Friday 14 January 2022

વડોદરા વાર્તા શિબિર અહેવાલ/૧૯ ડીસેમ્બર ૨૧ / જાગુ પટેલ

 

વારેવા : વડોદરા વાર્તા શિબિર અહેવાલ/૧૯ ડીસેમ્બર ૨૧ / જાગુ પટેલ



અમદાવાદ શિબિરનો મસમોટો વિસ્તૃત અહેવાલ લખ્યા બાદ અને તેના માટે મિત્રોનો એવો જ સ્નેહાળ આવકાર મળ્યા બાદ હું એવું માનવા લાગી છું કે વાર્તા લખું ન લખું પણ અહેવાલ લખવો એ મારી સામાજીક, ધાર્મિક, નૈતિક ફરજ છે. 😁

 

વાર્તા લેખન શીખવા માટેના મારા ગંભીર પ્રયાસો શરૂ થયા ત્યારથી અત્યાર સુધીમાં મારી આ ચોથી શિબિર અને વડોદરા મારા હોમ ટાઉનમાં આ પહેલી શિબિર હતી. વાર્તા શિબિરની જાહેરાત સમયે જ નિલેશ મૂરાનીએ એ દિવસની ચૂંટણી પ્રત્યે મારું ધ્યાન દોર્યા બાદ થયું કે શિબિરને કેન્સલ રાખું અને રાજુને ના કહી દઉં પણ રાજુએ કહ્યું ના જેટલા આવે તેટલા આપણે શિબિર કરીશું.

શિબિર સ્થળ ખૂબ દૂર હોવાથી જેમ તેમ પહોંચી ત્યારે જયોતિબહેનનો વસાવડા એજ્યુકેશનનો ક્લાસરૂમ ગોઠવાઈ ગયો હતો. બધા પોતાનો પરિચય વારાફરતી આપતા હતા અને તેઓનો વાર્તા સાથેનો સંબંધ રાજુ દ્વારા ચકાસાતો હતો ત્યારે જ હું વચ્ચે ટપકી પડી. ઓર્ગેનાઈઝર જ મોડા પડે એ થોડું ચાલે !! એ સંભાળવાની તૈયારી હતી જ અને બધાએ હસતા હસતા કહ્યું પણ ખરું. ખેર, ઘણા બધાએ આવવાનું કહીને નહતા આવ્યા એ નિરાશા સાથે અને દસ મિનિટ લેટ હોવાના વાંકમાં હતી એટલે ચૂપચાપ હું પહેલી બેન્ચ ઉપર બેસી જ ગઈ. 

રાજુ એ સમય ન વેડફતા શીખવાડવા સજ્જ બની ગયા. અને માહોલ પણ એવો જ હતો કે રાજુને પોતાને પણ શિક્ષક હોવાનો ભ્રમ થાય.

રીધમ પટેલ, રાજેન્દ્ર શાહ, સુનીલ કઠવાડિયા , ધીરેન સુથાર, જ્યોતિ વસાવડા, આરતી પાઠક, રૂપલ પંડ્યા, છાયા ઉપાધ્યાય, કિશોર પટેલ ક્લાસરૂમમાં ઉપસ્થિત હતા. ક્લાસ શરૂ થાય ત્યાંજ પૂજા રાવલ અને વિજય પટેલની એન્ટ્રી થતાં સમયે થોડી ઘણી થયેલી કલબલને શાંત પાડવા એમની આદત મુજબ રાજુએ તાળીઓ પાડી આ બાજુ ધ્યાન રાખવા કહ્યું.

રાજુ ઉવાચ.. 

