારમાં બાંધીએ છીએ. અને જ્યારે આપણે નિરાકારને એક આકારમાં બાંધીએ ત્યારે એને આપણે સંપૂર્ણપણે નથી બાંધી શકતા. અને કારણકે આપણે એને સંપૂર્ણપણે નથી બાંધી શકતા એને કારણે આપણે જ્યારે કોઈ ભાવ પ્રદર્શિત કરીએ છે ત્યારે શબ્દો વામણા પડે છે. શું કામ કવિઓને આટલી મહેનત લાગે છે ભાવ પ્રદર્શિત કરતા...! કેમકે એની પાસે એક ભાવ છે એક્ઝેટ એવો ભાવ બતાવતા એમને પસીનો વળી જાય છે. અને ક્યારેક એ સહજ રીતે થાય તો એ મહેનત એના સબ કોનશિયશમાં થયેલી હોય છે. જેમકે આપણા હાથમાંથી મોબાઈલ પડી જાય ત્યારે આપણે ફટ કરતાં પકડી લઈએ છીએ. એ મોબાઈલ વિચારીને નથી પકડતો પણ એ નિર્ણય સબ કોનશિયશ્લી લેવાઈ જાય છે. ટૂંકમાં યા કોન્શીયશ્લી ય સબ કોન્શીયશ્લી –મહેનત તો થતી જ હોય છે. જ્યારે આવું સબકોનશિયસ્લી થાય ત્યારે તમે સારું લખી શકશો.

 

વ્રજેશનો સવાલ સંઘર્ષ વાર્તામાં કેવી રીતે દર્શાવવો, મનોવ્યાપાર પાત્ર દ્વારા કેવી રીતે વ્યક્ત કરવો. અને સંવેદન.

સંવેદન તો વાર્તાનો મુખ્ય આધાર છે. તમે કશુંક ફીલ કરો છો એટલે વાર્તા લખો છો. પણ સંવેદનનો અર્થ તમે શું કરો ?? મને કોઈપણ ચાર પાંચ સંવેદન બતાવો. વેદના, સ્પર્શ, શૂન્યતા પણ સંવેદન છે. અને તમે જેનો સંદર્ભ આપી શકો એ સંવેદના કહો.

વ્રજેશ : સ્પર્શ કે જેમ ગરમ અડવાથી દાઝ્યા. બીજી વેદના જેમ કે કોઈનો અકસ્માત જોઉં તો દુઃખ થાય. 

રાજુ : દુઃખ કેમ થાય છે ?? તમે અકસ્માતમાં કોઈનું મૃત્યુ થાય છે એ જોઈને એટલા માટે દુઃખ થાય છે કે એ મારી સાથે પણ થઈ શક્યું હોત. એમાં તમે વિઝ્યુલાઈઝ કરો છો કે મારા સાથે આવું થાય તો કેવું થાય. આપણે કનેક્ટ કરી લઈએ છીએ. આપણે જ્યાં સુધી સંવેદનાને પૂરેપૂરી સમજીશું નહિ ત્યાં સુધી લખાશે નહિ. સંવેદના માટે આપણે લોકોને નીરખવા પડશે. તમે સંવેદના અનુભવવાનું શરૂ કરો તો એક વિશાળ વિશ્વ મળશે.

દિવારનો એક સીન છે જેમાં એક છોકરો કશુંક ચોરીને ભાગે છે ત્યારે શશિકપૂર ગોળી ચલાવે છે. આ સીન એટલા માટે છે કે એ વાત એને ગિલ્ટ કરાવે છે કે એ એના ભાઈ જે મોટો ગુનેહગાર છે એના પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યો છે અને એક છોકરો જે માત્ર એની ભૂખ સંતોષવા પાઉં ચોરે છે એની ઉપર ગોળી ચલાવે છે.