"વાર્તા શું છે? વાર્તા સાહિત્યનો એક પ્રકાર છે અને સાહિત્ય એ કળાનો એક પ્રકાર છે એટલે મૂળભૂત રીતે વાર્તા એ કળાનો એક પ્રકાર છે. અને કળાનું કોઈ પ્રોપર આધાર કાર્ડ ના હોય કે કળા એટલે આ... કળા ના કોઈપણ પ્રકારની આવી ઓળખ ના હોય. વાર્તાનું પણ એવું જ છે. વાર્તાની ઓળખ એટલે શું..?? તમે એવું ના કહી શકો કે આટલા શબ્દો એટલે વાર્તા. એટલે તમે બધા વાર્તા વિશે જો સમજવા માંગતા હોય તો તમે પોતે વાર્તા વિશે શું માનો છો એ વિશે આપણે પહેલા સ્પષ્ટ થઈએ. એટલે સૌથી પહેલું કામ હું તમને એ આપુ છું કે તમારી પોતાની વ્યાખ્યા મુજબ વાર્તા એટલે શું ? તમે વાર્તા કેમ લખવા માંગો છો અથવા કોઈએ પણ વાર્તા શું કામ લખવી જોઈએ ? અને વાર્તા કેમ વાંચો છો ? આ ત્રણ પ્રશ્ન ઉપર એક વ્યક્તિગત નોંધ બનાવો જેના માટે હું તમને પાંચ મિનિટ આપુ છું." જ્યોતિ ઊભા થઈને ત્રણ સવાલ બોર્ડ ઉપર લખવા જતા હતા તેમને રાજુએ અટકાવ્યા કે "એવું કરવું જરૂરી નથી આ તો ખૂબ બેઝિક સવાલ છે."

સુનીલે વાર્તા વિશે બોલવાનું ચાલુ કર્યું ત્યાં જ રાજુએ ટપાર્યા કે "બોલવાનું નથી લખો. તમે બોલશો તો બીજા પણ પ્રભાવિત થશે."





સહુએ પોતપોતાની વ્યાખ્યા મુજબ જવાબ આપ્યા જેના ઉપર રાજુએ પ્રતિ સવાલ કર્યા. 

જેમકે કોઈકે કહ્યું કે એક સામાજિક સંદેશ આપવા માટે લખવું છે અથવા કૈંક મેસેજ આપી શકાય તેના માટે લખવી છે તો રાજુ નું એવું કહેવું હતું કે "બોધ કથા છે જ બોધ આપવા માટે. અને સમાજમાં ડગલે ને પગલે તમને લોકો શીખવવા બેઠા છે. તમારો પાડોશી બે વર્ષ મોટો હશે તો એ પણ તમને સલાહ આપીને શીખવવા તત્પર હશે." 

પૂજાના વાર્તા વિશેના અભિપ્રાયો મુજબ જેતે સમય કે દેશ/રાજ્યની સંસ્કૃતિ અથવા જે તે સમયની વાતો પણ વાર્તા દ્વારા જાણી શકાય અને હું પણ મારી દ્વારા બીજાને તે આપી શકું જેના જવાબમાં રાજુએ કહ્યું કે " સંસ્કૃતિ બતાવવાનો ભાર વાર્તા ઉપર ના હોવો જોઈએ..હા એ એની સાઈડ ઇફેક્ટ હોઈ શકે. ખેર તમે બધાએ જે જવાબો લખ્યા છે એમાં એક વાત તો કોમન છે તે છે કલ્પના. એટલે આપણે બધા એક મત ઉપર તો છે કે વાર્તા લખવા ઓછામાં ઓછી આટલી તો જરૂરિયાત છે જ. હવે વાર્તામાં કલ્પના એ બહુ છેતરામણો શબ્દ છે. એક જાણીતી કહેતી છે કે ઈતિહાસમાં નામ અને તારીખ સિવાય બધું કાલ્પનિક હોય છે. અને વાર્તા કે નોવેલમાં નામ અને તારીખ સિવાય બધું સાચ્ચું હોય છે.આવું જ હોય છે એવું નથી. વાર્તામાં જે કલ્પના હોય છે એ સંપૂર્ણપણે કલ્પના નથી હોતી અને વાસ્તવ સંપૂર્ણપણે વાસ્તવ નથી હોતું. ઉદાહરણ રૂપે એક જીવન વ્યવહારમાં એક પરંપરા છે કે આપણા ઘરની ઘડિયાળ કે કાંડા ઘડિયાળ આપણે પાંચ મિનિટ આગળ રાખતા હોઈએ છે. વાસ્તવમાં બાર ને દસ થઈ હોય ત્યારે ઘડિયાળમાં સવા બાર થયા હોય. અને તમે બિહેવ પણ સવા બાર થયાં એવું કરો છો. તો આ પાંચ મિનિટ છે કે નથી અને નથી તો ક્યાં છે ? એના માટે હું તમને પાંચ મિનિટ આપુ છું. મને પ્રોપાર સમજૂતી આપો." રાજુ એ એમ કહીને બીડીનો બ્રેક લીધો. 