દારિયો ફો નામના એક મશહૂર નાટ્યકાર થઈ ગયા. એમના નાટકમાં બે મજૂર સ્ત્રીઓ વચ્ચે ફેક્ટરીની કેન્ટીનમાં મળતા ખોરાક બાબત એક સંવાદ છે કે આ કેટલું ખરાબ ખાવાનું આપે છે. અને બીજી બોલે છે કે આપે પણ કેટલું ઓછું છે. તો હું એ સાંભળી રડી પડ્યો કે આ કેટલી બેચારગી છે કે કે ખરાબ છે એવું ખબર હોવા છતાં ય એના શરીરને એ ખાવાનું ઓછું પડે છે. આમાં  છુપી સંવેદના છે જે તમે જો તમે જાગૃત વાંચક નહિ હોવ તો એને એક વિચિત્ર કોમેડીમાં ખપાવી દેશો. 

મનોવ્યાપાર એ છે કે લેખક એક વાત કહેવા માંગે છે અને એ વાત કહેવાનો ભાર એના પાત્રો લઈ લેય છે. નહીં બોલાયેલા સંવાદો એ જ માનોવ્યાપાર છે. આગળ જતાં એવું થાય છે કે પાત્ર જ જવાબદારી લઈ લે છે. 

એ લેખકનું પણ નથી સાંભળતું. એને ઘડનાર ભલે લેખક પોતે જ હોય છે.

જેમકે પ્રીટીવુમનનો એક ખૂબ સરસ સંવાદ છે જેમાં એક બીઝનેસમેન નાયકને એક પ્રોસ્ટીટ્યુટ ગર્લ સાથે ફાવી જાય છે ત્યારે એને એવું થાય છે કે આ હંમેશ માટે મારી રખાત બની જાય તો! અને તે એને કહે  છે કે હું ચાહું છું તું હંમેશા મારી સાથે રહે. પણ એ નાયિકા આ માટે એટલી કિંમત કહે છે કે નાયકે કહેવું પડે છે કે તને એવું નથી લાગતું કે તું તારી કિંમત વધારે આંકી રહી છે ? નાયિકા જવાબ આપે છે કે મારી કિંમત તેં જ વધારી છે. નાયકે નાયિકાને એટલું સન્માન આપ્યું કે નાયિકાએ  પોતાની જાતને ડિસ્કવર કરી. એ પ્રમાણે પાત્ર જ્યારે લેખકનું નથી સાંભળતા ત્યારે એટીટ્યુડ એમને કોણે આપ્યો?-લેખકે જ આપ્યો ને!

 

છાયા એ ઉમેર્યું કે "ઘણીવાર આપણું માઇન્ડસેટ પણ આપણને નડે છે. કે મારી વાર્તા તો સારા સારા બોધ આપે એવી જ હશે. એ છોડવું પડશે. જેમકે મે એક વાર્તા લખી તેમાં મારા જ પાત્રો મારું નહતું સંભાળતા. મે જ્યારે લખ્યું ત્યારે એવું થયું કે આ હું નથી પણ એ મારા દ્વારા જ સર્જાયું છે એટલે કે મારી અંદરથી જ ડિસ્કવર થયું છે. એક રીતે મેં મારી જાતને શોધી છે. 

 

ક્રિષ્નાનો સવાલ કે હું મારી વાર્તાના સ્ત્રી પાત્રો સાથે કનેક્ટ થઈ જાઉં છું. મારી સંવેદનાઓ, મારી વિચારધારા, રહેણીકરણી વગેરે જ એમાં વણાઈ જાય છે. હું એની બહાર નીકળી નથી શકતી. પરકાયા પ્રવેશ પણ હું મારા જ પાત્રમાં કરું છું. તમે કહો છો એમ થીંક આઉટ ઓફ બોક્સ હું નથી કરી શકતી. જેમ મારા વિચાર વિલન જેવા નથી તો એ મારા સ્ત્રી પાત્રોમાં નથી આવી શકતા. 

"એના માટે તમારે આત્મરતિમાંથી નીકળવું પડશે. અને એ તમે ઘણું બધું લખશો ત્યારે આવશે. મોગલે આઝમમાં સલીમ અને અકબરના સંવાદ એક જ વ્યક્તિએ લખ્યા છે જો એ સલીમના પ્રેમમાં હોત તો અકબરનું પાત્ર નબળુ પડી જાત. માટે એ લખનાર વ્યક્તિ સલીમ પણ નથી અને અકબર પણ નથી એ વાર્તાને પ્રેમ કરે છે માટે જ  બન્નેને ન્યાય આપી શક્યો છે.. 