બ્રેક પછી બધાએ પોતપોતાની રીતે આ પાંચ મિનિટનું અસ્તિત્વ સમજાયું. એક રીતે બધાનું એવું કહેવું હતું કે આ પાંચ મિનિટ આપણા અને દુનિયા માટે ઊભો કરેલો ભ્રમ છે. રાજુ ઉવાચ - તમે બધા બીજ ગણિત ભણ્યા હશે તેનો એક પાયાનો સિદ્ધાંત છે ધારો કે --- આના ઉપર આખું બીજ ગણિત છે અને એ ધારોકે ઉપર જ આખી વાર્તા ઉભી છે. તમારી પાસે કોઈ પણ ચલણી નોટ હોય એમાં એવું લખ્યું છે કે મે ધારક કો પચાસ રૂપિયા દેનેકા વાદા કરતા હૈ. એટલે ગવર્નર આપણાં ને વાયદો કરે છે. આને આપણે તે માનીએ છે. કે ફલાણી નોટ આટલાની છે. આ માનવું એટલું સજ્જડ છે કે પાંચસોની નોટ ને પચાસ રૂપિયા માનવા તૈયાર નથી. તેવી જ રીતે વાર્તાકાર વાર્તા લખે છે તે આવું જ એક પ્રોમિસ આપે છે. જેટલા કનવિક્શન સાથે તમે નાણાં વ્યવહાર કરો છો એ જ કનવિક્શન સાથે વાર્તા લેખક તમારી સાથે વાત કરે છે. એ તેની વાર્તામાં કહેશે કે મગનલાલ છે તો ભલે તે ના હોય પણ તમે મગનલાલ છે તેવું માનો છો. આ પેલી પાંચ મિનિટ જેવું છે. કે વાર્તામાં કહેલા મગનલાલ છે નહિ છતાંય તમે માનો છો. આને તમે તેમને દુખે તમે દુઃખી અને તેમના સુખમાં ખુશ થાઓ છે. તમને ખબર છે તે સાચું નથી છતાંય. અને આ જ મેજિક છે કે જેને કારણે તમે વાર્તા વાંચો છો. એટલે સ્પષ્ટ થાવ કે અહી તમને શું મળશે. હવે એ કહો કે વાર્તા, ફિલ્મ,કવિતા કે નોવેલ જેમાં આવા મેજીક હોય છે, તેમાં કોઈએ રસ શું કામ લેવો જોઈએ !? આપણા બધાના જીવનમાં બાળકો હોય છે. આપણા ના હોય તો બીજાના હોય છે. પણ બાળકો તો હોય જ છે. તો બાળકો ખુશ કેવી રીતે થાય છે !? જો તમે એકની એક રમત સતત રમાડો તો એ કંટાળી જશે કેમકે એને ખબર છે કે આના પછી આ આવવાનું છે. પણ અચાનક તમે બીજું કંઈક કરીને તેને સરપ્રાઈઝ કરો તો તેને મજ્જા આવશે. એટલે એવું કઈક જે અપેક્ષિત ન હોય તે જ્યારે બને તે વાત મેજીક ઉત્પન્ન કરે છે. જે વાર્તામાં બધું અપેક્ષિત જ હોય તો તમને એ વાંચવાનો કંટાળો આવશે. એટલે વાર્તામાં જ્યારે મેજિક હશે ત્યારે એમાં મજ્જા આવશે. પણ એ મેજિક કેવી રીતે લાવવું!? વાર્તામાં કશુંક શીખવવાનું નથી, સંસ્કૃતિના રક્ષણ માટે નથી કે પછી સંસ્કૃતિના પ્રચાર માટે પણ નથી. વાર્તાની એવી કોઈ ફરજ ના હોવી જોઈએ. વાર્તા લખવી એ તમારો હક છે કે ફરજ છે એ કહો. બધાના જુદા જુદા જવાબ સાંભળીને રાજુએ આગળ ચલાવ્યું " વાર્તા લખવી જો તમારી ફરજ હોય તો એ ફરજ પૂરી કરવાનો તમને હક હોય છે. આ વાક્ય કદાચ ટ્રિકી લાગશે બીજી રીતે કહું તો વાર્તા લખવી તમારી ફરજ નહિ બને ત્યાં સુધી તમે વાર્તા નહિ લખી શકો. જેમકે કોઈ મિત્રના લગ્ન છે એટલે મારે નાચવું જોઈએ. અને મને નાચવું ખૂબ ગમે છે. અને તેમાંય મિત્રના લગ્નનો ઉમળકો હોય. તો એ નાચ કરનાર અને જોનાર બન્ને ને આનંદ આપશે. આને હજી એક ઉદાહરણ દ્વારા વધારે સ્પષ્ટ કરું. 