આ એક પ્રક્રિયા છે. એટલે થોડી ધીરજ રાખો અને વાંચન રાખો.

 

પણ થીંક આઉટ ઓફ બોક્સ એ પ્રક્રિયા કેવી રીતે કરવી. ક્રિષ્નાનો ફરી સવાલ..

છાયાએ કહ્યું કે કિશોર પટેલનો એક ટાસ્ક હતો કે “પછી મે મારી જ સોપારી આપી...” એના ઉપર લખવાનું હતું. આમાં જે પહેલો બીજો અને ત્રીજો વિચાર આવ્યો એ સઘળા ફગાવી હું એ વિચાર પર પહોંચી જેમાં આ વાત તદ્દન અણધાર્યા સંજોગમાં મૂકી શકાય

રાજુ : આ વિશ્વમાં કેટલીક વાતો એવી છે કે મને નથી ગમતી. પણ એ છે. જેમકે તમારા લગ્ન થયા છે કે નહીં એ સવાલ મને ક્યારેય નથી ગમ્યો. એક શિબિરમાં ગયેલો ત્યાંના નિયામકે મને એવો જ સવાલ કર્યો. કે તમે પરણેલા છો એટલે સામે વાળાને ખરાબ ન લાગે અને નકારાત્મક થયા વગર એવો જવાબ આપવો હતો જેમાંથી આગળ બીજા સવાલ ના ઉદભવે. મે જવાબ આપ્યો કે ‘પરણેલોછું પણ પર્મેનન્ટ નહિ.’ સાંભળી પ્રશ્ન પૂછનાર ખૂબ હસ્યા હતા. આને આઉટ ઓફ બોકસ કહી શકાય. આઉટ ઓફ બોક્સ જવાબ આપવો એટલો અઘરો નથી પણ એવી રીતે આપવાનો છે કે એને નકારાત્મકતા પણ ન અનુભવાય અને એક કનસર્ન પણ દેખાય.

તમે મને એક પ્રશ્ન પૂછો કે આઉટ ઓફ બોક્સ કેવી રીતે વિચારાય એની ચાવી આપુ.

પછી રાજુએ ક્રિષ્નાને  સવાલ કર્યો કે તમારું પાત્ર એક ગૃહિણી છે જેના ઘરમાં  ફાઇનાન્સિયલ ક્રાઇસિસ આવી પડે છે, તો એ ગૃહિણી ક્રાઈસીસ કેવી રીતે દુર  કરશે. રાજુએ કહ્યું કે તમે વિચારો શું થઈ શકે..ક્રિષ્ના એ જવાબ આપ્યો કે હું જોબ કરી શકું, કરકસર કરી શકું, પિયરમાંથી મદદ માંગી શકું. રાજુએ કહ્યું કે માની લો કે મે તમારી દીકરીને કીડનેપ કરી છે અને જો તમે પાંચમી વાત નહી વિચારો તો હું એને મારી નાંખીશ. ત્યારે તરત ક્રિષ્નાએ કહ્યું કે હું ચોરી કરીશ. ત્યારે રાજુએ કહ્યું -બસ આવી જ રીતે આઉટ ઓફ બોક્સ વિચારો.

ક્રિષ્નાએ કહ્યું કે પણ હું આવું લખું કે આવી વાર્તા લખું તો મારા ફેમિલી/ફ્રેન્ડમાં બધા એવુ વિચારે કે આ આની જ વાત છે. એટલે સંસ્કારો આડે આવે છે માટે એવી જ રીતે લખવું પડે છે. મારા સ્ત્રી પાત્રોને મારે સંસ્કારી જ રાખવા પડે છે.

છાયાએ કહ્યું કે "દસ એવી ભંગાર ગૃહિણીની વાર્તા લખી કાઢો એટલે એ લોકો ધીરે ધીરે ટેવાઈ જશે.