હિટલર દ્વારા ઊભા કરાયેલા કોનસન્ટ્રેશન કેમ્પમાં એક વૃદ્ધા હતી તે જ્યારે જ્યારે હિટલરના માણસો આવે તો તેમને તે ભરપૂર ગાળો આપતી. ત્યારે કોઈકે એને કહ્યું કે આવું ન કર જો એ લોકો અકડાશે તો તને ગોળી મારી દેશે. તો એનો જવાબ એ હતો કે પરિસ્થિતિ ગમે તેવી હોય પણ જે ખોટું છે એનો વિરોધ કરવો એ મારી ફરજ છે. આમ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં તમને લખવું જરૂરી થઈ પડે ત્યારે વાર્તા લખાશે. અને તો જ તમે લખો. કશુંક મહેસૂસ કરીને એને શબ્દોમાં ઢાળશો તો જ વાતમા ઊંડાણ આવશે. 



પેરસાઇટ નામની એક કોરિયન ફિલ્મ હતી જેને ઓસ્કર મળ્યો છે. જેમાં ગરીબ વર્ગના ફેમિલીને અમીર વર્ગના ફેમિલી દ્વારા શોષણથી એટલો પ્રોબ્લેમ થાય છે કે તેઓ તેમના ફેમિલી બધા માણસોને મારી નાંખે છે. આ ફિલ્મને બહોળો પ્રતિસાદ એટલે મળ્યો કે અમીર ગરીબ વર્ગ બધા એની સાથે રીલેટ કરી શક્યા. 

ટુંકમાં તમે જો વાર્તા લખ્યા વિના રહી શકતા હોય તો તમે ના લખશો. પતિને, કે પાડોશીને ઇમ્પ્રેશ કરવા કીટી પાર્ટીમાં હું કંઇક છું એવું બતાવવા તમારે વાર્તા નથી લખવાની. વાર્તા કળા છે અને કળાને શીખવાડી નથી શકાતી પણ કળા શીખી જરૂર શકાય. વાર્તાનું પ્રેમ જેવું છે જેમાં તમને કોઈ ના પણ પાડે છતાંય તમે જાતને પ્રેમ કરતા રોકી જ ન શકો એવી સ્થિતિ હોય ત્યારે જ વાર્તા લખી શકશો.