રાજુએ કહ્યું કે તમે લેખક થયાં એટલે તમે ધર્મ ભ્રષ્ટ થઈ ગયા. તમે હિન્દુ મુસ્લિમ કે પછી ફક્ત ભારતીય પણ ન રહી શકો. એનાથી વધારે આગળ તમે સ્ત્રી પણ નથી. એ વાત યાદ રાખો. લેખકનો દેશ, ધર્મ, જાતિ, સેકસ, અલગ હોય છે. એ બધું આડે ના આવવું જોઈએ. સંવેદનાનો કોઈ ધર્મ નથી હોતો. એ કાળી કે ધોળી નથી હોતી. એટલે આઉટ ઓફ બોક્સ વિચારવા માટે તમારે તમારો ધર્મ છોડવો પડશે એ તમને કબૂલ છે ?? જો શું હોય છે કે વાતને પોતાનો ધર્મ હોય છે. એમાં ધર્મની વાત નહિ લાવવી. બુલેટસ ઓન બ્રોડવે નામની વુડી એલનની એક અનન્ય ફિલ્મ હતી. બ્રોડવે એટલે લંડનનું મેઈન સ્ટ્રીમ થિયેટર. એ નાટકની વારતામાં  એક લેખક દિગ્દર્શકે બ્રોડવે પર એક  નાટક કરવું હોય છે પણ ફાઈનાન્સર નથી મળતો. એનો દોસ્ત એના માટે ફાઇનાન્સર શોધી કાઢે છે. પણ એની એક નાનકડી શરત હોય છે કે એ ગુંડા જેવા ફાઇનાન્સરની ગર્લફ્રેન્ડને હિરોઈન બનાવવી પડશે. જેની સાથે સદાય એના બોડીગાર્ડ રહેતા હોય છે. અને એ એટલી ભંગાર એક્ટર છે. કે એને કશું કહે અને ટોકે તો પેલા બોડીગાર્ડ આ ડાયરેકટરને માર મારે છે. અને એક બોડીગાર્ડ તો સ્ક્રિપ્ટને પણ ક્રિટીસાઈઝ કરે છે. ડાયરેકટર પોતાના મિત્રને કહે છે કે  કહ્યું કે આ નહીં ચાલે. એટલે મિત્રે કહ્યું કે થોડું સહન કરી લે.અને એ બોડીગાર્ડ ગુંડાની વાત પણ સાંભળવા જેવી ખરી. એટલે મન મોટું કરી ડાયરેક્ટરએ એ બોડીગાર્ડ ગુંડાના સજેશન લેવાના ચાલુ કર્યાં. મજાની વાત તો એ છે કે ધીરે ધીરે બોડીગાર્ડ નાટકમાં એટલો ઓતપ્રોત થઈ ગયો કે એક દિવસે કહેવા માંડ્યો  -આ હિરોઈન નહિ ચાલે એ કામ બગાડી રહી છે. ડાયરેક્ટર કહે હા પણ એ તો હું ડે વનથી જ કહું છું પણ મેઈન ગુંડા જેવા ફાઈનાનસરને કોણ સમજાવે. તો કહે એને સમજાવવાનો અર્થ નથી. પણ આ તો ન જ ચાલે. આને તો શૂટ જ કરવી પડે. અને બીજે દિવસે બોડીગાર્ડ હીરોઈનનું ખૂન કરી નાંખે છે. અને કહે છે આપણે બીજી શોધી લઈશું પણ આ તો ના જ ચાલે. ટુંકમાં એ નાટકને પોતાનો ધર્મ બનાવી લેય છે. આ વૂડી એલનની બહુ અદભુત ફિલ્મ છે.  એક ગુંડાએ કલા ધર્મ ધારણ કર્યો તો તમે તો ગૃહિણી છો!

સંસ્કારી હોવું કે લખાણમાં ભદ્રતા હોવી જોઈએ એમ માનવું એ બરાબર પણ શું ભદ્ર અને શું અભદ્ર એ કઈ રીતે નક્કી કરીશું? કોઈ પણ શબ્દ કે શબ્દપ્રયોગ સ્વતંત્ર રીતે સારો કે ખરાબ નથી હોતો પરંતુ લેખક એનો ઉપયોગ કઈ રીતે અને કયા ભાવ સાથે કરે એના પર એના સારા કે ખરાબ હોવાનો આધાર છે... 