હવે મને એવું લાગે છે કે મે તમને ખૂબ આંચકા આપ્યા છે એટલે આપણે બ્રેક લઈ લઈએ"

અમદાવાદ જેવી ભવ્ય ડબ્બા પાર્ટી તો નહતી કેમકે મારા સહિત બેત્રણ જણ લાવ્યા જ નહતા. છતાંય ધરાઈ જવાય એટલા વ્યંજનો હતા. ગુજરાતીઓની ઓળખ બની ચૂકેલી વાનગી ઢોકળા, થેપલા તે પણ પાછા બે પ્રકારના.. ખાસ બહેનપણીઓ જેવા જોડીમાં હતા.. એવું જ અદ્દલ બટાટા, કેળાંની વેફર પણ જોડીમાં હતી. તો ભજીયા, ગોટા પણ સાથે જ હતા. લીલી ચટણી એકલી હતી પણ સમોસા સાથે આવેલા લીલા તળેલા મરચાં એના જોડીદાર બન્યા. પણ મીઠાઈની જે કમી હતી તેને પૂરી કરવાની જવાબદારી છાયા એ લાવેલા ગોળ ઉપર આવી પાડી એટલે એની જોડી બનાવવા ટી પોસ્ટની મીઠી મધુરી ચા ને આમંત્રણ પાઠવી દીધું.

નાસ્તાની સાથે સાથે થાકના કારણે ઝોકે ચઢેલા આપણા વારેવાના સંપાદક ટીમના છાયા ઉપાધ્યાય ઉત્સાહમાં આવી ગયા હતા. અને ત્યાં હાજર રહેલા મિત્રોને કેવી રીતે વારેવા મેગેઝિન માટે વાર્તાનું ચયન કરાય છે તેની માહિતી આપી રહ્યા હતા. આમાંથી ઘણા વારેવા ગ્રુપમાં પણ નહતા તેથી તેમને અહી ચાલી રહેલા કથાવેધની પણ સમજણ આપી. સાથે સાથે કેટલાક લવાજમ પણ ભર્યા. અને તેઓને બે મહિનાના અંક આપ્યા.

વડોદરા શિબિરમાં લગભગ બધાજ નવોદિતો હોવાથી રાજુ એ સામો પ્રશ્ન કર્યો કે હવે તમે પૂછો કે તમારે શું મુંઝવણ છે. 

સુનીલનો પ્રશ્ન એ હતો કે વાર્તાના પ્રકાર કયા કયા ?

રાજુ નો જવાબ " વાર્તા બે હજાર શબ્દ થી લઈને પિસ્તાલીસ હજાર શબ્દ સુધીની વાર્તા ટુંકી વાર્તા હોઈ શકે. પિસ્તાલીસ હજારથી ઓછા શબ્દની વાર્તા લઘુ નોવેલ હોઈ શકે. જેમ જેમ તમે આ ક્ષેત્રમાં આગળ વધશો તમને ફરક સમજાશે. સાત શબ્દોથી લઈને પંદરસો શબ્દ સુધીની લઘુ કથા હોઈ શકે. આમાં એક વિશેષ પ્રકાર આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર બનાવ્યો છે તે શબ્દ માઇક્રોફિક્શન છે. માઇક્રોફિક્શનની વ્યાખ્યા સમજવતો એના માટે જ પ્રયોજાતો બીજો એક શબ્દ છે ફ્લેશ સ્ટોરી. ચમકારા ને કેટલો સમય લાગે એટલી જ કે એનાથી થોડીક વધારે હોય એટલા જ શબ્દોની વાર્તા હોય.

સુનિલનો પ્રશ્ન " નવ રસમાં સાત રસ સરળતાથી લખી શકાય છે પણ શૃંગાર રસ તો તો પણ લખાઈ જાય પણ અદભુત રસ કઠીન પડે છે તો એને સરળતા સાથે કેવી રીતે લખવો ? અને તેમને અદભુત રસની ચાર લાઈનની વાર્તા કહી. 

રાજુ -" હવે શું થશે એ કુતૂહલ વાર્તાની ઓછામાં ઓછી જરૂરિયાત છે જ. અને એને કારણે આ વાર્તા તમને અદભુત રસની લાગી. પણ તે અદભુત રસની વાર્તા નથી. આમતો દરેક રસ કઠીન છે. આપણને સરળ એટલે લાગે છે કે આપણે તેના સાથે જોડાયેલા છે અને જે કઠીન લાગે છે તે રસથી આપણે કપાયેલા છે માટે કઠીન લાગે છે. 

હું અદભુત રસની એક વાર્તા કહું રશિયાના દાઘીસ્તાનમાં મોટી મોટી ટોપી વાળો પહેરવેશ હતો. દાઘીસ્તાનમાં ત્રણ શિકારીઓ હંમેશ મુજબની જેમ સાથે ગયા. એક શિકારી શિકારની તપાસ માટે ઝાડની બખોલમાં મોઢું નાંખ્યું. બીજો શિકાર પાછળ ગયો હતો તો શિકાર કરીને આવ્યો. ત્રીજો ખાલી હાથે આવ્યો. આ અડધા કલાકથી બખોલમાં અટકેલો હતો. આ લોકો એ કહ્યું ચાલ હવે બહુ વાર થઈ પણ કોઈ રિએકશન ના આવ્યું. એટલે બીજા મિત્રોએ તેને ખેંચીને કાઢ્યો તો ટોપી પડી ગઈ. એનું માથું ગાયબ હતું. અહીં સુધી બરોબર પણ પછી  મિત્ર પૂછે છે કે આપણે આવ્યા ત્યારે એનું માથું હતું કે નહતું કે પછી બખોલમાં ગયો ત્યારે ગાયબ થયું ! એકતો આ ટોપી એટલી મોટી પહેરે છે કે માથું જ ના દેખાય. આવી અવઢવમાં તેઓએ નક્કી કર્યું કે એની પત્નીને ખબર હશે કે અહીં આવતા એનું માથું હતું કે નહિ. તેઓ તેની પત્ની પાસે ગયા. પત્નીએ પણ પાછો એવો જવાબ આપ્યો કે મને શું ખબર ! મારે તો લગ્નને હજી બે જ દિવસ થયા.

શું માથા વગરનો કોઈ માણસ હોય?

માથું ન હોય તો એના મિત્રોને એની ખબર ન હોય? અરે લગ્ન કરીને બે જ દિવસ થયા છે એટલે પત્નીને ખબર ન હોય?

કેમકે માથું તો હોય જ. એનો અર્થ એવો કે આ એક એવી વાર્તા હતી જેમાં માંથા વગરના માણસ હોઈ શકે. અથવા ભેજા વગરના વિચાર વગરના માણસના પ્રતિક રૂપે આવું કહેવાય. 

કદાચ અહીં માથું ન હોવું એટલે વિચાર શક્તિ ન હોવાની વાત હોવી જોઈએ પણ જે પ્રસ્તુતિની રીતી છે એ અદભુત કહી શકાય...

પૂજાએ પૂછ્યું  "આને એબ્સર્ડ વાર્તા કહી શકાય ?"  



રાજુ "એબ્સર્ડ વાર્તા એને કહી શકાય જ્યારે એનું ગ્રામર ના પકડી શકીએ. ઉદાહણરૂપે મધુ રાયની ‘ધારો કે ‘ નામની એક વાર્તા છે , એમાં વાર્તાની શરૂઆત જ આમ છે : ત્રણ મિત્રો હતા એક જન્મતા પહેલા મરી ગયો, બીજો જન્મતાં જન્મતા જ મરી ગયો, અને ત્રીજો જન્મ્યા પછી મરી ગયો....