ઉદાહણરૂપે ૧૯૯૧માં હોલીવુડના કુશળ દિગ્દર્શક રિડ્લી સ્કોટની એક ફિલ્મ આવેલી થેલ્મા એન્ડ લુઈસ’. ઉપદેશાતમ્ક બન્યા વિના સ્ત્રી મુક્તિની વાત અલગ રીતે કહેતી આ ફિલ્મમાં એક તબક્કે એક પુરુષ પાત્ર ફિલ્મની નાયિકાને 'સક માય ડીક' કહે છે જે અત્યંત અભદ્ર છે. એ વાક્ય એટલું અપમાનાસ્પદ રીતે એ બોલે છે કે લુઈસ જે સામાન્ય ગૃહિણી છે એ આ સાંભળતા વેંત એ માણસને ગોળી મારી દે છે અને પ્રેક્ષક તરીકે આપણે લુઇસના પક્ષે હોઈએ કે હા બરાબર કર્યું. 

થોડા વર્ષો પછી ૧૯૯૭માં રિડ્લી સ્કોટની જ બીજી એક ફિલ્મ જી.આઈ.જેનઆવી. એ ફિલ્મમાં નાયિકા જોર્ડન જે સૈનિક તરીકેની તાલીમ લઇ રહી છે એ પોતાના સિનિયરને એક તબક્કે આ જ વાક્ય કહે છે. પણ અહીં સંદર્ભ જુદો છે. મહિલાઓ આકરી તાલીમ વાળા લેવલની સૈનિક ન જ બની શકે એવું માનતા અને મેલ ઇગોથી છલોછલ ભરેલો આ આર્મી ઓફિસર તાલીમ લેવા આવેલી આ જુનીયર સૈનિક મહિલા જોર્ડનને લિંગ ભેદના આધારે કમજોર સમજી સતત એને અપમાનિત કરે છે અને આકરી પરીક્ષા લે છે. એક તબક્કે એની સાથે છુટ્ટા હાથની મારામારી કરે છે ત્યારે જોર્ડન એને શારીરિક મુકાબલામાં જડબાતોડ જવાબ આપે છે અને ચિત્ત કરી મુકે છે. જુનીયર સૈનિક એવી મહિલાને હાથે આમ માર ખાઈ જમીન પર ઢળી પડેલો સીનીયર ઓફિસર માંડ ઉભો થાય છે ત્યારે જોર્ડન એને આહવાન આપે છે : સક માય ડીક ... અને જોર્ડનના તમામ સાથી પુરુષ સૈનિકો તથા પ્રેક્ષકો જોર્ડનની ઝુઝારુ વૃત્તિથી પ્રભાવિત થઇ એ વાક્યને વધાવી લે છે. પ્રેક્ષક તરીકે આપણે જોર્ડન દ્વારા એ બોલાયેલ વાક્યથી ગદગદિત થઇ જઈએ છે કે વાહ જોર્ડને બરાબર કહ્યું! એક જ વાક્ય -એક ફિલ્મમાં અભદ્ર છે અને અન્ય ફિલ્મમાં ચાનક ચઢાવનારું! એના એ શબ્દો અને શબ્દકોશના અર્થ પણ એ જ. પણ સંદર્ભ બદલાતા અપશબ્દ કે ગાળ સમાન આ શબ્દ પ્રયોગ પીઠ થાબડવા યોગ્ય અભિવ્યક્તિ બની જાય છે! "

આટલું બોલી રાજુ બોલ્યા બહુ બોલી ગયો હું નહિ !