 

ડબ્બા પાર્ટીની જેમ લાઈવ ટાસ્કમાં પણ રાજુએ બબ્બે વ્યક્તિની જોડી બનાવી પછી તેઓ પાસેથી જોડી દીઠ એક એક વસ્તુ લીધી. અને કહ્યું કે " હવે એ વસ્તુને છુપાવી દો અને ક્યાં છુપાવી છે એ તમારા પાર્ટનરને ખબર હોવી જોઈએ." એમ કહીને અમને કલાસની બહાર ચક્કર મારીને આવવા કહ્યું. આવ્યા બાદ એ વસ્તુને એવી રીતે શોધવાની કહી કે જાણે અમે જાણતા જ નથી કે તે ક્યાં છે. પછી એ વસ્તુ શોધીને આપવી. એમ કર્યા બાદ અમોને ફરીથી ક્લાસ બહાર ચક્કર મારવા મોકલ્યા પરત ફર્યા બાદ રાજુએ એ વસ્તુ છુપાવી દીધી હતી જે અમારે સાચ્ચે જ શોધવાની હતી. જે થોડી વારમાં માળી ગઈ. પછી બધાએ પોતપોતનું સ્થાન લીધું. 

રાજુ " જ્યારે તમને ખબર હોય કે વસ્તુ ક્યાં છે. અને જ્યારે ખબર ન હોય કે વસ્તુ ક્યાં છે એ બન્ને વખતે શોધવાના કાર્યમાં જે કુતૂહલ ઉમેરાયું તે મેજિક છે. માટેજ વાર્તા લખતી વેળા સાક્ષી ભાવ કેળવવો પડે. વાર્તામાં તમામ પાત્રોને તમે જાણો છો અને નથી પણ જાણતા. ફરી કહું છું કોઈના માટે વાર્તા નથી લખવાની. આખા વિશ્વમાં એક વ્યક્તિ એવું હોવું જ જોઈએ જેને તમારી વાત ગમતી હોય અને એ તમે છો."

હું તમને એક હોમવર્કમાં ત્રણ શબ્દો આપુ છું. એક હતો રાણી, રાણીની સમસ્યા , અને તેનું સમાધાન એક ચોર પાસે હોય. તેવી વાર્તા પાંચ દસ પંદર વાક્યોમાં લખો. 

મારા મનમાં રાણી નામની યુવતી એના ઉપર થી વાર્તા લખવું વિચાર્યું પણ ન લખી શકી તેથી મે ગીવ અપ કર્યું. અન્યોએ પોતપોતાની વાર્તા સંભળાવી. મોટાભાગના એ રાજા, વજીર, પ્રધાન જેવી જ વાર્તા લખી. એક પૂજાએ અલગ વાર્તા મધુ માખી ની રાણી એના ઉપર લખી. 

હવે બોલવાનો વારો રાજુનો હતો. કે" મોટાભાગના લોકોએ એ જ ઘરેડમાં આગળ વધીને વાર્તા લખી. જેમકે રાણી શબ્દ આવે એટલે રાજમહેલ રાજા એવું જ દેખાય પણ તે કોઈના દિલની રાણી પણ હોઈ શકે. બસ આ જ વાત આપણે છોડવાની છે મનમાં પહેલા પાંચ આઇડિયા આવે તેને ફેંકી દો. છઠ્ઠા આઇડિયાને લખો. તમારા બધા માંથી પૂજા એકલીએ અલગ વાર્તા લખી.

આ ટાસ્ક બાદ રાજુએ શિબિરમાં કેટલા લોકો ફરીથી આવવા માંગે છે તો આ શિબિર ફરી કરવી કે નહિ તે સમજાય તેની ચર્ચા કરી. જ્યોતિએ આ જગ્યા હંમેશા શિબિર માટે ઓપન હશે એની બાહેંધરી આપી. બધા ઊભા થઈને ફોટો સેશનમાં પડ્યા. અને છેલ્લે નીચે ટી પોસ્ટ ઉપર વાતોનો દૌર ચાલ્યો. વાર્તા વાતો થી તો શરૂ થાય. 😃

અને બધા એકબીજાને ફરીથી મળવાની પ્રતિબદ્ધતા સાથે આવજો કહીને છૂટા પડ્યા.

***

મારા પ્રતિભાવો ઉપરાંત એકદમ નવા નક્કોર આવેલા શિબિરાર્થીના અનુભવ તેમના જ શબ્દોમાં….