આટલે પહોંચતા બે ચાર સભ્યો નીકળી ગયા છેલ્લે લાઈવ ટાસ્કમાં એવું કર્યું કે તમારે બે એવાં કેરેક્ટર  લખવાના કે જેને તમે બહુ ધિક્કારો છો અને  જેને બહુ પ્રેમ કરો છો. એમ કર્યા બાદ રાજુએ એવું કહ્યું કે હવે જેને તમે જેને જે કારણે ધિક્કારો છો એને જ જસ્ટીફાઈ કરતા પાંચ સારા પાંચ વાક્ય લખો. અને જેને પ્રેમ કરો છો એ જ કારણને લીધે તમે એને કેવી રીતે ધિક્કારી શકો એ લખો. જેમ મે લખ્યું હતું કે હું ચાઈલ્ડ એબ્યુઝરને ધિક્કારું છું અને ફેમીનિસ્ટને લવ કરું છું. ઉદાહરણ રૂપે હું મારું જ લખું છું જે નીચે મુજબ છે.

ચાઈલ્ડ એબ્યુઝર

ભલે એ ચાઈલ્ડ એબ્યુઝર હશે..,પણ હું એમ કહીશ કે એ ગુનેહગાર નથી પણ બીમાર છે.

આજ સુધી એને ક્યારેય કોઈને ખરાબ નજરથી જોયા- આજે એને કોઈ બાળક સાથે ખરાબ વર્તન કર્યું છે તો એની પાછળ એના હોર્મોન જવાબદાર છે.

એની પત્ની મરી ગયા પછી એની દબાવી રાખેલી સેક્સની જરૂરિયાત છે તેને એને એક સ્ત્રી સાથે પ્રેમ સબંધ બાંધી સંતોષવાનો પ્રયત્ન કર્યો તો સમાજે તેને સામાજીક સંસ્કારો બતાવીને હડધૂત કર્યો. કેમકે એ સ્ત્રી પરણેલી હતી. પણ કોઈ એમ ના વિચાર્યું કે એ એની મરજી થી આવી હતી. 

એટલે આજે તે તેની એ જરૂરિયાત એટલી બેકાબૂ બની કે એ છુપી રીતે એને સંતોષવાનો પ્રયત્ન કરી રહ્યો છે. કેમકે એના મગજ પર જ એનો કંટ્રોલ નથી રહ્યો એટલો બીમાર છે.

ફેમીનીસ્ટ:

સમજ્યા કે ફેમીનીસ્ટ હોવું અને સ્ત્રીઓની પડખે ઉભુ રહેવું એ સારી નહિ બહુ જ સારી વાત છે.

પણ સાવ એટલું કોઈ સ્ત્રીને ગેરમાર્ગે દોરી ઇન્સેન્સેટીવ થઈ જવું કે સામે વાળો માણસ રોડ ઉપર આવી જાય એટલી હદે બદલો લેવો કેટલો વ્યજબી..છે!!

ફેમીનીસ્ટ હોવું કે એન્ટી ફેમીનીસ્ટ સૌથી વધુ જો અગત્યની બાબત છે તો એ છે માણસાઈ છે.

આવી જ રીતે બધાએ અલગ અલગ વ્યક્તિઓ લખી અને એના સારા ખરાબ મુદ્દા લખ્યા તેને ચર્ચ્યા. 

પછી રાજુએ દરેકના ટીકાના અને પ્રસંશાના કારણો પર ચર્ચા કરી, અભિપ્રાય આપ્યો.

 

આ લાઈવ ટાસ્કનો ઉદ્દેશ એ હતો કે લેખકે અંગત કુણા ભાવ કે કટુ ભાવથી ઉપર ઉઠીને જોતા શીખવું રહ્યું.



 

પછી રહ્યા સહ્યા જે લોકો હતા એમને વોલેન્ટરી બોક્સમાં મૂકવાની જે સિસ્ટમ હતી એ સમજાવી એ કાર્ય કર્યું. ટેબલ ઉપર વધ્યું ઘટયું જમવાનું વહેંચીને સમેટયું અને છેલ્લે સેલ્ફી અને ફોટો સેશન પતાવી બધા છૂટા પડ્યા. રાજુ તો ખૂબ બોલ્યા પણ મે ય એટલું લખ્યું કે આંટા આવી ગયા. છતાંય કંઇક છૂટી ગયું હોય તો આભાર સહ માફી.

####


 

2 comments :

  1. વાહ હૂબહૂ... દેજાવૂ ફિલિંગ આવી. આભાર જિજ્ઞાબેન

    ReplyDelete