 

સુનીલ કઠવાડીયા :-

હું પદ્ય લેખન સાથે જોડાયેલ વ્યક્તિ છું, વાર્તા વાંચવાનો શોખ અને લખવાની ઈચ્છા તીવ્ર, પરંતુ કઈ રીતે શરૂઆત કરવી, ક્યાંથી શરૂઆત કરવી એવી અનેક મુંજવણ અને અસમંજસમાં વાર્તા લખવાની હિંમત નહોતી થતી, અચાનક વડોદરામાં એટલે કે ઘર આંગણે વાર્તા શિબિરનું આયોજન એટલે તો જાણે કે મોસાળે જમણવાર અને મા પીરસે એવો ભાવ થયો.

વાર્તા શિબિરમાં હાજરી બાદ એવું લાગ્યું કે વાર્તા લખવી એ એક અદ્ભુત કળા છે અને એ કળા વિકસાવા માટે સતત મહાવરો, એકાગ્રતા અને સમર્પણની પાયારૂપ જરૂરિયાત પૂર્ણ કરવી પડે. એકંદરે વાર્તાનો હાઉ દૂર થયો અને ભવિષ્યમાં પણ આવું જ શીખવા મળશે એવી આશા સાથે ખૂબ જ સુંદર આયોજન અને રસપ્રદ પદ્ધતિ સાથે અદ્ભુત આતિથ્ય....

 

વિજય પટેલ :-

ઘણી ઉપયોગી રહી શિબિર, હું કેટલા દિવસથી વિચારતો હતો કે લેખનની શુરુઆત કેવી રીતે કરવી, કયા મુદ્દા જરૂરી છે, જે પણ શીખવા મળ્યું એ નવું જ હતું, ખુબ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા હતા બધા મુદ્દાઓ, તમને બધા આયોજક અને રાજુભાઈ ને ખુબ ખુબ અભિનંદન,

 

આરતી પાઠક :-

મારો વાર્તા શિબિરનો અનુભવ કહું તો મને એવું ફીલ થયું કેહજી તો હું નર્સરીમા જ છું. કક્કા થી શરૂઆત થઈ પણ એનો મને આનંદ છે આવી શિબિર યોજાવી જરુરી છે. ટૂંકા સમયગાળામા પણ ઘણી જાણકારી મળી.

બધાનો ખૂબ જ આભાર. 🙏🏼



 

રૂપલ પંડ્યા :-

આરતીબેનની જેમ હું પણ પ્રાથમિક ક્લાસ માં જ છું .. સંસ્થા એનજીઓ ચલાવવા ને કારણે નાના અને અનોખા અનુભવો લખતી હતી ..પણ રાજુ ભાઈના વડપણ હેઠળ પહેલી કાર્યશાળામાં ભાગ લીધો .. એમણે એ ઇન્સ્ટંટ ટાસ્ક આપ્યું હતું એમાં આપણે આપણી જૂની ઘરેડ માંથી બહાર નીકળી શું નવું વિચારી શકાય એ ની સમજ મળી .. રાણી એટલે રાજા ની જ રાણી હોય એવું ન હોય એની સમજ આપી . .આવી શિબિર વડોદરામાં પણ યોજાય એવી અમારા બધાની ઈચ્છા છે ..ખુબ.આભાર 

########################################

2 comments :

  1. એ હાલો... હાલોને વાર્તા કરીએ રે... જાગુબેન.... અમેઝિંગ શબ્દ નાનો પડે તમારા આ અહેવાલની ફિલિંગ માટે... મંત્રમુગ્ધ બનાવી દીધા... એક એક નાની નાની વાત પણ તમે પકડી લાવ્યા હો.... મસ્ત... અહેવાલ લખવો એ તમારી સર્જનાત્મક ફરજ છે.. પ્લીઝ એને બજાવતા રહેજો અને અમને આમ જ ઉત્સાહિત કરતા રહેજો. આ વખતે મારું નામ ખૂબ બધીવાર આવ્યું.અને એ પણ કલર કરાય એમ... આભાર..

    ReplyDelete